Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2008

ચંદ્રકાન્ત બક્ષીએ ભલે એમ કહ્યું હોય કે કવિતા રચવી એ દાઢી ઉગાડવા જેટલું સહેલું કામ છે, પણ બક્ષીએ તો આવાં ઘણાં રમૂજી વાક્યો આપ્યાં છે. જેમને કવિતા સહજ છે અને સાધ્ય  છે, એમને કદાચ આ લાગુ પડતું હોઇ શકે, બાકી એક સારી કાવ્યકૃતિ કેટલી મથામણ પછી સર્જાતી હોય છે એ તો કોઇ કવિ જ કહી શકે. મેં કદી કવિતા રચી નથી, પ્રયાસ પણ નથી કર્યો.  ટૂંકી વાર્તા જેટલી કદી સહજ રીતે મનમાં કદી ઊગી જ નથી, પણ વર્ષો પહેલાં હિંદી સામયિક “ધર્મયુગ”માં પ્રગટ થયેલી  સુરેન્દ્ર ચતુર્વેદીની એક કવિતા “તલવાર” એટલી ગમી ગઈ હતી કે તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે “રંગતરંગ”ના ૧૯૭૯ના જુલાઇના અંકમાં પ્રગટ થયો હતો. આ કવિતા આમ તો હું વીસરી ગયો હતો, પણ એકાએક હાથમાં આવી જતાં મજા પડી ગઈ.

આ કવિતા સાથે સંકળાયેલી એક નાની કહાણી એટલી જ છે કે તે ૧૯૭૫માં કટોકટીના સમયે લખાઇ હતી અને “ધર્મયુગ”એ પ્રગટ કરતાં એ વખતની સેન્સરશિપે તેના પર ચોકડી મારી દીધી હતી. એ ગાળામાં આવી અસંખ્ય કૃતિઓ લોકો સુધી પહોંચવા દેવાઇ નહોતી. એવી ઘણી કૃતિઓ કટોકટી ઊઠી ગયા પછી જેતે સામયિકોએ ફરી પ્રગટ કરી હતી. “તલવાર” એ જ રીતે “ધર્મયુગ”માં પ્રગટ થઈ હતી.

વર્ષો પહેલાં લખાયેલી આ કવિતા આજના સમયે પણ કેટલી પ્રાસંગિક છે એ કવિતા ખુદ કહી આપે છે.

તલવાર

જ્યારે પણ ક્યાંક, ક્યારેક કોઇ નવી તલવાર બને છે,

અજાણ્યા ભયથી મારું મન કમકમી ઊઠે છે.

તલવાર, પછી ભલે તે કાગળની હોય,

લોખંડની હોય કે ચાંદીની હોય, કોઇ ને કોઇ રીતે

હંમેશાં કોઇક હત્યારાના હાથમાં ચાલી જાય છે.

અને કોઇ ને કોઇ બહાને

હંમેશાં કોઇક નિર્દોષની છાતીમાં ખોસી દેવાય છે.

તલવાર, પછી ભલે તે કાયદાની હોય કે બંધારણની,

તલવાર, પછી ભલે તે લોખંડની હોય કે ચાંદીની,

ક્યારેય કોઇ બદનિયત માણસે નથી બનાવી.

અને ઇતિહાસ સાક્ષી છે કે તલવાર કયારેય, ક્યાંય,

કોઇ નેકનિયત માણસે નથી વીંઝી.

તલવાર હંમેશાં નેકનિયત માણસો બનાવે છે,

પણ એને હંમેશાં બદનિયત માણસો વીંઝે છે.

જ્યારે પણ ક્યાંક, ક્યારેક કોઇ નવી તલવાર બને છે,

અજાણ્યા ભયથી મારું મન કમકમી ઊઠે છે.

– સુરેન્દ્ર ચતુર્વેદી

Read Full Post »

જનાબ આદિલ મનસૂરી જન્નતનશીન થઈ ગયા. ગુજરાતી અને ઊર્દુ પર પકડ ધરાવતો શાયર આમ સાવ એકાએક મેહફિલ છોડી જાય એ કેમ કરીને સહન થઈ શકે? પણ આવા સમયે ઉપરવાળાની મરજી આગળ આપણે લાચાર એમ કહીને જ મન મનાવવું રહ્યું.

આદિલ કેવા ઊંચા દર્જાના શાયર હતા, એ વિષે બહુ લખાયું છે, લખાશે, લખાતું રહેવાનું છે. મારે તો બસ, આદિલ સાથે જે થોડોક સમય કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું, તેનાં થોડાંક સ્મરણો વાગોળવાં છે.

