Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2008

ગુજરાતી ફિલ્મો વિષે આજે જ એક લાંબો લેખ લખવાનું થયું છે. “નવચેતન”ના દિવાળી અંકમાં તે છપાશે. ગુજરાતી ફિલ્મો વિષે જ્યારે પણ લખવાનું થાય છે, ત્યારે મન ગ્લાનિથી ભરાઇ જાય છે. શું નથી આપણી પાસે? પ્રતિભા છે, સાધનોની કમી નથી, પૈસા છે, પણ આખા વરસમાં સમ ખાવા પૂરતી એક સારી ફિલ્મ બનાવી શકતા નથી. પહેલી ગુજરાતી ફિલ્મ “નરસિંહ મહેતા” ૧૯૩૨માં બની હતી તેને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો પ્રારંભ ગણીએ તો આ ઉદ્યોગને ૭૭મું વર્ષ ચાલી રહ્યું છે. ૨૦૦૭માં પ્લેટિનમ જયંતી પણ ઊજવી હતી. એ વર્ષે પણ એવી એક પણ ફિલ્મ ન બની જે આ ઉજવણીને સાર્થક કરે. ગુજરાતી ફિલ્મો ભલે ૭૭ વર્ષથી બનતી હોય, પણ ખરી વાત એ છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓનું પ્રદાન આ ઉદ્યોગ જેટલું જ જૂનું છે. નિર્માતાઓ, દિગ્દર્શકો, કલાકારો, ફાઇનાન્સિયરો અને બીજા સાહસિકો આ ઉદ્યોગને આગળ વધારવા પાયાના પથ્થર બનવાનું કામ કર્યું છે. આજે પણ બોલીવૂડમાં ફિલ્મનિર્માણનાં લગભગ બધાં જ ક્ષેત્રોમાં ગુજરાતીઓ છવાયેલા છે. ગુજરાતી પરિવારોની કહાણીઓ કહેતી હિંદી સિરિયલો દેશભરમાં ધૂમ મચાવી રહી છે અને તેમાં પણ ઘણાં ગુજરાતી કલાકારો કામ કરી રહ્યાં છે, પણ આમાં ક્યાંય ગુજરાતી ફિલ્મોની વાત કરી શકાય તેમ નથી.

ભારતનો ફિલ્મ ઉદ્યોગ ભલે સંખ્યાની દૃષ્ટિએ હોલીવૂડની બરાબરી કરતો હોય, અને આજે ભલે Thanks to NRIs હિંદી ફિલ્મોનું બહુ મોટું બજાર વિદેશોમાં ખૂલી ચૂક્યું છે, પણ આજથી પાંચેક દાયકા પહેલાં હિંદી ફિલ્મોને વિદેશોમાં કોઇ ગંભીરતાથી લેત્યં નહિ ત્યારે બંગાળી અને દક્ષિણમાં બનેલી કેટલીક પ્રાદેશિક ફિલ્મોએ જ ભારતને આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અપાવ્યું હતું. ગુણવત્તા અને ટેકનોલોજીમાં બંગાળી અને દક્ષિણની ફિલ્મો હિંદી ફિલ્મોને માત આપે એવી હોય છે, એટલે તેમની સાથે તો ગુજરાતી ફિલ્મોની સરખામણી કોઈ કાળે ન થઈ શકે, પણ હાલનાં વર્ષોમાં જ ધમધમવા માંડેલા ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ કે મહારાષ્ટ્રમાં બનતી મરાઠી ફિલ્મો સાથે પણ આજની ગુજરાતી ફિલ્મોની સરખામણી થઈ શકે તેમ નથી.

ગુજરાતી ફિલ્મોની વાત મરાઠી ફિલ્મોના સંદર્ભમાં કરવી એટલે જરૂરી છે કે ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં કેમ બહુ જોવાતી નથી એ સંદર્ભે ઘણા એવી દલીલ કરતા હોય છે કે ગુજરાત મુંબઈની બહુ નજીક છે અને અહીંનો ગામડાનો માણસ પણ હિંદી ફિલ્મો સરળતાથી માણી શકતો હોવાથી હિંદી ફિલ્મોની નબળી નકલ જેવી ગુજરાતી ફિલ્મો કરતાં હિંદી ફિલ્મો તેમને વધુ આકર્ષે છે. જો એવું જ હોય તો મરાઠી ફિલ્મોને પણ તે એટલું જ લાગુ પડવું જોઈએ, પણ એવું નથી. મરાઠી ફિલ્મો  ગુજરાતી ફિલ્મો કરતાં ઘણી આગળ છે. બે વર્ષ પહેલાં એક મરાઠી ફિલ્મ “શ્વાસ” છેક ઓસ્કર એવોર્ડને બારણે ટકોરા મારીને આવી હતી, અને આ વર્ષે ભલે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે “તારે જમીન પર” (Taare Zameen Par)ને મોકલવાનું નક્કી થયું હોય, પણ ઓસ્કરમાં મોકલવા માટે જે સાત-આઠ ફિલ્મો પર વિચાર કરાયો હતો અને છેલ્લે “TJP” પર પસંદગીની મહોર વાગી તે પહેલાં તેને જે ફિલ્મ સાથે ખરેખરી સ્પર્ધા કરવી પડી હતી તે “ટિંગ્યા” (TINGYA) મરાઠી ફિલ્મ છે. દિગ્દર્શક તરીકે મંગેશ હડવળેની આ પહેલી જ ફિલ્મ છે. એક બળદ સાથેના એક બાળકના સ્નેહની હૃદયસ્પર્શી વાત આ ફિલ્મમાં છે. પાંચ આંતરરાષ્ટ્રીય સહિત ૩૭ એવોર્ડ આ ફિલ્મ જીતી ચૂકી છે અને એક ઓર મજાની વાત એ છે કે મુંબઈમાં આ વર્ષે યોજાયેલા ફિલ્મોત્સવ MAMI માં “તારે જમીન પર” અને “ચક દે ઇન્ડિયા”ને પછાડીને “ટિગ્યા” શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી ગઈ હતી. “ટિંગ્યા”ના નિર્માતા રવિ રાયે આ ફિલ્મને સ્વતંત્ર રીતે ઓસ્કરમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ જ વર્ષે મરાઠીમાં બનેલી બીજી એક ફિલ્મ “વળુ” (VALU) પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં ધૂમ મચાવી રહી છે. દિગ્દર્શક ઉમેશ કુલકર્ણીની આ ફિલ્મની કથાના કેન્દ્રમાં તોફાને ચઢેલો એક આખલો છે. આ જ વર્ષની એક મરાઠી ફિલ્મ “જિન્કી રે જિન્કી” (Jinki Re jinki)ને આધારે શિક્ષકો માટે ટ્રેનિંગ કિટ વિકસાવી શકાય તે માટે તેને યુનેસ્કો દ્વારા પસંદ કરવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મો વિષે કોઇ વાત કરી શકાય તેમ છે?

Read Full Post »

માણસનું જીવન બદલી નાંખવાની ક્ષમતા ધરાવતા કોઇ એક પુસ્તક્નું નામ આપવાનું જો કહેવામાં આવે તો બેશક પોલો કોએલો (Paulo Coelho) લિખિત નવલકથા “ધ એલ્કેમિસ્ટ” (The Alchemist)નું જ નામ આપું. મૂળ પોર્ટુગિઝ ભાષામાં ૧૯૮૮માં પ્રગટ થયેલું, ૬૭ ભાષાઓમાં અનુવાદ થયેલું અને ત્રણ કરોડ પ્રતોથી વધુ વેચાયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં પણ સુલભ બન્યું છે. “એલ્કેમિસ્ટ” નામે તેનું પ્રકાશન આર. આર. શેઠની કંપનીએ કર્યું છે. (અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. મૂલ્ય ૯૫ રૂપિયા).

“ધ એલ્કેમિસ્ટ” હવે તો દુનિયામાં સૌથી વધુ વંચાતા અને વેચાઇ રહેલાં પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. લોકો તેમનું સપનું કઈ રીતે સાકાર કરી શકે છે કે શા માટે નથી કરી શકતા કે પછી કઈ રીતે સપનું સાકાર થવાનું હોય એ જ ઘડીએ હાથ ઊંચા કરી દેતા હોય છે એ આટલી સરળ રીતે આ પહેલાં ભાગ્યે જ કોઇએ કહ્યું હશે. આશાવાદ અને સકારાત્મક વિચારોથી છલોછલ “એલ્કેમિસ્ટ” મુળ તો ઇજિપ્તના પિરામિડો પાસે એક ખજાનો છે એવું સપનું જોનારા સાન્તિયેગો નામના એક ગોવાળ છોકરાની કહાણી છે. ખજાનો મેળવવાનું પોતાનું સપનું સાકાર કરવાને પોતાની નિયતિ માનીને તે ઘેરથી નીકળી પડે છે અને માર્ગમાં તેને જે જાતજાતના અનુભવો થાય છે અને કુદરતના સાંનિધ્યમાં તેને જે ગ્નાન લાધે છે, અને એ પ્રક્રિયા દરમ્યાન નાની નાની નજીવી બાબતોમાં છુપાયેલાં જીવનનાં રહસ્યો ઊકલતાં જાય છે એની કથાગૂંથણી જ લેખક પોલો કોએલોને એક સાચો કીમિયાગર બનાવે છે. સાન્તિયાગો ધાતુઓમાંથી સોનું બનાવવાની વિદ્યા જાણતા એક કીમિયાગરને મળે છે. તેની સાથેના સંવાદથી જીવન પ્રત્યેનો તેનો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઇ જાય છે.   

