Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2008

રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા “મારી અનુભવકથા” વાંચી. લગભગ ૪૦૦ પાનાંની આ આત્મકથા વાંચતી વખતે હું સતત શું અનુભવતો રહ્યો, એને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. “મારી અનુભવકથા”માંથી નાનજી કાલિદાસ મહેતાનું જે એક વિરાટ વ્યક્તિત્વ ઊપસે છે, તે વાંચનારને અભિભૂત ન કરી દે તો જ નવાઇ. મારી પણ એ જ હાલત થઈ. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ધીરુભાઇ અંબાણીએ જે રીતે શૂન્યમાંથી સર્જન કર્યું, એ નાનજી કાલીદાસ મહેતાએ ૨૦મી સદી હજી બેઠી પણ નહોતી ત્યારે કર્યું હતું. ભલે જુદા સંજોગોમાં, જુદા પ્રદેશમાં અને જુદા લોકો વચ્ચે હોય, પણ મારી દૃષ્ટિએ ધીરુભાઇ કરતાં તેમનું કામ વધારે મુશ્કેલ હતું.

પોરબંદર તાલુકાના એક ખોબા જેવડા ગોરાણા ગામનો લગભગ અભણ કહી શકાય એવો યુવાન દરિયો ખેડીને આફ્રિકા પહોંચે છે અને શરૂઆતનાં ભારે સંઘર્ષમય વર્ષો બાદ જે ઉદ્યોગસાહસિકતા શરૂ થાય છે, તે આજે લગભગ એક સદી પછીયે બેમિસાલ ગણી શકાય તેવી છે. મોટા ભાઇ આફ્રિકા જતા રહ્યા એટલે કિશોર વયે જ નાનજીભાઇએ પિતા સાથે વેપારમાં ઝંપલાવી દીધું હતું. એ વર્ષ ૧૮૮૯નું હતું અને ૧૯૦૧માં તેમણે આફ્રિકાના મોમ્બાસા બંદરે પગ મૂકી દીધો હતો. જે જમાનામાં આફ્રિકા ખરેખર અંધારિયો ખંડ હતો, એ દિવસોની આ વાત છે. દુકાન માટે માલ ખરીદવા કે ઉઘરાણી જેવા કામ માટે હિંસક પશુઓના ભય વચ્ચે આફ્રિકાના ઘનઘોર જંગલોમાં પચાસ-સાઠ માઇલ ચાલીને જવું પડે એ તો સામાન્ય ગાણાતું. માનવભક્ષીઓના પંજામાં પણ સપડાવાનું બન્યું હતું. પોતાની નાનકડી દુકાન શરૂ કરવાથી માંડીને ધીમે ધીમે કઈ રીતે વેપારનો વિસ્તાર કરતા ગયા, કઈ રીતે એક પછી એક ઉદ્યોગા શરૂ કરી શક્યા એ બધી વિગતોનો ખરો આનંદ તો “મારી અનુભવકથા” વાંચીને જ મેળવી શકાય.

તેઓ લગભગ આખી દુનિયા ફર્યા. ફર્યા એટલું જ નહિ,  જે જે બાબતોથી તેઓ પ્રભાવિત થતા ગયા તેવું આપણે ત્યાં પણ હોવું જોઇએ, એવો મનોમન નિર્ધાર કરતા ગયા, પરિણામે માત્ર પોરબંદર કે સૌરાષ્ટ્રમાં જ નહિ, તેમણે કરેલી સખાવતોથી સુવિધાઓ ઊભી થઈ. પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ અને ભારત મંદિર અને તારામંદિર તથા આફ્રિકામાં સ્થાપેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓ તેમના આવા નિર્ધારો થકી જ અસ્તિત્વમાં આવી હતી.

