Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Thought’

૨૦૦૨માં “એક છોટી સી લવસ્ટોરી” ફિલ્મ આવી હતી. પોતાની દાદી સાથે રહેતો એક કિશોર દૂરબીનમાંથી સામા ફ્લેટમાં રહેતી એક યુવતીને જોયા કરે છે અને તેને મનોમન પ્રેમ કરવા માંડે છે એવી તેની વાર્તા હતી. ફિલ્મનું દિગ્દર્શન શશિલાલ નાયરે કર્યું હતું. મુખ્ય ભૂમિકા મનીષા કોઇરાલાએ ભજવી હતી. આ ફિલ્મ રજૂ થઈ તે પહેલાં વિવાદોમાં સપડાઇ હતી. સૌ પહેલાં મનીષા કોઇરાલાએ એવો વાંધો ઉઠાવ્યો હતો કે ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં તેની “બોડી ડબલ”નો ઉપયોગ તેની જાણ બહાર કરીને એવાં દૃશ્યો ફિલ્મમાં સમાવાયાં છે કે જો આ ફિલ્મ રીલીઝ થાય તો પોતાની ઇમેજને નુકસાન થાય તેમ છે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તેમાં સમાધાન થયા પછી ફિલ્મ રીલીઝ થઈ શકી હતી. મનીષાએ જે વિવાદ ખડો કર્યો હતો તે ફિલ્મના પ્રચાર માટેનો જો પબ્લિસિટી સ્ટંટ હોય તો તે સફળ થયો નહોતો કારણ કે આવા બોલ્ડ વિષય છતાં ફિલ્મને એવી કોઇ સફળતા મળી નહોતી.

આ ફિલ્મે એક બીજો વિવાસ પણ જગાવ્યો હતો. તેમાં પણ નિમિત્ત મનીષા કોઇરાલા હતી. ઇન્દિરા ગાંધીના જીવન પરથી “ઇન્દિરા” નામની એક ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે મનીષાની પસંદગી થઈ હતી. તેની સામે કેટલાક કોંગ્રેસીઓએ વાંધો લીધો હતો કે મનીષાએ “એક છોટી સી લવસ્ટોરી”માં જે પ્રકારની ભૂમિકા ભજવી છે તે પછી જો તે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવે તો ઇન્દિરાની ઇમેજને બટ્ટો લાગે. આ મામલો પણ કોર્ટમાં ગયો હતો અને અંતે ફિલ્મ “ઇન્દિરા”ની યોજના જ પડતી મુકાઇ હતી.

“એક છોટી સી લવસ્ટોરી” યાદ આવવાનું કારણ એ કે બે દિવસ પહેલાં એક ઇટાલિયન ફિલ્મ “મેલિના” (Malena) જોવા મળી ગઈ. ફિલ્મ શરૂ થયાની પાંચ જ મિનિટમાં ખ્યાલ આવી ગયો કે શશિલાલ નાયરને “એક છોટી સી લવસ્ટોરી”નો આઇડિયા ૨૦૦૦માં બનેલી “મેલિના” (Dir. Giuseppe Tornatore) પરથી મળ્યો છે. પણ આખી ફિલ્મ જોયા પછી લાગ્યું કે જો “મેલિના”ને ૧૦૦ માર્ક્સ આપીએ તો તેની સરખામણીમાં “એક છોટી સી લવસ્ટોરી”ને વધુમાં વધુ ૧૦થી ૧૫ માર્ક્સ મળે.

