“ઘરે બાહિરે” ટાગોરની બહુ જ વખણાયેલી નવલકથા છે. સત્યજિત રાયે ૧૯૮૪માં તેના પરથી આ જ નામની ફિલ્મ બનાવી હતી. એ વાત તો જગજાહેર છે કે સત્યજિત રાય ટાગોરથી બહુ પ્રભાવિત હતા. તેમણે ભલે ફિલ્મ બનાવવા માટે સૌપહેલાં ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ પસંદ કરીને ૧૯૬૧માં પહેલાં “તીન કન્યા” બનાવી હોય, પણ ટાગોરની “ઘરે બાહિરે” નવલકથા તેમને એટલી ગમતી હતી કે છેક ૧૯૪૭ના ગાળામાં તેમણે આ નવલકથા પર કામ શરૂ કર્યું હતું, પણ તેના પરથી ફિલ્મ તો છેક વર્ષો પછી તેઓ બનાવી શક્યા હતા. તેનું નિર્માણ એનએફડીસીએ કર્યું હતું. એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનાર “ઘરે બાહિરે”માં વિક્ટર બેનરજી, સૌમિત્ર ચેટરજી, સ્વાતિલેખા, જેનિફર કપૂર વગેરે કલાકારોએ કામ કર્યું હતું.
અંગ્રેજો જેના માટે જાણીતા હતા તે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ તેમણે વીસમી સદીના પ્રારંભથી જ અખત્યાર કરવા માંડી હતી. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા. તેનો ભારે વિરોધ થયો હતો. એ ઘટનાઓના પશ્ચાદભૂમાં “ઘરે બાહિરે”ની કથા આકાર લે છે. બંગાળના એ ભાગલાની હિલચાલે જ દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ ભાગલા પાડવાનું કામ કર્યું હતું. એ જમાનામાં બંગાળમાં અંગ્રેજ સરકારને હંફાવવા ઘણાં સશસ્ત્ર ક્રાંતિકારી જૂથો સક્રિય હતાં. બંગાળના મધ્યમ વર્ગનો તેને ટેકો મળી રહ્યો હતો.
“ઘરે બાહિરે”ની કથા નિખિલ ચૌધરી, સંદીપ મુખરજી અને બિમલાની આસપાસ ઘૂમે છે. બિમલા નિખિલની પત્ની છે, અને સંદીપ મિત્ર છે. સંદીપ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને બંગભંગ વિરોધી ચળવળ કરતા એક જૂથનો નેતા છે. એક વાર સંદીપ નિખિલની એસ્ટેટ સુખસયારમાં આવી પહોંચે છે. જે ઘટનાઓ બની રહી છે તે વિષે સંદીપ નિખિલને બધી વાત કરે છે. ટાગોરને જે કહેવું છે એ તેમણે નિખિલના પાત્ર મારફત કહ્યું છે.
સંદીપના મોહક વ્યક્તિત્વ અને આક્રમક વિચારોથી બિમલા છક થઈ જાય છે. તેને સંદીપ પ્રત્યે ભારોભાર અહોભાવ જાગે છે, કારણ કે તેના પતિ નિખિલની ટાઢી સાલસતા કરતાં સંદીપની ઉગ્ર આક્રમકતા પર તે વારી જાય છે. પોતાના તરફનો બિમલાનો ભાવ સંદીપ પારખી જાય છે. તે પણ બિમલા તરફ આકર્ષાય છે અને પોતાની રાજકીય પ્રવ્રુત્તિનું કેન્દ્ર સુખસયારને જ બનાવી દેવાનો નિર્ણય કરે છે.
શું બની રહ્યું છે તેનો નિખિલને પણ ખ્યાલ આવે છે. તે સમજી જાય છે કે સંદીપ જે કરી રહ્યો છે તેની પાછળ દેશભક્તિની ભાવનાનહિ, પણ સત્તા મેળવવાનો ધખારો રહેલો છે. બિમલાને પણ જ્યારે આ સત્ય સમજાય છે ત્યારે પતિ તરફનું તેનું માન વધી જાય છે, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. દરમ્યાનમાં કોમી તોફાનો ફાટી નીકળે છે. આ સ્થિતિમાં સંદીપ તો એક રાત્રે સલામત સ્થળે જતો રહે છે, પણ નિખિલને એક હિંસક ટોળાનો સામનો કરવાનો વારો આવે છે.
બંગભંગ સામેની એ ચળવળ દરમ્યાન જ ટાગોરે કેટલાંક ગીતો લખ્યાં હતાં. ફિલ્મમાં સંદીપને એ ગીતો ગાતો દર્શાવાયો છે. બિમલાનું પાત્ર એ સમયે મહિલાઓ પણ ચળવળમાં ભાગ લેતી તેનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે.