અનુરાગ કશ્યપની ફિલ્મ “દેવ.ડી”ને સમીક્ષકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. કોઇ આ ફિલ્મ પર એટલું ઓવારી ગયું છે કે તેને પાંચ સ્ટાર આપી દીધા છે તો કોઇ ૨૧મી સદીના મરીમસાલા ભભરાવેલી આ પ્રેમકથાથી એટલા નારાજ થયા છે કે તેને એક જ સ્ટાર આપ્યો છે.
સંજય લીલા ભણશાલીએ “દેવદાસ” બનાવી હતી ત્યારે પણ ઘણી હોહા થઈ હતી. જૂની પેઢીનાં જે લોકોએ સાયગલ કે દિલીપકુમારની “દેવદાસ” જોઈ હતી તેમને ભણશાલીનો “દેવદાસ” મુદ્દલ ગમ્યો નહોતો. શરદબાબુની આ ક્લાસિક નવલકથાનું પી.સી. બરુઆ અને બિમલ રોયે પોતપોતાની રીતે અર્થઘટન કર્યું હતું તેમ ભણશાલીનું પોતાનું અર્થઘટન હતું.
હવે “દેવ.ડી”માં અનુરાગ કશ્યપનું પોતાનું અર્થઘટન છે, અને ન્યાય ખાતર પણ કહેવું પડશે કે આજની પેઢીનો દેવદાસ કેવો હોઇ શકે તેનું અતિ વાસ્તવ ચિત્રણ તેમણે કર્યું છે. એક સમીક્ષકે એવું લખ્યું છે કે “દેવ.ડી”નો દેવદાસ જોયા પછી શરદબાબુનો આત્મા જ્યાં હશે ત્યાં આપઘાત કરવાનું વિચારતો હશે, પણ સાવ એવું નથી. કારણ એ કે “દેવ.ડી” શરદબાબુની “દેવદાસ” પર આધારિત છે એવો કોઇ ઉલ્લેખ અનુરાગ કશ્યપે કર્યો નથી. ઊલટાનું ફિલ્મની શરૂઆતમાં એવું Disclaimer મૂક્યું છે કે આ કથા અને પાત્રો કાલ્પનિક છે અને તેને કોઇ જીવંત કે મૃત વ્યક્તિઓ સાથે સંબંધ નથી.
પંજાબી માહોલમાં આકાર લતી “દેવ.ડી” આજની પેઢીનાં દેવદાસ-પારો-ચંદાની કહાણી છે. લંડન ભણવા ગયેલો દેવ નાનપણથી પારોને ચાહે છે, પણ એ પ્રેમ લગભગ સો વર્ષ પહેલાં લખાયેલી નવલકથાનો “રુહાની” પ્રેમ નથી આજની પેઢીનો “જિસ્માની” પ્રેમ છે. તે એ હદે કે દેવ લંડનમાં હોય છે ત્યારે પારો હવે કેવી લાગતી હશે તે જોવા ઇ-મેઇલ મારફત પારોનો ન્યૂડ ફોટો મંગાવે છે અને પેલી મોકલે છેય ખરી. બંને પ્રેમીઓ મળે છે ત્યારે તેમની પહેલી પ્રાયોરિટી શરીરસંબંધ બાંધવાની છે.
પારોનાં લગ્ન બે છોકરાના બાપ સાથે થઈ જાય છે એટલે ઘર છોડીને નીકળી પડેલો દેવ દારૂ પીવા સાથે ડ્રગ્સ પણ લેવા માંડે છે, અને આ સ્થિતિમાં તે એક દિવસ એક કૂટણખાનામાં જઈ પહોંચે છે જ્યાં તે ચંદાને મળે છે. ચંદાનું મૂળ નામ લેની છે. ૧૨મા ધોરણમાં હતી ત્યારે તેને ભોળવીને તેનો બોયફ્રેન્ડ તેનો અશ્લીલ વીડિયો ઉતારી તેનો MMS ફરતો કરી દે છે. ઘટનાનો અંત એવો આવે છે કે લેની કૂટણખાનામાં પહોંચી જાય છે અને ભણશાલીની “દેવદાસ” વિડિયો પર જોતાંજોતાં પોતાનું નામ ચંદ્રમુખી રાખી લે છે.
અહીં વિખૂટાં પડેલાં પ્રેમીઓ એક્બીજાના વિરહમાં ઝૂરતાં નથી. તેઓ મળે છે ત્યારે એ મિલનનો અંત પણ પથારીમાં આવે છે. હિંદી ફિલ્મના હીરો અને હીરોઈન પડદા પર Four Letter Word બોલતાં હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે.
એક ફિલ્મકારની નજરે આજની પેઢીના દેવદાસ-પારોનું આ ચિત્રણ છે…