Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Review’

શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા (ઝ્યાં દુજાર્ડિન), શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (બેરેનિસ બેજો) સહિત દસ ઓસ્કર નોમિનેશન મેળવનાર ફિલ્મ “ધ આર્ટિસ્ટ ” જોઇ નહોતી ત્યાં સુધી એવો પ્રશ્ન થતો હતો કે એમાં એવું તે શું હશે, પણ ફિલ્મ જોયા પછી આફરીન થઈ જવાયું. ચાર્લી ચેપ્લિનની મોટા ભાગની મૂક ફિલ્મો ઉપરાંત થોડાં વર્ષો પહેલાં કમલહાસન અભિનિત “પુષ્પક” અને એનાં થોડાં વર્ષો પહેલાં મેલ બ્રુક્સની “સાયલન્ટ મુવી” સિવાય કોઇ મૂક ફિલ્મ જોયાનું ખાસ યાદ નથી. “પુષ્પક” એક મનોરંજનીય પ્રયોગ હતો અને “ધ સાયલન્ટ મુવી” મેલ બ્રુક્સ સ્ટાઈલની કોમેડી હતી, એટલે “ધ આર્ટિસ્ટ”એ એક સંઘેડાઉતાર મૂક ફિલ્મ તરીકે જલસો કરાવી દીધો.

“ધ આર્ટિસ્ટ”ની વાર્તા સાવ સરળ છે. ૧૯૩૦ના દાયકાના અંત ભાગે જે હોલીવૂડમાં બન્યું હતું તે ભારત સહિત ફિલ્મ બનાવનારા દરેક દેશમાં બન્યું હતું. સવાક ફિલ્મોના પ્રારંભ સાથે મૂક ફિલ્મોના અનેક કલાકારોને ઘેર બેસવાનો વારો આવ્યો હતો. શરીરસૌષ્ઠવ અને શારીરિક સૌંદર્ય મૂક ફિલ્મોનાં કલાકારો માટે મુખ્ય માપદંડ હતો, પણ જેમની પાસે સંવાદ અદાયગીની તાકાત નહોતી એવા ભલભલા કલાકારોની કારકિર્દીનો અંત આવી ગયો હતો.

“ધ આર્ટિસ્ટ”માં પણ મૂક ફિલ્મોના સુપરસ્ટાર જ્યોર્જ વેલેન્ટિનની વાત છે. ૧૯૨૭નો સમયગાળો છે. તે સ્ટારડમની ચરમસીમાએ હતો અને પેપી મિલર નામની એક નવોદિત અભિનેત્રીની કારકિર્દી શરૂ  થઈ રહી છે. એક દિવસ નિર્માતા જ્યોર્જને ફિલ્મને અવાજ આપવા માટે થઈ રહેલા ટેસ્ટ જોવા બોલાવે છે. જ્યોર્જ તે જોવા જાય છે ખરો, પણ આવા પ્રયોગને હસી કાઢે છે. ત્યારે નિર્માતા કહે છે, “હસી કાઢવા જેવી વાત નથી. આ જ ભવિષ્ય છે.” ત્યારે પણ જ્યોર્જ હસીને જ જવાબ આપે છે કે “જો આ જ ભવિષ્ય હોય તો એ રાખો તમારી પાસે.”

એ જમાનામાં જ્યોર્જ જેવા અનેક કલાકારો અને કસબીઓ ખરેખર આવનારા સમયને ઓળખી શક્યા નહોતા અને પોતાના ગુમાન પર મુસ્તાક રહ્યા હતા. ભારતમાં પણ જ્યારે સવાક ફિલ્મોના પ્રયોગો શરૂ થયા હ્તા ત્યારે તેનો વિરોધ કરનારા ઘણા હતા. મૂક ફિલ્મોના સમયમાં કારકિર્દી શરૂ કરનારા અને સવાક યુગમાં પણ છવાઇ જનારા ખુદ વી. શાંતારામે ૧૯૩૦માં એવું કહ્યું હતું કે “એકદમ નવી ચીજ હોવાને કારણે જ પ્રેક્ષકો બોલતી ફિલ્મ જોવા ઉત્સુક છે. નવીનતા ખતમ થતાં જ લોકોનું બોલતી ફિલ્મ તરફનું આકર્ષણ ઓછું થતું જશે. મૂક ફિલ્મોએ પોતાની કલાત્મકતા દ્વારા સિનેમાની દુનિયામાં એક નિશ્ચિત સ્થાન બનાવી લીધું છે અને તે એવું જ જળવાઇ રહેશે એમાં મને મુદ્દલ શંકા નથી. ”

“ધ આર્ટિસ્ટ”નો જ્યોર્જ વેલેન્ટિન પણ કંઈક આવું જ માનતો હોય છે. તે નિર્માતાને કહી દે છે કે “લોકો મારો અવાજ સાંભળવા નહિ, મને જોવા આવે છે.”

તેની માન્યતા કેટલી ખોટી હોય છે એ થોડા જ સમયમાં તેને સમજાય જાય છે. તે પોતે લખલૂટ ખર્ચ કરીને એક મૂક ફિલ્મ બનાવે છે, પણ એ ફ્લોપ જાય છે અને બીજી બાજુ શેરબજારમાં મોટો કડાકો બોલી જાય છે એટલે તે રસ્તા પર આવી જાય છે.

મૂક ફિલ્મોના સમયની જ ટેકનિક અને એ જ સમયના કેમેરા એન્ગલનો ઉપયોગ “ધ આર્ટિસ્ટ”માં ખૂબ સુંદર રીતે થયો છે. નવોદિત અભિનેત્રી પેપી મિલરને જ્યોર્જ તરફ આકર્ષણ અનુભવતી દર્શાવાય છે ત્યારે દીવાલ પર જ્યોર્જની એક ફિલ્મ “થીફ ઓફ હર હાર્ટ”નું પોસ્ટર લાગેલું હોય છે. પોતાની પાસેની તમામ ચીજોની હરાજી કરાવીને હતાશ અને નિરાશ જ્યોર્જને રસ્તા પર જતો દર્શાવાય છે ત્યારે એક ફિલ્મ લાગી હોય છે “લોન્લી સ્ટાર”. ફિલ્મમાંનાં બે દૃશ્યો તો ખાસ યાદ રહી ગયાં. જ્યોર્જની સ્થિતિ બધી રીતે એટલી ખરાબ થઈ જાય છે કે એક દૃશ્યમાં તો રીતસર પડછાયો પણ તેનો સાથ છોડી જતો બતાવાયો છે. બીજું દૃશ્ય છે જ્યોર્જ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો વફાદાર કૂતરો તેને આપઘાત કરતો રોકવા જે મથામણ કરે છે તે અદભુત છે.

