Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘New Theaters’

“અતિથિ” ટાગોરની જાણીતી ટૂંકી વાર્તા છે, જોકે તેના પરથી ફિલ્મ બનાવવાનું સાહસ તપન સિંહા જેવો ફિલ્મકાર જ કરી શકે. ૧૯૬૫માં નિર્માણ પામેલી “અતિથિ”ના કેન્દ્રમાં એક રખડુ બ્રાહ્મણ કિશોર તારાપદા છે. ઘણી વાર તે ઘેરથી ભાગીને કોઇ સંગીતમંડળી કે ખેલાડીઓની ટોળી સાથે ભળી જતો. ઘેરથી તેનું ભાગવું એ કોઇ ખરાબ સંગતની અસર નહોતી, પણ ઘરમાં પણ અનુભવાતી બંધનાવસ્થામાંથી છૂટવાની એ છટપટાહટ હતી.

એક વાર એવું બને છે કે તે હંમેશને માટે ઘર છોડીને નીકળી પડે છે. નાવમાં નદી પાર કરતી વખતે તેની મુલાકાત એક જમીનદાર મોતી સાથી થાય છે. તે પોતાના પરિવાર સાથે જાત્રા કરીને પરત ફરી રહ્યો હતો. જમીનદારને અ કિશોરમાં રસ પડે છે. તે તારાપદાને પોતાને ઘેર લઈ આવે છે અને પોતાની સાથે રાખે છે.  પોતાની વાતોથી અને વ્યવહારથી તારાપદા માત્ર જમીનદારનું જ નહિ, પણ તેની પત્નીનું પણ દિલ જીતી લે છે. એટલું જ નહિ, તેમની દીકરીનો પ્રેમ પણ પામે છે.

તારાપદા તરફ દીકરીનું આકર્ષણ જમીનદાર પામી જાય છે. બંનેનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવાય છે, ત્યાં તારાપદા ફરી એક વાર ગાયબ થઈ જાય છે. આમ થવાનું કારણ જમીનદાર સમજી શકતો નથી, પણ તારાપદા માટે તે સહજ હતું. ઘર-પરિવારની ઝંઝાળમાં બંધાઇ રહેવું તેને મંજૂર નહોતું. માણસ સતત મુક્તિ અને આઝાદીની ઝંખના કરતો  હોય છે એ આ વાર્તામાં ટાગોરે બહુ ખૂબીપૂર્વક નિરૂપ્યું હતું.

તપન સિંહાએ આ ફિલ્મ ન્યુ થિયેટર્સના નેજા હેઠળ બનાવી હતી. સંગીત પણ તેમણે જ આપ્યું હતું. સાસ્વતિ મુખરજી, પાર્થો મુખરજી, ક્રિષ્ના બાસુ  અને અજિતેશ બેનરજી ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મને નેશનલ એવોર્ડ તથા વેનિસ ફિલ્મોત્સવમાં એવોર્ડ મળ્યો  હતો.

Read Full Post »

રવીન્દ્રનાથ ટાગોરે કોઈ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હોય અને એમાં અભિનય પણ કર્યો હોય એ વાત કદાચ માનવામાંન આવે, પણ આ ઘટના ૧૯૩૨માં બની હતી. ગાંધીજીને ફિલ્મના માધ્યમ પરત્વે બહુ અહોભાવ નહોતો, પણ ટાગોર આ માધ્યમનો પ્રભાવ પિછાણી ગયા હતા. ૧૯૩૧માં ફિલ્મો બોલતી થઈ તે પછી ૧૯૩૨માં ટાગોર તેની સાથે સક્રિય રીતે જોડાયા હતા. એ વર્ષે તેમણે પોતાના નાટક “નટીર પૂજા” પરથી બનેલી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, એટલું જ નહિ, આ ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી. જોકે એ પછી સિનેમા સાથે તેઓ આટલા સક્રિય કદી જોડાયેલા રહ્યા નહોતા.

