Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Autobiography’

રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા “મારી અનુભવકથા” વાંચી. લગભગ ૪૦૦ પાનાંની આ આત્મકથા વાંચતી વખતે હું સતત શું અનુભવતો રહ્યો, એને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. “મારી અનુભવકથા”માંથી નાનજી કાલિદાસ મહેતાનું જે એક વિરાટ વ્યક્તિત્વ ઊપસે છે, તે વાંચનારને અભિભૂત ન કરી દે તો જ નવાઇ. મારી પણ એ જ હાલત થઈ. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ધીરુભાઇ અંબાણીએ જે રીતે શૂન્યમાંથી સર્જન કર્યું, એ નાનજી કાલીદાસ મહેતાએ ૨૦મી સદી હજી બેઠી પણ નહોતી ત્યારે કર્યું હતું. ભલે જુદા સંજોગોમાં, જુદા પ્રદેશમાં અને જુદા લોકો વચ્ચે હોય, પણ મારી દૃષ્ટિએ ધીરુભાઇ કરતાં તેમનું કામ વધારે મુશ્કેલ હતું.

પોરબંદર તાલુકાના એક ખોબા જેવડા ગોરાણા ગામનો લગભગ અભણ કહી શકાય એવો યુવાન દરિયો ખેડીને આફ્રિકા પહોંચે છે અને શરૂઆતનાં ભારે સંઘર્ષમય વર્ષો બાદ જે ઉદ્યોગસાહસિકતા શરૂ થાય છે, તે આજે લગભગ એક સદી પછીયે બેમિસાલ ગણી શકાય તેવી છે. મોટા ભાઇ આફ્રિકા જતા રહ્યા એટલે કિશોર વયે જ નાનજીભાઇએ પિતા સાથે વેપારમાં ઝંપલાવી દીધું હતું. એ વર્ષ ૧૮૮૯નું હતું અને ૧૯૦૧માં તેમણે આફ્રિકાના મોમ્બાસા બંદરે પગ મૂકી દીધો હતો. જે જમાનામાં આફ્રિકા ખરેખર અંધારિયો ખંડ હતો, એ દિવસોની આ વાત છે. દુકાન માટે માલ ખરીદવા કે ઉઘરાણી જેવા કામ માટે હિંસક પશુઓના ભય વચ્ચે આફ્રિકાના ઘનઘોર જંગલોમાં પચાસ-સાઠ માઇલ ચાલીને જવું પડે એ તો સામાન્ય ગાણાતું. માનવભક્ષીઓના પંજામાં પણ સપડાવાનું બન્યું હતું. પોતાની નાનકડી દુકાન શરૂ કરવાથી માંડીને ધીમે ધીમે કઈ રીતે વેપારનો વિસ્તાર કરતા ગયા, કઈ રીતે એક પછી એક ઉદ્યોગા શરૂ કરી શક્યા એ બધી વિગતોનો ખરો આનંદ તો “મારી અનુભવકથા” વાંચીને જ મેળવી શકાય.

તેઓ લગભગ આખી દુનિયા ફર્યા. ફર્યા એટલું જ નહિ,  જે જે બાબતોથી તેઓ પ્રભાવિત થતા ગયા તેવું આપણે ત્યાં પણ હોવું જોઇએ, એવો મનોમન નિર્ધાર કરતા ગયા, પરિણામે માત્ર પોરબંદર કે સૌરાષ્ટ્રમાં જ નહિ, તેમણે કરેલી સખાવતોથી સુવિધાઓ ઊભી થઈ. પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ અને ભારત મંદિર અને તારામંદિર તથા આફ્રિકામાં સ્થાપેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓ તેમના આવા નિર્ધારો થકી જ અસ્તિત્વમાં આવી હતી.

આ શાહસોદાગરે મેળવેલી સિદ્ધિઓ વિષે ઘણું ઘણું લખી શકાય તેમ છે, પણ “મારી અનુભવકથા” વાંચતો હતો તે દરમ્યાન મારા મનમાં જે ઘમ્મર વલોણું સતત ચાલતું રહ્યું તેના વિષે પણ થોડુંક લખ્યા વિના ચાલે તેમ નથી. કારણ એ છે કે આજે હું જે કંઈ છું, લગભગ ૩૦ વર્ષનો પત્રકારત્વનો અનુભવ, એ પહેલાં નરોડામાં રિલાયન્સમાં છ વર્ષની નોકરી, અને એ પહેલાંનાં યાદ કરવાં ન ગમે એવાં કેટલાંક વર્ષો… એ બધાંના મૂળમાં અપ્રત્યક્ષ રીતે પણ ક્યાંક ને ક્યાંક શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા રહેલા છે.

