Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Sport’ Category

સુરેન્દ્રનગરથી લેખક-મિત્ર બકુલ દવેનો ફોન આવ્યો. “મારી પાસે “ચેરિયેટ્સ ઓફ ફાયર”ની ડીવીડી આવી છે. તમે એ ફિલ્મ જોઇ છે? ”

ઓલિમ્પિકની સીઝન શરૂ થઈ રહી હોય અને હાથમાં “ચેરિયેટ્સ ઓફ ફાયર”ની ડીવીડી હોય તો એનાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે? વર્ષો પહેલાં અમદાવાદના એડવાન્સ થિયેટરમાં આ ફિલ્મ જોયાનું યાદ છે.

ઓલિમ્પિકની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મોમાં અવ્વલ છે “ચેરિયેટ્સ ઓફ ફાયર” (Chariots of Fire). ૧૯૮૧માં રજૂ થયેલી આ ફિલ્મ એટલી મજબૂત હતી કે તેને એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ કોશ્ચ્યુમ ડિઝાઇન અને શ્રેષ્ઠ સંગીતના કુલ ચાર ઓસ્કર એવોર્ડ મળ્યા હતા, અને શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને શ્રેષ્ઠ એડિટિંગ માટે નોમિનેશન મળ્યાં હતાં.

૧૯૨૪માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં બે બ્રિટિશ દોડવીરો કઈ રીતે બધાની નવાઇ વચ્ચે અને ખાસ તો એ વખતના મજબૂત અમેરિકન હરીફોને મહાત કરીને સુવર્ણ ચંદ્રકો જીતી જાય છે એ વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ટ્રેક રમતોમાં બ્રિટનની ટીમે એવો દેખાવ એ પહેલાં પણ કદી નહોતો કર્યો અને એ પછી પણ કદી નથી કર્યો.

૧૯૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જ્યારે બ્રિટનના ખેલાડીઓ પેરિસ પહોંચ્યા ત્યારે કોઇને કલ્પના નહોતી કે આ બે ખેલાડીઓ શો ચમત્કાર કરી શકે તેમ છે. દિગ્દર્શક હ્યુ હડસને આ બંન્ને ખેલાડીઓ હેરોલ્ડ અબ્રાહમ્સ (Harold Abrahams) અને એરિક લાઇડેલે (Eric Liddell) કયા સંજોગોમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા અને એ વખતની બંન્નેની મનોસ્થિતિ શી હતી તેનું ખૂબ જ ઊંડે જઈને નિરુપણ કર્યું છે, પરિણામે આ ફિલ્મ “ચેરિયેટ્સ ઓફ ફાયર” માત્ર એક “સ્પોર્ટ્સ મુવી” ન બની રહેતાં તેના સીમાડા ઓર વિસ્તરી શક્યા છે.

આજે તો રમતો જ્યાં રમાતી હોય ત્યાં ખેલદિલીનું તત્ત્વ કેટલું છે એ શોધવું પડે એવી સ્થિતિ છે, પણ જે સમયે રમતને માત્ર રમત તરીકે લેવાતી, ખેલાડી પોતે જીતવાના બધા પ્રયાસો કરે, પણ હરીફને કોઇ પણ ભોગે પછાડી દેવા માટે કંઇ પણ કરી છૂટવાનું ઝનૂન ખેલાડીઓમાં નહોતું અને હરીફો પ્રત્યે પણ અટલો જ આદર રહેતો એ સમયની આ વાત છે. આજે તો ખેલાડીઓની સહાય માટે ટેકનોલોજીથી માંડીને આધુનિક સામગ્રી તેમને મળી રહે છે, પણ ૧૯૨૪ની પેરિસ ઓલિમ્પિકમાં સફેદ પોશાકમાં સજ્જ બંન્ને બ્રિટિશ ખેલાડીઓ તેમના જીવનની દોડ દોડ્યા હતા અને ચંદ્રકો જીત્યા હતા.

હેરોલ્ડ અબ્રાહમ્સ અને એરિક લાઇડેલ બંન્નેની અંદર ઓલિમ્પિકમાં જીતવા માટે જે આગ પ્રજ્વલિત થઈ હતી તેનાં કારણો બંન્ને માટે જુદાં હતાં. હેરોલ્ડ અબ્રાહમ્સ બ્રિટિશ યહૂદી હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયાને ઝાઝો સમય નહોતો થયો. તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યાં તેણે અવારનવાર યહૂદી વિરોધી માહોલનો સામનો કરતા રહેવું પડે છે. એરિક લાઇડેલ સ્કોટિશ ખ્રિસ્તી હતો. તેના પિતા ચીનમાં મીશનરી હતા અને તે પણ પિતાનો એ વારસો સંભાળી લેવા ચીન જવાનો હતો. બંન્ને જણાને દોડવાનો એટલો શોખ હતો કે તેઓ જ્યારે દોડતા ત્યારે તેમને પાંખો આવી જતી એવું બંન્નેને લાગતું. પેરિસ ઓલિમ્પિકમાં તેઓ દોડ્યા ત્યારે પણ હરીફોને મહાત કરવા કરતાં પોતાને માટે થઈને દોડ્યા હતા.

