Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Star’

રાત્રે ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં ESPN પર અટકી જવું પડ્યું. બોક્સિંગના હેવી વેઇટ ચેમ્પિયન મહંમદ અલી અને જો ફ્રેઝિયર વચ્ચે ૧૯૭૫માં થયેલી એક મહત્ત્વની ફાઇટ શરૂ જ થવાની હતી. મહંમદ અલી વિષે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને લખ્યું પણ છે, પણ તેમની કોઇ ફાઇટ જોવાની આ પહેલાં કદી કોઇ તક મળી નહોતી. પંદર રાઉન્ડની એ આખી ફાઇટ જોઈ. ૨૮૦૦૦ પ્રેક્ષકો સામે અલીના મુક્કાઓનો ફ્રેઝિયર ૧૪ રાઉન્ડ સુધી સામનો કરતો રહ્યો, પણ પંદરમો રાઉન્ડ શરૂ થયા પહેલાં જ તેણે હાર સ્વીકારી લીધી. મહંમદ અલી શા માટે મહાન બોક્સર હતા તેનો ખ્યાલ કદાચ આ એક ફાઇટ જોઇને ન આવી શકે, પણ બોક્સિંગ રિંગના તેઓ કિંગ હતા એ તો આ એક ફાઈટ જોઇને પણ સમજી શકાય તેવું હતું.

ફાઇટ શરૂ થયા પહેલાં અલી અને ફ્રેઝિયર મળે છે, ત્યારે અલી જે કંઇ કહે છે તે સાંભળી શકાયું નહિ, પણ આપવડાઇ કરવાંમાં પણ બેજોડ આ બોક્સર શું બોલ્યો હશે તેની કલ્પના કરવી બહુ અઘરી નથી. ફાઇટ શરૂ થયા પહેલાં રિંગમાં વિજેતાને અપાનાર ટ્રોફી પ્રદર્શિત કરાઇ ત્યારે અલીએ પ્રેક્ષકો સામે જોઇને એવો ઇશારો કર્યો હતો કે આ ટ્રોફી મારી જ છે, એટલું જ નહિ, એક તબક્કે તો તે ટ્રોફીને ઊંચકીને રિંગમાં પોતે જ્યાં બેસવાનો હતો તે ખૂણામાં મૂકી આવ્યો હતો.

મહંમદ અલીનું મૂળ નામ કેસિયસ માર્શેલસ કલે જુનિયર. ૧૯૬૪માં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેઓ મહંમદ અલી બન્યા હતા. નાનપણથી જ એક સફળ બોક્સર બનવાના બધા જ ગુણ તેમનામાં હતા. ૧૮ વર્ષની ઉંમર થતા સુધીમાં તેઓ જુનિયર લેવલની ૧૦૮ મેચ જીતી ચૂક્યા હતા અને માત્ર આઠ જ મેચ તેઓ હાર્યા હતા. આ ૧૦૮ મેચમાં રોમ ઓલિમ્પિકમાં મળેલા વિજયનો પણ સમાવેશ થતો હતો.

ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અલી સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. દુનિયા તો અલીને માત્ર “ધ ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ બોક્સર” તરીકે જ ઓળખે છે, પણ અલી માત્ર એક રમતવીર જ નહિ, તેમના સમયમાં ચાલતી રંગભેદ અને જાતિભેદની ઝુંબેશના મશાલચી પણ હતા. ૧૯૪૨ની ૧૭ જાન્યુઆરીએ અમેરિકાના કેન્ટકીના લુઇસવિલેમાં જન્મેલા અલીએ ૧૯૬૦ની ૨૯ ઓક્ટોબરે પહેલી પ્રોફેશનલ ફાઇટ જીત્યા બાદ કદી પાછું વળીને જોયું નહોતું.  ૨૨મા વર્ષે અલીએ તે સમયના હેવી વેઇટ ચેમ્પિયન સોની લિસ્ટનને પહેલી જ મેચમાં હરાવી દીધો હતો.  

