Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Thought’

ગુજરાતીઓની નાણાં-પ્રીતિને લઈને પ્રચલિત કેટલીક રમૂજી વાતોમાં એક એ પણ છે કે દેશમાં બીજે ક્યાંય જો કોઇને અમુક  સ્થળ કેટલું દૂર છે એ પૂછવામાં આવે તો તે બે-ત્રણ કિલોમિટર કે પંદર-વીસ મિનિટ દૂર છે એવો જવાબ મળે, પણ જો અમદાવાદમાં આ પ્રશ્નનો જવાબ એવો મળે કે “રિક્ષામાં ૨૫ રૂપિયા થશે.”

આ તો ગમ્મતની વાત થઈ, પણ રાત્રે ઓશોની “અષ્ટાવક્ર ગીતા”નો ચોથો ભાગ સાંભળતાં તેમના પ્રવચનમાંથી એ જાણવા મળ્યું કે આપણે ત્યાં હાઇવે પર આવનારું સ્થળ કેટલા કિલોમિટર દૂર છે તે આંકડા માઇલસ્ટોન પર દર્શાવાતા હોય છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં માઇલસ્ટોન પર આવનારું સ્થળ કેટલી મિનિટ દૂર છે તે દર્શાવાયું હોય છે. ૨૦૦૯ના મેમાં સ્વિસ શહેર શોફહોસેન (Schaffhausen) જવાનું થયું હતું ત્યારે આ બાબત ધ્યાનમાં નહોતી આવી, પણ તેનું કારણ એ હતું કે અમે જર્મનીના સ્ટુટગાર્ટથી શોફહોસેન કારમાં નહિ, પણ ટ્રેનમાં ગયાં હતાં.

રાત્રે સાંભળેલું ઓશોનું પ્રવચન હજી મનમાં જ હતું ત્યાં સવારે આર્થિક દૈનિક Mint માં શેખર ભાટિયાનો એક સરસ લેખ “True-life ‘singles’ from the net” વાંચ્યો. દુનિયાનાં ખ્યાતનામ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો કઈ કઈ વેબસાઈટ પર વાંચે છે એની તેમણે વાત કરી છે. તેમણે ઉલ્લેખ કરેલી એક વેબસાઇટ www.longreads.com માં રસ પડ્યો. અહીં સંગ્રહ થયેલા લેખો ફ્રી વાંચી શકાય છે. વેબસાઇટ પર જઈને જોયું તો રાજકારણથી માંડીને મનોરંજન સહિતની જુદી જુદી કેટેગરીમાં ઘણા લેખો વાંચવા મળે તેમ છે, પણ એક નવી વાત એ જોવા મળી કે દરેક લેખ કેટલી લંબાઈ ધરાવે છે એ દર્શાવતો શબ્દોનો આંકડો આપવા સાથે લેખ કેટલો લાંબો છે તે મિનિટોમાં પણ દર્શાવાયું છે. લેખની લંબાઇ મિનિટમાં દર્શાવાઇ હોય એ કમ સે કમ મેં તો પહેલી વાર જોયું.

Read Full Post »

“ધ ડર્ટી પિક્ચર” પછી એકદમ જ લાઈમ લાઇટમાં આવી ગયેલી વિદ્યા બાલન આજકાલ એવી ઇચ્છા વ્યક્ત કરી રહી છે કે તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા ઇચ્છે છે. ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી કઈ અભિનેત્રીને ન ગમે, પણ લાગે છે કે વિદ્યાનું આ સપનું કદાચ ક્યારેય સાકાર નહિ થઈ શકે.

જીવંત કે દિવંગત વ્યક્તિઓના જીવન પરથી બનતી ફિલ્મ, જેને અંગ્રેજીમાં Biopic કહે છે, તેનું નિર્માણ હોલીવૂડમાં જેટલું સહજ અને સરળ છે એટલું બોલીવૂડમાં નથી. હોલીવૂડમાં હજી હાલમાં જ આવી ત્રણ ફિલ્મો બની ચૂકી છે, જેમાંની એક “ધ આયર્ન લેડી” બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચરના જીવન પર આધારિત છે અને તેમાં થેચરની ભૂમિકા ભજવવા માટે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર મેરિલ સ્ટ્રીપને મળ્યો છે. બીજી ફિલ્મ “જે. એડગર” અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઇના ચીફના હોદ્દા પર લગભગ ૫૦ વર્ષ રહેલા એડગર હુવરના જીવન પરથી બનાવાઇ હતી અને ત્રીજી ફિલ્મ “ધ લેડી” મ્યાંમારમાં માનવ અધિકારો અને લોકશાહી શાસન માટે લડત ચલાવી રહેલાં સૂ કીના જીવન પરથી બનાવાઇ છે.

બોલીવૂડમાં આવી ફિલ્મો નથી બનતી એવું યે નથી. તા. ૨ માર્ચે રીલીઝ થનારી “પાનસિંઘ તોમર” આવી જ એક બાયોપિક છે, પણ બોલીવૂડમાં બોયોપિક બનવાનું પ્રમાણ ઘણું ઓછું છે. એમાંય જો કોઈ રાજકીય વ્યક્તિના જીવન પરથી બાયોપિક બનાવવી હોય તો તો નિર્માતા-દિગ્દર્શકને ભગવાન બચાવે એવી તેની હાલત થઈ જાય. તેને કારણે હોલીવૂડમાં અનેક મહાનુભાવોના જીવન પરથી અસંખ્ય ફિલ્મો બની ચૂકી છે, પણ બોલીવૂડમાં એ સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે.

અહીં મોટા ભાગે તો આવી ફિલ્મો બનાવવા ઇચ્છતા ફિલ્મકારો વચલો રસ્તો કાઢીને કોઈ વ્યક્તિના જીવન પરથી પ્રેરણા લઈને તેને કલ્પનાના વાઘા પહેરાવી ફિલ્મો બનાવે છે.  સિલ્ક સ્મિતાના જીવન પરથી પ્રેરિત ગણાતી  “ધ ડર્ટી પિકચર” પણ તેનું ઉદાહરણ છે, અને સ્વ. ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરિત ગણાતી “ગુરુ” પણ તેનું ઉદાહરણ છે.

આ કારણે જ વિદ્યા બાલન જ્યારે એવી ઇચ્છા વ્યક્ત કરતી હોય કે તેને ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવી છે તો તે લગભગ તો અશક્ય બની રહે છે. એમાંય હવે જ્યારે તે “ધ ડર્ટી પિકચર”માં કામ કરી ચૂકી છે એ પછી તો એ ભાગ્યે જ શક્ય બની શકે તેમ છે. જો એવું ન હોત તો “ઇન્દિરા ગાંધી – ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની” ફિલ્મ પાંચ-સાત વર્ષ પહેલાં રીલીઝ પણ થઈ ગઈ હોત. એ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે મનીષા કોઇરાલાની પસંદગી કરાઇ હતી. મહારાની પદ્મિનીદેવી પ્રતિષ્ઠાન વતી નીતિન કેની નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન એન. ચંદ્રા કરવાના હતા. પટકથા કમલેશ્વરે લખી હતી. ઇન્દિરા ગાંધીના ગેટ-અપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થઈ ચૂકી હતી અને  ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારી હતી ત્યાં એક ઇન્દિરાભક્ત કોંગ્રેસી કાર્યકરે ફિલ્મનું નિર્માણ અટકાવવા રીટ કરી દીધી. કારણ એ હતું કે મનીષાએ “માર્કેટ” નામની એક ફિલ્મમાં વેશ્યાની ભૂમિકા ભજવી હતી. વેશ્યાની ભૂમિકા ભજવનાર ઇન્દિરા ગાંધીની ભૂમિકા કઈ રીતે ભજવી શકે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, પણ અંતે પ્રોજેક્ટનું પડીકું વાળી દેવાયું.

બાય ધ વે, સોનિયા ગાંધીના જીવન પરથી “સોનિયા સોનિયા” નામની એક ફિલ્મ પણ અટવાયેલી પડી છે. તેમાં સોનિયા જેવો લૂક ધરાવતી પૂર્વા પરાગ નામની અભિનેત્રીએ સોનિયાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માટે સોનિયા ગાંધીની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. થોડા સમય પહેલાં અવસાન પામેલા ફિલ્મકાર જગમોહન મુંદ્રા પણ સોનિયાના જીવન પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા, પણ તેમને મંજૂરી અપાઇ નહોતી.

હોલીવૂડમાં તો અસંખ્ય બાયોપિક બની ચૂકી છે, પણ વાતનું સમાપન “W.” સાથે કરીએ. આ ફિલ્મ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશના જીવન પરથી બનાવાઇ છે.તેમાં બુશના વિવાદાસ્પદ વ્યક્તિત્વનું નિરુપણ કરાયું છે. આ ફિલ્મમાં એવું ધણું છે, જે બુશને નહોતું ગમ્યું. ૨૦૦૮માં આ ફિલ્મનું નિર્માણ થયું ત્યારે બુશ સત્તા પર હતા, પણ તેને રીલીઝ થતી રોકાઇ નહોતી.

 

Read Full Post »

2012

“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમયમાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા પણ કહે છે)ના કેલેન્ડરનું ૧૩મું ચક્ર ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે અને તે સંદર્ભે જે આગાહી કરાઇ છે તે મુજબ તે દિવસે દુનિયાનો અંત આવશે જ એવું માનીને ગ્વાટેમાલામાં લાખો લોકો આપઘાત કરી લે છે. ખરેખર આગાહી સાચી પડશે કે કેમ તે જાણવા માટે IHC નામના એક ગુપ્ત સંગઠનની સ્થાપના કરવામાં આવે છે. આ સંગઠન પણ એવો અહેવાલ આપે છે કે દુનિયાનો અંત આવી જશે. હવે દુનિયાભરના દેશોની સરકારો માનવજાતને બચાવી લેવાનું અતિ મુશ્કેલ કામ IHCને સોંપે છે. ૨૦૧૨ સુધીમાં ગમે તેમ કરીને દુનિયાને બચાવી લેવાના પ્લાન શરૂ થાય છે, પણ શું એ શક્ય બની શકશે ખરું? અંતે શું થાય છે તે ફિલ્મમાં જ જોવાનું રહ્યું. દિગ્દર્શ્ક રોનાલ્ડ એમેરિચની આ ફિલ્મ ખાસ્સી આતુરતા જગાવી ચૂકી છે.

