Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Uncategorized’ Category

cinema-book title
“ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ” પુસ્તક અંતે પ્રગટ થયું. અંતે શબ્દ એટલે વાપર્યો છે કે લગભગ છ-સાત વર્ષથી હસ્તપ્રત તૈયાર હતી, મૂળ તો “યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ” માટે આ પ્રોજેક્ટ હતો. બોર્ડના તત્કાલીન અધ્યક્ષ ડો. કેશુભાઇ દેસાઇ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને તરત તેમણે મંજૂર કર્યો હતો. જોકે હસ્તપ્રત તૈયાર થઈ સુધીમાં સ્થિતિ એવી સર્જાઇ હતી કે ગ્રંથનિર્માણ બોર્ડે તેની પ્રવૃત્તિઓ ઘણી મર્યાદિત કરી નાખી હતી અને નવા ગ્રંથોનું પ્રકાશન લગભગ નહિવત હતું, પણ એક જાણીતા પ્રકાશકે આ પુસ્તક છાપવામાં રસ દાખવ્યો. જોકે લગભગ બે વર્ષ પછી તેમણે એમ કહીને હસ્તપ્રત પરત કરી કે “સિનેમાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.” એ પછી બીજા એક પ્રકાશકે પણ દોઢેક વર્ષ તેમની પાસે હસ્તપ્રત રાખી મૂકી, અંતે કંટાળીને હસ્તપ્રત પાછી મંગાવી ત્યારે જોયું તો તેમણે કવર પણ ખોલ્યું નહોતું. અંતે પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદના બાબુભાઇ શાહે રસ દાખવ્યો અને “ભારતીય સિનેમાનાં સો વર્ષ” (પૃષ્ઠ – ૨૯૮, કિંમત – ૨૫૦ રુપિયા) પુસ્તક પ્રગટ થઈ શક્યું.

ભારતીય મૂક ફિલ્મો વિષે છૂટાછવાયા લેખો વાંચવા મળતા હતા, પણ માત્ર મૂક ફિલ્મોની વાત કરતું હોય એવું પુસ્તક હાથમાં આવતું નહોતું, એટલે મૂક ફિલ્મો વિષે જેટલી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે આપવાનું પ્રયોજન હતું. તેમાં કેટલી સફળતા મળી એ તો વાચકો જ કહી શકશે.

વિશ્વમાં સિનેમાના આવિર્ભાવથી માંડીને ભારતમાં ફિલ્મનું આગમન, ફિલ્મ બનાવવાના પ્રયાસો, ફિલ્મોનું નિર્માણ, ફિલ્મકારો, કલાકારો, સેન્સરશિપથી માંડીને સવાક ફિલ્મના નિર્માણ સુધીનો સમયગાળો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણના પ્રારંભે સિનેમા સંદર્ભે કોઇ ને કોઇ મહાનુભાવનું અવતરણ મૂક્યું છે. નવાઇ લાગે તેવી વાત છે પણ સિનેમાના શોધક ગણાતા લુમિયર બંધુઓ પણ તેમણે કરેલી શોધ કેવી મૂલ્યવાન છે, એ પારખવામાં થાપ ખાઇ ગયા હતા. લુઇસ લુમિયરે તો ત્યાં સુધી કહ્યું હતું કે “સિનેમા એક એવી શોધ છે, જેનું કોઇ ભવિષ્ય નથી.” ઓગસ્ટ લુમિયરે પણ એવું કહ્યું હતું કે “અમારી શોધનો એક ચોક્કસ સમય સુધી વૈગ્નાનિક કુતૂહલ તરીકે ઉપયોગ કરી શકાશે, પણ તેને બાદ કરતાં આ શોધનું કોઇ વ્યાવસાયિક ભવિષ્ય નથી.”

બીજાં કેટલાંક અવતરણો :

– વર્તમાન યુગમાં જો કોઇ કલા માધ્યમનો પ્રભાવ સૌથી વધુ હોય તો તે નિ:શંકપણે ફિલ્મો છે. – જવાહરલાલ નેહરુ

– લખાયેલા શબ્દની જેમ ફિલ્મ પણ એક ભાષા છે, જેને લખવા અને વાંચવા માટે નવા દૃષ્ટિકોણની જરુર છે. – ફ્રેન્ચ ફિલ્મકાર આસ્ત્રુક

