Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Time Machine’

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય કૌશલ્ય ધરાવતા હત્યારા હતા અને પોતે પણ તેમના જેવી જ અસામાન્ય શક્તિઓ ધરાવે છે. આમાંની એક શક્તિ એવી છે કે તે બંદૂકમાંથી છૂટતી ગોળીની ગતિને પકડી શકે છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી તેને માટે સ્લો-મોશનનો ખેલ છે.

Wanted જોતાંજોતાં એકાએક યાદ આવ્યું કે થોડાં વર્ષો પહેલાં “જનસતા” દૈનિકમાં “જિજ્ઞાસા અને કૌતૂક” નામની કોલમ હું લખતો. પહેલાં તે “રંગતરંગ” પાક્ષિકમાં પ્રગટ થતી. બાળકો અને કિશોરો માટેની એ કોલમમાં સમયની એક સેકન્ડને એક હજારમા ભાગમાં માપવાની વાત હતી. થોડી શોધખોળ પછી સદનસીબે એ લેખની મૂળ પ્રત મળી આવી. લેખનું શીર્ષક હતું “ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય તે જાણો છો?” તેમાંની થોડી વિગતો મુજબ જો આપણે સેકન્ડનો એક હજારમો ભાગ અનુભવગત કરી શકીએ તો કોઇ પક્ષી પાંખ ફફડાવતું હોય એ રીતે મચ્છરની પાંખનું હલનચલન જોઇ શકીએ. ટીવી પર એક્શન રિપ્લે કે ફિલ્મમાં સ્લો મોશનની જેમ અપણી આસપાસ બનતી ઘટનાઓને જોઇ શકીએ. વાસ્તવિક જીવનમાં આપણે દરેક ક્રિયાને સમયની સામાન્ય ગતિમાં બનતી નિહાળીએ છીએ. સમયની આ ગતિને જેટલી ઓછી ઝડપે આપણે પામી શકીએ તેટલી કોઈ પણ ક્રિયાને ધીમી ગતિએ બનતી નિહાળી શકીએ. જો ખરેખર એવું બને તો બહુ રમૂજી અને વિકટ સ્થિતિ ઊભી થાય.

“ટાઇમ મશીન” (Time Machine)ના સર્જક એચ. જી. વેલ્સ (H. G. Wells)ની એક વિજ્ઞાનકથામાં બે યુવાનો ભૂલથી એક દવા પી જાય છે. તેની તેમના પર એવી અસર થાય છે કે તેમને દરેક ક્રિયા ધીમી ગતિએ થતી દેખાય છે. જેમ કે હવાને કારણે સામાન્ય સંજોગોમાં બારીનો પડદો ફરફરતો હોય, પણ ધીમી ગતિવાળા જગતમાં હવા આવે, પડદા સાથે અથડાય, પડદો પણ જાણે તેને કોઇ ઉતાવળ ન હોય તેમ, તેનો એક છેડો નિરાંતે ઊંચો થાય, ઊંચો થયા પછી એ જ સ્થિતિમાં થોડી વાર સ્થિર રહે, પછી ધીમે ધીમે નીચો આવે. હાથમાંથી કાચનો ગ્લાસ છટકી જાય, તો તરત નીચે પડીને ભુક્કો થવાને બદલે ધીમે ધીમે નીચે જતો, જમીનને અથડાતો અને ટુકડાઓમાં વેરાતો જોઇ શકાય. આવું તો દરેકે દરેક ક્રિયા વિષે કલ્પી શકાય.

વાસ્તવિક જીવનમાં એક સેકન્ડ કે પછી આંખનો પલકારો આપણા માટે સમયનો નાનામાં નાનો એકમ હોઇ શકે, ત્યારે પ્રશ્ન એ થાય કે સેકન્ડનો એક હજારમો ભાગ માપી શકાય ખરો? તેનો જવાબ એ છે કે સેકન્ડનો એક હજારમો નહિ, પણ દસ હજારમો ભાગ વીસમી સદીના આરંભે જ માપી શકાતો હતો. આજે તો આધુનિક સાધનોની મદદથી સેકન્ડનો એકસો અબજમો ભાગ પણ માપી શકાય છે. તે કેટલો સૂક્ષ્મ હોય તે સમજવું હોય તો કહી શકાય કે ત્રણ હજાર વર્ષની સરખામણીમાં એક સેકન્ડ જેટલી તેની સૂક્ષ્મતા હોઈ શકે.

ફિલ્મ “વોન્ટેડ”ના સંદર્ભમાં જોઈએ તો બંદૂકમાંથી ગોળી છૂટે એટલે સામાન્ય માણસ તો ગોળી છૂટવાનો અવાજ સાંભળી શકે અને નાળચામાંથી નીકળતો ધુમાડો જોઈ શકે, પણ ગોળીને જતી જોઇ શકે નહિ, કારણ કે ગોળીની એટલી ઝડપ હોય, પણ સમયને જો કોઇ વધુમાં વધુ નાના એકમમાં પામી શકે તો તેની નજરથી ગોળી અળગી થઈ શકે નહિ, પણ ઇશ્વરનો આભાર કે આવું બધું વિજ્ઞાનકથાઓમાં કે ફિલ્મોમાં જ બની શકે છે…

એક રસપ્રદ યોગાનુયોગ એ થયો કે “જનસત્તા”માં આ લેખ બરાબર ૧૯૯૩ની ૧૨ સપ્ટેમ્બરે રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં પ્રગટ થયો હતો.

Read Full Post »