“ટાઇમ કેપ્સ્યૂલ” (time capsule) આજનાં ગુજરાતી અખબારોમાં ચમકેલો શબ્દ છે. સમાચાર વાંચીને ૧૯૯૨માં લખેલી ટૂંકી વાર્તા “કાળસંદૂક” એટલે કે “ટાઇમ કેપ્સ્યૂલ” યાદ આવી ગઈ. “જનસત્તા-લોકસત્તા”ના દિવાળી અંકમાં તે પ્રગટ થઈ હતી. એ વખતે “જનસત્તા-લોકસત્તા”ના તંત્રી સ્વ. દિગંત ઓઝા હતા. તેમણે દિવાળી અંકોની પરંપરા શરૂ કરી હતી, જે લગભગ દસેક વર્ષ જળવાઇ રહી હતી. દર વર્ષે કોઇ એક ચોક્કસ થીમ લઈને અંક તૈયાર કરાતો. ૧૯૯૨માં થીમ હતી “બત્રીસ પૂતળીઓની આધુનિક વાર્તાઓ”. લેખકોને આમંત્રણ આપીને વાર્તાઓ મંગાવાઇ હતી. પછી આ બધી વાર્તાઓ પુસ્તક રૂપે પણ પ્રગટ થઈ હતી. તેમાં મેં લખેલી “કાળસંદૂક”નો સમાવેશ થયેલો.
આ રહી એ વાર્તા “કાળસંદૂક”
નેતાજીએ સવારે ઊઠતાવેંત નક્કી કરી લીધું હતું કે આજે તો ગમે તે થાય, સિંહાસન પર ચઢી બેસવું છે. આજે હવે કોઇ પૂતળીની પરવા નથી કરવી. બહુ થયું હવે. પૂતળીઓ પણ કોણ જાણે કયા ભવનું વેર વાળી રહી છે. રોજેરોજ કોણ જાણે કોની વાર્તાઓ સંભળાવી સંભળાવીને બોર કરી નાખ્યો.
વધુ વિચારતાં નેતાજીને લાગ્યું કે આમાં પોતાની જ ભૂલ હતી. પહેલા જ દિવસે પોતે જ્યારે સિંહાસન પર બેસવા ગયા ત્યારે તેમાં જડાયેલી પૂતળીએ સજીવ થઈ તેમને રોક્યા, ત્યારે ખરેખર તો પૂતળીની પરવા કર્યા વિના સિંહાસન પર બેસી જવાની જરૂર હતી. પછી પૂતળી જે કહેત એ સાંભળ્યા કરત. પણ ત્યારે ક્યાં ખબર હતી કે આવી પૂતળી રોજ એકને લેખે સજીવ થઈથઈને તંગ કરતી રહેવાની છે.
શરૂઆતના બે-ચાર દિવસ તો નેતાજીએ પૂતળીઓની સંખ્યા યાદ રાખવાનો પણ પ્રયાસ કર્યો હતો કે આજે કેટલામી પૂતળીનો બકવાસ સાંભળ્યો, પણ હવે તો એ સંખ્યા પણ ભૂલી જવાઇ હતી. જોકે જે દિવસે આ અદભુત અને દિવ્ય લાગતું સિંહાસન મળી આવ્યું હતું એ દિવસ પણ નેતાજીને આજે પણ જેમનો તેમ યાદ હતો.
બન્યું હતું એવું કે નેતાજી પોતે મહાન રાષ્ટ્રના એકચક્રી શાસક બન્યા એ પછી જનતામાં તેમની “લાર્જર ધેન લાઇફ” ઇમેજ ખડી કરવામાં તેમણે તમામ પ્રકારનાં પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરવામાં જરાય કચાશ રાખી નહોતી, પણ ભાવિ પેઢીઓનું શું? પાંચ સો – સાત સો કે હજાર-બે હજાર વર્ષ પછી પણ લોકો પોતાને વિષે જાણી શકે એ માટે તેમણે એક કાળસંદૂક તૈયાર કરાવી હતી અને તે જમીનમાં દટાવી દેવાનો નિર્ણય કર્યો હતો.
એ કાળસંદૂક દાટવા માટે જ્યાં ખોદકામ કરાયું હતું ત્યાંથી જ બત્રીસ પૂતળીઓવાળું એક સિંહાસન નીકળ્યું હતું. સિંહાસન જોઇને જ તેઓ ખૂશ થઈ ગયા હતા, અને મનોમન નક્કી કરી લીધું હતું કે પોતે જે ઓરડામાં “દરબાર” ભરીને બેસતા એ ઓરડામાં જ આ સિંહાસન ગોઠવીને પોતે તેના પર બિરાજશે.
તેમણે પોતાનો આ નિર્ણય અમલમાં પણ મુકાવ્યો હતો અને સિંહાસન સાથે મેચ થાય એ મુજબનું ઓરડાનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીને તેમાં સિંહાસન મુકાવી પણ દીધું હતું, પણ પછી કમબખ્ત પૂતળીઓ એવું લોહી પીવા માંડી કે એ સિંહાસન પર બેસવાની વાત તો દૂર રહી, હજી સુધી તેને અડકી પણ શકાયું નહોતું. તેમને પોતાને નવાઇ તો એ વાતની લાગતી હતી કે સિંહાસન સુધી પહોંચવાની તમામ કળાઓના પોતે માહેર ગણાતા હોવા છતાં આ બાબતમાં કેમ થાપ ખાઇ ગયા?
