Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Tagore’

“ચિરકુમાર સભા” ટાગોરની એક વ્યંગ કૃતિ છે. તેના પરથી આ જ નામની બે ફિલ્મો બની ચૂકી છે. પહેલી વાર ૧૯૩૨ની ૨૮મી મેએ રીલીઝ થયેલી “ચિરકુમાર સભા”નું દિગ્દર્શન પ્રેમાંકુર અર્ટોર્થીએ કર્યું હતું. તેમાં રાયચંદ બોરાલનું સંગીત હતું. બીજી વાર ૧૯૫૬માં નિર્માણ પામેલી “ચિરકુમાર સભા”નું દિગ્દર્શન દેવકી બોઝે કર્યું હતું. ત્યારે હજી મહાનાયક ઉત્તમકુમારની કારકિર્દીનો શરૂઆતનો સમય હતો.

ફિલ્મમાં કેટલાક પુરુષોએ “ચિરકુમાર સભા” એટલે કે “બેચલર્સ ક્લબ” સ્થાપી છે. આ મંડળમાં જોડાનારે એવા શપથ લેવા પડે છે કે તે આખી જિંદગી સ્ત્રીની સોબત વિના જ પસાર કરશે અને આજીવન કુંવારો રહેશે. પણ સમય વીતવા સાથે એવી ઘટનાઓ બને છે કે આ ક્લબના સભ્યોએ પોતાનો સંકલ્પ તોડીને લગ્ન કરી લેવાં પડે છે.

કથાના કેન્દ્રમાં એક રુઢિચુસ્ત વિધવાની ચાર દીકરીઓ છે. સૌથી મોટી દીકરી પરણેલી છે અને તેનો પતિ અક્ષયકુમાર ખૂબ સારા સ્વભાવનો છે. લગ્ન પહેલાં તે “બેચલર્સ ક્લબ”નો સભ્ય હતો. બીજી દીકરી શૈલબાળા વિધવા છે, પણ ચારેયમાં સૌથી ટિખળી તે છે. તે શિક્ષિત અને સંસ્કારી છે અને ખાસ તો તેની સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત છે. બીજી બે દીકરીઓ નૃપાબાલા અને નીરાબાલા કુંવારી છે અને લગ્ન તથા જુનવાણી રિવાજો પરત્વે પોતાના આગવા વિચારો ધરાવે છે. તેમની માતાની ચિંતા આ બંને દીકરીઓને પરણાવવાની છે.

દૂરના એક સગાની મદદથી ઉચ્ચ જાતિના બે છોકરાઓ સાથે તે વાત ચલાવે છે. તેમાંનો એક દૂબળો-પાતળો અને કદરૂપો છે, જ્યારે બીજો જાડિયો છે. બંનેને જોઇને છોકરીઓ છળી મરે છે. પોતાના બનેવી અક્ષયકુમારની મદદથી એ બંનેથી તેઓ છૂટકારો મેળવે છે. દુ:ખી માતા જાત્રા કરવા બનારસ જતી રહે છે. હવે પોતાની યોજના અમલી બનાવવા શૈલબાળા માટે મેદાન મોકળું થઈ જાય છે. પોતાની બંને બહેનો માટે તે “બેચલર્સ ક્લબ”માંથી બે મુરતિયા શોધી લાવવાનું નક્કી કરે છે. એ માટે સૌ પહેલાં તો તે એક યુવાન બનીને ક્લબની સભ્ય બને છે, અને થોડા સમય પછી ક્લબની મીટિંગ પોતાને ઘેર ભરવા સૌને રાજી કરી લે છે. એમ થાય તો જ આ લોકો તેની બહેનોને જોઇ શકે.

તેણે જેવું ધાર્યું હતું તેવું જ પરિણામ આવે છે. કુંવારા રહેવાના શપથ લઈને પસ્તાય રહેલા બે યુવાનો બંને બહેનો તરફ આકર્ષાય છે. અંતે તેમનાં લગ્ન થતાં ક્લબ વિખેરાઇ જાય છે. “ચિરકુમાર સભા” પેટ પકડીને હસાવતી કોમેડી છે. ભદ્ર વર્ગની દંભી જીવનશૈલી પર તે ભારોભાર વ્યંગ કરે છે. ખરેખર તો આ કથા દ્વારા ટાગોરે સમાજમાં લગ્નસંબંધી કેટલીક કુરુઢિઓને નિશાન બનાવી હતી.

Read Full Post »

“ચિત્રાંગદા” મૂળ તો ટાગોરની એક નૃત્યનાટિકા છે, અને વર્ષોથી તેનું મંચન થતું રહે છે. ૧૯૫૫માં તેનો આધાર લઈને દિગ્દર્શક હેમચંદ્ર અને સૌરેન સેને આ જ નામની ફિલ્મ બનાવી હતી. ૧૮૯૨માં લખાયેલી નૃત્યનાટિકા  “ચિત્રાંગદા”ની કથા મૂળ તો મહાભારતમાં છે. તે અર્જુનની પત્ની હતી, અને મણિપુરના રાજાની કુંવરી હતી. અર્જુન એક વાર ફરતોફરતો મણિપુર જઈ ચઢે છે. ત્યાં ચિત્રાંગદાને જોઇને મોહી પડે છે, અને રાજા પાસે તેનો હાથ માંગે છે. રાજા એક શરત મૂકે છે કે તેનાં જે બાળકો થશે તેમને તે પોતાની સાથે લઈ જઈ શકશે નહિ , કારણ કે મણિપુરની રાજપરંપરા પ્રમાણે દીકરીનાં સંતાન ગાદીનાં વારસદાર બને છે. અર્જુન કહે છે કે તે પોતાનાં સંતાન કે ચિત્રાંગદા કોઇને મણિપુરથી દૂર નહિ લઈ જાય. બંનેનાં લગ્ન થાય છે અને સમય જતાં અર્જુન બબ્રુવાહનનો પિતા બને છે, જે મોટો થઈને મણિપુરની ગાદીએ બેસે છે.

