Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Gujarat’

૨૦૧૦ ગુજરાતની સ્થાપનાનું અર્ધશતાબ્દી વર્ષ છે. તેની સ્વર્ણિમ ઉજવણી તો થવાની જ, પણ વીતેલાં પચાસ વર્ષો દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે શુંશું મેળવ્યું, કેટલું મેળવ્યું અને ક્યાં ખોટ પડી એનાં સરવૈયાં પણ થવાનાં જ. આવું જ એક સરવૈયું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું છે. શીર્ષક છે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…”  (૨૫૮ પાનાંના આ પુસ્તકની કિંમત છે ૧૭૫ રૂપિયા). જેતે ક્ષેત્રના જાણકાર લેખકોએ લખેલા લેખોનું સંપાદન યશવન્ત મહેતાએ કર્યું છે.

દેશની આઝાદીને ૫૦ વર્ષ થયાં હતાં ત્યારે  પ્રગટ થયેલા  “અર્ધશતાબ્દીનું અવલોક્ન” (સંપાદન : યશવન્ત મહેતા)ને પગલે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” આવ્યું છે. ૨૦ લેખકોના ૨૨ લેખોને આ ગ્રંથમાં સમાવાયા છે. એમ કહી શકાય કે ૨૦ લેખકોએ ૨૨ વિવિધ ક્ષેત્રોનું ૫૦ વર્ષોનું જે સરવૈયું આપ્યું છે તેનો તાળો યશવન્તભાઇએ મેળવ્યો છે. તેમની પ્રસ્તાવનાનું શીર્ષક જ છે “આવો, તાળો મેળવીએ.”

૨૦ લેખકોએ જે ૨૨ વિષયોને આવરી લીધા છે તેમાં આદિવાસીઓના જીવન તથા અર્ધશતાબ્દી અને પત્રકારત્વ (ઇન્દુકુમાર જાની), વિગ્નાન, ટેકનોલોજી અને ઉદ્યોગો (ડો. કિશોર પંડ્યા), ગુજરાતમાં મહિલાઓનું સ્થાન (ગાર્ગી વૈદ્ય), પ્રકાશનપ્રવૃત્તિ (જિતેન્દ્ર  દેસાઇ), લુપ્ત થતા લોકવારસાનું જતન (જોરાવરસિંહ જાદવ), ટીવીમય ગુજરાત (તુષાર તપોધન), ગુજરાતના રાજકીય પ્રવાહો (દિનેશ શુક્લ), પ્રકૃત્તિ અને પર્યાવરણ (નટવર હેડાઉ), ગુજરાતીઓની બદલાયેલી લાઇફસ્ટાઇલ : મહાગુજરાતથી મોલ કલ્ચર સુધી (બેલા ઠાકર), ગુજરાતી રંગભૂમિ – રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં (ભરત દવે), ગુજરાતના આર્થિક પ્રવાહો તથા ગુજરાતના ભદ્ર વર્ગનો બદલાયેલો ચહેરો (રમેશ બી. શાહ), કૃષિ અને ગ્રામવિકાસ (ડો. રવીન્દ્ર અંધારિયા), અર્ધશતાબ્દીનું ગુજરાતી સાહિત્ય – એક વિહંગાવલોકન (રવીન્દ્ર ઠાકોર), રમતગમત – સિદ્ધિઓથી ઘણા દૂર (સુધીર તલાટી), પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ (શાંતિભાઇ બી. પટેલ), અર્ધશતાબ્દી અને પંચાયતી રાજ (શિવદાન ગઢવી), ગુજરાતની દૃશ્યક્લા (હકુ શાહ), ગુજરાતની સેવાસંસ્થાઓ (હરિણેશ પંડ્યા) અને ગુજરાતનાસંગીતની અર્ધશતાબ્દી (ડો. હસુ યાગ્નિક)નો સમાવેશ થયો છે. ગુજરાતી ફિલ્મો વિષે લખવાનું મારા ભાગ્યે આવ્યું છે.

