Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2011

ટાગોરની વાર્તા “ખુદિતો પાષાણ” (ગુજરાતીમાં “ક્ષુધિત પાષાણ”, અંગ્રેજીમાં The Hungry Stones)  માત્ર તેમણે જ લખેલી વાર્તાઓ પૈકી નહિ, પણ બંગાળીમાં લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક ગણાય છે. કેટલાક તો તેને સર્વકાલીન ૧૦૦ બંગાળી વાર્તાઓમાં સ્થાન આપે છે. દિગ્દર્શક તપન સિંહાએ ૧૯૬૦માં તેના પરથી ફિલ્મ બનાવી હતી. આ વાર્તા જેટલી સરળ લાગે છે તેટલી જ ગૂઢ પણ છે, એટલે કોઇ સામાન્ય ફિલ્મકાર જો આ વાર્તા પરથી ફિલ્મ બનાવે તો બનવાજોગ છે કે એક ચલતાપૂર્જા હોરર ફિલ્મથી વધુ કશું ન નીપજે, પણ તપન સિંહાએ વાર્તાના એક પછી એક તમામ પડળ ઉખેળતા જઈ અદભુત ફિલ્મ બનાવી, જેને એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

“ખુદિતો પાષાણ” તપન સિંહાની પણ શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. યુવાન વયે ટાગોર જ્યારે અમદાવાદમાં રોકાયા હતા ત્યારે હાલમાં શાહીબાગમાં જ્યાં સરદાર પટેલ સ્મારક છે, તે જૂના રાજભવનમાં તેમનો મુકામ હતો. મૂળ તો એ જહાંગીરના સમયમાં બંધાયેલો મહેલ હતો. અહીં રહીને ટાગોરે સાબરમતીના કિનારે બેસીને “ખુદિતો પાષાણ” વાર્તા લખી હતી. ૧૮૯૫ના અરસામાં તે પહેલી વાર પ્રગટ થઈ હતી.

એક નાનકડા ગામમાં એક યુવાન સરકારી કર્મચારીની બદલી થાય છે. તેનો મુકામ એક જૂની હવેલીમાં છે. એ હવેલી એક સુલતાનના સમયનો મહેલ હતો. રાજમહેલોનાં રહસ્યોનો આમેય કોઇ પાર હોતો નથી. ગામલોકો એ હવેલી ભૂતિયા હોવાનું માને છે. યુવાન એ હવેલીમાં રહી જાય છે ને તેને પણ ગેબી અનુભવો થવા માંડે છે, પણ ડરવાને બદલે તે એ રહસ્યનો તાગ મેળવવા પ્રયાસ કરે છે. તપન સિંહાએ વાર્તામાં નિરૂપાયેલા સસ્પેન્સને બરાબર છેક સુધી જીવંત રાખીને એક જૂના મહેલમાં મોટા ભાગે નૈસર્ગિક પ્રકાશમાં જ આખી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. સૌમિત્ર ચેટરજી અને અરુંધતિ સિંહાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તપન સિંહાનાં અભિનેત્રી પત્ની અરુંધતિ સિંહાના ભાગે આખી ફિલ્મમાં એક પણ સંવાદ નથી, પણ તેમના અભિનય અને નૃત્યથી તેઓ છવાયેલાં રહે છે. ફિલ્મનું વધુ એક આકર્ષણ હતું ઉસ્તાદ અલી અકબર ખાનનું બેકગ્રાઉન્ડ સંગીત.

લગભગ સાતેક વર્ષ પહેલાં એક સાંજે સરદાર સ્મારક ભવનના પ્રાંગણમાં “ખુદિતો પાષાણ”નો ખાસ શો રખાયો હતો. બંગાળી સાહિત્યના અભ્યાસુ ભોળાભાઇ પટેલે “ખુદિતો પાષાણ” સંદર્ભે કેટલીક રસપ્રદ વાતો કર્યા પછી ફિલ્મ શરૂ થઈ હતી. સાબરમતી પરથી વાતો પવન, આછેરી ચાંદનીનો અજવાસ અને ખાસ તો નાનકડા પડદા પર ૧૬ એમએમની ફિલ્મની પાછળ અંધારા પશ્ચાદભૂમાં ખડું જુનું રાજભવન “ખુદિતો પાષાણ”ને ઓર રહસ્યમય બનાવવા પૂરતું હતું.

Read Full Post »

સત્યજિત રાયની જેમ વિખ્યાત બંગાળી ફિલ્મસર્જક તપન સિંહાએ પણ ટાગોરની ત્રણ કૃતિઓ પરથી ફિલ્મો બનાવી હતી, “કાબુલીવાલા”, “ખુદિતો પાષાણ” અને “અતિથિ”.

“કાબુલીવાલા” રવીન્દ્રનાથ ટાગોરની આ જ નામની વાર્તા પર આધારિત છે. ૧૯૫૭માં બનાવાયેલી આ ફિલ્મમાં રહમત શેખ નામનો એક અફઘાન કાબુલીવાલા બદામ-પિસ્તા વેચીને એટલું ધન કમાવા ઇચ્છતો હોય છે કે પોતાના દેશ પરત જઈને પોતાની દીકરી રાબિયા અને પરિવારને મળી શકે. હંમેશાં તે પોતાના દેશ પરત ફરવાનાં સપનાં જોતો રહે છે. પોતાની દીકરીની યાદમાં તે હંમેશાં નાનાં બાળકોનો સાથ શોધતો ફરતો રહે છે.

એક લેખકની પાંચ વર્ષની દીકરી મીનીને તે મળે છે. બંને વચ્ચે ખાસ્સી આત્મીયતા બંધાઇ જાય છે. એક દિવસ રહમતનો તેના મકાનમાલિક સાથે ઝઘડો થઈ જાય છે, અને રહમતના હાથે તેની હત્યા થઈ જાય છે. તેને કેદ થાય છે.

