Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2008

“ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…” આ એક જ ગીતે જેમને અમર બનાવી દીધાં છે અને આવાં તો અનેક કર્ણપ્રિય અને ભાવવાહી  ગીતો અને ભજનો થકી હિન્દુસ્તાનના ઘટઘટમાં વસેલાં જુથિકા રોયની આત્મકથાનો ગુજરાતી અનુવાદ “ચૂપકે ચૂપકે બોલ મૈના” વાંચીને જે પહેલી લાગણી થઈ તે એ કે એક મહાન જીવનના જાણે સાક્ષી બવી શકાયું. તેનું કારણ કદાચ એ કે એકદમ સરળ બાનીમાં તે એટલું સહજ રીતે આલેખાયું છે કે બધું જાણે આપણી નજર સામે બનતું હોય એવું જ લાગ્યા કરે. પોતે એક મહાન ગાયિકા છે તો શા માટે મહાન છે એ વાચક પર થોપવાનો ક્યાંય કોઈ પ્રયાસ નહિ. પોતાની મહાનતા સિદ્ધ કરવાની ક્યાંય કોઇ ચેષ્ટા નહિ. વાંચતી વખતે સતત લાગ્યા કરે કે માત્ર સંગીતને જ વરેલું એક સરળ જીવન મહાનતાના શિખર સુધી ન પહોંચે તો જ નવાઇ.

૧૯૨૦ની ૨૦મી એપ્રિલે હાવડા જિલ્લાના આમતા ગામમાં જન્મેલાં જૂથિકાએ ગાયેલા “આમિ ભોરેર જૂથિકા..”ની પ્રથમ રેકોર્ડ ૧૯૩૪માં બહાર પડી ત્યારે તેમની વય માત્ર ૧૪ વર્ષની હતી અને હજી તો તેઓ શાળામાં ભણતાં હતાં. જોકે એ પહેલાં અને એ પછી પણ સંગીત શીખવા તેઓ જે મહેનત કરતાં રહ્યાં એની ઝીણીઝીણી વિગતો વાંચીને છક થઈ જવાય. ગાયિકા તરીકે તેમની કારકિર્દીની ગાડી તો તેઓ શાળામાં ભણતાં હતાં ત્યારે જ એવી પૂરપાટ દોડવા માંડી હતી અને મુંબઈથી માંડીને બીજે બધે તેમના એટલા કાર્યક્રમો થવા લાગ્યા હતા કે ઘણી ઈચ્છા છતાં તેઓ કોલેજનું શિક્ષણ મેળવી શક્યાં નહોતાં.

માતા-પિતા, ભાઇ-બહેનો, વડીલો, ગુરુઓ, ગુણીજનો એક વ્યક્તિની સંગીતસાધનામાં કેવું તો સુંદર યોગદાન આપી શકે છે અને વ્યક્તિ પોતે પણ ધારે તો પોતાના નિર્ધારિત માર્ગ પર ગમે તેવા અવરોધો વચ્ચે પણ કેટલી સહજતાથી આગળ વધતી રહી શકે છે એનું જૂથિકા રોય જ્વલંત ઉદાહરણ છે.

જુથિકા માત્ર ૧૧ વર્ષનાં હતાં ત્યારે સાડા તેર વર્ષની એક મોટી બહેન અને આઠ વર્ષની એક નાની બહેન સાથે મળીને સ્વામી વિવેકાનંદના આદર્શને સામે રાખીને બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનો, માછલી-માંસ-ઈંડાં નહિ ખાવાનો, નાની કિનારની સફેદ સાડી પહેરવાનો અને કોઈ એશોઆરામમાં ન પડવાનો સંકલ્પ કર્યો હતો. બાર વર્ષ પૂરાં થતાં બીજી બંન્ને બહેનોએ સંકલ્પ છોડી દીધો હતો, પણ જૂથિકાએ સંકલ્પ ન છોડ્યો અને એ આદર્શ મુજબનું જ જવન જીવ્યાં છે. એક બીજો નિર્ણય તેમણે એ કર્યો હતો કે ફિલ્મો માટે ન ગાવું. ફિલ્મોમાં ગાવાની તેમને ઓફરો મળવા માંડી ત્યારે ભક્તિગીતો ગાવામાં તેઓ એવાં ગળાડૂબ હતાં કે એ ભક્તિભાવ સદાય જળવાય રહે એ માટે થઈને તેમણે આ નિર્ણય લીધો હતો. તેમ છતાં દેવકી બોઝ જેવા ફિલ્મકારોએ તેમની તમામ શરતો માન્ય રાખીને તેમનો સંકલ્પ તોડાવ્યો હતો અને તેમણે ત્રણ ફિલ્મોમાં કુલ છ ગીતો ગાયાં હતાં એ પણ ભક્તિગીતો જ હતાં. બંગાળી અને હિંદી ઉપરાંત ઉર્દૂ અને તમિળ ગીતો તેમણે ગાયાં છે

જૂથિકા રોયની સ્મૃતિકથા “ચૂપકે ચૂપકે બોલ મૈના” શ્રી હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશન (આશાપુરા ગ્રૂપ, મુંબઈ)એ પ્રગટ કરી છે. ગુજરાતીમાં આ પુસ્તકનું પ્રકાશન થાય અને તેના લોકાર્પણ વેળા જૂથિકા રોયને સવા લાખ રુપિયા માનધન આપીને સન્માન કરવા “જૂથિકા રોય સન્માનસમિતિ”એ જે અથાગ પ્રયાસો કર્યા તે વિના એ શક્ય ન બની શક્યું હોત. રજનીકુમાર પંડ્યા અને ઉર્વિશ કોઠારી સહિત સમિતિના પાંચેય સભ્યોનો આભાર…