આ બેસ્ટ સેલર લેખકનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે અને અત્યાર સુધીમાં કુલ દસ કરોડથી વધુ પ્રતો વેચાઇ ચૂકી છે. તે સૌમાં શિરમોર “એલ્કેમિસ્ટ” એવો સંદેશ આપે છે કે માણસે તેની નિયતિને ટાળવી ન જોઇએ. કોએલોની શૈલી ખૂબ રસાળ છે અને ખુશનુમા જીવનનાં રહસ્યો બહુ સાદી અને સરળ ભાષામાં વાચકો સમક્ષ મૂકતા જાય છે. વાચકને સતત એ અનુભૂતિ થતી રહે છે કે જીવનના માર્ગમાં વિખરાયેલી પડેલી નાની નાની અને સરળ ચીજોમાં જ ખરી ખુશી સમાયેલી છે.

કોએલો કહે છે કે ઘણા લોકો મને પૂછે છે કે મને મળી રહેલી આ સફળતાનું રહસ્ય શું છે, ત્યારે મારો એકમેવ અને પ્રામાણિક પ્રતિભાવ એ હોય છે કે પેલા ગોવાળિયા છોકરા સાન્તિયેગોની જેમ આપણે સૌએ પોતાના વ્યક્તિગત જીવનધર્મ અંગે જાગ્રત થવાનું છે. ૧૯૪૭માં જન્મેલા કોએલો લેખન તરફ વળ્યા તે પહેલાં ગાયક, અભિનેતા અને પત્રકાર સહિત ઘણાં કામ કરી ચૂક્યા હતા અને વધુ નવાઇની વાત એ છે કે કિશોર વયમાં બે વાર તો તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

“એલ્કેમિસ્ટ”માંથી થોડીક ચૂંટેલી વાતો અહીં મૂકી છે :

– જ્યારે આપણે કંઈક મેળવવાની ઇચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.

– પ્રેમ કદી કોઇ માણસને પોતાની નિયતિ શોધવામાં અટકાવતો નથી. જો તે એ શોધ પોતે અટકાવી દે તો તેનું કારણ એ છે કે તેનો પ્રેમ સાચો નથી.

– કોઈ વ્યક્તિ કંઇ પણ કરતી હોય, દુનિયાના ઇતિહાસને ઘડવામાં તેની ભૂમિકા કેન્દ્રમાં હોય છે, પણ મોટે ભાગે આ બાબતથી તે અજાંણ જ રહે છે.

– જે કંઇ એક વાર બને છે તે બીજી વાર બનતું નથી. જે કંઇ બે વાર બને છે તે ચોક્કસ ત્રીજી વાર પણ બને છે.

– જ્યારે તમારી અંદર વિશાળ ખજાનો હોય અને બીજાઓને તમે તેની વાત કરો ત્યારે તમારી વાત પર ભાગ્યે જ કોઇને વિશ્વાસ બેસે છે.

– જીવનમાંની સાદી વાતો જ અસાધારણ હોય છે અને શાણા માણસો જ તેને સમજી શકે છે.

– આ બ્રહ્માંડનું એક મહાન સત્ય એ છે કે તમે કોઇ પણ હો કે કંઇ પણ કરતા હો, જ્યારે તમને કંઇક મેળવવાની ઇચ્છા જાગે તો એ મેળવીને જ રહેવું એ તમારા જીવનનો હેતુ છે.

– જેમ જેમ કોઇ પોતાની નિયતિને પ્રાપ્ત કરવાની નજીક આવતું જાય તેમ તેમ તે નિયતિ તેના અસ્તિત્વનું ખરું કારણ બનતી જાય છે.

– પૂર્વાભાસ કે પછી અંત:સ્ફૂરણા ખરેખર તો આત્માનું એક સાર્વત્રિક જીવનપ્રવાહમાં અચાનક ડૂબકી મારવા જેવું છે, જેમાં બધા લોકોના ઇતિહાસ એકબીજાથી જોડાયેલા છે. આપણે બધું જાણી શકીએ છીએ કેમ કે ત્યાં એ બધું લખેલું છે.

