Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2010

વર્ષોથી બેસ્ટ સેલર પુસ્તકોના લિસ્ટમાં સ્થાન પામતું રહેલું Who Moved My Cheese? (by Spencer Johnson, MD) હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે. મિત્ર અલકેશ પટેલે તેનો બહુ જ સુંદર અનુવાદ કર્યો છે, જે આર. આર. શેઠની કંપનીએ પ્રગટ કર્યો છે (કિંમત રૂ. ૯૫). વર્ષોથી આ અંગ્રેજી ટાઇટલ આંખ નીચેથી પસાર થતું રહેતું હતું. તે બેસ્ટ સેલર હોવા વિષે પણ જાણ હતી, અને તે સેલ્ફ ડેવલપમેન્ટને લગતું હોવાની પણ જાણ હતી, પણ કદી તે વાંચવાની ઇચ્છા થઈ નહોતી.

આ પોસ્ટ લખવાની શરૂ કરી તેની આગલી ક્ષણે એકી બેઠકે પુસ્તક પૂરું કર્યું ત્યારે એક બાજુ બક્ષીના શબ્દોમાં કહીએ તો દિલ બાગ બાગ થઈ ગયું પણ તે સાથે જે પહેલો પ્રશ્ન થયો તે એ કે આ પુસ્તક આ પહેલાં કેમ વાંચ્યું નહિ?

“પરિવર્તન સંસારનો નિયમ છે” એ આપણે બધા જાણીએ છીએ તે છતાં પરિવર્તનો જ્યારે આવે છે ત્યારે તેના તરફનો હરકોઇનો પ્રતિભાવ અલગ અલગ હોય છે, અને એમ થવા કે એમ કરવા પાછળનાં દરેકનાં પોતાનાં આગવાં કારણો હોય છે, તેમ છતાં જેઓ પરિવર્તન સાથે બદલાઇ જવાનું અને તે મુજબ જાતને ઢાળી શકતા હોય છે, તેઓ અંતે તો એવું નહિ કરી શકનારાઓ કરતાંવધુ સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. લગભગ આવો સાર ધરાવતી  હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા તેના લેખકે ખૂબ સરળ છતાં અસરકારક રીતે બે ઉંદર સ્નિફ અને સ્કરી તથા બે વેંતિયા હેમ અને હો એવાં કુલ ચાર પાત્રો દ્વારા નિરુપી છે.

આ ચારેય પાત્રો માણસમાત્રના સરળ અને જટિલ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેક આપણે સ્નિફ જેવું વર્તન કરીએ છીએ, જે પરિવર્તનને સૌથી પહેલાં સૂંઘી લે છે, ક્યારેક આપણે સ્કરી જેવું વર્તન કરીએ છીએ, જે તત્કાળ પગલાં લે છે, ક્યારેક આપણે હેમની જેમ વિચારીએ છીએ, જે પરિવર્તન માટે તૈયાર નથી અને તેનો વિરોધ કરે છે, કારણ કે પરિવર્તનથી નુકસાન થશે એવો તેને ડર રહેતો હોય છે, અને ક્યારેક આપણે હો જેવા હોઇએ છીએ, જે પરિવર્તનથી લાભ થશે એવું સમજાય ત્યારે તેનો સ્વીકાર કરતાં શીખી લઈએ છીએ.

હૂ મૂવ્ડ માય ચીઝ? વાંચતાં સતત એવું જ લાગ્યા કરે કે જાણે આઆપણી પોતાની જ વાત છે. કદાચ એ પણ યાદ આવ્યા કરે કે જ્યારે જ્યારે આપણા પોતાના જીવનમાં પરિવર્તન આવ્યું હતું, ત્યારે આપણે ઉપર્યુક્ત ચાર પૈકી કઈ ભૂમિકા ભજવી હતી. પુસ્તકમાં ભેગા થયેલા જૂના મિત્રો ચીઝની વાર્તાસાંભળ્યા પછી કહે છે આ વાર્તા તેમનેપહેલાં કેમ વાંચવા ન મળી? હૂ મૂવ્ડ માય ચીઝ? વાંચ્યા પછી વાંચનારને પણ આવી લાગણી ન થાય તો જ નવાઈ!

Read Full Post »

તા.  ૨૮ ફેબ્રુઆરીથી નવી દિલ્હીમાં ૧૨મો હોકી વર્લ્ડ કપ રમાવાનો છે. “કલકત્તા હલચલ” માટે તે અંગે લેખ લખતી મન એ વાતે ખાટું થઈ ગયું કે એક સમયે આપણે જેના માટે ગૌરવ લઈ શકીએ તેમ હતા તે હોકીની દેશમાં કેવી ઘોર ખોદાઇ ગઈ છે. ૧૯૨૮માં આમ્સ્ટરડામમાં ભારતીય હોકી ટીમે પહેલી વાર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને સુવર્ણચંદ્રક જીત્યો હતો. તે પછી ૧૯૩૨માં લોસ એન્જલસ, ૧૯૩૬માં બર્લિન, ૧૯૪૮માં લંડન, ૧૯૫૨માં હેલસિન્કી, ૧૯૫૬માં મેલબોર્ન, ૧૯૬૪માં ટોકિયો અને ૧૯૮૦માં મોસ્કો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રકો જીત્યા હતા. ૧૯૮૦ પછી ભારત ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતી શક્યું નથી, પણ આઠ સુવર્ણચંદ્રક જીતવાનો તેનો રેકોર્ડ અડીખમ છે. હજી સુધી બીજી કોઇ ટીમ ચારથી વધુ સુવર્ણચંદ્રક જીતી શકી નથી.