આ શાહસોદાગરે મેળવેલી સિદ્ધિઓ વિષે ઘણું ઘણું લખી શકાય તેમ છે, પણ “મારી અનુભવકથા” વાંચતો હતો તે દરમ્યાન મારા મનમાં જે ઘમ્મર વલોણું સતત ચાલતું રહ્યું તેના વિષે પણ થોડુંક લખ્યા વિના ચાલે તેમ નથી. કારણ એ છે કે આજે હું જે કંઈ છું, લગભગ ૩૦ વર્ષનો પત્રકારત્વનો અનુભવ, એ પહેલાં નરોડામાં રિલાયન્સમાં છ વર્ષની નોકરી, અને એ પહેલાંનાં યાદ કરવાં ન ગમે એવાં કેટલાંક વર્ષો… એ બધાંના મૂળમાં અપ્રત્યક્ષ રીતે પણ ક્યાંક ને ક્યાંક શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા રહેલા છે.

“મારી અનુભવકથા”ની પહેલી આવૃત્તિ  ૧૯૫૫માં પ્રગટ થઈ હતી. એ વખતે મારી ઉંમર ચાર વર્ષ. એ વખતે જે ઘટનાઓ બની હતી એ તો વર્ષો પછી જાણી શક્યો હતો. પણ એ બધી ઘટનાઓ સીધેસીધી મને અસરકર્તા હતી. પોરબંદરમાં નાનજી શેઠની મહારાંણા મિલમાં ત્યારે સામ્યવાદી પક્ષના લાલ વાવટા યુનિયનના નેજા હેઠળ મિલ કામદારોની વિવિધ માંગણીઓને લઈને જોરદાર આંદોલન ચાલી રહ્યું હતું. યુનિયનના અગ્રણીઓમાં મારા બાપુ પણ હતા. કામદારોનું આંદોલન જલદ બનતાં નાનજી શેઠે પણ સ્વાભાવિકપણે જ જે કંઇ થઈ શકે એ બધા જ પ્રયાસો કર્યા હશે. આવા જ કોઇ પ્રયાસરૂપ કેટલાક કામદાર નેતાઓની ધરપકડ થયેલી તેમાં બાપુને પણ થોડા દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.

અંતે આંદોલન સમેટાયું ત્યારે કામદાર આગેવાનોએ નોકરી ગુમાવવી પડી હતી. તેમનો “ઝાંપો બંધ થયો” એમ કહેવાતું. બાપુનો ઝાંપો પણ બંધ થયો. તે સાથે પરિવારના માઠા દિવસો શરૂ થયા. બાપુ થોડો સમય જામનગર, થોડો સમય ભાવનગર એમ કરતાં કરતાં અમદાવાદ પહોંચ્યા ને અંતે રાજનગર મિલમાં નોકરી મળી. થોડા સમય પછી અમને સૌને અમદાવાદ બોલાવી લીધાં. એ વખતે ઘરમાં અમે ચાર જણ હતાં. બાપુ, બા, દાદીમા અને હું. અમદાવાદ આવ્યા પછી દાદીમા લગભગ છએક વર્ષ જીવ્યાં, એમાંય ચારેક વર્ષ તો પથારીવશ રહ્યાં હતાં, પણ પોરબંદર પાસેનું છાંયા ગામ છોડીને અમદાવાદ આવવું તેમના માટે મૂળ સોતાં ઊખડવા સમાન હતું. એ માટે તેઓ નાનજી શેઠને દોષ દેતાં, અને “નખ્ખોદ જાજો નાનજી શેઠનું” એવું તો તેમને મોઢે અવારનવાર મને સાંભળવા મળતું. બાપુ પણ વર્ષો સુધી ઘરમાં ભૂલેચૂકે કોઇ નાનજી શેઠનો ઉલ્લેખ કરે તો સહન ન કરી શકતા. ટૂંકમાં, નાનપણથી ઘરમાં નાનજી શેઠના નામની ફરતે મેં નફરત વીંટળાયેલી જોઈ છે.

