Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Ratilal Jogi’

ગુજરાતી બ્લોગ જગતના કેટલાક ઉઠાંતરીવીરો સામે વિનય ખત્રીએ બરાબરનો મોરચો ખોલ્યો છે. તેમની “ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો” પોસ્ટ વાંચવા જેવી છે. આ પોસ્ટ વાંચતાં મને વર્ષો  પહેલાં મેં લખેલી એક વ્યંગકથા “જહાંગીરી ન્યાય” યાદ આવી ગઈ. કારણ કે એ વાર્તા લખાવાના મૂળમાં પણ ઉઠાંતરી જ હતી.

બન્યું હતું એવું કે એ વખતે (લગભગ ૨૭ વર્ષ પહેલાં) હું વાર્તા પાક્ષિક “ચાંદની” સાથે સહ-સંપાદક તરીકે જોડાયેલો હતો. સંપાદક સ્વ. રતિલાલ જોગી હતા. એક લેખકે (આજે પણ તેમનું નામ યાદ છે, પણ લખતો નથી) એક વાર્તા મોકલી હતી જે “ચાંદની”માં અમે છાપી હતી. તે છપાયા પછી એક લેખકનો પત્ર આવ્યો. તેમના કહેવા મુજબ એ વાર્તા તેમણે લખેલી છે અને થોડા સમય પહેલાં એક સામયિકમાં પ્રગટ થઈ ચૂકી છે. જોગીસાહેબે  “ચાંદની”માં લખનાર લેખકને તેની જાણ કરી તો તેમણે એક જ રટ પકડી રાખી કે વાર્તા તેમની પોતાની જ છે. જોગીસાહેબે જેમનો પત્ર આવ્યો હતો એ લેખક પાસે વાર્તા તેમની હોવાનો પુરાવો મંગાવ્યો. એ સમયે હજી ઝેરોક્સની સુવિધા નહોતી, એટલે થોડા સમય પછી તેમને જ્યારે અમદાવાદ આવવાનું થયું ત્યારે પોતાની છપાયેલી વાર્તા લઈને “જનસત્તા” કાર્યાલયે આવ્યા હતા. “ચાંદની”માં અમે છાપેલી વાર્તા ખરેખર ઉઠાંતરી કરાયેલી જ હતી. પછી જોગીસાહેબે જરા કડક શબ્દોમાં પેલા લેખકને પત્ર લખ્યો કે હવે તમારી વાર્તા કદી “ચાંદની”માં છાપીશૂં નહિ, ત્યારે તેઓ ઢીલા પડ્યાઅને પોતાને એ વાર્તા બહુ ગમી ગઈ હતી એટલે પોતાના નામે છપાવવાની લાલચ રોકી શક્યા નહિ, એમ કહીને માફી માંગી લીધી, પણ સાથેસાથી પોતાની મૂર્ખાઇનું પ્રદર્શન પણ કર્યું. તેમણે પોતાના બે વાર્તાસંગ્રહો મોકલ્યા અને કહ્યું કે જેમની વાર્તાની પોતે ઉઠાંતરી કરી છે એ લેખકને આમાંથી જે વાર્તા ગમે તેને પોતાની નામે છપાવી નાખે.

આ ઘટનાને આધારે મેં “જહાંગીરી ન્યાય” વાર્તા લખી હતી, જે એ સમયે મુંબઈથી પ્રગટ થતા સાપ્તાહિક “યુવદર્શન”ના દિવાળી અંકમાં પ્રગટ થઈ હતી. પોતાના ન્યાય માટે વિખ્યાત જહાંગીરના દરબારમાં એક વાર એક લેખક ફરિયાદ લઈને આવે છે કે બીજા એક લેખકે તેની વાર્તાની ઉઠાંતરી કરી છે. જહાંગીર એવો ન્યાય આપે છે કે એણે તારી વાર્તાની ઉઠાંતરી કરી છે તો તું તેની વાર્તાની ઉઠાંતરી કરી લે.

“ચાંદની”માં ઉઠાંતરી કરીને એ વાર્તા છપાવનાર લેખક જો બ્લોગ વાંચતા હશે તો તેમને પણ તેમનું પરાક્રમ કદાચ યાદ આવી જશે.

Read Full Post »

જનાબ આદિલ મનસૂરી જન્નતનશીન થઈ ગયા. ગુજરાતી અને ઊર્દુ પર પકડ ધરાવતો શાયર આમ સાવ એકાએક મેહફિલ છોડી જાય એ કેમ કરીને સહન થઈ શકે? પણ આવા સમયે ઉપરવાળાની મરજી આગળ આપણે લાચાર એમ કહીને જ મન મનાવવું રહ્યું.

