પહેલાં “ઓમકારા”, પછી “કમીને” અને હવે “ઇશ્કિયા”. વિશાલ ભારદ્બાજની ફિલ્મો સાવ જુદો જ ચીલો ચાતરી રહી છે. ઉત્તરભારતના ગ્રામીણ પરિવેશનો આ માણસે જબરદસ્ત અભ્યાસ તો કર્યો જ છે, પણ વધુ મહત્ત્વનું એ છે કે પડદા પર તેને પ્રભાવક રીતે રજૂ કરવાની તેનામાં જબરી ફાવટ છે. સાવ જમીન સાથે જોડાયેલાં પાત્રો, એવું જ કથાનક અને તેની નરી વાસ્તવિકતા સાથેની રજૂઆતનું ગજબનું પેકેજ તેની ફિલ્મો બની રહે છે. “ઇશ્કિયા”માં જે ભાષા વપરાઇ છે એ તો અહીં નથી વાપરી શકાય તેમ, પણ ગોરખપુર તરફના જે વિસ્તારની તેમાં વાત છે, ત્યાં છોકરો ચડ્ડી પહેરતાં શીખે એ પહેલાં તમંચો ચલાવતાં શીખે એમાં કોઇ અતિશયોક્તિ નથી. દેશી તમંચા તો ત્યાં ગૃહ ઉદ્યોગની જેમ બનાવાય છે.
આવી પૃષ્ઠભૂમિમાં ગુનાઇત માનસ ધરાવતાં બે પુરુષો અને એક સ્ત્રી વચ્ચે પ્રેમ તો નહિ પણ શારીરિક આકર્ષણની કહાણી એક અઘરો ખેલ બની રહે, પણ “ઇશ્કિયા”માં તે સાવ સહજ રીતે રજૂ થઇ છે. ખાલુજાન (નસીરુદ્દીન શાહ) અને તેનો ભાણિયો બબ્બન (અરશદ વારસી) પોતાના બનેવીના કારખાનામાંથી જ લાખોની ચોરી કર્યા પછી નેપાળ ભાગી જવા માટેનો વેત કરવા જે ગામમાં આવે છે ત્યાં ક્રિષ્ના (વિદ્યા બાલન) છે. ક્રિષ્નાનો મરી ગયેલો મનાતો પતિ વર્મા તો હવે રહ્યો નથી એટલે આ કામ કરી આપે એવો બીજો કોઇ માણસ મળે ત્યાં જ રહી જાય છે અને ક્રિષ્નાના આઇડિયા મુજબ ત્રણે મળીને ગોરખપુરના એક માલદાર માણસના અપહરણનો પ્લાન બનાવે છે. એ દરમ્યાન ખાલુજાન અને બબ્બન બંને ક્રિષ્ના તરફ આકર્ષાઇ ચૂક્યા છે. ખાલુ પરિપક્વ છે. તે જે આકર્ષણ અનુભવે છે તેમાં પ્રેમનું તત્ત્વ વધુ છે, પણ બબ્બન માટે તે શારીરિક ભૂખથી વધુ નથી. અને ક્રિષ્ના માટે બંને સરખા છે. ખરેખર તો બંનેને તે પોતપોતાની રીતે રમાડે છે.
નસીર, અરશદ અને વિદ્યા આ ત્રણેયમાં સરપ્રાઇઝ એલિમેન્ટ હોય તો તે વિદ્યા અને અરશદ છે. નસીર માટે તો કોઇ પણ પાત્ર ભજવવું એ કેટવોક સમાન જ હોય છે અને “ઇશ્કિયા” પણ તેમાં અપવાદ નથી, પણ તેના જોડીદાર તરીકે અરશદે જે કામ કર્યું છે અને એ બંને સામે વિદ્યા બાલન જે રીતે ઊભી રહી છે તે અદભુત છે. હજી હમણાં સુધી એકદમ સોબર ઇમેજ ધરાવતી વિદ્યાએ તેનાથી સાવ વિપરિત કામ કર્યું છે અને તે પણ સાવ સહજપણે. થોડાં વર્ષો પહેલાં “હમ પાંચ” સિરિયલની પાંચ બહેનો પૈકી એકનું સાવ નગણ્ય પાત્ર ભજવનારને તક મળી તો “પરિણીતા”થી લઈને ક્યાં પહોંચી ગઈ. ટેલેન્ટ ઝાઝો સમય છૂપી નથી રહી શકતી એવું આ એક ઓર ઉદાહરણ છે.
સાવ વાસ્તવની ધરાતલ પર આકાર લેતી આ કહાણીને ઓર વાસ્તવિક બનાવવામાં તળપદા સંવાદો અને ગુલઝારનાં ગીતોએ પણ મોટો ભાગ ભજવ્યો છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ ગુલઝારની કલ્પનાશક્તિ નવા સીમાડાઓ સર કરી તે પણ “ઇબ્ન બતૂતા” જેવાં ગીતો પુરવાર કરતાં રહ્યાં છે. હિંદી ફિલ્મોનો એક બહુ જાણીતો સંવાદ છે, “તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?” આ ફિલ્મમાં વિદ્યા પ્રત્યેના પ્રેમ સંબંધે અરશદ નસીરને કહે છે, “તુમ્હારા ઇશ્ક ઇશ્ક ઔર હમારા ઇશ્ક સેક્સ?”