 

Read Full Post »

ત્રણેક વર્ષ પહેલાં અંગ્રેજી નવલકથા “પોલીએના” ઘરમાં આવી હતી. પ્રતીક્ષાને તેની કોઈ ફ્રેન્ડે ગિફ્ટ આપી હતી. પુસ્તક વિષે ખાસ માહિતી નહોતી એટલે એકાદ-બે વાર હાથમાં લઈને મૂકી દીધું હતું. પ્રતીક્ષા તો એ વખતે જ વાંચીને ખુશ થઈ ગઈ હતી, પણ એ પછી હું “પોલીએના”ને સાવ ભૂલી ગયો. ચાર-પાંચ દિવસ પહેલાં ફરી “પોલીએના”નો ગુજરાતી અનુવાદ ઘરમાં આવ્યો. આ વખતે ચંદ્રિકાએ વાંચી અને ખૂબ વખાણી. એ વખતે પ્રતીક્ષાએ કહ્યું, “દરેક માણસે જીવનમાં એક વાર તો “પોલીએના” વાંચવી જ જોઈએ.”

મને થયું, એમાં એવું તે શું છે? આ નવલકથા વાંચવી શરૂ કરતા પહેલાં મેં “પોલીએના” તથા તેનાં લેખિકા એલીનોર પોર્ટર વિષે માહિતી મેળવી તો દંગ થઈ ગયો. એલીનોર પોર્ટરે ઘણું બાળસાહિત્ય લખ્યું છે, પણ ૧૯૧૩માં પ્રગટ થયેલી “પોલીએના”એ તેમને જબ્બર ખ્યાતિ અપાવેલી. વર્ષોથી આ કૃતિ વિશ્વના પ્રશિષ્ટ સાહિત્યમાં સ્થાન ધરાવે છે. તેના પરથી ફિલ્મો અને સિરિયલો બની ચૂકી છે. “પોલીએના”નું પાત્ર કેન્દ્રમાં રાખીને સીરીઝ પણ લખાઈ ચૂકી છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થઈ ચૂક્યા છે. ગુજરાતીમાં રશ્મિબહેન ત્રિવેદીએ છેક ૧૯૭૫માં તેનો અનુવાદ કર્યો હતો અને ૨૦૦૬ સુધીમાં તેની ચાર આવૃત્તિઓ પણ થઈ ચૂકી છે. “પોલીએના” કિશોરો માટેનું સાહિત્ય છે, પણ કોઈ પંણ ઉંમરના વાચકને જિંદગી જીવવાની જડીબુટ્ટી આપી શકે તેવું સક્ષમ છે.  

આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં રાજી થવાનાં ઘણાં કારણો તો હોય જ છે, પણ આપણે ઝટ રાજી થઈ શકતા નથી અથવા તો બહુ ઓછા રાજી થઈ શકીએ છીએ. કેટલાક તો જાણે ક્દી રાજી ન થવું એવા સોગંદ જ જાણે લઈને બેઠા હોય છે. આવા લોકો વિષે કહેવાતું પણ હોય છે કે “એને ઝટ ખુશ કરી શકાતો નથી.”

પોલીએના ૧૧ વર્ષની એક બાળા છે. આટલી નાની વયમાં જ તે ઘણાં દુખ જોઇ ચૂકી છે. નાની હતી ત્યારે તેની માતા ગુજરી ગઈ. ગરીબ પાદરી પિતાએ તમામ અભાવો વચ્ચે તેને ઉછેરી. અભાવોનો અહીં અર્થ છે ભૌતિક ચીજોનો અભાવ, બાકી મરતા પહેલાં પિતા પણ તેને એ બધું આપતા ગયા હતા જે પૈસાથી ખરીદી શકાતું હોતું નથી. પિતા તેને એક રમત શીખવતા ગયા હતા. એ હતી “રાજી થવાની” રમત. દરેકેદરેક બાબતમાંથી રાજી થવાનું કોઈ ને કોઈ કારણ શોધી કાઢવું.

લોકોએ આપેલી સહાયથી મોટી થયેલી પોલીએના તેની ખૂબ પૈસાદાર માસી મિસ પોલી સાથે રહેવા આવે છે. આ માસી પણ એવા લોકોમાંની એક છે, જે ભાગ્યે જ કોઈ વાતે ખુશ થતી હોય. પણ પોલીએના તો જે તેના પરિચય્માં આવતું જાય તેને પોતાની “ગ્લેડ ગેમ”માં સામેલ કરતી જાય છે, ને બધાંનાં દિલ જીતતી જાય છે. માસીનું દિલ જીતતાં તેને થોડો સમય લાગે છે, પણ પોલીએના તેમને એવા સમયે રાજી થતાં શીખવી શકે છે, જ્યારે સંજોગો જ એવા સર્જાય છે, જ્યારે મિસ પોલી માટે રાજી થવું ખરેખર મુશ્કેલ બની રહે છે. પણ પોલીએના તો કહેતી જ કે રાજી થવું મુશ્કેલ હોય ત્યારે તો આ રમત રમવાની ઓર મજા આવે.

