
બિરકેનકોફ પર...
સ્ટુટગાર્ટની પશ્ચિમે આવેલી પહાડી બિરકેનકોફ જવાનાં બે પ્રયોજન હોઇ શકે. એક તો લગભગ ૫૧૧ મીટરની ઊંચાઇ પરથી સ્ટુટગાર્ટ અને તેની આસપાસના અપાર કુદરતી સૌંદર્યને માણવાની અને બીજું, આ પહાડી પર ખડકાયેલી બીજા વિશ્વયુદ્ધ વખતના વિનાશની સ્મૃતિઓ નિહાળવાનું. સ્ટુટગાર્ટના કુદરતી સૌંદર્યને તો છેલ્લા પંદર દિવસથી મનભરીને માણીએ જ છીએ એટલે અમારે મન બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલી સ્મૃતિઓ નિહાળવાનું વિશેષ મહત્ત્વ હતું. આમ પણ અત્યંત એકાંત ઇચ્છતાં યુગલોને બાદ કરતાં આ પહાડી પર ચઢતાં પ્રવાસીઓ મોટા ભાગે આ સ્મૃતિઓ જોવાના હેતુથી જ આવતાં હોય છે.
બિરકેનકોફનું બસસ્ટેન્ડ ખાસ્સા ઊંચાણ પર આવેલું છે, પણ પહાડી ચઢવા માટે લગભગ ચારેક કિલોમીટર ચાલવું પડે. ટોચે પહોંચીએ એટલે એક બાજુ પહાડી પરથી ચારેકોર અફાટ ફેલાયેલી હરિયાળી મનને પ્રફુલ્લિત કરી દે, પણ પહાડી પર ખડકાયેલો કાટમાળ મનને ગ્લાનિથી ભરી દે. બીજા વિશ્વયુદ્ધની વિભીષિકાનો દસ્તાવેજ જાણે અહીં જીવંત થઈ ઊઠે છે.
આખા યુરોપને તહસનહસ કરી નાંખનારા બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આ નાનકડા શહેર પર ૫૩ જેટલા હવાઇ હુમલા થયા હતા, જેને કારણે અનેક બિલ્ડિંગો ધરાશાયી થયાં હતાં. યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં શહેરનું તો પુન:નિર્માણ થયું, પણ યુદ્ધની તબાહી આંખો સામે રહે અને આવનારી પેઢી માટે એક સબક બની રહે તે માટે ૧૯૫૩થી ૧૯૫૭નાં વર્ષો દરમ્યાન લગભગ ૧૫ લાખ ઘનમીટર કાટમાળ બિરકેનકોફ પહાડી પર ખડકી દેવાયો. તેને કારણે પહાડીની ઊંચાઇ લગભગ ૪૦ મીટર વધી ગઈ. બિલ્ડિંગોની છત, કમાન, થાંભલા, દીવાલો વગેરેના નાનામોટા ટુકડાઓનો અહીં ખડકલો છે. એક ક્રોસની મોજૂદગી પણ માહોલને ઓર ગમગીન બનાવતી રહે છે. પણ જેવી કાટમાળ તરફથી નજર દૂર સુધી લીલોતરી વચ્ચે ધબકતા સ્ટુટગાર્ટ તરફ ફરે કે તરત યુદ્ધ એક ઇતિહાસ બની રહે… હા, ભૂલી ન શકાય તેવો ઇતિહાસ…

પહાડી પરથી સ્ટુટગાર્ટ...