આઠ વર્ષની સજા કાપીને તે જેલમાંથી છૂટે છે ને સીધો મીનીને મળવા પહોંચી જાય છે. તે મીનીને જોઈને ચકિત થઈ જાય છે. કારણ કે મીની હવે સુંદર યુવતી બની ચૂકી છે, અને તેને ઓળખી પણ શકતી નથી. એ દિવસે મીનીનાં લગ્ન પણ લેવાયાં હોય છે. લેખક તેના લગ્નના ખર્ચમાંથી થોડી રકમ કાઢીને રહમતને આપે છે, જેથી તે પણ તેના વતન જઈને તેની દીકરી તેને ભૂલી જાય એ પહેલાં તેને મળી શકે.

તપન સિંહાએ આ ફિલ્મનું દિગ્દર્શન કરવા ઉપરાંત તેની પટકથા પણ લખી હતી. છબિ બિશ્વાસ, ટિન્કુ ઠાકુર, રાધા, મોહન ભટ્ટાચાર્ય વગેરેએ ભૂમિકાઓ ભજવી હતી. “કાબુલીવાલા”ને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

૧૯૬૧માં બિમલ રોયે “કાબુલીવાલા”નું નિર્માણ કર્યું હતું. દિગ્દર્શનની જવાબદારી તેમણે હેમેન ગુપ્તાને સોંપી હતી. બન્યું હતું એવું કે એ સમયે હેમેન ગુપ્તા પાસે કોઇ ખાસ કામ નહોતું. તેમની પ્રતિભાથી બિમલદા પૂરેપૂરા વાકેફ હતા. રહમતની ભૂમિકામાં બલરાજ સાહનીને પસંદ કરવાનું કારણ એ હતું કે તેમનો ઉછેર લાહોરમાં થયો હોઇ પઠાણી પાત્રને તેઓ સારી રીતે ન્યાય આપી શકશે એમાં દિગ્દર્શકને જરાય શંકા નહોતી. બલરાજ સાહની પણ તેમની એ અપેક્ષા પૂરી કરવાંમાં જરાય ઊણા ઊતર્યા નહોતા, પણ કહે છે કે બલરાજ સાહનીએ પોતે આ પાત્ર માટે અભિનેતા જયંતની ભલામણ કરી હતી, પણ નિર્માતા બિમલદા અને દિગ્દર્શક હેમેન ગુપ્તા બંનેએ તેમની પાસે જ આ ભૂમિકા કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે ઉષાકિરણ જેવાં કલાકારો ધરાવતી આ ફિલ્મમાં સંગીતકાર સલીલ ચૌધરીના સંગીતનિર્દેશન હેઠળ મન્ના ડેએ ગાયેલું “અય મેરે પ્યારે વતન…” ગીત દેશભક્તિનાં સદાબહાર ગીતોમાં હંમેશાં સ્થાન પામતું રહ્યું છે. આ ઉપરાં હેમંતકુમારે ગાયેલું “ગંગા આયે કહાં સે…” પણ અત્યંત લોકપ્રિય બન્યું હતું.

Read Full Post »

“ઘરે બાહિરે” ટાગોરની બહુ જ વખણાયેલી નવલકથા છે. સત્યજિત રાયે ૧૯૮૪માં તેના પરથી આ જ નામની ફિલ્મ બનાવી હતી. એ વાત તો જગજાહેર છે કે સત્યજિત રાય ટાગોરથી બહુ પ્રભાવિત હતા. તેમણે ભલે ફિલ્મ બનાવવા માટે સૌપહેલાં ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ પસંદ કરીને ૧૯૬૧માં પહેલાં “તીન કન્યા” બનાવી હોય, પણ ટાગોરની  “ઘરે બાહિરે” નવલકથા તેમને એટલી ગમતી હતી કે છેક ૧૯૪૭ના ગાળામાં તેમણે આ નવલકથા પર કામ શરૂ કર્યું હતું, પણ તેના પરથી ફિલ્મ તો છેક વર્ષો પછી તેઓ બનાવી શક્યા હતા. તેનું નિર્માણ એનએફડીસીએ કર્યું હતું. એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનાર “ઘરે બાહિરે”માં વિક્ટર બેનરજી, સૌમિત્ર ચેટરજી, સ્વાતિલેખા, જેનિફર કપૂર વગેરે કલાકારોએ કામ કર્યું હતું.

અંગ્રેજો જેના માટે જાણીતા હતા તે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ તેમણે વીસમી સદીના પ્રારંભથી જ અખત્યાર કરવા માંડી હતી. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા. તેનો ભારે વિરોધ થયો હતો. એ ઘટનાઓના પશ્ચાદભૂમાં “ઘરે બાહિરે”ની કથા આકાર લે છે. બંગાળના એ ભાગલાની હિલચાલે જ દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ ભાગલા પાડવાનું કામ કર્યું હતું. એ જમાનામાં બંગાળમાં અંગ્રેજ સરકારને હંફાવવા ઘણાં સશસ્ત્ર ક્રાંતિકારી જૂથો સક્રિય હતાં. બંગાળના મધ્યમ વર્ગનો તેને ટેકો મળી રહ્યો હતો.

“ઘરે બાહિરે”ની કથા નિખિલ ચૌધરી, સંદીપ મુખરજી અને બિમલાની આસપાસ ઘૂમે છે. બિમલા નિખિલની પત્ની છે, અને સંદીપ મિત્ર છે. સંદીપ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને બંગભંગ વિરોધી ચળવળ કરતા એક જૂથનો નેતા છે. એક વાર સંદીપ નિખિલની એસ્ટેટ સુખસયારમાં આવી પહોંચે છે. જે ઘટનાઓ બની રહી છે તે વિષે સંદીપ નિખિલને બધી વાત કરે છે. ટાગોરને જે કહેવું છે એ તેમણે નિખિલના પાત્ર મારફત કહ્યું છે.