– પૃથ્વી પરની દરેક વ્યક્તિ માટે એક ખજાનો છે જે તેની રાહ જુએ છે.

– મોટા ભાગનાં લોકો દુનિયાને ડરામંણી જગ્યા સમજે છે અને તેઓ એવું સમજે છે ત્યારે તે ખરેખર ડરામણી જગ્યા જ બની જય છે.

– રાતની સૌથી વધુ અંધારી ક્ષણ સવાર ફૂટ્યા પહેલાંની ક્ષણ હોય છે.

– જે કોઇ અન્યની નિયતિમાં વિક્ષેપ પાડે તે પોતાની નિયતિ પામી શકે નહિ.

Read Full Post »

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય કૌશલ્ય ધરાવતા હત્યારા હતા અને પોતે પણ તેમના જેવી જ અસામાન્ય શક્તિઓ ધરાવે છે. આમાંની એક શક્તિ એવી છે કે તે બંદૂકમાંથી છૂટતી ગોળીની ગતિને પકડી શકે છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી તેને માટે સ્લો-મોશનનો ખેલ છે.

Wanted જોતાંજોતાં એકાએક યાદ આવ્યું કે થોડાં વર્ષો પહેલાં “જનસતા” દૈનિકમાં “જિજ્ઞાસા અને કૌતૂક” નામની કોલમ હું લખતો. પહેલાં તે “રંગતરંગ” પાક્ષિકમાં પ્રગટ થતી. બાળકો અને કિશોરો માટેની એ કોલમમાં સમયની એક સેકન્ડને એક હજારમા ભાગમાં માપવાની વાત હતી. થોડી શોધખોળ પછી સદનસીબે એ લેખની મૂળ પ્રત મળી આવી. લેખનું શીર્ષક હતું “ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય તે જાણો છો?” તેમાંની થોડી વિગતો મુજબ જો આપણે સેકન્ડનો એક હજારમો ભાગ અનુભવગત કરી શકીએ તો કોઇ પક્ષી પાંખ ફફડાવતું હોય એ રીતે મચ્છરની પાંખનું હલનચલન જોઇ શકીએ. ટીવી પર એક્શન રિપ્લે કે ફિલ્મમાં સ્લો મોશનની જેમ અપણી આસપાસ બનતી ઘટનાઓને જોઇ શકીએ. વાસ્તવિક જીવનમાં આપણે દરેક ક્રિયાને સમયની સામાન્ય ગતિમાં બનતી નિહાળીએ છીએ. સમયની આ ગતિને જેટલી ઓછી ઝડપે આપણે પામી શકીએ તેટલી કોઈ પણ ક્રિયાને ધીમી ગતિએ બનતી નિહાળી શકીએ. જો ખરેખર એવું બને તો બહુ રમૂજી અને વિકટ સ્થિતિ ઊભી થાય.

“ટાઇમ મશીન” (Time Machine)ના સર્જક એચ. જી. વેલ્સ (H. G. Wells)ની એક વિજ્ઞાનકથામાં બે યુવાનો ભૂલથી એક દવા પી જાય છે. તેની તેમના પર એવી અસર થાય છે કે તેમને દરેક ક્રિયા ધીમી ગતિએ થતી દેખાય છે. જેમ કે હવાને કારણે સામાન્ય સંજોગોમાં બારીનો પડદો ફરફરતો હોય, પણ ધીમી ગતિવાળા જગતમાં હવા આવે, પડદા સાથે અથડાય, પડદો પણ જાણે તેને કોઇ ઉતાવળ ન હોય તેમ, તેનો એક છેડો નિરાંતે ઊંચો થાય, ઊંચો થયા પછી એ જ સ્થિતિમાં થોડી વાર સ્થિર રહે, પછી ધીમે ધીમે નીચો આવે. હાથમાંથી કાચનો ગ્લાસ છટકી જાય, તો તરત નીચે પડીને ભુક્કો થવાને બદલે ધીમે ધીમે નીચે જતો, જમીનને અથડાતો અને ટુકડાઓમાં વેરાતો જોઇ શકાય. આવું તો દરેકે દરેક ક્રિયા વિષે કલ્પી શકાય.

