રજનીકાન્તની બહુ ફિલ્મો મેં જોઈ નથી. યાદ કરવા બેસું તો એક માત્ર અમિતાભ સાથેની “હમ” યાદ આવે. જે ફિલ્મોથી રજનીકાન્ત મશહૂર છે તે “બાબા”, “ચંદ્રમુખી”, “શિવાજી” વગેરે તો જોવા મળે ત્યારે ખરી. તેની કેટલીક ફિલ્મો વિષે તો જોક્સ પ્રચલિત છે અને સાંભળ્યું છે કે એ ફિલ્મો જોવા જતી વખતે મગજ ઘેર રાખીને જ જવું પડે.
તેમ છતાં મને તે ગમે છે, અને ખરું કહું તો અભિનેતા રજનીકાન્ત કરતાં રજનીકાન્ત નામનો માણસ જ વધારે ગમે છે. બીજા અભિનેતાઓની મને ખબર નથી, પણ રજનીકાન્ત એક એવો અભિનેતા છે કે જે પડદા પર ન હોય ત્યારે અભિનેતાનો નકાબ ઉતારી નાંખીને માણસ બની જાય છે. બાકી, મોટા ભાગે અભિનેતાઓ અને અભિનેત્રીઓને પણ પોતાની ગ્લેમરસ ઇમેજની એટલી ચિંતા હોય છે કે ઓફસ્ક્રીન હોય ત્યારે પણ કલાકારનો અંચળો ઉતારી શકતા હોતા નથી. પણ રજનીકાન્ત તેમાં અપવાદ છે. આગામી ડિસેમ્બરમાં ૫૯ વર્ષ પૂરાં કરનાર આ અભિનેતાને માથે ટાલ પડી ગઈ છે અને જે વાળ રહ્યા છે તે પણ સફેદ ભૂખરા થઈ ગયા છે, પણ ઓફસ્ક્રીન એ કશું જ તે છુપાવતો નથી. ફિલ્મી એવોર્ડ સમારંભથી માંડીને કોઈ પણ જાહેર ફંકશનમાં તેને એ વેશમાં જ જોઇ શકાય છે.
પડદા પરની છબિ કરતાં સાવ જુદી જ એવી વાસ્તવિક છબિ લઈને લોકો વચ્ચે જવા માટે હિંમત જોઇએ. દેવ આનંદને આપણે જોઇએ જ છીએ. મને દિલીપકુમાર પણ ગમે છે, પણ આજે નેવું વર્ષે પણ તે માથે ડાઇ કરે છે. બીજા ઘણા કલાકારોના દાખલા આપી શકાય તેમ છે. જોકે નવી પેઢીના અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો હવે પડદા પરની ઇમેજની બહુ ચિંતા કરતા લાગતા નથી.
રજનીકાન્તની જ વાત કરું તો બેંગ્લોરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા રજનીકાન્તનું મૂળ નામ શિવાજી રાવ ગાયકવાડ છે. એક મામૂલી બસ કન્ડક્ટરની નોકરી કરવાની સાથે નાટકોમાં પણ કામ કરતો. તેના જોડીદાર ડ્રાઇવર રાજા બહાદુરે જ તેને ફિલ્મોમાં જવા પ્રોત્સાહિત કર્યો હતો. એ દિવસોમાં ચેન્નાઇમાં શરુ થયેલી ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં જોડાવા તેણે શિવાજીને પાનો ચડાવ્યો, પણ શિવાજી સામે બે પ્રશ્નો હતા. એક તો તે “સરકારી” નોકરી છોડવા ઇચ્છતો નહોતો, અને બીજું, ઇન્સ્ટિટ્યુટમાં જવું હોય તો ફી ભરવાના પૈસા નહોતા. રાજા બહાદુરે તેને કહ્યું, “ફિકર ન કર. નોકરી છોડી દે. તારી બધી જવાબદારી મારા માથે.”
૧૯૭૪નું એ વર્ષ હતું. રાજાએ પોતાનું વચન નિભાવ્યું. બે વર્ષ તેણે શિવાજીનો બધો ખર્ચ ઉઠાવ્યો. તાલીમ પૂરી થતાં જ દિગદર્શક કે. બાલાચંદરે હવે રજનીકાન્ત બની ગયેલા શિવાજીને સાઇન કરી લીધો, અને પછી તો આપણે જાણીએ જ છીએ કે એક ઇતિહાસ સર્જાયો…
એક સામન્ય બસ કંડક્ટરમાંથી અત્યંત સફળ ફિલ્મ સ્ટાર બનવાની સંઘર્ષ કથાનો એક નાનકડો પાઠ આ વર્ષથી CBSEનાં ધોરણ ૬ નાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક્માં સામેલ કરાયો છે. સેક્શન-૪ Dignity of Workમાં from bus conductor to Superstar નામનો આ પાઠ વિદ્યાર્થીઓ ભણશે. કોઇ સુપરસ્ટારની સંઘર્ષકથા પાઠ્યપુસ્તકનો હિસ્સો બને એવી કદાચ આ પહેલી જ ઘટના છે…