ફિલ્મ “૨૦૧૨” તો જોવા મળે ત્યારે ખરી, પણ એ પહેલાં ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે એ આગાહીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી “નોસ્ટ્રાડામસ ૨૦૧૨” (Nostradamus 2012)જોઇ નાખી. આ એક દસ્તાવેજી ફિલ્મ છે અને ૨૦૧૨ માટે નોસ્ટ્રાડામસે કરેલી આગાહીઓ પર આધારિત છે. ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે તે સંદર્ભે નોસ્ટ્રાડામસે શું કહ્યું છે, અને શા માટે માનવજાતનું નિકંદન નીકળી જશે તેનાં તેણે શું કારણો આપ્યાં છે, અને નોસ્ટ્રાડામસની હંમેશાં ગૂઢ અને રહસ્યમય ગણાતી રહેલી આગાહીઓનું અર્થઘટન કરવામાં નિષ્ણાતો તે અંગે શું કહે છે તે ખૂબ જ વિસ્તૃત રીતે આ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવાયું છે.

દુનિયામાં જ્યારે પણ ક્યાંય યુદ્ધ જેવી માનવસર્જિત કે ભૂકંપ જેવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે નોસ્ટ્રાડામસે એ મુજબની આગાહીઓ કરી હોવાના લેખો લખાવા માંડતા હોય છે. નોસ્ટ્રાડામસ આમ તો એક સીધોસાદો ફ્રેન્ચ તબીબ હતો.  પોતે કંઇક અસામાન્ય શક્તિઓ ધરાવે છે એ જાણ તેને જિંદગીની મધ્ય વયે થઈ હતી. બંને વિશ્વયુદ્ધો,  કેનેડીની હત્યાથી માડીને અંતરીક્ષમાં સિદ્ધિઓ વગેરેની હત્યાથી તેણે ૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તેની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે. જોકે ૧૯૯૯માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવી તેની આગાહી સાચી પડી નથી.

nostradamus2012

નોસ્ટ્રાડામસના જીવન પરથી “ધ મેન હૂ સો ટુમોરો” (The Man Who Saw Tomorrow) ફિલ્મ ૧૯૮૧માં બની હતી તે પણ જોવા જેવી છે. ૨૦૧૨નું વર્ષ નજીક આવશે તેમ તેમ નોસ્ટ્રાડામસની ઓર ચર્ચાસ્પદ બનતી રહેશે એમાં કોઇ શંકા નથી.

Read Full Post »

હિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…

***

એક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે આગ્રહ કર્યો, “આપ અંદર પધારો અને ભોજન કરો.”

સંતોએ પૂછ્યું, “તમારા પતિ ઘરમાં છે?”

તેણે કહ્યું, “ના, તે બહાર ગયા છે.”

“તો અમે અત્યારે નહિ આવી શકીએ. તે જ્યારે ઘેર હશે ત્યારે આવીશું”. સંતોએ કહ્યું.

સાંજે તેનો પતિ ઘેર આવ્યો ત્યારે સ્ત્રીએ તેને બધી વાત કરી. તેના પતિએ કહ્યું, “જઈને એમને કહે કે હું ઘેર આવી ગયો છું અને તેમને માનભેર બોલાવી લાવ.”

સ્ત્રી બહાર ગઈ અને તેમને અંદર આવવા કહ્યું.

સંત બોલ્યા, “અમે એકસાથે કોઇના ઘરમાં નથી જતા.”

“એવું કેમ?” સ્ત્રીએ પૂછ્યું.

તેમાંથી એક સંતે કહ્યું, “મારું નામ ધન છે.” પછી બીજા સંતો તરફ ઇશારો કર્યો, “આ બંનેનું નામ સફળતા અને પ્રેમ છે. અમારામાંથી કોઇ એક જ અંદર આવી શકે. તમારા પતિ સાથે વાત કરીને નક્કી કરી લો કે કોને અંદર બોલાવવા છે!”

સ્ત્રીએ અંદર જઈને પતિને બધી વાત કરી. એ બહુ ખુશ થયો. તેણે કહ્યું, “જો એવું જ હોય તો આપણે ધનને આમંત્રિત કરવો જોઇએ. આપણું ઘર ખુશીઓથી ભરાઇ જશે.”

પણ પત્નીએ કહ્યું, “મને લાગે છે કે આપણે સફળતાને બોલાવીએ.”

બીજા ઓરડામાં બેઠેલી તેમની દીકરી પણ આ સાંભળતી હતી. તેણે આવીને કહ્યું, “મને લાગે છે આપણે પ્રેમને બોલાવવો જોઇએ. પ્રેમથી ઉમદા બીજું કંઇ નથી.”

“તું ખરું કહે છે, આપણે પ્રેમને જ બોલાવવો જોઇએ.” તેનાં માતા-પિતાએ કહ્યું.

સ્ત્રી બહાર ગઈ અને તેણે સંતોને પૂછ્યું, “તમારામાંથી જેનું નામ પ્રેમ છે તેઓ મહેરબાની કરીને અંદર આવે.”

પ્રેમે ઘર તરફ ડગલાં માંડ્યાં એટલે બીજા બે સંત પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. સ્ત્રીએ આશ્ચર્યથી તેમને પૂછ્યું, “મેં તો માત્ર પ્રેમની આવવા કહ્યું છે. તમે બંને કેમ આવી રહ્યા છો?”

“જો તમે ધન અને સફળતામાંથી કોઇ એકને આમંત્રણ આપ્યું હોત તો એકલો એ જ અંદર જાત, પણ તમે પ્રેમને બોલાવ્યો છે. પ્રેમ કદી એકલો નથી જતો. પ્રેમ જ્યાં જાય છે, ધન અને સફળતા તેની પાછળ જાય છે.” ધન નામના સંતનો આ જવાબ હતો.