ત્રણેક મહિના પહેલાં “ગુજરાત ટાઇમ્સ”ના નિવાસી તંત્રી રમેશ તન્નાએ “તમને એક સરસ પુસ્તક વાંચવા આપું” એમ કહી “મારી અનુભવકથા” મારા હાથમાં મૂકી અને મેં જોયું કે એ નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા છે, ત્યારે કંઈ બોલ્યા વિના ચૂપચાપ મેં લઈ લીધી. નાનજી શેઠ પ્રત્યે મારામાં જો કોઈ પણ પૂર્વગ્રહ હતો તો તે આ આત્મકથા વાંચતાં ઓગળી ગયો. “મારી અનુભવકથા” વાંચતી વખતે સતત એક જ પ્રશ્ન મારા મનમાં ઘૂમરાતો રહ્યો કે ૧૯૫૬માં મહારાણા મિલમાં બાપુનો ઝાંપો બંધ ન થયો હોત અને તેમણે પોરબંદર છોડવું ન પડ્યું હોત તો મારા જીવનને કેવો ઘાટ મળ્યો હોત? હું કદી લેખક-પત્રકાર થઈ શક્યો હોત? હોની કો કોઇ નહીં ટાલ શકતા એ ન્યાયે મારે લેખક-પત્રકાર બનવા માટે પણ મહારાંણા મિલમાંથી ૧૯૫૬માં બાપુની નોકરી જવી જરૂરી હતી. એ માટે મારે નાનજી શેઠનો જ આભાર માનવાનો રહ્યો.

હવે જે મને પ્રશ્ન સતાવે છે તે એ કે નાનજી શેઠ પ્રત્યે મને જે અહોભાવ થયો છે તેની બાપુને જો ખબર પડે તો તેમની પ્રતિક્રિયા કેવી હોય શકે? આજે ૮૧ વર્ષે પણ તેઓ સમાચારોની દુનિયાથી બરાબર અપડેટ રહે છે, પણ સારું છે કે તેઓ મારો બ્લોગ નથી વાંચતા…

Read Full Post »

૧૯૪૧માં એટલે કે લગભગ ૬૭ વર્ષ પહેલાં ફિલ્મ “સિટીઝન કેન” (Citizen Kane) બની હતી. એ પછી દુનિયાભરમાં હજારોની સંખ્યામાં ફિલ્મો બની ચૂકી છે અને બની રહી છે, પણ જ્યારથી “સિટીઝન કેન”નું નિર્માણ થયું છે, ત્યારથી વિશ્વ સિનેમામાં તે હંમેશાં સર્વશ્રેષ્ઠ ગણાઇ છે. દુનિયામાં ક્યાંય પણ ટોપ ટેન ફિલ્મોની યાદી બને તો અચૂક્પણે નંબર વન તો “સિટીઝન કેન” જ હોય. જ્યાં સુધી જોઇ નહોતી ત્યાં સુધી આ પ્રશ્ન હંમેશાં થતો હતો કે “સિટીઝન કેન”માં એવું તે શું છે? પણ નેટ પરથી ડાઉનલોડ કરીને જોયા પછી આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ ફિલ્મમાં ક્થાનકને પ્રભાવશાળી બનાવવા માટે કરાયેલા પ્રયોગો અને સિનેમાની ભાષા અને વ્યાકરણને તેણે આપેલા નવા અર્થોએ તેને સર્વશ્રેષ્ઠ બનાવી છે. વર્ષોથી આ ફિલ્મ ફિલ્મસર્જકો માટે પાઠ્યપુસ્તક સમાન બની રહ્યું છે. જો કે થોડાં વર્ષોથી “સિટીઝન કેન” over rated ફિલ્મ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

