
Posts Tagged ‘Awards’
“એવોર્ડ અને વિવાદ” એટલે આગ અને ધુમાડો…
Posted in General, tagged Awards, Nobel Prize, Padmashree on ફેબ્રુવારી 1, 2009| 6 Comments »

સ્લમડોગ મિલિયોનર : એક સક્સેસ સ્ટોરીની જય હો…
Posted in Film, tagged A. R. Rehman, Amitabh Bachchan, Awards, Film & Books, Golden Globe, Oscar, Savkari Pash, Slumdog Millionaire on જાન્યુઆરી 30, 2009| 5 Comments »
“સ્લમડોગ મિલિયોનર” વિષે ઘણું લખાઇ ચૂક્યું છે, લખાઇ રહ્યું છે અને ઓસ્કરનો મામલો નહિ પતે ત્યાં અને તે પછી પણ લખાતું રહેવાનું છે. “સ્મલડોગ” એટલે ભારતની ગરીબીને વિદેશોમાં વેચવાનો પ્રયાસ એવું જે કહેવાઇ રહ્યું છે તેની સાથે ખાસ સહમત થઈ શકાઇ તેમ નથી. એક વિદેશી દિગ્દર્શકે બનાવેલી ફિલ્મમાં ભારતની ગરીબાઇ દેખાડાઇ છે તેની સામેનો આ વાંધો હોય તો તેનો કોઇ ઉપાય નથી, બાકી ભારતમાં મૂક ફિલ્મોના સમયથી (સાવકારી પાશ, ૧૯૨૫) એવી સેંકડો ફિલ્મો બની છે, અને ખાસ કરીને જેના પર સમાંતર ફિલ્મો, કળા ફિલ્મો કે સાર્થક ફિલ્મો એવાં લેબલો મારવામાં આવ્યાં છે, એમાની તો મોટા ભાગની ફિલ્મો (દિગ્દર્શકોનાં નામ આપવાની જરૂર ખરી?)માં ગરીબાઇ, ભૂખમરો, સ્ત્રીઓ-બાળકોનાં શોષણથી માંડીને દેશમાં જે કંઇ રાજકીય-સામાજિક દૂષણો છે, તેનું ચિત્રણ યથાર્થ (Real) અને અતિ-યથાર્થ (Surreal) રીતે થયેલું છે. આમાંની અનેક ફિલ્મો ભલે ઓસ્કર કે ગોલ્ડન ગ્લોબ સુધી ન પહોંચી શકી હોય, પણ દેશમાં અને સમીક્ષકોએ તેને ભરપૂર બિરદાવી છે. દુનિયાના અનેક પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલોમાં તે દર્શાવાઇ છે, અને એવોર્ડ્સ પણ મેળવેલા છે. એ વખતે દેશની ગરીબી વિદેશીઓને દર્શાવીને વાહવાહી મેળવાઇ રહી છે એની કોઇને ચિંતા નહોતી, પણ હવે એક વિદેશીએ ફિલ્મ બનાવી છે, તેની સામે વાંધો છે.
ખરેખર તો આ બૂમરાણ પાછળ એ પીડા જોવા મળી રહી છે કે ભારતીય કલાકારો અને ભારતીય લેખકે લખેલા કથાનક પરથી એક વિદેશી આવી સફળ ફિલ્મ કઇ રીતે બનાવી ગયો? ફિલ્મનિર્માણની સંખ્યાની દૃષ્ટિએ ભલે આપણે હોલીવૂડને પાછળ રાખી દેતા હોઇએ, પણ એક ઓસ્કર મેળવવાની વાત આવે ત્યારે તો આપણે વિદેશમાં બનેલી કોઇ ફિલ્મ કે કોઇ વિદેશી સર્જકે બનાવેલી ફિલ્મ પર જ આધાર રાખવો પડે છે એની આ પીડા છે.
