સ્ટુટગાર્ટના એક વિશાળ મોલ “ગેલેરિયા”માં લટાર મારતાં મારતાં વાસણોના વિભાગમાં જઈ પહોંચ્યાં. અમદાવાદમાં પણ હવે મોલ કલ્ચર સારું એવું વિકસી ચૂક્યું છે એટલે કોઇ મોલમાં જઈને નવાઇ પામવા જેવું તો ભાગ્યે જ કંઇ રહ્યું છે. જાતજાતનાં વાસણો, રસોડામાં કામ લાગે તેવાં ઉપકરણો વચ્ચેથી પસાર થતાં હતાં ત્યાં પ્રતીક્ષાએ પ્રશ્ર કર્યો, “જર્મન સિલ્વરનાં વાસણો હોય એ અહીં મળતાં હશે?” પછી પૂછ્યું, “જર્મન સિલ્વર એટલે શું હોય?”
મારી જે થોડીઘણી જાણકારી હતી તેને આધારે મેં કહ્યું કે જર્મનીમાં કદાચ શોધાઇ હશે એટલે તેને જર્મન સિલ્વર કહેતા હશે. “બટ વ્હાય સિલ્વર?” પ્રતીક્ષાનો પ્રશ્ન. એનો જવાબ તો મને ખબર નહોતી. વાત પૂરી થઈ પણ એ પ્રશ્ન મનમાં ઘૂમરાતો રહ્યો. ઘેર પહોંચીને જર્મન સિલ્વર વિષે થોડી માહિતી શોધવા પ્રયાસ કર્યો. સૌથી પહેલાં એ જોયું કે “ભગવદ્ગોમંડળ” એ વિષે શું કહે છે. તેમાં જણાવાયું છે કે “એક જાતની રૂપા જેવી તાંબું, જસત અને નિકલના મિશ્રણવાળી ચળકતી ધાતુ. વજનમાં હલકી હોવાથી તેનો વાસણ, વિમાન વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે.”
કોલંબિયા એન્સાઇક્લોપિડિયામાં જર્મન સિલ્વર વિષે એવી માહિતી છે કે “તાંબું, જસત અને નિકલના વિવિધ મિશ્રણને જર્મન સિલ્વર નામ અપાયું છે. ક્યારેક તેમાં સીસું અને ટિન પણ હોય છે. તેના ચાંદી જેવા રંગને લીધે તેને આ નામ મળ્યું છે. જોકે જે મિશ્રણમાં ચાંદી એટલે કે સિલ્વર ન હોય તેને માટે સિલ્વર શબ્દનો ઉપયોગ કરવા પર હવે પ્રતિબંધ છે. આ ધાતુ તેની સખતાઇ, મજબુતાઇ અને હવામાનની અસરને લીધે ખવાઇ જવા સામે પ્રતિરોધક હોવાને લીધે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ૧૯મી સદીના પ્રારંભે એક જર્મન રસાયણશાસ્ત્રી ઇ. એ. ગેઇટનરે તેની શોધ કરી હતી.”
આજે પણ જર્મન સિલ્વરનો વ્યાપક ઉપયોગ થાય છે, અને વાસણો ઉપરાંત વિવિધ વાજિંત્રો બનાવવામાં તે ખાસ વપરાય છે. બીજા પણ તેના ઘણા ઉપયોગો છે.
એક સમય હતો કે ગામડાંઓમાં પણ ભાગ્યે જ કોઇ ઘર એવું હોય જ્યાં જર્મન સિલ્વરનાં વાસણો ન હોય. પ્રતીક્ષાએ જર્મન સિલ્વર અંગે પ્રશ્ન પૂછ્યો તે પછી ખરેખર તો મારું મન બાળપણની યાદોમાં સરી પડ્યું હતું. પોરબંદર પાસેના નાનકડા ગામ છાંયા (આજે તો છાંયા નગરપાલિકા છે)ના અમારા ઘરમાં હું નાનો હતો ત્યારે જર્મન સિલ્વરનાં વાસણો હતાં અને એક ખાસ વાટકામાં હું ખાતો તે આજે પણ મારી નજર સામે તરવરી ઊઠ્યો છે. એ બધાં વાસણોનું પછી શું થયું એ હવે યાદ નથી, પણ માત્ર તેની સ્મૃતિઓ રહી છે.