હવે તો ફિલ્મસર્જનમાં અતિ આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરાય છે, પણ ફિલ્મકળા માત્ર ને માત્ર દિગ્દર્શક્નું માધ્યમ હતું ત્યારે “સિટીઝન કેન”એ નવા આયામો સિદ્ધ કર્યા હતા, જેમ કે દૂરના અને નજીકનાં પાત્રો અને પરિવેશને એકસરખાં ફોકસમાં રાખવાની “ડીપ ફોકસ ટેકનિક”, કથાપ્રવાહને વેગવંતો અને પ્રભાવક બનાવવા દસ્તાવેજી ફિલ્મોનો ઉપયોગ સહિતના નવા પ્રયોગો આ ફિલ્મમાં પહેલી વાર કરાયા હતા.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક અખબારી સામ્રાજ્યનો માલિક ચાર્લ્સ ફોસ્ટર કેન છે, પણ તે વખતના અખબારી માંધાતા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ (William Randolph Hearst)ના જીવન પરથી તે લેવાઇ હોવાનું ચર્ચાસ્પદ બનતાં હર્સ્ટે આ ફિલ્મને રીલીઝ થતી અટકાવવા તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતા. વાર્તા એવી છે કે ચાર્લ્સ ફોસ્ટર કેન ધનાઢ્ય અને વગદાર છે. “સિટીઝન કેન” નામના અખબારનો તે માલિક છે. તે કોઇ પણ રાજકીય નેતાની કારકિર્દી બનાવી કે બગાડી શકે એવો સક્ષમ છે. ૭૮ વર્ષની ઉંમરે જ્યારે તે અંતિમ શ્વાસ લે છે ત્યાંથી ફિલ્મનો પ્રારંભ થાય છે. તેના અંતિમ શબ્દો છે “રોઝબડ” (Rosebud). આ શબ્દો હરકોઇ માટે એક રહસ્ય ઊભું કરે છે. આ રહસ્ય જાણવા બધા આતુર છે. “માર્ચ ઓફ ધ ન્યુઝ” નામના દસ્તાવેજી ફિલ્મોના સંપાદકને પણ તેમાં રસ પડે છે. આ શબ્દો પાછળનો ભેદ જાણી લાવવા તે એક પત્રકારને કામ સોંપે છે. શા માટે ચાર્લ્સ કેને “રોઝબડ” શબ્દો જ ઉચ્ચાર્યા? એમ કહીને તે શું કહેવા માંગતો હતો તેનો ભેદ ઉકેલવા પત્રકાર કામે લાગી જાય છે. તે કેન સાથે સંકળાયેલા અનેક પ્રકારનાં લોકોને મળે છે, અને તેનું બાળપણ, તેની કારકિર્દી અને મહત્ત્વકાંક્ષાઓ, સ્ત્રીઓ સાથેના તેના સંબંધો, ફિલ્મ જગતમાં તેની દખલગીરી અને કલાકારો તથા ખાસ કરીને અભિનેત્રીઓ સાથેની તેની નિકટતા તથા તેના પોતાના અખબારી વ્યવસાયને લગતી તમામ પ્રકારની માહિતી તે એકઠી કરે છે. આ માહિતી વિવિધ સ્વરૂપે પ્રેક્ષકો સામે આવતી રહે છે અને તેમાંથી કેનની જીવનકિતાબનાં પાનાં ખૂલતાં જાય છે. જુદી જુદી વ્યક્તિઓ કેનને જે રીતે ઓળખતી હતી કે મૂલવતી હતી તે વિગતોમાંથી એક પછે એક કડી જોડાતી રહે છે. આ બધા પ્રસંગો સમયની દૃષ્ટિએ ક્રમબદ્ધ નહિ, પણ આગળપાછળ દર્શાવાયા છે, કારણ કે માહિતી આપનારા કેનના જીવનના કોઇ પણ સમયગાળાની વાત કરતાં હોય છે.

અંતે “રોઝબડ” શબ્દો સુધી પ્રેક્ષકો પહોંચી જાય છે. કેન નાનપણમાં એક ગાડી વડે રમતો. એ ગાડી પર “રોઝબડ” શબ્દો લખેલા હતા એટલે ગાડીને તે “રોઝબડ” કહેતો. મકાનમાં આગ લાગવાને કારણે ઘણા સામાન સાથે ગાડી પણ ખાખ થઈ ગઈ હતી. મૃત્યુ વખતે કેનને બીજું કંઈ નહિ, પણ એ ગાડી યાદ આવી હતી, પણ તેને લઈને કથાનકની જે રીતે ગૂંથણી કરાઇ અને કેનનું ચરિત્ર ઉપસાવાયું તે અદભુત બની રહ્યું. દિગ્દર્શક ઓરઝન વેલ્સ (Orson Welles)એ જ ચાર્લ્સ કેનની ભૂમિકા ભજવી હતી. “સિટિઝન કેન”ને શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર મળ્યો હતો. 