કોઇ ભારતીય ફિલ્મને કદી ઓસ્કર નથી મળ્યો કે દર વર્ષે ભારતીય ફિલ્મને ઓસ્કર માટે નોમિનેશનનાં પણ ફાંફાં હોય છે, તેનો અર્થ એ હરગીજ નથી, કે ભારતમાં ઉમદા ફિલ્મો નથી બનતી. ખરી વાત તો એ છે કે એવોર્ડ ચાહે ઓસ્કર હોય, નોબેલ હોય કે બીજો કોઇ પણ હોય, અંતે તો તે માણસો કે માણસોએ ગોઠવેલી સિસ્ટમ દ્બારા જ અપાતો હોય છે, અને જ્યાં માણસની સામેલગીરી હોય ત્યાં કંઇ પણ બની શકતું હોય છે, એટલે કોઇને એવોર્ડ મળવો કે ન મળવો એ કંઇ શ્રેષ્ઠતાનો પુરાવો કદી ન હોઇ શકે.
“સ્લમડોગ મિલિયોનર”ની જ વાત કરીએ તો કોઇને કરોડપતિ બનાવી શકે એવા ક્વિઝ-શોમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલા યુવાનની જિંદગીમાંથી મળી શકતા હોય તે એક નવાનકોર આઇડિયાને કથાનકના તાણાવાણામાં જે સુંદર રીતે વણી લેવાયો છે, તેને બાદ કરીએ તો ફિલ્મમાં એવું કશું જ નવું નથી, જે આ પહેલાં કોઇ ન કોઇ હિંદી ફિલ્મમાં એક યા બીજી રીતે ન આવી ગયું હોય.
રહી વાત સંગીતકાર એ. આર. રહેમાનની, તો આ સંગીતકારે તો પોતાની પ્રતિભા ઘણા સમય પહેલાંથી પુરવાર કરી આપી છે, એ માટે તે કોઇ ઓસ્કર નોમિનેશનનો મોહતાજ નથી. “સ્લમડોગ મિલિયોનર”માં રહેમાનનું સંગીત સારું જ છે, પણ ઓસ્કર નોમિનેશન મળવાથી જ તે કંઇ શ્રેષ્ઠ નથી થઈ જતું. “સ્લમડોગ મિલિયોનર” પહેલાં રહેમાન “લગાન” સહિતની ઘણી ફિલ્મોમાં વધુ સારું સંગીત આપી ચૂક્યો છે, પણ અગાઉ તેનું સંગીત સાંભળવાથી વંચિત રહેલા વિદેશીઓને જો તેનું આ સંગીત શ્રેષ્ઠ લાગતું હોય અને તેને ઓસ્કરને લાયક ગણતા હોય તો આપણે તો એટલું જ કહેવાનું રહ્યું કે જય હો…
“સ્લમડોગ મિલિયોનર”માં જે નથી ગમ્યું તે અમિતાભના ઓટોગ્રાફ મેળવવાવાળો સીન. અમિતાભના ઓટોગ્રાફ લેવા બાળક કોઈ પણ હદે જઈ શકે છે તે બતાવવા આવો જુગુપ્સાપ્રેરક સીન જ બતાવવો જોઇએ એ જરૂરી નથી. બાય ધ વે, ફિલ્મમાં અમિતાભ તરીકે જેને બતાવ્યો છે તેનો ચહેરો ભલે ન બતાવ્યો હોય, પણ એ જુનિયર આર્ટિસ્ટને ટાઇટલમાં ક્રેડિટ તો આપી જ છે. તેનું નામ ફિરોઝ ખાન છે. વધુ રસપ્રદ વાત એ છે કે બાળક જમાલ જેના ઓટોગ્રાફ લેવા જાય છે એ અભિનેતા અમિતાભ બચ્ચન કોણ છે એની ઓળખ સૌથી વધુ જાણીતી અને સૌથી વધુ જોવાતી ફિલ્મોની સાઇટ imdb પર આપ્યો છે તે જોવા જેવો છે…
નોબેલ પારિતોષિક (Nobel Prize) જીતવાની કળા…
Posted in General, tagged Awards, Nobel Prize, Peter Doherty on ઓક્ટોબર 7, 2008| 3 Comments »
નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પ્રારંભ મેડિસિનના ક્ષેત્રથી થયો છે. ફ્રાંસના બે અને જર્મનીના એક વિજ્ઞાનીને સંયુક્ત રીતે તે અપાશે. વિજેતા એક હોય તો તેને ૧૪ લાખ ૨૦ હજાર ડોલર મળે છે. બે કે વધુને સંયુક્તપણે અપાયું હોય તો સરખા ભાગ પડે છે. આ કિસ્સામાં જરા જુદી રીતે ભાગ પડવાના છે, કારણ કે બે ફ્રેન્ચ અને એક જર્મનને બે જુદીજુદી શોધો માટે પારિતોષિક અપાયું છે. અડધી રકમ જર્મનને તથા બાકીની અડધીમાંથી બે સરખે ભાગે ફ્રેન્ચોને મળશે. આગામી તા. ૧૩ સુધીમાં તમામ ક્ષેત્રોને અપાતાં પારિતોષિકો જાહેર થઈ જશે.