શશિલાલ નાયરે “એક છોટી સી લવસ્ટોરી”ને વધુ તો આ વિષયમાં વધુ ઊંડા ઊતર્યા વિના એક ચોક્કસ વર્ગના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી હોવાનું દેખાઇ આવતું હતું જ્યારે “મેલિના”માં તો દિગ્દર્શકે એક કાંકરે ઘણાં પક્ષીઓ પર નિશાન તાક્યાં હતાં. સૌ પહેલાં તો ફિલ્મની કથા બીજા વિશ્વયુદ્ધના સમયે આકાર લે છે. હિટલરને પડખે રહેલા મુસોલિનીએ ઇટાલીને ફાસીવાદનું સ્વર્ગ બનાવી દેતાં દેશની હાલત એક બદતર વેશ્યા જેવી થઈ ગઈ હતી. ત્યાંના સમાજજીવન પર તેની અસર જોઇ શકાતી હતી.

ઇટાલીના સિસિલીના એક નાનકડા ગામમાં “મેલિના”ની કથા આકાર લે છે. મેલિના અત્યંત સ્વરૂપવાન છે. તેનો પતિ યુદ્ધમાં ગયો છે. તે એટલી સુંદર છે કે લે જ્યારે બજારમાં નીકળે ત્યારે તેની સ્ક ઝલક જોવા કિશોરોથી માંડીને પુરુષો પોતાનાં કામધંધા છોડીને બહાર આવી જાય. એક કિશોર રેનેતો (Giuseppe Sulfaro) તો મેલિનાનું સૌંદર્ય જોઇને એવો અભિભૂત થઈ જાય છે કે પછી તો મેલિના તેની સ્વપ્નસુંદરી બની જાય છે. સૂતાં-જાગતાં તે તેના કલ્પનાના ઘોડાઓને છુટ્ટા મૂકી દે છે. ગામમાં પુરુષો મેલિના વિષે ગંદી વાતો કરે અને સ્ત્રીઓ મેલિનાની કૂથલી કર્યા કરે તે રેનેતોને જરાય ન ગમે. કોઇનું કંઇક તોડીફોડીને કે કોઇક્ના પર પથરો ફેંકીને તે પોતાનો ગુસ્સો કાઢી લેતો. મેલિનાનો પતિ યુદ્ધમાં મરી જવાથી માંડીને બીજી ઘણી રસપ્રદ ઘટનાઓ ફિલ્મમાં બને છે, જે માત્ર એક કિશોરના એક સુંદરી તરફના આકર્ષણ કરતાં વાતને ઘણી આગળ લઈ જાય છે. મેલિનાની ભૂમિકા વિશ્વની સુંદરતમ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી મોનિકા બેલુશી (Monica Bellucci)એ ભજવી છે. વધુ રસપ્રદ વાત એ છે કે આખી ફિલ્મમાં મોનિકા બેચાર વાક્યો જ બોલે છે. પડદા પર તે માત્ર આવનજાવન કરતી અને પોતાના ઘરમાં તથા રેનેતોના કલ્પનાજગતમાં વિહરતી જ જોવા મળે છે. પડદા પર તેને ગજબની ખૂબસૂરત રીતે રજૂ કરાઇ છે.

“એક છોટી સી લવસ્ટોરી” અને “મેલિના”નું બીજું પણ એક રસપ્રદ સામ્ય છે. “એક છોટી સી લવસ્ટોરી”ની નાયિકા મનીષા કોઇરાલાની પસંદગી ઇન્દિરા ગાંધીની ભૂમિકા માટે થઈ હતી, તો “મેલિના”ની નાયિકા મોનિકા બેલુશીની પસંદગી ફિલ્મકાર જગમોહન મુંદ્રાએ સોનિયાગાંધીના જીવન પરથી બનનારી ફિલ્મમાં સોનિયાની ભૂમિકા માટે કરી હતી, પણ આ ફિલ્મ માટે સોનિયા ગાંધીએ હજી લીલી ઝંડી આપી નથી. આ ફિલ્મ માટે સોનિયા રાજી થાય એવી શક્યતા ઓછી છે પણ જો બને અને મોનિકા બેલુશી એ ભૂમિકા ભજવે તો કોંગ્રેસીઓ શું કરે એ જોવા જેવી થાય.

