Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘book’ Category

cinema-book title
“ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ” પુસ્તક અંતે પ્રગટ થયું. અંતે શબ્દ એટલે વાપર્યો છે કે લગભગ છ-સાત વર્ષથી હસ્તપ્રત તૈયાર હતી, મૂળ તો “યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ” માટે આ પ્રોજેક્ટ હતો. બોર્ડના તત્કાલીન અધ્યક્ષ ડો. કેશુભાઇ દેસાઇ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને તરત તેમણે મંજૂર કર્યો હતો. જોકે હસ્તપ્રત તૈયાર થઈ સુધીમાં સ્થિતિ એવી સર્જાઇ હતી કે ગ્રંથનિર્માણ બોર્ડે તેની પ્રવૃત્તિઓ ઘણી મર્યાદિત કરી નાખી હતી અને નવા ગ્રંથોનું પ્રકાશન લગભગ નહિવત હતું, પણ એક જાણીતા પ્રકાશકે આ પુસ્તક છાપવામાં રસ દાખવ્યો. જોકે લગભગ બે વર્ષ પછી તેમણે એમ કહીને હસ્તપ્રત પરત કરી કે “સિનેમાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.” એ પછી બીજા એક પ્રકાશકે પણ દોઢેક વર્ષ તેમની પાસે હસ્તપ્રત રાખી મૂકી, અંતે કંટાળીને હસ્તપ્રત પાછી મંગાવી ત્યારે જોયું તો તેમણે કવર પણ ખોલ્યું નહોતું. અંતે પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદના બાબુભાઇ શાહે રસ દાખવ્યો અને “ભારતીય સિનેમાનાં સો વર્ષ” (પૃષ્ઠ – ૨૯૮, કિંમત – ૨૫૦ રુપિયા) પુસ્તક પ્રગટ થઈ શક્યું.

ભારતીય મૂક ફિલ્મો વિષે છૂટાછવાયા લેખો વાંચવા મળતા હતા, પણ માત્ર મૂક ફિલ્મોની વાત કરતું હોય એવું પુસ્તક હાથમાં આવતું નહોતું, એટલે મૂક ફિલ્મો વિષે જેટલી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે આપવાનું પ્રયોજન હતું. તેમાં કેટલી સફળતા મળી એ તો વાચકો જ કહી શકશે.

વિશ્વમાં સિનેમાના આવિર્ભાવથી માંડીને ભારતમાં ફિલ્મનું આગમન, ફિલ્મ બનાવવાના પ્રયાસો, ફિલ્મોનું નિર્માણ, ફિલ્મકારો, કલાકારો, સેન્સરશિપથી માંડીને સવાક ફિલ્મના નિર્માણ સુધીનો સમયગાળો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણના પ્રારંભે સિનેમા સંદર્ભે કોઇ ને કોઇ મહાનુભાવનું અવતરણ મૂક્યું છે. નવાઇ લાગે તેવી વાત છે પણ સિનેમાના શોધક ગણાતા લુમિયર બંધુઓ પણ તેમણે કરેલી શોધ કેવી મૂલ્યવાન છે, એ પારખવામાં થાપ ખાઇ ગયા હતા. લુઇસ લુમિયરે તો ત્યાં સુધી કહ્યું હતું કે “સિનેમા એક એવી શોધ છે, જેનું કોઇ ભવિષ્ય નથી.” ઓગસ્ટ લુમિયરે પણ એવું કહ્યું હતું કે “અમારી શોધનો એક ચોક્કસ સમય સુધી વૈગ્નાનિક કુતૂહલ તરીકે ઉપયોગ કરી શકાશે, પણ તેને બાદ કરતાં આ શોધનું કોઇ વ્યાવસાયિક ભવિષ્ય નથી.”

બીજાં કેટલાંક અવતરણો :

– વર્તમાન યુગમાં જો કોઇ કલા માધ્યમનો પ્રભાવ સૌથી વધુ હોય તો તે નિ:શંકપણે ફિલ્મો છે. – જવાહરલાલ નેહરુ

– લખાયેલા શબ્દની જેમ ફિલ્મ પણ એક ભાષા છે, જેને લખવા અને વાંચવા માટે નવા દૃષ્ટિકોણની જરુર છે. – ફ્રેન્ચ ફિલ્મકાર આસ્ત્રુક

– સિનેમા એ વિશ્વનું સૌથી ખૂબસૂરત છળ છે. – ઝ્યાં લુક ગોદાર્દ

– સિનેમાને કોઇ સીમાડા નથી હોતા. તે સપનાંઓની એક લાંબી પટ્ટી છે. – ઓરસન વેલ્ઝ

– માત્ર અડધી સદીમાં તો ફિલ્મો મૂકમાંથી શબ્દાતીત બની ગઈ. – ડો. લાર્સન

– સિનેમાએ તમને એ ભુલવાડી દેવું જોઇએ કે તમે થિયેટરમાં બેઠા છો. – રોમન પોલાન્સ્કી

– મૂક ફિલ્મો સવાક ફિલ્મોમાંથી વિકસી હોત તો તે વધુ તાર્કિક બની રહ્યું હોત. – મેરી પિકફોર્ડ

