
ચૂંટણીઓ માથે છે. સત્તા પર આવવા માટેની રાજકીય તડજોડ તેની ચરમસીમાએ છે અને જેમજેમ દિવસ નજીક આવતો જશે તેમતેમ અવનવા રંગ જોવા મળશે. NDA
અને UPA પોતપોતાના મોરચા મજબૂત કરવામાં પડ્યા છે. નિવેદનબાજો બરાબર સક્રિય છે.
આવે ટાણે એક મજાની ઘટના બની છે, પણ એ તરફ લોકોનું ખાસ ધ્યાન દોરાયું નથી, કારણ કે જેઓ ધ્યાન દોરી શકે તેમ છે એ નેતાઓ એ તરફ કોઈનું ધ્યાન ન જાય એ માટે
ભૂલેચૂકે પણ કંઇ ન બોલાય જાય તેનું ધ્યાન રાખી રહ્યા છે.
ઘટના વિષે જાણતાં પહેલાં એક સાદો પ્રશ્ન. એવો કોઇ રાજકીય મોરચો રચાઇ શકે ખરો જેમાં કોંગ્રેસ, ભાજપ અને ડાબેરીઓ ત્રણેય હોય? જેઓ આ પ્રશ્નનો જવાબ નામાં આપવા ઇચ્છતા હોય તેમને માટે સમાચાર છે કે આવો એક મોરચો રચાઇ ચૂક્યો છે.
આ વખતે લોકસભાની ચૂંટણીઓની સાથોસાથ સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ છે. વિધાનસભાની કુલ ૩૨ બેઠકો છે. ૧૯૯૪થી અહીં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સત્તા પર છે. ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૪ આ ત્રણેય ચૂંટણીઓમાં તેણે જ્વલંત બહુમતી મેળવી હતી. ૧૯૯૪માં ભાજપના ૩ અને સીપીએમના બે પૈકી એક પણ ઉમેદવાર જીત્યો નહોતો. કોંગ્રેસના ૩૧ પૈકી બે જીત્યા હતા, અને SDFના ૩૨માંથી ૧૯ જીત્યા હતા. ૧૯૯૯માં કોંગ્રેસના ૩૧ અને સીપીએમના બેમાંથી કોઇ જીત્યું નહોતું અને ભાજપે તો એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. SDFના ૩૧માંથી ૨૪ ઉમેદવારો જીત્યા હતા. ૨૦૦૪માં તો ત્રણેય પક્ષોની હાલત ઓર કફોડી થઈ હતી. ભાજપના ૪ અને સીપીએમના એકમાંથી કોઇ જીત્યું નહિ અને કોંગ્રેસના ૩૧માંથી માત્ર એક જ ઉમેદવાર જીત્યો. બાકીની તમામ ૩૧ બેઠકો SDFને મળી.
હવે ૨૦૦૯માં SDFને કોઈ પણ ભોગે હરાવવા માટે એટલે કે કોઈ પણ ભોગે સત્તા પર આવવા માટે રાજકારણીઓ જે કંઈ કરી શકે એ કોંગ્રેસ, ભાજપ અને સીપીએમે કર્યું છે. બધાએ પોતપોતાના સિદ્ધાંતોનું પોટલું વાળીને અભેરાઇએ ચઢાવી દીધું છે અને SDF ને હરાવવા સાથે મળીને એક મોરચો રચ્યો છે. એ મોરચો છે યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF). તેમાં બે-ત્રણ સ્થાનિક પક્ષો પણ જોડાયા છે, પણ ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ એક જ મોરચામાં હોય એને સત્તાની લાલસા જ શક્ય બનાવી શકે
વળી આ મોરચાની એક નવીનતા પણ છે. એક જ મોરચામાં હોવા છતાં બેઠકો માટે સમજૂતિ કરવાના નથી. કોંગ્રેસ તો મોટા ભાગે બધી બેઠકો પર ચૂંટણી લડતો રહ્યો છે, પણ ભાજપ અને ડાબેરીઓ કેટલી બેઠકો પર લડશે એ જોવું રસપ્રદ બની રહેશે. વધુ મજાની વાત એ છે કે ત્રણેય પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આ મોરચાને સિક્કિમની સ્થાનિક જરૂરિયાત ગણાવીને એનાથી અંતર રાખી રહ્યા છે અને સિક્કિમમાં પ્રચાર વખતે ત્રણેય પક્ષના નેતાઓ એક જ મંચ પર ન આવે તેની કાળજી રખાઇ રહી છે.