Advertisements

Read Full Post »

આઈપીએલનો જ્વર તેની ચરમસીમાએ છે. બીસીસીઆઈએ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સફળતા તેને મળી રહી છે. આઇસીએલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે એમ જે કહેવાય છે તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. ક્રિકેટરોને એટલા રૂપિયા મળ્યા છે કે તેમને બખ્ખા થઈ ગયા છે. તેમાં કેટલાક નિવૃત્ત ક્રિકેટરોને પણ લોટરી લાગી ગઈ છે. કુલ આઠ ટીમ છે અને દરેક ટીમમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ વગેરે દેશોના ખેલાડીઓ છે. આ વિવિધ દેશોના ખેલાડીઓ એક જ ટીમ માટે રમતા હોય એ જોવાની તો મઝા આવે જ છે. તેને કારણે આ ખેલાડીઓ વચ્ચે વધુ આત્મીયતા બંધાશે એ પણ માની શકાય તેમ છે, પણ આ ચળકતા સિક્કાની બીજી બાજુ પણ છે…  

વિવિધ શહેરો માટે આઈપીએલની ટીમો રચાઈ હતી ત્યારે કોઈએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આઈપીએલને કારણે પ્રાંતવાદને વધુ ઉત્તેજન મળશે. હવે લાગે છે કે આ વાતમાં પણ તથ્ય તો છે જ. તા. ૧૬મીએ દિલ્હી ડેરડેવિલ્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચેની મેચમાં જે બન્યું તેનો જ દાખલો લઈએ તો બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા દિલ્હીના કેપ્ટન સેહવાગ પર કોઈએ પથ્થર ફેંક્યો હતો, કારણ કે દિલ્હીમાં રમાઈ રહેલી એ મેચમાં હૈદરાબાદની ટીમ હારી જાય એવી સંભાવના હતી. આ પહેલાં પણ બીજી એક મેચમાં સેહવાગે ધૂંઆધાર રમીને સદી કરી ત્યારે તેને બિરદાવતી તાળીઓ કોઈએ પાડી નહિ, કારણ કે એ સેહવાગનું હોમ ગ્રાઉન્ડ નહોતું.

અત્યાર સુધી આપણે એવી ક્રિકેટ જોતા આવ્યા છીએ, જેમાં ભારતીય ટીમ કોઈ બીજા દેશની ટીમ સામે રમતી હોય, પણ આઈપીએલે એ ચિત્ર બદલી નાખ્યું છે. હવે દિલ્હીનો ખેલાડી કોલકાતામાં અને કોલકાતાનો ખેલાડી મુંબઈમાં “બહારનો” ખેલાડી બની ગયો છે. હવે એ સમજાતું નથી કે ગાંગુલીની ટીમ જીતે તો રાજી થવું કે સચીનની ટીમ જીતે તો રાજી થવું! ગાંગુલીની ટીમ જીતી જાય તે માટે પાકિસ્તાનનો શોએબ અખ્તર ભારતના સચીનને ઝડપથી આઉટ કરી દે એવી આશા રાખવી?

સિક્કાની આ બીજી બાજુ એક પ્રશ્ન ખડો કરે છે તે એ કે આપણે એટલા પરિપક્વ થઈ ગયા છીએ ખરા કે રમતને માત્ર રમત તરીકે જ જોઈ શકીએ?

 

Read Full Post »

ટેનિસની નંબર વન ખેલાડી જસ્ટિન હેનિને એ કરી દેખાડ્યું છે. ફ્રેન્ચ ઓપનની લાલ માટીવાળા કોર્ટ પર સતત વિજય મેળવવા સાથે તેણે કુલ ચાર વાર આ ટુર્નામેન્ટ જીતી છે, અને આ વખતે પણ તે હોટ ફેવરિટ હતી તે છતાં આ ટુર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કરીને હેનિને ટેનિસ જગતને સ્તબ્ધ કરી દીધું છે.

