
સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર
જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ અર્થ જ નથી, પણ જે કેટલીક બાબતોને લઈને સતત મનોમન સરખામણી થતી રહે તે છે લોકોની સ્વચ્છતા જાળવવા પ્રત્યેની જાગૃતિ, ટ્રાફિક વગેરેના નિયમોના પાલનમાં ડિસિપ્લિન અને ખાસ તો લોકોની બેઝિક પ્રામાણિકતા.
આપણે ભલે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના ઢોલ પીટતા રહીએ, અને એના માટે આપણે ગૌરવ લેવું જોઇએ એમાં પણ બેમત નથી, પણ ઉપર્યુક્ત સહિતની કેટલીક એવી બાબતો છે, જેના અંગે આપણે બહુ ગૌરવ લઈ શકીએ તેમ નથી. આ બધી બાબતોના પાલનમાં ત્યાં કોઇ કશી ચૂક નથી કરતું એવું કહેવાનો કોઇ આશય નથી, પણ ત્યાં એ પ્રમાણ કદાચ એટલું ઓછું છે કે તે દેખાઇ આવતું નથી.
જર્મનીથી આવ્યા પછી પહેલી વાર એક મોલમાં જવાનું થયું. પત્ની પાસે પર્સ હતું. સુરક્ષાકર્મીએ પર્સને એક બેગમાંમુકાવ્યા પછી એ બેગને સીલ કરીને આપી. આવે સમયે જર્મની યાદ આવે જ. ત્યાં મોલ કે સુપર માર્કેટમાં જઈએ ત્યારે સાથે ગમે તેટલા થેલા-થેલી હોય, સાથે જ રાખવાનાં. બહાર ક્યાંય જમા કરાવવાની કડાકૂટ નહિ. એક સ્ટોરમાંથી કંઇ ખરીદી કરી હોય તે પણ સાથી રાખવામાં કોઇને વાંધો નહિ. બહાર નીકળતી વખતે ક્યાંય કશું ચેકિંગ નહિ, કંઇ નહિ. આનો અર્થ એવો પણ નથી કે ત્યાં રામરાજ્ય છે. શોપ-લિફ્ટર્સને પકડી પાડવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે, અને એવા લોકો પકડાતા પણ હોય છે, પણ તે છતાં સ્ટોરમાં આવશે તે દરેક માણસ ચોરી કરી જશે એવું માનીને તેમની પાસેનાં પર્સ કે બેગ બહાર મુકાવી દેવાતાં નથી.
જર્મનીમાં જાણ્યું કે ત્યાં ટ્રેનો અને બસો વગેરેમાં જે લોકો પોતાની કોઇ ચીજવસ્તુઓ ભૂલી ગયા હોય તે કોઇને મળે તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવી દે. ત્યાંથી એ વસ્તુ પરત મળી જાય. લોકોનાં લેપટોપ પણ આ રીતે પરત મળ્યાના દાખલા છે. આપણે ત્યાં પણ લોકોની પ્રામાણિકતા સાવ મરી પરવારી છે એવું તો કહી શકાય તેમ છે જ નહિ. ફરક કદાચ એ છે કે આવી કોઇ ઘટના બને છે ત્યારે એ છાપાના સમાચાર બની જાય એવી જવલ્લે બનતી ઘટના બની ગઈ છે.
બાકી ગઠિયાઓ તો બધે જ હોવાના. જર્મનીમાં એક મહિના દરમ્યાન એવો કોઇ ખાસ અનુભવ નથી થયો, પણ કહે છે કે ઇટાલી સહિત યુરોપના કેટલાક દેશોમાં બહુ સાચવવું પડતું હોય છે…