Read Full Post »

સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર

સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર

જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ અર્થ જ નથી, પણ જે કેટલીક બાબતોને લઈને સતત મનોમન સરખામણી થતી રહે તે છે લોકોની સ્વચ્છતા જાળવવા પ્રત્યેની જાગૃતિ, ટ્રાફિક વગેરેના નિયમોના પાલનમાં ડિસિપ્લિન અને ખાસ તો લોકોની બેઝિક પ્રામાણિકતા.

આપણે ભલે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના ઢોલ પીટતા રહીએ, અને એના માટે આપણે ગૌરવ લેવું જોઇએ એમાં પણ બેમત નથી, પણ ઉપર્યુક્ત સહિતની કેટલીક એવી બાબતો છે, જેના અંગે આપણે બહુ ગૌરવ લઈ શકીએ તેમ નથી. આ બધી બાબતોના પાલનમાં ત્યાં કોઇ કશી ચૂક નથી કરતું એવું કહેવાનો કોઇ આશય નથી, પણ ત્યાં એ પ્રમાણ કદાચ એટલું ઓછું છે કે તે દેખાઇ આવતું નથી.

જર્મનીથી આવ્યા પછી પહેલી વાર એક મોલમાં જવાનું થયું. પત્ની પાસે પર્સ હતું.  સુરક્ષાકર્મીએ પર્સને એક બેગમાંમુકાવ્યા પછી એ બેગને સીલ કરીને આપી. આવે સમયે જર્મની યાદ આવે જ. ત્યાં મોલ કે સુપર માર્કેટમાં જઈએ ત્યારે સાથે ગમે તેટલા થેલા-થેલી હોય, સાથે જ રાખવાનાં. બહાર ક્યાંય જમા કરાવવાની કડાકૂટ નહિ. એક સ્ટોરમાંથી કંઇ ખરીદી કરી હોય તે પણ સાથી રાખવામાં કોઇને વાંધો  નહિ. બહાર નીકળતી વખતે ક્યાંય કશું ચેકિંગ નહિ, કંઇ નહિ. આનો અર્થ એવો પણ નથી કે ત્યાં રામરાજ્ય છે. શોપ-લિફ્ટર્સને પકડી પાડવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે, અને એવા લોકો પકડાતા પણ હોય છે, પણ તે છતાં સ્ટોરમાં આવશે તે દરેક માણસ ચોરી કરી જશે એવું માનીને તેમની પાસેનાં પર્સ કે બેગ બહાર મુકાવી દેવાતાં નથી.

જર્મનીમાં જાણ્યું કે ત્યાં ટ્રેનો અને બસો વગેરેમાં જે લોકો પોતાની કોઇ ચીજવસ્તુઓ ભૂલી ગયા હોય તે કોઇને મળે તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવી દે. ત્યાંથી એ વસ્તુ પરત મળી જાય. લોકોનાં લેપટોપ પણ આ રીતે પરત મળ્યાના દાખલા છે. આપણે ત્યાં પણ લોકોની પ્રામાણિકતા સાવ મરી પરવારી છે એવું તો કહી શકાય તેમ છે જ નહિ. ફરક કદાચ એ છે કે આવી કોઇ ઘટના બને છે ત્યારે એ છાપાના સમાચાર બની જાય એવી જવલ્લે બનતી ઘટના બની ગઈ છે.

બાકી ગઠિયાઓ તો બધે જ હોવાના. જર્મનીમાં એક મહિના  દરમ્યાન એવો કોઇ ખાસ અનુભવ નથી થયો, પણ કહે છે કે ઇટાલી સહિત યુરોપના કેટલાક દેશોમાં બહુ સાચવવું પડતું હોય છે…

Read Full Post »

હવે ટીવી બહુ જોવાનું થતું નથી. ટીવી પર જે કંઇ આવે છે તે બધું ખરાબ આવે છે એવું નથી, પણ જે સારું આવે છે તે શોધવા જેટલો સમય નથી. મોટા ભાગે ફિલ્મો જોવાનું બને છે, તેમ છતાં સૂતા પહેલાં ચેનલ સર્ફિંગ કરવાની ટેવ હજી છૂટી નથી. ટીવી પર ૩ જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે, The First Ladies with Abu Sandeep. “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” એ આ કાર્યક્રમ પાછળનો મૂળ આઇડિયા છે.

