Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Film & Books’

cinema-book title
“ભારતીય સિનેમાનાં સો વર્ષ : મૂક ફિલ્મોનો બોલતો યુગ” પુસ્તક અંતે પ્રગટ થયું. અંતે શબ્દ એટલે વાપર્યો છે કે લગભગ છ-સાત વર્ષથી હસ્તપ્રત તૈયાર હતી, મૂળ તો “યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ” માટે આ પ્રોજેક્ટ હતો. બોર્ડના તત્કાલીન અધ્યક્ષ ડો. કેશુભાઇ દેસાઇ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને તરત તેમણે મંજૂર કર્યો હતો. જોકે હસ્તપ્રત તૈયાર થઈ સુધીમાં સ્થિતિ એવી સર્જાઇ હતી કે ગ્રંથનિર્માણ બોર્ડે તેની પ્રવૃત્તિઓ ઘણી મર્યાદિત કરી નાખી હતી અને નવા ગ્રંથોનું પ્રકાશન લગભગ નહિવત હતું, પણ એક જાણીતા પ્રકાશકે આ પુસ્તક છાપવામાં રસ દાખવ્યો. જોકે લગભગ બે વર્ષ પછી તેમણે એમ કહીને હસ્તપ્રત પરત કરી કે “સિનેમાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.” એ પછી બીજા એક પ્રકાશકે પણ દોઢેક વર્ષ તેમની પાસે હસ્તપ્રત રાખી મૂકી, અંતે કંટાળીને હસ્તપ્રત પાછી મંગાવી ત્યારે જોયું તો તેમણે કવર પણ ખોલ્યું નહોતું. અંતે પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદના બાબુભાઇ શાહે રસ દાખવ્યો અને “ભારતીય સિનેમાનાં સો વર્ષ” (પૃષ્ઠ – ૨૯૮, કિંમત – ૨૫૦ રુપિયા) પુસ્તક પ્રગટ થઈ શક્યું.

ભારતીય મૂક ફિલ્મો વિષે છૂટાછવાયા લેખો વાંચવા મળતા હતા, પણ માત્ર મૂક ફિલ્મોની વાત કરતું હોય એવું પુસ્તક હાથમાં આવતું નહોતું, એટલે મૂક ફિલ્મો વિષે જેટલી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે આપવાનું પ્રયોજન હતું. તેમાં કેટલી સફળતા મળી એ તો વાચકો જ કહી શકશે.

વિશ્વમાં સિનેમાના આવિર્ભાવથી માંડીને ભારતમાં ફિલ્મનું આગમન, ફિલ્મ બનાવવાના પ્રયાસો, ફિલ્મોનું નિર્માણ, ફિલ્મકારો, કલાકારો, સેન્સરશિપથી માંડીને સવાક ફિલ્મના નિર્માણ સુધીનો સમયગાળો આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. દરેક પ્રકરણના પ્રારંભે સિનેમા સંદર્ભે કોઇ ને કોઇ મહાનુભાવનું અવતરણ મૂક્યું છે. નવાઇ લાગે તેવી વાત છે પણ સિનેમાના શોધક ગણાતા લુમિયર બંધુઓ પણ તેમણે કરેલી શોધ કેવી મૂલ્યવાન છે, એ પારખવામાં થાપ ખાઇ ગયા હતા. લુઇસ લુમિયરે તો ત્યાં સુધી કહ્યું હતું કે “સિનેમા એક એવી શોધ છે, જેનું કોઇ ભવિષ્ય નથી.” ઓગસ્ટ લુમિયરે પણ એવું કહ્યું હતું કે “અમારી શોધનો એક ચોક્કસ સમય સુધી વૈગ્નાનિક કુતૂહલ તરીકે ઉપયોગ કરી શકાશે, પણ તેને બાદ કરતાં આ શોધનું કોઇ વ્યાવસાયિક ભવિષ્ય નથી.”

બીજાં કેટલાંક અવતરણો :

– વર્તમાન યુગમાં જો કોઇ કલા માધ્યમનો પ્રભાવ સૌથી વધુ હોય તો તે નિ:શંકપણે ફિલ્મો છે. – જવાહરલાલ નેહરુ

– લખાયેલા શબ્દની જેમ ફિલ્મ પણ એક ભાષા છે, જેને લખવા અને વાંચવા માટે નવા દૃષ્ટિકોણની જરુર છે. – ફ્રેન્ચ ફિલ્મકાર આસ્ત્રુક

– સિનેમા એ વિશ્વનું સૌથી ખૂબસૂરત છળ છે. – ઝ્યાં લુક ગોદાર્દ

– સિનેમાને કોઇ સીમાડા નથી હોતા. તે સપનાંઓની એક લાંબી પટ્ટી છે. – ઓરસન વેલ્ઝ

– માત્ર અડધી સદીમાં તો ફિલ્મો મૂકમાંથી શબ્દાતીત બની ગઈ. – ડો. લાર્સન

– સિનેમાએ તમને એ ભુલવાડી દેવું જોઇએ કે તમે થિયેટરમાં બેઠા છો. – રોમન પોલાન્સ્કી

– મૂક ફિલ્મો સવાક ફિલ્મોમાંથી વિકસી હોત તો તે વધુ તાર્કિક બની રહ્યું હોત. – મેરી પિકફોર્ડ

– ફિલ્મનિર્માણ એ નાણાંને પ્રકાશમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. અંતે તો છબિઓ દીવાલ પર ઝબકારા મારતી હોય છે. – જોન બુરમેન