પહેલી બેઠકે ૪૦ પાનાં અને બીજી બેઠકે આખું પુસ્તક વાંચીને ઊભો થયો ત્યારે સમજાયું નહિ કે ૧૯૧૩માં બહાર પડેલું આ પુસ્તક છેક ૫૬મે વર્ષે વાંચવા મળ્યું તેથી રાજી થવું કે દુખી થવું? પછી થયું કે ૫૬મે વર્ષે વાંચવા મળ્યું એ પણ રાજી થવા જેવું જ છે ને! આટલાં વર્ષો નીકળી ગયાં તેમ બાકીનાં વર્ષો પણ “પોલીએના” વાંચ્યા વિના જ નીકળી ગયાં હોત એના કરતાં તો સારું જ છે ને? ભલે અત્યાર સુધી ન વાંચ્યું, પણ હવે એક વાર વાંચ્યા પછી જ્યારે મરજી થશે ત્યારે વાંચી શકાશે એ પણ રાજી થવા જેવું જ છે ને?

 

Read Full Post »

ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ખૂબ સંઘર્ષભર્યો રહ્યો છે એ તો આપણે જાણીએ જ છીએ, પણ આ સંઘર્ષપૂર્ણ ઇતિહાસનાં કેટલાંક પૃષ્ઠ વિશિષ્ઠ રહ્યાં છે. “આરઝી હકૂમત” આવું જ એક વિશિષ્ઠ પૃષ્ઠ છે. દેશ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આઝાદ થઈ ગયો હતો, પણ એ સમયના કાઠિયાવાડના એક નાનક્ડા રજવાડા જૂનાગઢે તો મુક્તિ મેળવવા એ પછી પણ લગભગ સાડા ત્રણ મહિના સંઘર્ષ કરતા રહેવું પડયું હતું.

જૂનાગઢમાં એ વખતે નવાબ મહાબતખાનનું શાસન હતું. નવાબમાં પોતાનામાં કોઈ રાજકીય દૂરંદેશી કે સૂઝ નહિ. તેનો દીવાન પીવડાવે એટલું પાણી પીએ. દીવાન હતા પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. બેનઝીર ભુટ્ટોના દાદા અને સ્વ. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના પિતા શાહનવાઝ ખાન ભુટ્ટો. તેમણે પોતાના કેટલાક મળતિયાઓને સાથે રાખીને મહંમદ અલી ઝીણા સાથે કારસો ગોઠવીને જૂનાગઢ પાકિસ્તાન સાથે ભળવા માગે છે એવી જાહેરાત કરી દીધી. જૂનાગઢમાં એ વખતે ૮૨ ટકા પ્રજા હિન્દુ હતી એટલે નવાબની જાહેરાતે ભારે હડકંપ મચાવી દીધો હતો. જો જૂનાગઢ પાકિસ્તાનમાં ભળી જાય તો શું થશે એ ભયથી લોકો ફ્ફ્ડવા માંડ્યા હતા. લોકોએ રીતસર હિજરત શરૂ કરી દીધી હતી. લોકોને સાચી માહિતી ન મળે તે માટે એ સમયે બહાર પડતાં અખબારો જન્મભૂમિ, ફૂલછાબ વગેરેને જૂનાગઢમાં વેચવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.  

જૂનાગઢને પાકિસ્તાનમાં ભળતું રોકવા અને એવી મેલી મુરાદ ધરાવનારાઓના પંજામાંથી તેને મુક્ત કરવા મુંબઈના માધવબાગમાં ૧૯૪૭ની ૨૩ સપ્ટેમ્બરે એક જંગી સભામાં “આરઝી હકૂમત”ની રચના કરાઈ અને જૂનાગઢને મુક્ત કરવાનો બૂંગિયો વગાડાયો હતો.  

“આરઝી હકૂમત” સાથે અનેક લોકોએ જોડાઈને અંતે જૂનાગઢને મુક્તિ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લગભગ બે મહિનાની ભારે અનિશ્ચિતતા અને સંઘર્ષ પછી ૯મી નવેમ્બરે જૂનાગઢમાં ઉપરકોટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાયો હતો.  એ પહેલાં નવાબ અને શાહનવાઝ વગેરે પાકિસ્તાન નાસી ગયા હતા.

 “આરઝી હકૂમતે” કરેલા સંઘર્ષનાં ૬૦ ૨૦૦૭માં પૂરાં થયાં હતાં. તેના સેનાનીઓને યાદ કરીને તેમને સન્માનવાનો કાર્યક્રમ તા. ૨૬ મેના રોજ જૂનાગઢમાં યોજાયો છે. બધા સેનાનીઓ તો આજે હયાત નથી, પણ જેઓ હયાત છે તેઓ કોલકાતા, મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરોમાંથી જૂનાગઢમાં એકઠા થશે. સંઘર્ષના એ જૂના દિવસો છ દાયકા બાદ ફરી તેમનાં દિલોદિમાગમાં તાજા થશે અને તેની ચમક તેમની આંખોમાં ડોકાશે એમાં કોઈ શંકા નથી.   