આદિલ કેવા ઊંચા દર્જાના શાયર હતા, એ વિષે બહુ લખાયું છે, લખાશે, લખાતું રહેવાનું છે. મારે તો બસ, આદિલ સાથે જે થોડોક સમય કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું, તેનાં થોડાંક સ્મરણો વાગોળવાં છે.

આદિલની ગઝલોથી તો બહુ પહેલેથી પરિચિત હતો, પણ તેમને પહેલી વાર મળવાનું બન્યું લગભગ ૧૯૮૦ના અરસામાં. “જનસત્તા”માં “ચાંદની” અને “રંગતરંગ” સામયિકોના સહાયક સંપાદક તરીકે જોડાયાને મને બહુ ઝાઝો સમય નહોતો થયો. સંપાદક હતા રતિલાલ જોગી. એક વાર આદિલ જોગીસાહેબને મળવા આવ્યા હતા ત્યારે તેમણે મને બોલાવીને આદિલ સાથે પરિચય કરાવ્યો એ અમારી પહેલી મુલાકાત. ત્યારે મને ખબર પડી કે આદિલ મિરઝાપુરમાં આવેલા “જનસત્તા ભવન” પાસેના સારાભાઇ કોમ્પલેક્સમાં સારાભાઇની જ એક એડ એજન્સી “શિલ્પી”માં કોપી-રાઇટર તરીકે કામ કરે છે. આજની ભાષામાં કહીએ તો તેમને આઉટસોર્સિંગ માટે એક માણસની જરૂર હતી. જોગીસાહેબ પાસે તેઓ એટલે જ આવ્યા હતા, અને જોગીસાહેબે મને ભળાવી દીધો. આજે પણ મને બરાબર યાદ છે, કોઇ જાપાની કંપનીએ ખેડૂતો માટે કોઈ ઉપકરણ બનાવ્યું હતું. તેની અંગ્રેજી માહિતિ પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ કરવાનો હતો.

મેં અનુવાદ કરી આપ્યો અને આમ આદિલ સાથે “શિલ્પી”માં આઉટસોર્સિંગ કરવાનો સિલસિલો ચાલુ થયો જે ખાસ્સો ચાર-પાંચ વર્ષ ચાલ્યો. એ દિવસોમાં શિલ્પીમાં કંઇ કામ હોય કે ન હોય, આદિલને લગભગ રોજ મળવાનું બનતું. શિલ્પીમાં તેમને કામ કરતા જોવા એ પણ એક લહાવો હતો. કેટલીય પ્રોડક્ટની મજેદાર પંચલાઇન તેમણે કેવી રમતાં રમતાં લખી નાંખી હતી એ આજેય મને બરાબર યાદ છે.

એડ-એજન્સીમાં મોટા ભાગે પહેલી કોપી અંગ્રેજીમાં લખાય અને પછી તેને આધારે ગુજરાતીમાં અને જરૂર પડે એ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ કે ભાવાનુવાદ થાય, પણ “શિલ્પી”માં ઘણી વાર એવું બનતું કે આદિલે લખેલી ગુજરાતી કોપી મુખ્ય બની રહેતી અને તેને આધારે અંગ્રેજી કોપી લખાતી.

શિલ્પીમાં મારે ભાગે અંગ્રેજી કોપીનો ગુજરાતી અનુવાદ કરવાનૂં, કેટલાંક સરકારી નિગમોના અંગ્રેજી વાર્ષિક અહેવાલોનો ગુજરાતી અનુવાદ કરવાનું, પ્રૂફરીડિંગ કરવાનું આવતું. ખાસ કરીને કોપી રાઇટિંગમાં આદિલ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું.

પછી તો આદિલ શિલ્પી છોડીને અમેરિકા જતા રહ્યા અને સમય જતાં શિલ્પી પણ બંધ થઈ ગઈ. આદિલ અમદાવાદ આવતા ત્યારે દર વખતે તેમને મળવાનું બનતું નહિ, એનો હંમેશાં અફસોસ રહેતો અને એ અફસોસ હવે તો વધુ સાલી રહ્યો છે.

આદિલની એક ગઝલ… “જ્યારે પ્રણયની…”

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, 

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.   

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક?

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,

ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

“આદિલ”ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

Read Full Post »