હિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…
***
એક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે આગ્રહ કર્યો, “આપ અંદર પધારો અને ભોજન કરો.”
સંતોએ પૂછ્યું, “તમારા પતિ ઘરમાં છે?”
તેણે કહ્યું, “ના, તે બહાર ગયા છે.”
“તો અમે અત્યારે નહિ આવી શકીએ. તે જ્યારે ઘેર હશે ત્યારે આવીશું”. સંતોએ કહ્યું.
સાંજે તેનો પતિ ઘેર આવ્યો ત્યારે સ્ત્રીએ તેને બધી વાત કરી. તેના પતિએ કહ્યું, “જઈને એમને કહે કે હું ઘેર આવી ગયો છું અને તેમને માનભેર બોલાવી લાવ.”
સ્ત્રી બહાર ગઈ અને તેમને અંદર આવવા કહ્યું.
સંત બોલ્યા, “અમે એકસાથે કોઇના ઘરમાં નથી જતા.”
“એવું કેમ?” સ્ત્રીએ પૂછ્યું.
તેમાંથી એક સંતે કહ્યું, “મારું નામ ધન છે.” પછી બીજા સંતો તરફ ઇશારો કર્યો, “આ બંનેનું નામ સફળતા અને પ્રેમ છે. અમારામાંથી કોઇ એક જ અંદર આવી શકે. તમારા પતિ સાથે વાત કરીને નક્કી કરી લો કે કોને અંદર બોલાવવા છે!”
સ્ત્રીએ અંદર જઈને પતિને બધી વાત કરી. એ બહુ ખુશ થયો. તેણે કહ્યું, “જો એવું જ હોય તો આપણે ધનને આમંત્રિત કરવો જોઇએ. આપણું ઘર ખુશીઓથી ભરાઇ જશે.”
પણ પત્નીએ કહ્યું, “મને લાગે છે કે આપણે સફળતાને બોલાવીએ.”
બીજા ઓરડામાં બેઠેલી તેમની દીકરી પણ આ સાંભળતી હતી. તેણે આવીને કહ્યું, “મને લાગે છે આપણે પ્રેમને બોલાવવો જોઇએ. પ્રેમથી ઉમદા બીજું કંઇ નથી.”
“તું ખરું કહે છે, આપણે પ્રેમને જ બોલાવવો જોઇએ.” તેનાં માતા-પિતાએ કહ્યું.
સ્ત્રી બહાર ગઈ અને તેણે સંતોને પૂછ્યું, “તમારામાંથી જેનું નામ પ્રેમ છે તેઓ મહેરબાની કરીને અંદર આવે.”
પ્રેમે ઘર તરફ ડગલાં માંડ્યાં એટલે બીજા બે સંત પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. સ્ત્રીએ આશ્ચર્યથી તેમને પૂછ્યું, “મેં તો માત્ર પ્રેમની આવવા કહ્યું છે. તમે બંને કેમ આવી રહ્યા છો?”
“જો તમે ધન અને સફળતામાંથી કોઇ એકને આમંત્રણ આપ્યું હોત તો એકલો એ જ અંદર જાત, પણ તમે પ્રેમને બોલાવ્યો છે. પ્રેમ કદી એકલો નથી જતો. પ્રેમ જ્યાં જાય છે, ધન અને સફળતા તેની પાછળ જાય છે.” ધન નામના સંતનો આ જવાબ હતો.