Read Full Post »

પત્રકાર-લેખક તરીકેની મારી કારકિર્દીમાં ઘણાં પુસ્તકોની સમીક્ષા કરવાનું બન્યું છે. મને યાદ છે કે કેટલાંયે પુસ્તકોને રિવ્યુ કરતી વખતે હાથમાં લેવાની પણ ઇચ્છા ન થાય. ઘણી વાર પુસ્તકની પ્રસ્તાવના અને થોડાં પાનાં પર નજર નાંખી લેવાથી જ અંદર શું હોઈ શકે એ ખબર પડી જતી હોય છે. એક અંગ્રેજ નિબંધકાર સિડની સ્મિથ (૧૭૮૧-૧૮૪૫)એ એવું કહ્યું છે કે “હું સમીક્ષા કરતા પહેલાં કદી પુસ્તક વાંચતો નથી કારણ કે તેનાથી પૂર્વગ્રહયુક્ત થઈ જવાય છે.”

આજે એક પુસ્તક અને રિવ્યુની વાત એટલા માટે કરી રહ્યો છું કે મારી સામે આજકાલ જેનાં બહુ જ ઢોલ-નગારાં વાગી રહ્યાં છે એ ચેતન ભગતનું આ મહિને જ બહાર પડેલું “થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ” પડ્યું છે. એ ન તો મેં વાંચ્યું છે કે ન તો વાંચવાનો છું કે ન તો તેનો રિવ્યુ કરવાનો છું. “બોલે તેનાં બોર વેચાય” અને “જોર જોરથી બોલે તેનાં વધુ બોર વેચાય” એવા માર્કેટિંગના આ જમાનામાં ચેતન ભગતનાં બોર ઢગલેમોઢે વેચાઈ રહ્યાં છે. આગામી છ માસમાં છ લાખ નકલો વેચવાનું તેમનું ટાર્ગેટ છે એવું Outlook સામયિકમાં એક મુલાકાતમાં તેમણે કહ્યું છે. જે રીતે પુસ્તક વેચાઈ રહ્યું છે તે જોતાં આ ટાર્ગેટ ધાર્યા કરતાં વહેલું હાંસલ થઈ જાય તો પણ નવાઈ નહિ.

પ્રતીક્ષાએ “થ્રી મિસ્ટેક્સ…” વાંચીને તેનો રિવ્યુ કર્યો છે, તે વાંચીને અને રિવ્યુમાં તેણે જે નથી લખ્યું તે બધું સાંભળ્યા પછી “થ્રી મિસ્ટેક્સ…” વાંચવાની મિસ્ટેક ન કરવાનું નક્કી કરી લીધું છે. “થ્રી મિસ્ટેક્સ…” વિષે ઘણું બધું લખાઈ રહ્યું છે. રિવ્યુ પણ થઈ રહ્યા છે. IBNLive વેબસાઈટ પર રોહિત ખિલવાણીએ કરેલા રિવ્યુમાં અંતે લખ્યું છે, “પહેલી ભૂલ મેં એ કરી કે “થ્રી મિસ્ટેક્સ…” ખરીદી, બીજી ભૂલ એ કરી કે તે મેં વાંચી, પણ તે વાંચવાની ભલામણ કરવાની ત્રીજી ભૂલ હું નહિ કરું.”

મારે ખરેખર તો પ્રતીક્ષા અને રોહિત ખિલવાણીનો આભાર માનવો જોઇએ કે મને “થ્રી મિસ્ટેક્સ…” સંબંધી કોઈ મિસ્ટેક કરતો ઉગારી લીધો… અમેરિકન કવિ અને નાટ્યકાર ડબ્લ્યુ. એચ. ઓડેન (૧૯૦૭-૧૯૭૩)એ કહ્યું છે, “નબળા પુસ્તકનો રિવ્યુ તમે ઝાટકણી કાઢ્યા વિના ન કરી શકો.”    

Read Full Post »

દુનિયાના ફિલ્મ ફેસ્ટિવલઓમાં અવ્વલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૬૫માં દેવ આનંદે નિર્માણ કરેલી ક્લાસિક “ગાઈડ” દર્શાવાશે. મને ગમતી ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે. અનેક વાર મેં આ ફિલ્મ જોઈ છે અને જ્યારે પણ તક મળશે ત્યારે ત્યારે જોવાનો છું. એક એક્ટર તરીકે દેવ આનંદ મને બહુ ગમ્યો નથી, પણ આ ફિલ્મમાં તેણે કમાલ કરી છે. પટકથા, અભિનય, એડિટિંગ, દિગ્દર્શન, ગીત-સંગીત… એક પણ પાસું નબળું નહિ. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં જે કેટલીક ફિલ્મો સીમાચિહ્ન રૂપ બની ગઈ છે તેમાં “ગાઈડ” પણ એક છે. આર. કે. નારાયણની અંગ્રેજી નવલકથા પરથી આ ફિલ્મ બની હતી. આ નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. દેવ આનંદે એક એરપોર્ટ પર સમય પસાર કરવા માટે આ નવલકથા ખરીદી હતી, પણ વાંચીને તેના પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.  