છેક અહીં જર્મનીના સ્ટુટગાર્ટમાં નાનપણની યાદો આ રીતે સજીવન થઈ ઊઠશે એવી તો કલ્પના પણ ક્યારે કરી હોય…
Archive for મે, 2009
જર્મનીમાં વાત જર્મન સિલ્વરની…
Posted in General, Nostalgia, Travel, tagged Chhaya, Galeria, German Silver, Germany, Mall, Porbandar, stuttgart on મે 26, 2009| 7 Comments »
Angels & Demons : તમે ભગવાનમાં માનો છો? સિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે…
Posted in book, Film, Literature, tagged Angels & Demons, Antimatter, CERN, Film & Books, Illuminati, Review, The Da Vinci Code, Vatican on મે 21, 2009| 6 Comments »
સિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?”
આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, પણ આસ્તિકતા અને નાસ્તિકતા એથી ક્યાંય વધુ ગહન બાબત છે. ભગવાનમાં માનનારો પૂરેપૂરો આસ્તિક ન હોય અને ન માનનારો સાવ નાસ્તિક ન પણ હોય. આમ પણ આસ્તિકતા અને નાસ્તિકતા ઘણા લોકો માટે સગવડિયો ધર્મ હોય છે. આ વિષય પર ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં ટોમ હેન્ક્સ પણ જવાબમાં સીધી હા કે ના પાડતો નથી. તે કંઇક ફેરવીને જવાબ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને પૂછવામાં આવે છે, “કોણ શું કહે છે એ નહિ, તમે પોતે ભગવાનમાં માનો છો?” જવાબમાં તે કહે છે, “મારું મન કહે છે કે હજી હું ભગવાનને સમજી શક્યો નથી.” પ્રશ્ન : “તમારું દિલ શું કહે છે?” ટોમ હેન્ક્સ કહે છે, “શ્રદ્ધા એક ભેટ છે, જે હજી મને મળી નથી.”
બેએક વર્ષ પહેલાં ડેન બ્રાઉનની નવલકથા અને તેના પરથી બનેલી ફિલ્મ “દા વિન્ચી કોડ” ખૂબ વિવાદાસ્પદ બની હતી. તેના પર પ્રતિબંધ લગાડવાની માંગણીઓ થઈ હતી, પણ ફિલ્મ સારી ચાલી હતી. તેને કારણે ડેન બ્રાઉને”દા વિન્ચી કોડ” પહેલાં લખેલી પણ ખાસ કોઈના ધ્યાનમાં ન આવેલી “એન્જલ્સ એન્ડ ડેમન્સ”ની પણ લોટરી લાગી ગઈ. બુક તો બેસ્ટ સેલર થઈ જ, તેના પરથી ફિલ્મ પણ બની, જે હાલમાં રીલીઝ થઈ છે.
“દા વિન્ચી કોડ”માં લિયોનાર્ડો દા વિન્ચીનાં જગવિખ્યાત પેઇન્ટિંસ “મોનાલિસા” અને “ધ લાસ્ટ સપર”નાં ખ્રિસ્તી ધર્મને સાંકળીને કરાયેલાં અર્થઘટનોએ વિવાદ સર્જ્યો હતો.”એન્જલ્સ એન્ડ ડેમન્સ”નું કથાનક પણ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા કેન્દ્ર વેટિકનમાં આકાર લે છે. સંદર્ભ છેક ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યો છે, જ્યારે યુરોપમાં ચર્ચનું પ્રભુત્ત્વ હતું અને ધર્મ સામે વિગ્નાનની કોઈ વિસાત નહોતી. ગેલિલિયો જેવા વૈગ્નાનિકોને તેને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું એ તો જગજાહેર છે. એ ઘટનાઓ અંગે વેટિકન તરફથી દિલગીરી પણ વ્યક્ત થઈ ચૂકી છે.
