મૂળ ક્ચ્છના મુંબઈ સ્થિત ફિલ્મકાર વિનોદ ગણાત્રાએ વધુ એક બાળફિલ્મ “હારુન-અરુણ” (Harun-Arun) બનાવી છે અને તે પણ ગુજરાતીમાં. ફિલ્મનું નિર્માણ ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયાએ કર્યું છે. જૂનમાં અમદાવાદમાં કહેવાતો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો તેમાં આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર રખાયો હતો, પણ એ વખતે તેની કોઇ નોંધ નહોતી લેવાઇ તેમાં કોઇ નવાઇ પામવા જેવું નહોતું, પણ તેથી “હારુન-અરુણ”નું મહત્ત્વ જરાય ઓછું થતું નથી. તાજેતરમાં જ શિકાગો ખાતે આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવ યોજાઇ ગયો. દુનિયાભરના દેશોમાંથી આવેલી બાળ ફિલ્મો વચ્ચે “હારુન-અરુણ” એવોર્ડ લઈ આવી છે, અને વિનોદ ગણાત્રાની અગાઉની ફિલ્મોને જે ઢગલામોઢે એવોર્ડ્ર્સ મળ્યા છે તે જોતાં એમ કહી શકાય કે આ તો હજી શરૂઆત જ છે.
“હારુન-અરુણ”નો જે કથાસાર ઉપલબ્ધ છે તે મુજબ ફિલ્મનો મુખ્ય સૂર એ છે કે નકશા પર ભલે સરહદો દોરાતી હોય અને તે ભાગલા પાડતી હોય, પણ લોકોનાં હૈયાંને તે જુદાં કરી શકતી નથી. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે સરહદી વિસ્તારોમાં રહેતા અનેક પરિવારો વિખૂટા પડી ગયા હતા. કચ્છના લખપતમાં જન્મેલો રશીદ સુલેમાનનો પરિવાર આવો જ કમનસીબ હતો. તેની પરિણીત દીકરી ક્ચ્છમાં રહી ગઇ હતી અને પાકિસ્તાનમાં રહી ગયો હતો. રશીદના પરિવારમાં હવે તેનો એકમાત્ર પૌત્ર હારુન રહ્યો છે. પોતાની આંખો કાયમ માટે મીંચાઇ જાય તે પહેલાં હારુનને લખપત પહોંચાડી દેવાની તેની ઇચ્છા છે. એક રાતે સરહદ પાર કરવાનું તે આયોજન પણ કરે છે, પણ સૈનિકોથી બચવાના પ્રયાસમાં રશીદ અને હારુન છૂટા પડી જાય છે.
રણમાં એકલો પડી ગયેલો હારુન હિંમત નથી હારતો. તે સરહદ પાર કરીને કચ્છ પહોંચી જાય છે. અહીં તે ત્રણ બાળકોને મળે છે. આ બાળકો હારુનને ચોરીછૂપીથી પોતાને ઘેર લઈ જાય છે. તેમની મા વાલબાઇ બહુ પ્રેમાળ છે, પણ મા વઢશે એ બીકે બાળકો હારુનને સંતાડી રાખે છે. અહીં હારુન અરુણ બની જાય છે. પણ એક દિવસ વાલબાઇથી છોકરાઓની રમત છાની રહેતી નથી, પણ તે ઘડીથી અરુણ પણ તેનાં ત્રણ સંતાનો ભેગો ચોથો દીકરો બની જાય છે. પછી ઘણી રસપ્રદ ઘટનાઓ બને છે. વાલબાઇની ભૂમિકા રાગિણીએ ભજવી છે.
બાળકોને લઈને ઘણી મોટી વાત કહેતી આવી સુંદર ફિલ્મ બનાવવા માટે વિનોદ ગણાત્રાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, પણ એક સિનેમારસિક તરીકે ચિંતા થાય એવો એક પ્રશ્ન સતાવી રહ્યો છે તે એ કે ગમે એટલા એવોર્ડ્સ મેળવવા છતાં આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થઈ શકશે ખરી?
આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે એક બાજુ તો આપણે એવી નિરાશા વ્યક્ત કરતા રહેતા હોઇએ છીકે આપણે ત્યાં સારી બાળફિલ્મો બનતી નથી, પણ જ્યારે બને છે ત્યારે તેને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. એવી ઘણી બાળફિલ્મો બની છે, જે થિયેટરો સુધી પહોંચી શકી નથી. વિનોદ ગણાત્રાની જ વાત કરીએ તો આ પહેલાં તેઓ “હેડા હોડા” નામની સુંદર બાળફિલ્મ બનાવી ચૂક્યા છે. તેને દુનિયાભરના બાળ ફિલ્મોત્સવોમાંથી એટલા બધા એવોર્ડ મળ્યા છે કે કદાચ વિનોદ ગણાત્રાએ તેની ગણતરી કરવાનું પણ છોડી દીધું હશે. પણ, અફસોસ કે આ ફિલ્મને લગભગ પાંચેક વર્ષ પછી પણ થિયેટર નસીબ થઈ શક્યું નથી. બાળ ફિલ્મ સોસાયટી જેવી સંસ્થાએ માત્ર ફિલ્મ નિર્માણ માટે નાણાં પૂરાં પાડીને સંતોષ માની લેવાને બદલે આ દિશામાં પણ કંઇક વિચારવું જરૂરી છે.
હજી તાજેતરમાં જ બાળ ફિલ્મ સોસાયટીનું અધ્યક્ષપદ નંદિતા દાસે સંભાળ્યું છે, અને તેમણે કહ્યું પણ છે કે તેઓ પોતાનું સમગ્ર ધ્યાન બાળ ફિલ્મોની પ્રવૃત્તિ પર કેન્દ્રિત કરવાનાં છે. જોઇએ…