સંપાદકે લખ્યું છે તેમ અર્ધશતાબ્દીએ ગુજરાતના વિકાસની આ રૂપરેખામાં અમુક લેખની ક્ષતિપૂર્તિ કરવા સ્પેસ ફિલરનો ઉપયોગ કરીને પણ ઘણી ઉપયોગી માહિતિ અપાઇ છે. આ ગ્રંથના ઉદભવ સંદર્ભે યશવન્તભાઇએ એક મજાની નોંધમાં લખ્યું છે… “એક દૃ્ષ્ટિએ જોતાં, પચાસ વર્ષનો ગાળો બહુ ટૂંકો ગણાય, અને એટલા ગાળામાં થયેલાં પરિવર્તનો વિરાટ કાળપટના સંદર્ભમાં તુચ્છ લાગે. વળી, પચાસ વર્ષ પૂરાં થયા પછી તરત જ એનું મૂલ્યાંકન કરવા બેસીએ તે પણ કદાચ ઘણું વહેલું લાગે. ૧૯૬૦ના દાયકામાં કોઇકે માઓ જે-દુંગને પૂછેલું કે ફ્રેન્ચ ક્રાંતિનું જગત-ઇતિહાસમાં શું મહત્ત્વ છે, ત્યારે માઓએ કહેલું કે એ કહેવું ઘણું વહેલું ગણાય. (ત્યારે ફ્રેંચ ક્રાંતિને બે શતાબ્દીઓ વીતી ચૂકી હતી!) …અને છતાં વખતોવખત આત્મનિરિક્ષણ, આત્મટિપ્પણ અને આત્મમૂલ્યાંકન કરવાનું સમાજના સર્વાંગી હિતમાં હોવાથી, અર્ધશતાબ્દી નિમિત્તે કંઇક આવું આત્મ-અવલોકન કરવું મુનાસિબ લાગ્યું…”

ગુજરાતી ફિલ્મોનાં ૫૦ વર્ષના મારા વિષયની વાત કરું લેખ લખાયો અને ગ્રંથનું પ્રકાશન થયું એ વચ્ચે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. વીતેલા એક વર્ષ દરમ્યાન બીજાં બધાં ક્ષેત્રોમાં જે કંઇ પરિવર્તનો થયાં હોય, ગુજરાતી ફિલ્મો ઠેરની ઠેર જ છે. હા, ફિલ્મો ઊતર્યે જાય છે, અને તેની સંખ્યા મોટી થતી જાય છે, વચ્ચે એવા પણ અહેવાલ હતા કે એકાદ-બે ફિલ્મોનાં શૂટિંગ લંડનમાં પણ થયાં છે. એવી બધી વાતોથી જો રાજી થઈ શકાતું હોય તો થઈ શકાય. બાકી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બનેલી મરાઠી ફિલ્મને ઓસ્કરમાં મોકલવાની ઘટના પાંચ વર્ષમાં બીજી વાર બનતી હોય ત્યારે અર્ધશતાબ્દી વર્ષમાં આપણે પણ “બી પોઝિટિવ”નો મંત્ર અપનાવીને એવી આશા રાખીએ કે ગુજરાતી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી આપણો  દિવસ પણ ફરશે…

Read Full Post »

૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીનો દિવસ અને એ પછીના ઘણા બધા દિવસો આ જિંદગીમાં કદાચ ક્યારેય નહિ ભુલાય. ૨૦૦૯ની ૨૬મી જાન્યુઆરીનો દિવસ શરૂ થયાને લગભગ એક કલાક વીતી ગયો છે. રાત્રે એક વાગ્યે મારા બેડરૂમની બારી પાસેથી હટવાની ઇચ્છા નથી થતી. દૂર જોઇ રહેવાનું મન થાય છે. ચારેકોર અંધારા વચ્ચે દૂર રંગીન રોશનીથી શણગારાયેલું ઝળાંહળાં “શિખર” પરથી નજર હટતી નથી.

