Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Classic Film’

“ડો. કોટનિસ કી અમર કહાની” કલાગુરુ વી. શાંતારામે બનાવેલી એક ફિલ્મ છે. આજે જેને “બાયો-પિક” (Boipic) કહે છે, એ કોઇ વ્યક્તિના જીવન પરથી ૧૯૫૦ના દાયકાના પ્રારંભે ફિલ્મ બનાવવાનો એક અતિ પ્રામાણિક પ્રયાસ હતો. શીર્ષક મુજબ જ ડો. કોટનિસની કહાણી ખરેખર અમર છે. એ જુદી વાત છે કે જો શાંતારામે આ ફિલ્મ ન બનાવી હોત તો ડો. દ્બારકાનાથ કોટનિસ ક્યાંય વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઇ ગયા હોત. જોકે આજે ભારતમાં તેમને જાણનારાઓની જે સંખ્યા છે તેના કરતાં ચીનમાં આ સંખ્યા અનેકગણી મોટી છે, કારણ કે આટલાં વર્ષો પછી આજે પણ ચીનમાં તેમનાં સેવા કાર્યોની સુવાસ જળવાઇ રહી છે. માનવતા માટે શહાદત વહોરનાર ડો. કોટનિસનું નિધન થયાંનાં ચાર જ વર્ષ બાદ ૧૯૪૬માં શાંતારામે તેમને રૂપેરી પડદે અમર બનાવી દીધા હતા.

મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૯૧૦માં દ્વારકાનાથ કોટનિસનો જન્મ થયો હતો. ૧૯૩૮ના અરસામાં જાપાન અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં ઘાયલ થવા ઉપરાંત પ્લેગનો ભોગ બનેલા ચીની સૈનિકોની સેવા-શુશ્રુષા માટે ભારતીય તબીબોની એક ટુકડી ચીન ગઈ હતી, તેમાં ડો. કોટનિસ પણ એક હતા. યુદ્ધ દરમ્યાન જાપાનીઓએ તેમને કેદ કરી લીધા હતા, અને કેદમાંથી મુક્ત થયા પછી ૧૯૪૨માં ત્યાં જ પ્લેગને કારણે તેમનું મોત થયું હતું, પણ એ પહેલાં તેઓ ચીનમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા હતા. માઓ-ત્સે-તુંગનું પણ તેમણે દિલ જીતી લીધું હતું. ચીની સૈનિકોની તેઓ ચાકરી કરતા હતા એ દરમ્યાન જ તેમનાં એક મદદનીસ ગુઓ કિંગલાન સાથે તેમણે ૧૯૪૧માં લગ્ન કર્યાં હતાં. ૧૯૪૨માં તેમનું અવસાન થયું ત્યારે તેમને ત્રણ માસનો એક પુત્ર હતો. જોકે તે પણ માંડ ૨૫ વસંત જોઇ શક્યો હતો.

“ડો. કોટનિસ કી અમર કહાની” આમ યાદ આવવાનું કારણ છે ૧લી જુલાઇના “ફૂલછાબ”માં પ્રગટ થયેલા ગુઓ કિંગલાનના નિધનના સમાચાર. ૯૬ વર્ષની વયે ચીનના ડાલીઆનમાં તેમણે અંતિમ શ્વાસ લીધો. ગુઓ કિંગલાન જીવ્યાં ત્યાં સુધી ભારતમાં ડો. કોટનિસના પરિવાર સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. તેઓ લગભગ છએક વાર ભારત આવ્યાં હતાં. કોટનિસના નિધન બાદ સમય જતાં તેમણે બીજાં લગ્ન કરી લીધાં હતાં, પણ પોતાના નામ સાથે ડો. કોટનિસનું હંમેશ જોડી રાખ્યું હતું.

