Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Vadodara’

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરામન રામકૃષ્ણન ઉર્ફે વેન્કીને આ વર્ષે કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક મળ્યા પછી સતત સમાચારોમાં છવાયેલા છે. તેમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને નોબેલ મળ્યા પછી ભારતવાસીઓએ તેમના પર ઇ-મેઇલનો જે મારો ચલાવ્યો છે તેનાથી તેઓ કંટાળી ગયા છે, પણ કોઇએ તેમને કહેવું જોઇએ કે આ તો હજી શરૂઆત જ છે. નોબેલ જેવા પારિતોષિક સાથે જે કેટલાંક અનિવાર્ય અનિષ્ટો પેકેજ ડીલ તરીકે મળે છે એનો આ એક ભાગ જ છે.

વર્ષો પહેલાં વાર્તા સામયિક “ચાંદની”ના સહ-સંપાદક તરીકે કાર્યરત હતો ત્યારે એક લેખ “નોબેલ પારિતોષિક કાંટાળો તાજ છે?”  લખવાનું થયું હતું. તે  “ચાંદની”ના ૧૯૮૬ની ૭ ડિસેમ્બરના અંકમાં પ્રગટ થયો હતો.  લેખનો એક સૂર એ હતો કે નોબેલ પારિતોષિક આપવાનો મૂળ હેતુ “નાણાંના અભાવે કામ અટકી ન પડે” તે જાણે બર આવતો જ નથી. ઊલટું આ પારિતોષિક જ તેમના માર્ગમાં આડું આવતું હોય છે. વિગ્નાનના ક્ષેત્રે તો આવા અનેક દાખલા મળી આવે છે કે નોબેલ જીત્યા પછી વિગ્નાનીઓ પોતાના ક્ષેત્રે ખાસ કંઇ ઉકાળી શક્યા ન હોય. ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે નોબેલ મળ્યા પછી વિગ્નાની “અતિ વિશિષ્ટ” વિગ્નાનીઓના વર્ગમાં આવી જાય છે, અને માન-સન્માન, પ્રતિષ્ઠા અને નાણાં મળતાં તેને પોતાને એમ લાગવા માંડે છે કે હવે કંઇ કરવાનું બાકી રહેતું નથી.

જે વિગ્નાનીઓને નાની ઉંમરે નોબેલ મળી જાય છે તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું? અમેરિકન વિગ્નાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ મળી ગયું હતું. તેમને નોબેલ મળ્યાની જાણ થતાં તેમનો પહેલો પ્રતિભાવ એ હતો કે “હવે હું આખી જિંદગી શું કરીશ?”

આજે ઇ-મેઇલના જમાનામાં વેન્કી જેવા વિગ્નાની પર ઇ-મેઇલનો મારો થાય છે, જૂના સમયમાં વિજેતાઓ પર પત્રોનો મારો થતો. બધા પત્રોના કદાચ જવાબ ન આપે તો પણ ઘણા પત્રોના જવાબ આપવા પડે તેમ જ હોય. તેમાં ઘણો સમય વેડફાય. એક નોબેલ વિજેતા વિગ્નાની ડો. ક્રિકે તો પત્રોના જવાબ આપવામાં સમય ન બગડે તે માટે એક છાપેલું ફોર્મ જ રાખ્યું હતું. તેમાં નિશાની કરીને તે મોકલી આપતા.

મેડમ ક્યુરીને બે વાર નોબેલ મળ્યું હતું. તેઓ કહેતાં કે “પત્રોના મારાએ અમારા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મહામહેનતે હું “ના” પાડી શકું છું. જવાબ આપવા તો દૂર રહ્યા, પત્રો વાંચવામાંય ખૂબ સમય લાગે છે. ”

નોબેલ મળ્યા પછી વિગ્નાનીઓની કામ કરવાની પદ્ધતિમાં પણ પરિવર્તન આવી જાય છે. પછી તેઓ નાનાંમોટાં કામમાં તો હાથ પણ નથી નાખતા. ઓછાં મહત્ત્વનાં રિસર્ચ પેપરોમાંથી પોતાનું નામ પણ કઢાવી નાખે છે. બીજી બાજુ તેમનાં સંશોધન કાર્ય સિવાય બીજાં ઇત્તર કાર્યોમાં તેમનો વધુ સમય વીતવા માંડે છે.

૧૯૦૧થી ૨૦૦૯ સુધીનાં વર્ષો દરમ્યાન અસંખ્ય વિગ્નાનીઓને નોબેલ પારિતોષિકો મળ્યાં છે. તેમાંથી કેટલાને પારિતોષિક ફળ્યું અને તેમણે નવી સિદ્ધિઓ હાંસલ કરી અને કેટલાને માટે તે કારકિર્દીના પૂર્ણવિરામરૂપ બની રહ્યું એ પણ એક રસપ્રદ અભ્યાસનો વિષય બની શકે…

Read Full Post »