૨૦૧૦ ગુજરાતની સ્થાપનાનું અર્ધશતાબ્દી વર્ષ છે. તેની સ્વર્ણિમ ઉજવણી તો થવાની જ, પણ વીતેલાં પચાસ વર્ષો દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે શુંશું મેળવ્યું, કેટલું મેળવ્યું અને ક્યાં ખોટ પડી એનાં સરવૈયાં પણ થવાનાં જ. આવું જ એક સરવૈયું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું છે. શીર્ષક છે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” (૨૫૮ પાનાંના આ પુસ્તકની કિંમત છે ૧૭૫ રૂપિયા). જેતે ક્ષેત્રના જાણકાર લેખકોએ લખેલા લેખોનું સંપાદન યશવન્ત મહેતાએ કર્યું છે.

દેશની આઝાદીને ૫૦ વર્ષ થયાં હતાં ત્યારે પ્રગટ થયેલા “અર્ધશતાબ્દીનું અવલોક્ન” (સંપાદન : યશવન્ત મહેતા)ને પગલે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” આવ્યું છે. ૨૦ લેખકોના ૨૨ લેખોને આ ગ્રંથમાં સમાવાયા છે. એમ કહી શકાય કે ૨૦ લેખકોએ ૨૨ વિવિધ ક્ષેત્રોનું ૫૦ વર્ષોનું જે સરવૈયું આપ્યું છે તેનો તાળો યશવન્તભાઇએ મેળવ્યો છે. તેમની પ્રસ્તાવનાનું શીર્ષક જ છે “આવો, તાળો મેળવીએ.”
૨૦ લેખકોએ જે ૨૨ વિષયોને આવરી લીધા છે તેમાં આદિવાસીઓના જીવન તથા અર્ધશતાબ્દી અને પત્રકારત્વ (ઇન્દુકુમાર જાની), વિગ્નાન, ટેકનોલોજી અને ઉદ્યોગો (ડો. કિશોર પંડ્યા), ગુજરાતમાં મહિલાઓનું સ્થાન (ગાર્ગી વૈદ્ય), પ્રકાશનપ્રવૃત્તિ (જિતેન્દ્ર દેસાઇ), લુપ્ત થતા લોકવારસાનું જતન (જોરાવરસિંહ જાદવ), ટીવીમય ગુજરાત (તુષાર તપોધન), ગુજરાતના રાજકીય પ્રવાહો (દિનેશ શુક્લ), પ્રકૃત્તિ અને પર્યાવરણ (નટવર હેડાઉ), ગુજરાતીઓની બદલાયેલી લાઇફસ્ટાઇલ : મહાગુજરાતથી મોલ કલ્ચર સુધી (બેલા ઠાકર), ગુજરાતી રંગભૂમિ – રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં (ભરત દવે), ગુજરાતના આર્થિક પ્રવાહો તથા ગુજરાતના ભદ્ર વર્ગનો બદલાયેલો ચહેરો (રમેશ બી. શાહ), કૃષિ અને ગ્રામવિકાસ (ડો. રવીન્દ્ર અંધારિયા), અર્ધશતાબ્દીનું ગુજરાતી સાહિત્ય – એક વિહંગાવલોકન (રવીન્દ્ર ઠાકોર), રમતગમત – સિદ્ધિઓથી ઘણા દૂર (સુધીર તલાટી), પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ (શાંતિભાઇ બી. પટેલ), અર્ધશતાબ્દી અને પંચાયતી રાજ (શિવદાન ગઢવી), ગુજરાતની દૃશ્યક્લા (હકુ શાહ), ગુજરાતની સેવાસંસ્થાઓ (હરિણેશ પંડ્યા) અને ગુજરાતનાસંગીતની અર્ધશતાબ્દી (ડો. હસુ યાગ્નિક)નો સમાવેશ થયો છે. ગુજરાતી ફિલ્મો વિષે લખવાનું મારા ભાગ્યે આવ્યું છે.