કોઈ પણ ક્ષેત્રમાં માણસ ટોચ પર હોય ત્યારે તેને છોડવાનો નિર્ણય કેટલો મુશ્કેલ હોઈ શકે એ હેનિન સિવાય અત્યારે કોઈ નહિ સમજી શકતું હોય. માત્ર રમતના ક્ષેત્રની જ વાત કરીએ તો આપણા દેશમાં આપણે એવા કેટલાય ખેલાડીઓ જોયા છે જેઓ સ્વેચ્છાએ વિવૃત્તિ જાહેર કરે તેની રાહ જોવાતી હોય અથવા તો તેમને ધરાર નિવૃત કરી દેવા પડ્યા હોય.

હેનિન કહે છે કે હવે તે પોતાને મનગમતી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરીને આરામની જિંદગી જીવવા ઈચ્છે છે. ટેનિસ કોર્ટ પર દબદબો જાળવી રાખવામાં હવે તેને કોઈ રસ રહ્યો નથી. લગભગ એક સો વર્ષથી વધુ જૂના ટેનિસના ઈતિહાસમાં WTA રેન્કિંગમાં નંબર વન પર રહીને નિવૃત્તિ જાહેર કરનારી હેનિન પ્રથમ ખેલાડી છે. તા. ૨૫ મેથી ફ્રેન્ચ ઓપન શરૂ થઈ રહી છે તે પહેલાં જ નિવૃત્તિ જાહેર કરવાનું મહત્ત્વ એ રીતે પણ વધી જાય છે કે હેનિન માત્ર દસ વર્ષની હતી ત્યારે પહેલી વાર તેણે તેની માતા સાથે ફ્રેન્ચ ઓપન જોઈ હતી.

પોતાના ક્ષેત્રે ટોચ પર હોય ત્યારે નિવૃત્તિ લઈ લીધી હોય એવા બીજા પણ કેટલાક ખેલાડીઓ છે, પણ અત્યારે તો ફોકસ હેનિન પર છે. બહુ ઓછા લોકો કરી શકે એ તેણે કરી દેખાડ્યું છે.

Read Full Post »

ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રિય નકશા પર મૂકી આપનાર કોઈ એક ફિલ્મનું નામ લેવું હોય તો તે સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’ જ હોઈ શકે. છેલ્લા સમાચાર એ છે કે ‘પથેર પાંચાલી’ને રંગીન બનાવાઈ રહી છે. સાપ્તાહિક ‘સ્ક્રીન’ના નવા અંકમાં જે વિગતો છે તે પ્રમાણે જેણે ‘મુગલે આઝમ’ અને ‘નયા દૌર’ને રંગીન બનાવી હતી તે મુંબઈની સંક્રાંતિ ક્રિયેશન આ કામ કરવાની છે. લગભગ ૭૦ જણાની ટીમ આ કામમાં એવી લાગી જવાની છે કે આ વર્ષના અંત સુધીમાં તે રીલીઝ કરી શકાય. ૫૦ વર્ષ પહેલાં ‘પથેર પાંચાલી’નું નિર્માણ પશ્ચિમ બંગાળની સરકારે કર્યું હતું એટલે રંગીન ‘પથેર પાંચાલી’ની જે આવક થશે તેમાંથી તેને ભાગ મળશે.
‘પથેર પાંચાલી’ને રંગીન કરવાની વાત રાયના ચાહકોને મુદ્દલ ગમી નથી. એક બંગાળી ટીવી ચેનલ ‘૨૪ ઘંટા’એ એ માટે એક સર્વે કર્યો હતો તેમાં ૯૬ ટકા લોકોએ ‘પથેર પાંચાલી’ને રંગીન બનાવવાની વિરુદ્ધમાં મત આપ્યો હતો.
સત્યજિત રાયના પુત્ર સંદીપ રાય કહે છે કે ‘પથેર પાંચાલી’ની આજે આટલાં વર્ષો પછી પણ આંતરરાષ્ટ્રિય ફિલ્મ સર્કલમાં ખૂબ માંગ છે એટલે તેને રંગીન બનાવવા ઇચ્છે છે તેમની નઝર માત્ર પૈસા પર છે. ‘પથેર પાંચાલી’ને રંગીન બનાવાય તે સામે મૃણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા, ગૌતમ ઘોષ સહિતના સર્જકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. જો આ પ્રોજેકટ ચાલુ રખાશે તો આવનારા દિવસોમાં દેખાવો કરવાનું આયોજન થઈ રહ્યું છે.
શું થશે એ તો સમય આવ્યે ખબર પડશે, પણ ક્લાસિક કલાકૃતિઓ સાથે છેડછાડ ન થવી જોઈએ એવી મારી પણ દૃઢ માન્યતા છે. ‘મુગલે આઝમ’ને રંગીન બનાવવાની વાતો ચાલતી હતી એ અરસામાં અમદાવાદમાં એક મોબાઈલ કંપની દ્વારા ફિલ્મોત્સવ યોજાયો હતો. તેના પ્રચાર માટે ફારૂખ શેખ આવ્યા હતા.
‘જૂની ક્લાસિક ફિલ્મોને રંગીન બનાવવી એ યોગ્ય છે ખરું?’ એવો પ્રશ્ન મેં તેમને પૂછ્યો હતો. ફારૂખે ગોળગોળ જવાબ આપતાં કહ્યું હતું કે ‘ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તો ભલે થાય, બાકી ફિલ્મ તો ઓરિજિનલ જોવાની જ મઝા આવે.’
‘મુગલે આઝમ’અને ‘નયા દૌર’ રંગીન થઈ ચૂકી છે, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ અને ‘હમ દોનોં’ રંગીન થઈ રહી છે. બીજી ઘણી ફિલ્મો પણ રગીન થશે જ, પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને રંગીન કરવી એટલે ‘મોનાલીસા’ જેવા પેઈન્ટિંગ પર ફરીથી રંગ પૂરવા જેવી વાત થઈ કહેવાય. આવી ક્લાસિક ફિલ્મોમાં ચોક્કસ દૃશ્યોમાં લાઈટિંગનો વિશેષ ઉપયોગ કરીને જે પ્રભાવ ઊભો કરાતો, એ અસર એ જ ફિલ્મના રંગીન કરાયેલા દૃશ્યમાં ન જ આવી શકે.
‘પથેર પાંચાલી’ ૧૯૨૮માં વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયે લખેલી નવલકથા પર આધારિત છે. આ ફિલ્મ બનાવતી વખતે રાયે કેટલાક નિર્માતાઓનો સંપર્ક કર્યો હતો પણ કોઈએ રસ દાખવ્યો નહિ એટલે પોતાની વીમાની પોલિસી પર વ્યાજે નાણાં લઈને અને થોડાક રૂપિયા ઉછીના લઈને તેમણે નિર્માણ શરૂ કરી દીધું હતું. સખત નાણાંભીડ વચ્ચે એક તબક્કે ફિલ્મ નિર્માણ અટકાવી દેવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી, પણ અંતે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન બી. સી. રોયની ભલામણથી રાજ્ય સરકારે આ ફિલ્મ ખરીદી લીધી હતી. પછી સરકારની સહાયથી ફિલ્મ પૂરી થઈ શકી હતી.
એક તબક્કે નાણાંના અભાવે અટકી પડેલી આ ફિલ્મ કેટલા ખર્ચે બની હતી એ આંકડો ઉપલબ્ધ નથી, પણ એ રકમ થોડા લાખથી વધારે નહિ જ હોય. હવે તેને રંગીન કરનારાઓ તેની પાછળ સવા કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે…રાય હયાત હોત તો તેમનો પ્રતિભાવ કેવો હોત?

Read Full Post »

« Newer Posts