– ફિલ્મનિર્માણ એ નાણાંને પ્રકાશમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. અંતે તો છબિઓ દીવાલ પર ઝબકારા મારતી હોય છે. – જોન બુરમેન

– એક સો લેખો જે કામ નહિ કરી શકે તે એક ફિલ્મ કરી શકશે. – લોકમાન્ય ટિળક

– તમામ ફિલ્મો અતિવાસ્તવવાદી હોય છે. તેઓ એવું કંઇક બનાવે છે, જે વાસ્તવિક દુનિયા જેવું હોય, પણ એ હોતું નથી. – માઇકલ પોવેલ

– દરેક સફળ ફિલ્મમાં એક નાનો ચમત્કાર હોય છે. – એલિયા કઝાન

– ફિલ્મ એ ત્રણ યુનિવર્સલ ભાષાઓમાંની એક છે. અન્ય બે છે, ગણિત અને સંગીત. – ફ્રાન્ક કાપરા

– જો તેને લખી શકાય કે વિચારી શકાય તો તેના પરથી ફિલ્મ બનાવી શકાય. – સ્ટેન્લી કુબ્રિક

Read Full Post »

“ચિરકુમાર સભા” ટાગોરની એક વ્યંગ કૃતિ છે. તેના પરથી આ જ નામની બે ફિલ્મો બની ચૂકી છે. પહેલી વાર ૧૯૩૨ની ૨૮મી મેએ રીલીઝ થયેલી “ચિરકુમાર સભા”નું દિગ્દર્શન પ્રેમાંકુર અર્ટોર્થીએ કર્યું હતું. તેમાં રાયચંદ બોરાલનું સંગીત હતું. બીજી વાર ૧૯૫૬માં નિર્માણ પામેલી “ચિરકુમાર સભા”નું દિગ્દર્શન દેવકી બોઝે કર્યું હતું. ત્યારે હજી મહાનાયક ઉત્તમકુમારની કારકિર્દીનો શરૂઆતનો સમય હતો.

ફિલ્મમાં કેટલાક પુરુષોએ “ચિરકુમાર સભા” એટલે કે “બેચલર્સ ક્લબ” સ્થાપી છે. આ મંડળમાં જોડાનારે એવા શપથ લેવા પડે છે કે તે આખી જિંદગી સ્ત્રીની સોબત વિના જ પસાર કરશે અને આજીવન કુંવારો રહેશે. પણ સમય વીતવા સાથે એવી ઘટનાઓ બને છે કે આ ક્લબના સભ્યોએ પોતાનો સંકલ્પ તોડીને લગ્ન કરી લેવાં પડે છે.

કથાના કેન્દ્રમાં એક રુઢિચુસ્ત વિધવાની ચાર દીકરીઓ છે. સૌથી મોટી દીકરી પરણેલી છે અને તેનો પતિ અક્ષયકુમાર ખૂબ સારા સ્વભાવનો છે. લગ્ન પહેલાં તે “બેચલર્સ ક્લબ”નો સભ્ય હતો. બીજી દીકરી શૈલબાળા વિધવા છે, પણ ચારેયમાં સૌથી ટિખળી તે છે. તે શિક્ષિત અને સંસ્કારી છે અને ખાસ તો તેની સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત છે. બીજી બે દીકરીઓ નૃપાબાલા અને નીરાબાલા કુંવારી છે અને લગ્ન તથા જુનવાણી રિવાજો પરત્વે પોતાના આગવા વિચારો ધરાવે છે. તેમની માતાની ચિંતા આ બંને દીકરીઓને પરણાવવાની છે.

દૂરના એક સગાની મદદથી ઉચ્ચ જાતિના બે છોકરાઓ સાથે તે વાત ચલાવે છે. તેમાંનો એક દૂબળો-પાતળો અને કદરૂપો છે, જ્યારે બીજો જાડિયો છે. બંનેને જોઇને છોકરીઓ છળી મરે છે. પોતાના બનેવી અક્ષયકુમારની મદદથી એ બંનેથી તેઓ છૂટકારો મેળવે છે. દુ:ખી માતા જાત્રા કરવા બનારસ જતી રહે છે. હવે પોતાની યોજના અમલી બનાવવા શૈલબાળા માટે મેદાન મોકળું થઈ જાય છે. પોતાની બંને બહેનો માટે તે “બેચલર્સ ક્લબ”માંથી બે મુરતિયા શોધી લાવવાનું નક્કી કરે છે. એ માટે સૌ પહેલાં તો તે એક યુવાન બનીને ક્લબની સભ્ય બને છે, અને થોડા સમય પછી ક્લબની મીટિંગ પોતાને ઘેર ભરવા સૌને રાજી કરી લે છે. એમ થાય તો જ આ લોકો તેની બહેનોને જોઇ શકે.