માણસના જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે તેના જીવનપ્રવાહને, કારકિર્દીને નવો મોડ આપી શકે. “ગાઈડ” દેવ આનંદના જીવનમાં આવી જ એક ઘટના હતી, પણ એક ફિલ્મકાર તરીકે કે એક અભિનેતા તરીકે દેવ આનંદ તેનો કોઈ ફાયદો ઉઠાવી શક્યા નહિ. ન તો તેમણે એ પછી “ગાઈડ” જેવી કોઈ ફિલ્મ બનાવી કે ન તો એવી કોઈ ફિલ્મમાં અભિનય કર્યો. એ પછી તેમણે જેટલી પણ ફિલ્મો બનાવી કે ફિલ્મોમાં કામ કર્યું તેની યાદી તો બહુ મોટી છે પણ તેમાં નોંધપાત્ર કહી શકાય એવી ફિલ્મો તો આંગળીને વેઢે ગણી શકાય તેટલી પણ નથી. તાજેતરનાં વર્ષોમાં તો તેમણે જે ફિલ્મો બનાવી એ ક્યારે બની અને ક્યારે રીલીઝ થઈ એ ખબર ન પડે એવી સ્થિતિ છે.

“ગાઈડ”નું કાન્સમાં જવૂં એ બહુ મોટી ઘટના છે. કાન્સના ક્લાસિક સેકશનમાં વિશેષ સન્માન સાથે “ગાઈડ” દર્શાવાશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની પસંદગી સમિતિએ કુલ ૧૭૯૨ ફિલ્મો નિહાળ્યા બાદ જે કેટલીક ફિલ્મો આ સેક્શન માટે પસંદ કરી તેમાં એક “ગાઈડ” છે. છેલ્લાં પાંચ વર્ષથી ભારત તરફથી એક પણ અધિકૃત એન્ટ્રી આ સમારોહમાં ગઈ નથી એ દૃષ્ટિએ પણ આ મહત્ત્વ્ની ઘટના છે.

ફિલ્મનાં ગીતો “વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં,” “કાંટોં સે ખીંચકે યે આંચલ,” “દિન ઢલ જાયે હાયે રાત ન જાયે”, “પિયા તો સે નૈના લાગે રે” જેવાં એક એકથી ચઢિયાતાં ગીતો હતાં અને એસ. ડી. બર્મને એટલું જ કર્ણપ્રિય સંગીત આપ્યું  હતું, પણ એ વર્ષે “ગાઈડ”ને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર નહોતો મળ્યો. એ સિવાય શ્રેષ્ઠ અભિનેતા દેવ આનંદ, શ્રેષ્ઠ અભિનેત્રી વહીદા રહેમાન, શ્રેષ્ઠ દિગ્દર્શક વિજય આનંદ, શ્રેષ્ઠ પટકથા વિજય આનંદ, શ્રેષ્ઠ કથા આર. કે. નારાયણ, શ્રેષ્ઠ દિગ્દર્શક સિનેમેટોગ્રાફી ફ્લી મિસ્ત્રી આ બધા એવોર્ડ મળ્યા હતા. બર્મનદા “ગાઈડ” માટે એવોર્ડથી કેમ વંચિત રહી ગયા એ પ્રશ્નનો જવાબ કદી મળ્યો નથી.

હિંદીની સાથોસાથ “ગાઈડ” અંગ્રેજીમાં પણ બની હતી. તેનું દિગ્દર્શન દબ્લિબાસ્કીએ કર્યું હતું. અંગ્રેજી પટકથા નોબેલ પારિતોષિક વિજેતા પર્લ એસ. બકે લખી હતી.    

Read Full Post »

આઈપીએલનો જ્વર તેની ચરમસીમાએ છે. બીસીસીઆઈએ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સફળતા તેને મળી રહી છે. આઇસીએલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે એમ જે કહેવાય છે તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. ક્રિકેટરોને એટલા રૂપિયા મળ્યા છે કે તેમને બખ્ખા થઈ ગયા છે. તેમાં કેટલાક નિવૃત્ત ક્રિકેટરોને પણ લોટરી લાગી ગઈ છે. કુલ આઠ ટીમ છે અને દરેક ટીમમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ વગેરે દેશોના ખેલાડીઓ છે. આ વિવિધ દેશોના ખેલાડીઓ એક જ ટીમ માટે રમતા હોય એ જોવાની તો મઝા આવે જ છે. તેને કારણે આ ખેલાડીઓ વચ્ચે વધુ આત્મીયતા બંધાશે એ પણ માની શકાય તેમ છે, પણ આ ચળકતા સિક્કાની બીજી બાજુ પણ છે…  

વિવિધ શહેરો માટે આઈપીએલની ટીમો રચાઈ હતી ત્યારે કોઈએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આઈપીએલને કારણે પ્રાંતવાદને વધુ ઉત્તેજન મળશે. હવે લાગે છે કે આ વાતમાં પણ તથ્ય તો છે જ. તા. ૧૬મીએ દિલ્હી ડેરડેવિલ્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચેની મેચમાં જે બન્યું તેનો જ દાખલો લઈએ તો બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા દિલ્હીના કેપ્ટન સેહવાગ પર કોઈએ પથ્થર ફેંક્યો હતો, કારણ કે દિલ્હીમાં રમાઈ રહેલી એ મેચમાં હૈદરાબાદની ટીમ હારી જાય એવી સંભાવના હતી. આ પહેલાં પણ બીજી એક મેચમાં સેહવાગે ધૂંઆધાર રમીને સદી કરી ત્યારે તેને બિરદાવતી તાળીઓ કોઈએ પાડી નહિ, કારણ કે એ સેહવાગનું હોમ ગ્રાઉન્ડ નહોતું.