– સિનેમા એ વિશ્વનું સૌથી ખૂબસૂરત છળ છે. – ઝ્યાં લુક ગોદાર્દ

– સિનેમાને કોઇ સીમાડા નથી હોતા. તે સપનાંઓની એક લાંબી પટ્ટી છે. – ઓરસન વેલ્ઝ

– માત્ર અડધી સદીમાં તો ફિલ્મો મૂકમાંથી શબ્દાતીત બની ગઈ. – ડો. લાર્સન

– સિનેમાએ તમને એ ભુલવાડી દેવું જોઇએ કે તમે થિયેટરમાં બેઠા છો. – રોમન પોલાન્સ્કી

– મૂક ફિલ્મો સવાક ફિલ્મોમાંથી વિકસી હોત તો તે વધુ તાર્કિક બની રહ્યું હોત. – મેરી પિકફોર્ડ

– ફિલ્મનિર્માણ એ નાણાંને પ્રકાશમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. અંતે તો છબિઓ દીવાલ પર ઝબકારા મારતી હોય છે. – જોન બુરમેન

– એક સો લેખો જે કામ નહિ કરી શકે તે એક ફિલ્મ કરી શકશે. – લોકમાન્ય ટિળક

– તમામ ફિલ્મો અતિવાસ્તવવાદી હોય છે. તેઓ એવું કંઇક બનાવે છે, જે વાસ્તવિક દુનિયા જેવું હોય, પણ એ હોતું નથી. – માઇકલ પોવેલ

– દરેક સફળ ફિલ્મમાં એક નાનો ચમત્કાર હોય છે. – એલિયા કઝાન

– ફિલ્મ એ ત્રણ યુનિવર્સલ ભાષાઓમાંની એક છે. અન્ય બે છે, ગણિત અને સંગીત. – ફ્રાન્ક કાપરા

– જો તેને લખી શકાય કે વિચારી શકાય તો તેના પરથી ફિલ્મ બનાવી શકાય. – સ્ટેન્લી કુબ્રિક

Read Full Post »

દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને  લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે તે પહેલાં જૂનમાં હિંદી ફિલ્મ “શાંઘાઇ” રીલીઝ થવાની છે. ઓલિમ્પિક અને “શાંઘાઇ”ને સીધેસીધું કંઇ લાગતુંવળગતું નથી, પણ એક રીતે જોઇએ તો બંનેના છેડા ચોક્કસપણે અડે છે.

આપણે ત્યાં પોલિટિકલ થ્રિલર ઓછી જ બને છે, અને “શાંઘાઇ” પોલિટિકલ થ્રિલર છે. દિગ્દર્શક દિબાકર બેનરજીની આ ફિલ્મમાં અભય દેઓલ, ઇમરાન હાશમી, કલ્કી કોચલીન અને એક ખાસ ભૂમિકામાં બંગાળી સુપરસ્ટાર પ્રસન્નજિત છે. ફિલ્મનું નામ “શાંઘાઇ” હોય એવું કાને પડે એટલે પહેલાં તો એવું જ લાગે કે જેટ લી કે જેકી ચાનની કોઇ માર્શલ આર્ટ ફિલ્મ હશે, પણ આ તો હિંદી ફિલ્મ છે.  પણ મહત્ત્વની વાત એ છે કે આ પોલિટિકલ થ્રિલર એક ગ્રીક નવલકથા પર આધારિત છે અને ત્યાં તેના તાર સ્પોર્ટ્સ સાથે જોડાય છે.

આધુનિક ગ્રીક ઇતિહાસમાં જે કેટલાક કર્મશીલોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે તેમાં એક છે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસ (Grigoris Lambrakis). ગ્રિગોરિસ એથ્લેટિક હતો અને લોન્ગ જંપનો ખેલાડી હતો. ઘણાં વર્ષો સુધી અને ચોક્કસપણે કહીએ તો ૧૯૩૬થી ૧૯૫૯ સુધી ગ્રીક લોન્ગ જંપ રેકોર્ડ તેના નામે જ રહ્યો હતો. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં તેણે ઘણા ચંદ્રકો મેળવ્યા હતા, પણ સાથોસાથ તે સામાજિક નિસબત ધરાવતાં કાર્યો સાથે સંકળાયો હતો અને ધીમે ધીમે સક્રિય રાજકારણમાં આવી ગયો હતો. તે સામ્યવાદી નહોતો, પણ ડાબેરી વિચારસરણી તરફ તેનો ઝોક હતો. યુદ્ધવિરોધી ચળવળમાં તે અગ્રેસર હતો. જીવના જોખમની ધમકીઓની પરવા કર્યા વિના તે રેલીઓની આગેવાની લેતો. અંતે ૧૯૬૩ની ૨૨ મે એ આવી જ એક રેલીમાં પ્રવચન કરીને તે પરત ફરી રહ્યો હતો ત્યારે અનેક લોકોની હાજરીમાં તેના માથા પર ફટકો મારીને તેની હત્યા કરાઇ હતી.