– એક સો લેખો જે કામ નહિ કરી શકે તે એક ફિલ્મ કરી શકશે. – લોકમાન્ય ટિળક

– તમામ ફિલ્મો અતિવાસ્તવવાદી હોય છે. તેઓ એવું કંઇક બનાવે છે, જે વાસ્તવિક દુનિયા જેવું હોય, પણ એ હોતું નથી. – માઇકલ પોવેલ

– દરેક સફળ ફિલ્મમાં એક નાનો ચમત્કાર હોય છે. – એલિયા કઝાન

– ફિલ્મ એ ત્રણ યુનિવર્સલ ભાષાઓમાંની એક છે. અન્ય બે છે, ગણિત અને સંગીત. – ફ્રાન્ક કાપરા

– જો તેને લખી શકાય કે વિચારી શકાય તો તેના પરથી ફિલ્મ બનાવી શકાય. – સ્ટેન્લી કુબ્રિક

Advertisements

Read Full Post »

તહમિમા અનામ લંડનમાં સ્થાયી થયેલાં બાંગ્લાદેશી મૂળનાં યુવા લેખિકા છે. હજી ગયા મહિને જ તેમની બીજી અંગ્રેજી નવલકથા “ધ ગુડ મુસ્લિમ” પ્રગટ થઈ છે. તેમની પહેલી નવલકથા “ધ ગોલ્ડન એજ”એ તેમને જે રીતની ખ્યાતિ અપાવી અને આંતરરાષ્ટીય સ્તરના એવોર્ડ્સ પણ અપાવ્યા એ પછી સ્વાભાવિક જ આ નવી નવલકથા ઘણી અપેક્ષાઓ જગાવી ચૂકી છે. “ધ ગુડ મુસ્લિમ” તરફ ધ્યાન ખેંચાવાનું સૌથી મોટું કારણ છે તેનું શીર્ષક.

૨૦૦૬માં હોલીવૂડમાં એક ફિલ્મ બની હતી. તેનું શીર્ષક હતું “ધ ગુડ જર્મન”. આ ફિલ્મ એટલી ગમી ગઈ કે એકથી વધુ વાર જોઇ છે. જોસેફ કેનને લખેલી આ જ નામની નવલકથા પરથી દિગ્દર્શક સ્ટિવન સોડરબર્ગે બનાવેલી ફિલ્મ માત્ર તેના રસપ્રદ કથાનકને કારણે જ નહિ, બીજી ઘણી રીતે મજેદાર લાગી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછીના તરતના સમયગાળામાં ફિલ્મની ઘટનાઓ આકાર લે છે. ભારે તબાહીનો ભોગ બનેલા બર્લિનમાં અમેરિકા, રશિયા, બ્રિટન સહિતના વિજેતા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ભાવિ રણનીતિ ઘડવા એકઠા થાય છે. જોકે આ બધા દેશોનો એક છૂપો મકસદ પણ છે, અને ત્યાં તેઓ એકબીજાને મહાત કરવા ઇચ્છે છે.

યુદ્ધ પહેલાં જર્મનીમાં ઘણા વિગ્નાનીઓ અનેકવિધ પ્રોજેક્ટમાં લાગેલા હતા. તેમાંના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ તો ઘણા આગળ વધી ચૂક્યા હતા, પણ યુદ્ધનાં વર્ષો દરમ્યાન ઘણું ખોરંભે પડી ગયું હતું. હિટલરને તેના મકસદમાં સાથ આપનારા ઘણા નાઝીઓને ખતમ કરી દેવાયા હતા અને જેઓ પકડી લેવાયા હતા, તેમની સામે કેસ ચાલવાના હતા, પણ જે જર્મન વિગ્નાનીઓ હતા, તેઓ હિટલર માટે કામ કરતા હોવા છતાં તેઓ જો હાથ લાગે તો તેમને ચોરીછૂપીથી પોતાના દેશમાં લઈ જઈને તેમની આવડતનો ઉપયોગ કરવા બધા ઇચ્છતા હતા. એ માટે બધાએ પોતપોતાની રીતે જાળ બિછાવી રાખી હતી, અને કહેવાની જરૂર નથી કે પડદા પાછળ એક ઓર લોહિયાળ ખેલ શરૂ થઈ ચૂક્યો હતો.

હિટલરના નાઝી શાસન હેઠળના જર્મનીમાં યહૂદીઓ પર જે અમાનવીય અત્યાચારો થયા, તે સાથે જર્મનીમાં રહેતા તમામ જર્મનો સહમત હતા એવું નહોતું. અનેક જર્મનો નાઝીવાદના વિરોધી હતા, પણ તેઓ એટલા લાચાર હતા કે પોતાનો વિરોધ વ્યક્ત કરી શક્યા નહોતા. આવા જર્મનો માટે શબ્દ વપરાયો છે “ધ ગુડ જર્મન”. હિટલરના એક પ્રોજેક્ટ પર કામ કરનાર આવો જ એક વિગ્નાની “ગુડ જર્મન” હતો. તેને હાથ કરવા જે ખેલ ખેલાય છે તે આ ફિલ્મનું કથાનક છે.

દિગ્દર્શક સોડરબર્ગે ફિલ્મને વધુમાં વધુ અસરકારક બનાવવા તેને બ્લેક એન્ડ વ્હાઇટ તો બનાવી જ છે, પણ ફિલ્મનો “આસ્પેક્ટ રેશિયો” એ સમયે પ્રચલિત હતો તે રાખવા ઉપરાંત કેમેરા એન્ગલ અને લાઇટિંગ તથા બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક પણ એ સમય મુજબનાં રાખ્યાં છે.