સંપાદકે લખ્યું છે તેમ અર્ધશતાબ્દીએ ગુજરાતના વિકાસની આ રૂપરેખામાં અમુક લેખની ક્ષતિપૂર્તિ કરવા સ્પેસ ફિલરનો ઉપયોગ કરીને પણ ઘણી ઉપયોગી માહિતિ અપાઇ છે. આ ગ્રંથના ઉદભવ સંદર્ભે યશવન્તભાઇએ એક મજાની નોંધમાં લખ્યું છે… “એક દૃ્ષ્ટિએ જોતાં, પચાસ વર્ષનો ગાળો બહુ ટૂંકો ગણાય, અને એટલા ગાળામાં થયેલાં પરિવર્તનો વિરાટ કાળપટના સંદર્ભમાં તુચ્છ લાગે. વળી, પચાસ વર્ષ પૂરાં થયા પછી તરત જ એનું મૂલ્યાંકન કરવા બેસીએ તે પણ કદાચ ઘણું વહેલું લાગે. ૧૯૬૦ના દાયકામાં કોઇકે માઓ જે-દુંગને પૂછેલું કે ફ્રેન્ચ ક્રાંતિનું જગત-ઇતિહાસમાં શું મહત્ત્વ છે, ત્યારે માઓએ કહેલું કે એ કહેવું ઘણું વહેલું ગણાય. (ત્યારે ફ્રેંચ ક્રાંતિને બે શતાબ્દીઓ વીતી ચૂકી હતી!) …અને છતાં વખતોવખત આત્મનિરિક્ષણ, આત્મટિપ્પણ અને આત્મમૂલ્યાંકન કરવાનું સમાજના સર્વાંગી હિતમાં હોવાથી, અર્ધશતાબ્દી નિમિત્તે કંઇક આવું આત્મ-અવલોકન કરવું મુનાસિબ લાગ્યું…”
ગુજરાતી ફિલ્મોનાં ૫૦ વર્ષના મારા વિષયની વાત કરું લેખ લખાયો અને ગ્રંથનું પ્રકાશન થયું એ વચ્ચે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. વીતેલા એક વર્ષ દરમ્યાન બીજાં બધાં ક્ષેત્રોમાં જે કંઇ પરિવર્તનો થયાં હોય, ગુજરાતી ફિલ્મો ઠેરની ઠેર જ છે. હા, ફિલ્મો ઊતર્યે જાય છે, અને તેની સંખ્યા મોટી થતી જાય છે, વચ્ચે એવા પણ અહેવાલ હતા કે એકાદ-બે ફિલ્મોનાં શૂટિંગ લંડનમાં પણ થયાં છે. એવી બધી વાતોથી જો રાજી થઈ શકાતું હોય તો થઈ શકાય. બાકી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બનેલી મરાઠી ફિલ્મને ઓસ્કરમાં મોકલવાની ઘટના પાંચ વર્ષમાં બીજી વાર બનતી હોય ત્યારે અર્ધશતાબ્દી વર્ષમાં આપણે પણ “બી પોઝિટિવ”નો મંત્ર અપનાવીને એવી આશા રાખીએ કે ગુજરાતી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી આપણો દિવસ પણ ફરશે…

પ્રિય હરસુખભાઇ,
ઘણા વખતે આપના બ્લોગ પર પહોંચ્યો અને એક સાથે ઘણા બધાં વણવાંચેલા લેખ મળ્યા એટલે મજા આવી.
આપની વાત સાચી છે, હિન્દી ફિલ્મોમાં એક મોટો ફાળો ગુજરાતીઓનો છે, પરેશ રાવલથી લઇને સંજય લીલા ભણસાળી સુધી, પણ આમાંથી કોઇ ગુજરાતી ફિલ્મમાં દેખાયા નથી, અથવા ખૂબ ઓછા કાર્યરત છે, જ્યારે મરાઠી કલાકારો તેમની માતૃભાષાની ફિલ્મોમાં ઘણી વખત દેખાય છે. પરેશ રાવલે એક ઇંટર્વ્યુમાં કહ્યું હતું તેમ “કોઇ સરસ ગુજરાતી ફિલ્મમાં કામ કરવું છે, પણ સ્ક્રિપ્ટ તો આવવી જોઇએ ને!.”
ક્યારેક તો આ બદલાવું જ જોઇએ….
I m not ardent enemy of Gujarati films but still, I think these Gujrati directors and producers think that all people in Gujarat are mentally retarded so they dont need to think to see our movies!!
These so called directors should be banned in public interest.
i am not arbett of gujrati films but still