Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Nostalgia’

જનાબ આદિલ મનસૂરી જન્નતનશીન થઈ ગયા. ગુજરાતી અને ઊર્દુ પર પકડ ધરાવતો શાયર આમ સાવ એકાએક મેહફિલ છોડી જાય એ કેમ કરીને સહન થઈ શકે? પણ આવા સમયે ઉપરવાળાની મરજી આગળ આપણે લાચાર એમ કહીને જ મન મનાવવું રહ્યું.

આદિલ કેવા ઊંચા દર્જાના શાયર હતા, એ વિષે બહુ લખાયું છે, લખાશે, લખાતું રહેવાનું છે. મારે તો બસ, આદિલ સાથે જે થોડોક સમય કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું, તેનાં થોડાંક સ્મરણો વાગોળવાં છે.

આદિલની ગઝલોથી તો બહુ પહેલેથી પરિચિત હતો, પણ તેમને પહેલી વાર મળવાનું બન્યું લગભગ ૧૯૮૦ના અરસામાં. “જનસત્તા”માં “ચાંદની” અને “રંગતરંગ” સામયિકોના સહાયક સંપાદક તરીકે જોડાયાને મને બહુ ઝાઝો સમય નહોતો થયો. સંપાદક હતા રતિલાલ જોગી. એક વાર આદિલ જોગીસાહેબને મળવા આવ્યા હતા ત્યારે તેમણે મને બોલાવીને આદિલ સાથે પરિચય કરાવ્યો એ અમારી પહેલી મુલાકાત. ત્યારે મને ખબર પડી કે આદિલ મિરઝાપુરમાં આવેલા “જનસત્તા ભવન” પાસેના સારાભાઇ કોમ્પલેક્સમાં સારાભાઇની જ એક એડ એજન્સી “શિલ્પી”માં કોપી-રાઇટર તરીકે કામ કરે છે. આજની ભાષામાં કહીએ તો તેમને આઉટસોર્સિંગ માટે એક માણસની જરૂર હતી. જોગીસાહેબ પાસે તેઓ એટલે જ આવ્યા હતા, અને જોગીસાહેબે મને ભળાવી દીધો. આજે પણ મને બરાબર યાદ છે, કોઇ જાપાની કંપનીએ ખેડૂતો માટે કોઈ ઉપકરણ બનાવ્યું હતું. તેની અંગ્રેજી માહિતિ પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ કરવાનો હતો.

મેં અનુવાદ કરી આપ્યો અને આમ આદિલ સાથે “શિલ્પી”માં આઉટસોર્સિંગ કરવાનો સિલસિલો ચાલુ થયો જે ખાસ્સો ચાર-પાંચ વર્ષ ચાલ્યો. એ દિવસોમાં શિલ્પીમાં કંઇ કામ હોય કે ન હોય, આદિલને લગભગ રોજ મળવાનું બનતું. શિલ્પીમાં તેમને કામ કરતા જોવા એ પણ એક લહાવો હતો. કેટલીય પ્રોડક્ટની મજેદાર પંચલાઇન તેમણે કેવી રમતાં રમતાં લખી નાંખી હતી એ આજેય મને બરાબર યાદ છે.

એડ-એજન્સીમાં મોટા ભાગે પહેલી કોપી અંગ્રેજીમાં લખાય અને પછી તેને આધારે ગુજરાતીમાં અને જરૂર પડે એ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ કે ભાવાનુવાદ થાય, પણ “શિલ્પી”માં ઘણી વાર એવું બનતું કે આદિલે લખેલી ગુજરાતી કોપી મુખ્ય બની રહેતી અને તેને આધારે અંગ્રેજી કોપી લખાતી.

શિલ્પીમાં મારે ભાગે અંગ્રેજી કોપીનો ગુજરાતી અનુવાદ કરવાનૂં, કેટલાંક સરકારી નિગમોના અંગ્રેજી વાર્ષિક અહેવાલોનો ગુજરાતી અનુવાદ કરવાનું, પ્રૂફરીડિંગ કરવાનું આવતું. ખાસ કરીને કોપી રાઇટિંગમાં આદિલ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું.

