Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Review’

“ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…” આ એક જ ગીતે જેમને અમર બનાવી દીધાં છે અને આવાં તો અનેક કર્ણપ્રિય અને ભાવવાહી  ગીતો અને ભજનો થકી હિન્દુસ્તાનના ઘટઘટમાં વસેલાં જુથિકા રોયની આત્મકથાનો ગુજરાતી અનુવાદ “ચૂપકે ચૂપકે બોલ મૈના” વાંચીને જે પહેલી લાગણી થઈ તે એ કે એક મહાન જીવનના જાણે સાક્ષી બવી શકાયું. તેનું કારણ કદાચ એ કે એકદમ સરળ બાનીમાં તે એટલું સહજ રીતે આલેખાયું છે કે બધું જાણે આપણી નજર સામે બનતું હોય એવું જ લાગ્યા કરે. પોતે એક મહાન ગાયિકા છે તો શા માટે મહાન છે એ વાચક પર થોપવાનો ક્યાંય કોઈ પ્રયાસ નહિ. પોતાની મહાનતા સિદ્ધ કરવાની ક્યાંય કોઇ ચેષ્ટા નહિ. વાંચતી વખતે સતત લાગ્યા કરે કે માત્ર સંગીતને જ વરેલું એક સરળ જીવન મહાનતાના શિખર સુધી ન પહોંચે તો જ નવાઇ.

૧૯૨૦ની ૨૦મી એપ્રિલે હાવડા જિલ્લાના આમતા ગામમાં જન્મેલાં જૂથિકાએ ગાયેલા “આમિ ભોરેર જૂથિકા..”ની પ્રથમ રેકોર્ડ ૧૯૩૪માં બહાર પડી ત્યારે તેમની વય માત્ર ૧૪ વર્ષની હતી અને હજી તો તેઓ શાળામાં ભણતાં હતાં. જોકે એ પહેલાં અને એ પછી પણ સંગીત શીખવા તેઓ જે મહેનત કરતાં રહ્યાં એની ઝીણીઝીણી વિગતો વાંચીને છક થઈ જવાય. ગાયિકા તરીકે તેમની કારકિર્દીની ગાડી તો તેઓ શાળામાં ભણતાં હતાં ત્યારે જ એવી પૂરપાટ દોડવા માંડી હતી અને મુંબઈથી માંડીને બીજે બધે તેમના એટલા કાર્યક્રમો થવા લાગ્યા હતા કે ઘણી ઈચ્છા છતાં તેઓ કોલેજનું શિક્ષણ મેળવી શક્યાં નહોતાં.

માતા-પિતા, ભાઇ-બહેનો, વડીલો, ગુરુઓ, ગુણીજનો એક વ્યક્તિની સંગીતસાધનામાં કેવું તો સુંદર યોગદાન આપી શકે છે અને વ્યક્તિ પોતે પણ ધારે તો પોતાના નિર્ધારિત માર્ગ પર ગમે તેવા અવરોધો વચ્ચે પણ કેટલી સહજતાથી આગળ વધતી રહી શકે છે એનું જૂથિકા રોય જ્વલંત ઉદાહરણ છે.

જુથિકા માત્ર ૧૧ વર્ષનાં હતાં ત્યારે સાડા તેર વર્ષની એક મોટી બહેન અને આઠ વર્ષની એક નાની બહેન સાથે મળીને સ્વામી વિવેકાનંદના આદર્શને સામે રાખીને બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનો, માછલી-માંસ-ઈંડાં નહિ ખાવાનો, નાની કિનારની સફેદ સાડી પહેરવાનો અને કોઈ એશોઆરામમાં ન પડવાનો સંકલ્પ કર્યો હતો. બાર વર્ષ પૂરાં થતાં બીજી બંન્ને બહેનોએ સંકલ્પ છોડી દીધો હતો, પણ જૂથિકાએ સંકલ્પ ન છોડ્યો અને એ આદર્શ મુજબનું જ જવન જીવ્યાં છે. એક બીજો નિર્ણય તેમણે એ કર્યો હતો કે ફિલ્મો માટે ન ગાવું. ફિલ્મોમાં ગાવાની તેમને ઓફરો મળવા માંડી ત્યારે ભક્તિગીતો ગાવામાં તેઓ એવાં ગળાડૂબ હતાં કે એ ભક્તિભાવ સદાય જળવાય રહે એ માટે થઈને તેમણે આ નિર્ણય લીધો હતો. તેમ છતાં દેવકી બોઝ જેવા ફિલ્મકારોએ તેમની તમામ શરતો માન્ય રાખીને તેમનો સંકલ્પ તોડાવ્યો હતો અને તેમણે ત્રણ ફિલ્મોમાં કુલ છ ગીતો ગાયાં હતાં એ પણ ભક્તિગીતો જ હતાં. બંગાળી અને હિંદી ઉપરાંત ઉર્દૂ અને તમિળ ગીતો તેમણે ગાયાં છે