તેણે જેવું ધાર્યું હતું તેવું જ પરિણામ આવે છે. કુંવારા રહેવાના શપથ લઈને પસ્તાય રહેલા બે યુવાનો બંને બહેનો તરફ આકર્ષાય છે. અંતે તેમનાં લગ્ન થતાં ક્લબ વિખેરાઇ જાય છે. “ચિરકુમાર સભા” પેટ પકડીને હસાવતી કોમેડી છે. ભદ્ર વર્ગની દંભી જીવનશૈલી પર તે ભારોભાર વ્યંગ કરે છે. ખરેખર તો આ કથા દ્વારા ટાગોરે સમાજમાં લગ્નસંબંધી કેટલીક કુરુઢિઓને નિશાન બનાવી હતી.

Read Full Post »

સિરિયલ “ચંદ્રકાન્તા” ફરી ટીવી પર શરૂ થઈ ચૂકી છે, અને “ચંદ્રકાન્તા”ની યાદ મને લગભગ પચીસેક વર્ષ પાછળ લઈ જાય છે. દેવકીનંદન ખત્રીની હિંદી નવલકથા “ચંદ્રકાન્તા” વિષે ઘણું સાંભળ્યું હતું, પણ ક્યાંય વાંચવા મળતી નહોતી. એવામાં ૧૯૮૦ના અરસામાં “ઇન્ડિયન એક્સપ્રેસ” જૂથે “હિંદી એક્સપ્રેસ” નામનું એક સાપ્તાહિક શરૂ કર્યું. હિંદીના ખ્યાતનામ વ્યંગકાર શરદ જોશી તેના સંપાદક હતા. તેમાં તેમણે પહેલા અંકથી જ “ચંદ્રકાન્તા” છાપવાનું શરૂ કર્યું અને આપણને જાણે લોટરી લાગી ગઈ. પણ એ આનંદ ઝાઝો ન ટક્યો. એક્સપ્રેસ જૂથ અંગ્રેજી “સ્ક્રીન” અને મરાઠી “લોકપ્રભા”ને બાદ કરતાં તેના કોઇ સામયિકને લાંબું જિવાડી શક્યું નથી. (વાર્તા સામયિક “ચાંદની” અને ડાયજેસ્ટ “રંગતરંગ” સહિત, જેના સહ-સંપાદક તરીકે આ લખનારે કારકિર્દી શરૂ કરી હતી.) “હિંદી એક્સપ્રેસ”નું બાળમરણ થયું. લાંબે પને પથરાયેલા “ચંદ્રકાન્તા”ના થોડાક હપતા જ વાંચી શકાયા હતા.

“ચંદ્રકાન્તા” વાંચવાની બીજી તક દિલ્હીના “રાજકમલ પ્રકાશન”એ પૂરી પાડી. એ જમાનામાં તેમણે ઘણાં પુસ્તકોની કિફાયતી આવૃત્તિઓ બહાર પાડી હતી. વાંચી લીધાના થોડા દિવસ થયા હશે ત્યાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં એક દિવસ ઠાકોરભાઇએ પૂછ્યું, “નવું કંઇ કરી શકાય એવું ધ્યાનમાં છે?”

“ચંદ્રકાન્તા” ધ્યાનમાં હતી જ. એમને કહ્યું કે લગભગ એક સો વર્ષ પહેલાં લખાયેલી આ નવલકથા છે. એ જમાનામાં તે હપતાવાર છપાતી અને લોકોને તેણે એવા ઘેલા કર્યા હતા કે  જ્યાં એ સામયિક છપાતું તે પ્રેસ સામે લોકો ભેગા થતા. વાર્તાને મૂળ હિંદીમાં વાંચી શકાય એ માટે અનેક લોકો હિંદી શીખ્યા હતા. લેખકનો ઇરાદો તો માત્ર “ચંદ્રકાન્તા” લખવાનો જ હતો. એ પૂરી થઈ એટલે લોકોએ માંગ કરવા માંડી કે વાર્તા આગળ વધારો. અંતે લોકોની લાગણીને માન આપીને લેખકે વાર્તાને આગળ વધારી અને “ચંદ્રકાન્તા સંતતિ”ના બીજા છ ભાઇ લખ્યા.