પારિતોષિક નાનું હોય કે મોટું તેને લઈને વિવાદો તો ખડા થતા જ રહે છે. નોબેલ પારિતોષિક કદાચ દુનિયાનું સૌથી મોટું અને સૌથી વધુ પ્રતિષ્ઠિત છે એટલે તેના વિવાદો પણ મોટા હોય છે અને તે વધુ ચર્ચામાં રહેતું હોય છે. તેની તરફેણમાં અને વિરુદ્ધમાં, અને ખાસ કરીને વધુ તો વિરુદ્ધમાં સતત લખાતું રહે છે. નોબેલ પારિતોષિક આપવાનો એક હેતુ એ છે કે જે-તે ક્ષેત્રમાં આ પારિતોષિક વિજેતાઓ પોતાનું કાર્ય સારી રીતે આગળ ધપાવી શકે અને માત્ર નાણાંના અભાવે તેમનું કાર્ય અટકી ન પડે. પણ મોટે ભાગે તો એવું જ બનતું આવ્યું છે કે નોબેલ પારિતોષિક મેળવ્યા પછી ઘણાબધા વિજેતાઓ ભાગ્યે જ કંઈ નોંઘપાત્ર પ્રદાન કરી શક્યા છે. તેને કારણે કેટલાક નોબેલ વિજેતાઓએ તો આ પારિતોષિકને કાંટાળો તાજ ગણ્યો છે.
નોબેલ પારિતોષિક મેળવવું એ દરેક વિજ્ઞાનીનું સપનું હોય છે, પણ જે વિજ્ઞાનીઓને આ પારિતોષિક નાની ઉંમરે મળી જાય છે, તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું? અમેરિકન વિજ્ઞાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ પારિતોષિક મળી ગયું હતું. તેમને નોબેલ પારિતોષિક એનાયત થવાની જાહેરાત થતાં તેમનો પ્રતિભાવ નિરાશાજનક હતો, “હવે હું આખી જિંદગી શું કરીશ?”
કેટ્લાક સાહિત્યકારોએ અને અમુક સંજોગોમાં કેટલાક વિજ્ઞાનીઓએ નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કર્યાના દાખલા છે, પણ આવા બધા વિવાદો છતાં આ કાંટાળો તાજ પહેરવો બધાને ગમે છે. એવો પણ આક્ષેપ થતો રહે છે કે નોબેલ પારિતોષિક મેળવવા માટે થઈને વિજ્ઞાનીઓ અમુક પ્રકારનાં સંશોધનો જ હાથ ધરતાં હોય છે, તેને કારણે વિજ્ઞાનનાં ઘણાં ક્ષેત્રો એવાં છે, જેને બહુ ઓછા લોકો હાથ અડાડે છે.
