Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Kashmakash’

ગુરુદેવ ટાગોરની અત્યંત જાણીતી કૃતિ “નૌકા ડૂબી” પરથી સુભાષ ઘાઈએ હિંદીમાં બનાવેલી “કશ્મકશ” આજે રીલીઝ થઈ છે. તેનું દિગ્દર્શન રિતુપર્ણો ઘોષે કર્યું છે. આજના એક હિંદી દૈનિકની સિનેમાની પૂર્તિમાં આ ફિલ્મના કથાનકમાં “વાઇફ સ્વેપિંગ” હોવાની વાત કરી છે, પણ આજના સમયમાં “વાઇફ સ્વેપિંગ” જે સંદર્ભમાં વપરાય છે એવું આ વાર્તામાં કંઇ નથી. જાણી-સમજીને પત્નીઓની અદલાબદલી કરવી એ “વાઇફ સ્વેપિંગ” હોઇ શકે, પણ અજાણતામાં કે કોઇ બદઈરાદા વગર કોઇની પત્ની કોઇની પાસે જતી રહે એ “વાઇફ સ્વેપિંગ” ન કહી શકાય.

“નૌકા ડૂબી” પરથી બંગાળીમાં જ એકથી વધુ વખત ફિલ્મો બની ચૂકી છે. હિંદી “કશ્મકશ”ની સાથે સુભાષ ઘાઇએ બંગાળીમાં  “નૌકા ડૂબી” બનાવી જ છે.  “નૌકા ડૂબી” પરથી પહેલી વાર બંગાળીમાં ૧૯૩૨માં મૂક ફિલ્મ બની હતી. માદન થિયેટર્સના નેજા હેઠળ નરેશ મિત્રાએ તેનું દિગ્દર્શન કર્યું હતું. એ પછી નિતીન બોઝે હિંદી અને બંગાળી બે ભાષામાં આ ફિલ્મ બનાવી હતી. બંગાળીમાં તેનું શીર્ષક હતું “મિલન”. તેમાં દિલીપકુમાર અને રંજનાએ અભિનય કર્યો હતો. બોમ્બે ટોકીઝના બેનર હેઠળ નિતીન બોઝની આ પહેલી હિંદી ફિલ્મ હતી.

અણધાર્યા સંજોગોનો શિકાર બનેલાં પાત્રો ધરાવતા આ કથાનકમાં રમેશનાં લગ્ન હેમનલિની સાથે ગોઠવાય છે. રમેશે તેની ભાવિ પત્નીને કદી જોઇ નથી, પણ માતાપિતાએ તેનું સગપણ કર્યું છે. નદીકિનારે એક નૌકામાં લગ્નવિધિ ચાલુ હતો ત્યારે જ એકાએક તોફાન આવતાં ભારે અફડાતફડી મચી જાય છે અને નૌકા ડૂબી જાય છે. હેમનલિની અને રમેશના પિતા મૃત્યુ પામે છે. પછી રમેશની મુલાકાત કમલા સાથે થાય છે. તે પણ લગ્ન પછી તરત વિધવા બની છે. બંને નિકટ આવે છે ત્યારે કમલાને જાણ થાય છે કે તેનો પતિ જીવિત છે. એ જ રીતે હેમનલિની પણ જીવિત હોવાની રમેશને ખબર પડે છે, અને તે હેમનલિની સાથે લગ્ન કરી લે છે.

૧૯૦૫માં લખાયેલી  “નૌકા ડૂબી”નું કથાનક ફિલ્મકારોને હંમેશાં આકર્ષતું રહ્યું છે. ૧૯૭૯માં દિગ્દર્શક અજય કરે આ જ નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. તેમાં કાલિ બેનરજી, સૌમિત્ર ચેટરજી, અપર્ણા સેન, સૌમિત્રા મુખરજી અને ઉત્પલ દત્ત જેવાં કલાકારોએ કામ કર્યું હતું.