માત્ર યેનકેન પ્રકારેણ સત્તા પર આવવા માટે મોરચો રચવાનો વાંધો નથી, પણ એકબીજા પ્રત્યેની આભડછેટ પાછી ચાલુ રાખવાને “છાસ લેવા જવું ને દોણી સંતાડવી” જ કહીશું ને?

જોરદાર સમાચાર આ તો !!!
સાચ્ચે જ સત્તાની ભૂખ માણસના મગજને કેટલી હદે મ્યુટેટ કરી દે કે એ માણસ જ ના રહે એ કદાચ સૌથી ભૂંડું સત્ય કહી શકાય …
અને પૂર્વોત્તર રાજ્યોને તો આમેય વર્ષોથી અન્યાય થતો જ આવ્યો છે … કોઈને ક્યાં કશી લેવાદેવા છે… અડધા ભારતને તો ખબર જ નહિ હોય કે આવા પણ કોઈ રાજ્યો છે અને ત્યાં આવું થતું હશે…
મિડીયાને તો બોલીવુડ, નેતાઓ, ક્રિકેટ, આતંકવાદીઓ, અને ઓબામા… બસ આ પાંચ વિષયોમાંથી બહાર આવતા જ ૨૪ કલાક પૂરા થઈ જાય છે એટલે એ લોકો બિચારા બીજું કશું તો બતાવી જ ક્યાંથી શકે !!!
એવાં તો કેટલીય ઘટનાઓ ઘટતી રહે છે જે આ પાંચ વિષયો કરતાં ક્યાંય વધુ મહત્વની કહી શકાય પણ બસ લોકો ને માથે આ પાંચને જ માર્યા કરવાનું આખું જે ષડયંત્ર ચાલે છે તે જેમ બને તેમ જલ્દી ખતમ થાય એ જ અખંડ ભારતને ટકાવી રાખવા માટે જરૂરી લાગી રહ્યું છે… નહિતો સરદાર પટેલની મહેનત પર પાણી ફરી વાળવામાં આ લોકો કોઈ કસર બાકી નથી રાખી રહ્યાં ..
જબરી વાત છે. છાપાં આ સમાચાર આવ્યા – પણ એકદમ નાનકડી કોલમમાં ખૂણા-ખાંચરામાં! ખરેખર તો આ હેડલાઇન બનવી જોઇએ. પણ, ના બની. કારણ? કારણ એ કે બધા છાપાં, મિડીયા વાળા પહેલેથી વેચાઇ ગયા છે અને સૌને કૃપાદ્રષ્ટિ જોઇએ છે..
સાચી વાત છે…. નેતાઓ પોતાની ખુરશી માટે કઇ હદે જઇ શકે તેનુ આ સ્પષ્ટ ઉદાહરણ છે…. તેમને પ્રજા કે તેમની સગવડોની કોઇ ફિકર નથી, બસ ગમે તેમ જોડી તોડીને પણ ખુરશી મળવી જોઇએ….
આવતી ચૂટણીમા કોઇ વોટ આપવા લાયક લાગતુ જ નથી ….. કેવી વિચિત્રતા??
પ્રાસંગિક સરસ લેખ….
breaking news………….!!
આ સમાચારનો અખબારોમાં ઉલ્લેખ નથી થયો એવો ઉલ્લેખ અહીં એક વાચકે કર્યો છે. તેમની જાણ માટે આ લીન્ક મૂકી છેhttp://www.gujaratsamachar.com/beta/Delhi-Ni-Vat/dl180209.html
K P Dodiya remembers you sir,
“kishor p dodiya” , kishor.dodiya@yahoo.com, kkathiyawadi@gmail.com