અંગ્રેજી આર્થિક અખબાર Mint માં “ધ ગુડ મુસ્લિમ”ની સમીક્ષા વાંચતા સતત “ધ ગુડ જર્મન” નજર સમક્ષ તરવરતી રહી. બાંગ્લા દેશમાં જન્મેલાં પણ મોટા ભાગે વિદેશમાં જ ઊછરેલાં અને ભણેલાં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયેલાં તહમિમા અનામ એક નવલકથા ત્રયી લખી રહ્યાં છે, અને પહેલી “ધ ગોલ્ડન એજ” અને બીજી “ધ ગુડ મુસ્લિમ” પછી હજી આ ત્રયીની ત્રીજી નવલકથા તેઓ લખશે. આ ત્રણેય નવલકથાઓના પશ્ચાદભૂમાં ૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ જંગ અને તેમાં ભાગ લેનાર એક પરિવારની કહાણી છે.

“ધ ગુડ મુસ્લિમ” નવલકથા હજી વાંચી નથી, પણ માત્ર સમીક્ષા વાંચીને કોઇ અભિપ્રાય પણ બાંધી લેવો નથી. બસ, એટલું જાણવાની આતુરતા છે કે “ગુડ જર્મન”ની જેમ લેખિકા તહમિમા અનામને “ગુડ મુસ્લિમ” કહેતાં શૂં અભિપ્રેત છે…

Read Full Post »

સત્યજિત રાયે કહ્યું છે કે “કોઇ પણ ફિલ્મ દિગ્દર્શક માટે રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ પરથી ફિલ્મ બનાવવી એ પડકાર બની રહે છે, કારણ કે તેનાં સાહિત્યિક મૂલ્યો અનંત હોય છે.”

રાયના આ કથન સાથે ભાગ્યે જ કોઇએ અસંમતિ દર્શાવી છે. બંગાળી સાહિત્યની અનેક કૃતિઓ પરથી ફિલ્મો બની છે, અને એમ કહેવું જોઇએ કે ફિલ્મકારોને શરદબાબુ, બંકિમબાબુ વગેરે લેખકો જેટલા હાથવગા રહ્યા છે, એટલા બીજા કોઇ લેખક નથી રહ્યા. ગુરુદેવ ટાગોર પણ નહિ. તેનું કારણ શોધવા જવું પડે તેમ છે જ નહિ, સત્યજિત રાયે જ એ કારણ આપી દીધું છે. તે છતાં માત્ર બંગાળીમાં જ નહિ, હિંદી તથા બીજી ભારતીય ભાષાઓમાં ગુરુદેવની કૃતિઓ પરથી ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. આ આંકડો ખરેખર કેટલો થતો હશે એ તો કોઇ જાણતું નથી. ગુરુદેવની કોઇ પણ કૃતિ પરથી એ જ નામે બંગાળી ફિલ્મો બની હોય એવી ફિલ્મોની સંખ્યા પણ નોંધપાત્ર છે. બાકી તેમનાં ગીતો પરથી કે કથાઓ પરથી સીધી કે આડકતરી પ્રેરણા લઈને કેટલી ફિલ્મો બની છે એ તો કોઇ કહી શકે તેમ નથી.

ગુરુદેવનાં કથાનકો પરથી બનેલી ફિલ્મોમાં કેટલીક ફિલ્મો એવી છે જે જેતે સમયે સીમાચિહ્નરૂપ બની રહી, એટલું જ નહિ, એ કથાઓ લખાયાને આજે તો દાયકા વીતી ગયા છે અને કથાનકમાં નિરૂપાયેલા બંગાળી સમાજ અને તેમાં વર્ણવાયેલી સ્થિતિઓમાં હવે ભારે બદલાવ આવી ગયો છે છતાં આજે ૨૧મી સદીના પહેલા દાયકામાં પણ ફિલ્મકારોને ટાગોરની કૃતિઓ ફિલ્મ બનાવવા માટે પ્રેરી રહી છે, અને ફિલ્મો બની પણ રહી છે. સુભાષ ઘાઈ નિર્મિત “કશ્મકશ” તેનું તાજું ઉદાહરણ છે. ટાગોરની કૃતિ “નૌકા ડૂબી” પરથી તે બનાવાઈ છે.

ભારતમાં ફીચર ફિલ્મોનું નિર્માણ શરૂ થયું ત્યારથી બંગાળમાં ફિલ્મનિર્માણની પ્રવૃત્તિ વેગ પકડી ચૂકી હતી. પ્રારંભે મોટા ભાગે ધાર્મિક અને પૌરાણિક કથાનકો પરથી ફિલ્મો બની હતી, પણ જેવી સામાજિક કથાનકો પરથી ફિલ્મો બનવા માંડી કે તરત બંગાળી સાહિત્યની રચનાઓ તરફ ફિલ્મકારો વળ્યા હતા, અને ત્યારથી ટાગોરની વાર્તાઓ પર ફિલ્મકારોની પસંદગી ઊતરતી રહી છે. તેનું એક કારણ એ છે કે ભાવનાઓ અને માનવસંબંધોની દૃષ્ટિએ ટાગોરનું સાહિત્ય કાળજયી ગણાયું છે.

ટાગોરની વાર્તાઓ પરથી જે મૂક ફિલ્મો બની છે તેની યાદી પણ ઉપલ્બ્ધ નથી. જે મૂક ફિલ્મોનો ઉલ્લેખ મળે છે તેમાં એક છે “મનભંજન”. ૧૯૨૩ની ૧૮ જૂને રીલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન નરેશ મિત્રાએ કર્યું હતું. નિર્માણ કોલકાતાની તાજમહાલ ફિલ્મ કંપનીએ કર્યું હતું.