અત્યાર સુધી આપણે એવી ક્રિકેટ જોતા આવ્યા છીએ, જેમાં ભારતીય ટીમ કોઈ બીજા દેશની ટીમ સામે રમતી હોય, પણ આઈપીએલે એ ચિત્ર બદલી નાખ્યું છે. હવે દિલ્હીનો ખેલાડી કોલકાતામાં અને કોલકાતાનો ખેલાડી મુંબઈમાં “બહારનો” ખેલાડી બની ગયો છે. હવે એ સમજાતું નથી કે ગાંગુલીની ટીમ જીતે તો રાજી થવું કે સચીનની ટીમ જીતે તો રાજી થવું! ગાંગુલીની ટીમ જીતી જાય તે માટે પાકિસ્તાનનો શોએબ અખ્તર ભારતના સચીનને ઝડપથી આઉટ કરી દે એવી આશા રાખવી?

સિક્કાની આ બીજી બાજુ એક પ્રશ્ન ખડો કરે છે તે એ કે આપણે એટલા પરિપક્વ થઈ ગયા છીએ ખરા કે રમતને માત્ર રમત તરીકે જ જોઈ શકીએ?

 

Read Full Post »

ટેનિસની નંબર વન ખેલાડી જસ્ટિન હેનિને એ કરી દેખાડ્યું છે. ફ્રેન્ચ ઓપનની લાલ માટીવાળા કોર્ટ પર સતત વિજય મેળવવા સાથે તેણે કુલ ચાર વાર આ ટુર્નામેન્ટ જીતી છે, અને આ વખતે પણ તે હોટ ફેવરિટ હતી તે છતાં આ ટુર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કરીને હેનિને ટેનિસ જગતને સ્તબ્ધ કરી દીધું છે.

કોઈ પણ ક્ષેત્રમાં માણસ ટોચ પર હોય ત્યારે તેને છોડવાનો નિર્ણય કેટલો મુશ્કેલ હોઈ શકે એ હેનિન સિવાય અત્યારે કોઈ નહિ સમજી શકતું હોય. માત્ર રમતના ક્ષેત્રની જ વાત કરીએ તો આપણા દેશમાં આપણે એવા કેટલાય ખેલાડીઓ જોયા છે જેઓ સ્વેચ્છાએ વિવૃત્તિ જાહેર કરે તેની રાહ જોવાતી હોય અથવા તો તેમને ધરાર નિવૃત કરી દેવા પડ્યા હોય.

હેનિન કહે છે કે હવે તે પોતાને મનગમતી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરીને આરામની જિંદગી જીવવા ઈચ્છે છે. ટેનિસ કોર્ટ પર દબદબો જાળવી રાખવામાં હવે તેને કોઈ રસ રહ્યો નથી. લગભગ એક સો વર્ષથી વધુ જૂના ટેનિસના ઈતિહાસમાં WTA રેન્કિંગમાં નંબર વન પર રહીને નિવૃત્તિ જાહેર કરનારી હેનિન પ્રથમ ખેલાડી છે. તા. ૨૫ મેથી ફ્રેન્ચ ઓપન શરૂ થઈ રહી છે તે પહેલાં જ નિવૃત્તિ જાહેર કરવાનું મહત્ત્વ એ રીતે પણ વધી જાય છે કે હેનિન માત્ર દસ વર્ષની હતી ત્યારે પહેલી વાર તેણે તેની માતા સાથે ફ્રેન્ચ ઓપન જોઈ હતી.

પોતાના ક્ષેત્રે ટોચ પર હોય ત્યારે નિવૃત્તિ લઈ લીધી હોય એવા બીજા પણ કેટલાક ખેલાડીઓ છે, પણ અત્યારે તો ફોકસ હેનિન પર છે. બહુ ઓછા લોકો કરી શકે એ તેણે કરી દેખાડ્યું છે.

Read Full Post »

જાપાનમાં લોકપ્રિય બની ચૂકેલી બ્લોગર મીકો વિષે લખતો હતો ત્યારે જે લેખિકા સતત યાદ આવ્યા કરતી હતી તે છે બેબી હલદાર. મીકો કરતાં તેની કહાણી સાવ જુદી છે, પણ તેની સંઘર્ષગાથા કોઈ પણ દમિત અને પીડિત મહિલા માટે પ્રેરક બની રહે તેવી છે. કહાણી શરૂ થાય છે હરિયાણાના ગુડગાંવમાં રહેતા એક નિવૃત પ્રોફેસર પ્રબોધકુમારના ઘરથી. પ્રબોધકુમારનો બીજો પરિચય એ છે કે તેઓ હિંદીના સાહિત્યસ્વામી મુનશી પ્રેમચંદના પૌત્ર છે. તેમણે ઘરકામ માટે એક બાઈ રાખી. બંગાળ તરફથી આવેલી. નામ બેબી હલદાર, ૨૯ વર્ષની ઉંમર, ત્રણ બાળકોની મા. ખાસ કંઈ ભણી નહોતી, કારણ કે બાર વર્ષની હતી ત્યારે જ તેનાથી ૧૪ વર્ષ મોટા યુવાન સાથે તેનાં લગ્ન કરી દેવાયાં હતાં એટલે ભણવાનું બંધ થઇ ગયું હતું.

