Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2008

૩૧ જુલાઇ એટલે હિંદી ફિલ્મોના મહાન ગાયક મહંમદ રફીની પુણ્યતિથિ. દેશભરમાં રફીના લાખો પ્રશંસકો આ દિવસે પોતાના આ પ્રિય ગાયકને યાદ કરી લેતા હોય છે. તેમની યાદમાં કાર્યક્રમો પણ યોજાતા હોય છે. રફીના ચાહકો કે તેમની બનેલી કોઇ સંસ્થા કે મંડળ દ્વારા આવો કોઇ કાર્યક્રમ યોજાય એમાં કોઇ નવી વાત ન કહેવાય પણ ૩૧મી જુલાઇએ હરિયાણાના ચંડીગઢમાં, સેક્ટર પાંચમાં ઇન્દ્રધનુ ઓડિટોરિયમમાં રફીને શ્રદ્ધાંજલિ આપવા યોજાનારા કાર્યક્રમે મારા માટે તો સુખદ આશ્ચર્ય જ સર્જ્યું છે. કારણ એ છે કે આ કાર્યક્રમનું આયોજન હરિયાણાના માહિતિ ખાતાએ કર્યું છે. દેશના કોઇ રાજ્યના માહિતિ ખાતાએ રફીને શ્રદ્ધાંજલિ આપતો આવો કોઇ કાર્યક્રમ ક્યાંય યોજ્યો હોય એવું કમ સે કમ મારા ધ્યાનમાં તો નથી જ. ચંડીગઢથી પ્રગટ થતા હિંદી અખબાર “દૈનિક ટ્રિબ્યુન”માં તા. ૩૦ જુલાઇના અંકમાં આ કાર્યક્રમની જાહેરખબર છપાઇ છે. કાર્યક્રમમાં સંગીતકાર રવિ ઉપસ્થિત રહેવાના છે અને લોકો માટે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. કહેના પડે…

રફી વિષે ઘણું લખાયું છે, અને લખાતું રહેવાનું છે. તેમના વિષે ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે અને થતાં રહેવાનાં છે, પણ ઘણા ઓછા લોકો જાણે છે કે રફી અંગે છેક ૧૯૭૫માં બનેલી એક ડોક્યુમેન્ટરી “રફી કી યાદેં” હજી સુધી રીલીઝ થઈ શકી નથી. રફીના રોજિંદા જીવન અને મુલાકાતો ઉપરાંત કેટલીક દુર્લભ વિગતો તેમાં રજૂ કરાઇ છે. એક વયોવૃદ્ધ મલયાળમ ફિલ્મકાર એન.પી. અબુએ આ ડોક્યુમેન્ટરી બનાવી છે, પણ તેનો કોઇ કરીદનાર ન મળતાં રીલીઝ કરી શક્યા નથી. છેલ્લે ૨૦૦૩માં એક હિંદી દૈનિકમાં એવા સમાચાર વાંચ્યા હતા કે એક ટીવી  ચેનલે તે ડોક્યુમેન્ટરી ખરીદી લીધી છે અને તે રીલીઝ થવાની છે, પણ એ વાતને ય પાંચ વર્ષ વીતી ગયાં છે. દરમ્યાનમાં રફીના પ્રશંસકોની એક સાઇટ પર નારાયણને ૨૦૦૭ની ૨૧ ડિસેમ્બરે લખેલો એક બ્લોગ વાંચવા મળ્યો. તેમાં લખ્યું છે તેમ અબુ પાસેની ડોક્યુમેન્ટરી તથા બીજી ચીજો ૧૫ લાખ રૂપિયામાં તેઓ આપી દેવા ઇચ્છે છે પણ કોઇ ખરીદનાર નથી.  

૧૯૭૫માં મુળ તો અબુ પોતાની એક મલયાળી ફિલ્મ “દ્વીપ”નાં ગીતો માટે રફીને કરારબદ્ધ કરવા તેમને મળવા મુંબઈ ગયા હતા. એ કરાર તો કોઇ કારણે પછી થઈ શક્યો નહોતો, પણ એ પછી રફીને ઘેર તેમને સતત મળતા રહ્યા હતા. એ દરમ્યાન રફીની નિકટ રહેવાની જે તક મળી તેનો તેમણે ડોક્યુમેન્ટરી બનાવવામાં ઉપયોગ કર્યો હતો.

એક સમાચાર એવા પણ છે કે ફિલ્મ્સ ડિવિઝન પણ રફી અંગે એક ડોક્યુમેન્ટરી બનાવવાનું છે. એ તો બનશે ને રીલીઝ પણ થઈ જશે, પણ અબુની ડોક્યુમેન્ટરી ક્યારે રીલીઝ થઈ શકશે એ જોવાનું રહ્યું.

Read Full Post »

આખરે ભારતીય ફિલ્મજગતના ટોચના સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડનો કળશ બંગાળી ફિલ્મકાર તપન સિંહા પર ઢોળાયો છે. પ્રાણ, સુચિત્રા સેન, બી. સરોજાદેવી જેવાં કેટલાંક દિગ્ગજો હજી કતારમાં છે, પણ ૮૪ વર્ષીય તપનદાને આ એવોર્ડ મળવો એ ખુદ એવોર્ડનું પણ સન્માન છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સત્યજિત રાય, મૃણાલ સેન અને રુત્વિક ઘટકની હેડીના તપનદાએ બંગાળી અને હિંદીમાં ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. આજ સુધીમાં તપનદાની ફિલ્મોને વિવિધ કેટેગરીમાં ૧૯ નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. દેશ-વિદેશનાં બીજાં માન-અકરામો તો ખરાં જ. ૨૦૦૪માં કોલકાતા મહાનગર નિગમે એક લાખ રૂપિયાનો “કોલકાતારત્ન” એવોર્ડ શરૂ કર્યો ત્યારે પહેલો એવોર્ડ તપન સિંહાને આપ્યો હતો.