બીજી એક મૂક ફિલ્મ “બલિદાન”નો ઉલ્લેખ મળે છે, જે ઓરિયેન્ટ પિક્ચર્સના બેનર હેઠળ ૧૯૨૭માં દિગ્દર્શક નવલ ગાંધીએ બનાવી હતી.  તેમાં એ સમયનાં ખ્યાતનામ કલાકારો ઝુબેદા, સુલોચના, જાની બાબુ અને જાલ ખંભાતાએ કામ કર્યું હતું. ટાગોરના એક નાટક “બિસર્જન” પરથી જમશેદ રત્નાકરે આ ફિલ્મ માટે વાર્તા લખી હતી. આ ફિલ્મ ખાસ તો  પશ્ચિમના પ્રેક્ષકોને એ રીતે ધ્યાનમાં રાખીને બનાવાઇ હતી કે  ભારતમાં પણ પશ્ચિમી મપદંડો પર ખરી ઊતરી શકે એવી ફિલ્મો બની રહી છે. આ ફિલ્મમાં ઘટનાઓ ટીપેરા નામના એક કાલ્પનિક રજવાડામાં આકાર લે છે. આ રજવાડાનો શાસક ગોવિંદા સુધારાવાદી છે. તેનારાજ્યમાં વાર-તહેવારે મંદિરોમાં પ્રાણીઓનો બલિ ચઢાવાતો. રાજા બલિ ચઢાવવાની આ પ્રથા દૂર કરવા ઇચ્છે છે, પણ ગામનો પરંપરાવાદી પૂજારી તથા તેના જેવા વિચારો ધરાવતા લોકો તેનો વિરોધ કરે છે.  પરંપરાવાદીઓ તથા સુધારાવાદીઓ વચ્ચેનો સંઘર્ષ આ ફિલ્મમાં નિરુપાયો હતો. સંતાનવિહોણી રાણી ગુણવતીની ગોદ ભરાય તે માટે એક ભિક્ષુક બાળાનું બલિદાન અપવાનો મામલે બનતી ઘટનાઓ ફિલ્મની પરાકાષ્ઠા સર્જે છે.

ફિલ્મનું માધ્યમ કેટલું સશક્ત છે એનાથી ટાગોર અજાણ નહોતા, પરિણામે પોતાની રીતે તેઓ આ માધ્યમ સાથી કોઇ ને કોઇ રીતે જોડાયેલા રહ્યા હતા. ૧૯૨૯માં મોધુ બોઝે તેમની વાર્તા પરથી “ગિરિબાલા” નામની ફિલ્મ બનાવી હતી ત્યારે ફિલ્મનાં સબ-ટાઇટલ તેમણે લખી આપ્યાં હતાં. “ગિરિબાલા”ની કથા એવી છે કે ગોપીનાથ શ્રીમંત છે. ગિરિબાલા તેની અતિ સુંદર પત્ની છે, પણ પત્નીની ઉપેક્ષા કરીને તે નાટકની એક અભિનેત્રી લબંગા તરફ આકર્ષાય છે. પતિ રોજ રાત્રે ક્યાં જાય છે તે જોવા એક રાત્રે તે પતિનો પીછો કરે છે. ત્યાં જઈને જે જોવા મળે છે એ જોઈને તેના પોતાના માટે એક નવી દુનિયાનાં દ્બાર ખૂલી જાય છે. ગોપીનાથ જ્યારે લબંગા સાથે નાસી જાય છે ત્યારે ગિરિબાલા નાટકમાં જોડાઇ જાય છે અને ખ્યાતિ મેળવે છે. આ વાર્તામાં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે બેવડા માપદંડ પર ટાગોરે કટાક્ષ કર્યો હતો.

Read Full Post »

કોઇ ફિલ્મ સમીક્ષકે સાચું જ કહ્યું છે કે પડદા પર નિર્ઘૃણ હિંસા અને લોહી દેખાડવાની જે ભૂખ ક્વેન્ટિન ટેરેન્ટિનો (Quetin Tarrantino)માં છે એ ભાગ્યે જ કોઇ બીજા દિગ્દર્શકમાં જોવા મળે. “રિઝર્વોઇર ડોગ્સ”થી લઈને “કિલ બિલ” સહિતની તેની બાકીની ફિલ્મો અને હવે “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” તેનું ઉદાહરણ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનો કંપાવી દે તેવી હિંસાના દૃશ્યને પણ પ્રતીકાત્મક રીતે બતાવવામાં નથી માનતો. તે સ્પષ્ટપણે એવું માને છે કે જો માથું ધડથી અલગ કરવાનું દૃશ્ય હોય તો તે પડદા પર દેખાડવું જ જોઇએ. જેઓ ટેરેન્ટિનોની ફિલ્મોથી પરિચિત છે તેમને ખબર જ છે કે હિંસાને પડદા પર વધુ ને વધુ પ્રભાવક રીતે નિરૂપવામાં આ ફિલ્મકાર બેજોડ છે.

ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મો જોયા પછી એ ગમી કે નહિ એ જવાબ તરત આપી દેવો સહેલું નથી હોતું.  “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોયા પછી એવું જ બન્યું, પણ ટેરેન્ટિનોની ફિલ્મો સાથે હંમેશ બને છે તેમ તેની ફિલ્મો ધીમેધીમે તમારા પર સવાર થવા માંડે.

“ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” (Inglorious Bastards)માં બીજા વિશ્વયુદ્ધની એક કાલ્પનિક ઘટના છે. અગાઉ “ધ ગન્સ ઓફ નેવેરોન”થી માંડીને “વ્હેર ઇગલ્સ ડેર” સહિતની ઘણી કાલ્પનિક કથાઓ પરથી સુંદર યુદ્ધ ફિલ્મો બની ચૂકી છે, પણ જો ટેરેન્ટિનો  જો કોઇ કાલ્પનિક કથાનક હાથમાં લે તો કેવી ફિલ્મ બને એ “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોઇને જ ખ્યાલ આવે. અહીં ડ્રામા પણ છે, સારું એવું ટેન્શન ઊભું કર્યા પછી હળવાશમાં લઈ જતી ક્ષણો પણ છે, અને ટેરેન્ટિનો શૈલીની હિંસા સાથે મુખ્ય ત્રણ પાત્રો બ્રેડ પિટ (Brad Pitt), મેલેની લોરેન્ટ (Melanie Laurent) અને ક્રિસ્ટોફર વોલ્ત્ઝ ( Christoph Waltz)નો સુંદર અભિનય પણ છે. નાઝી અધિકારીની ભૂમિકામાં ક્રિસ્ટોફર વોલ્ત્ઝ તો ઓસ્કર નોમિનેશન મેળવી શકે એ કક્ષાનું કામ છે. નાઝી અધિકારીઓ કઈ હદે ક્રૂર અને બદમાશ હતા એનું ચિત્રણ ટેરેન્ટિનોએ વોલ્ત્ઝના પાત્ર દ્વારા પ્રભાવક રીતે કર્યું છે અને રસપ્રદ વાત એ છે કે કોઇ નાઝી અધિકારીના પાત્રનો વિકાસ થવા માટે કોઇ દિગદર્શકે આટલો સમય ફાળવ્યો હોય એવા દાખલા બહુ ઓછા હશે.

નાઝીઓએ ફ્રાન્સ પર કબજો કર્યા પછી “જ્યુ હન્ટર” તરીકે કુખ્યાત નાઝી અધિકારી એક ગામમાં એક ખેડૂતના ઘરમાં સંતાયેલા એક યહૂદી પરિવારનો ખાતમો બોલાવે છે ત્યારે તેની એક દીકરી શોસાના ભાગી જવામાં સફળ થાય છે. તે સમય જતાં પેરિસમાં એક થિયેટરની માલિક બને છે. યુદ્ધની એક ઘટનામાં ૩૦૦ અમેરિકન સૈનિકોનો ખાતમો બોલાવનાર એક જર્મન સૈનિકને હીરો ચીતરતી ફિલ્મ “નેશન્સ પ્રાઇડ”નો પ્રિમિયર આ થિયેટરમાં યોજવાનું નક્કી થાય છે. તેમાં હિટલર સહિત તમામ ટોચના નાઝીઓ  હાજર રહેવાના છે. એ બધા થિયેટરમાં હોય ત્યારે થિયેટરને આગ ચાંપી દઈ તમામને જીવતા ભૂંજી દઈ બદલો લેવાનો શોસાના પ્લાન બનાવે છે.

બીજી બાજુ અમેરિકન લશ્કરમાં રહેલા કેટલાક યહૂદીઓની ટોળી બ્રેડ પિટના નેતૃત્વમાં ફ્રાન્સ પહોંચે છે. તેમનો ધ્યેય એક જ છે, નાઝીઓને પકડી પકડીને ખતમ કરી નાખવા. તેઓ જે આતંક ફેલાવે છે તેને કારણે આ ગેંગ “બાસ્ટર્ડ્સ” તરીકે જાણીતી બની જાય છે. તેમને જ્યારે ખબર પડે છે કે એક થિયેટરમાં યોજાનારા ફિલ્મ પ્રિમિયરમાં ટોચના નાઝીઓ  હાજર રહેવાના છે ત્યારે તેઓ પણ આત્મઘાતી બોમ્બરો બનીને ત્યાં પહોંચી જાય છે. શોસાના અને બાસ્ટર્ડ ગેંગે કરેલા પ્લાનથી એક્બીજા વાકેફ નથી કારણ કે તેમની કદી મુલાકાત જ થઈ નથી. બંને પોતપોતાના પ્લાન અમલમાં મૂકે તે પહેલાં કેટલીક અણધારી ઘટનાઓ બને છે. ફિલ્મનો અંત એક ફિલ્મકારની પોતાની કલ્પના મુજબનો છે. ઇતિહાસમાં શું બન્યું છે એને તેઓ અનુસર્યા નથી.

ખ્યાતનામ ફિલ્મસમીક્ષક રોજર એબર્ટે (Roger Ebert) ખરું જ કહ્યું છે કે ટોરેન્ટિનોની ફિલ્મ એક વખત જોઈને કદી સંતોષ ન થાય.

Read Full Post »

Angels_and_demonsસિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?”

આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, પણ આસ્તિકતા અને નાસ્તિકતા એથી ક્યાંય વધુ ગહન બાબત છે. ભગવાનમાં માનનારો પૂરેપૂરો આસ્તિક ન હોય અને ન માનનારો સાવ નાસ્તિક ન પણ હોય. આમ પણ આસ્તિકતા અને નાસ્તિકતા ઘણા લોકો માટે સગવડિયો ધર્મ હોય છે.  આ વિષય પર ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં ટોમ હેન્ક્સ પણ જવાબમાં સીધી હા કે ના પાડતો નથી. તે કંઇક ફેરવીને જવાબ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને પૂછવામાં આવે છે, “કોણ શું કહે છે એ નહિ, તમે પોતે ભગવાનમાં માનો છો?” જવાબમાં તે કહે છે, “મારું મન કહે છે કે હજી હું ભગવાનને સમજી શક્યો નથી.” પ્રશ્ન : “તમારું દિલ શું કહે છે?” ટોમ હેન્ક્સ કહે છે, “શ્રદ્ધા એક ભેટ છે, જે હજી મને મળી નથી.” 