સંદીપના મોહક વ્યક્તિત્વ અને આક્રમક વિચારોથી બિમલા છક થઈ જાય છે. તેને સંદીપ પ્રત્યે ભારોભાર અહોભાવ જાગે છે, કારણ કે તેના પતિ નિખિલની ટાઢી સાલસતા કરતાં સંદીપની ઉગ્ર આક્રમકતા પર તે વારી જાય છે. પોતાના તરફનો બિમલાનો ભાવ સંદીપ પારખી જાય છે. તે પણ બિમલા તરફ આકર્ષાય છે અને પોતાની રાજકીય પ્રવ્રુત્તિનું કેન્દ્ર સુખસયારને જ બનાવી દેવાનો નિર્ણય કરે છે.

શું બની રહ્યું છે તેનો નિખિલને પણ ખ્યાલ આવે છે. તે સમજી જાય છે કે સંદીપ જે કરી રહ્યો છે તેની પાછળ દેશભક્તિની ભાવનાનહિ, પણ સત્તા મેળવવાનો ધખારો રહેલો છે. બિમલાને પણ જ્યારે આ સત્ય સમજાય છે ત્યારે પતિ તરફનું તેનું માન વધી જાય છે, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. દરમ્યાનમાં કોમી તોફાનો ફાટી નીકળે છે. આ સ્થિતિમાં સંદીપ તો એક રાત્રે સલામત સ્થળે જતો રહે છે, પણ નિખિલને એક હિંસક ટોળાનો સામનો કરવાનો વારો આવે છે.

બંગભંગ સામેની એ ચળવળ દરમ્યાન જ ટાગોરે કેટલાંક ગીતો લખ્યાં હતાં. ફિલ્મમાં સંદીપને એ ગીતો ગાતો દર્શાવાયો છે. બિમલાનું પાત્ર એ સમયે મહિલાઓ પણ ચળવળમાં ભાગ લેતી તેનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે.

Read Full Post »

ટાગોરની કૃતિઓ અને સત્યજિત રાયની ફિલ્મોના સંબંધમાં “તીન કન્યા” વિશેષ મહત્ત્વ ધરાવે છે. ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ “પોસ્ટમાસ્ટર”,  “મોનીહારા” અને  “સંપતિ”નો સમાવેશ રાયે “તીન કન્યા”માં કર્યો છે. આવી વાર્તાઓ  થકી નારીચરિત્રનો પાર પામવાનો ટાગોરનો અને તે દ્વારા રાયનો આ પ્રયાસ હતો.

૧૯૬૧માં નિર્માણ પામેલી આ ફિલ્મમાં ત્રણ સ્ત્રી પાત્રોની મદદથી નારીના વ્યક્તિત્વનાં વિભિન્ન પાસાં રજૂ કરાયાં છે. “પોસ્ટ્માસ્ટર”નું નારી પાત્ર છે એક અનાથ છોકરી. નંદલાલ નામના એક પોસ્ટમાસ્તરની બદલી એક અંતરિયાળ ગામમાં થાય છે. તેમને આ અનાથ છોકરી તરફ હમદર્દી જાગે છે. પોસ્ટમાસ્તર આ છોકરીને વાંચતાં-લખતાં શીખવે છે, તો છોકરી તેમના ખરાબ સમયમાં દિલ દઈને તેમની ચાકરી કરે છે.

“મોનીહારા”નું સ્ત્રી પાત્ર છે મણિમાલા. ફણિભુષણ સાહાની તે પત્ની છે. તે પોતાના કાકાની સંપત્તિની માલિક બનીને માણિકપુર આવે છે. હવે એકદમ જ બદલાઇ ગયેલા પરિવેશમાં ઘરેણાં પ્રત્યે મણિમાલાની આસક્તિ ખૂબ વધી જાય છે. પોતાના પરિવારનું ધ્યાન રાખવાને બદલે તેનું સમગ્ર ધ્યાન ઘરેણાં એકઠાં કરવામાં જ રહે છે. એમાં પતિ એકાએક દેવાળું ફૂંકે છે ત્યારે મણિમાલાને એવો ભય ઘેરી વળે છે કે તેનાં પ્રિય ઘરેણાં હવે તેના હાથમાંથી જતાં રહેશે. પતિ નાણાં માટે થઈને કોલકાતા જાય છે ત્યારે તે પોતાનાં બધાં ઘરેણાં લઈને નાસી જાય છે, પણ રસ્તામાં તેણે જીવ ખોવો પડે છે. દરમ્યાનમાં તેનો પતિ કોલકાતાથી એક સુંદર હાર લઈને પાછો આવે છે. ઘરેણાં પ્રત્યેની આસક્તિ મૃત્યુ પછી પણ મણિમાલાનો કેડો મૂકતી નથી. હાર લેવા માટે તે આવી પહોંચે છે.

ત્રીજી વાર્તા “સંપતિ”નું સ્ત્રી પાત્ર છે મૄણમયી. ઘરનાં લોકો તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન કરાવી દે છે. લગ્ન પહેલાં મુક્ત અને સ્વચ્છંદ રીતે વિહરતી મૄણમયી માટે લગ્ન એક બંધન બની રહે છે. લગ્નની પહેલી રાતે જ તે ઘર છોડીને ભાગી જાય છે, પણ સમય જતાં તેના વિચારોમાં પરિવર્તન આવે છે અને તે પતિ પાસે પાછી ફરે છે.