તપન સિંહાની જે હિંદી ફિલ્મો છે તેમાંની “કાબૂલીવાલા”, “આદમી ઔર ઔરત”, “સગીના માહતો”, “એક ડોક્ટર કી મૌત”, “સફેદ હાથી” વગેરે જોઇ છે, પણ બંગાળી ફિલ્મ તો માત્ર એક જ જોઇ છે, “ખુદિતો પાષાણ”. બંગાળીમાં “ક્ષ”ને સ્થાને “ખ” લ્ખાય છે, એટલે હિંદી કે ગુજરાતીમાં તે “ક્ષુધિત પાષાણ” છે. તેનું અંગ્રેજી શીર્ષક છે Hungry Stone.

બંગાળી ફિલ્મ અહીં તો ક્યાં જોવા મળે, પણ “ખુદિતો પાષાણ” માણવાની તક જરા જુદી રીતે મળી ગઈ હતી. તારીખ બરાબર યાદ નથી, પણ લગભગ પાંચેક વર્ષ પહેલાં શાહીબાગમાં અત્યારના “સરદાર સ્મારક ભવન” એટલે કે જૂના રાજભવનમાં એક સાંજે કેટલાક સાહિત્યકારો અને ફિલ્મરસિકો માટે “ખુદિતો પાષાણ”નો શો રખાયો હતો. ખુલ્લામાં ઊભા કરાયેલા પડદા પર ૧૬ એમએમમાં “ખુદિતો પાષાણ” જોવાની મજા કંઇક જુદી જ હતી. ભોળાભાઇ પટેલ જેવા બંગાળીના જાણકાર સાહિત્યકારે “ખુદિતો પાષાણ”ની કેટલીક રસપ્રદ વાતો, ખાસ કરીને તેના અમદાવાદ-ક્નેકશનની વાતો કરી હતી. 

“ખુદિતો પાષાણ” કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા છે, અને મજાની વાત એ છે કે આ વાર્તા ટાગોરે અમદાવાદમાં તેઓ થોડો સમય રોકાયા હતા ત્યારે લખી હતી. ટાગોરનું અમદાવાદ-કનેકશન કંઇક એવું છે કે તેઓ તેમની ઊછરતી યુવાનીમાં અમદાવાદમાં સારોએવો સમય રહ્યા હતા. તેમનો નિવાસ હતો શાહીબાગ ખાતેનું જૂનું રાજભવન. મૂળ તો તે મોગલ બાદશાહ જહાંગીરના શાહજાદા ખુર્રમે (પછીથી તે શાહજહાં તરીકે વિખ્યાત થયો) બંધાવેલો મહેલ હતો. ટાગોરના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો નિવાસ એ શાહી ભવનમાં હતો એટલે રવિબાબુ તેમની સાથે થોડો સમય રોકાવા આવ્યા ત્યારે આ મહાલયમાં જ રહ્યા હતા. તેઓ જે રૂમંમાં રહ્યા હતા એ રૂમ તેમના ગુજરાત-નિવાસના સ્મરણચિહ્ન રૂપે આજે પણ જાળવી રખાયો છે.

“ખુદિતો પાષાણ” ફિલ્મ ટાગોરની આ જ નામની નવલકથા પરથી બની છે. નવલકથામાં એક ભેદી હવેલીમાં રહસ્યમય ઘટનાઓ આકાર લે છે. આ હવેલીનું વર્ણન ટાગોરે અમદાવાદના શાહી ભવનને નજર સમક્ષ રાખીને કર્યું હતું. ૧૯૬૦માં નિર્માણ પામેલી “ખુદિતો પાષાણ”માં છબિ બિશ્વાસ, સૌમિત્ર ચેટરજી અને અરુંધતી દેવી જેવાં કલાકારોએ કામ કર્યું હતું. આરંભથી અંત સુધી જકડી રાખે એવી આ ફિલ્મની કથા ખુદ કવિવર ટાગોરે જ્યાં રચી હતી એ ભવનના પ્રાંગણમાં બેસીને જોવાના રોમાંચની તો વાત જ શી કરવી…  (વધુ…)

Read Full Post »

“મિડનાઇટ્સ ચિલ્ડ્રન” આજકાલ સમાચારોમાં છે. સલમાન રશદીની આ બહુ વખણાયેલી નવલકથાને “બુકર ઓફ બુકર” પ્રાઇઝ મળ્યું છે. કટ્ટરવાદીઓના ફતવા, મુક્ત લાઇફસ્ટાઇલ અને છાશવારે ગર્લફ્રેન્ડ બદલતા રહેવા સહિતનાં કારણોસર રશદી વિવાદોમાં ઘેરાયેલા રહે છે. જોકે તેમનું જમાપાસું એ છે કે આ સ્થિતિમાં પણ તેમનું સાહિત્યસર્જન ચાલુ જ હોય છે. ભારતીય મૂળના જે કેટલાક લેખકો અંગ્રેજી સાહિત્યજગતમાં ધાક જમાવી શક્યા છે તેમાં રશદી પણ એક છે એ પણ નાનીસૂની વાત નથી.