જૂથિકા રોયની સ્મૃતિકથા “ચૂપકે ચૂપકે બોલ મૈના” શ્રી હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશન (આશાપુરા ગ્રૂપ, મુંબઈ)એ પ્રગટ કરી છે. ગુજરાતીમાં આ પુસ્તકનું પ્રકાશન થાય અને તેના લોકાર્પણ વેળા જૂથિકા રોયને સવા લાખ રુપિયા માનધન આપીને સન્માન કરવા “જૂથિકા રોય સન્માનસમિતિ”એ જે અથાગ પ્રયાસો કર્યા તે વિના એ શક્ય ન બની શક્યું હોત. રજનીકુમાર પંડ્યા અને ઉર્વિશ કોઠારી સહિત સમિતિના પાંચેય સભ્યોનો આભાર…

 

Read Full Post »

ત્રણેક વર્ષ પહેલાં અંગ્રેજી નવલકથા “પોલીએના” ઘરમાં આવી હતી. પ્રતીક્ષાને તેની કોઈ ફ્રેન્ડે ગિફ્ટ આપી હતી. પુસ્તક વિષે ખાસ માહિતી નહોતી એટલે એકાદ-બે વાર હાથમાં લઈને મૂકી દીધું હતું. પ્રતીક્ષા તો એ વખતે જ વાંચીને ખુશ થઈ ગઈ હતી, પણ એ પછી હું “પોલીએના”ને સાવ ભૂલી ગયો. ચાર-પાંચ દિવસ પહેલાં ફરી “પોલીએના”નો ગુજરાતી અનુવાદ ઘરમાં આવ્યો. આ વખતે ચંદ્રિકાએ વાંચી અને ખૂબ વખાણી. એ વખતે પ્રતીક્ષાએ કહ્યું, “દરેક માણસે જીવનમાં એક વાર તો “પોલીએના” વાંચવી જ જોઈએ.”

મને થયું, એમાં એવું તે શું છે? આ નવલકથા વાંચવી શરૂ કરતા પહેલાં મેં “પોલીએના” તથા તેનાં લેખિકા એલીનોર પોર્ટર વિષે માહિતી મેળવી તો દંગ થઈ ગયો. એલીનોર પોર્ટરે ઘણું બાળસાહિત્ય લખ્યું છે, પણ ૧૯૧૩માં પ્રગટ થયેલી “પોલીએના”એ તેમને જબ્બર ખ્યાતિ અપાવેલી. વર્ષોથી આ કૃતિ વિશ્વના પ્રશિષ્ટ સાહિત્યમાં સ્થાન ધરાવે છે. તેના પરથી ફિલ્મો અને સિરિયલો બની ચૂકી છે. “પોલીએના”નું પાત્ર કેન્દ્રમાં રાખીને સીરીઝ પણ લખાઈ ચૂકી છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થઈ ચૂક્યા છે. ગુજરાતીમાં રશ્મિબહેન ત્રિવેદીએ છેક ૧૯૭૫માં તેનો અનુવાદ કર્યો હતો અને ૨૦૦૬ સુધીમાં તેની ચાર આવૃત્તિઓ પણ થઈ ચૂકી છે. “પોલીએના” કિશોરો માટેનું સાહિત્ય છે, પણ કોઈ પંણ ઉંમરના વાચકને જિંદગી જીવવાની જડીબુટ્ટી આપી શકે તેવું સક્ષમ છે.  

આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં રાજી થવાનાં ઘણાં કારણો તો હોય જ છે, પણ આપણે ઝટ રાજી થઈ શકતા નથી અથવા તો બહુ ઓછા રાજી થઈ શકીએ છીએ. કેટલાક તો જાણે ક્દી રાજી ન થવું એવા સોગંદ જ જાણે લઈને બેઠા હોય છે. આવા લોકો વિષે કહેવાતું પણ હોય છે કે “એને ઝટ ખુશ કરી શકાતો નથી.”

પોલીએના ૧૧ વર્ષની એક બાળા છે. આટલી નાની વયમાં જ તે ઘણાં દુખ જોઇ ચૂકી છે. નાની હતી ત્યારે તેની માતા ગુજરી ગઈ. ગરીબ પાદરી પિતાએ તમામ અભાવો વચ્ચે તેને ઉછેરી. અભાવોનો અહીં અર્થ છે ભૌતિક ચીજોનો અભાવ, બાકી મરતા પહેલાં પિતા પણ તેને એ બધું આપતા ગયા હતા જે પૈસાથી ખરીદી શકાતું હોતું નથી. પિતા તેને એક રમત શીખવતા ગયા હતા. એ હતી “રાજી થવાની” રમત. દરેકેદરેક બાબતમાંથી રાજી થવાનું કોઈ ને કોઈ કારણ શોધી કાઢવું.

લોકોએ આપેલી સહાયથી મોટી થયેલી પોલીએના તેની ખૂબ પૈસાદાર માસી મિસ પોલી સાથે રહેવા આવે છે. આ માસી પણ એવા લોકોમાંની એક છે, જે ભાગ્યે જ કોઈ વાતે ખુશ થતી હોય. પણ પોલીએના તો જે તેના પરિચય્માં આવતું જાય તેને પોતાની “ગ્લેડ ગેમ”માં સામેલ કરતી જાય છે, ને બધાંનાં દિલ જીતતી જાય છે. માસીનું દિલ જીતતાં તેને થોડો સમય લાગે છે, પણ પોલીએના તેમને એવા સમયે રાજી થતાં શીખવી શકે છે, જ્યારે સંજોગો જ એવા સર્જાય છે, જ્યારે મિસ પોલી માટે રાજી થવું ખરેખર મુશ્કેલ બની રહે છે. પણ પોલીએના તો કહેતી જ કે રાજી થવું મુશ્કેલ હોય ત્યારે તો આ રમત રમવાની ઓર મજા આવે.

પહેલી બેઠકે ૪૦ પાનાં અને બીજી બેઠકે આખું પુસ્તક વાંચીને ઊભો થયો ત્યારે સમજાયું નહિ કે ૧૯૧૩માં બહાર પડેલું આ પુસ્તક છેક ૫૬મે વર્ષે વાંચવા મળ્યું તેથી રાજી થવું કે દુખી થવું? પછી થયું કે ૫૬મે વર્ષે વાંચવા મળ્યું એ પણ રાજી થવા જેવું જ છે ને! આટલાં વર્ષો નીકળી ગયાં તેમ બાકીનાં વર્ષો પણ “પોલીએના” વાંચ્યા વિના જ નીકળી ગયાં હોત એના કરતાં તો સારું જ છે ને? ભલે અત્યાર સુધી ન વાંચ્યું, પણ હવે એક વાર વાંચ્યા પછી જ્યારે મરજી થશે ત્યારે વાંચી શકાશે એ પણ રાજી થવા જેવું જ છે ને?

 

Read Full Post »

પત્રકાર-લેખક તરીકેની મારી કારકિર્દીમાં ઘણાં પુસ્તકોની સમીક્ષા કરવાનું બન્યું છે. મને યાદ છે કે કેટલાંયે પુસ્તકોને રિવ્યુ કરતી વખતે હાથમાં લેવાની પણ ઇચ્છા ન થાય. ઘણી વાર પુસ્તકની પ્રસ્તાવના અને થોડાં પાનાં પર નજર નાંખી લેવાથી જ અંદર શું હોઈ શકે એ ખબર પડી જતી હોય છે. એક અંગ્રેજ નિબંધકાર સિડની સ્મિથ (૧૭૮૧-૧૮૪૫)એ એવું કહ્યું છે કે “હું સમીક્ષા કરતા પહેલાં કદી પુસ્તક વાંચતો નથી કારણ કે તેનાથી પૂર્વગ્રહયુક્ત થઈ જવાય છે.”