કહે છે કે ગેલિલિયો અને એ પછીના સમયમાં વૈગ્નાનિકો, કલાકારો વગેરે પ્રબુદ્ધોએ Illuminati નામનું એક સંગઠન રચ્યું હતું જે આજે પણ એક ગુપ્ત અને ભેદી સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. આ Illuminati ફરી સક્રિય થયું છે અને સદીઓ પહેલાં ચર્ચે ચાર વૈગ્નાનિકોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા તેનો બદલો લેવા આવ્યું હોવાનું ફિલ્મનું કથાનક છે. સ્વિત્ઝરલેન્ડની “સર્ન” (CERN) પ્રયોગશાળામાં વિશ્વની ઉત્પત્તિ માટે જવાબદાર લેખાતા કણ Antimatter નું સંશોધન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ Antimatter એવી ઊર્જા છે કે જો તેનો વિધેયાત્મક ઉપયોગ કરાય તો માનવજાત ન્યાલ થઈ જાય, પણ તો તે હજારો અણુબોંબ એકસાથે ફાટે એવો વિનાશ સર્જી શકે. Antimatter રૂપી આ ભયાનક બોંબ વેટિકનમાં ગોઠવીને તેને અને તેની સાથે ખ્રિસ્તી ધર્મને નેસ્તનાબૂદ કરી નાખવાની Illuminatiની ભયાનક યોજના છે. CERN માંથી Antimatter ની ચોરી સાથે ફિલ્મનો પ્રારંભ થાય છે.
સિસ્ટાઇન ચેપલ સહિતનાં વેટિકનનાં ખ્યાતનામ સ્થળો, પોપનું મૃત્યુ અને નવા પોપની વરણીની પ્રક્રિયાની સાથોસાથ વેટિકનમાં ક્યાંક ગોઠવાયેલું Antimatter ગણતરીના કલાલોમાં શોધવાની દોડધામ અને તે સાથે બનતી રહસ્યમય ઘટનાઓ પ્રેક્ષકોને ઝકડી રાખે છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે ૪૦૦ વર્ષ પહેલાં હતા એવા વિગ્નાનના વિરોધીઓ આજે પણ છે. ફિલ્મનો એક સંવાદ : “વિશ્વની ઉત્પત્તિનું રહસ્ય જો વિગ્નાનના હાથમાં આવી જશે તો ભગવાન માટે શૂં બચશે?”
પ્રતીક્ષાએ Angels & Demons બુક વાંચી છે. તેના કહેવા મુજબ બુક જેટલી મજા ફિલ્મમાં આવતી નથી. એ પછી બુક વાંચવાની ઇન્તેજારી વધી ગઈ છે…
બિરકેનકોફ : બીજા વિશ્વયુદ્ધે વેરેલા વિનાશની સ્મૃતિ…
Posted in Travel, tagged Birkenhopf, Germany, History, stuttgart, Travel, World War 2 on મે 16, 2009| 4 Comments »

બિરકેનકોફ પર...
સ્ટુટગાર્ટની પશ્ચિમે આવેલી પહાડી બિરકેનકોફ જવાનાં બે પ્રયોજન હોઇ શકે. એક તો લગભગ ૫૧૧ મીટરની ઊંચાઇ પરથી સ્ટુટગાર્ટ અને તેની આસપાસના અપાર કુદરતી સૌંદર્યને માણવાની અને બીજું, આ પહાડી પર ખડકાયેલી બીજા વિશ્વયુદ્ધ વખતના વિનાશની સ્મૃતિઓ નિહાળવાનું. સ્ટુટગાર્ટના કુદરતી સૌંદર્યને તો છેલ્લા પંદર દિવસથી મનભરીને માણીએ જ છીએ એટલે અમારે મન બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી સ્મૃતિઓ નિહાળવાનું વિશેષ મહત્ત્વ હતું. આમ પણ અત્યંત એકાંત ઇચ્છતાં યુગલોને બાદ કરતાં આ પહાડી પર ચઢતાં પ્રવાસીઓ મોટા ભાગે આ સ્મૃતિઓ જોવાના હેતુથી જ આવતાં હોય છે.