વાસ્તવિક જીવનમાં એક સેકન્ડ કે પછી આંખનો પલકારો આપણા માટે સમયનો નાનામાં નાનો એકમ હોઇ શકે, ત્યારે પ્રશ્ન એ થાય કે સેકન્ડનો એક હજારમો ભાગ માપી શકાય ખરો? તેનો જવાબ એ છે કે સેકન્ડનો એક હજારમો નહિ, પણ દસ હજારમો ભાગ વીસમી સદીના આરંભે જ માપી શકાતો હતો. આજે તો આધુનિક સાધનોની મદદથી સેકન્ડનો એકસો અબજમો ભાગ પણ માપી શકાય છે. તે કેટલો સૂક્ષ્મ હોય તે સમજવું હોય તો કહી શકાય કે ત્રણ હજાર વર્ષની સરખામણીમાં એક સેકન્ડ જેટલી તેની સૂક્ષ્મતા હોઈ શકે.

ફિલ્મ “વોન્ટેડ”ના સંદર્ભમાં જોઈએ તો બંદૂકમાંથી ગોળી છૂટે એટલે સામાન્ય માણસ તો ગોળી છૂટવાનો અવાજ સાંભળી શકે અને નાળચામાંથી નીકળતો ધુમાડો જોઈ શકે, પણ ગોળીને જતી જોઇ શકે નહિ, કારણ કે ગોળીની એટલી ઝડપ હોય, પણ સમયને જો કોઇ વધુમાં વધુ નાના એકમમાં પામી શકે તો તેની નજરથી ગોળી અળગી થઈ શકે નહિ, પણ ઇશ્વરનો આભાર કે આવું બધું વિજ્ઞાનકથાઓમાં કે ફિલ્મોમાં જ બની શકે છે…

એક રસપ્રદ યોગાનુયોગ એ થયો કે “જનસત્તા”માં આ લેખ બરાબર ૧૯૯૩ની ૧૨ સપ્ટેમ્બરે રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં પ્રગટ થયો હતો.

Read Full Post »

“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે છે. ૨૦૦૮ના ઓક્ટોબરમાં જાહેર થનારા આ પારિતોષિક માટે એશિયાભરમાંથી આવેલી કૃતિઓ પૈકી અંતિમ ૨૧ની પસંદગી કરાઇ છે, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર લેખિકા છે સલમા.

સલમા આમ તો એક ઉપનામ છે. મૂળ લેખિકાએ પોતાની ઓળખ છુપાવવા આ નામે લખવું શરૂ કર્યું હતું અને આજે રુકૈયા મલિક સલમા તરીકે જ વધુ ઓળખાય છે. સલમા તમિળ લેખિકા છે. તાજેતરનાં વર્ષોમાં આધુનિક તમિળ સાહિત્યને જે કેટલીક સશક્ત કલમો મળી છે તેમાં સલમા પણ એક છે. નારીવાદી ગણાતી સલમાના ત્રણ કાવ્યસંગ્રહો, એક નવલકથા અને થોડીક ટૂંકી વાર્તાઓ પ્રગટ થયાં છે, પણ આજે સ્થિતિ એ છે કે આધુનિક તમિળ સાહિત્યની વાત કરવી હોય તો સલમાનો ઉલ્લેખ કરવો જ પડે. 

સલમાએ જે સફળતા મેળવી છે અને જે સંજોગોમાં પોતાનો માર્ગ કંડાર્યો છે તેને “સાહિત્ય થકી સ્ત્રી-સશક્તિકરણનું જીવંત ઉદાહરણ” માનવામાં આવે છે. સારું સાહિત્ય રચવા માટે હૈયાઉકલત અને કોઠાસૂઝ વધુ જરૂરી છે. એ માટે ન તો કોઇ ક્લાસ ભરવા પડે છે કે ન તો કોઇની પાસે તાલીમ લેવી પડે છે કે ન તો એ માટે ખાસ કોઈ ડિગ્રી લેવી પડે છે એનું પણ સલમા જીવતુંજાગતું ઉદાહરણ છે. 

૧૯૬૮માં તમિળનાડુના તિરુચિ પાસેના એક ગામ થુવારાંકુરુચિમાં રુઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મેલી રુકૈયા નવમા ધોરણમાં હતી ત્યારે ઉઠાડી લેવાઇ હતી કારણ કે તેનાં માતા-પિતા એવું માનતાં કે છોકરી રજસ્વલા બને તે પછી ભણવા ન જવાય. ભણવાનું બંધ થયું પણ રુકૈયાનો વાંચનનો શોખ ચાલુ રહ્યો. ભાઇ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપતો. મનમાં ઘમસાણ તો પહેલેથી જ મચેલું હતું, તેમાં વિવિધ વાચને ઓર વધારો કર્યો. પોતાની અંદર જે વલોવાતું રહેતું હતું તેને વાચા આપવા લખવાનું શરુ કર્યું. ૧૭મે વર્ષે તેણે પહેલી કવિતા લખી હતી. ૨૦મા વર્ષે પરણીને સાસરે ગઈ ત્યાં લખવા પર પ્રતિબંધ આવી ગયો.