આ કથાને ટાગોરે પોતાની રીતે નૃત્યનાટિકામાં આલેખી છે, અને તેમની મોટા ભાગની કૃતિઓમાં જોવા મળે છે તેમ સ્ત્રી પાત્રને તેમણે વધુ મજબૂત બનાવ્યું છે. ટાગોરની કથામાં ચિત્રાંગદા મણિપુરના રાજાનું એકમાત્ર સંતાન છે. સાધારણ સૌંદર્ય ધરાવતી ચિત્રાંગદા રાજગાદીની વારસ હોઇને પુરુષોનાં કપડાં પહેરતી હોય છે. એ રીતે જ તે હંમેશાં પોતાનાં લોકોના રક્ષણની ફરજ બજાવતી રહે છે. તેને કારણે પ્રજામાં તે બહુ પ્રિય છે.

એક દિવસ તે અર્જુનને જુએ છે. અર્જુન જે રીતે જંગલમાં શિકાર કરી રહ્યો છે તે જોઇને તે અર્જુનના પ્રેમમાં પડી જાય છે. અર્જુન સામે તે જાય છે ત્યારે અર્જુન તેની યુદ્ધકળા પર વારી જાય છે, પણ એ સિવાય એ તેના પર ધ્યાન આપતો નથી. આ બાજુ ચિત્રાંગદા અર્જુનના ગળાડૂબ પ્રેમમાં છે, પણ તે એવું માને છે કે પોતે અર્જુનને જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ અર્જુન નહિ કરી શકે. તે કામદેવને પ્રસન્ન કરીને એક મહિના માટે અત્યંત સુંદર યુવતી બનીનેઅર્જુન સમક્ષ જાય છે. અર્જુન તેને જોઇને જ તેના પ્રેમમાં પડી જાય છે, પણ ચિત્રાંગદા એ વાતે દુ:ખી છે કે અર્જુન તેને નહિ પણ તેના સુંદર રૂપને ચાહે છે. તે ઇચ્છે છે કે અર્જુન તેને પોતે જેવી છે એ જ રૂપમાં તેને સાચો પ્રેમ કરે.

દરમ્યાનમાં મણિપુર પર જ્યારે હુમલો થાય છે ત્યારે અર્જુન લોકો પાસેથી જાણે છે કે તેમની રાજકુંવરી બહાદુર યોદ્ધો છે. ત્યારે ચિત્રાંગદા પોતાના અસલ રૂપમાં લોકોનું રક્ષણ કરવા આવી પહોંચે છે. હુમલાખોરો સામે બહાદુરીથી લડીને તેમને મારી ભગાવે છે. હવે અર્જુન ચિત્રાંગદાના ખરા પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરે છે.

અશોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સમીરકુમાર, જોહર રોય, માલા સિંહા અને ઉત્પલ દત્ત જેવાં કલાકારોએ કામ કર્યૂં હતું. સાથેની તસવીર હાલના સમયમાં ભજવાયેલી નૃત્યનાટિકાની છે.

Read Full Post »

ટાગોરનું સાહિત્ય ફિલ્મ બનાવવા માટે માત્ર ભારતીય ફિલ્મકારોને આકર્ષતું રહ્યું છે એવું નથી. જર્મનીના એક ખ્યાતનામ દસ્તાવેજી ફિલ્મોના સર્જક પોલ ઝિલ્સ ૧૯૫૦ના અરસામાં ભારતમાં હતા. તેમને ટાગોરની “ચાર અધ્યાય” નવલકથાએ બહુ પ્રભાવિત કર્યા હતા. તેમને તેના પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા થઈ આવી. તેમણે હિંદીમાં તેની પટકથા પણ તૈયાર કરાવી. હિંદી ફિલ્મી દુનિયાથી તેઓ ખાસ પરિચિત નહિ, એટલે તેમણે બી.આર. ચોપડાની મદદ લીધી હતી.  એ વખતે બી.આર. ચોપડા પણ હજી ફિલ્મી દુનિયામાં આવ્યા નહોતા, પણ ફિલ્મી દુનિયા સાથે તેમનો નાતો એ રીતે હતો કે તેઓ એક ફિલ્મી અખબાર “સિને હેરલ્ડ”ના તંત્રી હતા. ફિલ્મનું નામ રખાયું “ઝલઝલા”. તેમાં એ સમયનાં બે ખ્યાતનામ કલાકારો દેવ આનંદ અને ગીતા બાલીને પસંદ કરાયાં હતાં. હીરોની સમાંતર ભૂમિકા કિશોર શાહુએ ભજવી હતી.  સંગીત પંકજ મલિકે આપ્યું હતું. ૧૯૫૨ની ૧લી જાન્યુઆરીએ આ ફિલ્મ રીલીઝ થઈ હતી. ટિકિટબારી પર તે સફળ નહોતી રહી, પણ એક જર્મન ફિલ્મકાર તેની સાથે સંકળાયા હતા એ નોંધપાત્ર હતું.

નવલકથા  “ચાર અધ્યાય” તેના વિશિષ્ટ કથાનકને કારણે હંમેશાં ફિલ્મકારોને આકર્ષતી રહી છે. ટાગોર ૧૯૩૪માં શ્રીલંકા ગયા હતા. ત્યાં રહ્યા એ દરમ્યાન તેમણે  “ચાર અધ્યાય” લખી હતી. એ વખતે તેઓ ૭૩ વર્ષના હતા, અને આ તેમની અંતિમ નવલકથા હતી. ટાગોરની આ એકમાત્ર એવી નવલકથા છે, જે કોઇ સામયિકમાં હપતાવાર પ્રગટ ન થઈ હોય. ટાગોરે જ એવું થવા દીધું નહોતું. તેનું એક કારણ કદાચ એ છે કે કથાપ્રવાહની સાથે તેમણે બ્રિટિશ સરકારના જુલમ અને તેની સામેના સશસ્ત્ર વિરોધના રાજકારણનું જે નિરૂપણ કર્યું હતું તેને લઈને નવલકથા પર સંભવિત પ્રતિબંધ ન આવે એવું તેઓ ઇચ્છતા હતા. કથા એવાં બે પ્રેમીઓની છે, જેઓ આઝાદીની ચળવળના હિંસક માહોલમાં અટવાઇ જાય છે.