બ્રિટિશ યહૂદી હેરોલ્ડ અબ્રાહમ્સને એ પુરવાર કરવું હતું કે પોતે અને વ્યાપક અર્થમાં પોતાનો સમાજ દુનિયામાં બીજા કોઇના કરતાં કોઇ પણ રીતે ઊતરતો નથી, જ્યારે એરિક લાઇડેલ દોડ્યો ત્યારે તે તેની મસ્તીમાં હતો. તે એવું માનતો હતો કે ઇશ્વરે ઝડપી દોડવા માટે જ તેનું સર્જન કર્યું છે અને તે જ્યારે પણ દોડે છે ત્યારે ઇશ્વર તેની સાથે હોય છે, એટલે પરાજય થશે તો પણ પોતાનો પરાજય થવાનો જ નથી.

હેરોલ્ડ અને એરિક બંન્નેએ બ્રિટિશ ખેલાડીઓ તરીકે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, પણ વિજય માટેની તેમની લાલસા તેમના દેશ માટે નહોતી, પણ વ્યક્તિગત ગૌરવ માટે હતી અને બંન્નેનાં કારણો પણ જુદાં હતાં. એરિક લાઇડેલના કિસ્સામાં તો ઓલિમ્પિકમાં ભાગ લેવાનું નક્કી કર્યા પછે તેણે ટાઇમિંગ માટે પ્રેકટિસ શરૂ કરી ત્યારે તેની બહેનને એ નિરર્થક લાગ્યું હતું. તેણે એરિકને કહ્યું પણ ખરું કે “તું ઇશ્વર પ્રત્યેની તારી ફરજમાંથી ચલિત થઈ રહ્યો છે.” ત્યારે એરિકે તેને સમજાવ્યું કે “ઇશ્વરે ખાસ હેતુ માટે મારું સર્જન કર્યું છે એવું હું માનું છું. તેણે મને ઝડપી બનાવ્યો છે. જ્યારે હું દોડું છું ત્યારે તેના આનંદની અનુભૂતિ કરું છું. મારી જીત તેનું ગૌરવ વધારશે.”

ઓલિમ્પિકમાં પણ શિડ્યુલ એ રીતે ગોઠવાયું હતું કે તેને સ્પર્ધામાં ભાગ લેવાનો હતો તે દિવસે રવિવાર હતો. એક સાચો ખિસ્તી રવિવારે માત્ર પ્રભુભક્તિ કરે અને બીજું કોઇ પણ પ્રકારનું કામ ન કરે એવું દૃઢપણે માનતા એરિકે સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડી દીધી. તેને સમજાવવાના ઘણા પ્રયાસ થયા, પણ તે એકનો બે ન થયો. અંતે રવિવારે ન હોય એવી ૪૦૦ મીટર દોડની સ્પર્ધા માટે એક બ્રિટિશ ખેલાડી (Lord Andrew Lindsay)એ પોતાનું સ્થાન તેને આપી દીધું. મજાની વાત તો એ છે કે એ ખેલાડી પોતે ૪૦૦ મીટર હર્ડલમાં તો રૌપ્ય ચંદ્રક  જીતી ચૂક્યો હતો તે છતાં એરિક માટે તેણે એ ભોગ આપ્યો.

૪૦૦ મીટરની એ સ્પર્ધામાં અમેરિકન દોડવીર જેકસન શોલ્ઝ હોટ ફેવરિટ હતો. જેકસનને તેના કોચે કહ્યું હતું કે એરિક ખાસ કશૂં કરી શકે તેમ નથી, કારણ કે ૪૦૦ મીટર દોડ તેની સ્પેશિયાલિટી નથી, પણ એરિક જે કારણસર ૪૦૦ મીટર દોડવા તૈયાર થયો હતો તેનાથી જેકસન પ્રભાવિત હતો. સ્પર્ધા શરૂ થઈ એ પહેલાં જેકસન એરિકને મળ્યો હતો, અને તેને એક ચબરખી આપી હતી. તેમાં લખ્યું હતું, “જે મારો આદર કરે છે, હું તેનો આદર કરું છું.”

૪૦૦ મીટરની એ સ્પર્ધામાં એરિકે સુવર્ણ ચંદ્રક મેળવ્યો એટલું જ નહિ, જે ઇવેન્ટમાં તેની સ્પેશિયાલિટી નહોતી તેમાં તેણે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. જ્યારે હેરોલ્ડ ૨૦૦ મીટર દોડમાં હોટ ફેવરિટ અને અનુભવી દોડવીર અમેરિકન ચાર્લ્સ પેડોક (Charles Paddock) સામે હારી ગયો હતો, પણ ૧૦૦ મીટર દોડમાં એ જ પેડોકને હરાવીને તે સુવર્ણ ચંદ્રક જીતી ગયો હતો.

ફિલ્મના અંતે પ્રેક્ષકોને એવી માહિતી આપવામાં આવે છે કે એરિક એ પછી ચીનમાં મીશનરી તરીકે ગયો હતો અને બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓએ તેને કેદ કર્યો હતો. કેદીઓ વચ્ચે રહીને તેણે પોતાનું કામ જારી રાખ્યું હતું, પણ યુદ્ધ પૂરું થાય એ પહેલાં તેનું મોત થયું હતું. હેરોલ્ડ તેના પારિવારિક બિઝનેસમાં જોડાયો હતો.

ફિલ્મમાં હેરોલ્ડ અબ્રાહમ્સનું પાત્ર બેન ક્રોસ (Ben Cross) અને એરિક લાઇડેલ (Ian Charleson)નું પાત્ર ઇયાન ચાર્લ્સે ભજવ્યું હતું. દિગ્દર્શક હ્યુ હડસનની આ પ્રથમ ફિલ્મ હતી.

Read Full Post »

દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને  લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે તે પહેલાં જૂનમાં હિંદી ફિલ્મ “શાંઘાઇ” રીલીઝ થવાની છે. ઓલિમ્પિક અને “શાંઘાઇ”ને સીધેસીધું કંઇ લાગતુંવળગતું નથી, પણ એક રીતે જોઇએ તો બંનેના છેડા ચોક્કસપણે અડે છે.

આપણે ત્યાં પોલિટિકલ થ્રિલર ઓછી જ બને છે, અને “શાંઘાઇ” પોલિટિકલ થ્રિલર છે. દિગ્દર્શક દિબાકર બેનરજીની આ ફિલ્મમાં અભય દેઓલ, ઇમરાન હાશમી, કલ્કી કોચલીન અને એક ખાસ ભૂમિકામાં બંગાળી સુપરસ્ટાર પ્રસન્નજિત છે. ફિલ્મનું નામ “શાંઘાઇ” હોય એવું કાને પડે એટલે પહેલાં તો એવું જ લાગે કે જેટ લી કે જેકી ચાનની કોઇ માર્શલ આર્ટ ફિલ્મ હશે, પણ આ તો હિંદી ફિલ્મ છે.  પણ મહત્ત્વની વાત એ છે કે આ પોલિટિકલ થ્રિલર એક ગ્રીક નવલકથા પર આધારિત છે અને ત્યાં તેના તાર સ્પોર્ટ્સ સાથે જોડાય છે.

આધુનિક ગ્રીક ઇતિહાસમાં જે કેટલાક કર્મશીલોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે તેમાં એક છે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસ (Grigoris Lambrakis). ગ્રિગોરિસ એથ્લેટિક હતો અને લોન્ગ જંપનો ખેલાડી હતો. ઘણાં વર્ષો સુધી અને ચોક્કસપણે કહીએ તો ૧૯૩૬થી ૧૯૫૯ સુધી ગ્રીક લોન્ગ જંપ રેકોર્ડ તેના નામે જ રહ્યો હતો. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં તેણે ઘણા ચંદ્રકો મેળવ્યા હતા, પણ સાથોસાથ તે સામાજિક નિસબત ધરાવતાં કાર્યો સાથે સંકળાયો હતો અને ધીમે ધીમે સક્રિય રાજકારણમાં આવી ગયો હતો. તે સામ્યવાદી નહોતો, પણ ડાબેરી વિચારસરણી તરફ તેનો ઝોક હતો. યુદ્ધવિરોધી ચળવળમાં તે અગ્રેસર હતો. જીવના જોખમની ધમકીઓની પરવા કર્યા વિના તે રેલીઓની આગેવાની લેતો. અંતે ૧૯૬૩ની ૨૨ મે એ આવી જ એક રેલીમાં પ્રવચન કરીને તે પરત ફરી રહ્યો હતો ત્યારે અનેક લોકોની હાજરીમાં તેના માથા પર ફટકો મારીને તેની હત્યા કરાઇ હતી.

આ હત્યા કેસની જે તપાસ થઈ અને જે કેસ ચાલ્યો તે વિગતોને આધારે હાલ ફ્રાન્સમાં રહેતા ગ્રીક લેખક વાસિલિસ વાસિલિકોસ (Vassilis Vassilikos)એ ૧૯૬૭માં એક નવલકથા “Z” લખી હતી. Z એ ગ્રીક શબ્દ Zei નો પ્રથમ અક્ષર છે, તેનો અર્થ થાય “જીવે છે”. આ નવલકથા પરથી ગ્રીક-ફ્રેન્ચ ફિલ્મકાર કોસ્ટા-ગાવ્રસ (Costa-Gavras)એ ૧૯૬૯માં આ જ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ ખૂબ વખણાઇ હતી. ૧૯૭૦માં તેને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો તથા શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો ઓસ્કર મળ્યો હતો, અને શ્રેષ્ઠ ફિલ્મ,  શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ પટકથા માટે નોમિનેશન મળ્યાં હતાં.

આ નવલકથા અને આ ફિલ્મ “Z” નો આધાર લઈને દિબાકર બેનરજીએ “શાંઘાઇ” બનાવી છે. તેમાંગ્રિગોરિસ લેમ્બ્રાકિસના આધારે ઘડાયેલું તેજતર્રાર કર્મશીલ ડો. અહમદીનું પાત્ર પ્રસન્નજિતે ભજવ્યું છે. દેખીતું જ છે કે કથાનક સંપૂર્ણ ભારતીય પરિવેશમાં જોવા મળશે અને ૧૯૬૦ના ગાળામાં ગ્રિગોરિસ લેમ્બ્રાકિસ ગ્રીસમાં જે મુદ્દાઓ માટે લડ્યો હતો તે કરતાં ૨૧મી સદીના ભારતમાં ડો. અહમદી સામેના મુદ્દા જુદા જ હોવાના, પણ પીડિતો અને દમિતો માટે લડાઇ ત્યારે પણ લડવી પડતી હતી, આજે પણ લડવી પડે છે અને આગળ પણ લડવી પડવાની છે, પછી દેશ ચાહે ગ્રીસ હોય કે ભારત.