અમદાવાદના સિનેમેક્સ મલ્ટીપ્લેક્સમાં અમારા બે ઉપરાંત બીજા ચારપાંચ જણા જ હતા, પણ તેમણે આ સાયલન્ટ ફિલ્મમાં સતત સાઉન્ડ ઇફેક્ટ આપવાનું કામ કર્યે રાખ્યું હતું.

Read Full Post »

વર્ષોથી બેસ્ટ સેલર પુસ્તકોના લિસ્ટમાં સ્થાન પામતું રહેલું Who Moved My Cheese? (by Spencer Johnson, MD) હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે. મિત્ર અલકેશ પટેલે તેનો બહુ જ સુંદર અનુવાદ કર્યો છે, જે આર. આર. શેઠની કંપનીએ પ્રગટ કર્યો છે (કિંમત રૂ. ૯૫). વર્ષોથી આ અંગ્રેજી ટાઇટલ આંખ નીચેથી પસાર થતું રહેતું હતું. તે બેસ્ટ સેલર હોવા વિષે પણ જાણ હતી, અને તે સેલ્ફ ડેવલપમેન્ટને લગતું હોવાની પણ જાણ હતી, પણ કદી તે વાંચવાની ઇચ્છા થઈ નહોતી.

આ પોસ્ટ લખવાની શરૂ કરી તેની આગલી ક્ષણે એકી બેઠકે પુસ્તક પૂરું કર્યું ત્યારે એક બાજુ બક્ષીના શબ્દોમાં કહીએ તો દિલ બાગ બાગ થઈ ગયું પણ તે સાથે જે પહેલો પ્રશ્ન થયો તે એ કે આ પુસ્તક આ પહેલાં કેમ વાંચ્યું નહિ?

“પરિવર્તન સંસારનો નિયમ છે” એ આપણે બધા જાણીએ છીએ તે છતાં પરિવર્તનો જ્યારે આવે છે ત્યારે તેના તરફનો હરકોઇનો પ્રતિભાવ અલગ અલગ હોય છે, અને એમ થવા કે એમ કરવા પાછળનાં દરેકનાં પોતાનાં આગવાં કારણો હોય છે, તેમ છતાં જેઓ પરિવર્તન સાથે બદલાઇ જવાનું અને તે મુજબ જાતને ઢાળી શકતા હોય છે, તેઓ અંતે તો એવું નહિ કરી શકનારાઓ કરતાંવધુ સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. લગભગ આવો સાર ધરાવતી  હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા તેના લેખકે ખૂબ સરળ છતાં અસરકારક રીતે બે ઉંદર સ્નિફ અને સ્કરી તથા બે વેંતિયા હેમ અને હો એવાં કુલ ચાર પાત્રો દ્વારા નિરુપી છે.

આ ચારેય પાત્રો માણસમાત્રના સરળ અને જટિલ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેક આપણે સ્નિફ જેવું વર્તન કરીએ છીએ, જે પરિવર્તનને સૌથી પહેલાં સૂંઘી લે છે, ક્યારેક આપણે સ્કરી જેવું વર્તન કરીએ છીએ, જે તત્કાળ પગલાં લે છે, ક્યારેક આપણે હેમની જેમ વિચારીએ છીએ, જે પરિવર્તન માટે તૈયાર નથી અને તેનો વિરોધ કરે છે, કારણ કે પરિવર્તનથી નુકસાન થશે એવો તેને ડર રહેતો હોય છે, અને ક્યારેક આપણે હો જેવા હોઇએ છીએ, જે પરિવર્તનથી લાભ થશે એવું સમજાય ત્યારે તેનો સ્વીકાર કરતાં શીખી લઈએ છીએ.

હૂ મૂવ્ડ માય ચીઝ? વાંચતાં સતત એવું જ લાગ્યા કરે કે જાણે આઆપણી પોતાની જ વાત છે. કદાચ એ પણ યાદ આવ્યા કરે કે જ્યારે જ્યારે આપણા પોતાના જીવનમાં પરિવર્તન આવ્યું હતું, ત્યારે આપણે ઉપર્યુક્ત ચાર પૈકી કઈ ભૂમિકા ભજવી હતી. પુસ્તકમાં ભેગા થયેલા જૂના મિત્રો ચીઝની વાર્તાસાંભળ્યા પછી કહે છે આ વાર્તા તેમનેપહેલાં કેમ વાંચવા ન મળી? હૂ મૂવ્ડ માય ચીઝ? વાંચ્યા પછી વાંચનારને પણ આવી લાગણી ન થાય તો જ નવાઈ!

Read Full Post »

2012

“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમયમાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા પણ કહે છે)ના કેલેન્ડરનું ૧૩મું ચક્ર ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે અને તે સંદર્ભે જે આગાહી કરાઇ છે તે મુજબ તે દિવસે દુનિયાનો અંત આવશે જ એવું માનીને ગ્વાટેમાલામાં લાખો લોકો આપઘાત કરી લે છે. ખરેખર આગાહી સાચી પડશે કે કેમ તે જાણવા માટે IHC નામના એક ગુપ્ત સંગઠનની સ્થાપના કરવામાં આવે છે. આ સંગઠન પણ એવો અહેવાલ આપે છે કે દુનિયાનો અંત આવી જશે. હવે દુનિયાભરના દેશોની સરકારો માનવજાતને બચાવી લેવાનું અતિ મુશ્કેલ કામ IHCને સોંપે છે. ૨૦૧૨ સુધીમાં ગમે તેમ કરીને દુનિયાને બચાવી લેવાના પ્લાન શરૂ થાય છે, પણ શું એ શક્ય બની શકશે ખરું? અંતે શું થાય છે તે ફિલ્મમાં જ જોવાનું રહ્યું. દિગ્દર્શ્ક રોનાલ્ડ એમેરિચની આ ફિલ્મ ખાસ્સી આતુરતા જગાવી ચૂકી છે.

ફિલ્મ “૨૦૧૨” તો જોવા મળે ત્યારે ખરી, પણ એ પહેલાં ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે એ આગાહીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી “નોસ્ટ્રાડામસ ૨૦૧૨” (Nostradamus 2012)જોઇ નાખી. આ એક દસ્તાવેજી ફિલ્મ છે અને ૨૦૧૨ માટે નોસ્ટ્રાડામસે કરેલી આગાહીઓ પર આધારિત છે. ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે તે સંદર્ભે નોસ્ટ્રાડામસે શું કહ્યું છે, અને શા માટે માનવજાતનું નિકંદન નીકળી જશે તેનાં તેણે શું કારણો આપ્યાં છે, અને નોસ્ટ્રાડામસની હંમેશાં ગૂઢ અને રહસ્યમય ગણાતી રહેલી આગાહીઓનું અર્થઘટન કરવામાં નિષ્ણાતો તે અંગે શું કહે છે તે ખૂબ જ વિસ્તૃત રીતે આ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવાયું છે.