ફિલ્મનિર્માણની દૃષ્ટિએ  “ચાર અધ્યાય” એક મુશ્કેલ નવલકથા ગણાઈ છે. ૧૯૯૭માં દિગ્દર્શક કુમાર સાહનીએ  “ચાર અધ્યાય” બનાવી હતી, અને તે આ નવલકથાને ન્યાય આપવાનો પ્રામાણિક પ્રયાસ ગણાયો છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં લખાયેલી આ નવલકથા આજના સંદર્ભમાં પણ એટલી જ પ્રાસંગિક છે. માત્ર સમય બદલાયો છે.

આઝાદીની ચળવળ વખતે એવાં જૂથો પણ સક્રિય હતાં, જેઓ પોતાના માની લીધેલા ધ્યેય માટે જઘન્ય હિંસા આચરીને તથા લૂંટફાટ કરીને આતંક મચાવી રાખતાં હોય. પોતાના કહેવાતા ધ્યેય માટે આ જૂથોના સભ્યોએ પોતાનાં ઘરબાર છોડી દીધાં હોય. તેઓ છૂપી જગ્યાઓએ રહીને મોટા ભાગે રાતના સમયે છાપો મારતા. આવા એક જૂથ સાથે ઇલા નામની એક યુવતી જોડાઇ હતી. શરૂમાં તો તે પોતાના જૂથની પ્રવૃત્તિઓથી પ્રભાવિત છે, પણ ધીમેધીમે તેનો ભ્રમ ભાગતો જાય છે. તે સાથે જૂથના એક સભ્ય અતીન તરફ તે આકર્ષાય છે. જુથના વડાને આ ખબર પડે છે ત્યારે તે સખત નારાજગી વ્યક્ત કરે છે, પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા બંને અલગ માર્ગ પસંદ કરવાનું વિચારે છે, પણ ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ એ દલદલમાં એટલાં ઊંડાં ખૂંપી ગયાં છે કે હવે તેમાંથી બહાર નીકળી શકાય તેમ નથી.

નવલકથામાં પાત્રોનું મનોમંથન અને સંજોગોનું નિરૂપણ એટલું સબળ થયું છે કે તે વાંચનાર કે ફિલ્મ જોનારને લાંબા સમય સુધી વિચારતા કરી દે છે.

Read Full Post »

“ચોખેર બાલી” ટાગોરની એક એવી કૃતિ છે, જેના પરથી છેક ૧૯૩૮થી લઈને આજ સુધી ફિલ્મો બનતી રહી છે. ૧૯૩૮માં દિગ્દર્શક સતુ સેને બનાવેલી ફિલ્મમાં રમા બેનરજી, મનોરંજન ભટ્ટાચાર્ય, છબિ બિશ્વાસ, શિબકાલિ ચેટરજી, શાંતિલતા ઘોષ જેવાં કલાકારોએ કામ કર્યું હતું. ૨૦૦૩માં રિતુપર્ણો ઘોષે બનાવેલી તાજેતરનાં વર્ષોની ચર્ચાસ્પદ ફિલ્મોમાંની એક રહી હતી. ટિકિટબારી પર પણ ખૂબ સફળ રહેલી આ ફિલ્મનું એક આકર્ષણ એ પણ હતું કે બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાયે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખરી વાત તો એ છે કે પોતાના સૌંદર્યને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી ઐશ્વર્યાએ રિતુપર્ણો ઘોષની આ બંગાળી ફિલ્મ સાઇન કરી ત્યારથી “ચોખેર બાલી” ચર્ચામાં આવી ગઈ હતી. આ ફિલ્મમાં કામ કરીને ઐશ્વર્યાએ એ પણ પુરવાર કરી આપ્યું હતું કે કે નોન-ગ્લેમરસ ભૂમિકા પણ ભજવી શકે છે.

ટાગોરે તેમની ૪૨ વર્ષની વયે આ નવલકથા લખી હતી અને એ સમયે ૧૯૦૩માં ટાગોર દ્વારા સંપાદિત “બંગદર્શન” સામયિકમાં તે હપતાવાર પ્રગટ થઈ હતી. એ વખતે બંગાળી સમાજમાં તેણે ખાસ્સી હલચલ મચાવી હતી, અને તે ક્રાંતિકારી નવલકથા ગણાઇ હતી. વિધવા પ્રેમમાં પડતી હોય એવાં કથાવસ્તુ એ સમયે લેખકો આલેખતા હતા, જેમ કે બંકિમચંદ્ર ચેટરજીએ તેમની નવલકથા “બિશબ્રિક્શ” (વિષવૃક્ષ)માં આવું નિરુપણ કર્યૂં હતું, પણ ટાગોરની  “ચોખેર બાલી”ની વાત જુદી જ છે.

“ચોખેર બાલી”ની નાયિકા બિનોદિની છે. તે અંગ્રેજી ભણેલી છે, દેખાવે ખૂબ સુંદર છે, બુદ્ધિશાળી છે અને થોડી ઘમંડી પણ છે. જ્યારે તેના લગ્નની વાત ચાલે છે ત્યારે તેને જોવા આવનારો મુરતિયો તેને જોયા વગર તેને નાપસંદ કરે છે. તેનું નામ છે મહેન. ખરેખર તો એ સમયે તે દાક્તરીનું ભણતો હોય છે અને લગ્ન કરવાનો તેનો કોઇ ઇરાદો હોતો નથી, પણ તેની માતાના અતિશય આગ્રહને કારણે બિનોદિનેને જોવાજવાનું કબૂલ રાખે છે, પણ પાછો આવીને માને કહી દે છે કે છોકરી પસંદ નથી.

એ પછી નાની ઉંમરમાં જ બિનોદિનીનાં લગ્ન બીજે કરી દેવાય છે, પણ લગ્ન પછી થોડા જ સમયમાં તેના પતિનું મોત થતાં તે વિધવા બને છે. આ બાજુ બિનોદિનીને નાપસંદ કરનારા મહેન પર તેની માતા ફરી લગ્નનું દબાણ કરે છે. આ વખતે આશાનામની એક યુવતીને તે જોવા જવાનો હોય છે. ફરી વાર તેનો ઇરાદો માને રાજી રાખવાનો  જ હોય છે. તે પોતાના મિત્ર બિહારીને પણ સાથે લેતો જાય છે.

બંને આશાને ઘેર પહોંચે છે. મહેન તો આશાને પસંદ નથી જ કરવાનો એ બિહારી જાણતો હોય છે. તેને આશા ગમી જાય છે, પણ થોડી જ વારમાં તેને ખ્યાલ આવે છે કે મહેનને પણ આશા ગમવા માંડે છે, એટલું જ નહિ, આશા પણ મહેન તરફ આકર્ષાય છે. બિહારી તરત ચિત્રમાંથી ખસી જાય છે. થોડા જ સમયમાં મહેન અને આશા પરણી જાય છે.

થોડા સમય પહેલાં લગ્નથી દૂર ભાગતો મહેન આશાના પ્રેમમાં એવો લટ્ટુ થઈ જાય છે કે માને પણ એવું લાગવા માંડે છે કે તેની ઉપેક્ષા થઈ રહી છે. તે નારાજ થઈને ગામડે જતી રહે છે. આ ગામમાં જ બિનોદિની વિધવાજીવન ગાળી રહી છે. તે મહેનની માતાની સંભાળ રાખે છે. થોડા સમય પછી માને ફરી જ્યારે મહેન પાસે કોલકાતા જવાની ઇચ્છા થાય છે ત્યારે તે બિનોદિનીને પણ પોતાની સાથે લઈ જાય છે. એ પછી શરૂ થાય છે સંબંધોના તાણાવાણાની ગૂંચવણો.

આશા અને બિનોદિનીને સારું ગોઠી જાય છે. બિનોદિની આશાને પોતાની બહેન જેવી જ લેખે છે, પણ મહેન બિનોદિની તરફ આકર્ષાવા માંડે છે. તેને એવો પણ ડર છે કે ક્યાંક બિહારી બિનોદિનીની નિકટ ન પહોંચી જાય. આવું ન થાય એ માટે તે બિનોદિની અને બિહારી વચ્ચે ગેરસમજ થાય એવા પ્રયાસો કરતો રહે છે. જોકે બિનોદિનીને તેના બદઈરાદાની ગંધ આવી જાય છે. આ સ્થિતિમાં તે ગામડે પાછી જતી રહેવાનું પસંદ કરે છે, પણ મહેન તેનો પીછો છોડતો નથી. તે તેની પાછળ ગામડે જાય છે, પણ અંતે તેને ખ્યાલ આવે છે કે બિનોદિની પોતાને નહિ, પણ બિહારીને ચાહે છે. જોકે બિનોદિની પોતે બિહારી પ્રત્યેની આ લાગણી જરાય જાહેર થવા દેતી નથી, કારણ કે તેને બરાબર ખબર છે કે પોતે એક વિધવા છે એટલે બિહારી સાથે જો ભૂલેચૂકે પણ લગ્ન કરે તો સમાજ બિહારીનું જીવતર ઝેર જેવું કરી દેશે. અંતે બિનોદિની ભારે હૃદયે મહેનની કાકી સાથે બનારસ જતી રહે છે.

“ચોખેર બાલી”માં લગભગ એક સો વર્ષ પહેલાંના બંગાળી સમાજનું ચિત્રણ છે એટલે એ વખતનો પરિવેશ આબેહૂબ રજૂ કરી શકાય એ માટે અભ્યાસ કરવા રિતુપર્ણોએ ત્રણ વર્ષ વિતાવ્યાં હતાં. ઐશ્વર્યા ઉપરાંત રાઇમા સેન, પ્રસન્નજિત અને તોતા રોયચૌધરીએ આ ફિલ્મમાં કામ કર્યૂં છે.

Read Full Post »

તપન સિંહાએ ૧૯૯૭માં “ડોટર્સ ઓફ ધિસ સેન્ચ્યુરી” નામે પાંચ વાર્તાઓ સમાવતી એક હિંદી ફિલ્મ બનાવી હતી. વિભિન્ન સામાજિક પરિસ્થિઓનો શિકાર બનતી સ્ત્રીઓને કેવીકેવી વિષમતાઓનો ભોગ બનવું પડે છે, તેના પ્રતીકરૂપ પાંચ પાત્રો દ્વારા પોતાને જે કંઇ કહેવું છે કે કહેવા તપનદાએ પાંચ વાર્તાઓ પસંદ કરી હતી તેમાં એક ટાગોરની વાર્તા હતી. ૧૯૦૪માં પ્રગટ થયેલી આ વાર્તા “જીબિતો ઓ મ્રિતો” (જીવિત કે મૃત) પરથી તેમણે “કાદમ્બિની”નું નિર્માણ કર્યું હતું. તેમાં મુખ્ય ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી.

“કાદમ્બિની”ની કથા એવી છે કે તે એક યુવાન વિધવા છે. તેને બાળક પણ નથી. વીસમી સદીનાં પ્રારંભનાં વર્ષોમાં બંગાળમાં એક યુવાન વિધવાનું જીવન કેટલું કષ્ટદાયક હશે તેની કલ્પના કરવી જરાય અઘરી નથી. એક વાર બેહોશ કાદમ્બિનીને ગામલોકો મરી ગઈ હોવાનું માની લે છે, અને તેના અંતિમસંસ્કાર માટે લઈ જવાય છે. તે જીવિત છે કે કેમ એ ચકાસવાની પણ કોઇ પરવા કરતું નથી.

સ્મશાનમાં અંતિમસંસ્કાર માટેનો વિધિ ચાલુ હોય છે ત્યાં એકાએક ભારે વાવાઝોડું ત્રાટકે છે. વિધિ પડતો મૂકીને લોકો પોતાનો જીવ બચાવવા “મૃતદેહ”ને રઝળતો મૂકીને ભાગી છૂટે છે. વાવાઝોડું શમી ગયા પછી પણ મૃતદેહનું શું થયું એ જોવા કોઇ પરત આવતું નથી. દરમ્યાનમાં ભાનમાં આવી ચૂકેલી કાદમ્બિની ગમે તેમ કરી નનામીના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પહેલાં તે પોતાના સાસરે જાય છે, પણ ત્યાં તેને જાકારો મળે છે, પછી તે પિતાને ઘેર જાય છે, ત્યાં પણ તેના માટે બારણાં બંધ છે. એક બાજુ તે આવી કફોડી સ્થિતિમાં મુકાઇ જાય છે ત્યારે બીજી બાજુ ગામલોકો તેને ભૂત માની લે છે.

પોતે ભૂત નથી, પણ જીવતીજાગતી છે, એ કાદમ્બિની ચીસો પાડીપાડીને કહે છે, પણ કોઇ તેની વાત માનવા તૈયાર નથી. પોતે જીવિત હોવાનું કોઇ રીતે સાબિત ન કરી શકતાં તે ગામના તળાવમાં કૂદીને પોતાનો જીવ દઈ દે છે. મરી જઈને તે સાબિત કરે છે કે પોતે મરી નહોતી.

Read Full Post »

“અતિથિ” ટાગોરની જાણીતી ટૂંકી વાર્તા છે, જોકે તેના પરથી ફિલ્મ બનાવવાનું સાહસ તપન સિંહા જેવો ફિલ્મકાર જ કરી શકે. ૧૯૬૫માં નિર્માણ પામેલી “અતિથિ”ના કેન્દ્રમાં એક રખડુ બ્રાહ્મણ કિશોર તારાપદા છે. ઘણી વાર તે ઘેરથી ભાગીને કોઇ સંગીતમંડળી કે ખેલાડીઓની ટોળી સાથે ભળી જતો. ઘેરથી તેનું ભાગવું એ કોઇ ખરાબ સંગતની અસર નહોતી, પણ ઘરમાં પણ અનુભવાતી બંધનાવસ્થામાંથી છૂટવાની એ છટપટાહટ હતી.

એક વાર એવું બને છે કે તે હંમેશને માટે ઘર છોડીને નીકળી પડે છે. નાવમાં નદી પાર કરતી વખતે તેની મુલાકાત એક જમીનદાર મોતી સાથી થાય છે. તે પોતાના પરિવાર સાથે જાત્રા કરીને પરત ફરી રહ્યો હતો. જમીનદારને અ કિશોરમાં રસ પડે છે. તે તારાપદાને પોતાને ઘેર લઈ આવે છે અને પોતાની સાથે રાખે છે.  પોતાની વાતોથી અને વ્યવહારથી તારાપદા માત્ર જમીનદારનું જ નહિ, પણ તેની પત્નીનું પણ દિલ જીતી લે છે. એટલું જ નહિ, તેમની દીકરીનો પ્રેમ પણ પામે છે.

તારાપદા તરફ દીકરીનું આકર્ષણ જમીનદાર પામી જાય છે. બંનેનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવાય છે, ત્યાં તારાપદા ફરી એક વાર ગાયબ થઈ જાય છે. આમ થવાનું કારણ જમીનદાર સમજી શકતો નથી, પણ તારાપદા માટે તે સહજ હતું. ઘર-પરિવારની ઝંઝાળમાં બંધાઇ રહેવું તેને મંજૂર નહોતું. માણસ સતત મુક્તિ અને આઝાદીની ઝંખના કરતો  હોય છે એ આ વાર્તામાં ટાગોરે બહુ ખૂબીપૂર્વક નિરૂપ્યું હતું.

તપન સિંહાએ આ ફિલ્મ ન્યુ થિયેટર્સના નેજા હેઠળ બનાવી હતી. સંગીત પણ તેમણે જ આપ્યું હતું. સાસ્વતિ મુખરજી, પાર્થો મુખરજી, ક્રિષ્ના બાસુ  અને અજિતેશ બેનરજી ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મને નેશનલ એવોર્ડ તથા વેનિસ ફિલ્મોત્સવમાં એવોર્ડ મળ્યો  હતો.

Read Full Post »

ટાગોરની વાર્તા “ખુદિતો પાષાણ” (ગુજરાતીમાં “ક્ષુધિત પાષાણ”, અંગ્રેજીમાં The Hungry Stones)  માત્ર તેમણે જ લખેલી વાર્તાઓ પૈકી નહિ, પણ બંગાળીમાં લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક ગણાય છે. કેટલાક તો તેને સર્વકાલીન ૧૦૦ બંગાળી વાર્તાઓમાં સ્થાન આપે છે. દિગ્દર્શક તપન સિંહાએ ૧૯૬૦માં તેના પરથી ફિલ્મ બનાવી હતી. આ વાર્તા જેટલી સરળ લાગે છે તેટલી જ ગૂઢ પણ છે, એટલે કોઇ સામાન્ય ફિલ્મકાર જો આ વાર્તા પરથી ફિલ્મ બનાવે તો બનવાજોગ છે કે એક ચલતાપૂર્જા હોરર ફિલ્મથી વધુ કશું ન નીપજે, પણ તપન સિંહાએ વાર્તાના એક પછી એક તમામ પડળ ઉખેળતા જઈ અદભુત ફિલ્મ બનાવી, જેને એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

“ખુદિતો પાષાણ” તપન સિંહાની પણ શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. યુવાન વયે ટાગોર જ્યારે અમદાવાદમાં રોકાયા હતા ત્યારે હાલમાં શાહીબાગમાં જ્યાં સરદાર પટેલ સ્મારક છે, તે જૂના રાજભવનમાં તેમનો મુકામ હતો. મૂળ તો એ જહાંગીરના સમયમાં બંધાયેલો મહેલ હતો. અહીં રહીને ટાગોરે સાબરમતીના કિનારે બેસીને “ખુદિતો પાષાણ” વાર્તા લખી હતી. ૧૮૯૫ના અરસામાં તે પહેલી વાર પ્રગટ થઈ હતી.

એક નાનકડા ગામમાં એક યુવાન સરકારી કર્મચારીની બદલી થાય છે. તેનો મુકામ એક જૂની હવેલીમાં છે. એ હવેલી એક સુલતાનના સમયનો મહેલ હતો. રાજમહેલોનાં રહસ્યોનો આમેય કોઇ પાર હોતો નથી. ગામલોકો એ હવેલી ભૂતિયા હોવાનું માને છે. યુવાન એ હવેલીમાં રહી જાય છે ને તેને પણ ગેબી અનુભવો થવા માંડે છે, પણ ડરવાને બદલે તે એ રહસ્યનો તાગ મેળવવા પ્રયાસ કરે છે. તપન સિંહાએ વાર્તામાં નિરૂપાયેલા સસ્પેન્સને બરાબર છેક સુધી જીવંત રાખીને એક જૂના મહેલમાં મોટા ભાગે નૈસર્ગિક પ્રકાશમાં જ આખી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. સૌમિત્ર ચેટરજી અને અરુંધતિ સિંહાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તપન સિંહાનાં અભિનેત્રી પત્ની અરુંધતિ સિંહાના ભાગે આખી ફિલ્મમાં એક પણ સંવાદ નથી, પણ તેમના અભિનય અને નૃત્યથી તેઓ છવાયેલાં રહે છે. ફિલ્મનું વધુ એક આકર્ષણ હતું ઉસ્તાદ અલી અકબર ખાનનું બેકગ્રાઉન્ડ સંગીત.

લગભગ સાતેક વર્ષ પહેલાં એક સાંજે સરદાર સ્મારક ભવનના પ્રાંગણમાં “ખુદિતો પાષાણ”નો ખાસ શો રખાયો હતો. બંગાળી સાહિત્યના અભ્યાસુ ભોળાભાઇ પટેલે “ખુદિતો પાષાણ” સંદર્ભે કેટલીક રસપ્રદ વાતો કર્યા પછી ફિલ્મ શરૂ થઈ હતી. સાબરમતી પરથી વાતો પવન, આછેરી ચાંદનીનો અજવાસ અને ખાસ તો નાનકડા પડદા પર ૧૬ એમએમની ફિલ્મની પાછળ અંધારા પશ્ચાદભૂમાં ખડું જુનું રાજભવન “ખુદિતો પાષાણ”ને ઓર રહસ્યમય બનાવવા પૂરતું હતું.

Read Full Post »

સત્યજિત રાયની જેમ વિખ્યાત બંગાળી ફિલ્મસર્જક તપન સિંહાએ પણ ટાગોરની ત્રણ કૃતિઓ પરથી ફિલ્મો બનાવી હતી, “કાબુલીવાલા”, “ખુદિતો પાષાણ” અને “અતિથિ”.

“કાબુલીવાલા” રવીન્દ્રનાથ ટાગોરની આ જ નામની વાર્તા પર આધારિત છે. ૧૯૫૭માં બનાવાયેલી આ ફિલ્મમાં રહમત શેખ નામનો એક અફઘાન કાબુલીવાલા બદામ-પિસ્તા વેચીને એટલું ધન કમાવા ઇચ્છતો હોય છે કે પોતાના દેશ પરત જઈને પોતાની દીકરી રાબિયા અને પરિવારને મળી શકે. હંમેશાં તે પોતાના દેશ પરત ફરવાનાં સપનાં જોતો રહે છે. પોતાની દીકરીની યાદમાં તે હંમેશાં નાનાં બાળકોનો સાથ શોધતો ફરતો રહે છે.

એક લેખકની પાંચ વર્ષની દીકરી મીનીને તે મળે છે. બંને વચ્ચે ખાસ્સી આત્મીયતા બંધાઇ જાય છે. એક દિવસ રહમતનો તેના મકાનમાલિક સાથે ઝઘડો થઈ જાય છે, અને રહમતના હાથે તેની હત્યા થઈ જાય છે. તેને કેદ થાય છે.

આઠ વર્ષની સજા કાપીને તે જેલમાંથી છૂટે છે ને સીધો મીનીને મળવા પહોંચી જાય છે. તે મીનીને જોઈને ચકિત થઈ જાય છે. કારણ કે મીની હવે સુંદર યુવતી બની ચૂકી છે, અને તેને ઓળખી પણ શકતી નથી. એ દિવસે મીનીનાં લગ્ન પણ લેવાયાં હોય છે. લેખક તેના લગ્નના ખર્ચમાંથી થોડી રકમ કાઢીને રહમતને આપે છે, જેથી તે પણ તેના વતન જઈને તેની દીકરી તેને ભૂલી જાય એ પહેલાં તેને મળી શકે.