અબુ જાની અને સંદીપ ખોસલા ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે બહુ જાણીતું નામ છે. દેશમાં વિવિધ ક્ષેત્રે સફળ થયેલા ૧૨ પુરુષોની સફ્ળતામાં તેમની પત્નીઓની ભૂમિકા કેવી રહી તે વાત આ ટોક-શોમાં એ ૧૨ મહિલાઓ પોતે કરશે. આ ૧૨ મહિલાઓ છે નીતા અંબાણી (મુકેશ અંબાણી), જયા બચ્ચન (અમિતાભ બચ્ચન), નીરજા બિરલા (કુમાર મંગલમ બિરલા), ગૌરી ખાન (શાહરુખ ખાન), ઉષા મિત્તલ (લક્ષ્મી મિત્તલ), સુઝાન રોશન (રિતિક રોશન),  અધુના અખ્તર (ફરહાન અખ્તર), અનુપમા ચોપરા (વિધુ વિનોદ ચોપરા), તાન્યા દેઓલ (બોબી દેઓલ),  કિરણ ખેર (અનુપમ ખેર) અને પદ્મિની દેવી (ભવાનીસિંહ).  આમ તો સફળ પુરુષની પાછળ રહેલી સ્ત્રી પત્ની પણ હોઇ શકે અને મા, બહેન, દીકરી કે મિત્ર પણ હોઇ શકે, પણ આ કાર્યક્રમમાં માત્ર પત્નીઓને સ્થાન અપાયું છે. આશા રાખીએ કે આ કાર્યક્રમની જો બીજી સીઝન બને તો પત્ની સિવાયની સ્ત્રીઓનો પણ સમાવેશ થશે અને માત્ર ફિલ્મી દુનિયા કે ઉદ્યોગ જગત સિવાયનાં ક્ષેત્રોમાં સફળ થયેલા પુરુષોની પત્નીઓનો પણ સમાવેશ થશે. આમ પણ જો પહેલી સીઝન માટે માત્ર ૧૨ પુરુષો પસંદ કરવાના હોય તો કમ સે કમ બોબી દેઓલનો તો તેમાં ન જ થાય. આ ૧૨ મહિલાઓની યાદીમાં જે એક નામ બાકી રહ્યું છે તે માન્યતા દત્ત, સંજય દત્તની વર્તમાન પત્ની. સંજય જે સંઘર્ષ કરતો રહ્યો છે, જે સહન  કરતો રહ્યો છે અને જે વિપરીત સ્થિતિમાં રહીને સફળ થતો રહ્યો છે, તેમાં માન્યતા દત્તની કોઇ ભૂમિકા હોઇ શકે ખરી?

BTW,  “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” એ સંદર્ભે એક પુસ્તકની વાત. તેનું શીર્ષક છે Beside Every Successful Man. લેખિકા છે પત્રકાર અને પ્રસારણ માધ્યમોની સમીક્ષક Megan Basham. આ પુસ્તકમાં મેગને કેટલીક એવી ચોંકાવનારી વાતો કરી છે જે કરિયરને મહત્ત્વ આપતી સ્ત્રીઓને કદાચ ન ગમે. તે કહે છે કે આજની સ્ત્રી કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે, પણ બેવડી કમાણીથી ઘર ચલાવવાની વિવશતાને કારણે તે કામ કરતા રહેવા માટે મજબૂર હોય છે.

મેગનના કહેવા મુજબ તેના દેશમાં થયેલાં મોટા ભાગનાં સર્વેક્ષણો એવું જ કહે છે કે હવે વધુ ને વધુ મહિલાઓ પોતાના જીવનનાં શ્રેષ્ઠ વર્ષો ઘર અને બાળકો માટે ઉપયોગમાં લેવા ઇચ્છે છે.  મેગન કહે છે એવું જ જો  હોય તો એક પ્રશ્ન એ ઊભો થાય કે શું સ્ત્રીઓ ભણીગણીને કંઇ કામ ન કરે? પોતાના ગ્નાન, પ્રતિભા, યોગ્યતા એ બધાનું પોટલું વાળીને અભરાઇએ ચઢાવી દે? અને જો તે એવું કરી પણ દે તો દિવસોદિવસ વધતી જતી આર્થિક જરુરિયાતોને કઈ રીતે પહોંચી વળી શકાય? જવાબમાં મેગન જે કહે છે તેની સાથે કેટલી મહિલાઓ સહમત થાય એ પ્રશ્ન છે જ. મેગન  કહે છે, “શિક્ષિત, પ્રતિભાસંપન્ન અને દક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના પતિના કરિયરના  ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી ન તો તેની યોગ્યતાઓ બિનઉપયોગી રહેશે કે ન તો તેમને કંઇ ન કરતા રહેવાનો અફસોસ રહેશે. કામના મોરચા પર પતિની સફળતામાં સહયોગી બનીને સ્ત્રી કંઇ પણ ખોયા વિના બધું જ પ્રાપ્ત કરી શકે છે. આજની સ્ત્રીને મેગન સલાહ આપે છે કે તે સિંગલ સ્ટાર બની રહેવાને બદલે મજબૂત ટીમની સભ્ય બને. અને આ જ કારણે તેમણે પુસ્તકના શીર્ષકમાં Behind ને બદલે Beside શબ્દનો ઉપયોગ કર્યો છે…

Read Full Post »

ભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને હાથનો મેલ ગણાવ્યો છે કે કહેવતમાં એવું કહેવાયું છે, પણ કેટલાક મહાનુભાવોએ પૈસા વિષે શું કહ્યું છે તે મજા પડે તેવું છે.

* પૈસા કંઇ પણ કરી શકે છે એવી માન્યતા ધરાવતો હોય એ માણસ પૈસા માટે થઈને બધું જ કરી છૂટતો હશે એવી શંકા થાય. – બેન્જામિન ફ્રેન્કલિન

* ઇશ્વર પૈસા વિષે શું વિચારતો હશે એ જાણવું હોય તો જે લોકોને તેણે પૈસા આપ્યા છે એ લોકોને જોઇ લો. – ડોરોથી પાર્કર

* પૈસા વિષે કંઇ ન વિચારવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે તમારી પાસે ઘણાબધા હોવા જોઇએ. – એડિથ વ્હોરટન

* પૈસાનો અભાવ જ તમામ પાપોનું મૂળ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો

* પૈસાને તમારો ભગવાન બનાવો અને તે શેતાનની જેમ તમને ભરડો લેશે. – હેનરી ફીલ્ડિંગ   

* જો તમે તમારા પૈસાને ગણી શકતા હો તો તમે અબજોપતિ નથી. – જો પોલ ગેટ્ટી

* મારી પાસે જિંદગીભર ચાલે એટલા પૈસા છે, સિવાય કે હું કંઇ ખરીદું. – જેકી મેશન

* તમારાં બાળકો પૈસા અંગે કંઇ શીખી શકે તેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે તમારી પાસે તે ન હોય. – કેથરિન વ્હાઇટહોર્ન

* પૈસા સુખ નથી ખરીદી શકતા તો ગરીબાઇનું પણ એવું જ છે. – લિયો રોસ્ટ

* પૈસા મિત્રો નથી ખરીદી શકતા, પણ તે તમને સારી જાતના દુશ્મનો મેળવી આપે છે. – સ્પાઇક મિલિગન

* પૈસા એ છઠ્ઠી ઇન્દ્રિય જેવા છે. એના વિના તમે બાકીની પાંચનો પણ પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. – સમરસેટ મોમ

* આર્થિક કારણોસર પણ ગરીબાઇ હોવી એના કરતાં પૈસા હોવા સારા. – વૂડી એલન

* સમય પૈસા કરતાં વધુ કિંમતી છે. તમે વધૂ પૈસા મેળવી શકો છો, પણ વધુ સમય મેળવી શકતા નથી. – જિમ રહોન
* પૈસાથી સુખ ખરીદી શકાતું નથી એવું જેણે કહ્યું છે એને બિચારાને ખબર નથી કે શોપિંગ કરવા ક્યાં જવું. – બો ડેરેક
* પૈસાની તમારે ઘણી વાર ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે. – રાલ્ફ વાલ્ડો એમર્સન
* પૈસા વડે તમે ઉમદા કૂતરો તો ખરીદી શકશો, પણ તેને પૂંછડી પટપટાવતો કરવા તો પ્રેમની જ જરૂર પડવાની. – રિચાર્ડ ફ્રાઈડમેન
* ઘણા બધા પૈસા સાથે મારે ગરીબની જેમ રહેવું છે. – પાબ્લો પિકાસો
* પૈસા માથાનો દુખાવો છે, અને પૈસા જ તેનો ઉપચાર છે. – એવરેટ મેમોર
* સવાલ પૈસાનો હોય ત્યારે બધાનો ધર્મ એક જ હોય છે. – વોલ્તેર
* હું નાનો હતો ત્યારે એમ વિચારતો કે પૈસા જ જિંદગીમાં સૌથી મહત્ત્વની ચીજ છે. હવે હું ઘરડો થયો છું ત્યારે હું જાણું છું કે એ વાત સાચી છે. – ઓસ્કર વાઇલ્ડ
… અને અંતે,
આપણી એક જૂની કહેવત છે, “પૈસા ઝાડ પર નથી ઊગતા.”

Read Full Post »

૨૦૦૨માં “એક છોટી સી લવસ્ટોરી” ફિલ્મ આવી હતી. પોતાની દાદી સાથે રહેતો એક કિશોર દૂરબીનમાંથી સામા ફ્લેટમાં રહેતી એક યુવતીને જોયા કરે છે અને તેને મનોમન પ્રેમ કરવા માંડે છે એવી તેની વાર્તા હતી. ફિલ્મનું દિગ્દર્શન શશિલાલ નાયરે કર્યું હતું. મુખ્ય ભૂમિકા મનીષા કોઇરાલાએ ભજવી હતી. આ ફિલ્મ રજૂ થઈ તે પહેલાં વિવાદોમાં સપડાઇ હતી. સૌ પહેલાં મનીષા કોઇરાલાએ એવો વાંધો ઉઠાવ્યો હતો કે ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં તેની “બોડી ડબલ”નો ઉપયોગ તેની જાણ બહાર કરીને એવાં દૃશ્યો ફિલ્મમાં સમાવાયાં છે કે જો આ ફિલ્મ રીલીઝ થાય તો પોતાની ઇમેજને નુકસાન થાય તેમ છે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તેમાં સમાધાન થયા પછી ફિલ્મ રીલીઝ થઈ શકી હતી. મનીષાએ જે વિવાદ ખડો કર્યો હતો તે ફિલ્મના પ્રચાર માટેનો જો પબ્લિસિટી સ્ટંટ હોય તો તે સફળ થયો નહોતો કારણ કે આવા બોલ્ડ વિષય છતાં ફિલ્મને એવી કોઇ સફળતા મળી નહોતી.

આ ફિલ્મે એક બીજો વિવાસ પણ જગાવ્યો હતો. તેમાં પણ નિમિત્ત મનીષા કોઇરાલા હતી. ઇન્દિરા ગાંધીના જીવન પરથી “ઇન્દિરા” નામની એક ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે મનીષાની પસંદગી થઈ હતી. તેની સામે કેટલાક કોંગ્રેસીઓએ વાંધો લીધો હતો કે મનીષાએ “એક છોટી સી લવસ્ટોરી”માં જે પ્રકારની ભૂમિકા ભજવી છે તે પછી જો તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવે તો ઇન્દિરાની ઇમેજને બટ્ટો લાગે. આ મામલો પણ કોર્ટમાં ગયો હતો અને અંતે ફિલ્મ “ઇન્દિરા”ની યોજના જ પડતી મુકાઇ હતી.