અંગ્રેજી સાહિત્યજગતમાં ખૂબ પ્રતિષ્ઠિત ગણાતા બુકર પ્રાઇઝની ૪૦ વર્ષની ઉજવણીરૂપે બેસ્ટ ઓફ બુકર પ્રાઇઝ આપવાનું જાહેર કરાયું હતું. તે માટે છ કૃતિઓ સ્પર્ધામાં હતી. જોકે આ પારિતોષિક રશદીની “મિડનાઇટ્સ ચિલ્ડ્રન” જ પહેલેથી દાવેદાર ગણાતી હતી. ૧૯૯૨માં બુકરની ૨૫મી વર્ષગાંઠ વખતે પણ રશદીને જ આ પ્રાઈઝ મળ્યું હતું. આમ પણ બુકર પ્રાઇઝના ઇતિહાસમાં “મિડનાઇટ્સ ચિલ્ડ્રન”નું એક મહત્ત્વનું સ્થાન છે. ૧૯૬૮થી આ પ્રાઈઝ શરૂ થયું હતું, પણ ૧૯૮૧માં “મિડનાઇટ્સ ચિલ્ડ્રન” માટે ૩૪ વર્ષના સલમાન રશદીને તે અપાયું તે પછી જ તેને એક સાહિત્યિક પ્રાઇઝ તરીકે ખરા અર્થમાં પ્રતિષ્ઠા મળી હતી.

“મિડનાઇટ્સ ચિલ્ડ્રન” એક વિશિષ્ટ નવલકથા છે. જે ક્ષણે દેશ આઝાદ થયો બરાબર તે ક્ષણે જ જે મહિલા બાળકને જન્મ આપશે તેને ખાસ ઇનામ અપાશે એવી જાહેરાત થતાં કથાના નાયકની માતા અમીના સિનાઇને ખાતરી થઈ જાય છે કે પોતે જ આ ઇનામ જીતી જશે. જે મેટરનિટી હોમમાં તેને દાખલ કરાય છે ત્યાં ગરીબો માટેના જનરલ વોર્ડમાં વનિતા નામની એક મહિલા પણ પ્રસૂતિ માટે દાખલ થઈ છે. દેશ આઝાદ થયો તે ક્ષણે વનિતાની કૂખે બાળક જન્મે છે, પણ તેને કઈ રીતે ગોલમાલ કરીને અમીનાનું બાળક બનાવી દેવાય છે એ બધું રસપ્રદ છે.

“મિડનાઇટ્સ ચિલ્ડ્રન”નો એક અંશ :

સાચું માનજો, આપણા દેશમાં લોકો અસત્યને સત્ય માની લે છે. બહુ ભોળા છે. એ જરૂરી નથી કે બાળકો માતાપિતાનાં સંતાન હોય. તેઓ તો સમય દ્વારા જન્મે છે. માતાપિતા તો માત્ર માધ્યમ બને છે. મધરાતે જન્મેલાં આ બંને બાળકો પણ સમય દ્વારા જ સંચાલિત થયાં – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે બાર વાગ્યે. આવું આ દેશમાં શક્ય છે – આપણા દેશવાસીઓ સ્વપ્નજીવી છે ને.  

સાચું માનજો, અખબારોએ મારો જન્મોત્સવ ઊજવ્યો. રાજકારણીઓએ મને મહત્ત્વ આપ્યું. ખુદ પંડિત જવાહરલાલ નેહરુનો પત્ર આવ્યો : “પ્રિય બાળક સલીમ, મારી શુભેચ્છાઓ. તમારો જન્મ ભારતીય ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. તમે ભારતીય સંસ્કૃતિના પુરાતન સ્વરૂપના નવલ પ્રસુન છો, જે પોતે જ ચિર યુવા અને શાશ્વત છે.”

ક્યારેક ક્યારેક કિંવદંતીઓ યથાર્થથી વધુ સત્ય સાબિત થઈ જાય છે. આવું થયું પણ. હું ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના બાર વાગ્યે જન્મ્યો અને સિનાઇ કુટુંબનો વંશજ બની ગયો.

“મિડનાઇટ્સ ચિલ્ડ્રન” સાથે મારી સ્મૃતિઓ જરા જુદી રીતે સકળાયેલી છે. એ દિવસોમાં આજની જેમ અંગ્રેજી પુસ્તકો એટલાં સરળતાથી ન મળતાં, પણ મારા સદનસીબે ૧૯૮૧માં બુકર પ્રાઇઝ જીતનાર “મિડનાઇટ્સ ચિલ્ડ્રન” મને ૧૯૮૨માં વાચવા મળી ગઇ હતી. મુંબઈથી આવેલો એક મિત્ર લેતો આવ્યો હતો. હું ત્યારે વાર્તા સામયિક “ચાંદની” અને ડાઇજેસ્ટ “રંગતરંગ”નો સહાયક સંપાદક હતો. સંપાદક વિષ્ણુ પંડ્યા હતા. વિષ્ણુભાઇ મારી પાસે “મિડનાઇટ્સ ચિલ્ડ્રન” જોઈ ગયા.