પતિ અને સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે પણ રુકૈયાએ લખવું ચાલુ રાખ્યું. હવે તેણે “સલમા” નામે લખવું શરૂ કર્યું. માત્ર તેની માતા જાણતી હતી કે સલમા એ જ રુકૈયા છે. એક સામયિકમાં તેના ફોટા સાથે પરિચય છપાયો ત્યારે તેના પતિને ખબર પડી કે સલમા ખરેખર કોણ છે. પહેલાં તો ભારે હોબાળો મચી ગયો પણ સમય જતાં સલમા લેખિકા છે એ સ્વીકૃત થઈ ગયું છે. ઘણાં પારિતોષિકો તેને મળી ચૂક્યાં છે. તેની કૃતિઓના અંગ્રેજી સહિત અનુવાદો થવા માંડ્યા છે. તેની તમિળ નવલકથા “ઇરાન્દામ જનમગાલિન કથાઇ” (Irandaam Jamangalin Kathai)નો લક્ષ્મી હોલ્મસ્ટ્રોમે “મિડનાઇટ ટેલ્સ” નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે.

આજે સલમા તેના ગામની પંચાયતની સરપંચ છે. તમિળનાડુ સરકારે રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન તરીકે તેની નિયુક્તિ કરી છે. તમિળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ તેને ૨૦૦૭માં એવોર્ડ આપવામાં આવ્યો હતો.તે સ્વીકારતી વખતે તેણે કહ્યું હતું, “મારાં લખાણો મોટે ભાગે મારા પોતાના અનુભવો પર આધારિત છે. પણ આ અનુભવો  મારી એકલીના નથી, પણ તે દરેક સ્ત્રીના છે.”

Read Full Post »

મૂક ફિલ્મો વિષે ઘણું લખવાનું અને વાંચવાનું થયું છે, પણ ચાર્લી ચેપ્લિન અને લોરેલ-હાર્ડીની કેટલીક મૂક ફિલ્મો અને અમુક ડોક્યુમેન્ટરીમાં રડીખડી ભારતીય મૂક ફિલ્મોની ઝલકને બાદ કરતાં એક પણ પૂરી લંબાઈની મૂક ફિલ્મ જોઈ નહોતી. ઇન્ટરનેટ પરથી અવારનવાર રસ પડે તેવી ફિલ્મો ડાઉનલોડ કરતો રહું છું. બે દિવસ પહેલાં કઈ ફિલ્મ ડાઉનલોડ કરવી તેનો વિચાર કરતો હતો ત્યારે થયું કે એકાદ મૂક ફિલ્મ જોવી જોઈએ. ઇરાદો તો કોઇ ભારતીય મૂક ફિલ્મ જોવાનો જ હતો, પણ આપણા કમનસીબે બહુ ઝાઝી મૂક ફિલ્મો સાચવી શકાઇ નથી, એટલે નેટ પર તો આવી કોઈ ફિલ્મ મળે એ શક્યતા નહિવત જ છે, એટલે જેના વિષે બહુ સાંભળ્યું છે એ “બેટલશિપ પોટેમકિન”ની શોધ શરૂ કરી અને મળી પણ ગઈ. 

ફિલ્મનું માધ્યમ કેટલું બળકટ છે એનો ખ્યાલ કેટલાક ફિલ્મકારોને પ્રારંભથી જ આવી ગયો હતો. રશિયન ફિલ્મકાર સર્જેઈ આઇઝેન્સ્ટાઇન (Sergei Eisenstein) તેમાંના એક હતા. તેને કારણે જ ૧૯૨૫માં બનેલી રશિયન મૂક ફિલ્મ “બેટલશિપ પોટેમકિન” વિશ્વ સિનેમાના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગઈ છે. વિશ્વની શ્રેષ્ઠ દસ મૂક ફિલ્મોની યાદી બનાવવામાં આવે તો “બેટલશિપ પોટેમકિન”ને તેમાં સ્થાન આપવું પડે એવી આ ફિલ્મ છે. કેટલીક ફિલ્મો દુનિયાભરના ફિલ્મકારો માટે પાઠ્યપુસ્તક જેવી બની ગઈ છે. “બેટલશિપ પોટેમકિન” આવી જ એક ફિલ્મ છે.  