બેએક વર્ષ પહેલાં ડેન બ્રાઉનની નવલકથા અને તેના પરથી બનેલી ફિલ્મ “દા વિન્ચી કોડ” ખૂબ વિવાદાસ્પદ બની હતી. તેના પર પ્રતિબંધ લગાડવાની માંગણીઓ થઈ હતી, પણ ફિલ્મ સારી ચાલી હતી. તેને કારણે ડેન બ્રાઉને”દા વિન્ચી કોડ” પહેલાં લખેલી પણ ખાસ કોઈના ધ્યાનમાં ન આવેલી “એન્જલ્સ એન્ડ ડેમન્સ”ની પણ લોટરી લાગી ગઈ. બુક તો બેસ્ટ સેલર થઈ જ, તેના પરથી ફિલ્મ પણ બની, જે હાલમાં રીલીઝ થઈ છે.  

“દા વિન્ચી કોડ”માં લિયોનાર્ડો દા વિન્ચીનાં જગવિખ્યાત પેઇન્ટિંસ “મોનાલિસા” અને “ધ લાસ્ટ સપર”નાં ખ્રિસ્તી ધર્મને સાંકળીને કરાયેલાં અર્થઘટનોએ વિવાદ સર્જ્યો હતો.”એન્જલ્સ એન્ડ ડેમન્સ”નું કથાનક પણ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા કેન્દ્ર વેટિકનમાં આકાર લે છે. સંદર્ભ છેક ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યો છે, જ્યારે યુરોપમાં ચર્ચનું પ્રભુત્ત્વ હતું અને ધર્મ સામે વિગ્નાનની કોઈ વિસાત નહોતી. ગેલિલિયો જેવા વૈગ્નાનિકોને તેને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું એ તો  જગજાહેર છે. એ ઘટનાઓ અંગે વેટિકન તરફથી દિલગીરી પણ વ્યક્ત થઈ ચૂકી છે. 

કહે છે કે ગેલિલિયો અને એ પછીના સમયમાં વૈગ્નાનિકો, કલાકારો વગેરે પ્રબુદ્ધોએ Illuminati નામનું એક સંગઠન રચ્યું હતું જે આજે પણ એક ગુપ્ત અને ભેદી સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. આ Illuminati ફરી સક્રિય થયું છે અને સદીઓ પહેલાં ચર્ચે ચાર વૈગ્નાનિકોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા તેનો બદલો લેવા આવ્યું હોવાનું ફિલ્મનું કથાનક છે. સ્વિત્ઝરલેન્ડની “સર્ન” (CERN) પ્રયોગશાળામાં વિશ્વની ઉત્પત્તિ માટે જવાબદાર લેખાતા કણ Antimatter નું સંશોધન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ Antimatter એવી ઊર્જા છે કે જો તેનો વિધેયાત્મક ઉપયોગ કરાય તો માનવજાત ન્યાલ થઈ જાય, પણ તો તે હજારો અણુબોંબ એકસાથે ફાટે એવો વિનાશ સર્જી શકે. Antimatter રૂપી આ ભયાનક બોંબ વેટિકનમાં ગોઠવીને તેને અને તેની સાથે ખ્રિસ્તી ધર્મને નેસ્તનાબૂદ કરી નાખવાની Illuminatiની ભયાનક યોજના છે. CERN માંથી Antimatter ની ચોરી સાથે ફિલ્મનો પ્રારંભ થાય છે. 

સિસ્ટાઇન ચેપલ સહિતનાં વેટિકનનાં ખ્યાતનામ સ્થળો, પોપનું મૃત્યુ અને નવા પોપની વરણીની પ્રક્રિયાની સાથોસાથ વેટિકનમાં ક્યાંક ગોઠવાયેલું Antimatter ગણતરીના કલાલોમાં શોધવાની દોડધામ અને તે સાથે બનતી રહસ્યમય ઘટનાઓ પ્રેક્ષકોને ઝકડી રાખે છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે ૪૦૦ વર્ષ પહેલાં હતા એવા વિગ્નાનના વિરોધીઓ આજે પણ છે. ફિલ્મનો એક સંવાદ : “વિશ્વની ઉત્પત્તિનું રહસ્ય જો વિગ્નાનના હાથમાં આવી જશે તો ભગવાન માટે શૂં બચશે?”

પ્રતીક્ષાએ Angels & Demons બુક વાંચી છે. તેના કહેવા મુજબ બુક જેટલી મજા ફિલ્મમાં આવતી નથી. એ પછી બુક વાંચવાની ઇન્તેજારી વધી ગઈ છે…

Read Full Post »

કોઇ ભારતીયને ઓસ્કરના ઉંબરે ખડા કરી દેનારી ફિલ્મ Slumdog Millionaire જેના આધારે બનાવાઈ છે તે વિકાસ સ્વરૂપની અંગ્રેજી નવલકથા Q & A નો ગુજરાતી અનુવાદ “જેકપોટ” વાંચ્યો. ફિલ્મ તો પહેલા જ દિવસે જોઇ લીધેલી. ઘણા સમય પહેલાં એવું વાંચ્યાનું કે સાંભળ્યાનું યાદ છે કે અભિવ્યક્તિનાં બધાં માધ્યમોમાં લિખિત શબ્દની જે તાકાત છે તે અનન્ય છે.  પહેલી વાર તેનો અનુભવ Alistair MacLean ની થ્રિલર પરથી બનેલી ફિલ્મ Breakheart Pass જોઇ હતી ત્યારે થયો હતો. નવલકથામાં જે થ્રિલ હતું તે ફિલ્મમાં નહોતું. લિખિત શબ્દની એ તાકાત હતી.  એ પછી તો વીતેલાં વર્ષોમાં આવો અનુભવ ઘણી વાર થતો રહ્યો છે. Slumdog Millionaire  જોયા પછી Q & Aનો અનુવાદ “જેકપોટ” (અનુવાદ :  સુધા મહેતા, પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ-મુંબઈ, કિંમત રૂ. ૧૬૦) વાંચીને વધુ એક વાર આ અનુભૂતિ થઈ.