મને કહે, “આનું સંક્ષિપ્ત કરી આપો તો “ચાંદની”માં છાપીએ. બહુ લાંબું ન કરતા, ત્રણેક પાનાં બહુ થયાં.” એમ કહીને એ તો જતા રહ્યા, પણ હું વિચારમાં પડી ગયો. “મિડનાઇટ્સ ચિલ્ડ્રન” લગભગ ૬૦૦ પાનાંનું પુસ્તક હતું. “ચાંદની”નાં A-4 સાઇઝનાં ત્રણ પાનાંમાં એ આખી કથા સમાવવાની હતી. ખાસ્સી મથામણ પછી તે પાર પડ્યું હતું. “મિડનાઇટ્સ ચિલ્ડ્રન”નું સંક્ષિપ્ત કરવામાં મને કેટલી સફળતા મળી હતી તે ખબર નથી, પણ વિષ્ણુભાઇને તે છાપવા યોગ્ય લાગ્યું હતું. વર્ષો પછી ૧૯૯૭માં આઝાદીના ૫૦મા વર્ષે “જનસત્તા”માં તે ત્રણ હપતામાં ફરી પ્રકાશિત થયું હતું. તેના સંક્ષિપ્તીકરણની મથામણ આજે પણ બરાબર યાદ છે…

Read Full Post »

“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર…” એવું કવિ નર્મદ કહી ગયા છે. કયા સંદર્ભમાં કહી ગયા છે એની ચિંતા કર્યા વિના ભાષાના મહાસાગરમાં ભલે ડૂબકી ન મારીએ પણ કિનારે બેસીને છબ્છબિયાં કરીએ તો પણ ઘણું રસપ્રદ જાણવા મળે તેમ છે. હિંદી સામયિક “કાદમ્બિની”માં ઇબ્બાર રબ્બીના માત્ર અડધા પાનાના લેખમાં દંગ થઈ જવાય તેવી વિગતો છે. તેમણે લખ્યું છે તે મુજબ ગ્રીક, લેટિન વગેરે ભાષાઓમાં પ્રાચીન મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષાના “ચ” વર્ગે “ક” વર્ગનું રૂપ લઈ લીધું. સંસ્કૃત, ઇરાની વગેરેમાં “ચ” વર્ગ ઉષ્મ બની ગયો. લેટિનનું “કેન્ટુમ” સંસ્કૃતમાં “શતમ” છે. લેટિનનું “ઓક્ટો” સંસ્કૃતમાં “અષ્ટૌ”, લેટિન “ડિક્ટિઓ” સંસ્કૃતમાં “દિષ્ટિ”, લેટિન “ગેનુસ” સંસ્કૃતમાં “જન” છે. મુળ ઇન્ડો-યુરોપિયન શબ્દ “ચંતોમ” હતો, જે લેટિનમાં “કેન્ટુમ”, ગ્રીકમાં “હેક્તોમ”, પ્રાચીન આઇરિશમાં “કેત”, ગાથિકમાં “ખુદ”, તોખારીમાં “કંધ”, સંસ્કૃતમાં “શતમ”, લિથુઆનિયનમાં “શિંતસ, સ્જિપ્તસ” અને રશિયનમાં “સ્તો” છે. આ રીતે ઇન્ડો-યુરોપિયન ભાષાઓને બે વર્ગમાં વહેંચી દેવાઇ, “કેન્ટુમ” અને “શતમ”. જે ભાષાઓ લેટિનની નજીક છે તે “કેન્ટુમ” શાખામાં છે અને સંસ્કૃતની નિકટવર્તી ભાષાઓ “શતમ” શાખામાં છે.

સંસ્કૃતનું “પંચ” વેલ્શમાં “પંય” થઈ જાય છે. એ જે રીતે લેટિનનું “સેપ્ટેમ” ઇટાલિયનમાં “સેતે”, સંસ્કૃતમાં “સપ્ત”,  પાલીમાં “સત્ત” અને હિંદી-ગુજરાતીમાં “સાત” છે. લેટિન “ઓક્ટો” ઇટાલિયનમાં “ઓત્તો”, સંસ્કૃતમાં “અષ્ટ”,  પાલીમાં “અટ્ઠ” અને હિંદી-ગુજરાતીમાં “આઠ” છે. સંસ્કૃતનું “સિંધુ” પ્રાચીન ફારસીમાં “હિંદુ” અને આધુનિક ફારસીમાં “હિંદ” છે. સંસ્કૃતનું “સર્વ” પ્રાચીન ફારસીમાં “હૌર્વ” અને આધુનિક ફારસીમાં “હર” છે. સંસ્કૃત “ભૂમિ” પ્રાચીન ફારસીમાં “બૂમિ” અને આધુનિક ફારસીમાં “બૂમ” છે. મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષામાં “ક” વર્ગ, “પ” વર્ગ, “દ” વર્ગ અને “ત” વર્ગ આ ચાર વર્ગ જ હતા. આ જ મૂળ ધ્વનિ હતા. તેમાં બીજો વર્ણ નહોતો. જેમ કે “ક” હતો, પણ “ખ” નહોતો. “પ” હતો, પણ “ફ” નહોતો. “દ” હતો, પણ “ધ” નહોતો. “ત” હતો, પણ “થ” નહોતો. જે પ્રાચીન ભાષામાં “ત” વર્ગ હતો, તેમાં “ટ’ વર્ગ નહોતો અને “ટ” વર્ગ હતો તેમાં “ત” વર્ગ નહોતો. “ટ” કે “ત” બેમાંથી એક જ વર્ગ હતો. ચાર જાતના “ડ” પણ નહોતા. એકમાત્ર સંસ્કૃત એવી ભાષા છે જેમાં ચાર જાતના “ડ” અને “ત” તથા “ટ” વર્ગ બંને છે.