રસપ્રદ વાત એ છે કે બંગાળી “તીન કન્યા”માં આ ત્રણ વાર્તાઓ સમાવાઈ હતી, પણ આંતરરાષ્ટ્રીય સર્કિટમાં માત્ર બે વાર્તાઓ સમાવાઇ હતી અને તેને Two Daughters શીર્ષક અપાયું હતું. મોન્ટ્રિયલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને “ગ્રાં પ્રિ” એનાયત કરાયો હતો. મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં તેને ટોચનો એવોર્ડ મળ્યો હતો. “તીન કન્યા”માં અનિલ ચેટરજી, કાલિ બેનરજી, કણિકા મજુમદાર અને અપર્ણા દાસગુપ્તાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આજનાં અપર્ણા સેન ત્યારે અપર્ણા દાસગુપ્તા હતાં. આ તેમની પહેલી જ ફિલ્મ હતી. આ ફિલ્મની બીજી એક વિશેષતા એ હતી કે આ ફિલ્મથી સત્યજિત રાયે પોતાની ફિલ્મોમાં પોતે જ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૭૧માં નિર્માણ પામેલી રાજશ્રી પ્રોડક્શન્સની  ફિલ્મ “ઉપહાર” પણ “સંપતિ” પર આધારિત હતી.

Read Full Post »

સત્યજિત રાય જેવો કસબી ટાગોરનું કથાનક હાથમાં લે પછી તેનું અદભુત પરિણામ ન આવે તો જ નવાઈ. સત્યજિત રાયે ટાગોરની ત્રણ કૃતિઓ પરથી ફિલ્મો બનાવી છે – “તીન કન્યા”, “ચારુલતા” અને “ઘરે બાહિરે”. બંગાળના ઘણા ફિલ્મસમીક્ષકો એવું માને છે કે ટાગોરની કૃતિઓને સત્યજિત રાય જેટલી સારી રીતે ન્યાય આપી શક્યા છે એટલું સારું કામ બીજા ફિલ્મકારો કરી શક્યા નથી. રાયે જે ત્રણ ફિલ્મો બનાવી છે તે ત્રણેય વખણાઇ છે, પણ તેમાંયે વધુ તો “ચારુલતા” પર માત્ર બંગાળી જ નહિ, કોઇ પણ ભાષાનો પ્રેક્ષક ઓવારી ગયો છે.

“ચારુલતા”નો ઉલ્લેખ સત્યજિત રાયની સંઘેડાઉતાર ફિલ્મોમાં થતો રહ્યો છે. ફિલ્મનો આધાર ગુરુદેવ ટાગોરની વાર્તા “નષ્ટનીડ” છે. તેનો સમય ૧૮૭૯નો છે. બૌદ્ધિક અભિગમ ધરાવતો ભૂપતિ દત્તા એક રાજકીય અખબારનો તંત્રી છે. તે પૈસાદાર છે. ઘરમાં બધી સુખસુવિધાઓ છે. તે તેના કામમાં એટલોબધો વ્યસ્ત રહે છે કે તેની પત્ની ચારુલતા માટે પણ તે થોડો સમય કાઢી શકતો નથી.ઘરમાં ભૂપતિના પિતરાઇ ભાઇ અમલનું આગમન થતાં ચારુનું એકાકીપણું દૂર થઈ જાય છે. બંને સાહિત્યમાં રુચિ ધરાવે છે અને આ બાબત તેમને ઓર નિકટ લઈ આવે છે.

ભૂપતિ વ્યાવસાયિક સમસ્યાઓ વચ્ચે વધુ ને વધુ ધેરાતો જાય છે. તે જોઈને અમલને તેના પ્રત્યે અનુકંપા ઊપજે છે, પણ સાથોસાથ પોતે જે આચરણ કરી રહ્યો છે એમાં તેને પોતાને જ વિશ્વાસઘાતની ગંધ આવે છે. પશ્ચાત્તાપ કરવા તે ચારુથી દૂર જતો રહે છે. તેનું જવું ચારુ માટે એક આઘાતરૂપ બની રહે છે. તે ગમે તેમ કરીને આ આઘાત સહન કરી લે છે, પણ અચાનક એક દિવસ અમલનો પત્ર આવી પહોંચતાં તેની ભાવનાઓનો બંધ તૂટી જાય છે. ભૂપતિને જ્યારે આ હકીકતની જાણ થાય છે ત્યારે તે નારાજ થઈને ઘર છોડી જાય છે, પણ પછી તેને ચારુ પ્રત્યેની પોતાની ભૂલનો એહસાસ થાય છે. પરપુરુષ પ્રત્યે પત્ની આકર્ષિત થઈ તેમાં તેને પોતાનો પણ દોષ જણાયો. આ આત્મસ્વીકાર સાથે તે ઘેર પાછો ફરે છે.

બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં “ચારુલતા” માટે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે રાયનું સન્માન કરાયું હતું. આ ફિલ્મમાં સૌમિત્ર ચેટરજી, માધવી મુખરજી અને શૈલેન્દ્ર મુખરજીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

એ તો જાણીતી વાત છે કે સત્યજિત રાયને પોતાને “ચારુલતા” માટે ખૂબ લગાવ હતો. એક અખબારી મુલાકાતમાં રાયના પુત્ર સંદીપ રાયે પણ કહ્યું હતું કે “હું પણ એવું માનું છું કે “ચારુલતા” બાબાની એક શ્રેષ્ઠ ફિલ્મ હતી, અને તેઓ પોતે પણ એ જાણતા હતા. તેઓ કહેતા પણ ખરા કે “આ એક એવી ફિલ્મ છે જેને મારે જો ફરી વાર બનાવવાની આવે તો હું આ જ રીતે ફરી બનાવું.” આ બાબતે તેમની સાથે સંમત થવું જ પડે. કાસ્ટિંગથી માંડીને એ સમયનું નિર્માણ અને સેટથી માંડીને સંગીત વગેરે બધું જ એકદમ પરફેક્ટ હતું.”