પછી તો આદિલ શિલ્પી છોડીને અમેરિકા જતા રહ્યા અને સમય જતાં શિલ્પી પણ બંધ થઈ ગઈ. આદિલ અમદાવાદ આવતા ત્યારે દર વખતે તેમને મળવાનું બનતું નહિ, એનો હંમેશાં અફસોસ રહેતો અને એ અફસોસ હવે તો વધુ સાલી રહ્યો છે.

આદિલની એક ગઝલ… “જ્યારે પ્રણયની…”

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, 

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.   

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક?

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

“આદિલ”ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

Read Full Post »

ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરતો કરતો deshgujarat.com પર પહોંચી ગયો. ત્યાં ૧૯૬૦માં બનેલી ગુજરાતી ફિલ્મ “મહેંદી રંગ લાગ્યો”નાં બધાં ગીતોની YouTube વિડિયો-લિન્ક પર નજર પડતાં જ જલસો પડી ગયો. આ આનંદ તો જોકે ક્ષણજીવી જ નીવડ્યો, કારણ કે બધી જ લિન્ક પર “સોરી, વિડિયો હટાવી લેવાયો છે” એવો મેસેજ હતો એટલે “મહેંદી રંગ લાગ્યો”નું એક પણ ગીત તો જોવા-સાંભળવા ન મળ્યું, પણ ઘણી સ્મૃતિઓ સળવળી ઊઠી…

“મહેંદી રંગ લાગ્યો” રીલીઝ થઈ હતી એ જ વર્ષે ૧૯૬૦માં જ પહેલીવાર જોઈ હતી. એ વખતે નવેક વર્ષનો હતો. પછીનાં સાત-આઠ વર્ષો દરમ્યાન એકાદ વખત ગણેશોત્સવ જેવા કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળી હતી. “મહેંદી રંગ લાગ્યો” વિષે એ વખતે જે ખબર નહો્તી એ વર્ષો પછી થઈ કે આવી ફિલ્મો એ જમાનામાં બની હતી, જ્યારે ગુજરાતમાં અને મુંબઈમાં ગુજરાતી ફિલ્મો જોનારો ઘણો મોટો વર્ગ હતો અને સરકારે ફેંકેલા સબસિડીના ટુકડા કે મનોરંજન કરમુક્તિ વિના પણ હાઉસફુલનાં પાટિયાં ઝુલાવતી હતી. 

દારૂબંધીનો પ્રચાર કરતું એક સૂત્ર “દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે” એ છેલ્લાં કેટલાંક વર્ષોથી જ પ્રચલિત થયું છે, પણ “મહેંદી રંગ લાગ્યો” ફિલ્મે તો વર્ષો પહેલાં આ જ સંદેશો આપ્યો હતો. અનિલ અને અલકાના સુ્ખી સંસારને દારૂ કેવો બરબાદ કરી નાંખે છે તે આ ફિલ્મની કથા છે. મુખ્ય ભૂમિકામાં રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણનો ઉત્કૃષ્ટ અભિનય અને કર્ણપ્રિય ગીત-સંગીતે લોકોને ઘેલા કરી દીધા હતા. “મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… મહેંદી રંગ લાગ્યો” જેવા આ ફિલ્મના ટ્રેડમાર્ક જેવા ગીત ઉપરાંત “નૈન ચકચૂર છે… મન આતુર છે… હવે શૂં રહી ગયું બાકી કહો મંજૂર છે”,  “આ મુંબઈ છે…”, “પાંદડું લીલું ને રંગ રાતો…”, “ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું… હું તો નીકળી ભરબજારે…”, “હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા…” જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી. રાજેન્દ્રકુમારે આ એક જ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, પણ એ જમાનાના આ અતિ સફળ અભિનેતાએ “મહેંદી રંગ લાગ્યો”માં કામ કરવાનો એક પણ પૈસો લીધો નહોતો. 