આવા કથાનક પરથી પ્રેરણા લઈને કોઇ ફિલ્મ બનાવી રહ્યું છે એ જ રાજી થવા જેવી વાત છે.

BTW, બે દિવસ પહેલાં દિબાકરને અખબારોમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસને ૧૯૪૮માં યોજાયેલી ઓલિમ્પિકમાં લોન્ગ જંપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો હતો, પણ થોડાં ખાંખાંખોળાં કર્યા પછી એવું લાગ્યું કે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસને નામે કોઇ ઓલિમ્પિક મેડલ નથી. જોકે તેનાથી એક રમતવીર તરીકે પણ તેની મહાનતામાં કોઇ ફરક પડતો નથી.

Read Full Post »

હાલમાં રમાઇ રહેલી આઇપીએલમાં તા. ૧૯મીએ દિલ્હી ડેરડેવિલ્સ (DD) અને ચેન્નાઇ સુપર કિગ્સ (CSK) વચ્ચેની મેચનું લગભગ તમામ ગુજરાતી અખબારોએ જે રિપોર્ટિંગ કર્યું છે તેમાં બધાએ CSK વતી રમતા મેથ્યુ હેઇડનની ધૂંઆધાર તોફાની ઇનિંગ્સ (૪૩ બોલમાં ૯૩ રન)નાં તો વખાણ કર્યાં છે, પણ નવાઇની વાત એ છે કે કોઇએ એ વાતની નોંધ નથી લીધી કે હેઇડને ઉપયોગમાં લીધેલા “મોંગૂસ” (Mongoose) બેટને લીધે એ શક્ય બની શક્યું હતું. હેઇડને પોતે તો પહેલી જ વાર આ બેટનો ઉપયોગ  કર્યો છે એ તો ઠીક, આઇપીએલમાં પણ તેનો પહેલી જ વાર ઉપયોગ થયો છે.

ખાસ T-20 જેવી ફ્ટાફટ ક્રિકેટને ધ્યાનમાં રાખીને જ “મોંગૂસ”  બેટની શોધ થઈ છે. તેનો શોધક છે માર્કસ કોડ્રિન્ગ્ટન ફર્નાન્ડીઝ (Marcus Codrington Fernandez). ક્રિકેટમાં વપરાતાં બેટ, બોલ સહિતનાં તમામ સાધનો ચોક્કસ નિયમો હેઠળ બનાવાય છે. બદલાતા સમયની સાથે મૂળ નિયમોને આંચ ન આવે એવા તેમાં નજીવા ફેરફારો થતા રહ્યા છે, પણ “મોંગૂસ” બેટ પરંપરાગત બેટ કરતાં ઘણું જુદું પડતું હોઇ, ઇ. ૧૭૭૧ પછી ક્રિકેટના કોઈ પણ સાધનમાં થયેલો  તે સૌથી મોટો ફેરફાર ગણવામાં આવે છે.

T-20 જેવી ક્રિકેટ્માંબેટ્સમેન રનના ઢગલા કરે એ જ મુખ્ય લક્ષ્ય હોય છે ત્યારે બેટ્સમન પોતાની ટેકનિકમાં કોઇ ફેરફાર કર્યા વિના ફટકા મારતી વખતે પોતાની તાકાતનો સહજતાથી ઉપયોગ પણ કરી શકે અને તેમાં બેટનો તેને પૂરતો સહારો મળી રહે એ રીતે મોંગૂસ બેટ બનાવાયું છે. પરંપરાગત બેટની જે બ્લેડ છે, તેમાં ઉપરના લગભગ ચોથા ભાગનો ઉપયોગ ભાગ્યે જ થતો હોય છે. તે ખ્યાલમાં આવે જતાં મોંગૂસ બેટ એ રીતે તૈયાર કરાયું છે કે તેની બ્લેડનો બિનઉપયોગી ભાગ દૂર કરી એ લાકડાનો ઉપયોગ બેટનો હાથો લાંબો કરવામાં કરાયો છે. આ ફેરફારને માન્ય રાખીને એમસીસી લોઝ સબકમિટી (MCC Laws sub-committee)એ તેને માન્ય રાખીને બેટ માટેના ક્રિકેટના નિયમોને અનુરૂપ ગણાવ્યું છે.

આ વખતે આઇપીએલમાં મોંગૂસ બેટનો કદાચ ઉપયોગ કરાશે એવી ધારણા હતી જ, પણ અંતે મેથ્યુ હેઈડને એ પહેલ કરી. હેઇડન ઘણા સમયથી મોંગૂસ બેટનો ઉપયોગ કરવા લલચાતો હતો, પણ પછી માંડી વાળતો હતો. પણ તા. ૧૯મીએ DD સામેની મેચમાં ધોનીની ગેરહાજરીમાં ૧૮૬ રનના મુશ્કેલ જણાતા પડકારનો સામનો કરવાનું આવ્યું ત્યારે તેણે મોંગૂસને અજમાવી જોવાનું નક્કી કર્યું. જોકે હેઇડન દાવમાં આવ્યો હતો ત્યારે તો પરંપરાગત બેટ સાથે જ આવ્યો હતો, પણ ચાર ઓવર સુધી રમતમાં કંઇ જીવ ન આવતાં તેણે મોંગૂસ બેટ મંગાવી લીધું હતું, અને પછી તેણે કેવી ફટકાબાજી કરી હતી એ આપણે બધા જાણીએ છીએ.