સંસ્કૃતનું “મધ્ય” જર્મનમાં “મિટ્ટે” અને અંગ્રેજીમાં “મિડલ” છે. પ્રાચીન જર્મનના શબ્દ આધુનિક જર્મનમાં પણ છે. વેદ ભાષા અને સંસ્કૃતનાં અનેક રૂપ જર્મનમાં પણ છે. જર્મનના દરેક વાક્યમાં ક્રિયા બીજા સ્થાને હોય છે. સંસ્કૃત અને વેદ ભાષા પર રિસર્ચ કરવા માટે જર્મન જાણવી સહાયક બની રહે છે. ૧૮૫૦થી ૧૮૭૫ દરમ્યાન જર્મનમાં વેદ ભાષાનો કોશ પ્રગટ થયો હતો. તેમાં દરેક શબ્દનો ઇતિહાસ અને વ્યુત્પત્તિ અપાઇ છે. આ કોશ વાંચ્યા વિના વેદ ભાષાનું અધ્યયન સંભવ નથી. વેદ ભાષાના વ્યાકરણ પર જર્મનમાં અદભુત કામ થયું છે. જર્મન વિદ્વાન મેક્સ મ્યુલરે (Max Mullar) વેદની વ્યાખ્યા કરીને યુરોપને ગ્નાન અને ચિંતનના ઊંડાણથી અવગત કરાવ્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતી તેમને “મોક્ષ મ્યુલર” કહેતા. સાથેનું ચિત્ર મેક્સ મ્યુલરનું છે.

Read Full Post »

લોકપ્રિય નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા હવે આપણી વચ્ચે નથી. મુંબઈમાં તા. ૩ જુલાઇએ રાત્રે ૮૬ વર્ષની વયે તેમનો જીવનદીપ બુઝાયો. “સુખની સરહદ”, “નૈન વરસ્યાં રાતભર”, “યાદોનાં ભીનાં રણ”, “સમણાં તો પંખીની જાત”, “લોહીનો બદલાતો રંગ”, “આખું આકાશ મારી આંખોમાં”, “માણસ હોવાની મને બીક”, “બુકાની બાંધેલા રસ્તા” વગેરે ૪૫ જેટલી નવલકથાઓ અને ૧૦ વાર્તાસંગ્રહો સહિત ૭૦ જેટલાં પુસ્તકોનું સર્જન કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર આ લોકપ્રિય લેખકના નિધનના સમાચાર પણ અમદાવાદથી પ્રગટ થતાં ગુજરાતી અખબારોમાં ક્યાંય જોવા ન મળ્યા. રાજકોટથી પ્રગટ થતા “ફૂલછાબ”માં આ સમાચાર વાંચવા મળ્યા.

આજે તો લેખકો ધારે તો માત્ર લેખનને આધારે આરામથી રહી શકે એટલું માનધન મેળવી રહ્યા છે, પણ હજી થોડાં વર્ષો પહેલાં એ શક્ય નહોતું. માત્ર લેખનના જોરે ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું, પણ વિઠ્ઠલ પંડ્યાએ કલમના ખોળે આખી જિંદગી ગુજારી. તેમની પ્રથમ નવલકથા “મીઠા જળનાં મીન” હતી. ૧૯૨૩ની ૨૧ જાન્યુઆરીએ સાબરકાંઠા જિલ્લાના કાબોદરા ગામે તેમનો જન્મ થયો હતો.

વિઠ્ઠલ પંડ્યા મને પ્રિય હોવાનું કારણ હતું તેમનું ફિલ્મી કનેક્શન. જે જમાનામાં સારા ઘરનાં છોકરા-છોકરીઓ ફિલ્મોથી દૂર રહેતાં અને ફિલ્મી કલાકારો પ્રત્યે લોકો સૂગની નજરે જોતા એ સમયે એટલે કે ૧૯૪૦ના દાયકામાં ફિલ્મ અભિનેતા બનવા માટે વિઠ્ઠલ પંડ્યાએ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમના જ શબ્દોમાં : “પાંચ ફૂટ આઠ ઈંચની ઊંચાઈ, સાગના સોટા જેવું કસરતી બદન, માથે વાંકડિયાં ઝુલ્ફાં, ચહેરા પર આત્મવિશ્વાસની ઝલક… ફિલ્મમાં હીરો થવા માટે આથી વિશેષ લાયકાત બીજી કઈ જોઈએ?”  

જોકે તેમના પોતાના જ કહેવા મુજબ એ જમાનામાં પણ ફિલ્મોમાં ઘૂસવું અને કામ મેળવવું જરાય સરળ નહોતું. એક અભિનેતા તરીકે ફિલ્મોમાં ખાસ ગજ ન વાગતાં વિઠ્ઠલભાઇએ દિગ્દર્શનમાં ઝુકાવ્યું હતું. દસેક ગુજરાતી અને દસેક હિંદી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે તેમણે કામ કર્યું હતું. “મંગળફેરા” ફિલ્મમાં તેમણે વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મોનું ભૂત માથેથી ઊતર્યા પછી તેઓ લેખન તરફ વળ્યા હતા, પણ ફિલ્મોમાં જેટલો સમય તેઓ રહ્યા એ દરમ્યાન કેટલાંક જાણીતાં થઈ ચૂકેલાં અને કારકિર્દી ઘડી રહેલાં અનેક કલાકારો અને કસબીઓ સાથે કામ કરવાની અને ખાસ તો ફિલ્મી દુનિયાને નિકટથી જોવાની તેમને તક મળી હતી.

