“સ્લમડોગ મિલિયોનર” વિષે ઘણું લખાઇ ચૂક્યું છે, લખાઇ રહ્યું છે અને ઓસ્કરનો મામલો નહિ પતે ત્યાં અને તે પછી પણ લખાતું રહેવાનું છે. “સ્મલડોગ” એટલે ભારતની ગરીબીને વિદેશોમાં વેચવાનો પ્રયાસ એવું જે કહેવાઇ રહ્યું છે તેની સાથે ખાસ સહમત થઈ શકાઇ તેમ નથી. એક વિદેશી દિગ્દર્શકે બનાવેલી ફિલ્મમાં ભારતની ગરીબાઇ દેખાડાઇ છે તેની સામેનો આ વાંધો હોય તો તેનો કોઇ ઉપાય નથી, બાકી ભારતમાં મૂક ફિલ્મોના સમયથી (સાવકારી પાશ, ૧૯૨૫) એવી સેંકડો ફિલ્મો બની છે, અને ખાસ કરીને જેના પર સમાંતર ફિલ્મો, કળા ફિલ્મો કે સાર્થક ફિલ્મો એવાં લેબલો મારવામાં આવ્યાં છે, એમાની તો મોટા ભાગની ફિલ્મો (દિગ્દર્શકોનાં નામ આપવાની જરૂર ખરી?)માં ગરીબાઇ, ભૂખમરો, સ્ત્રીઓ-બાળકોનાં શોષણથી માંડીને દેશમાં જે કંઇ રાજકીય-સામાજિક દૂષણો છે, તેનું ચિત્રણ યથાર્થ (Real) અને અતિ-યથાર્થ (Surreal) રીતે થયેલું છે. આમાંની અનેક ફિલ્મો ભલે ઓસ્કર કે ગોલ્ડન ગ્લોબ સુધી ન પહોંચી શકી હોય, પણ દેશમાં અને સમીક્ષકોએ તેને ભરપૂર બિરદાવી છે. દુનિયાના અનેક પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલોમાં તે દર્શાવાઇ છે, અને એવોર્ડ્સ પણ મેળવેલા છે. એ વખતે દેશની ગરીબી વિદેશીઓને દર્શાવીને વાહવાહી મેળવાઇ રહી છે એની કોઇને ચિંતા નહોતી, પણ હવે એક વિદેશીએ ફિલ્મ બનાવી છે, તેની સામે વાંધો છે.
ખરેખર તો આ બૂમરાણ પાછળ એ પીડા જોવા મળી રહી છે કે ભારતીય કલાકારો અને ભારતીય લેખકે લખેલા કથાનક પરથી એક વિદેશી આવી સફળ ફિલ્મ કઇ રીતે બનાવી ગયો? ફિલ્મનિર્માણની સંખ્યાની દૃષ્ટિએ ભલે આપણે હોલીવૂડને પાછળ રાખી દેતા હોઇએ, પણ એક ઓસ્કર મેળવવાની વાત આવે ત્યારે તો આપણે વિદેશમાં બનેલી કોઇ ફિલ્મ કે કોઇ વિદેશી સર્જકે બનાવેલી ફિલ્મ પર જ આધાર રાખવો પડે છે એની આ પીડા છે.
કોઇ ભારતીય ફિલ્મને કદી ઓસ્કર નથી મળ્યો કે દર વર્ષે ભારતીય ફિલ્મને ઓસ્કર માટે નોમિનેશનનાં પણ ફાંફાં હોય છે, તેનો અર્થ એ હરગીજ નથી, કે ભારતમાં ઉમદા ફિલ્મો નથી બનતી. ખરી વાત તો એ છે કે એવોર્ડ ચાહે ઓસ્કર હોય, નોબેલ હોય કે બીજો કોઇ પણ હોય, અંતે તો તે માણસો કે માણસોએ ગોઠવેલી સિસ્ટમ દ્બારા જ અપાતો હોય છે, અને જ્યાં માણસની સામેલગીરી હોય ત્યાં કંઇ પણ બની શકતું હોય છે, એટલે કોઇને એવોર્ડ મળવો કે ન મળવો એ કંઇ શ્રેષ્ઠતાનો પુરાવો કદી ન હોઇ શકે.
“સ્લમડોગ મિલિયોનર”ની જ વાત કરીએ તો કોઇને કરોડપતિ બનાવી શકે એવા ક્વિઝ-શોમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલા યુવાનની જિંદગીમાંથી મળી શકતા હોય તે એક નવાનકોર આઇડિયાને કથાનકના તાણાવાણામાં જે સુંદર રીતે વણી લેવાયો છે, તેને બાદ કરીએ તો ફિલ્મમાં એવું કશું જ નવું નથી, જે આ પહેલાં કોઇ ન કોઇ હિંદી ફિલ્મમાં એક યા બીજી રીતે ન આવી ગયું હોય.