“મહેંદી રંગ લાગ્યો”ની નિર્માણકથા પણ રસપ્રદ છે. બન્યું એવું કે ૧૯૫૯માં દિગ્દર્શક વિજય ભટ્ટે “ગુંજ ઉઠી શહનાઇ” ફિલ્મ બનાવી હતી. કરુણ અંત ધરાવતી આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. વિજય ભટ્ટે તેના એક ગીતમાં ગુજરાતના ટિપ્પણી રાસનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો હતો. કેમેરામેન બિપિન ગજ્જર હતા. રાજેન્દ્રકુમાર બિપિનના કામથી ખૂબ પ્રભાવિત હતા. એક દિવસ તેમણે બિપિનને એવું વચન આપી દીધું કે જો તેઓ પોતે કોઇ ફિલ્મનું નિર્માણ કરશે તો પોતે તેમાં કામ કરવાનો એક પણ પૈસો નહિ લે.

આવી તક કોણ છોડે? બિપિન ગજ્જરે પણ ન છોડી. તેઓ ગુજરાતી ફિલ્મો માટે પાયાનું કામ કરનાર ચાંપશીભાઇ નાગડા અને મનહર રસકપૂર સાથે સંકળાયેલા હતા જ. તે્મની પાસે આર્થિક સહાય માંગી. પ્રશ્ન એક જ હતો, નિર્માતા તરીકે બિપિન ગજ્જરનું નામ હોવું જોઇએ. એનો કોઇને વાંધો નહોતો. હવે વાર્તાની પસંદગી કરવાની હતી. ચતુર્ભુજ દોશી એ જમાનામાં ખ્યાતનામ પટક્થાલેખક હતા. તેમની પાસે ત્રણ-ચાર વાર્તા સાંભળ્યા પછી એક વાર્તા પસંદ પડી ત્યારે દોશીએ ફોડ પાડ્યો કે આ વાર્તા તેમણે થોડાં વર્ષો પહેલાં હિંદી દિગ્દર્શક એચ. એસ. રવૈલને વેચી દીધી હતી. બધા રવૈલને મળ્યા. તેમની પાસે વાર્તા હતી અને તાત્કાલિક તેના પરથી ફિલ્મ બનાવવાનો તેમનો કોઇ ઇરાદો નહોતો. તેમણે બિપિન ગજ્જરને વાર્તા આપી દીધી… અને પછી તો જે કંઇ બન્યું તે ઇતિહાસ જ છે…

Read Full Post »

આખરે ભારતીય ફિલ્મજગતના ટોચના સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડનો કળશ બંગાળી ફિલ્મકાર તપન સિંહા પર ઢોળાયો છે. પ્રાણ, સુચિત્રા સેન, બી. સરોજાદેવી જેવાં કેટલાંક દિગ્ગજો હજી કતારમાં છે, પણ ૮૪ વર્ષીય તપનદાને આ એવોર્ડ મળવો એ ખુદ એવોર્ડનું પણ સન્માન છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સત્યજિત રાય, મૃણાલ સેન અને રુત્વિક ઘટકની હેડીના તપનદાએ બંગાળી અને હિંદીમાં ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. આજ સુધીમાં તપનદાની ફિલ્મોને વિવિધ કેટેગરીમાં ૧૯ નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. દેશ-વિદેશનાં બીજાં માન-અકરામો તો ખરાં જ. ૨૦૦૪માં કોલકાતા મહાનગર નિગમે એક લાખ રૂપિયાનો “કોલકાતારત્ન” એવોર્ડ શરૂ કર્યો ત્યારે પહેલો એવોર્ડ તપન સિંહાને આપ્યો હતો.

તપન સિંહાની જે હિંદી ફિલ્મો છે તેમાંની “કાબૂલીવાલા”, “આદમી ઔર ઔરત”, “સગીના માહતો”, “એક ડોક્ટર કી મૌત”, “સફેદ હાથી” વગેરે જોઇ છે, પણ બંગાળી ફિલ્મ તો માત્ર એક જ જોઇ છે, “ખુદિતો પાષાણ”. બંગાળીમાં “ક્ષ”ને સ્થાને “ખ” લ્ખાય છે, એટલે હિંદી કે ગુજરાતીમાં તે “ક્ષુધિત પાષાણ” છે. તેનું અંગ્રેજી શીર્ષક છે Hungry Stone.

