ગુજરાતીઓની નાણાં-પ્રીતિને લઈને પ્રચલિત કેટલીક રમૂજી વાતોમાં એક એ પણ છે કે દેશમાં બીજે ક્યાંય જો કોઇને અમુક સ્થળ કેટલું દૂર છે એ પૂછવામાં આવે તો તે બે-ત્રણ કિલોમિટર કે પંદર-વીસ મિનિટ દૂર છે એવો જવાબ મળે, પણ જો અમદાવાદમાં આ પ્રશ્નનો જવાબ એવો મળે કે “રિક્ષામાં ૨૫ રૂપિયા થશે.”
આ તો ગમ્મતની વાત થઈ, પણ રાત્રે ઓશોની “અષ્ટાવક્ર ગીતા”નો ચોથો ભાગ સાંભળતાં તેમના પ્રવચનમાંથી એ જાણવા મળ્યું કે આપણે ત્યાં હાઇવે પર આવનારું સ્થળ કેટલા કિલોમિટર દૂર છે તે આંકડા માઇલસ્ટોન પર દર્શાવાતા હોય છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં માઇલસ્ટોન પર આવનારું સ્થળ કેટલી મિનિટ દૂર છે તે દર્શાવાયું હોય છે. ૨૦૦૯ના મેમાં સ્વિસ શહેર શોફહોસેન (Schaffhausen) જવાનું થયું હતું ત્યારે આ બાબત ધ્યાનમાં નહોતી આવી, પણ તેનું કારણ એ હતું કે અમે જર્મનીના સ્ટુટગાર્ટથી શોફહોસેન કારમાં નહિ, પણ ટ્રેનમાં ગયાં હતાં.
રાત્રે સાંભળેલું ઓશોનું પ્રવચન હજી મનમાં જ હતું ત્યાં સવારે આર્થિક દૈનિક Mint માં શેખર ભાટિયાનો એક સરસ લેખ “True-life ‘singles’ from the net” વાંચ્યો. દુનિયાનાં ખ્યાતનામ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો કઈ કઈ વેબસાઈટ પર વાંચે છે એની તેમણે વાત કરી છે. તેમણે ઉલ્લેખ કરેલી એક વેબસાઇટ www.longreads.com માં રસ પડ્યો. અહીં સંગ્રહ થયેલા લેખો ફ્રી વાંચી શકાય છે. વેબસાઇટ પર જઈને જોયું તો રાજકારણથી માંડીને મનોરંજન સહિતની જુદી જુદી કેટેગરીમાં ઘણા લેખો વાંચવા મળે તેમ છે, પણ એક નવી વાત એ જોવા મળી કે દરેક લેખ કેટલી લંબાઈ ધરાવે છે એ દર્શાવતો શબ્દોનો આંકડો આપવા સાથે લેખ કેટલો લાંબો છે તે મિનિટોમાં પણ દર્શાવાયું છે. લેખની લંબાઇ મિનિટમાં દર્શાવાઇ હોય એ કમ સે કમ મેં તો પહેલી વાર જોયું.
લેખની લંબાઇ મિનિટમાં દર્શાવાઇ હોય એ કમ સે કમ મેં તો પહેલી વાર જોયું.
your experience and reading inspires our work. Kishor Pandya