Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Hugo’

માર્ટિન સ્કોર્સિસની “હ્યુગો”એ જલસા કરાવી દીધા. 3-Dને મામલે “અવતાર”થી પણ ચઢિયાતી પુરવાર થાય એવી આ ફિલ્મ હ્યુગો નામના એક કિશોર અને પછી તેની સાથે જોડાતી ઇસાબેલ નામની એક કિશોરીની મારફતે ફિલ્મોની શોધનાં પ્રારંભિક વર્ષો સુધી લઈ જાય છે, એટલું જ નહિ, “મૂવી”ની શોધનું જેમને શ્રેય મળેલું છે એ લુમિયર બંધુઓએ બનાવેલી પહેલી ફિલ્મ “અરાઇવલ ઓફ એ ટ્રેઇન” વિષે આજ સુધી માત્ર વાંચવા જ મળ્યું હતું કે માત્ર તેની તસવીરો જ જોવા મળી હતી, પણ “હ્યુગો”માં એ ફિલ્મ જોવા મળી ગઈ એટલું જ નહિ, એ જમાનામાં આ ફિલ્મ જોતી વખતે થિયેટરમાં પ્રેક્ષકો પર તેની કેવી અસર થતી એ પણ જોવા મળી ગયું.

વધુ રસ પડ્યો બેન કિંગ્સ્લેએ ભજવેલા જ્યોર્જિસ મેલિયેના પાત્રમાં. ફિલ્મોના વિકાસમાં મેલિયેએ જે યોગદાન આપ્યુ છે તેનો જોટો જડે તેમ નથી. “ભારતીય ફિલ્મોનો મૂક યુગ” નામનું એક પુસ્તક પાંચેક વર્ષથી લખાયેલું પડ્યું છે. હજી પ્રગટ નથી થયું. બે પ્રકાશકોએ છાપવા માટે હા પાડ્યા બાદ એક એક વર્ષ તેમની પાસે રાખ્યા પછી વિચાર માંડી વાળ્યો.. એક પ્રકાશકે એવું કારણ આપ્યું કે “ગુજરાતીમાં ફિલ્મો વિષેનાં પુસ્તકો બહુ વેચાતાં નથી.”

ખેર, આ અપ્રગટ પુસ્તકમાં જ્યોર્જિસ મેલિયે વિષે કરેલી નોંધ અહીં પ્રસ્તુત છે :

ફિલ્મનિર્માણમાં લુમિયર બંધુઓની સાથોસાથ જ બીજું એક નામ લેવું પડે તેમ છે. એ છે જ્યોર્જિસ મેલિયે. મેલિયે લુમિયેનો સમકાલીન જ હતો અને ફિલ્મનિર્માણમાં તેઓ એક ડ્ગલું જ આગળ-પાછળ હતા, પણ જ્યાં લુમિયર માટે એક જીવંત દૃશ્યને કેમેરામાં ઝડપીને તેને પડદા પર પ્રદર્શિત કરવું એ જ કેમેરાનો ઉપયોગ હતો, ત્યાં મેલિયે કેમેરામાં અસીમ સંભાવનાઓ જોઇ શક્યો હતો, અને તેનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તેણે પ્રારંભે જ પોતાની ફિલ્મો દ્વારા એ દર્શાવી આપ્યું હતું કે મૂવી કેમેરા યથાર્થનો ભ્રમ પેદા કરવામાં પણ કેટલો સક્ષમ છે. તેની ફિલ્મોમાં કલ્પના અને ચમત્કારનો સમન્વય રહેતો. તેની એક ફિલ્મમાં તેણે કેમેરાનો ઉપયોગ જાદુગરની જેમ કર્યો હતો. આમ પણ વ્યવસાયે તે જાદુગર હતો જ.

લુમિયર બંધુઓએ પેરિસમાં સિનેમાનો જે પહેલો શો યોજ્યો હતો તે જોનારાઓમાં મેલિયે પણ હતો. (“હ્યુગો”માં આ દૃશ્ય છે) શો પૂરો થયા બાદ તેણે લુમિયરનું સિનેમેટોગ્રાફ દસ હજાર ફ્રાન્કમાં ખરીદી લેવાની તૈયારી બતાવી હતી, પણ લુમિયર તે વેચવા તૈયાર થાય તે માટે તેણે એક આખું વર્ષ રાહ જોવી પડી હતી. એ પછી તેણે જે ફિલ્મો બનાવી તેમાં પોતાની કલ્પનાશક્તિનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાની એક ફિલ્મમાં એક જાદુગરને દસ સેકન્ડમાં એક હેટ બનાવતો દર્શાવ્યો હતો. બીજી એક ફિલ્મમાં એક સ્ત્રીને ગાયબ થતી અને પછી તેને એક પુરુષમાં પરિવર્તિત થતી દર્શાવી હતી.

મેલિયેએ કેમેરામાં ફિલ્મને ખૂબ ઝડપથી ચલાવીને તથા ખૂબ ધીમી ચલાવીને દૃશ્યોમાં વિવિધ અસરો પેદા કરવાના અવનવા પ્રયોગો કર્યા હતા. લુમિયર બંધુની જેમ તેને કોઇ દૃશ્યને યથાતથ કેમેરામાં ઝડપીને તેને માત્ર હાલતું ચાલતું પડદા પર જ બતાવીને સંતોષ નહોતો લેવો. પોતાની રીતે પોતે ઇચ્છે તે રીતે ફિલ્મો બનાવી શકે તે માટે તેણે ૧૮૯૭માં એક સ્ટુડિયો પણ ઊભો કર્યો હતો, અને માત્ર જીવંત દૃશ્યોને પડદા પર રજૂ કરવાને બદલે સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મ બનાવવાનો પ્રારંભ પણ તેણે કર્યો હતો. ૧૮૯૯માં જ તેણે એક લોકપ્રિય ફ્રેન્ચ નવલકથા “ડ્રેફ્યુસ અફેર” પરથી ફિલ્મ બનાવી હતી. તેમાં બાર દૃશ્યો હતાં અને તે માટે સાઇઠ ફૂટ લાંબી તેર પટ્ટીઓનો ઉપયોગ કર્યો હતો. પડદા પર આ ફિલ્મ પંદર મિનિટ ચાલતી હતી અને એ જમાનામાં આટલી લંબાઇ ઓછી નહોતી ગણાતી.

મેલિયેએ ૧૯૦૨માં જુલે વર્નની વિગ્નાનકથા પર આધારિત “એ ટ્રિપ ટુ મૂન” બનાવી હતી. આ તેની શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. તેમાં ત્રીસ દૃશ્યો હતાં અને લોકોને હસાવીને મજા કરાવે એવી કેમેરાની ઘણી તરકીબો તેણે કરી હતી. એ ઉપરાંત “ગુલિવર્સ ટ્રાવેલ્સ”, “રોબિન્સન ક્રૂઝો” જેવી એ સમયની લોકપ્રિય વાર્તાઓ પરથી તેણે ફિલ્મો બનાવી હતી. પોતાની લાંબી કારકિર્દીમાં તેણે અસંખ્ય ફિલ્મો બનાવી હતી. ૧૮૬૧ની ૮મી ડિસેમ્બરે પેરિસમાં જન્મેલા મેલિયેનું નિધન ૧૯૩૮માં થયું હતું.

Read Full Post »