આજે એક પુસ્તક અને રિવ્યુની વાત એટલા માટે કરી રહ્યો છું કે મારી સામે આજકાલ જેનાં બહુ જ ઢોલ-નગારાં વાગી રહ્યાં છે એ ચેતન ભગતનું આ મહિને જ બહાર પડેલું “થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ” પડ્યું છે. એ ન તો મેં વાંચ્યું છે કે ન તો વાંચવાનો છું કે ન તો તેનો રિવ્યુ કરવાનો છું. “બોલે તેનાં બોર વેચાય” અને “જોર જોરથી બોલે તેનાં વધુ બોર વેચાય” એવા માર્કેટિંગના આ જમાનામાં ચેતન ભગતનાં બોર ઢગલેમોઢે વેચાઈ રહ્યાં છે. આગામી છ માસમાં છ લાખ નકલો વેચવાનું તેમનું ટાર્ગેટ છે એવું Outlook સામયિકમાં એક મુલાકાતમાં તેમણે કહ્યું છે. જે રીતે પુસ્તક વેચાઈ રહ્યું છે તે જોતાં આ ટાર્ગેટ ધાર્યા કરતાં વહેલું હાંસલ થઈ જાય તો પણ નવાઈ નહિ.

પ્રતીક્ષાએ “થ્રી મિસ્ટેક્સ…” વાંચીને તેનો રિવ્યુ કર્યો છે, તે વાંચીને અને રિવ્યુમાં તેણે જે નથી લખ્યું તે બધું સાંભળ્યા પછી “થ્રી મિસ્ટેક્સ…” વાંચવાની મિસ્ટેક ન કરવાનું નક્કી કરી લીધું છે. “થ્રી મિસ્ટેક્સ…” વિષે ઘણું બધું લખાઈ રહ્યું છે. રિવ્યુ પણ થઈ રહ્યા છે. IBNLive વેબસાઈટ પર રોહિત ખિલવાણીએ કરેલા રિવ્યુમાં અંતે લખ્યું છે, “પહેલી ભૂલ મેં એ કરી કે “થ્રી મિસ્ટેક્સ…” ખરીદી, બીજી ભૂલ એ કરી કે તે મેં વાંચી, પણ તે વાંચવાની ભલામણ કરવાની ત્રીજી ભૂલ હું નહિ કરું.”

મારે ખરેખર તો પ્રતીક્ષા અને રોહિત ખિલવાણીનો આભાર માનવો જોઇએ કે મને “થ્રી મિસ્ટેક્સ…” સંબંધી કોઈ મિસ્ટેક કરતો ઉગારી લીધો… અમેરિકન કવિ અને નાટ્યકાર ડબ્લ્યુ. એચ. ઓડેન (૧૯૦૭-૧૯૭૩)એ કહ્યું છે, “નબળા પુસ્તકનો રિવ્યુ તમે ઝાટકણી કાઢ્યા વિના ન કરી શકો.”    

Read Full Post »