દુનિયામાં જ્યારે પણ ક્યાંય યુદ્ધ જેવી માનવસર્જિત કે ભૂકંપ જેવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે નોસ્ટ્રાડામસે એ મુજબની આગાહીઓ કરી હોવાના લેખો લખાવા માંડતા હોય છે. નોસ્ટ્રાડામસ આમ તો એક સીધોસાદો ફ્રેન્ચ તબીબ હતો.  પોતે કંઇક અસામાન્ય શક્તિઓ ધરાવે છે એ જાણ તેને જિંદગીની મધ્ય વયે થઈ હતી. બંને વિશ્વયુદ્ધો,  કેનેડીની હત્યાથી માડીને અંતરીક્ષમાં સિદ્ધિઓ વગેરેની હત્યાથી તેણે ૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તેની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે. જોકે ૧૯૯૯માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવી તેની આગાહી સાચી પડી નથી.

nostradamus2012

નોસ્ટ્રાડામસના જીવન પરથી “ધ મેન હૂ સો ટુમોરો” (The Man Who Saw Tomorrow) ફિલ્મ ૧૯૮૧માં બની હતી તે પણ જોવા જેવી છે. ૨૦૧૨નું વર્ષ નજીક આવશે તેમ તેમ નોસ્ટ્રાડામસની ઓર ચર્ચાસ્પદ બનતી રહેશે એમાં કોઇ શંકા નથી.

Read Full Post »

Angels_and_demonsસિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?”

આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, પણ આસ્તિકતા અને નાસ્તિકતા એથી ક્યાંય વધુ ગહન બાબત છે. ભગવાનમાં માનનારો પૂરેપૂરો આસ્તિક ન હોય અને ન માનનારો સાવ નાસ્તિક ન પણ હોય. આમ પણ આસ્તિકતા અને નાસ્તિકતા ઘણા લોકો માટે સગવડિયો ધર્મ હોય છે.  આ વિષય પર ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં ટોમ હેન્ક્સ પણ જવાબમાં સીધી હા કે ના પાડતો નથી. તે કંઇક ફેરવીને જવાબ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને પૂછવામાં આવે છે, “કોણ શું કહે છે એ નહિ, તમે પોતે ભગવાનમાં માનો છો?” જવાબમાં તે કહે છે, “મારું મન કહે છે કે હજી હું ભગવાનને સમજી શક્યો નથી.” પ્રશ્ન : “તમારું દિલ શું કહે છે?” ટોમ હેન્ક્સ કહે છે, “શ્રદ્ધા એક ભેટ છે, જે હજી મને મળી નથી.” 

બેએક વર્ષ પહેલાં ડેન બ્રાઉનની નવલકથા અને તેના પરથી બનેલી ફિલ્મ “દા વિન્ચી કોડ” ખૂબ વિવાદાસ્પદ બની હતી. તેના પર પ્રતિબંધ લગાડવાની માંગણીઓ થઈ હતી, પણ ફિલ્મ સારી ચાલી હતી. તેને કારણે ડેન બ્રાઉને”દા વિન્ચી કોડ” પહેલાં લખેલી પણ ખાસ કોઈના ધ્યાનમાં ન આવેલી “એન્જલ્સ એન્ડ ડેમન્સ”ની પણ લોટરી લાગી ગઈ. બુક તો બેસ્ટ સેલર થઈ જ, તેના પરથી ફિલ્મ પણ બની, જે હાલમાં રીલીઝ થઈ છે.  

“દા વિન્ચી કોડ”માં લિયોનાર્ડો દા વિન્ચીનાં જગવિખ્યાત પેઇન્ટિંસ “મોનાલિસા” અને “ધ લાસ્ટ સપર”નાં ખ્રિસ્તી ધર્મને સાંકળીને કરાયેલાં અર્થઘટનોએ વિવાદ સર્જ્યો હતો.”એન્જલ્સ એન્ડ ડેમન્સ”નું કથાનક પણ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા કેન્દ્ર વેટિકનમાં આકાર લે છે. સંદર્ભ છેક ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાંની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યો છે, જ્યારે યુરોપમાં ચર્ચનું પ્રભુત્ત્વ હતું અને ધર્મ સામે વિગ્નાનની કોઈ વિસાત નહોતી. ગેલિલિયો જેવા વૈગ્નાનિકોને તેને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું એ તો  જગજાહેર છે. એ ઘટનાઓ અંગે વેટિકન તરફથી દિલગીરી પણ વ્યક્ત થઈ ચૂકી છે. 

કહે છે કે ગેલિલિયો અને એ પછીના સમયમાં વૈગ્નાનિકો, કલાકારો વગેરે પ્રબુદ્ધોએ Illuminati નામનું એક સંગઠન રચ્યું હતું જે આજે પણ એક ગુપ્ત અને ભેદી સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. આ Illuminati ફરી સક્રિય થયું છે અને સદીઓ પહેલાં ચર્ચે ચાર વૈગ્નાનિકોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા તેનો બદલો લેવા આવ્યું હોવાનું ફિલ્મનું કથાનક છે. સ્વિત્ઝરલેન્ડની “સર્ન” (CERN) પ્રયોગશાળામાં વિશ્વની ઉત્પત્તિ માટે જવાબદાર લેખાતા કણ Antimatter નું સંશોધન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ Antimatter એવી ઊર્જા છે કે જો તેનો વિધેયાત્મક ઉપયોગ કરાય તો માનવજાત ન્યાલ થઈ જાય, પણ તો તે હજારો અણુબોંબ એકસાથે ફાટે એવો વિનાશ સર્જી શકે. Antimatter રૂપી આ ભયાનક બોંબ વેટિકનમાં ગોઠવીને તેને અને તેની સાથે ખ્રિસ્તી ધર્મને નેસ્તનાબૂદ કરી નાખવાની Illuminatiની ભયાનક યોજના છે. CERN માંથી Antimatter ની ચોરી સાથે ફિલ્મનો પ્રારંભ થાય છે. 

સિસ્ટાઇન ચેપલ સહિતનાં વેટિકનનાં ખ્યાતનામ સ્થળો, પોપનું મૃત્યુ અને નવા પોપની વરણીની પ્રક્રિયાની સાથોસાથ વેટિકનમાં ક્યાંક ગોઠવાયેલું Antimatter ગણતરીના કલાલોમાં શોધવાની દોડધામ અને તે સાથે બનતી રહસ્યમય ઘટનાઓ પ્રેક્ષકોને ઝકડી રાખે છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે ૪૦૦ વર્ષ પહેલાં હતા એવા વિગ્નાનના વિરોધીઓ આજે પણ છે. ફિલ્મનો એક સંવાદ : “વિશ્વની ઉત્પત્તિનું રહસ્ય જો વિગ્નાનના હાથમાં આવી જશે તો ભગવાન માટે શૂં બચશે?”