“સિટીઝન કેન” સંદર્ભે બીજી બે જોવાલાયક ફિલ્મો છે RKO 281 અને FADE TO BLACK. આ બંને ફિલ્મો વિષે ફરી ક્યારેક…

Read Full Post »

ભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને હાથનો મેલ ગણાવ્યો છે કે કહેવતમાં એવું કહેવાયું છે, પણ કેટલાક મહાનુભાવોએ પૈસા વિષે શું કહ્યું છે તે મજા પડે તેવું છે.

* પૈસા કંઇ પણ કરી શકે છે એવી માન્યતા ધરાવતો હોય એ માણસ પૈસા માટે થઈને બધું જ કરી છૂટતો હશે એવી શંકા થાય. – બેન્જામિન ફ્રેન્કલિન

* ઇશ્વર પૈસા વિષે શું વિચારતો હશે એ જાણવું હોય તો જે લોકોને તેણે પૈસા આપ્યા છે એ લોકોને જોઇ લો. – ડોરોથી પાર્કર

* પૈસા વિષે કંઇ ન વિચારવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે તમારી પાસે ઘણાબધા હોવા જોઇએ. – એડિથ વ્હોરટન

* પૈસાનો અભાવ જ તમામ પાપોનું મૂળ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો

* પૈસાને તમારો ભગવાન બનાવો અને તે શેતાનની જેમ તમને ભરડો લેશે. – હેનરી ફીલ્ડિંગ   

* જો તમે તમારા પૈસાને ગણી શકતા હો તો તમે અબજોપતિ નથી. – જો પોલ ગેટ્ટી

* મારી પાસે જિંદગીભર ચાલે એટલા પૈસા છે, સિવાય કે હું કંઇ ખરીદું. – જેકી મેશન

* તમારાં બાળકો પૈસા અંગે કંઇ શીખી શકે તેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે તમારી પાસે તે ન હોય. – કેથરિન વ્હાઇટહોર્ન

* પૈસા સુખ નથી ખરીદી શકતા તો ગરીબાઇનું પણ એવું જ છે. – લિયો રોસ્ટ

* પૈસા મિત્રો નથી ખરીદી શકતા, પણ તે તમને સારી જાતના દુશ્મનો મેળવી આપે છે. – સ્પાઇક મિલિગન

* પૈસા એ છઠ્ઠી ઇન્દ્રિય જેવા છે. એના વિના તમે બાકીની પાંચનો પણ પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. – સમરસેટ મોમ

* આર્થિક કારણોસર પણ ગરીબાઇ હોવી એના કરતાં પૈસા હોવા સારા. – વૂડી એલન

* સમય પૈસા કરતાં વધુ કિંમતી છે. તમે વધૂ પૈસા મેળવી શકો છો, પણ વધુ સમય મેળવી શકતા નથી. – જિમ રહોન
* પૈસાથી સુખ ખરીદી શકાતું નથી એવું જેણે કહ્યું છે એને બિચારાને ખબર નથી કે શોપિંગ કરવા ક્યાં જવું. – બો ડેરેક
* પૈસાની તમારે ઘણી વાર ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે. – રાલ્ફ વાલ્ડો એમર્સન
* પૈસા વડે તમે ઉમદા કૂતરો તો ખરીદી શકશો, પણ તેને પૂંછડી પટપટાવતો કરવા તો પ્રેમની જ જરૂર પડવાની. – રિચાર્ડ ફ્રાઈડમેન
* ઘણા બધા પૈસા સાથે મારે ગરીબની જેમ રહેવું છે. – પાબ્લો પિકાસો
* પૈસા માથાનો દુખાવો છે, અને પૈસા જ તેનો ઉપચાર છે. – એવરેટ મેમોર
* સવાલ પૈસાનો હોય ત્યારે બધાનો ધર્મ એક જ હોય છે. – વોલ્તેર
* હું નાનો હતો ત્યારે એમ વિચારતો કે પૈસા જ જિંદગીમાં સૌથી મહત્ત્વની ચીજ છે. હવે હું ઘરડો થયો છું ત્યારે હું જાણું છું કે એ વાત સાચી છે. – ઓસ્કર વાઇલ્ડ
… અને અંતે,
આપણી એક જૂની કહેવત છે, “પૈસા ઝાડ પર નથી ઊગતા.”