બંગાળી ફિલ્મ અહીં તો ક્યાં જોવા મળે, પણ “ખુદિતો પાષાણ” માણવાની તક જરા જુદી રીતે મળી ગઈ હતી. તારીખ બરાબર યાદ નથી, પણ લગભગ પાંચેક વર્ષ પહેલાં શાહીબાગમાં અત્યારના “સરદાર સ્મારક ભવન” એટલે કે જૂના રાજભવનમાં એક સાંજે કેટલાક સાહિત્યકારો અને ફિલ્મરસિકો માટે “ખુદિતો પાષાણ”નો શો રખાયો હતો. ખુલ્લામાં ઊભા કરાયેલા પડદા પર ૧૬ એમએમમાં “ખુદિતો પાષાણ” જોવાની મજા કંઇક જુદી જ હતી. ભોળાભાઇ પટેલ જેવા બંગાળીના જાણકાર સાહિત્યકારે “ખુદિતો પાષાણ”ની કેટલીક રસપ્રદ વાતો, ખાસ કરીને તેના અમદાવાદ-ક્નેકશનની વાતો કરી હતી. 

“ખુદિતો પાષાણ” કવિવર રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા છે, અને મજાની વાત એ છે કે આ વાર્તા ટાગોરે અમદાવાદમાં તેઓ થોડો સમય રોકાયા હતા ત્યારે લખી હતી. ટાગોરનું અમદાવાદ-કનેકશન કંઇક એવું છે કે તેઓ તેમની ઊછરતી યુવાનીમાં અમદાવાદમાં સારોએવો સમય રહ્યા હતા. તેમનો નિવાસ હતો શાહીબાગ ખાતેનું જૂનું રાજભવન. મૂળ તો તે મોગલ બાદશાહ જહાંગીરના શાહજાદા ખુર્રમે (પછીથી તે શાહજહાં તરીકે વિખ્યાત થયો) બંધાવેલો મહેલ હતો. ટાગોરના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવતા હતા. તેમનો નિવાસ એ શાહી ભવનમાં હતો એટલે રવિબાબુ તેમની સાથે થોડો સમય રોકાવા આવ્યા ત્યારે આ મહાલયમાં જ રહ્યા હતા. તેઓ જે રૂમંમાં રહ્યા હતા એ રૂમ તેમના ગુજરાત-નિવાસના સ્મરણચિહ્ન રૂપે આજે પણ જાળવી રખાયો છે.

“ખુદિતો પાષાણ” ફિલ્મ ટાગોરની આ જ નામની નવલકથા પરથી બની છે. નવલકથામાં એક ભેદી હવેલીમાં રહસ્યમય ઘટનાઓ આકાર લે છે. આ હવેલીનું વર્ણન ટાગોરે અમદાવાદના શાહી ભવનને નજર સમક્ષ રાખીને કર્યું હતું. ૧૯૬૦માં નિર્માણ પામેલી “ખુદિતો પાષાણ”માં છબિ બિશ્વાસ, સૌમિત્ર ચેટરજી અને અરુંધતી દેવી જેવાં કલાકારોએ કામ કર્યું હતું. આરંભથી અંત સુધી જકડી રાખે એવી આ ફિલ્મની કથા ખુદ કવિવર ટાગોરે જ્યાં રચી હતી એ ભવનના પ્રાંગણમાં બેસીને જોવાના રોમાંચની તો વાત જ શી કરવી…  (વધુ…)

Read Full Post »

ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાનો હીરક મહોત્સવ આજથી શરૂ થઈ ચૂક્યો છે. આજે આ સંસ્થાની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરાં થયાં છે.

નવી પેઢીના ફિલ્મરસિકો માટે કદાચ “ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા” બહુ જાણીતું નામ નહિ હોય. પણ હજી થોડાં વર્ષ પહેલાં થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં એક દસ્તાવેજી ફિલ્મ કે લઘુ ફિલ્મ ફરજિયાત જોવી પડતી. તેનું નિર્માણ “ફિલ્મ્સ ડિવિઝને” કરેલું હોય. તેના વિષયવૈવિધ્યની તો વાત જ શી કરવી. તેમાં દેશની કોઇ એક પ્રજાની સાંસ્કૃતિક વિશેષતાથી માંડીને દેશ કોઇ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો હોય કે દેશના ગૌરવશાળી અને ભવ્ય સાંસ્કૃતિક ઇતિહાસનું કોઇ એક પૃષ્ઠ સહિતનો  કોઇ પણ વિષય હોય.

છેક ૧૯૪૮માં એટલે કે દેશ આઝાદ થયો એ પછીના વર્ષેથી જ કામ કરવા માંડેલી આ સંસ્થાએ અત્યાર સુધીના તેના છ દાયકાના કાર્યકાળમાં હજારો દસ્તાવેજી અને લઘુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તે ફિલ્મોમાં ભારતના ઇતિહાસ-ભૂગોળથી માંડીને સાંસ્કૃતિક સહિતની અનેક બાબતો કચકડામાં કંડારાયેલી છે. હવે આટલાં વર્ષો પછી તેનું કેવું ઐતિહાસિક મૂલ્ય હોઈ શકે એ ભાગ્યે જ કોઈને કહેવાની જરૂર હોય. વીતેલા છ દાયકામાં દેશે જે ઉતાર-ચઢાવ જોયા, તેની સામે જે પડકારો આવ્યા અને તેનો જે રીતે સામનો કરાયો, ચીન અને પાકિસ્તાન સામે જે યુદ્ધ ખેલાયાં, દેશમાં સર્જાયેલી હરિત ક્રાંતિ વગેરે બધું  જ તેમાં સચવાયેલું છે.  

ભારતીય સંસ્કૃતિ, રીતરિવાજો, જાતિ-ધર્મ, રહેણીકરણી, પરંપરાઓ વગેરે અંગે દેશના અને વિદેશનાં લોકોને માહિતિ  મળી રહે, દેશનાં લોકો એકબીજાની નિકટ આવે, સરકારી કાર્યક્રમોના અમલમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન મળે, લોકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તથા ડોક્યુમેન્ટરી ફિલ્મોની ઝુંબેશને વેગ મળે એવા વ્યાપક હેતુથી ૧૯૪૮માં ભારત સરકારના માહિતિ અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આ “ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા”ની સ્થાપના કરાઇ હતી.

સરકારી પ્રભાગ હોવાને કારણે અમલદારશાહીના ચોકઠા વચ્ચે રહીને પણ ફિલ્મ્સ ડિવિઝને અનેક યાદગાર દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. એક સમયે તો તેણે આ ક્ષેત્રે એવી શાખ જમાવી હતી કે યુનેસ્કોના એક અહેવાલમાં ફિલ્મ્સ ડિવિઝનને દુનિયાભરમાં ડોક્યુમેન્ટરી ફિલ્મોનું નિર્માણ કરતી અગ્રણી સંસ્થાઓમાં એક ગણાવાઇ હતી. તેની સરખામણી નેશનલ ફિલ્મ્સ બોર્ડ ઓફ કેનેડા, ધ સ્વિડિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ, ધ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ, ધ ફ્રેન્ચ સેન્ટર નેશનલ દ લા સિનેમાગ્રાફિક અને પોલિશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કરવામાં આવી હતી.

આજે પણ ફિલ્મ્સ ડિવિઝન તો કાર્યરત જ છે અને દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ પણ કરે જ છે, પણ હવે તે લોકો સુધી પહોંચી ન શકતી હોવાનું કારણ એ છે કે દરેક થિયેટરમાં તે ફરજિયાત બતાવવાનો નિયમ હવે રહ્યો નથી, એટલે કોઇ થિયેટર તે બતાવતું નથી.