તેઓ લશ્કરમાં ન જોડાયા અને વિવાદાસ્પદ વિધાનો કર્યાં તે કારણે તેમના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ૧૯૭૧માં ત્રણ વર્ષ બાદ પ્રતિબંધ ઉઠાવી લેવાયો તે દરમ્યાન જો ફ્રેઝિયર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો હતો. અલી રમતમાં પાછા ફરતાં બંને વચ્ચે મુકાબલો રખાયો. આ ફાઇટનું મહત્ત્વ એટલું હતું કે તેને “ધ ફાઇટ ઓફ ધ સેન્ચ્યુરી” નામ અપાયું હતું. એ પહેલાં એક પણ ફાઇટ ન હારનાર અલીનો ફ્રેઝિયર સામે પરાજય થયો હતો, પણ ૧૯૭૪માં બંને વચ્ચે ફરી એક ફાઇટ થઈ તેમાં અલીએ ફેઝિયરને હરાવી દીધો હતો. તે સમયે વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેન હતો. અલી તેને પણ હરાવીને ચેમ્પિયન બન્યા હતા અને પછી આ રમતમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી આ ટાઇટલ તેમણે જાળવી રાખ્યું હતું. પોતાની કારકિર્દીમાં તેમનો કુલ ૫૬ ફાઇટમાંથી પાંચમાં જ પરાજય થયો હતો. પોતાના સમયના તમામ હેવી વેઇટ બોક્સરોને પરાસ્ત કરનાર અલી “પ્યુજિલિસ્ટિક પાર્કિન્સન્સ સિન્ડ્રોમ”નો ભોગ બન્યા છે.    

કાર્લ માર્ક્સે લખ્યું છે કે “માણસો પોતાનો ઇતિહાસ જાતે જ રચતા હોય છે, પણ પોતાને આનંદ આવી શકે તે રીતે રચતા હોતા નથી.” મહંમદ અલી વિષે એમ કહી શકાય કે તેમણે જાતે જ પોતાનો ઇતિહાસ રચ્યો. પોતાને આનંદ આવે તે રીતે…

Read Full Post »

પ્રથમ વિશ્વ યુદ્ધમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર કેટલીક ખ્યાત અને કુખ્યાત વ્યક્તિઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં “માતાહરી”ને ઘણું આગળ સ્થાન મળે. માતા અને હરી શબ્દોને કારણે નામ ભારતીય લાગે, પણ તે યુરોપિયન હતી. હોલેન્ડમાં જન્મેલી માતાહરીનું મૂળ નામ બીજું જ હતું, પણ આ નામે તેણે યુદ્ધમાં જર્મન સેના માટે જાસૂસી કરી હતી અને પ્રાચીન સમયમાં વિષકન્યાઓનો જે રીતે ઉલ્લેખ આવે છે, એવું તેણે કામ કર્યું હતું. તેને પકડી લેવાઇ હતી અને ગોળીએ દેવાઇ હતી.

માતાહરી વિષે થોડી રેફરન્સ સામગ્રી શોધતો હતો ત્યારે ખ્યાલ આવ્યો કે છેક ૧૯૩૧માં “માતાહરી” નામની ફિલ્મ બની હતી અને તેમાં માતાહરીની ભૂમિકા ગ્રેટા ગાર્બોએ ભજવી હતી.અભિનેત્રીઓમાં ગ્રેટા ગાર્બો સિર્ફ નામ હી કાફી હૈ એમ કહી શકાય. વિશ્વ સિનેમાએ રૂપેરી પડદાને અનેક સુંદર ચહેરા આપ્યા છે. તેમાંના કેટલાક ચહેરા તો આજે કિંવદંતી બની ગયા છે. ગ્રેટા ગાર્બો તેમાંની એક. વિશ્વ સિનેમાએ જોયેલી દસ અતિ ખૂબસૂરત અભિનેત્રીઓ પસંદ કરવામાં આવે તો તેમાં અને પાંચ અભિનેત્રીઓ પસંદ કરવામાં આવે તો તેમાં સ્થાન મેળવી શકે એવું તેનું સૌંદર્ય હતું. એક નારીનું લાવણ્ય શું હોઇ શકે એ ફિલ્મો દ્વારા પહેલી વાર પ્રેક્ષકોએ ગ્રેટા ગાર્બોમાં જોયું હતું. પોતાના અપ્રતિમ સૌંદર્ય થકી લોકપ્રિયતાનાં શિખરો સર કરનારી આ અભિનેત્રીનું અંગત જીવન એટલું જ દુખી હતું. કારકિર્દીમાં સફળતાના શિખરે હતી ત્યારે બેસુમાર દોલતમાં આળોટનાર ગાર્બોનું બાળપણ સ્વીડનના સ્ટોકહોમમાં ભયાનક ગરીબાઇમાં વિત્યું હતું. તેના પિતા સફાઇ કર્મચારી હતા. રસ્તા પરનો કચરો સાફ કરતા. તેમના ઘરમાં આવું ખૂબસૂરત રતન પાકવું એની ઘણાને નવાઇ લાગતી.