આદિલની ગઝલોથી તો બહુ પહેલેથી પરિચિત હતો, પણ તેમને પહેલી વાર મળવાનું બન્યું લગભગ ૧૯૮૦ના અરસામાં. “જનસત્તા”માં “ચાંદની” અને “રંગતરંગ” સામયિકોના સહાયક સંપાદક તરીકે જોડાયાને મને બહુ ઝાઝો સમય નહોતો થયો. સંપાદક હતા રતિલાલ જોગી. એક વાર આદિલ જોગીસાહેબને મળવા આવ્યા હતા ત્યારે તેમણે મને બોલાવીને આદિલ સાથે પરિચય કરાવ્યો એ અમારી પહેલી મુલાકાત. ત્યારે મને ખબર પડી કે આદિલ મિરઝાપુરમાં આવેલા “જનસત્તા ભવન” પાસેના સારાભાઇ કોમ્પલેક્સમાં સારાભાઇની જ એક એડ એજન્સી “શિલ્પી”માં કોપી-રાઇટર તરીકે કામ કરે છે. આજની ભાષામાં કહીએ તો તેમને આઉટસોર્સિંગ માટે એક માણસની જરૂર હતી. જોગીસાહેબ પાસે તેઓ એટલે જ આવ્યા હતા, અને જોગીસાહેબે મને ભળાવી દીધો. આજે પણ મને બરાબર યાદ છે, કોઇ જાપાની કંપનીએ ખેડૂતો માટે કોઈ ઉપકરણ બનાવ્યું હતું. તેની અંગ્રેજી માહિતિ પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ કરવાનો હતો.

મેં અનુવાદ કરી આપ્યો અને આમ આદિલ સાથે “શિલ્પી”માં આઉટસોર્સિંગ કરવાનો સિલસિલો ચાલુ થયો જે ખાસ્સો ચાર-પાંચ વર્ષ ચાલ્યો. એ દિવસોમાં શિલ્પીમાં કંઇ કામ હોય કે ન હોય, આદિલને લગભગ રોજ મળવાનું બનતું. શિલ્પીમાં તેમને કામ કરતા જોવા એ પણ એક લહાવો હતો. કેટલીય પ્રોડક્ટની મજેદાર પંચલાઇન તેમણે કેવી રમતાં રમતાં લખી નાંખી હતી એ આજેય મને બરાબર યાદ છે.

એડ-એજન્સીમાં મોટા ભાગે પહેલી કોપી અંગ્રેજીમાં લખાય અને પછી તેને આધારે ગુજરાતીમાં અને જરૂર પડે એ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ કે ભાવાનુવાદ થાય, પણ “શિલ્પી”માં ઘણી વાર એવું બનતું કે આદિલે લખેલી ગુજરાતી કોપી મુખ્ય બની રહેતી અને તેને આધારે અંગ્રેજી કોપી લખાતી.

શિલ્પીમાં મારે ભાગે અંગ્રેજી કોપીનો ગુજરાતી અનુવાદ કરવાનૂં, કેટલાંક સરકારી નિગમોના અંગ્રેજી વાર્ષિક અહેવાલોનો ગુજરાતી અનુવાદ કરવાનું, પ્રૂફરીડિંગ કરવાનું આવતું. ખાસ કરીને કોપી રાઇટિંગમાં આદિલ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું.

પછી તો આદિલ શિલ્પી છોડીને અમેરિકા જતા રહ્યા અને સમય જતાં શિલ્પી પણ બંધ થઈ ગઈ. આદિલ અમદાવાદ આવતા ત્યારે દર વખતે તેમને મળવાનું બનતું નહિ, એનો હંમેશાં અફસોસ રહેતો અને એ અફસોસ હવે તો વધુ સાલી રહ્યો છે.

આદિલની એક ગઝલ… “જ્યારે પ્રણયની…”

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, 

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.   

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક?

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

“આદિલ”ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

Read Full Post »

 

ચારેકોર સહ્યાદ્રી પર્વતમાળાના ઉતારચઢાવ વચ્ચે મોટરમાર્ગે અમે ગણપતિપુલે (Ganpati pule) તરફ આગળ વધી રહ્યાં હતાં. વિક્રમ સંવતના નવા વર્ષની સવાર પનવેલમાં મિત્ર દિનકર ભટ્ટના ઘેર પડી હતી અને બપોર પછી ગણપતિપુલેમાં પગ મૂકવાનો હતો. પનવેલથી નીકળીને જેવા મુંબઈ-ગોવા હાઇવે પર આવ્યાં કે થોડી જ વારમાં બંને તરફ સુંદર હરિયાળીથી ચિત્ત પ્રસન્ન રહ્યું. રત્નાગિરિથી થોડે દૂર હતાં, ત્યાં જ ગણપતિપુલે તરફ જવાનો રસ્તો ફંટાયો. હજી તે ૩૫ કિલોમીટર જેટલું દૂર હતું, પણ અમે – હું, ચંદ્રિકા, દિનકર અને હર્ષાબહેન – ઝટ દરિયો જોવા તલપાપડ હતાં. પોરબંદરમાં જન્મ એટલે દરિયાની આમ કંઇ નવાઇ નહિ, પણ ગણપતિપુલેમાં સુંદર બીચ છે, એ વાંચ્યું હતું અને દિનકર પાસેથી તેનાં ભરપૂર વખાણ સાંભળ્યાં હતાં, એટલે આતુરતા હોવી સ્વાભાવિક હતું.