પ્રતીક્ષાએ Angels & Demons બુક વાંચી છે. તેના કહેવા મુજબ બુક જેટલી મજા ફિલ્મમાં આવતી નથી. એ પછી બુક વાંચવાની ઇન્તેજારી વધી ગઈ છે…

Read Full Post »

અનુરાગ કશ્યપની ફિલ્મ “દેવ.ડી”ને સમીક્ષકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. કોઇ આ ફિલ્મ પર એટલું ઓવારી ગયું છે કે તેને પાંચ સ્ટાર આપી દીધા છે તો કોઇ ૨૧મી સદીના મરીમસાલા ભભરાવેલી આ પ્રેમકથાથી એટલા નારાજ થયા છે કે તેને એક જ સ્ટાર આપ્યો છે.

સંજય લીલા ભણશાલીએ “દેવદાસ” બનાવી હતી ત્યારે પણ ઘણી હોહા થઈ હતી. જૂની પેઢીનાં જે લોકોએ સાયગલ કે દિલીપકુમારની “દેવદાસ” જોઈ હતી તેમને ભણશાલીનો “દેવદાસ” મુદ્દલ ગમ્યો નહોતો. શરદબાબુની આ ક્લાસિક નવલકથાનું પી.સી. બરુઆ અને બિમલ રોયે પોતપોતાની રીતે અર્થઘટન કર્યું હતું તેમ ભણશાલીનું પોતાનું અર્થઘટન હતું.

હવે “દેવ.ડી”માં અનુરાગ કશ્યપનું પોતાનું અર્થઘટન છે, અને ન્યાય ખાતર પણ કહેવું પડશે કે આજની પેઢીનો દેવદાસ કેવો હોઇ શકે તેનું અતિ વાસ્તવ ચિત્રણ તેમણે કર્યું છે. એક સમીક્ષકે એવું લખ્યું છે કે “દેવ.ડી”નો દેવદાસ જોયા પછી શરદબાબુનો આત્મા જ્યાં હશે ત્યાં આપઘાત કરવાનું વિચારતો હશે, પણ સાવ એવું નથી. કારણ એ કે “દેવ.ડી” શરદબાબુની “દેવદાસ” પર આધારિત છે એવો કોઇ ઉલ્લેખ અનુરાગ કશ્યપે કર્યો નથી. ઊલટાનું ફિલ્મની શરૂઆતમાં એવું Disclaimer મૂક્યું છે કે આ કથા અને પાત્રો કાલ્પનિક છે અને તેને કોઇ જીવંત કે મૃત વ્યક્તિઓ સાથે સંબંધ નથી.

પંજાબી માહોલમાં આકાર લતી “દેવ.ડી” આજની પેઢીનાં દેવદાસ-પારો-ચંદાની કહાણી છે. લંડન ભણવા ગયેલો દેવ નાનપણથી પારોને ચાહે છે, પણ એ પ્રેમ લગભગ સો વર્ષ પહેલાં લખાયેલી નવલકથાનો “રુહાની” પ્રેમ નથી આજની પેઢીનો “જિસ્માની” પ્રેમ છે. તે એ હદે કે દેવ લંડનમાં હોય છે ત્યારે પારો હવે કેવી લાગતી હશે તે જોવા ઇ-મેઇલ મારફત પારોનો ન્યૂડ ફોટો મંગાવે છે અને પેલી મોકલે છેય ખરી. બંને પ્રેમીઓ મળે છે ત્યારે તેમની પહેલી પ્રાયોરિટી શરીરસંબંધ બાંધવાની છે. 

પારોનાં લગ્ન બે છોકરાના બાપ સાથે થઈ જાય છે એટલે ઘર છોડીને નીકળી પડેલો દેવ દારૂ પીવા સાથે ડ્રગ્સ પણ લેવા માંડે છે, અને આ સ્થિતિમાં તે એક દિવસ એક કૂટણખાનામાં જઈ પહોંચે છે જ્યાં તે ચંદાને મળે છે. ચંદાનું મૂળ નામ લેની છે.  ૧૨મા ધોરણમાં હતી ત્યારે તેને ભોળવીને તેનો બોયફ્રેન્ડ તેનો અશ્લીલ વીડિયો ઉતારી તેનો MMS ફરતો કરી દે છે. ઘટનાનો અંત એવો આવે છે કે લેની કૂટણખાનામાં પહોંચી જાય છે અને ભણશાલીની “દેવદાસ” વિડિયો પર જોતાંજોતાં પોતાનું નામ ચંદ્રમુખી રાખી લે છે.

અહીં વિખૂટાં પડેલાં પ્રેમીઓ એક્બીજાના વિરહમાં ઝૂરતાં નથી. તેઓ મળે છે ત્યારે એ મિલનનો અંત પણ પથારીમાં આવે છે.  હિંદી ફિલ્મના હીરો અને હીરોઈન પડદા પર Four Letter Word બોલતાં હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે.

એક ફિલ્મકારની નજરે આજની પેઢીના દેવદાસ-પારોનું આ ચિત્રણ છે…

Read Full Post »

કોઇ ભારતીયને ઓસ્કરના ઉંબરે ખડા કરી દેનારી ફિલ્મ Slumdog Millionaire જેના આધારે બનાવાઈ છે તે વિકાસ સ્વરૂપની અંગ્રેજી નવલકથા Q & A નો ગુજરાતી અનુવાદ “જેકપોટ” વાંચ્યો. ફિલ્મ તો પહેલા જ દિવસે જોઇ લીધેલી. ઘણા સમય પહેલાં એવું વાંચ્યાનું કે સાંભળ્યાનું યાદ છે કે અભિવ્યક્તિનાં બધાં માધ્યમોમાં લિખિત શબ્દની જે તાકાત છે તે અનન્ય છે.  પહેલી વાર તેનો અનુભવ Alistair MacLean ની થ્રિલર પરથી બનેલી ફિલ્મ Breakheart Pass જોઇ હતી ત્યારે થયો હતો. નવલકથામાં જે થ્રિલ હતું તે ફિલ્મમાં નહોતું. લિખિત શબ્દની એ તાકાત હતી.  એ પછી તો વીતેલાં વર્ષોમાં આવો અનુભવ ઘણી વાર થતો રહ્યો છે. Slumdog Millionaire  જોયા પછી Q & Aનો અનુવાદ “જેકપોટ” (અનુવાદ :  સુધા મહેતા, પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ-મુંબઈ, કિંમત રૂ. ૧૬૦) વાંચીને વધુ એક વાર આ અનુભૂતિ થઈ.