આ વર્ષે ટાગોરની ૧૫૦મી જયંતીના ઉપલક્ષ્યમાં સુભાષ ઘાઇએ બંગાળીમાં  “નૌકા ડૂબી” ઉપરાંત હિંદીમાં “કશ્મકશ”નું નિર્માણ કર્યું છે. આ વખતે રિતુપર્ણો ઘોષ દિગ્દર્શિત  “નૌકા ડૂબી”ની વિશેષતા એ છે કે ફિલ્મની બંને હીરોઇનો સગી બહેનો હોય એવું પહેલી વાર બન્યું છે અને ફિલ્મમાં તેમની ભૂમિકા બહેનોની નથી. સુચિત્રા સેનની બંને દૌહિત્રી અભિનેત્રીઓ રાઇમા સેન અને રિયા સેને પહેલી વાર એકસાથે કોઇ ફિલ્મમાં કામ કર્યું છે. એક વિશેષતા એ પણ છે કે ફિલ્મમાં રિયા અને રાઇમા બંનેની ભૂમિકાઓ તેમની જે ઇમેજ છે તે કરતાં વિપરીત છે.

લગભગ ૧૦૫ વર્ષ પહેલાં લખાયેલી  “નૌકા ડૂબી”નું હાર્દ જળવાઇ રહે તેનો ખ્યાલ રાખીને રિતુપર્ણોએ થોડા ફેરફાર કર્યા છે. મૂળ વાર્તા કરતાં તે એ રીતે જુદી પડે છે કે કોલકાતામાં કાયદાનો અભ્યાસ કરતા રમેશને તેના એક મિત્રની બહેન હેમનલિની સાથી પ્રેમ થઈ જાય છે. એક દિવસ ગામડેથી પિતાનું તાબડતોબ તેડું આવે છે. ત્યાં તેનાં લગ્ન એક ગરીબ વિધવાની દીકરી સુશીલા સાથે ગોઠવી દેવાય છે. રમેશ પહેલાં તો વિરોધ કરે છે અને પોતે એક બીજી યુવતીને ચાહતો હોવાનું કહે છે, પણ વિધવા માની વિનવણીઓ સામે તે લાચાર થઈ જાય છે. સુશીલા સાથે તેનાં લગ્ન થાય છે અને પત્નીને લઈ નૌકામાં બેસી તે કોલકાતા આવવા નીકળે છે. રસ્તામાં તોફાન ઊઠે છે. મોટાં મોજાં વચ્ચે ફંગોળાતી નૌકા ઊંધી વળી જાય છે. રાત્રિના અંધારામાં રમેશ ભાનમાં આવે છે ત્યારે તે એક વેરાન કિનારે પડ્યો છે. થોડી દૂર એક નવોઢા યુવતી બેભાન પડી છે. તેને પોતાની પત્ની સુશીલા માની તેને પોતાની સાથે કોલકાતા લઈ આવે છે. ફિલ્મ આજે જ રીલીઝ થઈ છે એટલે પછી શૂં બને છે એ પડદા પર જોવું જ ઠીક રહેંશે.

“નૌકા ડૂબી”નું કથાનક ઘણા ફિલ્મકારો માટે પ્રેરણાસ્રોત રહ્યું છે. ૧૯૬૦માં બનેલી હિંદી ફિલ્મ “ઘૂંઘટ” પણ  “નૌકા ડૂબી” પરથી પ્રેરિત હોવાનું મનાય છે.  રામાનંદ સાગર દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રદીપકુમાર, બીના રાય, આશા પારેખ અને ભારતભૂષણે કામ કર્યું હતું. “નૌકા ડૂબી” પરથી ૧૯૫૬માં તેલુગુ ફિલ્મ “ચરાના દાસી” બની હતી. એમાં એ સમયનાં અગ્રણી કલાકારો નાગેશ્વર રાવ, એન.ટી. રામારાવ, અંજલિ દેવી અને સાવિત્રીએ અભિનય કર્યો હતો.

હવે પછી કોઇ  “નૌકા ડૂબી” બનાવશે તો તેનું સ્વરૂપ કેવું હશે એ જોવું રસપ્રદ થઈ પડશે…

Read Full Post »