સંદીપ રાયની વાત સાચી જ છે. “ચારુલતા”માં ૧૯મી સદીનાં આખરી વર્ષોમાં બંગાળના ઉચ્ચ મધ્યમ વર્ગની જીવનશૈલીનું ખૂબ સુંદર ચિત્રણ કરાયું છે. એ સમયને પડદા પર રજૂ કરવા માટે સેટ ઊભા જરૂરી સામગ્રી શોધવા રાય દિવસો સુધી આખું કોલકાતાઘૂમતા રહ્યા હતા. આખી ફિલ્મનું ઇનડોર શૂટિંગ કરાયું હતું. “ચારુલતા” ૧૯૬૪ના સપ્ટેમ્બરમાં રીલીઝ થઈ હતી, પણ રાયે તેનો પ્રથમ ડ્રાફ્ટ લગભગ છ વર્ષ પહેલાં લખ્યો હતો. એ જ સમયે તેઓ “દેવી”નું પણ લેખન કરી રહ્યા હતા. મૂળ તો રાય ગુરુદેવ પર એક દસ્તાવેજી ફિલ્મ “રવીન્દ્રનાથ” બનાવી રહ્યા હતા. તે માટે સંશોધન દરમ્યાન તેમના હાથમાં “નષ્ટનીડ”ની હસ્તપ્રત આવી હતી. તેના પર ગુરુદેવે જે નોંધ કરી હતી તે વાંચ્યા પછી તેમને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

આજે બરાબર યાદ છે કે “ચારુલતા” જોવાની તક પૂરાં ૩૧ વર્ષ પહેલાં ૧૯૮૦માં મળી હતી. અમારા સિનેમાપ્રેમી સાહિત્યકાર મિત્ર રાધશ્યામ શર્માએ પોતાના ખર્ચે “ચારુલતા”નો એક ખાસ શો પ્રકાશ ટોકીઝમાં રાખ્યો હતો અને સાહિત્યકારો-પત્રકારોને “ચારુલતા” જોવા નિમંત્ર્યા હતા. એવી ઘટના અમદાવાદમાં ફરી વાર બની હોવાનું પણ યાદ નથી.

આજના રિમેકના જમાનામાં વચ્ચે એવા પણ અહેવાલ હતા કે “ચારુલતા”ને કોઇ હિંદીમાં બનાવવાનું છે, પણ પછી એ વિષે ઝાઝું કંઇ સંભળાયું નથી. ન સંભળાય એ જ બેહતર છે…

Read Full Post »

રવીન્દ્રનાથ ટાગોરે કોઈ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હોય અને એમાં અભિનય પણ કર્યો હોય એ વાત કદાચ માનવામાંન આવે, પણ આ ઘટના ૧૯૩૨માં બની હતી. ગાંધીજીને ફિલ્મના માધ્યમ પરત્વે બહુ અહોભાવ નહોતો, પણ ટાગોર આ માધ્યમનો પ્રભાવ પિછાણી ગયા હતા. ૧૯૩૧માં ફિલ્મો બોલતી થઈ તે પછી ૧૯૩૨માં ટાગોર તેની સાથે સક્રિય રીતે જોડાયા હતા. એ વર્ષે તેમણે પોતાના નાટક “નટીર પૂજા” પરથી બનેલી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, એટલું જ નહિ, આ ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી. જોકે એ પછી સિનેમા સાથે તેઓ આટલા સક્રિય કદી જોડાયેલા રહ્યા નહોતા.

જેનું દિગ્દર્શન ખુદ ટાગોરે કર્યું હતું એ  “નટીર પૂજા” મૂળ તો એક નૃત્યનાટિકા હતી. ૧૯૨૬માં તેમણે પોતે જ પોતાની એક કવિતા “પૂજારિની” પરથી તે તૈયાર કરી હતી. ૧૯૨૭માં કોલકાતામાં જોરશંકો ઠાકુરબાડીમાં તેનું પહેલી વાર મંચન થયું હતું. એ પછી કોલકાતાના ન્યુ એમ્પાયરમાં તેનું ફરી વાર મંચન થયું હતું.

ન્યુ થિયેટર્સના સ્થાપક-માલિક બી.એન. સરકારે તે જોયું અને તેઓ ખૂબ પ્રભાવિત થયા. ૧૯૩૨માં ટાગોરની ૭૦મી જન્મજયંતી નિમિત્તે બી.એન. સરકારે ટાગોરને આ નાટિકા પરથી ન્યુ થિયેટર્સના બેનર હેઠળ ફિલ્મનું દિગ્દર્શન કરવા આમંત્રણ આપ્યું, અને ટાગોરે તે સ્વીકારી લીધું.

ગુરુદેવ માટે આ રીતે ફિલ્મ સાથે સીધી રીતે સંકળાવાનો આ પહેલો પ્રસંગ હતો, જે પછી છેલ્લો પણ બની રહ્યો હતો.  “નટીર પૂજા”ના ફિલ્માંકન માટે પટકથા ગુરુદેવના માર્ગદર્શન હેઠળ તેમના ભત્રીજા દીનેન્દ્રનાથ ટાગોરે લખી હતી, અને બેકગ્રાઉન્ડ સંગીત પણ તેમણે જ તૈયાર કર્યું હતું. શાંતિનિકેતનના એક વિદ્યાર્થી અશ્રમિક સંઘે તેમાં ભૂમિકા ભજવી હતી, પણ વધુ મહત્ત્વની વાત એ છે કે ખુદ ગુરુદેવે આ નાટિકાના એક પાત્ર ઉપાલીની ભૂમિકા ભજવી હતી. ન્યુ થિયેટર્સ સ્ટુડિયોના ફ્લોર નંબર એક પર તેનું શૂટિંગ કરાયું હતું અને ખુદ ટાગોરની ઉપસ્થિતિમાં ૧૯૩૨ની ૧૪મી માર્ચે ચિત્રા ટોકીઝમાં આ ફિલ્મ પ્રદર્શિત કરાઇ હતી.

