Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Padmashree’

એવોર્ડની સીઝન પૂરબહારમાં ખીલી છે. ધુમાડો હોય ત્યાં આગ હોય એ કહેવત એવોર્ડને પણ જરા જુદી રીતે લાગુ પડે છે. એવોર્ડ હોય ત્યાં વિવાદ હોય. બીજે તો ખબર નથી પણ ભારતમાં તો ભાગ્યે જ કોઇ એવોર્ડ એવો છે, જે વિવાદમાં ઘસડાતો રહેતો ન હોય. બાકી હોય તે સરકારી છબરડાઓ પૂરું કરી આપે છે.
સરકાર દ્વારા અપાતા એવોર્ડ્સ અને વિવાદોનો સાથ તો ચોલી-દામન જેવો હોય છે. પદ્મશ્રીથી માંડીને ભારતરત્ન, ખેલરત્ન, અર્જુન એવોર્ડ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ વગેરે કોઇ એવોર્ડ કદી વિવાદથી મુક્ત રહી શક્યો નથી. એમાંય આ વખતે જાહેર થયેલા પદ્મ એવોર્ડ્સે તો હદ કરીનાંખી છે. પદ્મશ્રીની યાદીમાં અમુક નામ જોઇને આશ્ચર્ય થાય છે, તો આ યાદીમાં કેટલાક ખેલાડીઓનાં નામોનો સમાવેશ નથી થયો તેનો પણ હોબાળો મચેલો છે. કાશ્મીરના કોઇ કલાકારને જાહેર થયેલા પદ્મશ્રીમાં તો વળી એવું બહાર આવ્યું છે કે ત્યાં કોઈ ભળતા જ માણસને એવોર્ડ જાહેર થઈ ગયો છે.
 
એવોર્ડ્સનું પોતાનું એક રાજકારણ હોય છે, અને તેની આંટીઘૂંટી સમજવી એ સામાન્ય માણસનું તો ગજું જ નહિ. હવે તા. ૨૩ ફેબ્રુઆરીએ ઓસ્કર અવોર્ડ એનાયત થવાના છે. અત્યારથી જ કરોડો ભારતીયો તેના પર મીટ માંડીને બેઠા છે. ત્યારે કેટલાક મહાનુભાવો એવોર્ડ વિષે કેવા વિચારો ધરાવે છે એના પર એક નજર નાંખવા જેવી છે…  
 
* મારી મા મને કહ્યા કરતી કે માણસ એવોર્ડ આપે છે અને ઇશ્વર રિવોર્ડ આપે છે. મારે બીજી કોઇ પ્રશસ્તિની જરૂર નથી. – ડેન્ઝલ વોશિંગ્ટન, અભિનેતા
* એકેડેમી એવોર્ડ એટલે શું? મને નથી લાગતું કે તેનો ખાસ કંઈ  અર્થ હોય. – સેલી ફીલ્ડ, ઓસ્કર વિજેતા અભિનેત્રી
* આવા સમારોહો પ્રત્યે મને કોઇ માન નથી. મને નથી લાગતું કે તેઓ શું કરી રહ્યા છે એ તેઓ જાણતા હોય. તમે જુઓ છો કે એ ચીજ અમુક લોકો જીતે છે કે અમુક લોકો નથી જીતતા, ત્યારે આ ચીજ ઓસ્કર અર્થહીન બની જાય છે. – વુડી એલન, ઓસ્કર વિજેતા ફિલ્મકાર
* અભિનેતાઓ કે અભિનેત્રીઓ માટે એવોર્ડ્સ અર્થહીન છે, સિવાય કે તેઓ બધા એકસરખી ભૂમિકાઓ ભજવે. – હમ્ફ્રી બોગાર્ટ, ઓસ્કર વિજેતા અભિનેતા
* ઘણી એવી મહાન ફિલ્મો છે જેને ઓસ્કર મળ્યા છે અને ઘણી એવી મહાન ફિલ્મો છે, જેને નથી મળ્યા. જે કંઇ શ્રેષ્ઠ થઈ શકે એ તમે કરતા રહો. – ક્લિન્ટ ઇસ્ટવુડ
* ઘરમાં હું કોઇ એવોર્ડ રાખતો નથી. તમને જે એવોર્ડ મળે છે તે મોટા ભાગે તો ભૂતકાળમાં તમે કંઇ કર્યું હોય છે તેના માટે મળે છે અને મને તો ભવિષ્ય તરફ જોવું ગમે છે. – ગાર્થ બ્રુક્સ, ગાયક
* આ એવોર્ડ અર્થપૂર્ણ છે કારણ કે તે સેલ્યુલોઇડના મારા સાથી વેપારીઓ પાસેથી
આવ્યો છે. – આલ્ફ્રેડ હિચકોક
* થોડાક સીન આઉટ ઓફ ફોકસ શૂટ કરજો. આ વખતે મારે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો એવોર્ડ જીતવો છે. – બિલી વાઇલ્ડર, અમેરિકન નિર્માતા-દિગ્દર્શક
* ભૂખ્યાંઓ, નાગાંઓ, વિકલાંગો, ઘરવિહોણાંઓ, અંધો… એ તમામને નામે હું આ એવોર્ડ સ્વીકારું છું. – મધર ટેરેસા, નોબેલ પીસ પ્રાઇઝ લેતી વખતે
* હું આ એવોર્ડને લાયક નથી, અને આમ તો મને વા થયો છે અને હું એને પણ લાયક નથી. – જેક બેની, અમેરિકન કોમેડિયન
* ઓહ, કેવું આઘાતજનક! મારી કારકિર્દી જરૂર મંદ પડી રહી છે. પહેલી વાર હું એવોર્ડ લેવા માટે ઉપસ્થિત રહી શક્યો છું. – માઇકલ કેઈન, અભિનેતા
* કોઇ પણ એવોર્ડ કોઇ પુસ્તકની ક્વોલિટી બદલી શકતો નથી. – ક્રિસ વાન અલ્સબર્ગ, લેખક.
…અને અંતે… ગુજરાતી સાહિત્યનો અતિ પ્રતિષ્ઠિત ગણાતો રણજીતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે સ્વ. બકુલ ત્રિપાઠીએ તેમના પ્રવચનમાં એક નુકતેચિની કરતાં કહ્યું હતું કે “એવોર્ડનું સ્તર જે રીતે દિવસોદિવસ નીચું જઈ રહ્યું છે તે જોતાં મને ખાતરી હતી કે એક દિવસ તે જરૂર મારા સુધી પહોંચી જશે.”

Read Full Post »