વિશ્વ સિનેમામાં “બેટલશિપ પોટેમકિન” (Battleship Potemkin) ફિ્લ્મ કળાની દૃષ્ટિએ અનેક રીતે નોંધપાત્ર ગણાય છે. તેનું નિર્માણ રશિયાની ૧૯૦૫ની ક્રાંતિની ૨૦મી જયંતી નિમિત્તે કરાયું હતું. ૨૪ વર્ષના દિગ્દર્શક આઇઝેન્સ્ટાઇને થોડીક હકીક્ત અને થોડીક કલ્પનાનું મિશ્રણ કરીને યુદ્ધજહાજ પોટેમકિન પર થયેલી સૈનિક ક્રાંતિને આ ફિલ્મના કેન્દ્રમાં રાખી છે. યુદ્ધજહાજ પોટેમકિન પર તૈનાત સૈનિકોની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. એમાંય જ્યારે તેમને વાસી ખોરાક ખાવાની ફરજ પાડવામાં આવે છે, ત્યારે કેટલાક સૈનિકો તે ખાવાની ના પાડી દે છે. ના પાડનાર સૈનિકોને ઠાર કરવાનો આદેશ આપવામાં આવે છે. આ આદેશનો જ્યારે અમલ કરાતો હોય છે ત્યારે ઉપસ્થિત સૈનિકોમાંનો એક મારાઓને પૂછે છે કે તેઓ કોની સાથે છે, સૈનિકો સાથે કે અધિકારીઓ સાથે? આ જોઈને એક અધિકારી ગોળી ચલાવે છે, જેમાં એક સૈનિકનું મોત થાય છે. તેને પગલે જહાજ પર બળવો ફાટી નીકળે છે. જહાજ પર કબજો કરીને સૈનિકો તેને ઓડેસાના કિનારે લઈ જાય છે. ઓડેસાના કામદારો બળવાખોર સૈનિકોને ટેકો આપે છે. ઝાર સામે થયેલા આ બળવાને કચડવા દળો આવી પહોંચે છે. ભારે રક્તપાત થાય છે. દરિયાકિનારા તરફ જતાં પગથિયાં પર સામૂહિક કત્લેઆમનાં દૃશ્યો જે રીતે ફિલ્માવાયાં છે તે અદભુત છે. અત્યાર સુધીમાં હજારો ફિલ્મોમાં આ દૃશ્યોનો એક યા બીજી રીતે ઉપયોગ કરાતો રહ્યો છે. મારાકાપીનાં દૃશ્ય વખતે કોઇ મહિલાના હાથમાંથી છટકી ગયેલી બાળક સહિતની બાબાગાડી પગથિયાં પરથી સરકવા માંડતી હોય એવું દૃશ્ય અનેક ફિલ્મોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તેનું મૂળ “બેટલશિપ પોટેમકિન” છે. એક જ ફ્રેમમાં એકથી વધુ દૃશ્યોને એકબીજા પર સુપર ઇમ્પોઝ કરવાની કળા “મોન્ટાજ” (Montage)નો પણ એ પછી વ્યાપક ઉપયોગ થતો રહ્યો છે.

ફિલ્મ પૂરી થયા પછી એ માનવાની મરજી ન થાય કે ફિલ્મ લગભગ ૮૪ વર્ષ પહેલાં બનેલી છે. કેટલીક કૃતિઓને સમયનો પ્રવાહ કેમ કંઈ અસર કરી શકતો નથી તેનો જવાબ “બેટલશિપ પોટેમકિન” જેવી ફિલ્મ આપી શકે…

Read Full Post »

ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરતો કરતો deshgujarat.com પર પહોંચી ગયો. ત્યાં ૧૯૬૦માં બનેલી ગુજરાતી ફિલ્મ “મહેંદી રંગ લાગ્યો”નાં બધાં ગીતોની YouTube વિડિયો-લિન્ક પર નજર પડતાં જ જલસો પડી ગયો. આ આનંદ તો જોકે ક્ષણજીવી જ નીવડ્યો, કારણ કે બધી જ લિન્ક પર “સોરી, વિડિયો હટાવી લેવાયો છે” એવો મેસેજ હતો એટલે “મહેંદી રંગ લાગ્યો”નું એક પણ ગીત તો જોવા-સાંભળવા ન મળ્યું, પણ ઘણી સ્મૃતિઓ સળવળી ઊઠી…

“મહેંદી રંગ લાગ્યો” રીલીઝ થઈ હતી એ જ વર્ષે ૧૯૬૦માં જ પહેલીવાર જોઈ હતી. એ વખતે નવેક વર્ષનો હતો. પછીનાં સાત-આઠ વર્ષો દરમ્યાન એકાદ વખત ગણેશોત્સવ જેવા કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળી હતી. “મહેંદી રંગ લાગ્યો” વિષે એ વખતે જે ખબર નહો્તી એ વર્ષો પછી થઈ કે આવી ફિલ્મો એ જમાનામાં બની હતી, જ્યારે ગુજરાતમાં અને મુંબઈમાં ગુજરાતી ફિલ્મો જોનારો ઘણો મોટો વર્ગ હતો અને સરકારે ફેંકેલા સબસિડીના ટુકડા કે મનોરંજન કરમુક્તિ વિના પણ હાઉસફુલનાં પાટિયાં ઝુલાવતી હતી. 

દારૂબંધીનો પ્રચાર કરતું એક સૂત્ર “દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે” એ છેલ્લાં કેટલાંક વર્ષોથી જ પ્રચલિત થયું છે, પણ “મહેંદી રંગ લાગ્યો” ફિલ્મે તો વર્ષો પહેલાં આ જ સંદેશો આપ્યો હતો. અનિલ અને અલકાના સુ્ખી સંસારને દારૂ કેવો બરબાદ કરી નાંખે છે તે આ ફિલ્મની કથા છે. મુખ્ય ભૂમિકામાં રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણનો ઉત્કૃષ્ટ અભિનય અને કર્ણપ્રિય ગીત-સંગીતે લોકોને ઘેલા કરી દીધા હતા. “મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… મહેંદી રંગ લાગ્યો” જેવા આ ફિલ્મના ટ્રેડમાર્ક જેવા ગીત ઉપરાંત “નૈન ચકચૂર છે… મન આતુર છે… હવે શૂં રહી ગયું બાકી કહો મંજૂર છે”,  “આ મુંબઈ છે…”, “પાંદડું લીલું ને રંગ રાતો…”, “ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું… હું તો નીકળી ભરબજારે…”, “હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા…” જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી. રાજેન્દ્રકુમારે આ એક જ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, પણ એ જમાનાના આ અતિ સફળ અભિનેતાએ “મહેંદી રંગ લાગ્યો”માં કામ કરવાનો એક પણ પૈસો લીધો નહોતો. 

“મહેંદી રંગ લાગ્યો”ની નિર્માણકથા પણ રસપ્રદ છે. બન્યું એવું કે ૧૯૫૯માં દિગ્દર્શક વિજય ભટ્ટે “ગુંજ ઉઠી શહનાઇ” ફિલ્મ બનાવી હતી. કરુણ અંત ધરાવતી આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. વિજય ભટ્ટે તેના એક ગીતમાં ગુજરાતના ટિપ્પણી રાસનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો હતો. કેમેરામેન બિપિન ગજ્જર હતા. રાજેન્દ્રકુમાર બિપિનના કામથી ખૂબ પ્રભાવિત હતા. એક દિવસ તેમણે બિપિનને એવું વચન આપી દીધું કે જો તેઓ પોતે કોઇ ફિલ્મનું નિર્માણ કરશે તો પોતે તેમાં કામ કરવાનો એક પણ પૈસો નહિ લે.

આવી તક કોણ છોડે? બિપિન ગજ્જરે પણ ન છોડી. તેઓ ગુજરાતી ફિલ્મો માટે પાયાનું કામ કરનાર ચાંપશીભાઇ નાગડા અને મનહર રસકપૂર સાથે સંકળાયેલા હતા જ. તે્મની પાસે આર્થિક સહાય માંગી. પ્રશ્ન એક જ હતો, નિર્માતા તરીકે બિપિન ગજ્જરનું નામ હોવું જોઇએ. એનો કોઇને વાંધો નહોતો. હવે વાર્તાની પસંદગી કરવાની હતી. ચતુર્ભુજ દોશી એ જમાનામાં ખ્યાતનામ પટક્થાલેખક હતા. તેમની પાસે ત્રણ-ચાર વાર્તા સાંભળ્યા પછી એક વાર્તા પસંદ પડી ત્યારે દોશીએ ફોડ પાડ્યો કે આ વાર્તા તેમણે થોડાં વર્ષો પહેલાં હિંદી દિગ્દર્શક એચ. એસ. રવૈલને વેચી દીધી હતી. બધા રવૈલને મળ્યા. તેમની પાસે વાર્તા હતી અને તાત્કાલિક તેના પરથી ફિલ્મ બનાવવાનો તેમનો કોઇ ઇરાદો નહોતો. તેમણે બિપિન ગજ્જરને વાર્તા આપી દીધી… અને પછી તો જે કંઇ બન્યું તે ઇતિહાસ જ છે…

Read Full Post »