અપવાદોને બાદ કરતાં મોટે ભાગે તો નોબેલ પારિતોષિક પાકટ ઉંમરે અને ક્યારેક તો જિંદગીનાં બહુ ઓછાં વર્ષો બાકી રહ્યાં હોય ત્યારે મળતું હોય છે. સાહિત્ય ક્ષેત્રે તો મોટા ભાગે એવું જ બને છે. ૧૯૨૫માં ૬૯ વર્ષની વયે નોબેલ પારિતોષિક મેળવનાર જ્યોર્જ બર્નાર્ડ શોએ તો કહ્યું પણ હતું કે “નોબેલ પારિતોષિક મધદરિયેથી કાંઠે પહોંચી ગયેલાને અપાતા લાઇફ બેલ્ટ સમાન છે. ” એટલે તો વ્યંગમાં એવું કહેવાય છે કે જેમનો ધ્યેય નોબેલ પારિતોષિક જીતવાનો જ છે, એવા લોકોએ કમ સે કમ લાંબું તો જીવવું જ પડે.
૧૯૯૬માં ફિઝિયોલોજી એન્ડ મેડિસિન માટે નોબેલ પારિતોષિક વિજેતા ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની પીટર ડોહર્ટી (Peter Doherty)એ તો “નોબેલ પારિતોષિક જીતવાની કળા” કહી શકાય એવું પુસ્તક The Beginner’s Guide to Winning the Nobel Prize લખ્યું છે. આ પુસ્તક વધુ તો એક નોબેલ પારિતોષિક વિજેતાની પીડા વ્યક્ત કરે છે.
નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ છે અને હવે એક પછી એક પારિતોષિક જાહેર થશે એટલે તેના વિષે ઘણું વાંચવા-સાંભળવા મળવાનું. ખાસ કરીને દર વર્ષે સાહિત્ય અને શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક વધુ ચર્ચા જગાવતાં હોય છે, કારણ કે તેની સાથે એક યા બીજી રીતે વિશ્વ રાજકારણ સંકળાયેલું હોય છે.
સલમા : પ્રતિભા ક્યાંય છૂપી રહી શકતી નથી…
Posted in Literature, tagged Awards, Salma, Woman Power on સપ્ટેમ્બર 10, 2008| 3 Comments »
“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે છે. ૨૦૦૮ના ઓક્ટોબરમાં જાહેર થનારા આ પારિતોષિક માટે એશિયાભરમાંથી આવેલી કૃતિઓ પૈકી અંતિમ ૨૧ની પસંદગી કરાઇ છે, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર લેખિકા છે સલમા.
સલમા આમ તો એક ઉપનામ છે. મૂળ લેખિકાએ પોતાની ઓળખ છુપાવવા આ નામે લખવું શરૂ કર્યું હતું અને આજે રુકૈયા મલિક સલમા તરીકે જ વધુ ઓળખાય છે. સલમા તમિળ લેખિકા છે. તાજેતરનાં વર્ષોમાં આધુનિક તમિળ સાહિત્યને જે કેટલીક સશક્ત કલમો મળી છે તેમાં સલમા પણ એક છે. નારીવાદી ગણાતી સલમાના ત્રણ કાવ્યસંગ્રહો, એક નવલકથા અને થોડીક ટૂંકી વાર્તાઓ પ્રગટ થયાં છે, પણ આજે સ્થિતિ એ છે કે આધુનિક તમિળ સાહિત્યની વાત કરવી હોય તો સલમાનો ઉલ્લેખ કરવો જ પડે.
સલમાએ જે સફળતા મેળવી છે અને જે સંજોગોમાં પોતાનો માર્ગ કંડાર્યો છે તેને “સાહિત્ય થકી સ્ત્રી-સશક્તિકરણનું જીવંત ઉદાહરણ” માનવામાં આવે છે. સારું સાહિત્ય રચવા માટે હૈયાઉકલત અને કોઠાસૂઝ વધુ જરૂરી છે. એ માટે ન તો કોઇ ક્લાસ ભરવા પડે છે કે ન તો કોઇની પાસે તાલીમ લેવી પડે છે કે ન તો એ માટે ખાસ કોઈ ડિગ્રી લેવી પડે છે એનું પણ સલમા જીવતુંજાગતું ઉદાહરણ છે.