રહી વાત સંગીતકાર એ. આર. રહેમાનની, તો આ સંગીતકારે તો પોતાની પ્રતિભા ઘણા સમય પહેલાંથી પુરવાર કરી આપી છે, એ માટે તે કોઇ ઓસ્કર નોમિનેશનનો મોહતાજ નથી. “સ્લમડોગ મિલિયોનર”માં રહેમાનનું સંગીત સારું જ છે, પણ ઓસ્કર નોમિનેશન મળવાથી જ તે કંઇ શ્રેષ્ઠ નથી થઈ જતું. “સ્લમડોગ મિલિયોનર” પહેલાં રહેમાન “લગાન” સહિતની ઘણી ફિલ્મોમાં વધુ સારું સંગીત આપી ચૂક્યો છે, પણ અગાઉ તેનું સંગીત સાંભળવાથી વંચિત રહેલા વિદેશીઓને જો તેનું આ સંગીત શ્રેષ્ઠ લાગતું હોય અને તેને ઓસ્કરને લાયક ગણતા હોય તો આપણે તો એટલું જ કહેવાનું રહ્યું કે જય હો…
“સ્લમડોગ મિલિયોનર”માં જે નથી ગમ્યું તે અમિતાભના ઓટોગ્રાફ મેળવવાવાળો સીન. અમિતાભના ઓટોગ્રાફ લેવા બાળક કોઈ પણ હદે જઈ શકે છે તે બતાવવા આવો જુગુપ્સાપ્રેરક સીન જ બતાવવો જોઇએ એ જરૂરી નથી. બાય ધ વે, ફિલ્મમાં અમિતાભ તરીકે જેને બતાવ્યો છે તેનો ચહેરો ભલે ન બતાવ્યો હોય, પણ એ જુનિયર આર્ટિસ્ટને ટાઇટલમાં ક્રેડિટ તો આપી જ છે. તેનું નામ ફિરોઝ ખાન છે. વધુ રસપ્રદ વાત એ છે કે બાળક જમાલ જેના ઓટોગ્રાફ લેવા જાય છે એ અભિનેતા અમિતાભ બચ્ચન કોણ છે એની ઓળખ સૌથી વધુ જાણીતી અને સૌથી વધુ જોવાતી ફિલ્મોની સાઇટ imdb પર આપ્યો છે તે જોવા જેવો છે…
u’r right. but Oscar-mania is still an in thing. hence can’t help the hype & hoopla.
urvish
u’r right. Everytime Oscar season evoke similar feelings.
urvish kothari
હમમ. IMDB માં મુવીની ગૂફ-અપ્સ વાંચવાની મજા આવી. એકંદરે, મુવી સરસ છે.
શ્રી હરસુખભાઈ,
“સ્લમડોગ મિલિયોનર”ની જ વાત કરીએ તો કોઇને કરોડપતિ બનાવી શકે એવા ક્વિઝ-શોમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલા યુવાનની જિંદગીમાંથી મળી શકતા હોય તે એક નવાનકોર આઇડિયાને કથાનકના તાણાવાણામાં જે સુંદર રીતે વણી લેવાયો છે, તેને બાદ કરીએ તો ફિલ્મમાં એવું કશું જ નવું નથી, જે આ પહેલાં કોઇ ન કોઇ હિંદી ફિલ્મમાં એક યા બીજી રીતે ન આવી ગયું હોય.
સ્લમડોગ મિલિયોનર”માં જે નથી ગમ્યું તે અમિતાભના ઓટોગ્રાફ મેળવવાવાળો સીન. અમિતાભના ઓટોગ્રાફ લેવા બાળક કોઈ પણ હદે જઈ શકે છે તે બતાવવા આવો જુગુપ્સાપ્રેરક સીન જ બતાવવો જોઇએ એ જરૂરી નથી
…….. આપે દર્શાવેલા આ બંને મુદ્દા સાથે સહમત થવા જેવું છે. હું આ બાબત લખવા વિચારી રહ્યો હતો પણ આપે ખુબ જ સારી રીતે મારાં મનની વાત રજૂ કરી દીધી છે એ બદલ ધન્યવાદ. સરસ લેખ.
મનગમતી પ્રવૃતી કરતા હોઈએ ત્યારે કેવું થાય છે. જૂઓને આપને comment લખવા રહ્યોને ચાનો કપ એમનમ ભર્યો રહી ગયો!