આ શિખર એટલે શિખર એપાર્ટમેન્ટ. બરાબર આઠ વર્ષ પહેલાં ૨૬મી જાન્યુઆરીએ ભયાનક ભૂકંપમાં જે કેટલીક બિલ્ડિંગો પત્તાંના મહેલની માફક ઢળી પડી હતી તેમાં આ કમનસીબ શીખર પણ એક હતી. તેમાં લગભગ ૧૧૦ જણાંનાં મોત થયાં હતાં. આખા ગુજરાતમાં જ્યાં પણ ભૂકંપની અસર થઈ હતી ત્યાં કોઇ એક બિલ્ડિંગમાં આટલી સંખ્યામાં મોત નહિ થયાં હોય.

ભૂકંપે ગુજરાતમાં અનેક લોકોની જિંદગી ઘરમૂળથી બદલી નાંખી છે. મારું એ સદનસીબ રહ્યું કે મને કે મારા પરિવારને ખાસ કંઈ સહન કરવાનું આવ્યું નહિ. પણ ભૂકંપ પછીના થોડા દિવસો જે તાણમાં વીત્યા હતા એ મન જાણે છે. મારા આંગન એપાર્ટમેન્ટના ત્રણેત્રણ બ્લોકના કેટલાક પીલરોને નુકસાન થયું હતું, અને બીજા કે ત્રીજા દિવસે નુકસાનીની તપાસ કરવા આવેલા એક અલેલટપ્પુ સરકારી ઇજનેરે આ મકાનમાં હવે રહી શકાશે નહિ એવું જાહેર કર્યું હતું ત્યારે પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

બેચાર દિવસ એક મિત્રને ત્યાં રહ્યા અમે ત્રણેએ નક્કી કરી લીધું કે જે થવું હોય તે થાય, આપણા ઘરમાં જ રહેવું, અને ૩૬ ફ્લેટ અને ૪ ટેનામેન્ટના અમારા આખા કોમ્પલેક્સમાં ઘણા દિવસો સુધી માત્ર અમે ત્રણ જ ત્રીજા માળના અમારા ફ્લેટમાં એકલાં જ રહ્યાં હતાં તે બરાબર યાદ છે. પછી તો ડેમેજ થયેલા પિલરો રિપેર થયા અને ધીમેધીમે બધું થાળે પડતું ગયું. હા, જેમણે ભૂકંપમાં ઘણું  ઘણું ઘણું સહન કરવાનો વારો આવ્યો છે તેઓ આ બધાં વર્ષો દરમ્યાન કેટલાં થાળે પડી શક્યાં હશે એની તો કલ્પના જ કરવાની રહી. જેમણે પોતાનાં માતા-પિતા-બહેન-ભાઈ-દીકરા-દીકરી કે કુટુંબીઓ ગુમાવ્યા છે, તેમની પીડાની તો કલ્પના પણ ન થઈ શકે.

પણ… જૂનું પાછળ મૂકતા રહીને નવસર્જન કરતા રહેવાની માણસની પ્રકૃતિ  છે, મારા બેડરૂમની બારીમાંથી દેખાતું ઝળાંહળાં “શિખર” તેનું ઉદાહરણ છે. એક સમયે એવું લાગતું હતું કે અહીં હવે નવું શિખર કદી ઊભું નહિ થઈ શકે, પણ માણસના અડીખમ જુસ્સાનું પ્રતીક હોય એવું આ શિખર ફરી ઊભું થયું છે. શિખરના રહીશોએ જ તે ઊભું કર્યું છે. આજે ૨૬મીએ શિખર ફરી ધમધમતું થઈ જવાનું છે…

અંતે જય તો જિંદગીનો જ થાય છે… મારા બેડરૂમની બારીમાંથી રાત્રે એક વાગ્યે જેવો પડ્યો એવો શિખરનો ફોટો પાડી લીધો છે…

Read Full Post »