“ચોખેર બાલી” ટાગોરની એક એવી કૃતિ છે, જેના પરથી છેક ૧૯૩૮થી લઈને આજ સુધી ફિલ્મો બનતી રહી છે. ૧૯૩૮માં દિગ્દર્શક સતુ સેને બનાવેલી ફિલ્મમાં રમા બેનરજી, મનોરંજન ભટ્ટાચાર્ય, છબિ બિશ્વાસ, શિબકાલિ ચેટરજી, શાંતિલતા ઘોષ જેવાં કલાકારોએ કામ કર્યું હતું. ૨૦૦૩માં રિતુપર્ણો ઘોષે બનાવેલી તાજેતરનાં વર્ષોની ચર્ચાસ્પદ ફિલ્મોમાંની એક રહી હતી. ટિકિટબારી પર પણ ખૂબ સફળ રહેલી આ ફિલ્મનું એક આકર્ષણ એ પણ હતું કે બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાયે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખરી વાત તો એ છે કે પોતાના સૌંદર્યને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી ઐશ્વર્યાએ રિતુપર્ણો ઘોષની આ બંગાળી ફિલ્મ સાઇન કરી ત્યારથી “ચોખેર બાલી” ચર્ચામાં આવી ગઈ હતી. આ ફિલ્મમાં કામ કરીને ઐશ્વર્યાએ એ પણ પુરવાર કરી આપ્યું હતું કે કે નોન-ગ્લેમરસ ભૂમિકા પણ ભજવી શકે છે.
ટાગોરે તેમની ૪૨ વર્ષની વયે આ નવલકથા લખી હતી અને એ સમયે ૧૯૦૩માં ટાગોર દ્વારા સંપાદિત “બંગદર્શન” સામયિકમાં તે હપતાવાર પ્રગટ થઈ હતી. એ વખતે બંગાળી સમાજમાં તેણે ખાસ્સી હલચલ મચાવી હતી, અને તે ક્રાંતિકારી નવલકથા ગણાઇ હતી. વિધવા પ્રેમમાં પડતી હોય એવાં કથાવસ્તુ એ સમયે લેખકો આલેખતા હતા, જેમ કે બંકિમચંદ્ર ચેટરજીએ તેમની નવલકથા “બિશબ્રિક્શ” (વિષવૃક્ષ)માં આવું નિરુપણ કર્યૂં હતું, પણ ટાગોરની “ચોખેર બાલી”ની વાત જુદી જ છે.
“ચોખેર બાલી”ની નાયિકા બિનોદિની છે. તે અંગ્રેજી ભણેલી છે, દેખાવે ખૂબ સુંદર છે, બુદ્ધિશાળી છે અને થોડી ઘમંડી પણ છે. જ્યારે તેના લગ્નની વાત ચાલે છે ત્યારે તેને જોવા આવનારો મુરતિયો તેને જોયા વગર તેને નાપસંદ કરે છે. તેનું નામ છે મહેન. ખરેખર તો એ સમયે તે દાક્તરીનું ભણતો હોય છે અને લગ્ન કરવાનો તેનો કોઇ ઇરાદો હોતો નથી, પણ તેની માતાના અતિશય આગ્રહને કારણે બિનોદિનેને જોવાજવાનું કબૂલ રાખે છે, પણ પાછો આવીને માને કહી દે છે કે છોકરી પસંદ નથી.
એ પછી નાની ઉંમરમાં જ બિનોદિનીનાં લગ્ન બીજે કરી દેવાય છે, પણ લગ્ન પછી થોડા જ સમયમાં તેના પતિનું મોત થતાં તે વિધવા બને છે. આ બાજુ બિનોદિનીને નાપસંદ કરનારા મહેન પર તેની માતા ફરી લગ્નનું દબાણ કરે છે. આ વખતે આશાનામની એક યુવતીને તે જોવા જવાનો હોય છે. ફરી વાર તેનો ઇરાદો માને રાજી રાખવાનો જ હોય છે. તે પોતાના મિત્ર બિહારીને પણ સાથે લેતો જાય છે.
બંને આશાને ઘેર પહોંચે છે. મહેન તો આશાને પસંદ નથી જ કરવાનો એ બિહારી જાણતો હોય છે. તેને આશા ગમી જાય છે, પણ થોડી જ વારમાં તેને ખ્યાલ આવે છે કે મહેનને પણ આશા ગમવા માંડે છે, એટલું જ નહિ, આશા પણ મહેન તરફ આકર્ષાય છે. બિહારી તરત ચિત્રમાંથી ખસી જાય છે. થોડા જ સમયમાં મહેન અને આશા પરણી જાય છે.
થોડા સમય પહેલાં લગ્નથી દૂર ભાગતો મહેન આશાના પ્રેમમાં એવો લટ્ટુ થઈ જાય છે કે માને પણ એવું લાગવા માંડે છે કે તેની ઉપેક્ષા થઈ રહી છે. તે નારાજ થઈને ગામડે જતી રહે છે. આ ગામમાં જ બિનોદિની વિધવાજીવન ગાળી રહી છે. તે મહેનની માતાની સંભાળ રાખે છે. થોડા સમય પછી માને ફરી જ્યારે મહેન પાસે કોલકાતા જવાની ઇચ્છા થાય છે ત્યારે તે બિનોદિનીને પણ પોતાની સાથે લઈ જાય છે. એ પછી શરૂ થાય છે સંબંધોના તાણાવાણાની ગૂંચવણો.
આશા અને બિનોદિનીને સારું ગોઠી જાય છે. બિનોદિની આશાને પોતાની બહેન જેવી જ લેખે છે, પણ મહેન બિનોદિની તરફ આકર્ષાવા માંડે છે. તેને એવો પણ ડર છે કે ક્યાંક બિહારી બિનોદિનીની નિકટ ન પહોંચી જાય. આવું ન થાય એ માટે તે બિનોદિની અને બિહારી વચ્ચે ગેરસમજ થાય એવા પ્રયાસો કરતો રહે છે. જોકે બિનોદિનીને તેના બદઈરાદાની ગંધ આવી જાય છે. આ સ્થિતિમાં તે ગામડે પાછી જતી રહેવાનું પસંદ કરે છે, પણ મહેન તેનો પીછો છોડતો નથી. તે તેની પાછળ ગામડે જાય છે, પણ અંતે તેને ખ્યાલ આવે છે કે બિનોદિની પોતાને નહિ, પણ બિહારીને ચાહે છે. જોકે બિનોદિની પોતે બિહારી પ્રત્યેની આ લાગણી જરાય જાહેર થવા દેતી નથી, કારણ કે તેને બરાબર ખબર છે કે પોતે એક વિધવા છે એટલે બિહારી સાથે જો ભૂલેચૂકે પણ લગ્ન કરે તો સમાજ બિહારીનું જીવતર ઝેર જેવું કરી દેશે. અંતે બિનોદિની ભારે હૃદયે મહેનની કાકી સાથે બનારસ જતી રહે છે.
“ચોખેર બાલી”માં લગભગ એક સો વર્ષ પહેલાંના બંગાળી સમાજનું ચિત્રણ છે એટલે એ વખતનો પરિવેશ આબેહૂબ રજૂ કરી શકાય એ માટે અભ્યાસ કરવા રિતુપર્ણોએ ત્રણ વર્ષ વિતાવ્યાં હતાં. ઐશ્વર્યા ઉપરાંત રાઇમા સેન, પ્રસન્નજિત અને તોતા રોયચૌધરીએ આ ફિલ્મમાં કામ કર્યૂં છે.
[…] હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ […]
[…] […]