વર્ષો પછી ફિલ્મી દુનિયા સાથેનાં તેમનાં સ્મરણો તેમંણે “સમકાલીન”માં આલેખ્યાં હતાં, અને પછી તે “અસલી નકલી ચહેરા” તથા “સપનાંના સોદાગર” પુસ્તકરૂપે પ્રગટ થયાં હતાં. માસ્ટર વિઠ્ઠલ, ઝુબેદા, સવિતાદેવી, શોભના સમર્થ, સ્નેહપ્રભા પ્રધાન, સાગર ફિલ્મ કંપની, નલીની જયવંત, હંસા વાડકર, સુલોચના, લીલા દેસાઇ, નૂરજહાં, વી.એમ. વ્યાસ, કિશોર સાહુ, ચંદ્રમોહન જેવાં અનેક કલાકારોની વાતો રસાળ શૈલીમાં તેમણે આલેખી છે. એ સમયના મુંબઈના ફિલ્મઉદ્યોગ વિષેની ઘણી અંતરંગ માહિતી આ પુસ્તકોમાં છે. વિઠ્ઠલ પંડ્યા વિષે એમ કહી શકાય કે ભલે તેમને ફિલ્મી દુનિયા ન ફળી, પણ તેને કારણે ગુજરાતી સાહિત્યને તો એક ઉત્તમ લેખક મળ્યો. હવે તેમના નામ આગળ “સ્વ.” લાગી ગયું છે. સો સો સલામ આ કલમના કસબીને…

Read Full Post »

મારા મિત્ર દિનકર ભટ્ટે જગતની એક અજાયબી તાજમહાલ વિષે બ્લોગ લખ્યો છે. તેના શીર્ષકમાં જ પ્રશ્ન કર્યો છે કે “અજાયબી સાત જ કેમ?” આવો પ્રશ્ન બીજા ઘણાને થવો સ્વાભાવિક છે, પણ તેનો જવાબ એટલો જ હોઈ શકે કે સાતનો આંકડો દુનિયાભરની સંસ્કૃતિઓમાં શુભ અને પવિત્ર મનાય છે અને તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. સાત જનમના ફેરા, સપ્તપદીના સાત ફેરા, સપ્તાહના વાર સાત, સપ્તર્ષિના રુષિ સાત… આમ સાતનો મહિમા અપરંપાર છે.

ભારતીય સંસ્કૃતિમાં તો સાતને અપાર મહત્ત્વ મળેલું જ છે, બીજા કેટલાક દેશોમાં પણ એવું જ છે. જાપાનમાં સારા નસીબ માટે સાત દેવતાઓને યાદ કરાય છે. કહે છે કે આ સાત દેવતા ચીનમાંથી જાપાન પહોંચ્યા હતા અને ચીનમાં ભારતમાંથી ગયા હતા. ભારતની જેમ ચીનમાં પણ દેવીદેવતાઓ અસંખ્ય છે, પણ આપણા સાત રુષિઓની જેમ ચીનમાં પણ સાત રુષિઓ છે. ગ્રીસ પોતાના સાત વિદ્વાનોને સાત રુષિઓ જેટલું મહત્ત્વ આપે છે. બીજા દેશોમાં પણ સાતને કોઇ ને કોઇ રીતે મહત્ત્વ મળેલું જ છે.

પ્રશ્ન એ છે કે શા માટે સાતનો અંક, બીજો કોઇ અંક કેમ નહિ? સાતનો અંક પવિત્ર છે અને શુભ ચીજો સાથે સંબંધ ધરાવે છે એવું ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ખ્યાતનામ ગણિતશાસ્ત્રી પાયથાગોરસે પ્રતિપાદિત કર્યું હતું. એવું માનવામાં આવે છે કે સાત પૂર્ણ સંખ્યા છે અને તેમાં ત્રણ અને ચાર પૂર્ણ સંખ્યાઓ છે. તે ત્રિકોણ અને ચતુષ્કોણનું પ્રતિનિધિત્વ કરે છે.  ધર્મ અને કળામાં સાતનો અનેક રીતે ઉપયોગ થયો છે. મધ્યકાલીન વિદ્વાનોએ રોજ કરાતાં સાત પાપોને માન્યતા આપેલી છે. આ સાત પાપ છે – કામ, ક્રોધ, મદ, ઇર્ષ્યા, પ્રમાદ, લોભ અને કુભક્ષણ જેમાં મદીરાપાન પણ સામેલ છે. ભારતના મહાબલીપુરમમાં પિરામિડ આકારનાં સાત મંદિર છે. શેક્સપિયરે મનુષ્યની સાત પ્રકારની આયુમાં ભેદ પ્રદર્શિત કર્યો છે. શિક્ષણ પ્રણાલીમાં સ્વતંત્ર રૂપે સાત કળાઓ હોય છે.

પ્રાચીન સમયમાં પહેલી વાર જ્યારે કોઇએ માનવનિર્મિત અજાયબીઓની યાદી તૈયાર કરી ત્યારે સાતનો આંકડો પસંદ કર્યો. વાસ્તુકળાની કોઇ અનુપમ કૃતિને કેમ અને કઈ રીતે અજાયબી માની લેવાંમાં આવી એ કોઈ જાણતું નથી, પણ ઇતિહાસમાંથી મળતા ઉલ્લેખ મુજબ પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓની પહેલી યાદીમાં જેનો સમાવેશ થયો હતો તે તમામ અજાયબી ભૂમધ્ય સાગરના પૂર્વોત્તર વિસ્તારમાં હતી. તે પછી સમયાંતરે આ યાદીમાં સુધારાવધારા થતા રહ્યા અને છેલ્લે દુનિયાએ જોયું કે એસએમએસ દ્વારા વોટિંગ કરાવીને સાત અજાયબીની યાદી તૈયાર થઈ.