ફિલ્મ્સ ડિવિઝન પાસે આજે ૮૦૦૦થી વધુ દસ્તાવેજી અને લઘુ ફિલ્મોનો ખજાનો છે. કોઇને રસ પડે તો તેની વેબસાઇટ પર તેમાંનું ઘણું જોવા મળી શકે તેમ છે. ગમે તેમ તોય કચકડે કંડારાયેલો આ એક બહુમૂલ્ય વારસો છે…

Read Full Post »

દુનિયાના ફિલ્મ ફેસ્ટિવલઓમાં અવ્વલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૬૫માં દેવ આનંદે નિર્માણ કરેલી ક્લાસિક “ગાઈડ” દર્શાવાશે. મને ગમતી ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે. અનેક વાર મેં આ ફિલ્મ જોઈ છે અને જ્યારે પણ તક મળશે ત્યારે ત્યારે જોવાનો છું. એક એક્ટર તરીકે દેવ આનંદ મને બહુ ગમ્યો નથી, પણ આ ફિલ્મમાં તેણે કમાલ કરી છે. પટકથા, અભિનય, એડિટિંગ, દિગ્દર્શન, ગીત-સંગીત… એક પણ પાસું નબળું નહિ. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં જે કેટલીક ફિલ્મો સીમાચિહ્ન રૂપ બની ગઈ છે તેમાં “ગાઈડ” પણ એક છે. આર. કે. નારાયણની અંગ્રેજી નવલકથા પરથી આ ફિલ્મ બની હતી. આ નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. દેવ આનંદે એક એરપોર્ટ પર સમય પસાર કરવા માટે આ નવલકથા ખરીદી હતી, પણ વાંચીને તેના પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.  

માણસના જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે તેના જીવનપ્રવાહને, કારકિર્દીને નવો મોડ આપી શકે. “ગાઈડ” દેવ આનંદના જીવનમાં આવી જ એક ઘટના હતી, પણ એક ફિલ્મકાર તરીકે કે એક અભિનેતા તરીકે દેવ આનંદ તેનો કોઈ ફાયદો ઉઠાવી શક્યા નહિ. ન તો તેમણે એ પછી “ગાઈડ” જેવી કોઈ ફિલ્મ બનાવી કે ન તો એવી કોઈ ફિલ્મમાં અભિનય કર્યો. એ પછી તેમણે જેટલી પણ ફિલ્મો બનાવી કે ફિલ્મોમાં કામ કર્યું તેની યાદી તો બહુ મોટી છે પણ તેમાં નોંધપાત્ર કહી શકાય એવી ફિલ્મો તો આંગળીને વેઢે ગણી શકાય તેટલી પણ નથી. તાજેતરનાં વર્ષોમાં તો તેમણે જે ફિલ્મો બનાવી એ ક્યારે બની અને ક્યારે રીલીઝ થઈ એ ખબર ન પડે એવી સ્થિતિ છે.

“ગાઈડ”નું કાન્સમાં જવૂં એ બહુ મોટી ઘટના છે. કાન્સના ક્લાસિક સેકશનમાં વિશેષ સન્માન સાથે “ગાઈડ” દર્શાવાશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની પસંદગી સમિતિએ કુલ ૧૭૯૨ ફિલ્મો નિહાળ્યા બાદ જે કેટલીક ફિલ્મો આ સેક્શન માટે પસંદ કરી તેમાં એક “ગાઈડ” છે. છેલ્લાં પાંચ વર્ષથી ભારત તરફથી એક પણ અધિકૃત એન્ટ્રી આ સમારોહમાં ગઈ નથી એ દૃષ્ટિએ પણ આ મહત્ત્વ્ની ઘટના છે.

ફિલ્મનાં ગીતો “વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાં,” “કાંટોં સે ખીંચકે યે આંચલ,” “દિન ઢલ જાયે હાયે રાત ન જાયે”, “પિયા તો સે નૈના લાગે રે” જેવાં એક એકથી ચઢિયાતાં ગીતો હતાં અને એસ. ડી. બર્મને એટલું જ કર્ણપ્રિય સંગીત આપ્યું  હતું, પણ એ વર્ષે “ગાઈડ”ને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર નહોતો મળ્યો. એ સિવાય શ્રેષ્ઠ અભિનેતા દેવ આનંદ, શ્રેષ્ઠ અભિનેત્રી વહીદા રહેમાન, શ્રેષ્ઠ દિગ્દર્શક વિજય આનંદ, શ્રેષ્ઠ પટકથા વિજય આનંદ, શ્રેષ્ઠ કથા આર. કે. નારાયણ, શ્રેષ્ઠ દિગ્દર્શક સિનેમેટોગ્રાફી ફ્લી મિસ્ત્રી આ બધા એવોર્ડ મળ્યા હતા. બર્મનદા “ગાઈડ” માટે એવોર્ડથી કેમ વંચિત રહી ગયા એ પ્રશ્નનો જવાબ કદી મળ્યો નથી.

