“ચિત્રાંગદા” મૂળ તો ટાગોરની એક નૃત્યનાટિકા છે, અને વર્ષોથી તેનું મંચન થતું રહે છે. ૧૯૫૫માં તેનો આધાર લઈને દિગ્દર્શક હેમચંદ્ર અને સૌરેન સેને આ જ નામની ફિલ્મ બનાવી હતી. ૧૮૯૨માં લખાયેલી નૃત્યનાટિકા ”ચિત્રાંગદા”ની કથા મૂળ તો મહાભારતમાં છે. તે અર્જુનની પત્ની હતી, અને મણિપુરના રાજાની કુંવરી હતી. અર્જુન એક વાર ફરતોફરતો મણિપુર જઈ ચઢે છે. ત્યાં ચિત્રાંગદાને જોઇને મોહી પડે છે, અને રાજા પાસે તેનો હાથ માંગે છે. રાજા એક શરત મૂકે છે કે તેનાં જે બાળકો થશે તેમને તે પોતાની સાથે લઈ જઈ શકશે નહિ , કારણ કે મણિપુરની રાજપરંપરા પ્રમાણે દીકરીનાં સંતાન ગાદીનાં વારસદાર બને છે. અર્જુન કહે છે કે તે પોતાનાં સંતાન કે ચિત્રાંગદા કોઇને મણિપુરથી દૂર નહિ લઈ જાય. બંનેનાં લગ્ન થાય છે અને સમય જતાં અર્જુન બબ્રુવાહનનો પિતા બને છે, જે મોટો થઈને મણિપુરની ગાદીએ બેસે છે.
આ કથાને ટાગોરે પોતાની રીતે નૃત્યનાટિકામાં આલેખી છે, અને તેમની મોટા ભાગની કૃતિઓમાં જોવા મળે છે તેમ સ્ત્રી પાત્રને તેમણે વધુ મજબૂત બનાવ્યું છે. ટાગોરની કથામાં ચિત્રાંગદા મણિપુરના રાજાનું એકમાત્ર સંતાન છે. સાધારણ સૌંદર્ય ધરાવતી ચિત્રાંગદા રાજગાદીની વારસ હોઇને પુરુષોનાં કપડાં પહેરતી હોય છે. એ રીતે જ તે હંમેશાં પોતાનાં લોકોના રક્ષણની ફરજ બજાવતી રહે છે. તેને કારણે પ્રજામાં તે બહુ પ્રિય છે.
એક દિવસ તે અર્જુનને જુએ છે. અર્જુન જે રીતે જંગલમાં શિકાર કરી રહ્યો છે તે જોઇને તે અર્જુનના પ્રેમમાં પડી જાય છે. અર્જુન સામે તે જાય છે ત્યારે અર્જુન તેની યુદ્ધકળા પર વારી જાય છે, પણ એ સિવાય એ તેના પર ધ્યાન આપતો નથી. આ બાજુ ચિત્રાંગદા અર્જુનના ગળાડૂબ પ્રેમમાં છે, પણ તે એવું માને છે કે પોતે અર્જુનને જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ અર્જુન નહિ કરી શકે. તે કામદેવને પ્રસન્ન કરીને એક મહિના માટે અત્યંત સુંદર યુવતી બનીનેઅર્જુન સમક્ષ જાય છે. અર્જુન તેને જોઇને જ તેના પ્રેમમાં પડી જાય છે, પણ ચિત્રાંગદા એ વાતે દુ:ખી છે કે અર્જુન તેને નહિ પણ તેના સુંદર રૂપને ચાહે છે. તે ઇચ્છે છે કે અર્જુન તેને પોતે જેવી છે એ જ રૂપમાં તેને સાચો પ્રેમ કરે.
દરમ્યાનમાં મણિપુર પર જ્યારે હુમલો થાય છે ત્યારે અર્જુન લોકો પાસેથી જાણે છે કે તેમની રાજકુંવરી બહાદુર યોદ્ધો છે. ત્યારે ચિત્રાંગદા પોતાના અસલ રૂપમાં લોકોનું રક્ષણ કરવા આવી પહોંચે છે. હુમલાખોરો સામે બહાદુરીથી લડીને તેમને મારી ભગાવે છે. હવે અર્જુન ચિત્રાંગદાના ખરા પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરે છે.
અશોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સમીરકુમાર, જોહર રોય, માલા સિંહા અને ઉત્પલ દત્ત જેવાં કલાકારોએ કામ કર્યૂં હતું. સાથેની તસવીર હાલના સમયમાં ભજવાયેલી નૃત્યનાટિકાની છે.


[...] હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ [...]