એ સમયે આ નાટિકા અને પછી ફિલ્મ પણ એ રીતે ક્રાંતિકારી ગણાયાં હતાં કે બંગાળી રંગમંચ પર કામ કરતી અભિનેત્રીઓને તેમાં બિરદાવાઇ હતી. નાટકોમાં સ્ત્રીઓ અભિનય કરે તેને એ સમયે હિન લેખવામાં આવતું હતું, પણ રવિબાબુએ  “નટીર પૂજા” દ્વારા એ દર્શાવ્યું હતું કે રંગમંચ પર અભિનય કરવો એ કળાની આરાધના છે, કોઇ હિન કામ નથી. ફિલ્મ  “નટીર પૂજા”ની સિનેમેટોગ્રાફી નિતીન બોઝે અને એડિટિંગ સુબોધ મિત્રાએ કર્યું હતું. માત્ર ચાર દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ આટોપી લેવાયું હતું.

ટાગોરના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે કોલકાતાના નંદન-૨ ખાતે ૨૦૧૦ની ૨૦થી ૨૬ મે દરમ્યાન યોજાયેલા એક ફિલ્મોત્સવ “ચોલોચિત્રે રોબીન્દ્રનાથ”માં ૧૯૩૨માં નિર્માણ પામેલી આ  “નટીર પૂજા” પણ દર્શાવાઇ હતી.

Read Full Post »

ગુરુદેવ ટાગોરની અત્યંત જાણીતી કૃતિ “નૌકા ડૂબી” પરથી સુભાષ ઘાઈએ હિંદીમાં બનાવેલી “કશ્મકશ” આજે રીલીઝ થઈ છે. તેનું દિગ્દર્શન રિતુપર્ણો ઘોષે કર્યું છે. આજના એક હિંદી દૈનિકની સિનેમાની પૂર્તિમાં આ ફિલ્મના કથાનકમાં “વાઇફ સ્વેપિંગ” હોવાની વાત કરી છે, પણ આજના સમયમાં “વાઇફ સ્વેપિંગ” જે સંદર્ભમાં વપરાય છે એવું આ વાર્તામાં કંઇ નથી. જાણી-સમજીને પત્નીઓની અદલાબદલી કરવી એ “વાઇફ સ્વેપિંગ” હોઇ શકે, પણ અજાણતામાં કે કોઇ બદઈરાદા વગર કોઇની પત્ની કોઇની પાસે જતી રહે એ “વાઇફ સ્વેપિંગ” ન કહી શકાય.

“નૌકા ડૂબી” પરથી બંગાળીમાં જ એકથી વધુ વખત ફિલ્મો બની ચૂકી છે. હિંદી “કશ્મકશ”ની સાથે સુભાષ ઘાઇએ બંગાળીમાં  “નૌકા ડૂબી” બનાવી જ છે.  “નૌકા ડૂબી” પરથી પહેલી વાર બંગાળીમાં ૧૯૩૨માં મૂક ફિલ્મ બની હતી. માદન થિયેટર્સના નેજા હેઠળ નરેશ મિત્રાએ તેનું દિગ્દર્શન કર્યું હતું. એ પછી નિતીન બોઝે હિંદી અને બંગાળી બે ભાષામાં આ ફિલ્મ બનાવી હતી. બંગાળીમાં તેનું શીર્ષક હતું “મિલન”. તેમાં દિલીપકુમાર અને રંજનાએ અભિનય કર્યો હતો. બોમ્બે ટોકીઝના બેનર હેઠળ નિતીન બોઝની આ પહેલી હિંદી ફિલ્મ હતી.

અણધાર્યા સંજોગોનો શિકાર બનેલાં પાત્રો ધરાવતા આ કથાનકમાં રમેશનાં લગ્ન હેમનલિની સાથે ગોઠવાય છે. રમેશે તેની ભાવિ પત્નીને કદી જોઇ નથી, પણ માતાપિતાએ તેનું સગપણ કર્યું છે. નદીકિનારે એક નૌકામાં લગ્નવિધિ ચાલુ હતો ત્યારે જ એકાએક તોફાન આવતાં ભારે અફડાતફડી મચી જાય છે અને નૌકા ડૂબી જાય છે. હેમનલિની અને રમેશના પિતા મૃત્યુ પામે છે. પછી રમેશની મુલાકાત કમલા સાથે થાય છે. તે પણ લગ્ન પછી તરત વિધવા બની છે. બંને નિકટ આવે છે ત્યારે કમલાને જાણ થાય છે કે તેનો પતિ જીવિત છે. એ જ રીતે હેમનલિની પણ જીવિત હોવાની રમેશને ખબર પડે છે, અને તે હેમનલિની સાથે લગ્ન કરી લે છે.

૧૯૦૫માં લખાયેલી  “નૌકા ડૂબી”નું કથાનક ફિલ્મકારોને હંમેશાં આકર્ષતું રહ્યું છે. ૧૯૭૯માં દિગ્દર્શક અજય કરે આ જ નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. તેમાં કાલિ બેનરજી, સૌમિત્ર ચેટરજી, અપર્ણા સેન, સૌમિત્રા મુખરજી અને ઉત્પલ દત્ત જેવાં કલાકારોએ કામ કર્યું હતું.