 

કાર આગળ ધપતી જતી હતી, પણ ચારેકોર પહાડો અડીખમ હતા. ગણપતિપુલેનો દરિયો નજીક આવતો જતો હતો, પણ પહાડો હટવાનું નામ લેતા નહોતા.તેને કારણે જ ગણપતિપુલે પાંચેક કિલોમીટર દૂર હતું ત્યારે મારી ધીરજ ખૂટી ગઈ. દિનકરને પૂછ્યું ય ખરું, “આમાં દરિયો ક્યાં જોવા મળવાનો?”

“તું જો તો ખરો…” કહેતાં તે કાર હંકારતો રહ્યો, પણ થોડી વારમાં જ બોલ્યો, “હવે જો…” તે સાથે જ કાર એક ઢાળ ઊતરી ને સામે જ દરિયાની ઝલક જોવા મળી ગઈ. પછી તો કાર આગળ વધતી રહી તેમ એ ઝલક વિસ્તરતી ગઈ અને પછી તો ગણપતિપુલેનો દરિયો તેની અનોખી છટા સાથે અમારી સામે હતો.

 

મહારાષ્ટ્રની કોંકણપટ્ટી આમેય રમણીય હરિયાળો પ્રદેશ છે. એ મનોરમ્ય હરિયાળી સાથે શાંત દરિયાનાં નીલરંગી જળનો સમન્વય થાય પછી પૂછવું જ શું? દિલમાં બત્રીસે કોઠે દીવા પ્રગટી ગયા. નવા વર્ષની આવી સુંદર શરૂઆત જીવનમાં બહુ ઓછી વખત કરવા મળી છે.

ગણપતિપુલે શબ્દમાં ગણપતિનો અર્થ તો સ્વયંસ્પષ્ટ છે, પણ મરાઠીમાં પુલેનો અર્થ થાય “રેતીના ઢગલા”. કહે છે કે દરિયાની રેતી પર સ્વયંભૂ પ્રગટેલા ગણપતિ બેઠા છે એટલે તે “ગણપતિપુલે” કહેવાયા અને અહીં વસેલું નાનું ગામ પણ એ જ નામે ઓળખાયું. જે વિગતો પ્રાપ્ત છે તે મુજબ આ ગણપતિ લગભગ ચાર હજાર વર્ષથી અહીં બિરાજે છે અને શ્રદ્ધાળુઓમાં તેનું ભારે માહાત્મ્ય છે. અહીં મહારાષ્ટ્ર ટૂરિઝમે રહેવાની ખૂબ સુંદર સુવિધા ઊભી કરી છે. બીજી પણ ઘણી નાનીમોટી હોટલો છે. હજી આ પ્રવાસધામ બહુ જાણીતું નથી થયું એટલે બીચની સ્વચ્છતા જળવાઇ રહી છે. 

 

ગણપતિપુલેની મનોહર બીચની વાત કરીએ તો તેનું સૌંદર્ય બેમિસાલ છે. મોંસૂઝણું, વહેલી પરોઢ, સૂર્યોદય અને સૂર્યાસ્ત તથા એ બંને વચ્ચે અવનવી છટા બદલતા રહેતા દરિયાલાલના કયા રૂપનાં કયા શબ્દોમાં વખાણ કરવાં? અને સાંજ પડ્યા પછી ધીમેધીમે રાતનાં અંધારાં ઊતરી આવ્યા પછી તારામઢ્યું આકાશ પણ થોડું નીચું ઊતરી આવ્યું હોય ત્યારે નજરે પડે માત્ર આછો ઘૂઘવાટ અને કિનારે આવી આવીને વિખરાતાં રહેતાં મોજાંની સફેદી.    

અહીં આસપાસમાં કંઇક જોવા જેવું છે, પણ અમારે તો બસ દરિયાની જ મજા લેવી હતી, અને બે દિવસ ભરપૂર એ મજા લીધા પછી ફરી પાછા રૂટિનમાં આવ્યા વિના છૂટકો નહોતો, પણ વિક્રમનું આ નવું વર્ષ હંમેશ માટે યાદગાર બની રહે એવો અનુભવ ગણપતિપુલેએ કરાવી દીધો…

Read Full Post »