Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Khaled Hosseini’

ભૂતકાળમાં ઉત્ત્રરાયણ નિમિત્તે બોલીવૂડમાં પતંગબાજી વિષે બે-ત્રણ વાર લખવાનું થયેલું. “યે દુનિયા પતંગ, નીત બદલે હૈ રંગ… કોઇ જાને ના ઉડાને વાલા કૌન હૈ” અને “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…” જેવાં ગીતોના ઉલ્લેખ સાથે એ લેખો લખાયા હતા. ત્યારે અંગ્રેજી ફિલ્મ “ધ કાઇટ રનર” જોઇ નહોતી કે જેના આધારે આ ફિલ્મ બનાવાઇ છે એ આ જ નામની નવલકથા વાંચી નહોતી. બોલીવૂડમાં પતંગનાં ગીતો સર્જાયાં છે અને “શતરંજ કે ખિલાડી” તથા “હમ દિલ દે ચૂકે સનમ” જેવી ફિલ્મોમાં થોડીક  પતંગબાજી પણ દર્શાવાઇ છે. “હમ દિલ દે ચૂકે સનમ”માં “કાઈપો છે…” ગીત વખતે પતંગો ઊડતી હોય એ દૃશ્યમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો વધુ ઉપયોગ કરાયો હતો. મૂળ વાત એ કે જ્યારથી “ધ કાઇટ રનર” ફિલ્મ જોઈ છે ત્યારથી આજ સુધી પડદા પર જોયેલી બધી પતંગબાજી ફિસ્સી લાગી છે. પતંગબાજીની ફોટોગ્રાફી કેવી હોઇ શકે એ “ધ કાઇટ રનર” જોયા પછી જ સમજી શકાય.

“ધ કાઇટ રનર”  એક અદભુત ફિલ્મ અને નવલકથા છે. ૨૦૦૩માં પ્રગટ થયેલી આ નવલકથા લેખક Khaled Hosseini ની પહેલી જ નવલકથા છે. ૨૦૦૭માં તેના પરથી “ધ કાઇટ રનર” ફિલ્મ બની છે. ભારતમાં પતંગબાજીની પરંપરા ભલે ગમે તેટલી જૂની હોય, “કાઇટ રનર” નો કોન્સેપ્ટ આપણે ત્યાં છે જ નહિ. આપણે ત્યાં કપાયેલા પતંગ લૂંટનારા હોય છે, પતંગ ચગાવનાર સાથે ફીરકી પકડનાર પણ હોય છે, પણ “કાઇટ રનર” લો એવી વ્યક્તિ હોય, જે તમારી ફીરકી તો પકડે, પણ જ્યારે તમે કોઇનો પતંગ કાપો ત્યારે એ ફીરકી પકડનારો દોડીને જાય અને ગમે તે થાય, પણ તમે જે પતંગ કાપ્યો હોય તે તમને લાવીને આપે.

“ધ કાઇટ રનર”ની વાર્તા ૧૯૭૭માં અફઘાનિસ્તાનના કાબૂલમાં આકાર લે છે, જ્યારે એ દેશ ભારે ઊથલપાથલના દોરમાં પ્રવેશી ચૂક્યો હતો. સોવિયેત આક્રમણ પછી અરજકતામાં સપડાયેલો આ દેશ છોડીને મોટી સંખ્યામાં લોકો હિજરત કરીને પાકિસ્તાન જતા રહ્યા હતા અને જેઓ કંઇક સંપન્ન હતા તેઓ પાકિસ્તાનથી અમેરિકા જતા રહ્યા હતા.બીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસનનો ઉદય થાય છે.

વાર્તાની શરૂઆત બે જિગરી બાળ મિત્રો આમીર અને હસનની દોસ્તીથી શરૂ થાય છે. આમીર એક સુખી પરિવારનો છે, અને હસન તેને ઘેર નોકર તરીકે કામ કરતા અલીનો પુત્ર છે. હસન મિત્ર હોવા સાથે આમીરનો “કાઇટ રનર” છે. આ કામમાં તે નિપુણ છે. તેના વિષે એવું કહેવાય છે કે તે જ્યારે પતંગ પકડવા દોડતો ત્યારે પતંગ સામે જોતો પણ નહિ. લોકો કહેતા કે તે કપાયેલી પતંગનો પડછાયો જોતો જોતો દોડતો.

કેટલીક એવી ઘટનાઓ બને છે કે આમીર તેના મિત્ર હસન પર ચોરીવું ખોટું આળ ચઢાવે છે એટલે અલી પોતાના પુત્ર સાથે નોકરી છોડીને જતો રહે છે. પછી તો દેશમાં ઊઅથલપાથલ મચે છે અને આમીર પણ પિતાની સાથે દેશ છોડીને પહેલાં પાકિસ્તાન અને પછી અમેરિકા જતા રહે છે. બંને મિત્રો આમીર અને હસન તો છૂટા પડ્યા તે પછી કદી મળી શકતા નથી, પણ જે રસપ્રદ ઘટનાઓ બને છે, તે નવલકથા વાંચનારને કે ફિલ્મ જોનારને જકડી રાખે છે.

પતંગબાજી ઉપરાંત આ ફિલ્મમાં અફઘાનિસ્તાનના તાલીબાની શાસનનું પણ અત્યંત પ્રભાવક નિરુપણ કરાયું છે. તાલીબાની શાસનમાં કટ્ટરવાદીઓ કેવી ક્રૂરતા આચરે છે એ આપણે છાપાંઓમાં વાંચ્યું તો છે, પણ  બે પ્રેમી પંખીડાંને જાહેરમાં પથરા મારીને મારી નાંખવાની કરાતી સજા દૃશ્ય જ રુંવાડાં ખડાં કરી દે તેવું છે. તક મળે તો આ ફિલ્મ કે નવલકથા છોડવા જેવી નથી…

Read Full Post »