ઠાકોરભાઇને રસ ન પડે તો જ નવાઇ. કહે, કામ શરૂ કરી દો. કામ શરૂ થઈ ગયું ને એક દિવસ ઠાકોરભાઈનું તેડું આવ્યું. કહે, “પ્રોજેક્ટ પડતો મૂકવો પડે તેમ છે.” તેમને જાણ થઈ હતી કે રાજકોટમાં “પ્રવીણ પુસ્તક ભંડાર” પણ આ જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ત્યાં મારા મિત્ર શાંતિલાલ જાની અનુવાદ કરી રહ્યા હતા, અને ખૂબ આગળ વધી ગયા હતા. મેં હજી માંડ સોએક પાનાં કર્યાં હતાં.

પછી શું થયું, કંઈ ખબર નહિ. દરમ્યાનમાં ઠાકોરભાઇનું પણ નિધન થઈ ગયું. થોડાં વર્ષો વીતી ગયાં. ટીવી પર “ચંદ્રકાન્તા” સિરિયલ શરૂ થઈ ગઈ, અને એક દિવસ ગુર્જરમાંથી મનુભાઇનો ફોન આવ્યો. તેમને જાણવું હતું કે હું “ચંદ્રકાન્તા”નો અનુવાદ કેટલા સમયમાં આપી શકું? સદનસીબે જે સો પાનાં કર્યાં હતાં તે આટલાં વર્ષોથી સચવાયેલાં હતાં, અને મનુભાઇને માત્ર “ચંદ્રકાન્તા”ના અનુવાદની જરૂર હતી.

શું અને કઈ રીતે થયું તે ખબર નહિ, પણ મેં કરેલો “ચંદ્રકાન્તા”નો અનુવાદ અને શાંતિલાલ જાનીએ કરેલો “ચંદ્રકાન્તા સંતતિ”નો અનુવાદ અંતે આ રીતે સાથે પ્રગટ થયો.

Read Full Post »

તહમિમા અનામ લંડનમાં સ્થાયી થયેલાં બાંગ્લાદેશી મૂળનાં યુવા લેખિકા છે. હજી ગયા મહિને જ તેમની બીજી અંગ્રેજી નવલકથા “ધ ગુડ મુસ્લિમ” પ્રગટ થઈ છે. તેમની પહેલી નવલકથા “ધ ગોલ્ડન એજ”એ તેમને જે રીતની ખ્યાતિ અપાવી અને આંતરરાષ્ટીય સ્તરના એવોર્ડ્સ પણ અપાવ્યા એ પછી સ્વાભાવિક જ આ નવી નવલકથા ઘણી અપેક્ષાઓ જગાવી ચૂકી છે. “ધ ગુડ મુસ્લિમ” તરફ ધ્યાન ખેંચાવાનું સૌથી મોટું કારણ છે તેનું શીર્ષક.

૨૦૦૬માં હોલીવૂડમાં એક ફિલ્મ બની હતી. તેનું શીર્ષક હતું “ધ ગુડ જર્મન”. આ ફિલ્મ એટલી ગમી ગઈ કે એકથી વધુ વાર જોઇ છે. જોસેફ કેનને લખેલી આ જ નામની નવલકથા પરથી દિગ્દર્શક સ્ટિવન સોડરબર્ગે બનાવેલી ફિલ્મ માત્ર તેના રસપ્રદ કથાનકને કારણે જ નહિ, બીજી ઘણી રીતે મજેદાર લાગી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછીના તરતના સમયગાળામાં ફિલ્મની ઘટનાઓ આકાર લે છે. ભારે તબાહીનો ભોગ બનેલા બર્લિનમાં અમેરિકા, રશિયા, બ્રિટન સહિતના વિજેતા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ભાવિ રણનીતિ ઘડવા એકઠા થાય છે. જોકે આ બધા દેશોનો એક છૂપો મકસદ પણ છે, અને ત્યાં તેઓ એકબીજાને મહાત કરવા ઇચ્છે છે.

યુદ્ધ પહેલાં જર્મનીમાં ઘણા વિગ્નાનીઓ અનેકવિધ પ્રોજેક્ટમાં લાગેલા હતા. તેમાંના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ તો ઘણા આગળ વધી ચૂક્યા હતા, પણ યુદ્ધનાં વર્ષો દરમ્યાન ઘણું ખોરંભે પડી ગયું હતું. હિટલરને તેના મકસદમાં સાથ આપનારા ઘણા નાઝીઓને ખતમ કરી દેવાયા હતા અને જેઓ પકડી લેવાયા હતા, તેમની સામે કેસ ચાલવાના હતા, પણ જે જર્મન વિગ્નાનીઓ હતા, તેઓ હિટલર માટે કામ કરતા હોવા છતાં તેઓ જો હાથ લાગે તો તેમને ચોરીછૂપીથી પોતાના દેશમાં લઈ જઈને તેમની આવડતનો ઉપયોગ કરવા બધા ઇચ્છતા હતા. એ માટે બધાએ પોતપોતાની રીતે જાળ બિછાવી રાખી હતી, અને કહેવાની જરૂર નથી કે પડદા પાછળ એક ઓર લોહિયાળ ખેલ શરૂ થઈ ચૂક્યો હતો.