પ્રિયદર્શનને આપણે “હેરાફેરી” વગેરે કોમેડીથી જ ઓળખીએ છીએ, પણ આ પ્રતિભાશાળી દિગ્દર્શકે હવે જે નવી ફિલ્મ બનાવી છે તેવું કથાનક કોઇને પણ વિચારતા કરી દે તેવું છે. ભારતમાં સાડીઓનું વૈવિધ્ય અપાર છે. તેમાંય જે સાડીઓ મોંઘી હોવાની સાથે અત્યંત લોકપ્રિય રહી છે તેમાં એક છે “કાંજીવરમ” સાડી. તમિલનાડુમાં કાંજીપુરમ નામનો એક જિલ્લો છે, અને આ જિલ્લાના એક શહેરનું નામ છે કાંજીપુરમ. દાયકાઓથી આ નાનકડા શહેરમાં વણકરો દ્બારા તૈયાર કરાતી કાંજીવરમ સાડીઓ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. હાથશાળ પર રેશમી સાડીઓ વણતા વણકરો લગ્ભગ ૪૦૦ વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આજે લગભગ પાંચ હજાર પરિવારો આ ઉદ્યોગમાંથી ગુજરાન મેળવે છે, પણ મોટા ભાગના ગરીબાઇમાં જીવન વિતાવે છે.
કાંજીપુરમના આ સિલ્કની સાડીઓ બનાવનારાઓના જીવનને કેન્દ્રમાં રાખીને પ્રિયદર્શને જે ફિલ્મ બનાવી છે તેનું શિર્ષક પણ છે “કાંચીવરમ”. કાંજીવરમ અંગ્રેજીમાં Kanchivaram લખાય છે. ફિલ્મમાં પ્રકાશ રાજ અને શ્રિયા રેડ્ડીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં સામ્યવાદીઓના નેતૃત્વમાં થયેલા આંદોલન દરમ્યાન બનેલી સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ છે. રેશમી સાડીઓ બનાવતા આ વણકરો પોતાના પરિવાર માટે ભાગ્યે જ એક સાડી ખરીદી શકતા હોય એવી તેમની સ્થિતિ હોય છે. “કાંચીવરમ”ની કથા વેંગડમ નામના એક વણકર દ્વારા કહેવાઇ છે. તેને એક દીકરી છે. તેનું નામ તમારાઇ. દીકરી તમારાઇનાં લગ્ન થાય ત્યારે તેને એક સિલ્ક સાડી આપવાનું તેનું સપનું છે.
હિન્દુ પરંપરા મુજબ રેશમ બે પ્રસંગોએ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લગ્ન પ્રસંગે અને મૃત્યુ સમયે. લગ્ન પ્રસંગે તે સંબંધોની ગાંઠ ખૂબ મજબૂત બનાવે છે અને મૃત્યુ ટાણે તે આત્માને સ્વર્ગે લઇ જાય છે એવી માન્યતા છે. વેંગડમનાં પોતાનાં લગ્ન થયાં હતાં ત્યારે તે પોતાની પત્નીને રેશમી સાડી આપી શક્યો નહોતો. પણ જે દિવસે દીકરી તમારાઇનો જન્મ થયો તે પછી પહેલે દિવસે જ્યારે તેને ભાત ખવડાવ્યો હતો તે દિવસે તેણે પ્રતિગ્ના લીધી હતી કે રેશમી સાડી પહેરાવીને તેનાં લગ્ન કરાવશે.
વેંગડમ પોતે પણ જાણતો હતો કે આ પ્રતિગ્ના પૂરી કરવી સરળ નહિ બની રહે. એટલે એ દિવસથી જ તે થોડું થોડું રેશમ ચોરવાનું શરૂ કરી દે છે. દરમ્યાનમાં એક સામ્યવાદી લેખક્ના સંપર્કમાં તે આવે છે ને તેનો જીવન પ્રવાહ બદલાર જાય છે. વણકરો હડ્તાલ પાડે છે. તેની તે આગેવાની લે છે. પણ એક એવી ઘટના બને છે કે તેના માથે આભ તૂટી પડે છે. એક બાજુ તેની દીકરીનું મોત થાય છે અને બીજી બાજુ રેશમ ચોરવાના આરોપસર તેની ધરપકડ થાય છે. સોળ વર્ષ દરમ્યાન તેણે ચોરેલા રેશમમાંથી જેટલી સાડી તેણે વણી હતી તે દીકરીના મૃતદેહની ઢાંકવા માટે પણ પૂરતી હોતી નથી.
વિશ્વભરમાં સામ્યવાદી ચળવળો કેમ તેનું મહત્ત્વ ગુમાવવા માંડી તેની પડતાલ કરવાનો પણ આ ફિલ્મમાં પ્રયાસ કરાયો છે.

Read Full Post »

« Newer Posts