બિરકેનકોફનું બસસ્ટેન્ડ ખાસ્સા ઊંચાણ પર આવેલું છે, પણ પહાડી ચઢવા માટે લગભગ ચારેક કિલોમીટર ચાલવું પડે. ટોચે પહોંચીએ એટલે એક બાજુ પહાડી પરથી ચારેકોર અફાટ ફેલાયેલી હરિયાળી મનને પ્રફુલ્લિત કરી દે, પણ પહાડી પર ખડકાયેલો કાટમાળ મનને ગ્લાનિથી ભરી દે. બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાનો દસ્તાવેજ જાણે અહીં જીવંત થઈ ઊઠે છે.
આખા યુરોપને તહસનહસ કરી નાંખનારા બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આ નાનકડા શહેર પર ૫૩ જેટલા હવાઇ હુમલા થયા હતા, જેને કારણે અનેક બિલ્ડિંગો ધરાશાયી થયાં હતાં. યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં શહેરનું તો પુન:નિર્માણ થયું, પણ યુદ્ધની તબાહી આંખો સામે રહે અને આવનારી પેઢી માટે એક સબક બની રહે તે માટે ૧૯૫૩થી ૧૯૫૭નાં વર્ષો દરમ્યાન લગભગ ૧૫ લાખ ઘનમીટર કાટમાળ બિરકેનકોફ પહાડી પર ખડકી દેવાયો. તેને કારણે પહાડીની ઊંચાઇ લગભગ ૪૦ મીટર વધી ગઈ. બિલ્ડિંગોની છત, કમાન, થાંભલા, દીવાલો વગેરેના નાનામોટા ટુકડાઓનો અહીં ખડકલો છે. એક ક્રોસની મોજૂદગી પણ માહોલને ઓર ગમગીન બનાવતી રહે છે. પણ જેવી કાટમાળ તરફથી નજર દૂર સુધી લીલોતરી વચ્ચે ધબકતા સ્ટુટગાર્ટ તરફ ફરે કે તરત યુદ્ધ એક ઇતિહાસ બની રહે… હા, ભૂલી ન શકાય તેવો ઇતિહાસ…

પહાડી પરથી સ્ટુટગાર્ટ...
વાહ, જર્મનીમાં પણ પેડલ રિક્ષા…!
Posted in Travel, tagged Berlin, Germany, Munich, Pedicab, Rikscha, Rikshaw on મે 13, 2009| 4 Comments »

મ્યુનિકના સિટી સેન્ટરમાં પેડલ રિક્ષા
જર્મનીમાં ઘણાં બધાં આશ્ચર્યો વચ્ચે એક છે પેડલ રિક્ષા. તેને Pedicab પણ કહે, પણ વધુ તો Rikscha તરીકે જાણીતી છે. સ્ટુટગાર્ટમાં તો ક્યાંય જોવા નથી મળી, પણ મ્યુનિકના સિટી સેન્ટર મરિયનપ્લાઝમાં ઘણી Rikscha જોઇ. પછી ખબર પડી કે માત્ર મ્યુનિકમાં જ નહિ, બર્લિન સહિતનાં જર્મનીનાં બીજાં કેટલાંક શહેરોમાં પણ Rikscha દોડે છે, એટલું જ નહિ, આ શહેરો જેમને નિરાંતજીવે જોવાં હોય તેમને માટે ગાઇડની પણ ગરજ સારે છે. બે કલાક માટે તેને બુક કરી શકાય અને તેનું ઓનલાઇન બુકિંગ પણ થઈ શકે છે.
ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં તો પેડલ રિક્ષા અને પગરિક્ષા આજે પણ દોડે છે. કોલકાતામાં તો પગરિક્ષા છે જ. ભારતનાં બીજાં શહેરોની તો ખબર નથી, પણ અમદાવાદમાં માલની હેરફેર માટે પેડલ રિક્ષાનો આજે પણ ઉપયોગ થાય છે. એક સમયે લોકોને પણ બેસાડીને લઈ જવાતા, પણ કેટલાંક વર્ષોથી બંધ કરી દેવાયું છે.