તમામ પ્રકારના અભાવો વચ્ચે ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો છોકરો એક ક્વિઝ-શોમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબો આપીને સૌથી મોટું ઇનામ જીતી જાય છે, અને તેને પુછાયેલા બધા પ્રશ્નોના જવાબો તેણે જીવેલી જિંદગીમાંથી તેને મળ્યા છે એ મૂળ આઇડિયાને બાદ કરીએ તો Slumdog Millionaire અને Q & Aને ખાસ કંઇ લાગતુંવળગતું નથી. એટલે સુધી કે જમાલને પુછાયેલા પ્રશ્નો અને તેના જવાબ સંદર્ભે જિવાયેલી જિંદગીનું નિરુપણ પણ જુદું છે.

એ વાત સાચી છે કે Q & A કોઈ પ્રશિષ્ઠ સાહિત્યિક કૃતિ નથી કે તેના પરથી ફિલ્મ બનાવનારે મૂળ પાઠને વળગી રહેવું પડે અને આમ પણ ફિલ્મકારો સિને માધ્યમની જરુરિયાત મુજબ ફેરફારો કરતા જ  હોય છે, એટલે Slumdog Millionaireમાં વ્યાપક ફેરફારો કરાયા છે એ કોઇ નવાઇની વાત નથી, પણ મજા એ વાતની છે કે ફિલ્મ કરતાં નવલકથાએ વધુ જલસો કરાવી દીધો, એટલું જ નહિ, ફિલ્મ કરતાં નવલકથા વધુ લોજિકલ પણ છે. બાય ધ ફિલ્મમાં જે વ્યાપક ફેરફાર કરાયા છે તે સાથે લેખક વિકાસ સ્વરૂપ સહમત છે, અન તેમની નવલકથાનું હાર્દ ફિલ્મમાં જળવાયું છે એવું તેઓ માને છે.  

નવલકથામાં ક્વિઝમાં પુછાતા દરેક પ્રશ્નનું એક અલાયદું પ્રકરણ અને એ દ્વારા ખુલ્લી થતી યુવાન (ફિલ્મનો જમાલ નવલકથામાં રામ મુહમ્મદ થોમસ છે)ની સંઘર્ષમય જીવનકિતાબનાં પાનાં, જેમાં તે અવનવી પરિસ્થિતિમાં મુકાતો રહે છે અને અવનવાં પાત્રોના પરિચયમાં આવતો રહે છે. એક નવલકથાને રસપ્રદ બનાવવા અને વાચકને જકડી રાખવા જરૂરી હોય એ Twist and Turn નાં બધાં તત્ત્વો અહીં મોજૂદ છે.  

ક્વિઝ-શોમાં છેક સુધી પહોંચી ગયેલા યુવાનને ખરેખર શા માટે પકડવામાં આવે છે, તે પોતાની જીવનકિતાબનાં પાનાં કોની સમક્ષ ખોલે છે અને ખાસ તો ક્વિઝ-શોની તિકડમબાજી આ બધું જે રીતે નવલકથાંમાં છે એવું ફિલ્મમાં નથી. નવલકથામાં અંતે જે કેટલાંક રહસ્યો ખૂલે છે તે પણ ફિલ્મમાં નથી. અને હા, અમિતાભના ઓટોગ્રાફવાળો જુગુપ્સાપ્રેરક સીન ફિલ્મમાં છે એ પણ નવલકથામાં નથી.

Slumdog Millionaire ફિલ્મ તમે જુઓ કે ન જુઓ, નવલકથા તો વાંચવા જેવી છે જ…

Read Full Post »

ભૂતકાળમાં ઉત્ત્રરાયણ નિમિત્તે બોલીવૂડમાં પતંગબાજી વિષે બે-ત્રણ વાર લખવાનું થયેલું. “યે દુનિયા પતંગ, નીત બદલે હૈ રંગ… કોઇ જાને ના ઉડાને વાલા કૌન હૈ” અને “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…” જેવાં ગીતોના ઉલ્લેખ સાથે એ લેખો લખાયા હતા. ત્યારે અંગ્રેજી ફિલ્મ “ધ કાઇટ રનર” જોઇ નહોતી કે જેના આધારે આ ફિલ્મ બનાવાઇ છે એ આ જ નામની નવલકથા વાંચી નહોતી. બોલીવૂડમાં પતંગનાં ગીતો સર્જાયાં છે અને “શતરંજ કે ખિલાડી” તથા “હમ દિલ દે ચૂકે સનમ” જેવી ફિલ્મોમાં થોડીક  પતંગબાજી પણ દર્શાવાઇ છે. “હમ દિલ દે ચૂકે સનમ”માં “કાઈપો છે…” ગીત વખતે પતંગો ઊડતી હોય એ દૃશ્યમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો વધુ ઉપયોગ કરાયો હતો. મૂળ વાત એ કે જ્યારથી “ધ કાઇટ રનર” ફિલ્મ જોઈ છે ત્યારથી આજ સુધી પડદા પર જોયેલી બધી પતંગબાજી ફિસ્સી લાગી છે. પતંગબાજીની ફોટોગ્રાફી કેવી હોઇ શકે એ “ધ કાઇટ રનર” જોયા પછી જ સમજી શકાય.

“ધ કાઇટ રનર”  એક અદભુત ફિલ્મ અને નવલકથા છે. ૨૦૦૩માં પ્રગટ થયેલી આ નવલકથા લેખક Khaled Hosseini ની પહેલી જ નવલકથા છે. ૨૦૦૭માં તેના પરથી “ધ કાઇટ રનર” ફિલ્મ બની છે. ભારતમાં પતંગબાજીની પરંપરા ભલે ગમે તેટલી જૂની હોય, “કાઇટ રનર” નો કોન્સેપ્ટ આપણે ત્યાં છે જ નહિ. આપણે ત્યાં કપાયેલા પતંગ લૂંટનારા હોય છે, પતંગ ચગાવનાર સાથે ફીરકી પકડનાર પણ હોય છે, પણ “કાઇટ રનર” લો એવી વ્યક્તિ હોય, જે તમારી ફીરકી તો પકડે, પણ જ્યારે તમે કોઇનો પતંગ કાપો ત્યારે એ ફીરકી પકડનારો દોડીને જાય અને ગમે તે થાય, પણ તમે જે પતંગ કાપ્યો હોય તે તમને લાવીને આપે.