પ્રબોધકુમારે જોયું કે આ કામવાળી બેબી હલદાર ભલે ખાસ ભણી ન હોય, ભલે અત્યંત ગરીબીમાંથી આવી હોય, ભલે પતિનું ઘર છોડી દેવાની નોબત આવી હોય, ભલે મા-બાપે જાકારો આપ્યો એટલે દરદર ભટકતી બંગાળથી છેક હરિયાણા સુધી આવી ગઈ હોય, પણ તેને વાંચનનો શોખ છે. નવરી પડે ત્યારે પ્રોફેસરની લાયબ્રેરીમાંથી કોઈ પુસ્તક કાઢીને વાંચવા બેસી જાય.

તેનો આવો શોખ જોઈને એક દિવસ પ્રોફેસરે તેને કાગળો અને પેન આપીને કહ્યું, “તારા મનમાં જે આવે એ લખતી જા.”

પહેલાં તો તે રડી પડી. શું લખવું? બૂતકાળ તો એટલો યાતનાભર્યો હતો કે તેના પર તો પાછું વળીને એક નજર પણ નાંખી શકાય તેમ નહોતું. પણ લખવાને એક પડકાર સમજીને આ કામ હાથમાં લઈ લીધું. એક વાર કાગળ અને કલમ હાથમાં આવ્યાં એટલે અતીતનાં બધાં કમાડ ફટાફટ ખૂલવા માંડયાં. આજ દિન સુધી ભીતર જે બધું ભરી રાખ્યું હતું તે કાગળો પર ઊતરતું ગયું. પિતાના ત્રાસથી ઘર છોડી ગયેલી માની સ્મૃતિઓ, નિર્દયી પિતા તરફથી મળેલી ઉપેક્ષા, સાવકી માના અત્યાચારો, બારમે વર્ષે લગ્ન પછી દોઝખભરી જિંદગી, દારૂના નશામાં પતિએ બળાત્કાર કર્યો હતો એ ભયાનક રાત, બનેવીએ ગળું દબાવીને મારી નાખેલી બહેન, તેરમે વર્ષે પ્રથમ બાળકના જન્મ સમયનો ભય… રડતી જાય ને લખતી જાય. ઘરનાં નાનાંમોટાં તમામ કામ કરતી જાય ને વચ્ચે જરા જેટલો સમય મળે તો એટલા સમયમાં કંઈક લખી નાંખે.

જે કંઈ લખાયું તે બંગાળીમાં હતું. પ્રબોધકુમારે તેનો હિંદી અનુવાદ કર્યો. કોઈ પણ ભાષાના પુસ્તકનો પહેલાં બીજી કોઈ ભાષામાં અનુવાદ છપાય એવું પણ આ કદાચ પહેલું જ ઉદાહરણ હોઈ શકે. હિંદીમાં તે “આલો-આંધારી” (પ્રકાશ અને અંધકાર) નામે પ્રગટ થયું. બે જ મહિનામાં તેની બીજી આવૃત્તિ કરવી પડી. હવે તો બંગાળી અને અંગ્રેજીમાં પણ તે પ્રગટ થઈ ચૂકી છે. તેના પરથી ફિલ્મ બને તેવી પણ સંભાવના છે.

પોતે લેખિકા બની ગઈ છે તેની બેબી હલદારને પોતાને જ નવાઈ લાગે છે. વધુ નવાઈ તો તેને એ વાતની લાગે છે કે પોતે પોતાને આવડે એ રીતે કહેલી વાતમાં લોકોને આટલો બધો રસ કેમ પડ્યો છે!? 

Read Full Post »

૨૦૦૮ના વર્ષમાં બનેલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં એક ઘટનાનો ચોક્કસ ઉલ્લેખ કરવો પડે તે એ કે જાપાનમાં એક યુવા લેખિકાને ત્યાંનો એક પ્રતિષ્ઠત એવોર્ડ મળ્યો છે. સારું લખતા લેખકોને તો એવોર્ડ મળતા જ હોય છે એટલે આમાં નવી વાત શી એવો કોઈને પણ પ્રશ્ન થાય, પણ આ કિસ્સામાં નવી વાત એ છે કે એવોર્ડ મેળવનાર લેખિકાએ થોડા સમયથી જ લખવાનું શરૂ કર્યું છે, અને વધુ નવાઈભરી વાત એ છે કે આજે જાપાનમાં તે સૌથી વધુ લોકપ્રિય બ્લોગ લેખિકા છે અને બ્લોગના લેખને જ તેને લેખિકા બનાવી છે.  

તેનું નામ છે મીકો કાવાકામી (Mieko Kawakami). વાંચનાર સાથે સીધો સંવાદ સ્થાપિત કરતા હોય એવા તેની સરળ લેખનશૈલીએ તેને આજે જાપાની સાહિત્યજગતની સ્ટાર બનાવી દીધી છે. ૧૯૭૬માં ઓસાકા શહેરમાં જન્મેલી અને ત્યાં જ ઊછરેલી મીકો ઓસાકામાં બોલાતી લઢણમાં જ લખે છે. માણસના નસીબ આડેનું પાદડું ખસી જતાં જરાય વાર ન લાગે એમ કહેવામાં હવે મીકોનું પણ ઉદાહરણ આપી શકાય તેમ છે. કારણ કે એક બારમાં ગાયિકા તરીકે અને એક બુકસ્ટોરમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી ૩૧ વર્ષીય મીકોને આ વર્ષે જાન્યુઆરીમાં “અકુતાગાવા એવોર્ડ” એનાયત કરાયો છે. ફિલ્મકાર અકીરા કુરોસાવાએ ૧૯૫૫ના અરસામાં જેના આધારે “રશોમોન” ફિલ્મ બનાવી હતી એ નવલકથાના લેખક રયુનોસુકે અકુતાગાવાની સ્મૃતિમાં આ પ્રતિષ્ઠત એવોર્ડ દર વર્ષે નવોદિત લેખકને આપવામાં આવે છે. 