વધુ વિચારતાં તેમને લાગ્યું કે આ વખતે પોતે પાયાની ભૂલ એ કરી બેઠા કે કોઇનું પણ ક્યારેય કશું જ નહિ સાંભળવાનો પોતે ગુણ કેળવ્યો હોવા છતાં આ મામલામાં પોતે રોજ પૂતળીની વાર્તા સાંભળવા રોકાઇ જતા હતા. પણ આજે તેમને ખાતરી હતી કે સિંહાસન સુધી પહોંચતાં તેમને કોઇ નહિ રોકી શકે.
આ ખાતરી સાથે જેવા તેઓ સિંહાસનવાળા ઓરડામાં પ્રવેશ્યા અને આગળ વધ્યા કે તરત જ સિંહાસનમાં જડાયેલી એક પૂતળી સજીવ થઈને તેમની સામે આવીને ઊભી રહી ને બોલી : “સબૂર નેતાજી… આગળ ન વધશો.”
નેતાજી હતાત્યાં જ ઊભા રહી ગયા. સિંહાસન પર ચઢી બેસવાનો તેમનો નિર્ણય ક્યાંય હવામાં ઓગળી ગયો. છતાં તેમણે પૂતળીને કહ્યું, “ના, હવે વધુ વાર્તા નથી સાંભળવી. તમારા એ મહાન પ્રતાપી શાસકનાં ગુણગાન ગાતી એટલી બધી વાર્તાઓ આ પહેલાં તમારી બહેનો સંભળાવી ચૂકી છે કે હવે બધી વાર્તાઓ એકસરખી જ લાગે છે. હવે વધુ બોર ન કરો તો સારું.”
પૂતળી હસી પડી. “સોરી નેતાજી, વાર્તાઓ તો તમારે સાંભળવી જ પડશે. એમાં છૂટકો જ નથી.”
નેતાજીને લાગ્યું કે હવે પોતાની એકાદ યુક્તિ અજમાવવાનો સમય આવી ગયો છે. “સારું”, તેમણે કહ્યું, “કોઇ વચલો માર્ગ નીકળે એમ નથી? એટલે કે તમારે કોઇ વાર્તા કહેવી ન પડે, અને મારે સાંભળવી ન પડે?”
“ના, નેતાજી, વાર્તા તો તમારે સાંભળવી જ પડશે. એમાં તમારી કોઇ મદદ અમારાથી થઈ શકે તેમ નથી.”
“કેમ, કેમ? એવું તે શું છે?”
“એને તમે અમારી મજબૂરી પણ કહી શકો, અને એ મજબૂરી પણ જેવી તેવી નહિ, ઇલેક્ટ્રોનિક મજબૂરી.”
“ઇલેક્ટ્રોનિક મજબૂરી?” નેતાજીને નવાઇ લાગી.
“હા, આ સિંહાસન અને અમે બધી પૂતળીઓ ઇલેક્ટ્રોનિક સરકિટથી જોડાયેલાં છીએ. સિંહાસન પર બેસવા માટે એક નિશ્ચિત રેન્જમાં કોઇ પણ આવે ત્યારે અમારી અંદર ગોઠવાયેલી સિસ્ટમ કામ કરવા માંડે છે અને અમારે વાર્તા સંભળાવવાનું શરૂ કરી દેવું પડે છે. ”
“માય ગોડ”. નેતાજીને આવી તો કલ્પના પણ ક્યાંથી હોય? તેમણે પૂછ્યું, “આ બધી કરામત કરી કોણે?”
“અમે તમને જેમની વાર્તાઓ સંભળાવીએ છીએ એમણે.” પૂતળી બોલી.
“એનો અર્થ એ કે એમણે આ બધું પહેલેથી ગોઠવી રાખેલું છે? પણ શા માટે?”
“એટલું યે નથી સમજતા?” પૂતળી હસી પડી. “એવી ગોઠવણ ન કરી હોત તો ભાવિ દુનિયાને ખબર કઈ રીતે પડે કે તેઓ કેવા મહાન શાસક હતા..!”
“આઇ સી, એનો અર્થ એ થયો કે તમારા એ મહાન પ્રતાપી શાસકે પોતાની પ્રશસ્તી માટે જ આ ગોઠવણ કરેલી છે?” નેતાજીએ પૂછ્યું.
“હા જ તો, બીજો શો ઉદ્દેશ હોય? તમે એટલું પણ નથી સમજતા કે આ પણ એક જાતની કાળસંદૂક જ છે?” કહીને પૂતળી હસવા માંડી… ખડખડાટ…
નેતાજી અવાક થઈ ગયા. પૂતળી માંડમાંડ હસવું રોકીને બોલી, “તો પછી વાર્તા શરૂ કરું ને?”
***
પ્રતિસાદ આપો