સાતના અંકનો મહિમા અહીં પૂરો નથી થઈ જતો. એ તો અપરંપાર છે. મને સાતના અંક પ્રત્યે લગાવનું કારણ એ છે કે ૭ જુલાઇ મારો જન્મદિવસ છે…

આ પોસ્ટ સાથેનું ચિત્ર વર્ડપ્રેસના એક બ્લોગ પરથી જ મળ્યું છે.

Read Full Post »

ફરી એક વાર વિમ્બલડન (Wimbledon)માં વિલિયમ્સ બહેનો છવાઇ ગઈ છે. છેલ્લાં આઠ વર્ષમાં બંને બહેનો વિનસ અને સેરેના એક સાથે ત્રીજી વાર ફાઈનલમાં પહોંચી છે. વિનસની આ સાતમી અને સેરેનાની ત્રીજી વિમ્બલડન ફાઇનલ છે. ગુરુવારે સેરેનાને સેમીમાં રમતી જોવા વિનસ અને તેમના પિતા રિચાર્ડ બંને પ્રેક્ષકો વચ્ચે બેઠાં હતાં, પણ શનિવારે બંને બહેનો ફાઇનલમાં ટકરાશે ત્યારે પિતા તે જોવા હાજર નહિ રહે. તેઓ અમેરિકા ઘેર પરત જતા રહ્યા હશે. તેઓ કહે છે કે “કોઇ પિતા કોઇ એક ચીજ માટે પોતાનાં બે સંતાનોને ઝઘડતાં જોઇ શકે ખરો?”

વિનસ અને સેરેના બંનેનું પ્રેરકબળ તેમના પિતા રિચાર્ડ જ છે. છેલ્લા લગભગ એક દાયકાથી બંને બહેનોએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પ્રવેશ કર્યો છે ત્યારથી વીમેન્સ ટેનિસનું ચિત્ર બદલાઇ ગયું છે. પહેલાં નર્યું ગ્લેમર હતું તેમાં બ્લેક પાવર ભળ્યો છે. વિલિયમ્સ બહેનો વિષે ઘણું લખાતું રહ્યું છે. વિમ્બલડન સહિતની ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં બંને સામસામે હોય ત્યારે કોણ જીતશે એ તેમના પિતાએ પહેલેથી નક્કી કરી રાખ્યું હોય છે એવું પણ ઘણી વાર ચર્ચાસ્પદ બની ચૂક્યું છે. જોકે તેમના પિતા આવું કઈ હોવાનો ઇનકાર કરતા રહે છે. બંને વચ્ચે જે રીતે હારજીત થઈ છે તે પણ રિચાર્ડની વાતને જ સમર્થન આપે છે. અત્યાર સુધીમાં બે વાર વિમ્બલડન સહિત કુલ છ વાર બંને બહેનો ગ્રાન્ડ સ્લેમની ફાઇનલોમાં પહોંચી છે. તેમાં ૨૦૦૧માં યુએસ ઓપનમાં વિનસ જીતી હતી તેને બાદ કરતાં બંને વિમ્બલડન ઉપરાંત ૨૦૦૦માં ફ્રેન્ચ ઓપન, ૨૦૦૨માં યુએસ ઓપન અને ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેનાનો વિજય થયો હતો.

વિલિયમ્સ બહેનો આ પહેલાં ૨૦૦૨ અને ૨૦૦૩માં વિમ્બલડન ફાઇનલમાં સામસામી આવી હતી અને બંને વાર સેરેનાએ વિનસને હરાવી દીધી હતી. વિનસ જોકે ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૭ એમ ચાર વખત વિમ્બલડન જીતી ચૂકી છે, પણ ફાઇનલમાં તે હજી પોતાની બહેનને હરાવી શકી નથી. આ વખતે શું બનશે એ જોવું રસપ્રદ થઈ પડશે. ૨૦૦૨માં વિલિયમ્સ બહેનો વિમ્બલડનની ફાઇનલમાં પહેલી વાર પહોંચી હતી ત્યારે ૧૧૮ વર્ષ પહેલાંના ઇતિહાસનું પુનરાવર્તન થયું હતું. ૧૧૮ વર્ષ પહેલાં વોટસન અને લિલિયન નામની બે બહેનો વિમ્બલડન ફાઇનલ રમી હતી. એ વર્ષે ૧૯૫૭ પછી પહેલી વાર એવું બન્યું હતું કે સિગલ્સની હરીફોએ જ ડબલ્સનું ટાઇટલ જીતી લીધું હોય. વિલિયમ્સ બહેનોએ તો એ પછી ૨૦૦૩માં પણ આ સિદ્ધિ ફરી હાંસલ કરી હતી. આ વખતે પણ આ સિદ્ધિથી તેઓ થોડીક જ દૂર છે.

રિચાર્ડ અને ઓરાસિન વિલિયમ્સની પાંચ પુત્રીઓ પૈકી વિનસ (જ. તા. ૧૭ જૂન ૧૯૮૦) અને સેરેના (જ. તા. ૨૬ સપ્ટેમ્બર ૧૯૮૧) વચ્ચે સ્વભાવગત ઘણો ફરક છે. તેમના પિતા રિચાર્ડ કહે છે તેમ વિનસ ઓછાબોલી અને અંતર્મુખી છે, પણ ખુલ્લા દિલની છે, જ્યારે સેરેના બોલકી છે અને ટેનિસ કોર્ટ પર જો પોઈન્ટ ગુમાવતી હોય તો તેને રેકેટ પછાડતી અને એકલી એકલી બોલતી જોઈ શકાય. બંને બહેનોની ટેનિસમાં જ્વલંત કામયાબીએ એક સમયના સાવ ગરીબ વિલિયમ્સ પરિવારને અબજોપતિ બનાવી દીધો છે, અને હજી તેમનું બેન્ક બેલેન્સ વધી જ રહ્યું છે…

Read Full Post »

ગુલઝાર દિગ્દર્શિત “પરિચય” ઘણી વાર જોઈ છે. આ ફિલ્મ મારી મનગમતી ફિલ્મોમાંની એક છે. “પરિચય” વિષે સાંભળ્યું હતું કે તે “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” પર આધારિત છે, પણ ઘણી ઇચ્છા હોવા છતાં આ ફિલ્મ જોવાનો મેળ પડતો નહોતો, પણ અંતે થેન્ક્સ ટુ કુમાર, મેળ પડી ગયો.

“ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” જોતી વખતે અને જોયા પછી એક એક જ ઉદગાર નીકળી શકે… અદભુત, અદભુત, અદભુત… ફિલ્મના એક કથાતંતુને બાદ કરીએ તો “પરિચય”ને આ ફિલ્મ સાથે કોઈ ખાસ લેવાદેવા નથી. ગુલઝારે તેને એ હદે પોતાની ફિલ્મ બનાવી દીધી છે. “પરિચય”માં દાદાને ઘૃણા કરતાં બાળકોને એક શિક્ષક દાદાનો સાચો પરિચય કરાવીને તેમને સ્નેહના બંધને બાંધવાનું કામ કરે છે, અને અંતે સંતાનોમાં સૌથી મોટી દીકરી સાથે લગ્નનું નક્કી થાય છે, જ્યારે “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” ઓસ્ટ્રિયામાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. ઓસ્ટ્રિયાના સોલ્ઝબર્ગમાં વોન ટ્રેપ પરિવાર રહે છે. વોન ટ્રેપ લશ્કરી અધિકારી છે. ઓસ્ટ્રિયા પર નાઝીઓના કબજા બાદ વોન ટ્રેપને ફરજ પર હાજર થવા આદેશ મળે છે, પણ તે પરિવાર સાથે એક સંગીત સમારોહમાં ભાગ લેવાને બહાને બધાને લઈને સ્વિત્ઝરલેન્ડ જતો રહે છે.

ફિલ્મમાં કેન્દ્રિય ભૂમિકા છે મારિયા નામની એક અલ્લડ યુવતીની. નન બનવા માટે તે ચર્ચમાં રહે છે. એક દિવસ મધરના આદેશથી એક વર્ષ માટે તેણે વોન ટ્રેપ પરિવાર સાથે રહેવા જવું પડે છે. વોન ટ્રેપની પત્ની ગુજરી ગયા બાદ ૧૪થી પાંચ વર્ષની વયનાં સાત બાળકોની ગવર્નેસ તેણે બનવાનું છે. વોન ટ્રેપ લશ્કરી શિસ્તથી બાળકોને ઉછેરી રહ્યો છે, પણ તેને કારણે બાળકો કોઇ ગવર્નેસને ઘરમાં ટકવા દેતાં નથી. પણ મારિયા નોખી માટીની બનેલી છે. તેના આવ્યા પછી ઘરમાં આખો માહોલ બદલાઇ જાય છે. થોડા જ સમયમાં તે બાળકોનો અને અંતે વોન ટ્રેપનો પ્રેમ જીતી લે છે. બંને લગ્ન કરી લે છે. જોકે એ પહેલાં તો ફિલ્મમાં ઘણી ઘટનાઓ બને છે. ગીતો આ સંગીતપ્રધાન ફિલ્મનો પ્રાણ છે. “મારિયા…”, “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક…”, “માય ફેવરિટ થિંગ્સ…”, “યુ આર સિક્સટીન, ગોઇંગ ઓન સેવન્ટીન…”, “ક્લાઇમ્બ એવરી માઉન્ટેન…”, “ડો-રે-મી…” અને “એડલવાઇઝ…” જેવાં કર્ણપ્રિય ગીતો એક એક્થી ચઢિયાતાં છે. મારિયા બાળકોને ગાતાં શીખવે છે તે “ડો-રે-મી…” ગીત તો વારંવાર સાભળવું ગમે એવું છે. “ડો-રે-મી’ પરથી ગુલઝારે “સારે કે સારે ગામા કો લે કર ગાતે ચલે”નું સર્જન કર્યું છે. “એડલવાઇઝ…”માં તો એ રીતે દેશભક્તિ સાંકળી લેવાઇ છે કે આજે પણ આ ગીત ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રગીત જેવું સન્માન ધરાવે છે. “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”ને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક (રોબર્ટ વાઇઝ) સહિત પાંચ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. મારિયાની ભૂમિકા માટે જુલી એન્ડ્રુઝને શ્રેષ્ઠ અભિનેત્રીનું નોમિનેશન મળ્યું હતું.

“ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”નું નિર્માણ ૧૯૬૫માં થયું હતું, પણ જ્યાં જ્યાં તેનું શૂટિંગ થયું હતું તે તમામ સ્થળો પ્રવાસીઓને બતાવવા “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ટૂર” યોજાય છે. “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ને સતત જીવંત રાખવાના પ્રયાસ કરાય છે. એ જોતાં થાય છે કે આપણે ત્યાં પણ અનેક યાદગાર ફિલ્મો બની છે, પણ કોઈ ફિલ્મને ટૂરિઝમનો હિસ્સો બનાવી શકાઈ નથી. એવું કદી કોઇએ વિચાર્યું પણ નથી…

Read Full Post »