અંગ્રેજી ભલે આખી દુનિયામાં બોલાતી ભાષા હોય, પણ સૌથી વધુ બ્લોગ જાપાની ભાષામાં લખાય છે. આ વાત માનવામાં ન આવતી હોય તો તે પૂરવાર કરતા આંકડાઓ પણ છે. જાપાનીઓઅમાં બ્લોગ ખૂબ લોકપ્રિય છે તેનો લાભ મીકોને મળ્યો છે. જે વિગતો નેટ પર ઉપલબ્ધ છે તે મુજબ ૨૦૦૩માં મીકોએ બ્લોગ લખવા શરૂ કર્યા હતા ત્યારે તેના રોજના વાચકો બહુ થોડા હતા, પણ તે ધીમેધીમે એટલી લોકપ્રિય થતી ગઈ કે લગભગ રોજ ૧૦૦૦૦ જેટલા લોકો તેના બ્લોગ વાંચતા થઈ ગયા હતા. અને જ્યારથી તેણે એવોર્ડ મેળવ્યો છે ત્યારથી તો એ સંખ્યા અધધધ થઈ ગઈ છે.  

મીકોએ પોતાના બ્લોગ પર જે કંઈ લખ્યું છે તેનો સંગ્રહ બહાર પાડવાનું કામ જ કર્યું છે. પોતે ગાયિકા છે એટલે સંગીતથી માંડીને વિવિધ વિષયો પર તે લખતી હોય છે, પણ ખાસ કરીને રોજિંદા જીવનની હાડમારીઓ, વિટંબણાઓ અને સ્ત્રીઓના પ્રશ્નો તેના બ્લોગનો વિષય બનતા હોય છે. ઘણી બધી બાબતોનું નિર્ભિકપણે નિરુપણ કરવામાં તે જરાય છોછ રાખતી નથી. તેને એવોર્ડ અપાવનાર લઘુનવલના શીર્ષક પરથી પણ તે કેવું બેબાક લખે છે તેનો ખ્યાલ આવી જશે. શીર્ષક છે “ધ બ્રેસ્ટ એન્ડ ધ એગ”. બેબાક લખાણોને કારણે તેણે રૂઢિવાદીઓની આકરી ટીકાઓનો સામનો પણ કરતા રહેવું પડે છે. તેની લોકપ્રિયતાનું એક કારણ એ પણ છે જાપાની સાહિત્યમાં સ્ત્રીઓને લગતાં જે કેટલાંક પાસાંને ખાસ કોઈ સ્પર્શ નથી કરાયો તે ભૂમિ પર તે બિન્દાસ્ત વિહરી રહી છે. “ધ બ્રેસ્ટ એન્ડ ધ એગ”માં તેણે સંબંધો અને સ્ત્રીઓના આંતર દ્બંદ્વને કેન્દ્રમાં રાખ્યું છે.

બ્લોગની તાકાત કેટલી છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

 

 

Read Full Post »

બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કોઈ કારણ વગર રિમુવ થઈ ગયા તેનું દુખ હજી છે. કાર્તિકભાઈ મિસ્ત્રીએ બેક અપ લેવાનું જે સૂચન કર્યું છે અને તે માટેની જે ટેકનિકલ વિધિ આપી છે તે ઘણાને ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને મારા જેવા બિન-ટેકનિકલ બ્લોગર માટે તો ખરી જ.

બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કેમ રિમુવ થયા તેનું કારણ હેલ્પ-ગ્રૂપના એક નિષ્ણાતે એવું આપ્યું છે કે બ્લોગનો સ્પામ કે પોર્ન વગેરે માટે દૂરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવા જે રોબોટિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે આપમેળે કામ કરતી હોય છે. જેઓ ખરેખર દૂરુપયોગ કરતા હોય છે તેઓ એટલી ચાલાકીથી એ કામ કરતા હોય છે કે તેઓ છટકી ન શકે એવો પ્રયાસ કરવા જતાં નિર્દોષ બ્લોગ પણ તેની ઝપટમાં આવી જતા હોય છે.

જો આવું હોય તો પણ કંઈ ખોટું નથી, પણ જ્યારે આવો કોઈ નિર્દોષ બ્લોગર ફરિયાદ કરે ત્યારે તો તેનું બ્લોગ એકાઉન્ટ ફરીથી કામ કરતું થઈ જવું જોઈએ, પણ એવી કોઈ ફૂલપ્રૂફ વ્યવસ્થા હોય એવું લાગતું નથી. કમ સે કમ મને તો આવો જ અનુભવ થયો છે. વધુ દુખની વાત તો એ છે કે ખરેખર જે બ્લોગ રિમુવ કરી દેવાને લાયક છે, એવા કેટલાક બ્લોગ તો મેં આજે જ બ્લોગસ્પોટ પર જોયા.

આ અનુભવ પછી એટલું સમજાયું કે કાર્તિકભાઈ કહે છે તેમ બેક અપ લઈ રાખવો સારો. 

Read Full Post »

Older Posts »