આ હત્યા કેસની જે તપાસ થઈ અને જે કેસ ચાલ્યો તે વિગતોને આધારે હાલ ફ્રાન્સમાં રહેતા ગ્રીક લેખક વાસિલિસ વાસિલિકોસ (Vassilis Vassilikos)એ ૧૯૬૭માં એક નવલકથા “Z” લખી હતી. Z એ ગ્રીક શબ્દ Zei નો પ્રથમ અક્ષર છે, તેનો અર્થ થાય “જીવે છે”. આ નવલકથા પરથી ગ્રીક-ફ્રેન્ચ ફિલ્મકાર કોસ્ટા-ગાવ્રસ (Costa-Gavras)એ ૧૯૬૯માં આ જ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ ખૂબ વખણાઇ હતી. ૧૯૭૦માં તેને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો તથા શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો ઓસ્કર મળ્યો હતો, અને શ્રેષ્ઠ ફિલ્મ,  શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ પટકથા માટે નોમિનેશન મળ્યાં હતાં.

આ નવલકથા અને આ ફિલ્મ “Z” નો આધાર લઈને દિબાકર બેનરજીએ “શાંઘાઇ” બનાવી છે. તેમાંગ્રિગોરિસ લેમ્બ્રાકિસના આધારે ઘડાયેલું તેજતર્રાર કર્મશીલ ડો. અહમદીનું પાત્ર પ્રસન્નજિતે ભજવ્યું છે. દેખીતું જ છે કે કથાનક સંપૂર્ણ ભારતીય પરિવેશમાં જોવા મળશે અને ૧૯૬૦ના ગાળામાં ગ્રિગોરિસ લેમ્બ્રાકિસ ગ્રીસમાં જે મુદ્દાઓ માટે લડ્યો હતો તે કરતાં ૨૧મી સદીના ભારતમાં ડો. અહમદી સામેના મુદ્દા જુદા જ હોવાના, પણ પીડિતો અને દમિતો માટે લડાઇ ત્યારે પણ લડવી પડતી હતી, આજે પણ લડવી પડે છે અને આગળ પણ લડવી પડવાની છે, પછી દેશ ચાહે ગ્રીસ હોય કે ભારત.

આવા કથાનક પરથી પ્રેરણા લઈને કોઇ ફિલ્મ બનાવી રહ્યું છે એ જ રાજી થવા જેવી વાત છે.

BTW, બે દિવસ પહેલાં દિબાકરને અખબારોમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસને ૧૯૪૮માં યોજાયેલી ઓલિમ્પિકમાં લોન્ગ જંપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો હતો, પણ થોડાં ખાંખાંખોળાં કર્યા પછી એવું લાગ્યું કે ગ્રિગોરિસ લેમ્બ્રાકિસને નામે કોઇ ઓલિમ્પિક મેડલ નથી. જોકે તેનાથી એક રમતવીર તરીકે પણ તેની મહાનતામાં કોઇ ફરક પડતો નથી.

Read Full Post »

આજે મધર્સ ડે.

૫૯ વસંતો જોઇ છે, પણ કદી બાને “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. મારી અભણ બાને આજે મધર્સ ડે છે, એ પણ ખબર નહિ હોય, સિવાય કે નાનાભાઇની બંને દીકરીઓએ એમની મમ્મીને “હેપ્પી મધર્સ ડે” કહ્યું હોય અને બાએ સાંભળ્યું હોય. મેં માત્ર એવી કલ્પના કરી જોઇ કે બાને “હેપ્પી મધર્સ ડે” વિશ કરતો ફોન કરું તો? મને ખાતરી છે કે મારાઆવા કોઇ ફોનની બા રાહ નહિ જ જોતાં હોય. કલ્પનામાં વધુ રંગ પૂરવાનું માડી વાળી  હાલમાં જ વાંચેલી કવિ સુરજીત પાતરની એક હિંદી કવિતા मां का दु:ख ફરી એક વાર વાંચી જાઉં છું. આ રહી એ કવિતા…

मां का दु:ख

मेरी मां को मेरी कविता समझ न आइ

बेशक मेरी मां-बोली में लिखी हुइ थी

वह तो केवल इतना समझी

पुत्र की रुह को दु:ख है कोइ

पर इसका दु:ख मेरे होते कहां से आया?

बडे गौर से देखी

मेरी अनपढ मां ने मेरी कविता;

देखो लोगों

कोख से जन्मे

मां को छोड के

दु:ख कागज से कहते हैं

मेरी मां ने कागज उठा

सीने से लगाया

शायद ऐसे ही

कुछ मेरे करीब आ जाए

मेरा जाया.