આ વર્ષે ટાગોરની ૧૫૦મી જયંતીના ઉપલક્ષ્યમાં સુભાષ ઘાઇએ બંગાળીમાં  “નૌકા ડૂબી” ઉપરાંત હિંદીમાં “કશ્મકશ”નું નિર્માણ કર્યું છે. આ વખતે રિતુપર્ણો ઘોષ દિગ્દર્શિત  “નૌકા ડૂબી”ની વિશેષતા એ છે કે ફિલ્મની બંને હીરોઇનો સગી બહેનો હોય એવું પહેલી વાર બન્યું છે અને ફિલ્મમાં તેમની ભૂમિકા બહેનોની નથી. સુચિત્રા સેનની બંને દૌહિત્રી અભિનેત્રીઓ રાઇમા સેન અને રિયા સેને પહેલી વાર એકસાથે કોઇ ફિલ્મમાં કામ કર્યું છે. એક વિશેષતા એ પણ છે કે ફિલ્મમાં રિયા અને રાઇમા બંનેની ભૂમિકાઓ તેમની જે ઇમેજ છે તે કરતાં વિપરીત છે.

લગભગ ૧૦૫ વર્ષ પહેલાં લખાયેલી  “નૌકા ડૂબી”નું હાર્દ જળવાઇ રહે તેનો ખ્યાલ રાખીને રિતુપર્ણોએ થોડા ફેરફાર કર્યા છે. મૂળ વાર્તા કરતાં તે એ રીતે જુદી પડે છે કે કોલકાતામાં કાયદાનો અભ્યાસ કરતા રમેશને તેના એક મિત્રની બહેન હેમનલિની સાથી પ્રેમ થઈ જાય છે. એક દિવસ ગામડેથી પિતાનું તાબડતોબ તેડું આવે છે. ત્યાં તેનાં લગ્ન એક ગરીબ વિધવાની દીકરી સુશીલા સાથે ગોઠવી દેવાય છે. રમેશ પહેલાં તો વિરોધ કરે છે અને પોતે એક બીજી યુવતીને ચાહતો હોવાનું કહે છે, પણ વિધવા માની વિનવણીઓ સામે તે લાચાર થઈ જાય છે. સુશીલા સાથે તેનાં લગ્ન થાય છે અને પત્નીને લઈ નૌકામાં બેસી તે કોલકાતા આવવા નીકળે છે. રસ્તામાં તોફાન ઊઠે છે. મોટાં મોજાં વચ્ચે ફંગોળાતી નૌકા ઊંધી વળી જાય છે. રાત્રિના અંધારામાં રમેશ ભાનમાં આવે છે ત્યારે તે એક વેરાન કિનારે પડ્યો છે. થોડી દૂર એક નવોઢા યુવતી બેભાન પડી છે. તેને પોતાની પત્ની સુશીલા માની તેને પોતાની સાથે કોલકાતા લઈ આવે છે. ફિલ્મ આજે જ રીલીઝ થઈ છે એટલે પછી શૂં બને છે એ પડદા પર જોવું જ ઠીક રહેંશે.

“નૌકા ડૂબી”નું કથાનક ઘણા ફિલ્મકારો માટે પ્રેરણાસ્રોત રહ્યું છે. ૧૯૬૦માં બનેલી હિંદી ફિલ્મ “ઘૂંઘટ” પણ  “નૌકા ડૂબી” પરથી પ્રેરિત હોવાનું મનાય છે.  રામાનંદ સાગર દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રદીપકુમાર, બીના રાય, આશા પારેખ અને ભારતભૂષણે કામ કર્યું હતું. “નૌકા ડૂબી” પરથી ૧૯૫૬માં તેલુગુ ફિલ્મ “ચરાના દાસી” બની હતી. એમાં એ સમયનાં અગ્રણી કલાકારો નાગેશ્વર રાવ, એન.ટી. રામારાવ, અંજલિ દેવી અને સાવિત્રીએ અભિનય કર્યો હતો.

હવે પછી કોઇ  “નૌકા ડૂબી” બનાવશે તો તેનું સ્વરૂપ કેવું હશે એ જોવું રસપ્રદ થઈ પડશે…

Read Full Post »

સત્યજિત રાયે કહ્યું છે કે “કોઇ પણ ફિલ્મ દિગ્દર્શક માટે રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ પરથી ફિલ્મ બનાવવી એ પડકાર બની રહે છે, કારણ કે તેનાં સાહિત્યિક મૂલ્યો અનંત હોય છે.”

રાયના આ કથન સાથે ભાગ્યે જ કોઇએ અસંમતિ દર્શાવી છે. બંગાળી સાહિત્યની અનેક કૃતિઓ પરથી ફિલ્મો બની છે, અને એમ કહેવું જોઇએ કે ફિલ્મકારોને શરદબાબુ, બંકિમબાબુ વગેરે લેખકો જેટલા હાથવગા રહ્યા છે, એટલા બીજા કોઇ લેખક નથી રહ્યા. ગુરુદેવ ટાગોર પણ નહિ. તેનું કારણ શોધવા જવું પડે તેમ છે જ નહિ, સત્યજિત રાયે જ એ કારણ આપી દીધું છે. તે છતાં માત્ર બંગાળીમાં જ નહિ, હિંદી તથા બીજી ભારતીય ભાષાઓમાં ગુરુદેવની કૃતિઓ પરથી ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. આ આંકડો ખરેખર કેટલો થતો હશે એ તો કોઇ જાણતું નથી. ગુરુદેવની કોઇ પણ કૃતિ પરથી એ જ નામે બંગાળી ફિલ્મો બની હોય એવી ફિલ્મોની સંખ્યા પણ નોંધપાત્ર છે. બાકી તેમનાં ગીતો પરથી કે કથાઓ પરથી સીધી કે આડકતરી પ્રેરણા લઈને કેટલી ફિલ્મો બની છે એ તો કોઇ કહી શકે તેમ નથી.