પગરિક્ષા અને પેડલ રિક્ષા એ મૂળ તો એશિયાની જ પેદાશ છે. Rickshaw શબ્દ મૂળ જાપાની Jinrikisha પરથી આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ થાય “માનવશક્તિથી ચાલતું વાહન”. આજે કોલકાતામાં જોવા મળે છે એ માણસ દોડીને ખેંચી લઈ જાય એવું બે પૈડાંનું વાહન એ જ આવી રિક્ષાનું આદ્ય રૂપ છે અને લગભગ ૧૪૦ વર્ષ પહેલાં ૧૮૬૮માં જાપાનમાં તે દોડતું થયું હતું. ભારતમાં તેનું આગમન ૧૮૮૦માં થયું અને વીસમી સદીના પ્રારંભે તે ચીનમાં પહોંચ્યું હતું. પગે ખેંચીને ચાલતી રિક્ષા સમય જતાં પેડલ રિક્ષા બની. ભારત અને ચીન તથા જાપાન ઉપરાંત બાંગ્લાદેશ, કંબોડિયા, થાઇલેન્ડ, વિયેતનામ, મ્યાંમાર, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મેક્સિકો જેવા દેશોમાં પણ ચાલે છે.
“દો બીઘા જમીન” જેવી ફિલ્મોમાં આવી ચૂકેલી પગરિક્ષા કે પેડલ રિક્ષા માણસ દ્વારા માણસને ખેંચતી હોઇ ઘોર શોષણનું પ્રતીક ગણાય છે. તે ભારત જેવા ગરીબ દેશમાં હોય એ તો સમજી શકાય,પણ જર્મની જેવા સમૃદ્ધ દેશમાં પણ પેડલ રિક્ષા હોઈ શકે એવી કલ્પના નહોતી. જોકે આશ્ચર્યોની આ દુનિયામાં ક્યાં કમી હોય છે…
સ્ટુટગાર્ટમાં પહેલું સપ્તાહ… મજા હી મજા…
Posted in Travel, tagged Germany, stuttgart, Travel on મે 9, 2009| 5 Comments »

View from Stuttgart TV Tower
સ્ટુટગાર્ટમાં અત્યારે બરાબર બપોરના બાર વાગ્યા છે. ગયા શનિવારે એર અમીરાતની ફ્લાઇટમાં ફ્રેન્ક્ફર્ટ ઊતરવાનું મનોમન કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું. આજે સ્ટુટગાર્ટમાં પૂરું એક સપ્તાહ થઈ ગયું છે.
દેશની બહાર નીકળવાનો આ પહેલો જ મોકો એટલે ત્રણ-ચાર માસ પહેલાં જ્યારથી આ પ્રવાસનું નક્કી થયું હતું ત્યારથી અમારા બંનેની ઉત્સુકતા અને આતુરતાનો પાર નહોતો, અને મને ખાતરી છે કે અહીં સ્ટુટગાર્ટમાં પ્રતીક્ષા અને કુમારની પણ એ જ હાલત હતી… અંતે પહેલાં મહિનાઓના, પછી દિવસોના અને અંતે કલાકોના કાઉન્ટડાઉન પછી અમે સ્ટુટગાર્ટમાં છીએ.
અહીં જે મોજથી એક સપ્તાહ વીત્યું છે અને બાકીનાં ત્રણ સપ્તાહ વીતવાનાં છે તેના પરથી એટલું તો નક્કી જ છે કે આ એક મહિનો હંમેશ માટે અમારી જિંદગીનો યાદગાર સમય બની રહેવાનો છે.
અહીં પહોંચ્યાં નહોતાં ત્યાં સુધી એવું વિચાર્યું હતું કે રોજેરોજ એક બ્લોગ લખવો, પણ અહીંની વ્યવસ્થા, સુઘડતા, પળેપળ પલટાતી રહેતી મોસમ, કુદરતી સૌંદર્ય, અહીંનાં લોકો અને એવી અનેક બાબતો વિષે કદાચ નિરાંતે જ લખી શકાશે… થોડી તસવીરો મૂકવાની લાલચ રોકી શકાતી નથી…

ટીવી ટાવર પરથી સ્ટુટગાર્ટ

લેન્ડસ્કેપ

ફનીક્યુલર ટ્રેન