Read Full Post »

નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પ્રારંભ મેડિસિનના ક્ષેત્રથી થયો છે. ફ્રાંસના બે અને જર્મનીના એક વિજ્ઞાનીને સંયુક્ત રીતે તે અપાશે. વિજેતા એક હોય તો તેને ૧૪ લાખ ૨૦ હજાર ડોલર મળે છે. બે કે વધુને સંયુક્તપણે અપાયું હોય તો સરખા ભાગ પડે છે. આ કિસ્સામાં જરા જુદી રીતે ભાગ પડવાના છે, કારણ કે બે ફ્રેન્ચ અને એક જર્મનને બે જુદીજુદી શોધો માટે પારિતોષિક અપાયું છે. અડધી રકમ જર્મનને તથા બાકીની અડધીમાંથી બે સરખે ભાગે ફ્રેન્ચોને મળશે. આગામી તા. ૧૩ સુધીમાં તમામ ક્ષેત્રોને અપાતાં પારિતોષિકો જાહેર થઈ જશે.

પારિતોષિક નાનું હોય કે મોટું તેને લઈને વિવાદો તો ખડા થતા જ રહે છે. નોબેલ પારિતોષિક કદાચ દુનિયાનું સૌથી મોટું અને સૌથી વધુ પ્રતિષ્ઠિત છે એટલે તેના વિવાદો પણ મોટા હોય છે અને તે વધુ ચર્ચામાં રહેતું હોય છે. તેની તરફેણમાં અને વિરુદ્ધમાં, અને ખાસ કરીને વધુ તો વિરુદ્ધમાં  સતત લખાતું રહે છે. નોબેલ પારિતોષિક આપવાનો એક હેતુ એ છે કે જે-તે ક્ષેત્રમાં આ પારિતોષિક વિજેતાઓ પોતાનું કાર્ય સારી રીતે આગળ ધપાવી શકે અને માત્ર નાણાંના અભાવે તેમનું કાર્ય અટકી ન પડે. પણ મોટે ભાગે તો એવું જ બનતું આવ્યું છે કે નોબેલ પારિતોષિક મેળવ્યા પછી ઘણાબધા વિજેતાઓ ભાગ્યે જ કંઈ નોંઘપાત્ર પ્રદાન કરી શક્યા છે. તેને કારણે કેટલાક નોબેલ વિજેતાઓએ તો આ પારિતોષિકને કાંટાળો તાજ ગણ્યો છે. 

નોબેલ પારિતોષિક મેળવવું એ દરેક વિજ્ઞાનીનું સપનું હોય છે, પણ જે વિજ્ઞાનીઓને આ પારિતોષિક નાની ઉંમરે મળી જાય છે, તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું? અમેરિકન વિજ્ઞાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ પારિતોષિક મળી ગયું હતું. તેમને નોબેલ પારિતોષિક એનાયત થવાની જાહેરાત થતાં તેમનો પ્રતિભાવ નિરાશાજનક હતો, “હવે હું આખી જિંદગી શું કરીશ?”

કેટ્લાક સાહિત્યકારોએ અને અમુક સંજોગોમાં કેટલાક વિજ્ઞાનીઓએ નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કર્યાના દાખલા છે, પણ આવા બધા વિવાદો છતાં આ કાંટાળો તાજ પહેરવો બધાને ગમે છે. એવો પણ આક્ષેપ થતો રહે છે કે નોબેલ પારિતોષિક મેળવવા માટે થઈને વિજ્ઞાનીઓ અમુક પ્રકારનાં સંશોધનો જ હાથ ધરતાં હોય છે, તેને કારણે વિજ્ઞાનનાં ઘણાં ક્ષેત્રો એવાં છે, જેને બહુ ઓછા લોકો હાથ અડાડે છે.