તપન સિંહાએ આ ફિલ્મનું દિગ્દર્શન કરવા ઉપરાંત તેની પટકથા પણ લખી હતી. છબિ બિશ્વાસ, ટિન્કુ ઠાકુર, રાધા, મોહન ભટ્ટાચાર્ય વગેરેએ ભૂમિકાઓ ભજવી હતી. “કાબુલીવાલા”ને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

૧૯૬૧માં બિમલ રોયે “કાબુલીવાલા”નું નિર્માણ કર્યું હતું. દિગ્દર્શનની જવાબદારી તેમણે હેમેન ગુપ્તાને સોંપી હતી. બન્યું હતું એવું કે એ સમયે હેમેન ગુપ્તા પાસે કોઇ ખાસ કામ નહોતું. તેમની પ્રતિભાથી બિમલદા પૂરેપૂરા વાકેફ હતા. રહમતની ભૂમિકામાં બલરાજ સાહનીને પસંદ કરવાનું કારણ એ હતું કે તેમનો ઉછેર લાહોરમાં થયો હોઇ પઠાણી પાત્રને તેઓ સારી રીતે ન્યાય આપી શકશે એમાં દિગ્દર્શકને જરાય શંકા નહોતી. બલરાજ સાહની પણ તેમની એ અપેક્ષા પૂરી કરવાંમાં જરાય ઊણા ઊતર્યા નહોતા, પણ કહે છે કે બલરાજ સાહનીએ પોતે આ પાત્ર માટે અભિનેતા જયંતની ભલામણ કરી હતી, પણ નિર્માતા બિમલદા અને દિગ્દર્શક હેમેન ગુપ્તા બંનેએ તેમની પાસે જ આ ભૂમિકા કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે ઉષાકિરણ જેવાં કલાકારો ધરાવતી આ ફિલ્મમાં સંગીતકાર સલીલ ચૌધરીના સંગીતનિર્દેશન હેઠળ મન્ના ડેએ ગાયેલું “અય મેરે પ્યારે વતન…” ગીત દેશભક્તિનાં સદાબહાર ગીતોમાં હંમેશાં સ્થાન પામતું રહ્યું છે. આ ઉપરાં હેમંતકુમારે ગાયેલું “ગંગા આયે કહાં સે…” પણ અત્યંત લોકપ્રિય બન્યું હતું.

Read Full Post »

“ઘરે બાહિરે” ટાગોરની બહુ જ વખણાયેલી નવલકથા છે. સત્યજિત રાયે ૧૯૮૪માં તેના પરથી આ જ નામની ફિલ્મ બનાવી હતી. એ વાત તો જગજાહેર છે કે સત્યજિત રાય ટાગોરથી બહુ પ્રભાવિત હતા. તેમણે ભલે ફિલ્મ બનાવવા માટે સૌપહેલાં ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ પસંદ કરીને ૧૯૬૧માં પહેલાં “તીન કન્યા” બનાવી હોય, પણ ટાગોરની  “ઘરે બાહિરે” નવલકથા તેમને એટલી ગમતી હતી કે છેક ૧૯૪૭ના ગાળામાં તેમણે આ નવલકથા પર કામ શરૂ કર્યું હતું, પણ તેના પરથી ફિલ્મ તો છેક વર્ષો પછી તેઓ બનાવી શક્યા હતા. તેનું નિર્માણ એનએફડીસીએ કર્યું હતું. એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનાર “ઘરે બાહિરે”માં વિક્ટર બેનરજી, સૌમિત્ર ચેટરજી, સ્વાતિલેખા, જેનિફર કપૂર વગેરે કલાકારોએ કામ કર્યું હતું.

અંગ્રેજો જેના માટે જાણીતા હતા તે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ તેમણે વીસમી સદીના પ્રારંભથી જ અખત્યાર કરવા માંડી હતી. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા. તેનો ભારે વિરોધ થયો હતો. એ ઘટનાઓના પશ્ચાદભૂમાં “ઘરે બાહિરે”ની કથા આકાર લે છે. બંગાળના એ ભાગલાની હિલચાલે જ દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ ભાગલા પાડવાનું કામ કર્યું હતું. એ જમાનામાં બંગાળમાં અંગ્રેજ સરકારને હંફાવવા ઘણાં સશસ્ત્ર ક્રાંતિકારી જૂથો સક્રિય હતાં. બંગાળના મધ્યમ વર્ગનો તેને ટેકો મળી રહ્યો હતો.

“ઘરે બાહિરે”ની કથા નિખિલ ચૌધરી, સંદીપ મુખરજી અને બિમલાની આસપાસ ઘૂમે છે. બિમલા નિખિલની પત્ની છે, અને સંદીપ મિત્ર છે. સંદીપ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને બંગભંગ વિરોધી ચળવળ કરતા એક જૂથનો નેતા છે. એક વાર સંદીપ નિખિલની એસ્ટેટ સુખસયારમાં આવી પહોંચે છે. જે ઘટનાઓ બની રહી છે તે વિષે સંદીપ નિખિલને બધી વાત કરે છે. ટાગોરને જે કહેવું છે એ તેમણે નિખિલના પાત્ર મારફત કહ્યું છે.

સંદીપના મોહક વ્યક્તિત્વ અને આક્રમક વિચારોથી બિમલા છક થઈ જાય છે. તેને સંદીપ પ્રત્યે ભારોભાર અહોભાવ જાગે છે, કારણ કે તેના પતિ નિખિલની ટાઢી સાલસતા કરતાં સંદીપની ઉગ્ર આક્રમકતા પર તે વારી જાય છે. પોતાના તરફનો બિમલાનો ભાવ સંદીપ પારખી જાય છે. તે પણ બિમલા તરફ આકર્ષાય છે અને પોતાની રાજકીય પ્રવ્રુત્તિનું કેન્દ્ર સુખસયારને જ બનાવી દેવાનો નિર્ણય કરે છે.