ગુરુદેવનાં કથાનકો પરથી બનેલી ફિલ્મોમાં કેટલીક ફિલ્મો એવી છે જે જેતે સમયે સીમાચિહ્નરૂપ બની રહી, એટલું જ નહિ, એ કથાઓ લખાયાને આજે તો દાયકા વીતી ગયા છે અને કથાનકમાં નિરૂપાયેલા બંગાળી સમાજ અને તેમાં વર્ણવાયેલી સ્થિતિઓમાં હવે ભારે બદલાવ આવી ગયો છે છતાં આજે ૨૧મી સદીના પહેલા દાયકામાં પણ ફિલ્મકારોને ટાગોરની કૃતિઓ ફિલ્મ બનાવવા માટે પ્રેરી રહી છે, અને ફિલ્મો બની પણ રહી છે. સુભાષ ઘાઈ નિર્મિત “કશ્મકશ” તેનું તાજું ઉદાહરણ છે. ટાગોરની કૃતિ “નૌકા ડૂબી” પરથી તે બનાવાઈ છે.

ભારતમાં ફીચર ફિલ્મોનું નિર્માણ શરૂ થયું ત્યારથી બંગાળમાં ફિલ્મનિર્માણની પ્રવૃત્તિ વેગ પકડી ચૂકી હતી. પ્રારંભે મોટા ભાગે ધાર્મિક અને પૌરાણિક કથાનકો પરથી ફિલ્મો બની હતી, પણ જેવી સામાજિક કથાનકો પરથી ફિલ્મો બનવા માંડી કે તરત બંગાળી સાહિત્યની રચનાઓ તરફ ફિલ્મકારો વળ્યા હતા, અને ત્યારથી ટાગોરની વાર્તાઓ પર ફિલ્મકારોની પસંદગી ઊતરતી રહી છે. તેનું એક કારણ એ છે કે ભાવનાઓ અને માનવસંબંધોની દૃષ્ટિએ ટાગોરનું સાહિત્ય કાળજયી ગણાયું છે.

ટાગોરની વાર્તાઓ પરથી જે મૂક ફિલ્મો બની છે તેની યાદી પણ ઉપલ્બ્ધ નથી. જે મૂક ફિલ્મોનો ઉલ્લેખ મળે છે તેમાં એક છે “મનભંજન”. ૧૯૨૩ની ૧૮ જૂને રીલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન નરેશ મિત્રાએ કર્યું હતું. નિર્માણ કોલકાતાની તાજમહાલ ફિલ્મ કંપનીએ કર્યું હતું.

બીજી એક મૂક ફિલ્મ “બલિદાન”નો ઉલ્લેખ મળે છે, જે ઓરિયેન્ટ પિક્ચર્સના બેનર હેઠળ ૧૯૨૭માં દિગ્દર્શક નવલ ગાંધીએ બનાવી હતી.  તેમાં એ સમયનાં ખ્યાતનામ કલાકારો ઝુબેદા, સુલોચના, જાની બાબુ અને જાલ ખંભાતાએ કામ કર્યું હતું. ટાગોરના એક નાટક “બિસર્જન” પરથી જમશેદ રત્નાકરે આ ફિલ્મ માટે વાર્તા લખી હતી. આ ફિલ્મ ખાસ તો  પશ્ચિમના પ્રેક્ષકોને એ રીતે ધ્યાનમાં રાખીને બનાવાઇ હતી કે  ભારતમાં પણ પશ્ચિમી મપદંડો પર ખરી ઊતરી શકે એવી ફિલ્મો બની રહી છે. આ ફિલ્મમાં ઘટનાઓ ટીપેરા નામના એક કાલ્પનિક રજવાડામાં આકાર લે છે. આ રજવાડાનો શાસક ગોવિંદા સુધારાવાદી છે. તેનારાજ્યમાં વાર-તહેવારે મંદિરોમાં પ્રાણીઓનો બલિ ચઢાવાતો. રાજા બલિ ચઢાવવાની આ પ્રથા દૂર કરવા ઇચ્છે છે, પણ ગામનો પરંપરાવાદી પૂજારી તથા તેના જેવા વિચારો ધરાવતા લોકો તેનો વિરોધ કરે છે.  પરંપરાવાદીઓ તથા સુધારાવાદીઓ વચ્ચેનો સંઘર્ષ આ ફિલ્મમાં નિરુપાયો હતો. સંતાનવિહોણી રાણી ગુણવતીની ગોદ ભરાય તે માટે એક ભિક્ષુક બાળાનું બલિદાન અપવાનો મામલે બનતી ઘટનાઓ ફિલ્મની પરાકાષ્ઠા સર્જે છે.

ફિલ્મનું માધ્યમ કેટલું સશક્ત છે એનાથી ટાગોર અજાણ નહોતા, પરિણામે પોતાની રીતે તેઓ આ માધ્યમ સાથી કોઇ ને કોઇ રીતે જોડાયેલા રહ્યા હતા. ૧૯૨૯માં મોધુ બોઝે તેમની વાર્તા પરથી “ગિરિબાલા” નામની ફિલ્મ બનાવી હતી ત્યારે ફિલ્મનાં સબ-ટાઇટલ તેમણે લખી આપ્યાં હતાં. “ગિરિબાલા”ની કથા એવી છે કે ગોપીનાથ શ્રીમંત છે. ગિરિબાલા તેની અતિ સુંદર પત્ની છે, પણ પત્નીની ઉપેક્ષા કરીને તે નાટકની એક અભિનેત્રી લબંગા તરફ આકર્ષાય છે. પતિ રોજ રાત્રે ક્યાં જાય છે તે જોવા એક રાત્રે તે પતિનો પીછો કરે છે. ત્યાં જઈને જે જોવા મળે છે એ જોઈને તેના પોતાના માટે એક નવી દુનિયાનાં દ્બાર ખૂલી જાય છે. ગોપીનાથ જ્યારે લબંગા સાથે નાસી જાય છે ત્યારે ગિરિબાલા નાટકમાં જોડાઇ જાય છે અને ખ્યાતિ મેળવે છે. આ વાર્તામાં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે બેવડા માપદંડ પર ટાગોરે કટાક્ષ કર્યો હતો.

Read Full Post »