હિટલરના નાઝી શાસન હેઠળના જર્મનીમાં યહૂદીઓ પર જે અમાનવીય અત્યાચારો થયા, તે સાથે જર્મનીમાં રહેતા તમામ જર્મનો સહમત હતા એવું નહોતું. અનેક જર્મનો નાઝીવાદના વિરોધી હતા, પણ તેઓ એટલા લાચાર હતા કે પોતાનો વિરોધ વ્યક્ત કરી શક્યા નહોતા. આવા જર્મનો માટે શબ્દ વપરાયો છે “ધ ગુડ જર્મન”. હિટલરના એક પ્રોજેક્ટ પર કામ કરનાર આવો જ એક વિગ્નાની “ગુડ જર્મન” હતો. તેને હાથ કરવા જે ખેલ ખેલાય છે તે આ ફિલ્મનું કથાનક છે.

દિગ્દર્શક સોડરબર્ગે ફિલ્મને વધુમાં વધુ અસરકારક બનાવવા તેને બ્લેક એન્ડ વ્હાઇટ તો બનાવી જ છે, પણ ફિલ્મનો “આસ્પેક્ટ રેશિયો” એ સમયે પ્રચલિત હતો તે રાખવા ઉપરાંત કેમેરા એન્ગલ અને લાઇટિંગ તથા બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક પણ એ સમય મુજબનાં રાખ્યાં છે.

અંગ્રેજી આર્થિક અખબાર Mint માં “ધ ગુડ મુસ્લિમ”ની સમીક્ષા વાંચતા સતત “ધ ગુડ જર્મન” નજર સમક્ષ તરવરતી રહી. બાંગ્લા દેશમાં જન્મેલાં પણ મોટા ભાગે વિદેશમાં જ ઊછરેલાં અને ભણેલાં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયેલાં તહમિમા અનામ એક નવલકથા ત્રયી લખી રહ્યાં છે, અને પહેલી “ધ ગોલ્ડન એજ” અને બીજી “ધ ગુડ મુસ્લિમ” પછી હજી આ ત્રયીની ત્રીજી નવલકથા તેઓ લખશે. આ ત્રણેય નવલકથાઓના પશ્ચાદભૂમાં ૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ જંગ અને તેમાં ભાગ લેનાર એક પરિવારની કહાણી છે.

“ધ ગુડ મુસ્લિમ” નવલકથા હજી વાંચી નથી, પણ માત્ર સમીક્ષા વાંચીને કોઇ અભિપ્રાય પણ બાંધી લેવો નથી. બસ, એટલું જાણવાની આતુરતા છે કે “ગુડ જર્મન”ની જેમ લેખિકા તહમિમા અનામને “ગુડ મુસ્લિમ” કહેતાં શૂં અભિપ્રેત છે…

Read Full Post »

ગુરુદેવ ટાગોરની અત્યંત જાણીતી કૃતિ “નૌકા ડૂબી” પરથી સુભાષ ઘાઈએ હિંદીમાં બનાવેલી “કશ્મકશ” આજે રીલીઝ થઈ છે. તેનું દિગ્દર્શન રિતુપર્ણો ઘોષે કર્યું છે. આજના એક હિંદી દૈનિકની સિનેમાની પૂર્તિમાં આ ફિલ્મના કથાનકમાં “વાઇફ સ્વેપિંગ” હોવાની વાત કરી છે, પણ આજના સમયમાં “વાઇફ સ્વેપિંગ” જે સંદર્ભમાં વપરાય છે એવું આ વાર્તામાં કંઇ નથી. જાણી-સમજીને પત્નીઓની અદલાબદલી કરવી એ “વાઇફ સ્વેપિંગ” હોઇ શકે, પણ અજાણતામાં કે કોઇ બદઈરાદા વગર કોઇની પત્ની કોઇની પાસે જતી રહે એ “વાઇફ સ્વેપિંગ” ન કહી શકાય.

“નૌકા ડૂબી” પરથી બંગાળીમાં જ એકથી વધુ વખત ફિલ્મો બની ચૂકી છે. હિંદી “કશ્મકશ”ની સાથે સુભાષ ઘાઇએ બંગાળીમાં  “નૌકા ડૂબી” બનાવી જ છે.  “નૌકા ડૂબી” પરથી પહેલી વાર બંગાળીમાં ૧૯૩૨માં મૂક ફિલ્મ બની હતી. માદન થિયેટર્સના નેજા હેઠળ નરેશ મિત્રાએ તેનું દિગ્દર્શન કર્યું હતું. એ પછી નિતીન બોઝે હિંદી અને બંગાળી બે ભાષામાં આ ફિલ્મ બનાવી હતી. બંગાળીમાં તેનું શીર્ષક હતું “મિલન”. તેમાં દિલીપકુમાર અને રંજનાએ અભિનય કર્યો હતો. બોમ્બે ટોકીઝના બેનર હેઠળ નિતીન બોઝની આ પહેલી હિંદી ફિલ્મ હતી.