અપવાદોને બાદ કરતાં મોટે ભાગે તો નોબેલ પારિતોષિક પાકટ ઉંમરે અને ક્યારેક તો જિંદગીનાં બહુ ઓછાં વર્ષો બાકી રહ્યાં હોય ત્યારે મળતું હોય છે. સાહિત્ય ક્ષેત્રે તો મોટા ભાગે એવું જ બને છે. ૧૯૨૫માં ૬૯ વર્ષની વયે નોબેલ પારિતોષિક મેળવનાર જ્યોર્જ બર્નાર્ડ શોએ તો કહ્યું પણ હતું કે “નોબેલ પારિતોષિક મધદરિયેથી કાંઠે પહોંચી ગયેલાને અપાતા લાઇફ બેલ્ટ સમાન છે. ” એટલે તો વ્યંગમાં એવું કહેવાય છે કે જેમનો ધ્યેય નોબેલ પારિતોષિક જીતવાનો જ છે, એવા લોકોએ કમ સે કમ લાંબું તો જીવવું જ પડે.

૧૯૯૬માં ફિઝિયોલોજી એન્ડ મેડિસિન માટે નોબેલ પારિતોષિક વિજેતા ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની પીટર ડોહર્ટી (Peter Doherty)એ તો “નોબેલ પારિતોષિક જીતવાની કળા” કહી શકાય એવું પુસ્તક The Beginner’s Guide to Winning the Nobel Prize લખ્યું છે. આ પુસ્તક વધુ તો એક નોબેલ પારિતોષિક વિજેતાની પીડા વ્યક્ત કરે છે.

નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ છે અને હવે એક પછી એક પારિતોષિક જાહેર થશે એટલે તેના વિષે ઘણું વાંચવા-સાંભળવા મળવાનું. ખાસ કરીને દર વર્ષે સાહિત્ય અને શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક વધુ ચર્ચા જગાવતાં હોય છે, કારણ કે તેની સાથે એક યા બીજી રીતે વિશ્વ રાજકારણ સંકળાયેલું હોય છે.

Read Full Post »

“દ્રોણા” (DRONA) જોવાની ભૂલ કરી છે. ફિલ્મ રીલીઝ થઈ તે પહેલાં પ્રિયંકા ચોપડા અને દિગ્દર્શક ગોલ્ડી બહલની મુલાકાતોમાં વાંચ્યું હતું કે આ ફેન્ટસી ફિલ્મ “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ” (The Lord of the Rings)અને “હેરી પોટર” (Harry Potter)ની કક્ષાની બની છે, પણ એટલો નિરાશ થયો કે ફિલ્મ જોતાં જોતાં જ નક્કી કરી લીધું હતું કે આના વિષે કંઈ નથી લખવું. ફિલ્મમાં મને જેમાં રસ પડ્યો તે છે બ્લ્યુ ગુલાબ (Blue Rose). આદિત્ય એટલે કે દ્રોણ નાનો હતો ત્યારથી તે એક વિશિષ્ટ વ્યક્તિ છે તેના પ્રતીક રૂપે બ્લ્યુ ગુલાબની એક પાંખડી ક્યાંક્થી ઊડતી ઊડતી તેની પાસે આવી પહોંચતી. આવી પહેલી પાંખડી જ્યારે આવે છે ત્યારે તે તેના પાલક પિતાને પ્રશ્ન કરે છે કે બ્લ્યુ ગુલાબ હોય ખરું? તેના પિતા ના પાડે છે. ફિલ્મમાં દ્રોણના વડવાઓની સમાધિઓ પાસે તો બ્લ્યુ ગુલાબના છોડવા પણ છે. ફિલ્મમાં ભલે એમ કહેવાયું હોય કે બ્લ્યુ ગુલાબ ન હોય, પણ ખરી વાત એ છે કે બ્લ્યુ ગુલાબ હવે માત્ર ફેન્ટસીનો વિષય નથી રહ્યો, વિગ્નાનીઓએ પ્રયોગશાળામાં તો બ્લ્યુ ગુલાબ ઉગાડી લીધાં છે.