હેઇડને ગુરુવારે પ્રેક્ટિસ કરી હતી ત્યારે મોંગૂસ બેટનો જ ઉપયોગ કર્યો હતો. એ જોઇને ધોનીની ગેરહાજરીમાં કપ્તાનીની જવાબદારી સંભાળનાર સુરેશ રૈનાને પણ મોંગૂસ બેટનો ઉપયોગ કરવાની લાલચ થઈ આવી હતી. તેણે પ્રેક્ટિસ પણ કરી જોઇ હતી, પણ ક્યાંક બાવાના બેઉ ન બગડે એમ માનીને મોંગૂસનો ઉપયોગ કરવાનું માંડી વાળ્યું હતું.

આવનારા સમયમાં માત્ર T-20માં જ નહિ, ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાં મોંગૂસનો ઉપયોગ થવાનો જ છે.

Read Full Post »

ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે સચિને બેવડી સદી ફટકારી તેને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે, પણ એ સમાચાર હજી જૂના થયા નથી. હજી ટીવી પર તેના વિષેની ચર્ચાઓ ચાલી રહી છે અને સચિનને ભારતરત્ન આપવાની માંગણીઓ થઈ રહી છે. સચિનને ક્રિકેટજગતના ભગવાનથી માંડીને જે શબ્દોમાં બિરદાવાઇ રહ્યો છે, તેની સાથે ભાગ્યે જ કોઇ ભારતીય  અસહમત હોય તેવું બને, કારણ કે સચિને એવી જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી છે, પણ એક ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીને ન્યાય ખાતર પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે સચિન આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો “પ્રથમ પુરુષ ખેલાડી” છે, કારણ કે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં બેવડી સદી ફટકારનાર “પ્રથમ ખેલાડી” બનવાનું ગૌરવ તો ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે મેળવેલું છે.

૧૯૯૭માં ભારતમાં રમાયેલા વીમેન્સ વર્લ્ડ કપમાં મુંબઈના બાંદરા ખાતેના ગ્રાઉન્ડ પર ૧૬ ડિસેમ્બરે ડેન્માર્ક સામેની મેચમાં બેલિન્ડા ક્લાર્કે અણનમ ૨૨૯ રન કર્યા હતા. તે ૧૫૫ બોલ રમી હતી અને ૨૨ ચોગ્ગા ફટકાર્યા હતા.

આપણો દેશ તો  ક્રિકેટપ્રેમી છે, પણ મહિલા  ક્રિકેટને આપણે ત્યાં કેટલું મહત્ત્વ અપાય છે એ આપણે બધા જ જાણીએ છીએ, એટલે સામાન્ય ક્રિકેટપ્રેમી મહિલા ક્રિકેટ વિષે ખાસ કંઈ ન જાણતો હોય એ સમજી શકાય તેમ છે, પણ ખુદ સચિન પણ તેનાથી બહુ વાકેફ રહેતો હોય એવું લાગતું નથી. મુંબઈમાં એક સમારોહમાં કોઇએ જ્યારે ૧૯૯૭માં બેલિન્ડા ક્લાર્કે બેવડી સદી ફટકારી હતી તે અંગે સચિનનું ધ્યાન દોર્યું ત્યારે સચિને કહ્યું હતું કે “મેં તે વિષે સાંભળ્યું નથી, પણ જો તેણે એવું કર્યૂં હોય તો તે અદભુત કહેવાય.”

તા. ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દુનિયાભરમાં ઊજવાશે. આ નાનકડી બ્લોગપોસ્ટ એ દિનને સમર્પિત…

Read Full Post »

તા.  ૨૮ ફેબ્રુઆરીથી નવી દિલ્હીમાં ૧૨મો હોકી વર્લ્ડ કપ રમાવાનો છે. “કલકત્તા હલચલ” માટે તે અંગે લેખ લખતી મન એ વાતે ખાટું થઈ ગયું કે એક સમયે આપણે જેના માટે ગૌરવ લઈ શકીએ તેમ હતા તે હોકીની દેશમાં કેવી ઘોર ખોદાઇ ગઈ છે. ૧૯૨૮માં આમ્સ્ટરડામમાં ભારતીય હોકી ટીમે પહેલી વાર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને સુવર્ણચંદ્રક જીત્યો હતો. તે પછી ૧૯૩૨માં લોસ એન્જલસ, ૧૯૩૬માં બર્લિન, ૧૯૪૮માં લંડન, ૧૯૫૨માં હેલસિન્કી, ૧૯૫૬માં મેલબોર્ન, ૧૯૬૪માં ટોકિયો અને ૧૯૮૦માં મોસ્કો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રકો જીત્યા હતા. ૧૯૮૦ પછી ભારત ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતી શક્યું નથી, પણ આઠ સુવર્ણચંદ્રક જીતવાનો તેનો રેકોર્ડ અડીખમ છે. હજી સુધી બીજી કોઇ ટીમ ચારથી વધુ સુવર્ણચંદ્રક જીતી શકી નથી.