શું બની રહ્યું છે તેનો નિખિલને પણ ખ્યાલ આવે છે. તે સમજી જાય છે કે સંદીપ જે કરી રહ્યો છે તેની પાછળ દેશભક્તિની ભાવનાનહિ, પણ સત્તા મેળવવાનો ધખારો રહેલો છે. બિમલાને પણ જ્યારે આ સત્ય સમજાય છે ત્યારે પતિ તરફનું તેનું માન વધી જાય છે, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. દરમ્યાનમાં કોમી તોફાનો ફાટી નીકળે છે. આ સ્થિતિમાં સંદીપ તો એક રાત્રે સલામત સ્થળે જતો રહે છે, પણ નિખિલને એક હિંસક ટોળાનો સામનો કરવાનો વારો આવે છે.

બંગભંગ સામેની એ ચળવળ દરમ્યાન જ ટાગોરે કેટલાંક ગીતો લખ્યાં હતાં. ફિલ્મમાં સંદીપને એ ગીતો ગાતો દર્શાવાયો છે. બિમલાનું પાત્ર એ સમયે મહિલાઓ પણ ચળવળમાં ભાગ લેતી તેનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે.

Read Full Post »

ટાગોરની કૃતિઓ અને સત્યજિત રાયની ફિલ્મોના સંબંધમાં “તીન કન્યા” વિશેષ મહત્ત્વ ધરાવે છે. ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ “પોસ્ટમાસ્ટર”,  “મોનીહારા” અને  “સંપતિ”નો સમાવેશ રાયે “તીન કન્યા”માં કર્યો છે. આવી વાર્તાઓ  થકી નારીચરિત્રનો પાર પામવાનો ટાગોરનો અને તે દ્વારા રાયનો આ પ્રયાસ હતો.

૧૯૬૧માં નિર્માણ પામેલી આ ફિલ્મમાં ત્રણ સ્ત્રી પાત્રોની મદદથી નારીના વ્યક્તિત્વનાં વિભિન્ન પાસાં રજૂ કરાયાં છે. “પોસ્ટ્માસ્ટર”નું નારી પાત્ર છે એક અનાથ છોકરી. નંદલાલ નામના એક પોસ્ટમાસ્તરની બદલી એક અંતરિયાળ ગામમાં થાય છે. તેમને આ અનાથ છોકરી તરફ હમદર્દી જાગે છે. પોસ્ટમાસ્તર આ છોકરીને વાંચતાં-લખતાં શીખવે છે, તો છોકરી તેમના ખરાબ સમયમાં દિલ દઈને તેમની ચાકરી કરે છે.

“મોનીહારા”નું સ્ત્રી પાત્ર છે મણિમાલા. ફણિભુષણ સાહાની તે પત્ની છે. તે પોતાના કાકાની સંપત્તિની માલિક બનીને માણિકપુર આવે છે. હવે એકદમ જ બદલાઇ ગયેલા પરિવેશમાં ઘરેણાં પ્રત્યે મણિમાલાની આસક્તિ ખૂબ વધી જાય છે. પોતાના પરિવારનું ધ્યાન રાખવાને બદલે તેનું સમગ્ર ધ્યાન ઘરેણાં એકઠાં કરવામાં જ રહે છે. એમાં પતિ એકાએક દેવાળું ફૂંકે છે ત્યારે મણિમાલાને એવો ભય ઘેરી વળે છે કે તેનાં પ્રિય ઘરેણાં હવે તેના હાથમાંથી જતાં રહેશે. પતિ નાણાં માટે થઈને કોલકાતા જાય છે ત્યારે તે પોતાનાં બધાં ઘરેણાં લઈને નાસી જાય છે, પણ રસ્તામાં તેણે જીવ ખોવો પડે છે. દરમ્યાનમાં તેનો પતિ કોલકાતાથી એક સુંદર હાર લઈને પાછો આવે છે. ઘરેણાં પ્રત્યેની આસક્તિ મૃત્યુ પછી પણ મણિમાલાનો કેડો મૂકતી નથી. હાર લેવા માટે તે આવી પહોંચે છે.

ત્રીજી વાર્તા “સંપતિ”નું સ્ત્રી પાત્ર છે મૄણમયી. ઘરનાં લોકો તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન કરાવી દે છે. લગ્ન પહેલાં મુક્ત અને સ્વચ્છંદ રીતે વિહરતી મૄણમયી માટે લગ્ન એક બંધન બની રહે છે. લગ્નની પહેલી રાતે જ તે ઘર છોડીને ભાગી જાય છે, પણ સમય જતાં તેના વિચારોમાં પરિવર્તન આવે છે અને તે પતિ પાસે પાછી ફરે છે.

રસપ્રદ વાત એ છે કે બંગાળી “તીન કન્યા”માં આ ત્રણ વાર્તાઓ સમાવાઈ હતી, પણ આંતરરાષ્ટ્રીય સર્કિટમાં માત્ર બે વાર્તાઓ સમાવાઇ હતી અને તેને Two Daughters શીર્ષક અપાયું હતું. મોન્ટ્રિયલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને “ગ્રાં પ્રિ” એનાયત કરાયો હતો. મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં તેને ટોચનો એવોર્ડ મળ્યો હતો. “તીન કન્યા”માં અનિલ ચેટરજી, કાલિ બેનરજી, કણિકા મજુમદાર અને અપર્ણા દાસગુપ્તાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આજનાં અપર્ણા સેન ત્યારે અપર્ણા દાસગુપ્તા હતાં. આ તેમની પહેલી જ ફિલ્મ હતી. આ ફિલ્મની બીજી એક વિશેષતા એ હતી કે આ ફિલ્મથી સત્યજિત રાયે પોતાની ફિલ્મોમાં પોતે જ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૭૧માં નિર્માણ પામેલી રાજશ્રી પ્રોડક્શન્સની  ફિલ્મ “ઉપહાર” પણ “સંપતિ” પર આધારિત હતી.

Read Full Post »

Older Posts »