હિંદીની સાથોસાથ “ગાઈડ” અંગ્રેજીમાં પણ બની હતી. તેનું દિગ્દર્શન દબ્લિબાસ્કીએ કર્યું હતું. અંગ્રેજી પટકથા નોબેલ પારિતોષિક વિજેતા પર્લ એસ. બકે લખી હતી.    

Read Full Post »

પચ્ચીસ વર્ષ થઇ ગયાં. ૧૯૮૨ની પાંચમી મેએ સવારે ૯ ને ૧0 મિનિટની ઘડી. પ્રતીક્ષાનો ત્યારે જન્મ થયો. આજે તેનો ૨૬મો જન્મદિન છે. પચ્ચીસ વર્ષ નાનો સમયગાળો ન કહેવાય, તેમ છતાં હજી જાણે ગઈ કાલની જ વાત હોય એવું લાગે છે. કશું જ ભુલાયું નથી.

ત્યારે “જનસત્તા”માં સબ-એડિટર તરીકે જોડાયે માંડ અઢી વર્ષ થયાં હતાં. બે સામયિકો “ચાંદની” અને “રંગતરંગ”માં સહાયક સંપાદકની ફરજ બજાવતો હતો. ૧૯૮૨ની ૪ મેએ હંમેશ મુજબ સાંજે લગભગ સાડા સાત વાગ્યે નરોડા ઘેર પહોંચ્યો ત્યારે એક વાતની તો ખબર હતી જ કે ગમે ત્યારે હોસ્પિટલે દોડવું પડે તો નવાઇ નહિ, કારણ કે ડોક્ટરે આપેલી સંભવિત તારીખ નજીક આવી ચૂકી હતી.

તે દિવસે “જનસત્તા”ની રવિવારની સાપ્તાહિક પૂર્તિના સંપાદક નરેન્દ્ર ત્રિવેદીએ બે લેખ તૈયાર કરીને લાવવાનું કામ સોંપ્યું હતું. બંને લેખ બીજા દિવસે આપી દેવાના હતા, કારણ કે તો જ તે પછીના રવિવાર માટે પ્રિન્ટમાં જઈ શકે.

ઘેર પહોંચ્યો ત્યારે મારાં સાસુએ કહ્યું કે આજે ચંદ્રિકાને હોસ્પિટલે લઈ જવી પડે તો નવાઇ નહિ. મારી નજર સામે હવે બે લેખ હતા. તરત લેખ લખવા બેસી ગયો. મનમાં એવું ખરું કે બંને લેખ થઇ જાય તો સારું.

એક લેખ થયો ત્યારે સાડા નવ વાગ્યા હતા. ત્યાં સુધીમાં ચંદ્રિકાને વેણ ઊપડવી શરૂ થઈ ચૂકી હતી. હવે બીજા લેખ માટે સમય નહોતો. નરોડાથી છેક ભદ્ર પાસે આવેલા ડો. નાડકર્ણીના દવાખાને જવાનું હતું. લગભગ ૧૧ વાગ્યે દવાખાને પહોંચ્યાં, પણ આખી રાત રાહ જોયા પછી અંતે તા. પાંચમીએ સવારે ૯ ને ૧0 મિનિટે સ્વીટી (પ્રતીક્ષા)નું અમારા જીવનમાં આગમન થયું, અને અમારો આખો જીવનપ્રવાહ બદલાઇ ગયો.

વીતેલાં પચ્ચીસ વર્ષો પર નજર નાખતાં ખ્યાલ આવે છે કે અમે એટલું બધું પામ્યાં છીએ કે એ બધી સુખદ યાદો વર્ણવવા માટે તો આખું બ્લોગવિશ્વ નાનું પડે.

Read Full Post »