“ધ કાઇટ રનર”ની વાર્તા ૧૯૭૭માં અફઘાનિસ્તાનના કાબૂલમાં આકાર લે છે, જ્યારે એ દેશ ભારે ઊથલપાથલના દોરમાં પ્રવેશી ચૂક્યો હતો. સોવિયેત આક્રમણ પછી અરજકતામાં સપડાયેલો આ દેશ છોડીને મોટી સંખ્યામાં લોકો હિજરત કરીને પાકિસ્તાન જતા રહ્યા હતા અને જેઓ કંઇક સંપન્ન હતા તેઓ પાકિસ્તાનથી અમેરિકા જતા રહ્યા હતા.બીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસનનો ઉદય થાય છે.

વાર્તાની શરૂઆત બે જિગરી બાળ મિત્રો આમીર અને હસનની દોસ્તીથી શરૂ થાય છે. આમીર એક સુખી પરિવારનો છે, અને હસન તેને ઘેર નોકર તરીકે કામ કરતા અલીનો પુત્ર છે. હસન મિત્ર હોવા સાથે આમીરનો “કાઇટ રનર” છે. આ કામમાં તે નિપુણ છે. તેના વિષે એવું કહેવાય છે કે તે જ્યારે પતંગ પકડવા દોડતો ત્યારે પતંગ સામે જોતો પણ નહિ. લોકો કહેતા કે તે કપાયેલી પતંગનો પડછાયો જોતો જોતો દોડતો.

કેટલીક એવી ઘટનાઓ બને છે કે આમીર તેના મિત્ર હસન પર ચોરીવું ખોટું આળ ચઢાવે છે એટલે અલી પોતાના પુત્ર સાથે નોકરી છોડીને જતો રહે છે. પછી તો દેશમાં ઊઅથલપાથલ મચે છે અને આમીર પણ પિતાની સાથે દેશ છોડીને પહેલાં પાકિસ્તાન અને પછી અમેરિકા જતા રહે છે. બંને મિત્રો આમીર અને હસન તો છૂટા પડ્યા તે પછી કદી મળી શકતા નથી, પણ જે રસપ્રદ ઘટનાઓ બને છે, તે નવલકથા વાંચનારને કે ફિલ્મ જોનારને જકડી રાખે છે.

પતંગબાજી ઉપરાંત આ ફિલ્મમાં અફઘાનિસ્તાનના તાલીબાની શાસનનું પણ અત્યંત પ્રભાવક નિરુપણ કરાયું છે. તાલીબાની શાસનમાં કટ્ટરવાદીઓ કેવી ક્રૂરતા આચરે છે એ આપણે છાપાંઓમાં વાંચ્યું તો છે, પણ  બે પ્રેમી પંખીડાંને જાહેરમાં પથરા મારીને મારી નાંખવાની કરાતી સજા દૃશ્ય જ રુંવાડાં ખડાં કરી દે તેવું છે. તક મળે તો આ ફિલ્મ કે નવલકથા છોડવા જેવી નથી…

Read Full Post »

૧૯૪૧માં એટલે કે લગભગ ૬૭ વર્ષ પહેલાં ફિલ્મ “સિટીઝન કેન” (Citizen Kane) બની હતી. એ પછી દુનિયાભરમાં હજારોની સંખ્યામાં ફિલ્મો બની ચૂકી છે અને બની રહી છે, પણ જ્યારથી “સિટીઝન કેન”નું નિર્માણ થયું છે, ત્યારથી વિશ્વ સિનેમામાં તે હંમેશાં સર્વશ્રેષ્ઠ ગણાઇ છે. દુનિયામાં ક્યાંય પણ ટોપ ટેન ફિલ્મોની યાદી બને તો અચૂક્પણે નંબર વન તો “સિટીઝન કેન” જ હોય. જ્યાં સુધી જોઇ નહોતી ત્યાં સુધી આ પ્રશ્ન હંમેશાં થતો હતો કે “સિટીઝન કેન”માં એવું તે શું છે? પણ નેટ પરથી ડાઉનલોડ કરીને જોયા પછી આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ ફિલ્મમાં ક્થાનકને પ્રભાવશાળી બનાવવા માટે કરાયેલા પ્રયોગો અને સિનેમાની ભાષા અને વ્યાકરણને તેણે આપેલા નવા અર્થોએ તેને સર્વશ્રેષ્ઠ બનાવી છે. વર્ષોથી આ ફિલ્મ ફિલ્મસર્જકો માટે પાઠ્યપુસ્તક સમાન બની રહ્યું છે. જો કે થોડાં વર્ષોથી “સિટીઝન કેન” over rated ફિલ્મ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

હવે તો ફિલ્મસર્જનમાં અતિ આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરાય છે, પણ ફિલ્મકળા માત્ર ને માત્ર દિગ્દર્શક્નું માધ્યમ હતું ત્યારે “સિટીઝન કેન”એ નવા આયામો સિદ્ધ કર્યા હતા, જેમ કે દૂરના અને નજીકનાં પાત્રો અને પરિવેશને એકસરખાં ફોકસમાં રાખવાની “ડીપ ફોકસ ટેકનિક”, કથાપ્રવાહને વેગવંતો અને પ્રભાવક બનાવવા દસ્તાવેજી ફિલ્મોનો ઉપયોગ સહિતના નવા પ્રયોગો આ ફિલ્મમાં પહેલી વાર કરાયા હતા.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક અખબારી સામ્રાજ્યનો માલિક ચાર્લ્સ ફોસ્ટર કેન છે, પણ તે વખતના અખબારી માંધાતા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ (William Randolph Hearst)ના જીવન પરથી તે લેવાઇ હોવાનું ચર્ચાસ્પદ બનતાં હર્સ્ટે આ ફિલ્મને રીલીઝ થતી અટકાવવા તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતા. વાર્તા એવી છે કે ચાર્લ્સ ફોસ્ટર કેન ધનાઢ્ય અને વગદાર છે. “સિટીઝન કેન” નામના અખબારનો તે માલિક છે. તે કોઇ પણ રાજકીય નેતાની કારકિર્દી બનાવી કે બગાડી શકે એવો સક્ષમ છે. ૭૮ વર્ષની ઉંમરે જ્યારે તે અંતિમ શ્વાસ લે છે ત્યાંથી ફિલ્મનો પ્રારંભ થાય છે. તેના અંતિમ શબ્દો છે “રોઝબડ” (Rosebud). આ શબ્દો હરકોઇ માટે એક રહસ્ય ઊભું કરે છે. આ રહસ્ય જાણવા બધા આતુર છે. “માર્ચ ઓફ ધ ન્યુઝ” નામના દસ્તાવેજી ફિલ્મોના સંપાદકને પણ તેમાં રસ પડે છે. આ શબ્દો પાછળનો ભેદ જાણી લાવવા તે એક પત્રકારને કામ સોંપે છે. શા માટે ચાર્લ્સ કેને “રોઝબડ” શબ્દો જ ઉચ્ચાર્યા? એમ કહીને તે શું કહેવા માંગતો હતો તેનો ભેદ ઉકેલવા પત્રકાર કામે લાગી જાય છે. તે કેન સાથે સંકળાયેલા અનેક પ્રકારનાં લોકોને મળે છે, અને તેનું બાળપણ, તેની કારકિર્દી અને મહત્ત્વકાંક્ષાઓ, સ્ત્રીઓ સાથેના તેના સંબંધો, ફિલ્મ જગતમાં તેની દખલગીરી અને કલાકારો તથા ખાસ કરીને અભિનેત્રીઓ સાથેની તેની નિકટતા તથા તેના પોતાના અખબારી વ્યવસાયને લગતી તમામ પ્રકારની માહિતી તે એકઠી કરે છે. આ માહિતી વિવિધ સ્વરૂપે પ્રેક્ષકો સામે આવતી રહે છે અને તેમાંથી કેનની જીવનકિતાબનાં પાનાં ખૂલતાં જાય છે. જુદી જુદી વ્યક્તિઓ કેનને જે રીતે ઓળખતી હતી કે મૂલવતી હતી તે વિગતોમાંથી એક પછે એક કડી જોડાતી રહે છે. આ બધા પ્રસંગો સમયની દૃષ્ટિએ ક્રમબદ્ધ નહિ, પણ આગળપાછળ દર્શાવાયા છે, કારણ કે માહિતી આપનારા કેનના જીવનના કોઇ પણ સમયગાળાની વાત કરતાં હોય છે.

અંતે “રોઝબડ” શબ્દો સુધી પ્રેક્ષકો પહોંચી જાય છે. કેન નાનપણમાં એક ગાડી વડે રમતો. એ ગાડી પર “રોઝબડ” શબ્દો લખેલા હતા એટલે ગાડીને તે “રોઝબડ” કહેતો. મકાનમાં આગ લાગવાને કારણે ઘણા સામાન સાથે ગાડી પણ ખાખ થઈ ગઈ હતી. મૃત્યુ વખતે કેનને બીજું કંઈ નહિ, પણ એ ગાડી યાદ આવી હતી, પણ તેને લઈને કથાનકની જે રીતે ગૂંથણી કરાઇ અને કેનનું ચરિત્ર ઉપસાવાયું તે અદભુત બની રહ્યું. દિગ્દર્શક ઓરઝન વેલ્સ (Orson Welles)એ જ ચાર્લ્સ કેનની ભૂમિકા ભજવી હતી. “સિટિઝન કેન”ને શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર મળ્યો હતો. 

“સિટીઝન કેન” સંદર્ભે બીજી બે જોવાલાયક ફિલ્મો છે RKO 281 અને FADE TO BLACK. આ બંને ફિલ્મો વિષે ફરી ક્યારેક…

Read Full Post »

ગુલઝાર દિગ્દર્શિત “પરિચય” ઘણી વાર જોઈ છે. આ ફિલ્મ મારી મનગમતી ફિલ્મોમાંની એક છે. “પરિચય” વિષે સાંભળ્યું હતું કે તે “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” પર આધારિત છે, પણ ઘણી ઇચ્છા હોવા છતાં આ ફિલ્મ જોવાનો મેળ પડતો નહોતો, પણ અંતે થેન્ક્સ ટુ કુમાર, મેળ પડી ગયો.

“ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” જોતી વખતે અને જોયા પછી એક એક જ ઉદગાર નીકળી શકે… અદભુત, અદભુત, અદભુત… ફિલ્મના એક કથાતંતુને બાદ કરીએ તો “પરિચય”ને આ ફિલ્મ સાથે કોઈ ખાસ લેવાદેવા નથી. ગુલઝારે તેને એ હદે પોતાની ફિલ્મ બનાવી દીધી છે. “પરિચય”માં દાદાને ઘૃણા કરતાં બાળકોને એક શિક્ષક દાદાનો સાચો પરિચય કરાવીને તેમને સ્નેહના બંધને બાંધવાનું કામ કરે છે, અને અંતે સંતાનોમાં સૌથી મોટી દીકરી સાથે લગ્નનું નક્કી થાય છે, જ્યારે “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” ઓસ્ટ્રિયામાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. ઓસ્ટ્રિયાના સોલ્ઝબર્ગમાં વોન ટ્રેપ પરિવાર રહે છે. વોન ટ્રેપ લશ્કરી અધિકારી છે. ઓસ્ટ્રિયા પર નાઝીઓના કબજા બાદ વોન ટ્રેપને ફરજ પર હાજર થવા આદેશ મળે છે, પણ તે પરિવાર સાથે એક સંગીત સમારોહમાં ભાગ લેવાને બહાને બધાને લઈને સ્વિત્ઝરલેન્ડ જતો રહે છે.

ફિલ્મમાં કેન્દ્રિય ભૂમિકા છે મારિયા નામની એક અલ્લડ યુવતીની. નન બનવા માટે તે ચર્ચમાં રહે છે. એક દિવસ મધરના આદેશથી એક વર્ષ માટે તેણે વોન ટ્રેપ પરિવાર સાથે રહેવા જવું પડે છે. વોન ટ્રેપની પત્ની ગુજરી ગયા બાદ ૧૪થી પાંચ વર્ષની વયનાં સાત બાળકોની ગવર્નેસ તેણે બનવાનું છે. વોન ટ્રેપ લશ્કરી શિસ્તથી બાળકોને ઉછેરી રહ્યો છે, પણ તેને કારણે બાળકો કોઇ ગવર્નેસને ઘરમાં ટકવા દેતાં નથી. પણ મારિયા નોખી માટીની બનેલી છે. તેના આવ્યા પછી ઘરમાં આખો માહોલ બદલાઇ જાય છે. થોડા જ સમયમાં તે બાળકોનો અને અંતે વોન ટ્રેપનો પ્રેમ જીતી લે છે. બંને લગ્ન કરી લે છે. જોકે એ પહેલાં તો ફિલ્મમાં ઘણી ઘટનાઓ બને છે. ગીતો આ સંગીતપ્રધાન ફિલ્મનો પ્રાણ છે. “મારિયા…”, “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક…”, “માય ફેવરિટ થિંગ્સ…”, “યુ આર સિક્સટીન, ગોઇંગ ઓન સેવન્ટીન…”, “ક્લાઇમ્બ એવરી માઉન્ટેન…”, “ડો-રે-મી…” અને “એડલવાઇઝ…” જેવાં કર્ણપ્રિય ગીતો એક એક્થી ચઢિયાતાં છે. મારિયા બાળકોને ગાતાં શીખવે છે તે “ડો-રે-મી…” ગીત તો વારંવાર સાભળવું ગમે એવું છે. “ડો-રે-મી’ પરથી ગુલઝારે “સારે કે સારે ગામા કો લે કર ગાતે ચલે”નું સર્જન કર્યું છે. “એડલવાઇઝ…”માં તો એ રીતે દેશભક્તિ સાંકળી લેવાઇ છે કે આજે પણ આ ગીત ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રગીત જેવું સન્માન ધરાવે છે. “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”ને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક (રોબર્ટ વાઇઝ) સહિત પાંચ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. મારિયાની ભૂમિકા માટે જુલી એન્ડ્રુઝને શ્રેષ્ઠ અભિનેત્રીનું નોમિનેશન મળ્યું હતું.

“ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”નું નિર્માણ ૧૯૬૫માં થયું હતું, પણ જ્યાં જ્યાં તેનું શૂટિંગ થયું હતું તે તમામ સ્થળો પ્રવાસીઓને બતાવવા “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ટૂર” યોજાય છે. “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ને સતત જીવંત રાખવાના પ્રયાસ કરાય છે. એ જોતાં થાય છે કે આપણે ત્યાં પણ અનેક યાદગાર ફિલ્મો બની છે, પણ કોઈ ફિલ્મને ટૂરિઝમનો હિસ્સો બનાવી શકાઈ નથી. એવું કદી કોઇએ વિચાર્યું પણ નથી…

Read Full Post »

અશ્વેત નેતા બેરેક ઓબામા માટે અમેરિકાના પ્રમુખપદ તરફ જવાનો રસ્તો વધુ મોકળો થઈ રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી માટે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં હિલેરી માટે હવે કોઇ શક્યતા રહી નથી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઓબામાએ ખરો ચૂંટણી જંગ તો હવે જ લડવાનો છે. અત્યારે તો તેમણે તેમના માર્ગનો એક અવરોધ પાર કર્યો છે. અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત ઉમેદવાર બનીને તેમણે એક ઇતિહાસ તો સર્જ્યો જ છે, પણ જો તેઓ ચૂંટણી જીતી જાય તો અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમ અશ્વેત પ્રમુખ બનવાનું ગૌરવ મેળવશે.

અમેરિકાના પ્રમુખપદે કોઇ અશ્વેત વ્યક્તિ પણ હોઇ શકે એ હવે ઓબામાની ઉમેદવારીને કારણે શક્ય બન્યું છે, બાકી આજદિન સુધી તો તે એક કલ્પનાનો જ વિષય હતો. લગભગ ચાર દાયકા પહેલાં આવી કલ્પના કરી હતી “પલ્પ ફિકશન”ના સિદ્ધહસ્ત લેખક ઇરવિંગ વોલેસે. ૧૯૬૪ના અરસામાં તેમણે એક નવલકથા લખી હતી “ધ મેન”. અમેરિકાના પ્રમુખપદે કોઇ અશ્વેત વ્યક્તિ આવે તો કેવી સ્થિતિ સર્જાય એની તેમણે કલ્પના કરી હતી.

છેક હવે ૨૦૦૮માં એવી સ્થિતિ આવી શકી છે કે બરાક ઓબામા જેવો અશ્વેત નેતા પ્રમુખપદ માટેના ઉમેદવાર બન્યા છે. આજ સુધી તો આ પણ શક્ય નહોતું બન્યું. કોઇ અશ્વેત વ્યક્તિ ચૂંટાઇને અમેરિકાનો પ્રમુખ બની શકે એ તો ઇરવિંગ વોલેસ પણ કલ્પના નહિ કરી શક્યા હોય એટલે તેમણે એ માટે  “ધ મેન”માં અમેરિકાના બંધારણની એક જોગવાઇનો આધાર લીધો હતો.

અમેરિકન બંધારણમાં એક જોગવાઇ છે કે પ્રમુખ મૃત્યુ પામે કે પોતાની સત્તાનો ઉપયોગ કરવાની સ્થિતિમાં ન હોય તો જે  ઉપપ્રમુખ હોય તે પ્રમુખની જવાબદારી સંભાળી લે છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મોજૂદ ન હોય ત્યારે પ્રમુખપદની સત્તા સંસદના સ્પીકરને મળે છે, પણ જો કોઇ એવી સ્થિતિ સર્જાય કે આ ત્રણેય હયાત ન હોય કે સત્તા સંભાળવા સક્ષમ ન હોય તો પ્રમુખપદ “પ્રેસિડેન્ટ પ્રો ટેમ્પર ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ”નો હોદ્દો ધરાવનારને મળે છે.

ફિલ્મ “ધ મેન”માં આવી જ બંધારણીય ગૂંચ ઊભી થાય છે. પ્રમુખ અને સ્પીકર જર્મનીના પ્રવાસે જાય છે. ત્યાં એક દુર્ઘટનાનો ભોગ બનતાં બંનેનાં મોત થાય છે. ઉપપ્રમુખ મોટી ઉંમરનો છે અને તેની તબિયત બહુ ખરાબ છે એટલે તે પ્રમુખપદની જવાબદારી સ્વીકારવાની ના પાડી દે છે. હવે વિદેશ પ્રધાન આર્થર ઇટનને વિનંતી કરાય છે કે તેઓ પ્રમુખનો હોદ્દો સંભાળે, પણ વિદેશ પ્રધાન બંધારણીય જોગવાઇનો નિર્દેશકરીને કહે છે કે “પ્રેસિડેન્ટ પ્રો ટેમ્પર ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ”નો હોદ્દો ધરાવતા અશ્વેત સેનેટર ડગલાસ ડિલમેન જ પ્રમુખ બની શકે. આમ નવલકથા અને ફિલ્મ “ધ મેન”માં અમેરિકાને તેનો પ્રથમ અશ્વેત પ્રમુખ મળે છે. પછી જે ઘટનાઓ બને છે તે ખૂબ રસપ્રદ છે. અશ્વેત પ્રમુખ સામે વ્હાઇટ હાઉસમાં ખેલાતા રાજકારણથી માંડીને અનેક સમસ્યાઓ ખડી થતી રહે છે. ફિલ્મ “ધ મેન”નું નિર્માણ ૧૯૭૨માં થયું હતું. દિગ્દર્શન જોસેફ સાર્જન્ટે કર્યું હતું અને અશ્વેત પ્રમુખની ભૂમિકા જેમ્સ અર્લ જોનેસે ભજવી હતી.

બરાક ઓબામા હવે અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બને તેવી સંભાવનાઓ પ્રબળ બની છે ત્યારે આ નવલકથા વાંચવી રસપ્રદ થઈ પડે તેમ છે. આ વિડિયોમાં “ધ મેન”ની થોડી ઝલક જોવા મળશે.

Read Full Post »

Older Posts »