
રાત્રે ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં ESPN પર અટકી જવું પડ્યું. બોક્સિંગના હેવી વેઇટ ચેમ્પિયન મહંમદ અલી અને જો ફ્રેઝિયર વચ્ચે ૧૯૭૫માં થયેલી એક મહત્ત્વની ફાઇટ શરૂ જ થવાની હતી. મહંમદ અલી વિષે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને લખ્યું પણ છે, પણ તેમની કોઇ ફાઇટ જોવાની આ પહેલાં કદી કોઇ તક મળી નહોતી. પંદર રાઉન્ડની એ આખી ફાઇટ જોઈ. ૨૮૦૦૦ પ્રેક્ષકો સામે અલીના મુક્કાઓનો ફ્રેઝિયર ૧૪ રાઉન્ડ સુધી સામનો કરતો રહ્યો, પણ પંદરમો રાઉન્ડ શરૂ થયા પહેલાં જ તેણે હાર સ્વીકારી લીધી. મહંમદ અલી શા માટે મહાન બોક્સર હતા તેનો ખ્યાલ કદાચ આ એક ફાઇટ જોઇને ન આવી શકે, પણ બોક્સિંગ રિંગના તેઓ કિંગ હતા એ તો આ એક ફાઈટ જોઇને પણ સમજી શકાય તેવું હતું.
ફાઇટ શરૂ થયા પહેલાં અલી અને ફ્રેઝિયર મળે છે, ત્યારે અલી જે કંઇ કહે છે તે સાંભળી શકાયું નહિ, પણ આપવડાઇ કરવાંમાં પણ બેજોડ આ બોક્સર શું બોલ્યો હશે તેની કલ્પના કરવી બહુ અઘરી નથી. ફાઇટ શરૂ થયા પહેલાં રિંગમાં વિજેતાને અપાનાર ટ્રોફી પ્રદર્શિત કરાઇ ત્યારે અલીએ પ્રેક્ષકો સામે જોઇને એવો ઇશારો કર્યો હતો કે આ ટ્રોફી મારી જ છે, એટલું જ નહિ, એક તબક્કે તો તે ટ્રોફીને ઊંચકીને રિંગમાં પોતે જ્યાં બેસવાનો હતો તે ખૂણામાં મૂકી આવ્યો હતો.
મહંમદ અલીનું મૂળ નામ કેસિયસ માર્શેલસ કલે જુનિયર. ૧૯૬૪માં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેઓ મહંમદ અલી બન્યા હતા. નાનપણથી જ એક સફળ બોક્સર બનવાના બધા જ ગુણ તેમનામાં હતા. ૧૮ વર્ષની ઉંમર થતા સુધીમાં તેઓ જુનિયર લેવલની ૧૦૮ મેચ જીતી ચૂક્યા હતા અને માત્ર આઠ જ મેચ તેઓ હાર્યા હતા. આ ૧૦૮ મેચમાં રોમ ઓલિમ્પિકમાં મળેલા વિજયનો પણ સમાવેશ થતો હતો.
ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અલી સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. દુનિયા તો અલીને માત્ર “ધ ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ બોક્સર” તરીકે જ ઓળખે છે, પણ અલી માત્ર એક રમતવીર જ નહિ, તેમના સમયમાં ચાલતી રંગભેદ અને જાતિભેદની ઝુંબેશના મશાલચી પણ હતા. ૧૯૪૨ની ૧૭ જાન્યુઆરીએ અમેરિકાના કેન્ટકીના લુઇસવિલેમાં જન્મેલા અલીએ ૧૯૬૦ની ૨૯ ઓક્ટોબરે પહેલી પ્રોફેશનલ ફાઇટ જીત્યા બાદ કદી પાછું વળીને જોયું નહોતું. ૨૨મા વર્ષે અલીએ તે સમયના હેવી વેઇટ ચેમ્પિયન સોની લિસ્ટનને પહેલી જ મેચમાં હરાવી દીધો હતો.
તેઓ લશ્કરમાં ન જોડાયા અને વિવાદાસ્પદ વિધાનો કર્યાં તે કારણે તેમના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ૧૯૭૧માં ત્રણ વર્ષ બાદ પ્રતિબંધ ઉઠાવી લેવાયો તે દરમ્યાન જો ફ્રેઝિયર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો હતો. અલી રમતમાં પાછા ફરતાં બંને વચ્ચે મુકાબલો રખાયો. આ ફાઇટનું મહત્ત્વ એટલું હતું કે તેને ”ધ ફાઇટ ઓફ ધ સેન્ચ્યુરી” નામ અપાયું હતું. એ પહેલાં એક પણ ફાઇટ ન હારનાર અલીનો ફ્રેઝિયર સામે પરાજય થયો હતો, પણ ૧૯૭૪માં બંને વચ્ચે ફરી એક ફાઇટ થઈ તેમાં અલીએ ફેઝિયરને હરાવી દીધો હતો. તે સમયે વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેન હતો. અલી તેને પણ હરાવીને ચેમ્પિયન બન્યા હતા અને પછી આ રમતમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી આ ટાઇટલ તેમણે જાળવી રાખ્યું હતું. પોતાની કારકિર્દીમાં તેમનો કુલ ૫૬ ફાઇટમાંથી પાંચમાં જ પરાજય થયો હતો. પોતાના સમયના તમામ હેવી વેઇટ બોક્સરોને પરાસ્ત કરનાર અલી “પ્યુજિલિસ્ટિક પાર્કિન્સન્સ સિન્ડ્રોમ”નો ભોગ બન્યા છે.
કાર્લ માર્ક્સે લખ્યું છે કે “માણસો પોતાનો ઇતિહાસ જાતે જ રચતા હોય છે, પણ પોતાને આનંદ આવી શકે તે રીતે રચતા હોતા નથી.” મહંમદ અલી વિષે એમ કહી શકાય કે તેમણે જાતે જ પોતાનો ઇતિહાસ રચ્યો. પોતાને આનંદ આવે તે રીતે…

“I hated every minute of training, but I said, ‘Don’t quit. Suffer now and live the rest of your life as a champion.’” (Muhammad Ali)