Read Full Post »

રિશી કપૂરના પુત્ર રણવીર કપૂરને લઈને પ્રકાશ ઝા એક ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે “રાજનીતિ”. તેમાં રણવીર કપૂર રાજીવ ગાંધીની ભૂમિકા ભજવવાનો છે. સામાજિક અને રાજ્કીય નિસબત ધરાવતાં કથાનકો સાથે ફિલ્મ બનાવવા માટે પ્રકાશ ઝા જાણીતા છે. “દામુલ”થી લઈને “અપહરણ” સુધીની ફિલ્મો તેમણે બનાવી છે. સવાલ એક જ છે, આ ફિલ્મને વિરોધનું કોઇ વિઘ્ન નડશે કે કેમ? ભૂતકાળના અનુભવો આવા જ છે. કોઇ વ્યક્તિને દેવતુલ્ય ગણીને કે કોઇ ધાર્મિક કે સામાજિક કે એવું કોઇ કારણ આગળ ધરીને ફિલ્મ બનવા જ ન દેવી કે બનેલી ફિલ્મને પ્રદર્શિત ન થવા દેવી એ હવે વારંવાર બનતી ઘટના છે. ત્યારે પ્રશ્ન એક જ થાય કે આપણે એટલા અસહિષ્ણુ થઈ ગયા છીએ કે એક ફિલ્મને ફિલ્મ તરીકે જોઈ શકતા નથી? આપણે એટલી સમજ પણ ગુમાવી બેઠા છીએ? “જોધા અકબર” હાલનું જ ઉદાહરણ છે.

ફિલ્મમાં રાજીવ ગાંધીના પાત્ર સંબંધે વાત કરીએ તો થોડા સમય પહેલાં ઇન્દિરા ગાંધીના જીવન પરથી ફિલ્મ બનવાની હતી. તેમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા મનીષા કોઇરાલા ભજવવાની હતી. ઇન્દિરાના મેકઅપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થવા માંડી હતી. પણ એ દિવસોમાં મનીષાએ બોલ્ડ કહી શકાય એવી ફિલ્મ “એક છોટી સી લવસ્ટોરી”માં કામ કર્યું હતું એ કારણસર ફિલ્મનો વિરોધ કરાયો. અંતે ફિલ્મ પડતી મૂકી દેવાઇ હતી.

આવાં બીજાં ઘણા ઉદાહરણો આપી શકાય તેમ છે. આ સંદર્ભે એટલું તો સ્વીકારવું પડે કે પશ્ચિમના પ્રેક્ષકો વધુ પરિપક્વ છે. ત્યાં પણ વિરોધ તો થતો જ હોય છે, પણ ફિલ્મનું પ્રદર્શન અટકાવાતું નથી. અમેરિકામાં આતંકવાદી ઘટના ૯/૧૧ બની તે પછી એક દસ્તાવેજી ફિલ્મ “ફેરનહિટ ૯/૧૧” બની હતી. તેમાં પ્રમુખ બુશ પર આકરા પ્રહારો કરાયા હતા, પણ આ ફિલ્મ છેક ઓસ્કર એવોર્ડ સુધી પહોંચી હતી. આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી દસ્તાવેજી ફિલ્મ પૂરવાર થઈ છે. એ પછી બીજી એક ફિલ્મ “ડેથ ઓફ એ પ્રેસિડેન્ટ”માં તો બુશની હત્યા સુધીની વાત દર્શાવાઇ હતી, પણ ન તો સરકારે કે ન તો કોઇ પક્ષે કે જૂથે તેને રીલીઝ થતી અટકાવવા પ્રયાસ કર્યો નહોતો.

આપણે ત્યાં થોડાં વર્ષો પહેલાં ગુલઝારની ફિલ્મ “આંધી” સામે એ કારણસર વાંધો ઉઠાવાયો હતો કે સુચિત્રા સેને તેમાં ભજવેલું મુખ્ય પાત્ર ઇન્દિરા ગાંધી પરથી પ્રેરિત હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. એક સમયે તો તેના પર પ્રતિબંધની નોબત આવી ગઈ હતી. “ન્યુ દિલ્લી ટાઇમ્સ” નામની એક ફિલ્મને સરકાર એ કારણસર દૂરદર્શન પરથી પ્રસારિત નહોતી થવા દેતી કે તેના એક દૃશ્યમાં કોમી તોફાનો કરાવતા લોકો પૈકી કેટલાકે ગાંધી ટોપી પહેરી હતી.

પ્રકાશ ઝાની “રાજનીતિ”ને કોઇ અવરોધ ન નડે એવી આશા રાખીએ.

Read Full Post »