અણધાર્યા સંજોગોનો શિકાર બનેલાં પાત્રો ધરાવતા આ કથાનકમાં રમેશનાં લગ્ન હેમનલિની સાથે ગોઠવાય છે. રમેશે તેની ભાવિ પત્નીને કદી જોઇ નથી, પણ માતાપિતાએ તેનું સગપણ કર્યું છે. નદીકિનારે એક નૌકામાં લગ્નવિધિ ચાલુ હતો ત્યારે જ એકાએક તોફાન આવતાં ભારે અફડાતફડી મચી જાય છે અને નૌકા ડૂબી જાય છે. હેમનલિની અને રમેશના પિતા મૃત્યુ પામે છે. પછી રમેશની મુલાકાત કમલા સાથે થાય છે. તે પણ લગ્ન પછી તરત વિધવા બની છે. બંને નિકટ આવે છે ત્યારે કમલાને જાણ થાય છે કે તેનો પતિ જીવિત છે. એ જ રીતે હેમનલિની પણ જીવિત હોવાની રમેશને ખબર પડે છે, અને તે હેમનલિની સાથે લગ્ન કરી લે છે.

૧૯૦૫માં લખાયેલી  “નૌકા ડૂબી”નું કથાનક ફિલ્મકારોને હંમેશાં આકર્ષતું રહ્યું છે. ૧૯૭૯માં દિગ્દર્શક અજય કરે આ જ નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. તેમાં કાલિ બેનરજી, સૌમિત્ર ચેટરજી, અપર્ણા સેન, સૌમિત્રા મુખરજી અને ઉત્પલ દત્ત જેવાં કલાકારોએ કામ કર્યું હતું.

આ વર્ષે ટાગોરની ૧૫૦મી જયંતીના ઉપલક્ષ્યમાં સુભાષ ઘાઇએ બંગાળીમાં  “નૌકા ડૂબી” ઉપરાંત હિંદીમાં “કશ્મકશ”નું નિર્માણ કર્યું છે. આ વખતે રિતુપર્ણો ઘોષ દિગ્દર્શિત  “નૌકા ડૂબી”ની વિશેષતા એ છે કે ફિલ્મની બંને હીરોઇનો સગી બહેનો હોય એવું પહેલી વાર બન્યું છે અને ફિલ્મમાં તેમની ભૂમિકા બહેનોની નથી. સુચિત્રા સેનની બંને દૌહિત્રી અભિનેત્રીઓ રાઇમા સેન અને રિયા સેને પહેલી વાર એકસાથે કોઇ ફિલ્મમાં કામ કર્યું છે. એક વિશેષતા એ પણ છે કે ફિલ્મમાં રિયા અને રાઇમા બંનેની ભૂમિકાઓ તેમની જે ઇમેજ છે તે કરતાં વિપરીત છે.

લગભગ ૧૦૫ વર્ષ પહેલાં લખાયેલી  “નૌકા ડૂબી”નું હાર્દ જળવાઇ રહે તેનો ખ્યાલ રાખીને રિતુપર્ણોએ થોડા ફેરફાર કર્યા છે. મૂળ વાર્તા કરતાં તે એ રીતે જુદી પડે છે કે કોલકાતામાં કાયદાનો અભ્યાસ કરતા રમેશને તેના એક મિત્રની બહેન હેમનલિની સાથી પ્રેમ થઈ જાય છે. એક દિવસ ગામડેથી પિતાનું તાબડતોબ તેડું આવે છે. ત્યાં તેનાં લગ્ન એક ગરીબ વિધવાની દીકરી સુશીલા સાથે ગોઠવી દેવાય છે. રમેશ પહેલાં તો વિરોધ કરે છે અને પોતે એક બીજી યુવતીને ચાહતો હોવાનું કહે છે, પણ વિધવા માની વિનવણીઓ સામે તે લાચાર થઈ જાય છે. સુશીલા સાથે તેનાં લગ્ન થાય છે અને પત્નીને લઈ નૌકામાં બેસી તે કોલકાતા આવવા નીકળે છે. રસ્તામાં તોફાન ઊઠે છે. મોટાં મોજાં વચ્ચે ફંગોળાતી નૌકા ઊંધી વળી જાય છે. રાત્રિના અંધારામાં રમેશ ભાનમાં આવે છે ત્યારે તે એક વેરાન કિનારે પડ્યો છે. થોડી દૂર એક નવોઢા યુવતી બેભાન પડી છે. તેને પોતાની પત્ની સુશીલા માની તેને પોતાની સાથે કોલકાતા લઈ આવે છે. ફિલ્મ આજે જ રીલીઝ થઈ છે એટલે પછી શૂં બને છે એ પડદા પર જોવું જ ઠીક રહેંશે.

“નૌકા ડૂબી”નું કથાનક ઘણા ફિલ્મકારો માટે પ્રેરણાસ્રોત રહ્યું છે. ૧૯૬૦માં બનેલી હિંદી ફિલ્મ “ઘૂંઘટ” પણ  “નૌકા ડૂબી” પરથી પ્રેરિત હોવાનું મનાય છે.  રામાનંદ સાગર દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રદીપકુમાર, બીના રાય, આશા પારેખ અને ભારતભૂષણે કામ કર્યું હતું. “નૌકા ડૂબી” પરથી ૧૯૫૬માં તેલુગુ ફિલ્મ “ચરાના દાસી” બની હતી. એમાં એ સમયનાં અગ્રણી કલાકારો નાગેશ્વર રાવ, એન.ટી. રામારાવ, અંજલિ દેવી અને સાવિત્રીએ અભિનય કર્યો હતો.

હવે પછી કોઇ  “નૌકા ડૂબી” બનાવશે તો તેનું સ્વરૂપ કેવું હશે એ જોવું રસપ્રદ થઈ પડશે…

Read Full Post »

આજે એક છાપામાં એક સમાચાર વાંચ્યા. દેશનું જાહેર દેવું વધીને ૨૫,૯૨,૯૪૫ કરોડ થયું તે અંગેના એ સમાચાર છે. આવા સમાચાર મેં પહેલી જ વાર વાંચ્યા એવું નથી, પણ પહેલી વાર એ તરફ સરખુંથી ધ્યાન દોરાયું. આવા મસમોટા આંકડા ધરાવતા સમાચારો છાપાંઓમાં આવતા જ હોય છે, પણ ૨૪ લાખ ૯૨ હજાર નવ સો પિસ્તાલીસ કરોડ રૂપિયાનું દેવું દેશ પર છે એ સમાચાર આખેઆખા વાંચવામાં કોને રસ પડતો હશે અને સામાન્ય માણસ આવા લાખો કરોડ રૂપિયાનાઆંકડા વાંચીને તે શું વિચારતો હશે એવો વિચાર પહેલી વાર આવ્યો. આવો વિચાર આવ્યો તેના મૂળમાં છે મારો પ્રિય પ્રવાસ લેખક બિલ બ્રાયસન.

બિલ બ્રાયસનનું એક પુસ્તક Notes from a Big Country આજકાલ હું વાંચી રહ્યો છું. અમેરિકામાં તેને થયેલી અનુભૂતિઓનું આ મજેદાર પુસ્તક છે. હજી ગઈ કાલે જ આ પુસ્ર્તકનું એક પ્રકરણ The Numbers Game એ મને વિચારતો કરી દીધો હતો. તેમાં અમેરિકાના જાહેર દેવા અંગે છાપામાં તેણે સમાચાર વાંચ્યા પછી તેની આગવી શૈલીમાં તેણે જે નુક્તેચિની કરી તેની વાત હતી, આજે અહીંના છાપામાં ભારતના જાહેર દેવાના સમાચાર વાંચવા મળ્યા. બિલ બ્રાયસને તેના લેખમાં કરી છે એવી ગણતરી મારું મગજ કરવા માંડ્યું, અલબત્ત, કેલ્ક્યુલેટરની મદદથી.

પ્રશ્ન એ છે કે દેશનું જે દેવું છે તે ૨૪,૯૨,૯૪૫ કરોડ રૂપિયા એટલે ખરેખર કેટલા? બિલ બ્રાયસનની સ્ટાઇલમાં આ રીતે સમજાવી શકાય. જો કોઇ માણસને કોઇ ટંકશાળમાં લઈ જઈને એમ કહેવામાં આવે કે એક સેકન્ડ દીઠ એક રૂપિયો ભેગો કરવા માંડ, તો  ૨૪,૯૨,૯૪૫ કરોડ રૂપિયા ભેગા કરતાં તેને કેટલો સમય લાગે? ગણતરી કંઇક આ રીતે થાય. એક મિનિટમાં ૬૦ રૂપિયા. એક કલાકમાં (૬૦x૬૦) ૩૬૦૦. એક દિવસમાં (૩૬૦૦x૨૪) ૮૬,૪૦૦. એ રીતે એક વર્ષમાં (૮૬,૪૦૦x૩૬૫) ૩,૧૫,૩૬,૦૦૦ રૂપિયા ભેગા થઈ શકે. એટલે કે એક વર્ષમાં તે ૩ કરોડથી થોડાક વધુ ભેગા કરી શકે,  પણ તેણે જે રકમ ભેગી કરવાની છે તે માટે ૨૪,૯૨,૯૪૫  કરોડને સરળતા ખાતર ૩ કરોડ વડે ભાગીએ તો ૮,૩૦,૯૮૧ જેટલાં વર્ષ જવાબ આવે.

સમજી શકાય એમ છે કે દેશ માથે આટલું મોટું દેવું છે એની ચિંતા કેમ કોઇ નથી કરતુ!

Read Full Post »

વર્ષોથી બેસ્ટ સેલર પુસ્તકોના લિસ્ટમાં સ્થાન પામતું રહેલું Who Moved My Cheese? (by Spencer Johnson, MD) હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે. મિત્ર અલકેશ પટેલે તેનો બહુ જ સુંદર અનુવાદ કર્યો છે, જે આર. આર. શેઠની કંપનીએ પ્રગટ કર્યો છે (કિંમત રૂ. ૯૫). વર્ષોથી આ અંગ્રેજી ટાઇટલ આંખ નીચેથી પસાર થતું રહેતું હતું. તે બેસ્ટ સેલર હોવા વિષે પણ જાણ હતી, અને તે સેલ્ફ ડેવલપમેન્ટને લગતું હોવાની પણ જાણ હતી, પણ કદી તે વાંચવાની ઇચ્છા થઈ નહોતી.

આ પોસ્ટ લખવાની શરૂ કરી તેની આગલી ક્ષણે એકી બેઠકે પુસ્તક પૂરું કર્યું ત્યારે એક બાજુ બક્ષીના શબ્દોમાં કહીએ તો દિલ બાગ બાગ થઈ ગયું પણ તે સાથે જે પહેલો પ્રશ્ન થયો તે એ કે આ પુસ્તક આ પહેલાં કેમ વાંચ્યું નહિ?

“પરિવર્તન સંસારનો નિયમ છે” એ આપણે બધા જાણીએ છીએ તે છતાં પરિવર્તનો જ્યારે આવે છે ત્યારે તેના તરફનો હરકોઇનો પ્રતિભાવ અલગ અલગ હોય છે, અને એમ થવા કે એમ કરવા પાછળનાં દરેકનાં પોતાનાં આગવાં કારણો હોય છે, તેમ છતાં જેઓ પરિવર્તન સાથે બદલાઇ જવાનું અને તે મુજબ જાતને ઢાળી શકતા હોય છે, તેઓ અંતે તો એવું નહિ કરી શકનારાઓ કરતાંવધુ સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. લગભગ આવો સાર ધરાવતી  હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા તેના લેખકે ખૂબ સરળ છતાં અસરકારક રીતે બે ઉંદર સ્નિફ અને સ્કરી તથા બે વેંતિયા હેમ અને હો એવાં કુલ ચાર પાત્રો દ્વારા નિરુપી છે.

આ ચારેય પાત્રો માણસમાત્રના સરળ અને જટિલ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેક આપણે સ્નિફ જેવું વર્તન કરીએ છીએ, જે પરિવર્તનને સૌથી પહેલાં સૂંઘી લે છે, ક્યારેક આપણે સ્કરી જેવું વર્તન કરીએ છીએ, જે તત્કાળ પગલાં લે છે, ક્યારેક આપણે હેમની જેમ વિચારીએ છીએ, જે પરિવર્તન માટે તૈયાર નથી અને તેનો વિરોધ કરે છે, કારણ કે પરિવર્તનથી નુકસાન થશે એવો તેને ડર રહેતો હોય છે, અને ક્યારેક આપણે હો જેવા હોઇએ છીએ, જે પરિવર્તનથી લાભ થશે એવું સમજાય ત્યારે તેનો સ્વીકાર કરતાં શીખી લઈએ છીએ.

હૂ મૂવ્ડ માય ચીઝ? વાંચતાં સતત એવું જ લાગ્યા કરે કે જાણે આઆપણી પોતાની જ વાત છે. કદાચ એ પણ યાદ આવ્યા કરે કે જ્યારે જ્યારે આપણા પોતાના જીવનમાં પરિવર્તન આવ્યું હતું, ત્યારે આપણે ઉપર્યુક્ત ચાર પૈકી કઈ ભૂમિકા ભજવી હતી. પુસ્તકમાં ભેગા થયેલા જૂના મિત્રો ચીઝની વાર્તાસાંભળ્યા પછી કહે છે આ વાર્તા તેમનેપહેલાં કેમ વાંચવા ન મળી? હૂ મૂવ્ડ માય ચીઝ? વાંચ્યા પછી વાંચનારને પણ આવી લાગણી ન થાય તો જ નવાઈ!

Read Full Post »

Older Posts »