હોકી  વર્લ્ડ કપ ૧૯૭૧માં રમાવાનો શરૂ થયો ત્યાં સુધીમાં ભારતીય હોકીનું પતન શરૂ થઈ ગયું હતું એટલે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દેખાવ ખૂબ નબળો રહ્યો છે. માત્ર ૧૯૭૫માં તે વર્લ્ડ કપ જીતી શકી હતી. આ એકમાત્ર સફળતાને બાદ કરતાં અત્યાર સુધીમાં તે ૧૯૭૧માં ત્રીજા સ્થાને અને ૧૯૭૩માં રનર્સ અપ રહી હતી, પણ ૧૯૭૫માં ચેમ્પિયન બન્યા પછી રમાયેલા આઠ વર્લ્ડ કપ પૈકી એકમાં પણ તે સેમી ફાઇનલ સુધી પહોંચી શકી નથી. ૧૯૮૬માં તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૧મા અને ૧૨મા સ્થાન માટે મેચ રમાઇ હતી તેમાં પણ પાકિસ્તાન જીતી ગયું હતું.

એક સમય એવો પણ હતો કે ત્યારે એમ કહેવાતું કે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ભારતીય હોકી ટીમ માટે જ બનાવાયા છે, પણ છેલ્લાં વર્ષોમાં ભારતીય હોકીનું એ હદે પતન થયું કે ૨૦૦૮માં બૈજિંગમાં રમાયેલી ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમ ક્વોલિફાઇ પણ થઈ શકી નહોતી. કારણ કદાચ એક જ છે કે હોકી સંઘના સત્તાવાળાઓ હોકીના વિકાસ કરતાં તેમના આંતરિક રાજકારણમાં વધુ રચ્યાપચ્યા રહે છે. આ વર્લ્ડ કપમાં, તે પછી ઓક્ટોબરમાં કોમનવેલ્થ ગેમ્સમાં, પછી ચીનમાં રમાનારા એશિયાડમાં ભારતીય હોકીનું જે થાય તે ખરું. એમાં તેનો જે દેખાવ રહેશે તેને આધારે ૨૦૧૨માં લંડન ખાતે રમાનારી ઓલિમ્પિક માટે તે ક્વોલિફાઇ થશે કે કેમ તેનો ખ્યાલ આવશે.

આઠ-દસ દિવસ પહેલાં રાજકોટથી પત્રકાર દેવેન્દ્ર જાનીનો ફોન આવ્યો હતો. હોકી ખેલાડીઓએ સત્તાવાળાઓ સામે જે બળવો પોકાર્યો હતો તે અંગે લેખ લખવા માટે સંદર્ભ સામગ્રી શોધતાંતેમના હાથમાં મારું લખેલું પુસ્તક “હાઉ ટુ પ્લે હોકી” આવી ગયું. ૧૯૮૭માં અમદાવાદના રૂપાલી પબ્લિકેશને તે પ્રગટ કર્યું હતું. ફોનમાં જાની કહે, “પુસ્તકને અપડેટ કરીને નવી એડિશન કરવા જેવી છે.”

વાત સાચી પણ કરે કોણ? કયા પ્રકાશકને હોકીનું પુસ્તક પ્રગટ કરવામાં રસ પડે? ખરી વાત તો એ છે કે ૧૯૮૭માં રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ભારત-પાકિસ્તાન-શ્રીલંકામાં રમાયો  હતો  ત્યારે રમતના માહોલમાં સ્પોર્ટ્સનાં પુસ્તકો વેચાશે એમ માનીને રૂપાલી પબ્લિકેશને “હાઉ ટુ પ્લે” સીરીઝમાં ક્રિકેટ (આશુતોષ પટેલ), ફૂટબોલ (દિવ્યેશ ત્રિવેદી), ટેનિસ (વિવેક દવે) અને હોકીનાં પુસ્તકો માટે સાહસ કર્યું હતું. તેમનું એ સાહસ તેમને કેટલું ફળ્યું હતું એ તો કદી જાણવા મળ્યું નહિ, પણ તેમણે એ પછી રમતને લગતું પુસ્તક પણ કદી પ્રગટ કર્યું હોવાનું જાણમાં નથી.