“મારી અનુભવકથા”ની પહેલી આવૃત્તિ  ૧૯૫૫માં પ્રગટ થઈ હતી. એ વખતે મારી ઉંમર ચાર વર્ષ. એ વખતે જે ઘટનાઓ બની હતી એ તો વર્ષો પછી જાણી શક્યો હતો. પણ એ બધી ઘટનાઓ સીધેસીધી મને અસરકર્તા હતી. પોરબંદરમાં નાનજી શેઠની મહારાંણા મિલમાં ત્યારે સામ્યવાદી પક્ષના લાલ વાવટા યુનિયનના નેજા હેઠળ મિલ કામદારોની વિવિધ માંગણીઓને લઈને જોરદાર આંદોલન ચાલી રહ્યું હતું. યુનિયનના અગ્રણીઓમાં મારા બાપુ પણ હતા. કામદારોનું આંદોલન જલદ બનતાં નાનજી શેઠે પણ સ્વાભાવિકપણે જ જે કંઇ થઈ શકે એ બધા જ પ્રયાસો કર્યા હશે. આવા જ કોઇ પ્રયાસરૂપ કેટલાક કામદાર નેતાઓની ધરપકડ થયેલી તેમાં બાપુને પણ થોડા દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.

અંતે આંદોલન સમેટાયું ત્યારે કામદાર આગેવાનોએ નોકરી ગુમાવવી પડી હતી. તેમનો “ઝાંપો બંધ થયો” એમ કહેવાતું. બાપુનો ઝાંપો પણ બંધ થયો. તે સાથે પરિવારના માઠા દિવસો શરૂ થયા. બાપુ થોડો સમય જામનગર, થોડો સમય ભાવનગર એમ કરતાં કરતાં અમદાવાદ પહોંચ્યા ને અંતે રાજનગર મિલમાં નોકરી મળી. થોડા સમય પછી અમને સૌને અમદાવાદ બોલાવી લીધાં. એ વખતે ઘરમાં અમે ચાર જણ હતાં. બાપુ, બા, દાદીમા અને હું. અમદાવાદ આવ્યા પછી દાદીમા લગભગ છએક વર્ષ જીવ્યાં, એમાંય ચારેક વર્ષ તો પથારીવશ રહ્યાં હતાં, પણ પોરબંદર પાસેનું છાંયા ગામ છોડીને અમદાવાદ આવવું તેમના માટે મૂળ સોતાં ઊખડવા સમાન હતું. એ માટે તેઓ નાનજી શેઠને દોષ દેતાં, અને “નખ્ખોદ જાજો નાનજી શેઠનું” એવું તો તેમને મોઢે અવારનવાર મને સાંભળવા મળતું. બાપુ પણ વર્ષો સુધી ઘરમાં ભૂલેચૂકે કોઇ નાનજી શેઠનો ઉલ્લેખ કરે તો સહન ન કરી શકતા. ટૂંકમાં, નાનપણથી ઘરમાં નાનજી શેઠના નામની ફરતે મેં નફરત વીંટળાયેલી જોઈ છે.

ત્રણેક મહિના પહેલાં “ગુજરાત ટાઇમ્સ”ના નિવાસી તંત્રી રમેશ તન્નાએ “તમને એક સરસ પુસ્તક વાંચવા આપું” એમ કહી “મારી અનુભવકથા” મારા હાથમાં મૂકી અને મેં જોયું કે એ નાનજી કાલિદાસ મહેતાની આત્મકથા છે, ત્યારે કંઈ બોલ્યા વિના ચૂપચાપ મેં લઈ લીધી. નાનજી શેઠ પ્રત્યે મારામાં જો કોઈ પણ પૂર્વગ્રહ હતો તો તે આ આત્મકથા વાંચતાં ઓગળી ગયો. “મારી અનુભવકથા” વાંચતી વખતે સતત એક જ પ્રશ્ન મારા મનમાં ઘૂમરાતો રહ્યો કે ૧૯૫૬માં મહારાણા મિલમાં બાપુનો ઝાંપો બંધ ન થયો હોત અને તેમણે પોરબંદર છોડવું ન પડ્યું હોત તો મારા જીવનને કેવો ઘાટ મળ્યો હોત? હું કદી લેખક-પત્રકાર થઈ શક્યો હોત? હોની કો કોઇ નહીં ટાલ શકતા એ ન્યાયે મારે લેખક-પત્રકાર બનવા માટે પણ મહારાંણા મિલમાંથી ૧૯૫૬માં બાપુની નોકરી જવી જરૂરી હતી. એ માટે મારે નાનજી શેઠનો જ આભાર માનવાનો રહ્યો.

હવે જે મને પ્રશ્ન સતાવે છે તે એ કે નાનજી શેઠ પ્રત્યે મને જે અહોભાવ થયો છે તેની બાપુને જો ખબર પડે તો તેમની પ્રતિક્રિયા કેવી હોય શકે? આજે ૮૧ વર્ષે પણ તેઓ સમાચારોની દુનિયાથી બરાબર અપડેટ રહે છે, પણ સારું છે કે તેઓ મારો બ્લોગ નથી વાંચતા…

Read Full Post »