જેનું દિગ્દર્શન ખુદ ટાગોરે કર્યું હતું એ  “નટીર પૂજા” મૂળ તો એક નૃત્યનાટિકા હતી. ૧૯૨૬માં તેમણે પોતે જ પોતાની એક કવિતા “પૂજારિની” પરથી તે તૈયાર કરી હતી. ૧૯૨૭માં કોલકાતામાં જોરશંકો ઠાકુરબાડીમાં તેનું પહેલી વાર મંચન થયું હતું. એ પછી કોલકાતાના ન્યુ એમ્પાયરમાં તેનું ફરી વાર મંચન થયું હતું.

ન્યુ થિયેટર્સના સ્થાપક-માલિક બી.એન. સરકારે તે જોયું અને તેઓ ખૂબ પ્રભાવિત થયા. ૧૯૩૨માં ટાગોરની ૭૦મી જન્મજયંતી નિમિત્તે બી.એન. સરકારે ટાગોરને આ નાટિકા પરથી ન્યુ થિયેટર્સના બેનર હેઠળ ફિલ્મનું દિગ્દર્શન કરવા આમંત્રણ આપ્યું, અને ટાગોરે તે સ્વીકારી લીધું.

ગુરુદેવ માટે આ રીતે ફિલ્મ સાથે સીધી રીતે સંકળાવાનો આ પહેલો પ્રસંગ હતો, જે પછી છેલ્લો પણ બની રહ્યો હતો.  “નટીર પૂજા”ના ફિલ્માંકન માટે પટકથા ગુરુદેવના માર્ગદર્શન હેઠળ તેમના ભત્રીજા દીનેન્દ્રનાથ ટાગોરે લખી હતી, અને બેકગ્રાઉન્ડ સંગીત પણ તેમણે જ તૈયાર કર્યું હતું. શાંતિનિકેતનના એક વિદ્યાર્થી અશ્રમિક સંઘે તેમાં ભૂમિકા ભજવી હતી, પણ વધુ મહત્ત્વની વાત એ છે કે ખુદ ગુરુદેવે આ નાટિકાના એક પાત્ર ઉપાલીની ભૂમિકા ભજવી હતી. ન્યુ થિયેટર્સ સ્ટુડિયોના ફ્લોર નંબર એક પર તેનું શૂટિંગ કરાયું હતું અને ખુદ ટાગોરની ઉપસ્થિતિમાં ૧૯૩૨ની ૧૪મી માર્ચે ચિત્રા ટોકીઝમાં આ ફિલ્મ પ્રદર્શિત કરાઇ હતી.

એ સમયે આ નાટિકા અને પછી ફિલ્મ પણ એ રીતે ક્રાંતિકારી ગણાયાં હતાં કે બંગાળી રંગમંચ પર કામ કરતી અભિનેત્રીઓને તેમાં બિરદાવાઇ હતી. નાટકોમાં સ્ત્રીઓ અભિનય કરે તેને એ સમયે હિન લેખવામાં આવતું હતું, પણ રવિબાબુએ  “નટીર પૂજા” દ્વારા એ દર્શાવ્યું હતું કે રંગમંચ પર અભિનય કરવો એ કળાની આરાધના છે, કોઇ હિન કામ નથી. ફિલ્મ  “નટીર પૂજા”ની સિનેમેટોગ્રાફી નિતીન બોઝે અને એડિટિંગ સુબોધ મિત્રાએ કર્યું હતું. માત્ર ચાર દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ આટોપી લેવાયું હતું.

ટાગોરના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે કોલકાતાના નંદન-૨ ખાતે ૨૦૧૦ની ૨૦થી ૨૬ મે દરમ્યાન યોજાયેલા એક ફિલ્મોત્સવ “ચોલોચિત્રે રોબીન્દ્રનાથ”માં ૧૯૩૨માં નિર્માણ પામેલી આ  “નટીર પૂજા” પણ દર્શાવાઇ હતી.

Read Full Post »