Read Full Post »

આ વર્ષે લેખક-ગીતકાર જાવેદ અખ્તરને સ્ક્રીનનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો. અમિતાભ બચ્ચન અને યશ ચોપડાના હાથે એવોર્ડ સ્વીકારતી વખતે જાવેદ અખ્તરે એક મહત્ત્વની વાત એ કરી કે ફિલ્મ ગમે એટલા મોટા બજેટથી બનતી હોય કે તેની ગમે તેવી મોટી સ્ટારકાસ્ટ હોય, પણ જો તેની પટકથા નબળી હશે તો તેનો કોઇ અર્થ નહિ સરે. હિંદી ફિલ્મોમાં હજી પટકથાનું પાસું જોઇએ એવું સબળું હોતું એ વાત પણ તેમણે કરી.

જાવેદ અખ્તર જેવા ઊંચા ગજાના સર્જકને એવોર્ડમળે ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક જ છે, પણ જ્યાં પટકથાલેખનની વાત આવે ત્યાં જાવેદની બાજુમાં સલીમ ન હોય એ થોડું ખૂંચે. એક ગીતકાર તરીકે જાવેદ અખ્તરની સફળતાને સલામ છે, પણ લાઇફટાઇમ એચિવમેન્ટની વાત થતી હોય તો સલીમખાન સાથે મળીને તેમણે લખેલી પટકથાઓને વિસારી શકાય નહિ, પણ કમનસીબે તેમની જોડી તૂટી તે પછી જાવેદ સતત સક્રિય રહ્યા અને સલીમે થોડીક સફળતા અને વધુ તો નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી નિષ્ક્રિયતામાં સરી જવાનું પસંદ કર્યું.

ફિલ્મોમાં પટકથાલેખનનું કેટલું મહત્ત્વ હોય છે એ કદાચ સલીમ-જાવેદે જ સ્થાપિત કર્યું હતું. બંનેની કારકિર્દીનાં શરૂઆતનાં વષો ખાસ્સાં સંઘર્ષમય રહ્યાં હતાં. ગીતકાર જાંનિસાર અખ્તરના પુત્ર જાવેદને પહેલેથી લેખનમાં રસ હતો અને તક મળે તો દિગ્દર્શન કરવું હતું, પણ સલીમ તો હીરો બનવા ઇન્દોરથી મુંબઈ આવ્યા હતા. “સરહદી લૂટેરે” ફિલ્મમાં સલીમ અભિનેતા હતા અને જાવેદ એ ફિલ્મના સહાયક લેખક હતા. એ મુલાકાત દોસ્તીમાં પરિણમી અને બંનેએ સાથે મળીને લખવાનું શરૂ કર્યૂં. રમેશ સિપ્પીની “અંદાજ” તેમની પહેલી ફિલ્મ. રાજેશ ખન્નાને કારણે “હાથી મેરે સાથી” તેમને મળી હતી, પણ આ બંને ફિલ્મોએ તેમને માત્ર દામ અપાવ્યા હતા, નામ નહિ. નામ તેમને મળ્યું “સીતા ઔર ગીતા”થી અને “ઝંઝીર” પછી તો તેમને માટે સફળતાનાં બધાં દ્વાર ખૂલી ગયાં હતાં, અને “શોલે” તથા “દીવાર” પછી તો આ ક્ષેત્રે તેમની બોલબાલા થઈ ગઈ હતી. તેમણે સાથે મળીને ૧૮ ફિલ્મો લખી તે પૈકી ૧૧માં અમિતાભ હીરો હતા.

અંતે આ જોડી તૂટી પણ આટલાં વર્ષોમાં બંનેમાંથી કોઇ કદી એકબીજા માટે ઘસાતું બોલ્યા નથી, એટલું જ નહિ, “શોલે” હોય કે “દીવાર” કે બીજી કોઇ પણ ફિલ્મ, કોણે શું લખ્યું એ પણ કદી જાહેર નથી થયું. કોણે કયો સંવાદ લખ્યો કે કોણે કયો સીન લખ્યો એની કદી ક્યાંય ચર્ચા નથી થઈ. કહે છે કે સમીન કથાવસ્તુ ઊભું કરવામાં માહેર હતા અને તેને દૃશ્યોમાં ઢાળવામાં અને સંવાદો લખવામાં માહેર હતા. પટકથાલેખનને લાગેવળગે છે ત્યાં સુધી બંને એકબીજા વિના અધૂરા છે એ તો તેમની જોડી તૂટ્યા પછી પુરવાર થઈ જ ગયું હતું. સલીમની “નામ” સિવાય કોઇ ફિલ્મ સફળ ન થઈ અને જાવેદને પણ જેટલી સફળતા ગીતકાર તરીકે મળી છે પટકથાલેખક તરીકે નથી મળી.

જાવેદ મારા પ્રિય ગીતકાર છે પણ પટકથાલેખક તરીકે સલીમ-જાવેદ પ્રિય છે. ફિલ્મોમાં જાવેદ વધુ સક્રિય છે એટલે તેમના વિષે ઘણું વાંચવા મળતું રહે છે, પણ હાલના સમયમાં સલીમખાને લખેલા કેટલાક લેખો વાંચ્યા પછી તેમના તરફનું માન ઓર વધી ગયું છે. ખાસ કરીને બિનસાંપ્રદાયિકતા અંગેના સલીમના વિચારો વધુ પ્રભાવક લાગ્યા છે.

Read Full Post »