Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Paulo Coelho’

માણસનું જીવન બદલી નાંખવાની ક્ષમતા ધરાવતા કોઇ એક પુસ્તક્નું નામ આપવાનું જો કહેવામાં આવે તો બેશક પોલો કોએલો (Paulo Coelho) લિખિત નવલકથા “ધ એલ્કેમિસ્ટ” (The Alchemist)નું જ નામ આપું. મૂળ પોર્ટુગિઝ ભાષામાં ૧૯૮૮માં પ્રગટ થયેલું, ૬૭ ભાષાઓમાં અનુવાદ થયેલું અને ત્રણ કરોડ પ્રતોથી વધુ વેચાયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં પણ સુલભ બન્યું છે. “એલ્કેમિસ્ટ” નામે તેનું પ્રકાશન આર. આર. શેઠની કંપનીએ કર્યું છે. (અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. મૂલ્ય ૯૫ રૂપિયા).

“ધ એલ્કેમિસ્ટ” હવે તો દુનિયામાં સૌથી વધુ વંચાતા અને વેચાઇ રહેલાં પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. લોકો તેમનું સપનું કઈ રીતે સાકાર કરી શકે છે કે શા માટે નથી કરી શકતા કે પછી કઈ રીતે સપનું સાકાર થવાનું હોય એ જ ઘડીએ હાથ ઊંચા કરી દેતા હોય છે એ આટલી સરળ રીતે આ પહેલાં ભાગ્યે જ કોઇએ કહ્યું હશે. આશાવાદ અને સકારાત્મક વિચારોથી છલોછલ “એલ્કેમિસ્ટ” મુળ તો ઇજિપ્તના પિરામિડો પાસે એક ખજાનો છે એવું સપનું જોનારા સાન્તિયેગો નામના એક ગોવાળ છોકરાની કહાણી છે. ખજાનો મેળવવાનું પોતાનું સપનું સાકાર કરવાને પોતાની નિયતિ માનીને તે ઘેરથી નીકળી પડે છે અને માર્ગમાં તેને જે જાતજાતના અનુભવો થાય છે અને કુદરતના સાંનિધ્યમાં તેને જે ગ્નાન લાધે છે, અને એ પ્રક્રિયા દરમ્યાન નાની નાની નજીવી બાબતોમાં છુપાયેલાં જીવનનાં રહસ્યો ઊકલતાં જાય છે એની કથાગૂંથણી જ લેખક પોલો કોએલોને એક સાચો કીમિયાગર બનાવે છે. સાન્તિયાગો ધાતુઓમાંથી સોનું બનાવવાની વિદ્યા જાણતા એક કીમિયાગરને મળે છે. તેની સાથેના સંવાદથી જીવન પ્રત્યેનો તેનો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઇ જાય છે.   

આ બેસ્ટ સેલર લેખકનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે અને અત્યાર સુધીમાં કુલ દસ કરોડથી વધુ પ્રતો વેચાઇ ચૂકી છે. તે સૌમાં શિરમોર “એલ્કેમિસ્ટ” એવો સંદેશ આપે છે કે માણસે તેની નિયતિને ટાળવી ન જોઇએ. કોએલોની શૈલી ખૂબ રસાળ છે અને ખુશનુમા જીવનનાં રહસ્યો બહુ સાદી અને સરળ ભાષામાં વાચકો સમક્ષ મૂકતા જાય છે. વાચકને સતત એ અનુભૂતિ થતી રહે છે કે જીવનના માર્ગમાં વિખરાયેલી પડેલી નાની નાની અને સરળ ચીજોમાં જ ખરી ખુશી સમાયેલી છે.

કોએલો કહે છે કે ઘણા લોકો મને પૂછે છે કે મને મળી રહેલી આ સફળતાનું રહસ્ય શું છે, ત્યારે મારો એકમેવ અને પ્રામાણિક પ્રતિભાવ એ હોય છે કે પેલા ગોવાળિયા છોકરા સાન્તિયેગોની જેમ આપણે સૌએ પોતાના વ્યક્તિગત જીવનધર્મ અંગે જાગ્રત થવાનું છે. ૧૯૪૭માં જન્મેલા કોએલો લેખન તરફ વળ્યા તે પહેલાં ગાયક, અભિનેતા અને પત્રકાર સહિત ઘણાં કામ કરી ચૂક્યા હતા અને વધુ નવાઇની વાત એ છે કે કિશોર વયમાં બે વાર તો તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

“એલ્કેમિસ્ટ”માંથી થોડીક ચૂંટેલી વાતો અહીં મૂકી છે :

– જ્યારે આપણે કંઈક મેળવવાની ઇચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.

– પ્રેમ કદી કોઇ માણસને પોતાની નિયતિ શોધવામાં અટકાવતો નથી. જો તે એ શોધ પોતે અટકાવી દે તો તેનું કારણ એ છે કે તેનો પ્રેમ સાચો નથી.

– કોઈ વ્યક્તિ કંઇ પણ કરતી હોય, દુનિયાના ઇતિહાસને ઘડવામાં તેની ભૂમિકા કેન્દ્રમાં હોય છે, પણ મોટે ભાગે આ બાબતથી તે અજાંણ જ રહે છે.

– જે કંઇ એક વાર બને છે તે બીજી વાર બનતું નથી. જે કંઇ બે વાર બને છે તે ચોક્કસ ત્રીજી વાર પણ બને છે.

– જ્યારે તમારી અંદર વિશાળ ખજાનો હોય અને બીજાઓને તમે તેની વાત કરો ત્યારે તમારી વાત પર ભાગ્યે જ કોઇને વિશ્વાસ બેસે છે.

– જીવનમાંની સાદી વાતો જ અસાધારણ હોય છે અને શાણા માણસો જ તેને સમજી શકે છે.

– આ બ્રહ્માંડનું એક મહાન સત્ય એ છે કે તમે કોઇ પણ હો કે કંઇ પણ કરતા હો, જ્યારે તમને કંઇક મેળવવાની ઇચ્છા જાગે તો એ મેળવીને જ રહેવું એ તમારા જીવનનો હેતુ છે.

– જેમ જેમ કોઇ પોતાની નિયતિને પ્રાપ્ત કરવાની નજીક આવતું જાય તેમ તેમ તે નિયતિ તેના અસ્તિત્વનું ખરું કારણ બનતી જાય છે.

– પૂર્વાભાસ કે પછી અંત:સ્ફૂરણા ખરેખર તો આત્માનું એક સાર્વત્રિક જીવનપ્રવાહમાં અચાનક ડૂબકી મારવા જેવું છે, જેમાં બધા લોકોના ઇતિહાસ એકબીજાથી જોડાયેલા છે. આપણે બધું જાણી શકીએ છીએ કેમ કે ત્યાં એ બધું લખેલું છે.

– પૃથ્વી પરની દરેક વ્યક્તિ માટે એક ખજાનો છે જે તેની રાહ જુએ છે.

– મોટા ભાગનાં લોકો દુનિયાને ડરામંણી જગ્યા સમજે છે અને તેઓ એવું સમજે છે ત્યારે તે ખરેખર ડરામણી જગ્યા જ બની જય છે.

– રાતની સૌથી વધુ અંધારી ક્ષણ સવાર ફૂટ્યા પહેલાંની ક્ષણ હોય છે.

– જે કોઇ અન્યની નિયતિમાં વિક્ષેપ પાડે તે પોતાની નિયતિ પામી શકે નહિ.

Read Full Post »