૧૯૬૮માં તમિળનાડુના તિરુચિ પાસેના એક ગામ થુવારાંકુરુચિમાં રુઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં જન્મેલી રુકૈયા નવમા ધોરણમાં હતી ત્યારે ઉઠાડી લેવાઇ હતી કારણ કે તેનાં માતા-પિતા એવું માનતાં કે છોકરી રજસ્વલા બને તે પછી ભણવા ન જવાય. ભણવાનું બંધ થયું પણ રુકૈયાનો વાંચનનો શોખ ચાલુ રહ્યો. ભાઇ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપતો. મનમાં ઘમસાણ તો પહેલેથી જ મચેલું હતું, તેમાં વિવિધ વાચને ઓર વધારો કર્યો. પોતાની અંદર જે વલોવાતું રહેતું હતું તેને વાચા આપવા લખવાનું શરુ કર્યું. ૧૭મે વર્ષે તેણે પહેલી કવિતા લખી હતી. ૨૦મા વર્ષે પરણીને સાસરે ગઈ ત્યાં લખવા પર પ્રતિબંધ આવી ગયો.
પતિ અને સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે પણ રુકૈયાએ લખવું ચાલુ રાખ્યું. હવે તેણે “સલમા” નામે લખવું શરૂ કર્યું. માત્ર તેની માતા જાણતી હતી કે સલમા એ જ રુકૈયા છે. એક સામયિકમાં તેના ફોટા સાથે પરિચય છપાયો ત્યારે તેના પતિને ખબર પડી કે સલમા ખરેખર કોણ છે. પહેલાં તો ભારે હોબાળો મચી ગયો પણ સમય જતાં સલમા લેખિકા છે એ સ્વીકૃત થઈ ગયું છે. ઘણાં પારિતોષિકો તેને મળી ચૂક્યાં છે. તેની કૃતિઓના અંગ્રેજી સહિત અનુવાદો થવા માંડ્યા છે. તેની તમિળ નવલકથા “ઇરાન્દામ જનમગાલિન કથાઇ” (Irandaam Jamangalin Kathai)નો લક્ષ્મી હોલ્મસ્ટ્રોમે “મિડનાઇટ ટેલ્સ” નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે, જે ટૂંક સમયમાં પ્રગટ થશે.
આજે સલમા તેના ગામની પંચાયતની સરપંચ છે. તમિળનાડુ સરકારે રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના ચેરપર્સન તરીકે તેની નિયુક્તિ કરી છે. તમિળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ તેને ૨૦૦૭માં એવોર્ડ આપવામાં આવ્યો હતો.તે સ્વીકારતી વખતે તેણે કહ્યું હતું, “મારાં લખાણો મોટે ભાગે મારા પોતાના અનુભવો પર આધારિત છે. પણ આ અનુભવો મારી એકલીના નથી, પણ તે દરેક સ્ત્રીના છે.”
દાદાસાહેબ ફાળકે એવોર્ડ : કોણ બનશે ભાગ્યશાળી…
Posted in Film, tagged Awards on જૂન 14, 2008| 4 Comments »
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર થઈ ગયા છે. હજી સુધી તો તે જાહેર થયા પછી કોઇ વિવાદ ઊભો થયો નથી એટલી નિરાંત છે. બીજી ઘણી બાબતોની જેમ ફિલ્મોને અપાતા નેશનલ એવોર્ડ શરૂ કરવા પાછળ પણ સરકારનો શુભ આશય જ હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો તે પછી અનેક ક્ષેત્રોમાં સરકારે પ્રોત્સાહન આપવાની જે નીતિ અપનાવી હતી તે મુજબ દેશના ફિલ્મ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે તે માટે કેટલાંક પગલાં લેવાયાં હતાં. રાષ્ટ્રીય સ્તરે ફિલ્મોને પુરસ્કૃત કરવાનો આશય પણ તેનો જ એક ભાગ હતો. છેક ૧૯૫૪થી ભારત સરકારના ફિલ્મોત્સવ વિદેશાલય દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરાય છે. તે માટે દર વર્ષે નિર્માતાઓ પાસેથી તેમણે બનાવેલી ફિલ્મો મંગાવવામાં આવે છે અને ફિલ્મો સાથે સંકળાયેલા મહાનુભાવોની એક જ્યુરી નીમવામાં આવે છે. આ જ્યુરી સ્પર્ધા માટે આવેલી ફિલ્મો નિહાળીને વિવિધ કેટેગરીને પુરસ્કાર માટે પસંદ કરે છે.
વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે સરકારી હાથ સોનાને અડે તો તે પણ કથીર થઈ જાય છે. નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સાથે પણ એવું જ બન્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કોઇ ને કોઇ કારણસર તેને લઈને વિવાદ થતા જ રહ્યા છે. એવોર્ડ્સ માટે ફિલ્મો કે કલાકારો અને કસબીઓની પસંદગી સામે ક્યાંકથી ને ક્યાંકથી વિરોધનો સૂર ઊઠતો જ રહે છે. ૨૦૦૬ના વર્ષમાં તો હદ થઈ ગઈ હતી. પુરસ્કારો આપવામાં ગોલમાલ થઈ છે એવા આક્ષેપ સાથે એક મહિલા ફિલ્મકાર આ મામલાને કોર્ટમાં લઈ ગયાં હતાં તે કારણે એક આખું વર્ષ તેને લગતી કોઇ કાર્યવાહી થઈ શકી નહોતી અને કોર્ટ કેસનો નિકાલ આવ્યો તે પછી ૨૦૦૫માં બનેલી ફિલ્મોને ૨૦૦૭માં પુરસ્કાર આપી શકાયા હતા. આ વર્ષે બે-ચાર દિવસ પહેલાં જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર થયા છે તે ૨૦૦૬માં નિર્માણ પામેલી ફિલ્મો માટેના છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સાથે જ ૧૯૭૦ની વર્ષથી દર વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરાતો હોય છે. ભારતમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં તેમની જન્મ જયંતી ૧૯૬૯માં આ એવોર્ડની સ્થાપના કરાઇ હતી. શરૂઆતનાં થોડાં વર્ષો પછી તેમાંય વિવાદ શરૂ થઈ ગયા. આશા ભોંસલે તો આ એવોર્ડ પોતાને બહુ મોડો મળ્યો છે તેનો આજે પણ અફસોસ વ્યક્ત કરતાં હોય છે. બીજી બાજુ ફિલ્મ સંગીતમાં ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનાર અનિલ વિશ્વાસને આ એવોર્ડ મળ્યો જ નહિ. લલિતા પવાર પણ આ એવોર્ડ મળશે એવી આશા સાથે જ સ્વર્ગે સિધાવી ગયાં. પ્રાણ પણ હજી આ એવોર્ડની રાહ જોઇ રહ્યા છે અને આ યાદી પણ મોટી છે. પરિણામ એ આવ્યું છે કે સરકાર છેલ્લાં થોડાં વર્ષોથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સાથે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત પણ કરી શકતી નથી. આ વખતે પણ એવું જ બન્યું છે. એટલું સારું છે કે ગયા વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે સુચિત્રા સેનના નામનું જે જબરદસ્ત લોબિંગ થયું હતું તેવું આ વખતે હજી તો કંઇ જોવા મળતું નથી. ગયા વર્ષે તો સુચિત્રા સેનનું નામ એવોર્ડ માટે જાંણે પસંદ થઈ ગયું હોય એ રીતે અહેવાલો પ્રગટ થવા માંડ્યા હતા. એક તબક્કે તો આ એવોર્ડ માટેની સમિતિના અધ્યક્ષ મૃણાલ સેને કહેવું પડ્યું હતું કે સુચિત્રા અંગેના અહેવાલોમાં તથ્ય નથી.
જોઇએ. આ વખતે એવોર્ડની સાંઢણી કોના પર કળશ ઢોળે છે… બાય ધ વે, વર્ષ ભલે ૨૦૦૮નું હોય, દાદાસાહેબ ફાળકે એવોર્ડ તો જ્યારે જાહેર થશે ત્યારે ૨૦૦૬ના વર્ષ માટે જાહેર થશે.