તમામ પ્રકારના અભાવો વચ્ચે ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો છોકરો એક ક્વિઝ-શોમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબો આપીને સૌથી મોટું ઇનામ જીતી જાય છે, અને તેને પુછાયેલા બધા પ્રશ્નોના જવાબો તેણે જીવેલી જિંદગીમાંથી તેને મળ્યા છે એ મૂળ આઇડિયાને બાદ કરીએ તો Slumdog Millionaire અને Q & Aને ખાસ કંઇ લાગતુંવળગતું નથી. એટલે સુધી કે જમાલને પુછાયેલા પ્રશ્નો અને તેના જવાબ સંદર્ભે જિવાયેલી જિંદગીનું નિરુપણ પણ જુદું છે.

એ વાત સાચી છે કે Q & A કોઈ પ્રશિષ્ઠ સાહિત્યિક કૃતિ નથી કે તેના પરથી ફિલ્મ બનાવનારે મૂળ પાઠને વળગી રહેવું પડે અને આમ પણ ફિલ્મકારો સિને માધ્યમની જરુરિયાત મુજબ ફેરફારો કરતા જ  હોય છે, એટલે Slumdog Millionaireમાં વ્યાપક ફેરફારો કરાયા છે એ કોઇ નવાઇની વાત નથી, પણ મજા એ વાતની છે કે ફિલ્મ કરતાં નવલકથાએ વધુ જલસો કરાવી દીધો, એટલું જ નહિ, ફિલ્મ કરતાં નવલકથા વધુ લોજિકલ પણ છે. બાય ધ ફિલ્મમાં જે વ્યાપક ફેરફાર કરાયા છે તે સાથે લેખક વિકાસ સ્વરૂપ સહમત છે, અન તેમની નવલકથાનું હાર્દ ફિલ્મમાં જળવાયું છે એવું તેઓ માને છે.  

નવલકથામાં ક્વિઝમાં પુછાતા દરેક પ્રશ્નનું એક અલાયદું પ્રકરણ અને એ દ્વારા ખુલ્લી થતી યુવાન (ફિલ્મનો જમાલ નવલકથામાં રામ મુહમ્મદ થોમસ છે)ની સંઘર્ષમય જીવનકિતાબનાં પાનાં, જેમાં તે અવનવી પરિસ્થિતિમાં મુકાતો રહે છે અને અવનવાં પાત્રોના પરિચયમાં આવતો રહે છે. એક નવલકથાને રસપ્રદ બનાવવા અને વાચકને જકડી રાખવા જરૂરી હોય એ Twist and Turn નાં બધાં તત્ત્વો અહીં મોજૂદ છે.  

ક્વિઝ-શોમાં છેક સુધી પહોંચી ગયેલા યુવાનને ખરેખર શા માટે પકડવામાં આવે છે, તે પોતાની જીવનકિતાબનાં પાનાં કોની સમક્ષ ખોલે છે અને ખાસ તો ક્વિઝ-શોની તિકડમબાજી આ બધું જે રીતે નવલકથાંમાં છે એવું ફિલ્મમાં નથી. નવલકથામાં અંતે જે કેટલાંક રહસ્યો ખૂલે છે તે પણ ફિલ્મમાં નથી. અને હા, અમિતાભના ઓટોગ્રાફવાળો જુગુપ્સાપ્રેરક સીન ફિલ્મમાં છે એ પણ નવલકથામાં નથી.

Slumdog Millionaire ફિલ્મ તમે જુઓ કે ન જુઓ, નવલકથા તો વાંચવા જેવી છે જ…

Read Full Post »

“સ્લમડોગ મિલિયોનર” વિષે ઘણું લખાઇ ચૂક્યું છે, લખાઇ રહ્યું છે અને ઓસ્કરનો મામલો નહિ પતે ત્યાં અને તે પછી પણ લખાતું રહેવાનું છે. “સ્મલડોગ” એટલે ભારતની ગરીબીને વિદેશોમાં વેચવાનો પ્રયાસ એવું જે કહેવાઇ રહ્યું છે તેની સાથે ખાસ સહમત થઈ શકાઇ તેમ નથી. એક વિદેશી દિગ્દર્શકે બનાવેલી ફિલ્મમાં ભારતની ગરીબાઇ દેખાડાઇ છે તેની સામેનો આ વાંધો હોય તો તેનો કોઇ ઉપાય નથી, બાકી ભારતમાં મૂક ફિલ્મોના સમયથી (સાવકારી પાશ, ૧૯૨૫) એવી સેંકડો ફિલ્મો બની છે, અને ખાસ કરીને જેના પર સમાંતર ફિલ્મો, કળા ફિલ્મો કે સાર્થક ફિલ્મો એવાં લેબલો મારવામાં આવ્યાં છે, એમાની તો મોટા ભાગની ફિલ્મો (દિગ્દર્શકોનાં નામ આપવાની જરૂર ખરી?)માં ગરીબાઇ, ભૂખમરો, સ્ત્રીઓ-બાળકોનાં શોષણથી માંડીને દેશમાં જે કંઇ રાજકીય-સામાજિક દૂષણો છે, તેનું ચિત્રણ યથાર્થ (Real) અને અતિ-યથાર્થ (Surreal) રીતે થયેલું છે. આમાંની અનેક ફિલ્મો ભલે ઓસ્કર કે ગોલ્ડન ગ્લોબ સુધી ન પહોંચી શકી હોય, પણ દેશમાં અને સમીક્ષકોએ તેને ભરપૂર બિરદાવી છે. દુનિયાના અનેક પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલોમાં તે દર્શાવાઇ છે, અને એવોર્ડ્સ પણ મેળવેલા છે. એ વખતે દેશની ગરીબી વિદેશીઓને દર્શાવીને વાહવાહી મેળવાઇ રહી છે એની કોઇને ચિંતા નહોતી, પણ હવે એક વિદેશીએ ફિલ્મ બનાવી છે, તેની સામે વાંધો છે. 