“એક છોટી સી લવસ્ટોરી” યાદ આવવાનું કારણ એ કે બે દિવસ પહેલાં એક ઇટાલિયન ફિલ્મ “મેલિના” (Malena) જોવા મળી ગઈ. ફિલ્મ શરૂ થયાની પાંચ જ મિનિટમાં ખ્યાલ આવી ગયો કે શશિલાલ નાયરને “એક છોટી સી લવસ્ટોરી”નો આઇડિયા ૨૦૦૦માં બનેલી “મેલિના” (Dir. Giuseppe Tornatore) પરથી મળ્યો છે. પણ આખી ફિલ્મ જોયા પછી લાગ્યું કે જો “મેલિના”ને ૧૦૦ માર્ક્સ આપીએ તો તેની સરખામણીમાં “એક છોટી સી લવસ્ટોરી”ને વધુમાં વધુ ૧૦થી ૧૫ માર્ક્સ મળે.

શશિલાલ નાયરે “એક છોટી સી લવસ્ટોરી”ને વધુ તો આ વિષયમાં વધુ ઊંડા ઊતર્યા વિના એક ચોક્કસ વર્ગના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી હોવાનું દેખાઇ આવતું હતું જ્યારે “મેલિના”માં તો દિગ્દર્શકે એક કાંકરે ઘણાં પક્ષીઓ પર નિશાન તાક્યાં હતાં. સૌ પહેલાં તો ફિલ્મની કથા બીજા વિશ્વયુદ્ધના સમયે આકાર લે છે. હિટલરને પડખે રહેલા મુસોલિનીએ ઇટાલીને ફાસીવાદનું સ્વર્ગ બનાવી દેતાં દેશની હાલત એક બદતર વેશ્યા જેવી થઈ ગઈ હતી. ત્યાંના સમાજજીવન પર તેની અસર જોઇ શકાતી હતી.

ઇટાલીના સિસિલીના એક નાનકડા ગામમાં “મેલિના”ની કથા આકાર લે છે. મેલિના અત્યંત સ્વરૂપવાન છે. તેનો પતિ યુદ્ધમાં ગયો છે. તે એટલી સુંદર છે કે લે જ્યારે બજારમાં નીકળે ત્યારે તેની સ્ક ઝલક જોવા કિશોરોથી માંડીને પુરુષો પોતાનાં કામધંધા છોડીને બહાર આવી જાય. એક કિશોર રેનેતો (Giuseppe Sulfaro) તો મેલિનાનું સૌંદર્ય જોઇને એવો અભિભૂત થઈ જાય છે કે પછી તો મેલિના તેની સ્વપ્નસુંદરી બની જાય છે. સૂતાં-જાગતાં તે તેના કલ્પનાના ઘોડાઓને છુટ્ટા મૂકી દે છે. ગામમાં પુરુષો મેલિના વિષે ગંદી વાતો કરે અને સ્ત્રીઓ મેલિનાની કૂથલી કર્યા કરે તે રેનેતોને જરાય ન ગમે. કોઇનું કંઇક તોડીફોડીને કે કોઇક્ના પર પથરો ફેંકીને તે પોતાનો ગુસ્સો કાઢી લેતો. મેલિનાનો પતિ યુદ્ધમાં મરી જવાથી માંડીને બીજી ઘણી રસપ્રદ ઘટનાઓ ફિલ્મમાં બને છે, જે માત્ર એક કિશોરના એક સુંદરી તરફના આકર્ષણ કરતાં વાતને ઘણી આગળ લઈ જાય છે. મેલિનાની ભૂમિકા વિશ્વની સુંદરતમ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી મોનિકા બેલુશી (Monica Bellucci)એ ભજવી છે. વધુ રસપ્રદ વાત એ છે કે આખી ફિલ્મમાં મોનિકા બેચાર વાક્યો જ બોલે છે. પડદા પર તે માત્ર આવનજાવન કરતી અને પોતાના ઘરમાં તથા રેનેતોના કલ્પનાજગતમાં વિહરતી જ જોવા મળે છે. પડદા પર તેને ગજબની ખૂબસૂરત રીતે રજૂ કરાઇ છે.

“એક છોટી સી લવસ્ટોરી” અને “મેલિના”નું બીજું પણ એક રસપ્રદ સામ્ય છે. “એક છોટી સી લવસ્ટોરી”ની નાયિકા મનીષા કોઇરાલાની પસંદગી ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે થઈ હતી, તો “મેલિના”ની નાયિકા મોનિકા બેલુશીની પસંદગી ફિલ્મકાર જગમોહન મુંદ્રાએ સોનિયાગાંધીના જીવન પરથી બનનારી ફિલ્મમાં સોનિયાની ભૂમિકા માટે કરી હતી, પણ આ ફિલ્મ માટે સોનિયા ગાંધીએ હજી લીલી ઝંડી આપી નથી. આ ફિલ્મ માટે સોનિયા રાજી થાય એવી શક્યતા ઓછી છે પણ જો બને અને મોનિકા બેલુશી એ ભૂમિકા ભજવે તો કોંગ્રેસીઓ શું કરે એ જોવા જેવી થાય.