ચીનમાં આજે પણ એટલા લોકપ્રિય છે કે જ્યારે પણ કોઇ ચીની નેતા ભારત આવે છે ત્યારે ડો. કોટનિસના પરિવારની તેઓ અચૂક મુલાકાત લે છે. થોડાં વર્ષો પહેલાં ચીનના પ્રેસિડેન્ટ હૂ જિન્તાઓ ભારત આવ્યા હતા ત્યારે ડો. કોટનિસના પરિવારને મળ્યા જ હતા. ડો. કોટનિસની સ્મૃતિમાં ચીનમાં એક સાર્વજનિક હોસ્પિટલને તેમનું નામ આપવામાં આવ્યું છે એટલું જ નહિ, તેમના માનમાં ચીનમાં ટપાલટિકિટ પણ બહાર પાડવાંમાં આવી છે.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં ચીનના સમાજજીવનમાં અમુલ્ય યોગદાન આપનારા ૧૦ વિદેશીઓ પસંદ કરવા માટે લોકો પાસેથી મત મગાવાયા હતા તેમાં ડો. કોટનિસને પણ સ્થાન મળ્યું હતું. નવાઇની વાત એ છે કે ચીનની નવી પેઢી પણ તેમનાં સેવાકાર્યોથી એટલી જ પ્રભાવિત છે.

Read Full Post »

૧૯૪૧માં એટલે કે લગભગ ૬૭ વર્ષ પહેલાં ફિલ્મ “સિટીઝન કેન” (Citizen Kane) બની હતી. એ પછી દુનિયાભરમાં હજારોની સંખ્યામાં ફિલ્મો બની ચૂકી છે અને બની રહી છે, પણ જ્યારથી “સિટીઝન કેન”નું નિર્માણ થયું છે, ત્યારથી વિશ્વ સિનેમામાં તે હંમેશાં સર્વશ્રેષ્ઠ ગણાઇ છે. દુનિયામાં ક્યાંય પણ ટોપ ટેન ફિલ્મોની યાદી બને તો અચૂક્પણે નંબર વન તો “સિટીઝન કેન” જ હોય. જ્યાં સુધી જોઇ નહોતી ત્યાં સુધી આ પ્રશ્ન હંમેશાં થતો હતો કે “સિટીઝન કેન”માં એવું તે શું છે? પણ નેટ પરથી ડાઉનલોડ કરીને જોયા પછી આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ ફિલ્મમાં ક્થાનકને પ્રભાવશાળી બનાવવા માટે કરાયેલા પ્રયોગો અને સિનેમાની ભાષા અને વ્યાકરણને તેણે આપેલા નવા અર્થોએ તેને સર્વશ્રેષ્ઠ બનાવી છે. વર્ષોથી આ ફિલ્મ ફિલ્મસર્જકો માટે પાઠ્યપુસ્તક સમાન બની રહ્યું છે. જો કે થોડાં વર્ષોથી “સિટીઝન કેન” over rated ફિલ્મ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

