ટાગોરનું સાહિત્ય ફિલ્મ બનાવવા માટે માત્ર ભારતીય ફિલ્મકારોને આકર્ષતું રહ્યું છે એવું નથી. જર્મનીના એક ખ્યાતનામ દસ્તાવેજી ફિલ્મોના સર્જક પોલ ઝિલ્સ ૧૯૫૦ના અરસામાં ભારતમાં હતા. તેમને ટાગોરની “ચાર અધ્યાય” નવલકથાએ બહુ પ્રભાવિત કર્યા હતા. તેમને તેના પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા થઈ આવી. તેમણે હિંદીમાં તેની પટકથા પણ તૈયાર કરાવી. હિંદી ફિલ્મી દુનિયાથી તેઓ ખાસ પરિચિત નહિ, એટલે તેમણે બી.આર. ચોપડાની મદદ લીધી હતી. એ વખતે બી.આર. ચોપડા પણ હજી ફિલ્મી દુનિયામાં આવ્યા નહોતા, પણ ફિલ્મી દુનિયા સાથે તેમનો નાતો એ રીતે હતો કે તેઓ એક ફિલ્મી અખબાર “સિને હેરલ્ડ”ના તંત્રી હતા. ફિલ્મનું નામ રખાયું “ઝલઝલા”. તેમાં એ સમયનાં બે ખ્યાતનામ કલાકારો દેવ આનંદ અને ગીતા બાલીને પસંદ કરાયાં હતાં. હીરોની સમાંતર ભૂમિકા કિશોર શાહુએ ભજવી હતી. સંગીત પંકજ મલિકે આપ્યું હતું. ૧૯૫૨ની ૧લી જાન્યુઆરીએ આ ફિલ્મ રીલીઝ થઈ હતી. ટિકિટબારી પર તે સફળ નહોતી રહી, પણ એક જર્મન ફિલ્મકાર તેની સાથે સંકળાયા હતા એ નોંધપાત્ર હતું.
નવલકથા “ચાર અધ્યાય” તેના વિશિષ્ટ કથાનકને કારણે હંમેશાં ફિલ્મકારોને આકર્ષતી રહી છે. ટાગોર ૧૯૩૪માં શ્રીલંકા ગયા હતા. ત્યાં રહ્યા એ દરમ્યાન તેમણે “ચાર અધ્યાય” લખી હતી. એ વખતે તેઓ ૭૩ વર્ષના હતા, અને આ તેમની અંતિમ નવલકથા હતી. ટાગોરની આ એકમાત્ર એવી નવલકથા છે, જે કોઇ સામયિકમાં હપતાવાર પ્રગટ ન થઈ હોય. ટાગોરે જ એવું થવા દીધું નહોતું. તેનું એક કારણ કદાચ એ છે કે કથાપ્રવાહની સાથે તેમણે બ્રિટિશ સરકારના જુલમ અને તેની સામેના સશસ્ત્ર વિરોધના રાજકારણનું જે નિરૂપણ કર્યું હતું તેને લઈને નવલકથા પર સંભવિત પ્રતિબંધ ન આવે એવું તેઓ ઇચ્છતા હતા. કથા એવાં બે પ્રેમીઓની છે, જેઓ આઝાદીની ચળવળના હિંસક માહોલમાં અટવાઇ જાય છે.
ફિલ્મનિર્માણની દૃષ્ટિએ “ચાર અધ્યાય” એક મુશ્કેલ નવલકથા ગણાઈ છે. ૧૯૯૭માં દિગ્દર્શક કુમાર સાહનીએ “ચાર અધ્યાય” બનાવી હતી, અને તે આ નવલકથાને ન્યાય આપવાનો પ્રામાણિક પ્રયાસ ગણાયો છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં લખાયેલી આ નવલકથા આજના સંદર્ભમાં પણ એટલી જ પ્રાસંગિક છે. માત્ર સમય બદલાયો છે.
આઝાદીની ચળવળ વખતે એવાં જૂથો પણ સક્રિય હતાં, જેઓ પોતાના માની લીધેલા ધ્યેય માટે જઘન્ય હિંસા આચરીને તથા લૂંટફાટ કરીને આતંક મચાવી રાખતાં હોય. પોતાના કહેવાતા ધ્યેય માટે આ જૂથોના સભ્યોએ પોતાનાં ઘરબાર છોડી દીધાં હોય. તેઓ છૂપી જગ્યાઓએ રહીને મોટા ભાગે રાતના સમયે છાપો મારતા. આવા એક જૂથ સાથે ઇલા નામની એક યુવતી જોડાઇ હતી. શરૂમાં તો તે પોતાના જૂથની પ્રવૃત્તિઓથી પ્રભાવિત છે, પણ ધીમેધીમે તેનો ભ્રમ ભાગતો જાય છે. તે સાથે જૂથના એક સભ્ય અતીન તરફ તે આકર્ષાય છે. જુથના વડાને આ ખબર પડે છે ત્યારે તે સખત નારાજગી વ્યક્ત કરે છે, પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા બંને અલગ માર્ગ પસંદ કરવાનું વિચારે છે, પણ ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ એ દલદલમાં એટલાં ઊંડાં ખૂંપી ગયાં છે કે હવે તેમાંથી બહાર નીકળી શકાય તેમ નથી.
નવલકથામાં પાત્રોનું મનોમંથન અને સંજોગોનું નિરૂપણ એટલું સબળ થયું છે કે તે વાંચનાર કે ફિલ્મ જોનારને લાંબા સમય સુધી વિચારતા કરી દે છે.
[…] હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ […]