૩૧ જુલાઇ એટલે હિંદી ફિલ્મોના મહાન ગાયક મહંમદ રફીની પુણ્યતિથિ. દેશભરમાં રફીના લાખો પ્રશંસકો આ દિવસે પોતાના આ પ્રિય ગાયકને યાદ કરી લેતા હોય છે. તેમની યાદમાં કાર્યક્રમો પણ યોજાતા હોય છે. રફીના ચાહકો કે તેમની બનેલી કોઇ સંસ્થા કે મંડળ દ્વારા આવો કોઇ કાર્યક્રમ યોજાય એમાં કોઇ નવી વાત ન કહેવાય પણ ૩૧મી જુલાઇએ હરિયાણાના ચંડીગઢમાં, સેક્ટર પાંચમાં ઇન્દ્રધનુ ઓડિટોરિયમમાં રફીને શ્રદ્ધાંજલિ આપવા યોજાનારા કાર્યક્રમે મારા માટે તો સુખદ આશ્ચર્ય જ સર્જ્યું છે. કારણ એ છે કે આ કાર્યક્રમનું આયોજન હરિયાણાના માહિતિ ખાતાએ કર્યું છે. દેશના કોઇ રાજ્યના માહિતિ ખાતાએ રફીને શ્રદ્ધાંજલિ આપતો આવો કોઇ કાર્યક્રમ ક્યાંય યોજ્યો હોય એવું કમ સે કમ મારા ધ્યાનમાં તો નથી જ. ચંડીગઢથી પ્રગટ થતા હિંદી અખબાર “દૈનિક ટ્રિબ્યુન”માં તા. ૩૦ જુલાઇના અંકમાં આ કાર્યક્રમની જાહેરખબર છપાઇ છે. કાર્યક્રમમાં સંગીતકાર રવિ ઉપસ્થિત રહેવાના છે અને લોકો માટે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. કહેના પડે…
રફી વિષે ઘણું લખાયું છે, અને લખાતું રહેવાનું છે. તેમના વિષે ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે અને થતાં રહેવાનાં છે, પણ ઘણા ઓછા લોકો જાણે છે કે રફી અંગે છેક ૧૯૭૫માં બનેલી એક ડોક્યુમેન્ટરી “રફી કી યાદેં” હજી સુધી રીલીઝ થઈ શકી નથી. રફીના રોજિંદા જીવન અને મુલાકાતો ઉપરાંત કેટલીક દુર્લભ વિગતો તેમાં રજૂ કરાઇ છે. એક વયોવૃદ્ધ મલયાળમ ફિલ્મકાર એન.પી. અબુએ આ ડોક્યુમેન્ટરી બનાવી છે, પણ તેનો કોઇ કરીદનાર ન મળતાં રીલીઝ કરી શક્યા નથી. છેલ્લે ૨૦૦૩માં એક હિંદી દૈનિકમાં એવા સમાચાર વાંચ્યા હતા કે એક ટીવી ચેનલે તે ડોક્યુમેન્ટરી ખરીદી લીધી છે અને તે રીલીઝ થવાની છે, પણ એ વાતને ય પાંચ વર્ષ વીતી ગયાં છે. દરમ્યાનમાં રફીના પ્રશંસકોની એક સાઇટ પર નારાયણને ૨૦૦૭ની ૨૧ ડિસેમ્બરે લખેલો એક બ્લોગ વાંચવા મળ્યો. તેમાં લખ્યું છે તેમ અબુ પાસેની ડોક્યુમેન્ટરી તથા બીજી ચીજો ૧૫ લાખ રૂપિયામાં તેઓ આપી દેવા ઇચ્છે છે પણ કોઇ ખરીદનાર નથી.
૧૯૭૫માં મુળ તો અબુ પોતાની એક મલયાળી ફિલ્મ “દ્વીપ”નાં ગીતો માટે રફીને કરારબદ્ધ કરવા તેમને મળવા મુંબઈ ગયા હતા. એ કરાર તો કોઇ કારણે પછી થઈ શક્યો નહોતો, પણ એ પછી રફીને ઘેર તેમને સતત મળતા રહ્યા હતા. એ દરમ્યાન રફીની નિકટ રહેવાની જે તક મળી તેનો તેમણે ડોક્યુમેન્ટરી બનાવવામાં ઉપયોગ કર્યો હતો.
એક સમાચાર એવા પણ છે કે ફિલ્મ્સ ડિવિઝન પણ રફી અંગે એક ડોક્યુમેન્ટરી બનાવવાનું છે. એ તો બનશે ને રીલીઝ પણ થઈ જશે, પણ અબુની ડોક્યુમેન્ટરી ક્યારે રીલીઝ થઈ શકશે એ જોવાનું રહ્યું.