ખરેખર તો આ બૂમરાણ પાછળ એ પીડા જોવા મળી રહી છે કે ભારતીય કલાકારો અને ભારતીય લેખકે લખેલા કથાનક પરથી એક વિદેશી આવી સફળ ફિલ્મ કઇ રીતે બનાવી ગયો? ફિલ્મનિર્માણની સંખ્યાની દૃષ્ટિએ ભલે આપણે હોલીવૂડને પાછળ રાખી દેતા હોઇએ, પણ એક ઓસ્કર મેળવવાની વાત આવે ત્યારે તો આપણે વિદેશમાં બનેલી કોઇ ફિલ્મ કે કોઇ વિદેશી સર્જકે બનાવેલી ફિલ્મ પર જ આધાર રાખવો  પડે છે એની આ પીડા છે.

કોઇ ભારતીય ફિલ્મને કદી ઓસ્કર નથી મળ્યો કે દર વર્ષે ભારતીય ફિલ્મને ઓસ્કર માટે નોમિનેશનનાં પણ ફાંફાં હોય છે, તેનો અર્થ એ હરગીજ નથી, કે ભારતમાં ઉમદા ફિલ્મો નથી બનતી. ખરી વાત તો એ છે કે એવોર્ડ ચાહે ઓસ્કર હોય, નોબેલ હોય કે બીજો કોઇ પણ હોય, અંતે તો તે માણસો કે માણસોએ ગોઠવેલી સિસ્ટમ દ્બારા જ અપાતો હોય છે, અને જ્યાં માણસની સામેલગીરી હોય ત્યાં કંઇ પણ બની શકતું હોય છે, એટલે કોઇને એવોર્ડ મળવો કે ન મળવો એ કંઇ શ્રેષ્ઠતાનો પુરાવો કદી ન હોઇ શકે.

“સ્લમડોગ મિલિયોનર”ની જ વાત કરીએ તો કોઇને કરોડપતિ બનાવી શકે એવા ક્વિઝ-શોમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલા યુવાનની જિંદગીમાંથી મળી શકતા હોય તે એક નવાનકોર આઇડિયાને કથાનકના તાણાવાણામાં જે સુંદર રીતે વણી લેવાયો છે, તેને બાદ કરીએ તો ફિલ્મમાં એવું કશું જ નવું નથી, જે આ પહેલાં કોઇ ન કોઇ હિંદી ફિલ્મમાં એક યા બીજી રીતે ન આવી ગયું હોય.

રહી વાત સંગીતકાર એ. આર. રહેમાનની, તો આ સંગીતકારે તો પોતાની પ્રતિભા ઘણા સમય પહેલાંથી પુરવાર કરી આપી છે, એ માટે તે કોઇ ઓસ્કર નોમિનેશનનો મોહતાજ નથી. “સ્લમડોગ મિલિયોનર”માં રહેમાનનું સંગીત સારું જ છે, પણ ઓસ્કર નોમિનેશન મળવાથી જ તે કંઇ શ્રેષ્ઠ નથી થઈ જતું. “સ્લમડોગ મિલિયોનર” પહેલાં રહેમાન “લગાન” સહિતની ઘણી ફિલ્મોમાં વધુ સારું સંગીત આપી ચૂક્યો છે, પણ અગાઉ તેનું સંગીત સાંભળવાથી વંચિત રહેલા વિદેશીઓને જો તેનું આ સંગીત શ્રેષ્ઠ લાગતું હોય અને તેને ઓસ્કરને લાયક ગણતા હોય તો આપણે તો એટલું જ કહેવાનું રહ્યું કે જય હો…

“સ્લમડોગ મિલિયોનર”માં જે નથી ગમ્યું તે અમિતાભના ઓટોગ્રાફ મેળવવાવાળો સીન. અમિતાભના ઓટોગ્રાફ લેવા બાળક કોઈ પણ હદે જઈ શકે છે તે બતાવવા આવો જુગુપ્સાપ્રેરક સીન જ બતાવવો જોઇએ એ જરૂરી નથી. બાય ધ વે, ફિલ્મમાં અમિતાભ તરીકે જેને બતાવ્યો છે તેનો ચહેરો ભલે ન બતાવ્યો હોય, પણ એ જુનિયર આર્ટિસ્ટને ટાઇટલમાં  ક્રેડિટ તો આપી જ છે. તેનું નામ ફિરોઝ ખાન છે. વધુ રસપ્રદ વાત એ છે કે બાળક જમાલ જેના ઓટોગ્રાફ લેવા જાય છે એ અભિનેતા અમિતાભ બચ્ચન કોણ છે એની ઓળખ સૌથી વધુ જાણીતી અને સૌથી વધુ જોવાતી ફિલ્મોની સાઇટ imdb પર આપ્યો છે તે જોવા જેવો છે…

Read Full Post »

Older Posts »