ગુલાબને રંગીન બનાવવાનો પણ એક ઇતિહાસ છે. વર્ષો સુધી ગુલાબ તેના મૂળ રંગમાં જ જોવા મળતું. ૨૦મી સદીના આરંભે વનસ્પતિમાં બ્રીડિંગ કરનારા નિષ્ણાતોએ ગુલાબને પણ અવનવા રંગ આપવા શરૂ કરી દીધા હતા. આવો પહેલો પ્રયાસ “રોઝા ફીટિડા” (Rosa foetida) નામની ગુલાબની પ્રજાતિમાં બ્રીડિંગ કરીને દુનિયાનું પહેલું કેસરી ગુલાબ બનાવી નાખ્યું હતું. પછી તો આ જાતિનો ઉપયોગ કરીને જાતજાતનાં પીળાં અને નારંગી ગુલાબ પેદા કરી લેવાયાં.

ગુલાબને નવો રંગ આપવામાં વનસ્પતિશાસ્ત્રીઓને હંમેશાં બ્લ્યુ રંગમાં વધુ રસ રહ્યો છે. ઘણા પ્રયાસો પછી ફૂલોમાં રંગ કેવી રીતે પેદા થાય છે તેની ચાવી તેમના હાથમાં આવી ગઈ હતી. એ પછી તમામ પ્રકારના બ્લ્યુ ફૂલોના જીન કાઢી કાઢીને ગુલાબમાં નાખવા શરૂ કર્યા હતા અને અંતે બ્લ્યુ ગુલાબ તેઓ પેદા કરી શક્યા, પણ હજી મામલો પ્રાયોગિક ધોરણે જ છે.

ગુલાબને બ્લ્યુ રંગ આપવામાં વિગ્નાનીઓને જે લમણાંઝિંક કરવી પડે છે એવી કડાકૂટ તેને લાલ, પીળો અને કાળો રંગ આપતી વખતે નહોતી કરવી પડી. બ્લ્યુ ગુલાબનું આમ તો જોકે ઘણું મહત્ત્વ છે, કારણ કે તે બાઇબલ સાથે સંકળાયેલું છે. ઘણી નિષ્ફળતા પછી ત્રણેક વર્ષ પહેલાં બ્લ્યુ ગુલાબ બનાવવામાં જે સફળતા મળી તે પછી એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ખરેખર બ્લ્યુ ગુલાબ પેદા કરી શકાશે. મજાની વાત એ છે કે ગુલાબનો આ બ્લ્યુ રંગ કોઈ ફૂલના જીનમાંથી નહિ, પણ માનવજીનમાંથી વિકસિત થયો છે. ઘણી વૈગ્નાનિક શોધોમાં બન્યું છે તેમ અ શોધ પણ યોગાનુયોગ જ થઈ હતી. અમેરિકામાં ટેનેસી ખાતે કેન્સર અને અલ્ઝાઇમર જેવા રોગોની દવાઓનું સંશોધન થઈ રહ્યું હતું ત્યારે ત્યારે આ જીન હાથ લાગ્યો હતો. બધું  કઈ રીતે બન્યું એની બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં કહીએ તો બ્લ્યુ ગુલાબ પેદા કરવાનો રસ્તો વૈગ્નાનિકોને મળી ગયો છે. જોકે આ ક્ષેત્રે હજી ઘણું કામ કરવાનું બાકી છે, પણ આવનારાં વર્ષોમાં બજારમાં બ્લ્યુ ગુલાબ મળતાં થઈ જશે એ નિશ્ચિત છે. બ્લ્યુ ગુલાબ હવે માત્ર કલ્પનાનો વિષય નથી રહ્યો.

બાય ધ વે, “દ્રોણ” સંદર્ભે વધુ એક પ્રશ્ન. ગુજરાતી કે હિંદીમાં ”રામ” (RAM)નું અંગ્રેજીમાં “રામા” (RAMA) થાય તેમ “દ્રોણ”નું “દ્રોણા” (DRONA) થાય તે સમજી શકાય, પણ ફિલ્મમાં બે-ત્રણ દૃશ્યોમાં હિંદીમાં “द्रोण” લખેલું જોવા મળે છે, પણ આખી ફિલ્મમાં સંવાદોમાં “દ્રોણા” જ ઉચ્ચાર કરાય છે. એવું શા માટે એનો જવાબ ગોલ્ડી બહલ જ આપી શકે.

Read Full Post »