હોકી  વર્લ્ડ કપ ૧૯૭૧માં રમાવાનો શરૂ થયો ત્યાં સુધીમાં ભારતીય હોકીનું પતન શરૂ થઈ ગયું હતું એટલે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દેખાવ ખૂબ નબળો રહ્યો છે. માત્ર ૧૯૭૫માં તે વર્લ્ડ કપ જીતી શકી હતી. આ એકમાત્ર સફળતાને બાદ કરતાં અત્યાર સુધીમાં તે ૧૯૭૧માં ત્રીજા સ્થાને અને ૧૯૭૩માં રનર્સ અપ રહી હતી, પણ ૧૯૭૫માં ચેમ્પિયન બન્યા પછી રમાયેલા આઠ વર્લ્ડ કપ પૈકી એકમાં પણ તે સેમી ફાઇનલ સુધી પહોંચી શકી નથી. ૧૯૮૬માં તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૧મા અને ૧૨મા સ્થાન માટે મેચ રમાઇ હતી તેમાં પણ પાકિસ્તાન જીતી ગયું હતું.

એક સમય એવો પણ હતો કે ત્યારે એમ કહેવાતું કે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ભારતીય હોકી ટીમ માટે જ બનાવાયા છે, પણ છેલ્લાં વર્ષોમાં ભારતીય હોકીનું એ હદે પતન થયું કે ૨૦૦૮માં બૈજિંગમાં રમાયેલી ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમ ક્વોલિફાઇ પણ થઈ શકી નહોતી. કારણ કદાચ એક જ છે કે હોકી સંઘના સત્તાવાળાઓ હોકીના વિકાસ કરતાં તેમના આંતરિક રાજકારણમાં વધુ રચ્યાપચ્યા રહે છે. આ વર્લ્ડ કપમાં, તે પછી ઓક્ટોબરમાં કોમનવેલ્થ ગેમ્સમાં, પછી ચીનમાં રમાનારા એશિયાડમાં ભારતીય હોકીનું જે થાય તે ખરું. એમાં તેનો જે દેખાવ રહેશે તેને આધારે ૨૦૧૨માં લંડન ખાતે રમાનારી ઓલિમ્પિક માટે તે ક્વોલિફાઇ થશે કે કેમ તેનો ખ્યાલ આવશે.

આઠ-દસ દિવસ પહેલાં રાજકોટથી પત્રકાર દેવેન્દ્ર જાનીનો ફોન આવ્યો હતો. હોકી ખેલાડીઓએ સત્તાવાળાઓ સામે જે બળવો પોકાર્યો હતો તે અંગે લેખ લખવા માટે સંદર્ભ સામગ્રી શોધતાંતેમના હાથમાં મારું લખેલું પુસ્તક “હાઉ ટુ પ્લે હોકી” આવી ગયું. ૧૯૮૭માં અમદાવાદના રૂપાલી પબ્લિકેશને તે પ્રગટ કર્યું હતું. ફોનમાં જાની કહે, “પુસ્તકને અપડેટ કરીને નવી એડિશન કરવા જેવી છે.”

વાત સાચી પણ કરે કોણ? કયા પ્રકાશકને હોકીનું પુસ્તક પ્રગટ કરવામાં રસ પડે? ખરી વાત તો એ છે કે ૧૯૮૭માં રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ભારત-પાકિસ્તાન-શ્રીલંકામાં રમાયો  હતો  ત્યારે રમતના માહોલમાં સ્પોર્ટ્સનાં પુસ્તકો વેચાશે એમ માનીને રૂપાલી પબ્લિકેશને “હાઉ ટુ પ્લે” સીરીઝમાં ક્રિકેટ (આશુતોષ પટેલ), ફૂટબોલ (દિવ્યેશ ત્રિવેદી), ટેનિસ (વિવેક દવે) અને હોકીનાં પુસ્તકો માટે સાહસ કર્યું હતું. તેમનું એ સાહસ તેમને કેટલું ફળ્યું હતું એ તો કદી જાણવા મળ્યું નહિ, પણ તેમણે એ પછી રમતને લગતું પુસ્તક પણ કદી પ્રગટ કર્યું હોવાનું જાણમાં નથી.

Read Full Post »

રાત્રે ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં ESPN પર અટકી જવું પડ્યું. બોક્સિંગના હેવી વેઇટ ચેમ્પિયન મહંમદ અલી અને જો ફ્રેઝિયર વચ્ચે ૧૯૭૫માં થયેલી એક મહત્ત્વની ફાઇટ શરૂ જ થવાની હતી. મહંમદ અલી વિષે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને લખ્યું પણ છે, પણ તેમની કોઇ ફાઇટ જોવાની આ પહેલાં કદી કોઇ તક મળી નહોતી. પંદર રાઉન્ડની એ આખી ફાઇટ જોઈ. ૨૮૦૦૦ પ્રેક્ષકો સામે અલીના મુક્કાઓનો ફ્રેઝિયર ૧૪ રાઉન્ડ સુધી સામનો કરતો રહ્યો, પણ પંદરમો રાઉન્ડ શરૂ થયા પહેલાં જ તેણે હાર સ્વીકારી લીધી. મહંમદ અલી શા માટે મહાન બોક્સર હતા તેનો ખ્યાલ કદાચ આ એક ફાઇટ જોઇને ન આવી શકે, પણ બોક્સિંગ રિંગના તેઓ કિંગ હતા એ તો આ એક ફાઈટ જોઇને પણ સમજી શકાય તેવું હતું.