Read Full Post »

આઈપીએલનો જ્વર તેની ચરમસીમાએ છે. બીસીસીઆઈએ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સફળતા તેને મળી રહી છે. આઇસીએલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે એમ જે કહેવાય છે તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. ક્રિકેટરોને એટલા રૂપિયા મળ્યા છે કે તેમને બખ્ખા થઈ ગયા છે. તેમાં કેટલાક નિવૃત્ત ક્રિકેટરોને પણ લોટરી લાગી ગઈ છે. કુલ આઠ ટીમ છે અને દરેક ટીમમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ વગેરે દેશોના ખેલાડીઓ છે. આ વિવિધ દેશોના ખેલાડીઓ એક જ ટીમ માટે રમતા હોય એ જોવાની તો મઝા આવે જ છે. તેને કારણે આ ખેલાડીઓ વચ્ચે વધુ આત્મીયતા બંધાશે એ પણ માની શકાય તેમ છે, પણ આ ચળકતા સિક્કાની બીજી બાજુ પણ છે…  

વિવિધ શહેરો માટે આઈપીએલની ટીમો રચાઈ હતી ત્યારે કોઈએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આઈપીએલને કારણે પ્રાંતવાદને વધુ ઉત્તેજન મળશે. હવે લાગે છે કે આ વાતમાં પણ તથ્ય તો છે જ. તા. ૧૬મીએ દિલ્હી ડેરડેવિલ્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચેની મેચમાં જે બન્યું તેનો જ દાખલો લઈએ તો બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા દિલ્હીના કેપ્ટન સેહવાગ પર કોઈએ પથ્થર ફેંક્યો હતો, કારણ કે દિલ્હીમાં રમાઈ રહેલી એ મેચમાં હૈદરાબાદની ટીમ હારી જાય એવી સંભાવના હતી. આ પહેલાં પણ બીજી એક મેચમાં સેહવાગે ધૂંઆધાર રમીને સદી કરી ત્યારે તેને બિરદાવતી તાળીઓ કોઈએ પાડી નહિ, કારણ કે એ સેહવાગનું હોમ ગ્રાઉન્ડ નહોતું.

અત્યાર સુધી આપણે એવી ક્રિકેટ જોતા આવ્યા છીએ, જેમાં ભારતીય ટીમ કોઈ બીજા દેશની ટીમ સામે રમતી હોય, પણ આઈપીએલે એ ચિત્ર બદલી નાખ્યું છે. હવે દિલ્હીનો ખેલાડી કોલકાતામાં અને કોલકાતાનો ખેલાડી મુંબઈમાં “બહારનો” ખેલાડી બની ગયો છે. હવે એ સમજાતું નથી કે ગાંગુલીની ટીમ જીતે તો રાજી થવું કે સચીનની ટીમ જીતે તો રાજી થવું! ગાંગુલીની ટીમ જીતી જાય તે માટે પાકિસ્તાનનો શોએબ અખ્તર ભારતના સચીનને ઝડપથી આઉટ કરી દે એવી આશા રાખવી?

સિક્કાની આ બીજી બાજુ એક પ્રશ્ન ખડો કરે છે તે એ કે આપણે એટલા પરિપક્વ થઈ ગયા છીએ ખરા કે રમતને માત્ર રમત તરીકે જ જોઈ શકીએ?

 

Read Full Post »

ટેનિસની નંબર વન ખેલાડી જસ્ટિન હેનિને એ કરી દેખાડ્યું છે. ફ્રેન્ચ ઓપનની લાલ માટીવાળા કોર્ટ પર સતત વિજય મેળવવા સાથે તેણે કુલ ચાર વાર આ ટુર્નામેન્ટ જીતી છે, અને આ વખતે પણ તે હોટ ફેવરિટ હતી તે છતાં આ ટુર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કરીને હેનિને ટેનિસ જગતને સ્તબ્ધ કરી દીધું છે.

કોઈ પણ ક્ષેત્રમાં માણસ ટોચ પર હોય ત્યારે તેને છોડવાનો નિર્ણય કેટલો મુશ્કેલ હોઈ શકે એ હેનિન સિવાય અત્યારે કોઈ નહિ સમજી શકતું હોય. માત્ર રમતના ક્ષેત્રની જ વાત કરીએ તો આપણા દેશમાં આપણે એવા કેટલાય ખેલાડીઓ જોયા છે જેઓ સ્વેચ્છાએ વિવૃત્તિ જાહેર કરે તેની રાહ જોવાતી હોય અથવા તો તેમને ધરાર નિવૃત કરી દેવા પડ્યા હોય.

હેનિન કહે છે કે હવે તે પોતાને મનગમતી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરીને આરામની જિંદગી જીવવા ઈચ્છે છે. ટેનિસ કોર્ટ પર દબદબો જાળવી રાખવામાં હવે તેને કોઈ રસ રહ્યો નથી. લગભગ એક સો વર્ષથી વધુ જૂના ટેનિસના ઈતિહાસમાં WTA રેન્કિંગમાં નંબર વન પર રહીને નિવૃત્તિ જાહેર કરનારી હેનિન પ્રથમ ખેલાડી છે. તા. ૨૫ મેથી ફ્રેન્ચ ઓપન શરૂ થઈ રહી છે તે પહેલાં જ નિવૃત્તિ જાહેર કરવાનું મહત્ત્વ એ રીતે પણ વધી જાય છે કે હેનિન માત્ર દસ વર્ષની હતી ત્યારે પહેલી વાર તેણે તેની માતા સાથે ફ્રેન્ચ ઓપન જોઈ હતી.

પોતાના ક્ષેત્રે ટોચ પર હોય ત્યારે નિવૃત્તિ લઈ લીધી હોય એવા બીજા પણ કેટલાક ખેલાડીઓ છે, પણ અત્યારે તો ફોકસ હેનિન પર છે. બહુ ઓછા લોકો કરી શકે એ તેણે કરી દેખાડ્યું છે.

Read Full Post »

Older Posts »