હવે તો ફિલ્મસર્જનમાં અતિ આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરાય છે, પણ ફિલ્મકળા માત્ર ને માત્ર દિગ્દર્શક્નું માધ્યમ હતું ત્યારે “સિટીઝન કેન”એ નવા આયામો સિદ્ધ કર્યા હતા, જેમ કે દૂરના અને નજીકનાં પાત્રો અને પરિવેશને એકસરખાં ફોકસમાં રાખવાની “ડીપ ફોકસ ટેકનિક”, કથાપ્રવાહને વેગવંતો અને પ્રભાવક બનાવવા દસ્તાવેજી ફિલ્મોનો ઉપયોગ સહિતના નવા પ્રયોગો આ ફિલ્મમાં પહેલી વાર કરાયા હતા.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક અખબારી સામ્રાજ્યનો માલિક ચાર્લ્સ ફોસ્ટર કેન છે, પણ તે વખતના અખબારી માંધાતા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ (William Randolph Hearst)ના જીવન પરથી તે લેવાઇ હોવાનું ચર્ચાસ્પદ બનતાં હર્સ્ટે આ ફિલ્મને રીલીઝ થતી અટકાવવા તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતા. વાર્તા એવી છે કે ચાર્લ્સ ફોસ્ટર કેન ધનાઢ્ય અને વગદાર છે. “સિટીઝન કેન” નામના અખબારનો તે માલિક છે. તે કોઇ પણ રાજકીય નેતાની કારકિર્દી બનાવી કે બગાડી શકે એવો સક્ષમ છે. ૭૮ વર્ષની ઉંમરે જ્યારે તે અંતિમ શ્વાસ લે છે ત્યાંથી ફિલ્મનો પ્રારંભ થાય છે. તેના અંતિમ શબ્દો છે “રોઝબડ” (Rosebud). આ શબ્દો હરકોઇ માટે એક રહસ્ય ઊભું કરે છે. આ રહસ્ય જાણવા બધા આતુર છે. “માર્ચ ઓફ ધ ન્યુઝ” નામના દસ્તાવેજી ફિલ્મોના સંપાદકને પણ તેમાં રસ પડે છે. આ શબ્દો પાછળનો ભેદ જાણી લાવવા તે એક પત્રકારને કામ સોંપે છે. શા માટે ચાર્લ્સ કેને “રોઝબડ” શબ્દો જ ઉચ્ચાર્યા? એમ કહીને તે શું કહેવા માંગતો હતો તેનો ભેદ ઉકેલવા પત્રકાર કામે લાગી જાય છે. તે કેન સાથે સંકળાયેલા અનેક પ્રકારનાં લોકોને મળે છે, અને તેનું બાળપણ, તેની કારકિર્દી અને મહત્ત્વકાંક્ષાઓ, સ્ત્રીઓ સાથેના તેના સંબંધો, ફિલ્મ જગતમાં તેની દખલગીરી અને કલાકારો તથા ખાસ કરીને અભિનેત્રીઓ સાથેની તેની નિકટતા તથા તેના પોતાના અખબારી વ્યવસાયને લગતી તમામ પ્રકારની માહિતી તે એકઠી કરે છે. આ માહિતી વિવિધ સ્વરૂપે પ્રેક્ષકો સામે આવતી રહે છે અને તેમાંથી કેનની જીવનકિતાબનાં પાનાં ખૂલતાં જાય છે. જુદી જુદી વ્યક્તિઓ કેનને જે રીતે ઓળખતી હતી કે મૂલવતી હતી તે વિગતોમાંથી એક પછે એક કડી જોડાતી રહે છે. આ બધા પ્રસંગો સમયની દૃષ્ટિએ ક્રમબદ્ધ નહિ, પણ આગળપાછળ દર્શાવાયા છે, કારણ કે માહિતી આપનારા કેનના જીવનના કોઇ પણ સમયગાળાની વાત કરતાં હોય છે.

અંતે “રોઝબડ” શબ્દો સુધી પ્રેક્ષકો પહોંચી જાય છે. કેન નાનપણમાં એક ગાડી વડે રમતો. એ ગાડી પર “રોઝબડ” શબ્દો લખેલા હતા એટલે ગાડીને તે “રોઝબડ” કહેતો. મકાનમાં આગ લાગવાને કારણે ઘણા સામાન સાથે ગાડી પણ ખાખ થઈ ગઈ હતી. મૃત્યુ વખતે કેનને બીજું કંઈ નહિ, પણ એ ગાડી યાદ આવી હતી, પણ તેને લઈને કથાનકની જે રીતે ગૂંથણી કરાઇ અને કેનનું ચરિત્ર ઉપસાવાયું તે અદભુત બની રહ્યું. દિગ્દર્શક ઓરઝન વેલ્સ (Orson Welles)એ જ ચાર્લ્સ કેનની ભૂમિકા ભજવી હતી. “સિટિઝન કેન”ને શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર મળ્યો હતો. 

“સિટીઝન કેન” સંદર્ભે બીજી બે જોવાલાયક ફિલ્મો છે RKO 281 અને FADE TO BLACK. આ બંને ફિલ્મો વિષે ફરી ક્યારેક…

Read Full Post »