ઘણી નાની ઉંમરે મોટી થઈ ગયેલી ગાર્બોએ હોલીવૂડમાં પગ મૂક્યો અને પછી તો જે બન્યું તે ઇતિહાસ જ રચાયો. ગ્રેટા ગાર્બોની પ્રારંભની ફિલ્મો પૈકી એક હતી”ધ જોયલેસ સ્ટ્રીટ”. ત્યારે ખુદ ગ્રેટાને ખબર નહોતી કે તેની આવનારી જિંદગી આ ફિલ્મના શીર્ષકને સાર્થક કરતી રહેશે. તેની પ્રથમ સફળ ફિલ્મ “ટોરેન્ટ” પણ તેના ભાવિ જીવનની રૂપરેખા જેવી જ પુરવાર થઈ હતી. તેમાં તેણે એક એવી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી, જે ડગલે ને પગલે જીવનના આકસ્મિક બદલાવોનો શિકાર થતી રહે છે. એક સીધીસાદી માસૂમ યુવતી બહારની દુનિયાના કૃત્રિમ પરિવેશ સાથે જોડાયા બાદ લોકોનું મનોરંજન કરનારી ઉન્માદી સ્ત્રી બની જાય છે. ઉંમરનો આખરી હિસ્સો તેને આ ચમક્દમકથી દૂર સાવ એકાકીપણામાં વિતાવવો પડે છે. આ આમ તો એક ફિલ્મની કહાણી હતી, પણ ગાર્બોના જીવનની યે હકીકત બનવાની હતી.

ગ્રેટા ગાર્બોની બધી ફિલ્મો મેં નથી જોઈ. “માતાહરી” પણ નથી જોઈ. ગાર્બોની જે એક ફિલ્મ મેં જોઈ છે અને વારંવાર જોવાની ઇચ્છા થાય છે, પણ ઇચ્છા થાય ત્યારે જોવા મળતી નથી તે છે ૧૯૩૯માં બનેલી “નિનોત્ચકા.” આ ફિલ્મમાં ગાર્બોએ એક કટ્ટર સામ્યવાદી અધિકારીની ભૂમિકા ભજવી હતી. લોકશાહી અને મૂડીવાદને ધિક્કરતી નિનોત્ચકા રશિયાથી એક સરકારી કામે પેરિસ આવે છે. સતત તે નાકનું ટીચકું ચઢાવીને ફરતી રહે છે, પણ અંતે એક સોહામણા યુવાનના પ્રેમમાં પડે છે તે પછી સામ્યવાદની કડકાઈ ક્યાંય કોરાણે રહી જાય છે.  

૧૫ વર્ષની ઉંમરે ૧૯૨૦માં મૂક ફિલ્મોથી કારકિર્દી શરૂ કરનાર ગ્રેટા ગાર્બોએ ૧૯૪૧ સુધીમાં કુલ ૩૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૪૧માં આખરી વાર ફિલ્મમાં કામ કર્યા બાદ ૧૯૯૦ સુધી તે જીવી ત્યાં સુધી ફિલ્મી દુનિયા તરફ ભાગ્યે જ નજર નાંખી હતી, પણ આજેય સમાચારોમાં તે અવારનવાર ચમકતી રહે છે. 

  ટીવી પર જૂની ક્લાસિક ફિલ્મો બતાવાય છે તેમાં હજી ક્યારેય “માતાહરી” જોવા મળી નથી. યુ-ટ્યુબ પર “માતાહરી”નો ત્રણ મિનિટનો વિડિયો જોયા પછી તો થયું,  આ ફિલ્મ ક્યાંકથી પણ શોધીને હવે જોવી તો પડશે જ… 

 

 

Read Full Post »