ફાઇટ શરૂ થયા પહેલાં અલી અને ફ્રેઝિયર મળે છે, ત્યારે અલી જે કંઇ કહે છે તે સાંભળી શકાયું નહિ, પણ આપવડાઇ કરવાંમાં પણ બેજોડ આ બોક્સર શું બોલ્યો હશે તેની કલ્પના કરવી બહુ અઘરી નથી. ફાઇટ શરૂ થયા પહેલાં રિંગમાં વિજેતાને અપાનાર ટ્રોફી પ્રદર્શિત કરાઇ ત્યારે અલીએ પ્રેક્ષકો સામે જોઇને એવો ઇશારો કર્યો હતો કે આ ટ્રોફી મારી જ છે, એટલું જ નહિ, એક તબક્કે તો તે ટ્રોફીને ઊંચકીને રિંગમાં પોતે જ્યાં બેસવાનો હતો તે ખૂણામાં મૂકી આવ્યો હતો.

મહંમદ અલીનું મૂળ નામ કેસિયસ માર્શેલસ કલે જુનિયર. ૧૯૬૪માં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેઓ મહંમદ અલી બન્યા હતા. નાનપણથી જ એક સફળ બોક્સર બનવાના બધા જ ગુણ તેમનામાં હતા. ૧૮ વર્ષની ઉંમર થતા સુધીમાં તેઓ જુનિયર લેવલની ૧૦૮ મેચ જીતી ચૂક્યા હતા અને માત્ર આઠ જ મેચ તેઓ હાર્યા હતા. આ ૧૦૮ મેચમાં રોમ ઓલિમ્પિકમાં મળેલા વિજયનો પણ સમાવેશ થતો હતો.

ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અલી સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. દુનિયા તો અલીને માત્ર “ધ ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ બોક્સર” તરીકે જ ઓળખે છે, પણ અલી માત્ર એક રમતવીર જ નહિ, તેમના સમયમાં ચાલતી રંગભેદ અને જાતિભેદની ઝુંબેશના મશાલચી પણ હતા. ૧૯૪૨ની ૧૭ જાન્યુઆરીએ અમેરિકાના કેન્ટકીના લુઇસવિલેમાં જન્મેલા અલીએ ૧૯૬૦ની ૨૯ ઓક્ટોબરે પહેલી પ્રોફેશનલ ફાઇટ જીત્યા બાદ કદી પાછું વળીને જોયું નહોતું.  ૨૨મા વર્ષે અલીએ તે સમયના હેવી વેઇટ ચેમ્પિયન સોની લિસ્ટનને પહેલી જ મેચમાં હરાવી દીધો હતો.  

તેઓ લશ્કરમાં ન જોડાયા અને વિવાદાસ્પદ વિધાનો કર્યાં તે કારણે તેમના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ૧૯૭૧માં ત્રણ વર્ષ બાદ પ્રતિબંધ ઉઠાવી લેવાયો તે દરમ્યાન જો ફ્રેઝિયર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો હતો. અલી રમતમાં પાછા ફરતાં બંને વચ્ચે મુકાબલો રખાયો. આ ફાઇટનું મહત્ત્વ એટલું હતું કે તેને “ધ ફાઇટ ઓફ ધ સેન્ચ્યુરી” નામ અપાયું હતું. એ પહેલાં એક પણ ફાઇટ ન હારનાર અલીનો ફ્રેઝિયર સામે પરાજય થયો હતો, પણ ૧૯૭૪માં બંને વચ્ચે ફરી એક ફાઇટ થઈ તેમાં અલીએ ફેઝિયરને હરાવી દીધો હતો. તે સમયે વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેન હતો. અલી તેને પણ હરાવીને ચેમ્પિયન બન્યા હતા અને પછી આ રમતમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી આ ટાઇટલ તેમણે જાળવી રાખ્યું હતું. પોતાની કારકિર્દીમાં તેમનો કુલ ૫૬ ફાઇટમાંથી પાંચમાં જ પરાજય થયો હતો. પોતાના સમયના તમામ હેવી વેઇટ બોક્સરોને પરાસ્ત કરનાર અલી “પ્યુજિલિસ્ટિક પાર્કિન્સન્સ સિન્ડ્રોમ”નો ભોગ બન્યા છે.    

કાર્લ માર્ક્સે લખ્યું છે કે “માણસો પોતાનો ઇતિહાસ જાતે જ રચતા હોય છે, પણ પોતાને આનંદ આવી શકે તે રીતે રચતા હોતા નથી.” મહંમદ અલી વિષે એમ કહી શકાય કે તેમણે જાતે જ પોતાનો ઇતિહાસ રચ્યો. પોતાને આનંદ આવે તે રીતે…

Read Full Post »

બૈજિંગ ઓલિમ્પિકનો આજે છેલ્લો દિવસ છે. હજારો રમતવીરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શિત કરીને અનેક નવા વિક્રમો સર્જ્યા છે, સાથેસાથે એવી કેટલીક વાતો પણ બહાર આવી છે જે ઘણા લોકો માટે પ્રેરક બની શકે તેમ છે. બે ઘટનાઓ મને ખાસ સ્પર્શી ગઈ છે. તેમાં એક છે મહિલાઓની ૧૦૦ મીટર દોડમાં જમૈકાને ગોલ્ડ મેડલ અપાવનાર શેલી-એન ફ્રેઝરની વાત. “મન હોય તો માળવે જવાય” એ આપણી કહેવતને શેલીએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. મનમાં ધગશ હોય અને જાત પર વિશ્વાસ હોય તો કોઇ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે તે શેલીએ પુરવાર કરી આપ્યું છે. તેણે એ પણ પુરવાર કર્યું છે કે રમતગમત કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો માણસે કયા પરિવારમાં જન્મ લીધો છે કે પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે તેનું પણ કોઇ મહત્ત્વ નથી.

આ ઓલિમ્પિકમાં ભારતને પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર અભિનવ બિન્દ્રાએ પોતે લીધેલી તાલીમ પાછળ લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે કરોડોમાં આળોટી શકે તેવા પરિવારનો છે એટલે તેને એ પોસાયું પણ ખરું, અને આમ પણ આપણે ત્યાં રમતો માટે માળખાગત સુવિધાઓનો અભાવ છે એ તો જાણીતી વાત છે. ચંદ્રકો મેળવવામાં નિષ્ફળ રહેતા આપણા રમતવીરો આ બાબતનાં રોદણાં હંમેશાં રડતા જ હોય છે, પણ જમૈકાને ગોલ્ડ મેડલ અપાવનાર શેલીની વાત કરીએ તો તેનો જન્મ જમૈકાની ઝૂંપડપટ્ટીમાં થયો હતો. બહુ નાની હતી ત્યારથી જ તે ફૂટપાથ પર લારીમાં નાનીમોટી ચીજો વેચતી અને રાત્રિ શાળામાં ભણવા જતી. પોતે ગોલ્ડ મેડલ જીતી તેનું શ્રેય તેણે કોને આપ્યું ખબર છે? નાનપણથી માતા સાથેના તનાવભર્યા સંબંધો અને પોલીસને. તેનું કારણ એ કે નાનપણમાં મા પોતાને મારવા દોડતી ત્યારે ભાગવું પડતું અને ફૂટપાથ પર લારી લઈને ઊભી હોય ને એકાએક પોલીસ આવે ત્યારે બધું સમેટીને ભાગવું પડતું. તેને કારણે નાનપણથી જ દોડવાની જે આદત પડી ગઈ હતી તે હવે કામ લાગી. રાત્રિ શાળામાં તેના શિક્ષકે તેની દોડવાની ક્ષમતા પારખી લઈને તેને વધુ તાલીમની વ્યવસ્થા કરી આપી હતી. શેલી આજે પણ જમૈકાના એક ગંદા વસવાટમાં રહે છે. ત્યાં વીજળી-પાણીની પણ પૂરતી સુવિધા નથી.

બીજો કિસ્સો પણ એક એવી ચીની યુવતીનો છે જેણે દસ મીટર એર પિસ્ટલમાં નવો વિક્રમ સ્થાપીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેવું નામ ગુઓ વેનજુન. ગોલ્ડ મેડલ જીત્યા પછી લોકોએ તેની કહાણી જાણી તો દંગ થઈ ગયા. વર્ષો પહેલાં ગુઓનાં માતા-પિતાએ છૂટાછેડા લઈ લીધા હતા. તે પિતા સાથે રહેતી હતી. નવ વર્ષ પહેલાં એક દિવસ અચાનક જ તેના પિતા ઘર છોડીને જતા રહ્યા. જતા પહેલાં ગુઓના કોચ હુઆંગ પર એક પત્ર લખતા ગયા હતા કે પોતે બહુ દૂર જઈ રહ્યા છે. ગુઓને તમારી પોતાની દીકરીની જેમ સાચવજો અને તેને પોતાનું શ્રેષ્ઠ હાંસલ કરવામાં મદદ કરજો.

પિતા પોતાને છોડીને જતા રહેતાં અત્યંત હતાશ થયેલી ગુઓએ બે વખત તો શૂટિંગને અલવિદા કરી દીધી હતી. તે એક્દમ અંતર્મુખી બની ગઈ હતી. તેમાંથી કોચે તેને બહાર કાઢી. કોચે તેને કહ્યું કે જો તું શૂટિંગ છોડીશ તો તારા પિતા જ્યાં હશે ત્યાં નિરાશ થશે. પણ જો તું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી બતાવે તો બનવાજોગ છે કે તારા પિતા ખુશ થાય અને તને મળવા આવે.

વાત ફિલ્મી લાગે તેવી છે પણ સાવ સાચી છે. ગુઓએ ઓલિમ્પિક્માં ભાગ લીધો અને પિતાને મળવાનું એક જ ધ્યેય નજર સમક્ષ રાખીને ગોલ્ડ મેડલ જીતી પણ ખરી. ગુઓની કથની જાણ્યા પછી ચીનમાં ઇન્ટરનેટ પર તેના પિતાને શોધવાની ઝુંબેશ શરૂ થઈ છે અને લગભગ દસ હજાર લોકો તે માટે કામે લાગ્યા છે.

માણસના મનમાં જો એક ધ્યેય નિશ્ચિત થઈ જાય તો તે શું કરી શકે તેનાં આ ઉદાહરણ છે. ભારતીય ખેલાડીઓને તેમનો ધ્યેય નિશ્ચિત કરવા શેની જરૂર પડે તેમ છે એ ખબર નથી.

Read Full Post »

Older Posts »